નો રીટર્ન-૨ ભાગ-૮૪ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુરાઈ

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ફરે તે ફરફરે - 19

    ફરે તે ફરફરે - ૧૯   ફરીથી વિ. શાંતારામ યાદ આવી ગયા . એમ...

  • નાયિકાદેવી - ભાગ 26

    ૨૬ રાતના આવનારા ગંગ ડાભીના કહેવા પ્રમાણે કાફલો પાછો ફર્યો. ગ...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૨

    SCENE 2[ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલાના હાથમાં ફોન છે વિડીયો કોલ...

  • ભાગવત રહસ્ય - 66

    ભાગવત રહસ્ય-૬૬   ભીષ્મે કરેલી સ્તુતિ અનુપમ છે. એને ભીષ્મસ્તવ...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૮૪

નો રીટર્ન-૨

ભાગ-૮૪

કારણકે... અમારી પાસે ગોળીઓનો પુરતો જથ્થો નહોતો. જે એમ્યૂનિશન બચ્યું હતું એ માત્ર થોડી મિનિટો જ અમારો સાથ દઇ શકે તેમ હતું. બહું જલ્દી અમારા હથીયાર નકામાં થઇ જવાનાં હતાં. માત્ર એકાદ રાઉન્ડ ફાયરીંગ થઇ શકે એટલી જ ગોળીઓ બચી હતી અને એનું કારણ પેલા આદીવાસીઓ સાથે જે મુકાબલો થયો હતો એ હતું. આદીવાસીઓ સાથેની લડાઇમાં અમારો તમામ સામાન ત્યાં જ છૂટી ગયો હતો. તેમાં ગોળીઓનાં બોક્સ પણ સાથે હતાં.

“ કોણ છે એ લોકો...? “ અનેરીએ મને પુંછયું.

“ મને શું ખબર..! “ દોડતાં જ હું બોલ્યો. એ દરમ્યાન અમે ઘોડા નજીક પહોચી ગયા હતાં. મેં તુરંત રાઇફલ હાથ વગી કરી અને તેનો સેફ્ટી કેચ ખેંચીને સામેની દીશામાં આંધાધૂંધ ફાયરીંગ ચાલું કરી દીધું. શક્તિશાળી રાઇફલમાંથી થતાં ધાણીફૂટ ગોળીબારે ઘડીકમાં તો સપાટો બોલાવી દીધો. એ તરફ એકાએક ખામોશી છવાઇ. કદાચ તેમણે આટલાં ભયાનક વળતાં હુમલાની આશા નહી રાખી હોય.

“ પવન, એમની પાસે બંદૂકો છે, એટલે આદીવાસી લોકો તો નહીં જ હોય.. “ અનેરીએ તર્ક લડાવ્યો. તેનો તર્ક સાંભળી એક ઝટકો લાગ્યો મને. ઓહ ગોડ... આ વાત તો મારા ધ્યાનમાં આવી જ નહોતી. મારું માથું ઠનકયું અને ભયંકર આશ્વર્યથી હું અનેરી સામું જોઇ રહયો. આ વિચાર પહેલાં મને કેમ ન ઉદભવ્યો..? કોણ હતાં એ લોકો..? અને તેઓ અમારી ઉપર ફાયરીંગ શું કામ કરતાં હતાં...? એથી પણ મહત્વની વાત એ હતી કે આટલાં ઘનઘોર અને વિચિત્ર જંગલમાં બંદૂકો રાખી શકે એવાં માનવીઓ આવ્યાં ક્યાંથી...? મારી આંગળી રાઇફલનાં ટ્રિગર ઉપર જ સ્થિર રહી ગઇ અને હું વીચારે ચડી ગયો. શું એ લોકો અમારો પીછો કરતાં અહીં સૂધી આવ્યાં હતાં...? જો એમ હોય તો એ બાબત ઘણી ગંભીર બની જતી હતી.

પણ, વધું વિચારવાનો મને મોકો મળ્યો નહી. મારું ફાયરીંગ બંધ થતાં તુરંત સામેની તરફથી ગોળી વરસવા લાગી. મેં સાવધાની વરતતાં અમારા ઘોડાને ત્યાંથી દૂર હંકારી મુકયો અને અમે બન્ને એ સૂકા ઝાડની પાછળ ભરાઇ ગયાં. મારી પાસે હવે એક જ મેગેઝીન વધ્યું હતું જેનો બહું સંભાળીને ઉપયોગ કરવાનો હતો. જો અમારી ગોળીઓ ખતમ થઇ જાય તો પછી આ જંગલમાં અમારાં મોતને કોઇ રોકી શકવાનું નહોતું કારણકે પછી લડવા માટે અને હુમલાખોરોથી બચવાં માટે કોઇ હથીયાર અમારી પાસે બચતાં નહોતાં. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઇએ એ વિચારમાં હું પડયો.

મારી જેમ કાર્લોસ પણ મુંઝવણમાં મુકાયો હતો અને તેને પણ પ્રશ્ન થયો હતો કે અચાનક આ કોણ લોકો હલ્લો કરી રહયાં છે..? એ કાબો માણસ હતો. વધું વિચાર્યા વગર તેણે સામનો કરવામાં ધ્યાન પરોવ્યું હતું.

બહું જલદી પહેલાં રાઉન્ડનું ફાયરીંગ સમાપ્ત થયું હતું. બન્ને દિશામાં સન્નાટો પ્રસર્યો હતો. કાર્લોસની ગોળીઓ ખતમ થઇ ગઇ હતી અને એના પાસે જે રાઇફલ હતી એનું મેગેઝીન પણ પુરું થયું હતું. હવે તેની પાસે ફક્ત પિસ્તોલ બચી હતી અને મારી પાસે એક રાઉન્ડ ગોળીઓ. અમે મુંઝવણમાં મુકાયા કે હવે શું કરવું...? પરંતુ... અમારી જેમ એ લોકો પાસે પણ હથીયાર ખૂટી પડયાં હતાં જેની અમને ખબર નહોતી. એ લોકોએ એટલે જ ફાયરીંગ રોકયું હતું. ઘડીભરમાં તો એક સન્નાટો બન્ને તરફ વ્યાપી ગયો હતો. બપોરનાં ધોમધખતાં સૂરજનાં કિરણો રૂપી વરસતો તડકો અને એ તડકામાં છવાયેલી લડાઇ બાદની ખામોશી, આવનારા કોઇ ભયાનક સમયની એંધાણી વર્તાવતાં હતાં. અમારા બધાનાં હદય જોર જોરથી ધડકતાં હતાં.

“ પવન, હવે...? “ અનેરીએ અનેક કુશંકા સાથે મને પુછયું. એ મારી પીઠ પાછળ સંતાયેલી હતી.

“ હું પણ એ જ વિચારું છું. “ મેં કહયું અને આંખો ઝીણી કરીને સામેની દિશામાં થતી હલચલ નિરખવા લાગ્યો. એ તરફ બે ઝાડ હતાં. હુમલાખોરો એ ઝાડ પાછળથી જ હુમલો કરતાં હતાં. જો હું એ ઝાડની નજીક પહોચી જાઉં તો ચોક્કસ કંઇક થઇ શકે એમ હતું પણ, એ મોતને હથેળીમાં રમાડવાની વાત હતી. ખૂલ્લા વગડા જેવાં વિસ્તારમાં ત્યાં સુધી દોડતાં જવું લગભગ અશક્ય જ હતું. એ લોકો તો મને જીવતો જ ભૂંજી નાંખે. મે કાર્લોસની દિશામાં જોયું. એ પણ ખામોશ થઇને કશુંક વિચારતો હતો. અમારી બન્નેની નજર આપસમાં ટકરાઇ. મેં ઇશારાથી પુંછયું કે શું કરવું છે...? તેણે આંખો ઘૂમાવીને કંઇક કહ્યું. તે પણ મારી જેમ પેલાં લોકો સુધી પહોંચવા ઇચ્છતો હતો. ઇશારાથી જ મેં તેને કવર કરવાનું જણાવ્યું અને તુરંત સામેની દિશામાં ફરીથી ગોળીઓ છોડી, એ દરમ્યાન કાર્લોસ પથ્થરની આડાશેથી બહાર નિકળીને એ તરફ દોડયો. તેની પાછળ ક્રેસ્ટો પણ કમરેથી ઝૂકીને દોડયો હતો. ફાયર સમાપ્ત થાય એ પહેલાં તે લોકો પેલાં ઝાડની સાવ નજદીક પહોંચી ગયા હતાં અને ત્યાં સંતાયેલા માણસો કોઇ હરકત કરે એ પહેલાં તો એમની ઉપર રીતસરનાં તૂટી પડયાં હતાં.

એ હુમલો સાવ અણચીંતવ્યો હતો. કાર્લોસ અને ક્રેસ્ટો હુમલાખોરો જ્યાં છૂપાયા હતાં એ ઝાડની બીલકુલ નજીક પહોચ્યાં હતાં અને જેવું મેં ફાયરીંગ રોક્યું એ સાથે જ કાર્લોસ ઝાડ પાછળ છૂપાયેલા વ્યક્તિ ઉપર ઝપટી પડયો હતો. એ દરમ્યાન ક્રેસ્ટો નજીકમાં જ દેખાતાં બીજા ઝાડ તરફ લપકયો હતો.

હવે સિચ્યૂએશન એવી સર્જાઇ હતી કે હુમલાખોરો, એટલે કે રોગન અને ક્લારા પાસે પણ ગોળીઓ ખૂટી ગઇ હતી. તેઓ પણ વિચારમાં હતાં કે આગળ શું કરવું...? જો તેમણે સાવધાનીથી એ લોકોનો પીછો કર્યો હોત તો કદાચ ગોળીઓ ખતમ ન થાત પરંતુ અહીનાં ખૂલ્લા વિસ્તારમાં એ શક્ય બનવાનું નહોતું. ઉપરથી મેં તેમને જોઇ લીધા હતાં એટલે પછી એનો કોઇ અર્થ પણ સરવાનો નહોતો. નાં છૂટકે તેમણે હલ્લો કરવો પડયો હતો અને જે થોડુંઘણું એમ્યૂનિશન બચ્યું હતું એ પણ સમાપ્ત થઇ ગયું હતું. મતલબ કે બન્ને તરફ સરખી પરિસ્થિતિ ઉદભવી હતી. એકમાત્ર એના અને મારી પાસે કહેવા પુરતી ગોળીઓ હતી.

કાર્લોસ જેની ઉપર ઝપટયો એ રોગન હતો. રોગનને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે કાર્લોસ એકાએક તેની સુધી પહોંચી જશે..! તેને તો એમ જ હતું કે એ ઘણે દુરથી તેની ઉપર ફાયરીંગ કરી રહયો છે. એટલે જ તે સાવ અસાવધ હતો જેનો પૂરેપૂરો ફાયદો કાર્લોસે ઉઠાવ્યો હતો. રોગન ઝાડની ઓથેથી જેવો થોડોક બહાર નિકળ્યો કે કાર્લોસે તેનાં ચહેરા ઉપર એક જોરદાર મુક્કો રસીદ કરી દીધો. છ ફૂટ ઉંચા અને અસીમ તાકત ધરાવતાં કાર્લોસનાં એક જ મુક્કે રોગનને ધોળે દિવસે તારા દેખાવા લાગ્યાં. પ્રહાર સીધો જ તેનાં નાક ઉપર થયો હતો એટલે રોગનને તમ્મર આવી ગયાં. તેનાં પગ આપોઆપ જ પાછળ ધકેલાયા અને તેની આંખોમાં આસું ઉભરાઇ ગયાં. બીજો કોઇ સામાન્ય માનવી હોત તો કાર્લોસનાં એક જ મુક્કે ઢેર થઇને ત્યાં જ પડી ગયો હોત, પરંતુ આ રોગન હતો. પોતાનાં જીવનમાં તેણે આનાથી પણ ભયંકર પરિસ્થિતિઓનો કેટલીય વખત સામનો કર્યો હશે, એટલે બહું જલદી તે સ્વસ્થ થયો હતો. એ દરમ્યાન કાર્લોસ રીતસરનો રોગન ઉપર ધસી ગયો. તે રોગનને સંભળવાનો મોકો દેવા માંગતો ન હતો. તેણે ફરીથી મુક્કો મારવા પોતાનો હાથ ઉગામ્યો અને ભારે વેગથી મુક્કો વિંઝયો... પરંતુ આ વખતે રોગન સાવધ હતો. મુક્કો તેનાં મોઢા સાથે ટકરાય એ પહેલાં જ તેણે પોતાનાં ગોઠણ વાળ્યાં અને નીચે ઝૂકીને વાર ચૂકવ્યો... સાથો-સાથ મુઠ્ઠી વાળી, કચકચાવીને એક મુક્કો કાર્લોસનાં પેટનાં ભાગે રસીદ કરી દીધો. “ ધફફફ... “ અવાજ થયો અને કાર્લોસ બેવડ વળી ગયો. તેનાં પેટનાં આતરડામાં જાણે ભૂકંપ આવ્યો હોય એમ ખળભળાટ મચી ગયો. એવું લાગ્યું કે કોઇકે હાથ નાંખીને આતરડાનો સમસ્ત જથ્થો જ બહાર ખેંચી લીધો હોય. તે કરાહી ઉઠયો.. પોતાનાં બન્ને હાથ પેટ ઉપર દબાવતાં તે બેસી પડયો. “ દરમ્યાન રોગને નજીક જઇને કાર્લોસનાં વાળને પોતાની મુઠ્ઠીમાં ભર્યા અને તેનું માથું પોતાનાં ગોઠણ સાથે અફાળ્યું. જાણે કોઇ નાળીયેરને પથ્થર સાથે અફળાવીને ફોડવાનું હોય એવી એ ચેષ્ટા હતી. કાર્લોસની નસકોરી ફૂટી અને તેનાં નાકમાંથી લોહીની ધાર થઇ કપડા ઉપર રેળાઇ. રોગન હવે કાર્લોસને કોઇ મોકો આપવાનાં મુડમાં નહોતો. તેણે ફરીથી વાર કરવા હાથ ઉગામ્યો... એ સમયે થોડે દૂર એક બીજી લડાઇ ચાલતી હતી.

થયું એવું હતું કે... કાર્લોસ જ્યારે રોગન ઉપર ઝપટયો ત્યારે ક્રેસ્ટોએ બીજા ઝાડની પાછળ સંતાયેલાં એભલ અને ક્લારા તરફની રૂખ કરી હતી. તેનો સાત હાથ ઉંચો દેહ કોઇપણ રીતે અસ્તો રહેવાનો નહોતો એટલે ખૂલ્લા મેદાનમાં લડવા સીવાય તેનો કોઇ આરો નહોતો. બીજા ઝાડ પાછળ સંતાયેલા લોકો સતર્ક થાય એ પહેલાં ક્રેસ્ટો ત્યાં પહોંચી જવાં માંગતો હતો અને એટલે તે કાર્લોસને છોડીને એ તરફ લપકયો હતો. સૌથી પહેલાં એભલે તેને જોયો અને હૈરતથી તેનું મોં ખૂલી ગયું. તેણે આ જન્મારે આટલો ભીમકાય માણસ ક્યારેય નિહાળ્યો નહોતો. તે હેબતાઇ ગયો. બરાબર એ સમયે જ ક્લારાએ પણ ક્રેસ્ટોને આવતો જોયો. તેની પાસે પિસ્તોલ હતી પરંતુ તેમાં ગોળીઓ નહોતી. તેણે રોગનની દિશામાં જોયું અને આખો માજરો તે સમજી ગઇ. જે કાર્લોસને તે મારવા ઇચ્છતી હતી એ કાર્લોસ અત્યારે રોગન સાથે બથ્થમબથ્થામાં પોરવાયો હતો.

કાર્લોસે તેનાં પિતાને માર્યા હતાં. તેણે પ્રણ લીધું હતું કે તે કાર્લોસને પોતાનાં હાથે મારશે. કાર્લોસને આટલો નજીદીક આવેલો ભાળીને તેનાં દાંત ભિંસાયા હતાં, પરંતુ કાર્લોસ સુધી પહોંચવા તેણે ક્રેસ્ટો જેવા વિકરાળ આદીમાનવને પરાસ્ત કરવો પડે એમ હતો. અચાનક તેણે એભલ સામું જોઇને બુમ પાડી...

“ એભલ... સંમ્ભાલ... “ અને પગમાં ખોસેલા નાનકડા ચાકુને લઇ તે ક્રેસ્ટોથી ઉલટી દિશામાં ભાગી.

( ક્રમશઃ )

રહસ્ય અને રોમાંચ એ હંમેશા મારો પ્રિય વિષય રહયો છે. હું એટલે જ એવું લખી શકતો હોઇશ. મારા વાચકમિત્રોને પણ એ કહાનીઓ અનહદ પસંદ આવી રહી છે એ જોઇને મને ખરેખર આનંદ થાય છે.

માતૃભારતી ઉપર “ અંગારપથ “ વન્સ અપોન ઇન ગોવા... એક સસ્પેન્સ થ્રિલર ગયાં સોમવારથી શરૂ થઇ છે. જો આપે ન વાંચી હોય તો વાંચજો અને કહાની કેવી છે એ ભૂલ્યાં વગર જણાવજો. તમારો અભિપ્રાય મારા માટે ઘણું અગત્ય ધરાવે છે માટે કોમેન્ટ કરવાનું ભૂલતાં નહી.

ઉપરાંત,

રેટીંગ ચોક્કસ આપજો.

જો આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

પણ ચોક્કસ ગમશે.