પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 16 Munshi Premchand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 16

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(16)

લૈલા

લૈલા કોણ હતી, ક્યાંથી આવી હતી અને શું કરતી હતી તેની

કોઇને કશી ખબર ન હતી. એક દિવસ લોકોએ એક અનુપમ સૌંદર્યને

તેહરાનના ચૌટામાં ચક ઉપર હાફિઝની ગઝલ ઝૂમી ઝૂમીને ગાતાં જોયું -

‘‘રસાદ મુજરા કિ ઐયામે ગમ ન ખ્વાવહા માંદ;

ચૂના ન ર્માંદ, ચૂની નીજહમ ન ખ્વાહદ ર્માંદ.’’

એ લૈલા હતી. સમગ્ર તેહરાન એના પર ફીદા હતું. ઉષાની પ્રફુલ્લ

લાલિમા જેવું એનું સૌંદર્ય હતું. બુલબુલના ટહુંકા જેવો મીઠો એનો કંઠ હતો.

લૈલા...લૈલા કાવ્ય, સંગીત. સૌરભ અને સુષ્માની એક મનોરમ પ્રતિમા હતી. એ

પ્રતિમા સામે ગરીબ અમીર અને નાના મોટાનાં મસ્તક ઝૂકી જતાં હતાં. એ ગાતી

ત્યારે મંત્ર મુગ્ધ થઇ સૌ મસ્તક ડોલાવતા. એ એની શાયરીમાં સંતોષ અને પ્રેમના

આવનારા સામ્રાજ્યને આલાપતી એ રાજાને મોહ નિદ્રામાંથી જગાડીને કહેતી હતી

કે આ ભોગવિલાસ ટકવાના નથી ઝાઝા! પ્રજાની સુષુપ્ત અભિલાષાઓને જાગૃત

કરતી હતી એ. એની હૃદય જંત્રીને પોતાના સ્વરોથી રણઝણાવતી હતી. સમયનો

પોકાર સાંભળીને વિક્લ થતા શૂરવીરોની અમર કીર્તિ સંભળાવતી હતી. કુળની

લાજ સાચવવા મરી મિટનારી વિદુષીઓનો મહિમા ગાતી હતી. એનો અનુરક્ત

સૂર સાંભળીને સાંભળનારનાં હૈયાં થંભી જતાં હતાં. જાણે!

આખું તેહરાન લૈલા પાછળ પાગલ હતું. કચડાયેલી પ્રજા માટે એ

આશાનો દિપક હતો. રસિક લોકો માટે એ સ્વર્ગની અપ્સરા હતી. ધનવાનો માટે

એ આત્માની જાગૃતિ હતી અને સત્તાધીશો માટે દયા અને ધર્મનો સંદેશ હતી.

એની નજરના એક માત્ર ઇશારે લોકો અગ્નિમાં કૂદવા તૈયાર હતા.

એનું અનુપમ સૌંદર્ય અમૃત જેવું પવિત્ર, હિમ જેવું શુભ્ર અને

નિષ્કલંક અને નવપલ્લવિત કુસુમકળી જેવું અનિંદ્ય હતું. એના એક પ્રેમ

કટાક્ષ પર સોનાના પહાડ ખડકાઇ જતા હતા. ભલભલી સત્તા પગની ધૂળ

ચાટતી, વિદ્વાનો ઘૂંટણે પડી જતા, કવિઓનાં કાળજાં કોરાઇ જતાં. પણ લૈલા

કોઇની સામે ઊંચી આંખ કરીને જોતી પણ ન હતી. એ નીલાંબર નીચે એક

ઘટાદાર વૃક્ષની છાયામાં નિવાસ કરતી હતી. ભિક્ષા માગીને ભૂખ મિટાવતી

હતી અને સદૈવ એની હૃદય વીણાના તાર ઝણઝણાવતી હતી. કવિની કવિતા

જેવી એ માત્ર નિર્વ્યાજ આનંદ અને પવિત્ર પ્રકાશની વસ્તુ હતી.

ભોગવિલાસની નહીં. એના હૈયામાં કલ્યાણની ભાવના અંકુરિત થઇ હતી.

જેને સ્પર્શી ના શકાય અને ખરીદી ના શકાય એવી ઋષિમુનિઓના

આશીર્વાદની પ્રતિમા હતી એ.

એકવાર નમતા પહોરે તેહરાનનો શાહજાદો નાદિર ઘોડા ઉપર

સવાર થઇ ત્યાંથી પસાર થયો. લૈલા ગીત આલાપતી હતી. નાદિરે મધુર

આલાપ સાંભળ્યો અને એણે ઘોડાની લગામ ખેંચી. ઘણીવાર સુધી એ

ખોવાયેલી દશામાં ઊભો ઊભો સાંભળી રહ્યો. ગઝલ નો શેર હતો -

‘‘મેરા દેર્દેસ્ત અંદર દિલ, અગર ગોયમ જબાં શોજદ;

વગર દમ દરકશમ, તરસમ કી મગઝો ઉસ્તખ્વાં સોજદ’’

પછી ઘોડા ઉપરથી ઉતરીને એ નીચું જોઇ બેસી ગયો અને રડવા

લાગ્યો. પછી એણે ઉઠીને લૈલા પાસે જઇ એનાં ચરણોમાં માંથું મૂકી દીધું.

લોકો અદબપૂર્વક ત્યાંથી દૂર હડી ગયા.

લૈલાએ પૂછ્યું - ‘‘કોણ છો તમે?’’

‘‘તમારો ગુલામ’’ નાદીરે ઉત્તર આપ્યો.

‘‘શી ઇચ્છા છે આપની?’’

‘‘આપની સેવા કરવાની આશા. આપ મારી ઝુંપડીએ પગલાં

પાડો, એ જ અભિલાષા છે.’’

‘‘મને એ ગમતું નથી.’’ લૈલાએ કહ્યું.

શાહજાદો બેસી ગયો. લૈલાએ ફરી સૂર છેડ્યો. પણ જાણે વીણાનો

તાર તૂટી ગયો હોય એમ એનું ગળું કંપવા લાગ્યું. તેણે નાદિરને ત્યાં નહીં

બેસવા વિનંતી કરી.

ત્યાં હાજર રહેલા કેટલાક માણસોએ શાહજાદાની ઓળખાણ

આપતાં લૈલાને કહ્યું - ‘‘લૈલા, આ તો આપણા શાહજાદા નાદિર છે.’’

બેફિકરાઇથી લૈલાએ કહ્યું - ‘‘ખૂબ સરસ! પણ અહીં શાહજાદાનું

શું કામ છે? એમને માટે તો મહેલ છે, મહેફિલ છે અને મદિરા છે. હું તો

શોખીનો માટે ગાતી નથી. હું તો ગાઉં છું જેમના દિલમાં દર્દ છે, વ્યથા છે,

વેદના છે એમના માટે.’’

શાહજાદાએ ઉન્મતભાવે પ્રશ્ન કર્યો - ‘‘લૈલા, તમારા એક સૂર

પાછળ હું મારું સર્વસ્વ કુરબાન કરવા તૈયાર છું. હું તો શોખમાં રાચનારો

પ્યાલો હતો પણ તમે દર્દનો સ્વાદ ચખાડી દીધો.’’

લૈલા ગાવા લાગી ફરી, પણ હવે એના વશમાં ન હતી.

લૈલાએ ચંગ ગળે મૂકી દીધું. અને તે તેના નિવાસસ્થાને ચાલી

ગઇ. શ્રોતાઓ પણ વિખરાઇ ગયા. કેટલાક તેની પાછળ પાછળ પેલા વૃક્ષ

હેઠળ ગયા. જ્યારે એ એની ઝુંપડીએ પહોંચી ત્યારે સૌ પાછા ફર્યાં. માત્ર

એક માણસ એની ઝુંપડીથી થોડાંક ડગલાં ચૂપચાપ ઊભો હતો.

લૈલાએ કહ્યું - ‘‘તમે?’’

‘‘હું તમારો ગુલામ નાદિર!’’

લૈલાએ કહ્યું - ‘‘તમને ખબર નથી કે હું મારી શાંતિના

સામ્રાજ્યમાં કોઇને પ્રવેશવા દેતી નથી?’’

‘‘એ તો અનુભવી રહ્યો છું.’’

‘‘તો પછી શા માટે બેઠા છો?’’

‘‘ઇચ્છાનો ગુલામ છું એટલે.’’

‘‘કશું ખાઇને આવ્યા છો?’’

‘‘હવે તો નથી ભૂખ કે નથી તરસ.’’

લૈલાએ કહ્યું - ‘‘આવો, આ ગરીબોનું ખાણું તો ખાઇ જુઓ

આજે!’’

નાદિર ના પાડી શક્યો નહીં. બાજરાના રોટલા એને આજે મીઠા

લાગ્યા. એને થયું કે આ વિશાળ વિશ્વમાં કેટલો બધો આનંદ ભર્યોભર્યો છે! એ

આત્માનું ઊર્ધ્વીકરણ થતું અનુભવવા લાગ્યો.

એના ખાઇ રહ્યા બાદ લૈલાએ કહ્યું - ‘‘જાઓ હવે, અડધી રાતી

વીતી ચૂકી છે.’’

નાદિરે રડતી આંખે કહ્યું - ‘‘ના, ના, લૈલા! હું હવે અહીં જ

રહીશ.’’

આખો દિવસ નાદિર લૈલાનાં ગીતો અને ગઝલો સાંભળતો જ

રહ્યો. એ એની પાછળ પાછળ ફરતો. રાત્રે પેલા ઝાડ નીચે જ એ વિસામો

લેતો. બાદશાહ અને બેગમે એને ખૂબ સમજાવ્યો પણ શાહજાદો તો એક નો

બે ના થયો. લૈલાની સાથે એ પણ સામાન્ય માણસની જેમ રહેવા લાગ્યો.

લૈલાના સંગીતમાં હવે માધુર્ય રહ્યું ન હતું. એમાં ન હતો જાદુ, ન

હતી જીવંત અનુભૂતિ. એ ગાતી હતી. સાંભળનારા પણ આવતા હતા. છતાં

એ નિજાનંદથી પર હતી. શ્રોતાઓને ખુશ કરવા જ એ ગાતી હતી.

આમને આમ છ માસ પસાર થઇ ગયા.

લૈલા એક દિવસ ગાવા ગઇ નહીં. નાદિરે પૂછ્યું - ‘‘લૈલા, આજે

ગાવા નથી જવું?’’

‘‘હવે હું ક્યારેય ગાવાની નથી. સાચું કહેજો; તમને આજેય મારાં

ગીતો પહેલાંના જેવા જ મીઠાં લાગે છે?’’

‘‘પહેલાં કરતાં પણ વધારે મીઠાં.’’

‘‘પણ લોકોને તો હવે મઝા નથી આવતી!’’

‘‘હા, મને એ જ વાતનું આશ્ચર્ય છે.’’

લૈલાએ કહ્યું - ‘‘એમાં આશ્ચર્ય જેવું કશું નથી. મારું હૈયું પહેલાં ઊઘાડું હતું. સૌને માટે એમાં સ્થાન હતું. મારા હૈયામાંથી ઊઠતો સૂર સૌનાં હૈયાં સુધી પહોંચતો હતો. પણ હવે...હવે તમે હૈયામાં દ્વારા બંધ કરી દીધાં છે. હવે મારા હૈયામાં એક માત્ર તમે છો. તેથી મારો સૂર તમને જ આનંદ આપી શકે છે. મારું હૃદય હવે તમારા સિવાય અન્ય કોઇના કામનું રહ્યું નથી. આજ સુધી તો તમે મારા ગુલામ હતાં; આજથી હું તમારી દાસી બની ગઇ છું. હવે તમે મારા માલિક છો. હું હવે તમારો પડછાયો બનીને ફરીશ. આ ઝુંપડીમાં આગ ચાંપી દો તમે કે જેથી એની ભભૂકતી જ્વાળાઓમાં હું મારું ડફ બાળી દઉં.’’

તેહરાનમાં ઘેર ઘેર ઉત્સવ ઊજવાઇ રહ્યો હતો. શાહજાદો નાદિર લૈલાને બેગમ બનાવી લાવ્યો હતો. ઘણા દિવસોની તપસ્યા પછી એની મહેચ્છા સાકાર થઇ હતી. આખું તહેરાન શાહજાદાના લગ્નની ખુશાલીમાં ઝૂમતું હતું. બાદશાહે આખા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો હતો કે આ શુંભ પ્રસંગે ધન અને સમયની બરબાદી ના કરે. લોકો માત્ર મસ્જિદોમાં જઇ ખુદાની પાસે વરવધુના સુખ માટે દુવા માગે. પણ લોકોને શાહજાદો એટલો વહાલો હતો કે એમણે ધન કે સમયની પરવા જ કરી નહીં. ઠેરઠેર રોશની થઇ. સંગીતની સૂરાવલિઓ છેડાઇ રહી. ઠેરઠેકાણે મિજબાનીઓ થવા લાગી. ગરીબો તેમની ડફલીઓ લઇ શહેરની ગલીઓમાં ઘૂમવા લાગ્યા.

સંધ્યા સમયે અમીર ઉમરાવો લગ્નની વધાઇ આપવા દિવાને ખાસમાં એકઠા થવા લાગ્યા. અત્તરથી મહેંક મહેંક થતો, કીમતી આભૂષણોથી ઓપતો અને આનંદોલ્લાસ ઝૂમતો શાહજાદો દિવાનેખાસમાં આવી ઊભો.

કાજીએ દુવા માંગી - ‘‘હુજુર પર ખુદાની બરકત ઉતરો.’’

હજારો લોકોએ એક સાથે કહ્યું - ‘‘આમીન.’’

શહેરની ખાનદાન સ્ત્રીઓ પણ લૈલાને મુબારકબાદી આપવા આવી પહોંચી હતી. લૈલા તદ્દન સાદાં કપડાં પહેરી ઊભી હતી. ઘરેણાંનું તો નામ નિશાન ન હતું.

એક સ્ત્રીએ કહ્યું - ‘‘તમારું સૌભાગ્ય સદા સલામત રહે.’’

હજારો કંઠ રણકી ઊઠ્યા - ‘‘આમીન.’’

કેટલાંક વર્ષો પાણીના જેમ પસાર થઇ ગયાં. નાદિર હવે તેહરાનનો બાદશાહ હતો. અને લૈલા હતી તેહરાનની મલેકા. ઇરાનનો કારોબાર સુવ્યવસ્થિત ચાલતો હતો. પ્રજા આટલી સુખી અગાઉ ક્યારેય ન હતી. નાદિર રાજસત્તાનું પ્રતીક હતો. લૈલા પ્રજાસત્તાનું પ્રતીક હતી. પણ બંન્નેમાં કોઇ ભેદ ન હતો. બંન્ને વચ્ચે ગજબનું અનુકુલન હતું. તેમનું દામ્પત્યજીવન આદર્શ હતું. રાજ્યકારોબરમાંથી ફુરસત મળતી ત્યારે બંન્ને સાથે બેસી સંગીતની મોજ માણતાં, ક્યારેક નૌકાવિહાર માટે જતાં તો ક્યારેક કોઇ ઘટાદાર વૃક્ષોની છાયામાં બેસી હાદ્દિજની ગઝલો વાંચતાં. હવે લૈલામાં એટલી સાદગી ન હતી કે નાદિરમાં ન હતો એટલો શિષ્ટાચાર. નાદિરનો લૈલા પર એકાધિકાર હતો. રાણીવાસમાં જ્યાં અનેક બેગમો વિરાજતી હતી ત્યાં હવે લૈલા એકલી હતી. મહેલોમાં હવે દવાખાનાં, મદરેસાઓ અને પુસ્તકાલયો શરૂ કરવામાં આવ્યાં હતાં. જ્યાં રાણીવાસનો વાર્ષિક ખર્ચ કરોડો રૂપિયા થતો હતો ત્યાં હવે હજારોથી વધુ આંકડો પહોંચતો ન હતો. બાકીનું ધન પ્રજાકલ્યાણનાં કામોમાં વપરાવા લાગ્યું. લૈલાએ શાહીખર્ચ ઉપર કાપકૂપ મૂકી દીધી હતી. બાદશાહ નાદિર હતો, પણ વહીવટ હતો લૈલાના હાથમાં.

બધું જ હતું પણ પ્રજા સંતુષ્ટ ન હતી. પ્રજામાં દિનપ્રતિદિન અસંતોષ વધુને વધુ પ્રબળ થવા લાગ્યો. રાજકારણીઓને શંકા થવા લાગી કે જો આમને આમ ચાલશે તો કદાચ બાદશાહનો અંત આવી જશે! હજારો સદીઓથી પ્રચંડ આંધીઓ અને તોફાનોનો સામનો કરીને ટકી રહેલું આ બાદશાહનું વૃક્ષ એક હસીનાના નાજુક પણ કાતિલ હાથો વડે ઊખડી જઇ રહ્યું હતું! લૈલા પર આશાની મીટમાંડી બેઠેલી પ્રજા નિરાશ થઇ ગઇ. ઇરાન જો આજ રસ્તા પર આગળ વધશે તો તે તેનાં સિદ્ધિનાં શિખરો સુધી પહેંચતા પહેલાં જ કયામતને દરવાજે પહોંચી જશે. અમીરો અને ગરીબોની વચ્ચે હવે સતત સંઘર્ષ થયા કરતો હતો. નાદિરની સમજાવટની અમીરો ઉપર કોઇ અસર થતી ન હતી અને લૈલાની સમજાવટથી ગરીબો ઉપર કોઇ અસર થતી ન હતી. સામંતો નાદિરના લોહીતરસ્ય થઇ ગયા હતા જ્યારે પ્રજા લૈલાની દુશ્મન બની બેઠી હતી.

રાજ્યમાં અશાંતિથી આગ ફેલાઇ ગઇ હતી. બળવાનો દાવા

લોકહૈયામાં ધગધગતો હતો. જ્યારે રાજભવનમાં બાદશાહ અને બેગમ પ્રજા

સંતોષની કલ્પનામાં રાચતાં હતાં.

રાત્રિનો સમય હતો. નાદિર અને લૈલા આરામગૃહમાં બેઠાં બેઠાં

શતરંજ ખેલતાં હતાં.

નાદિરે લૈલાનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું - ‘‘તમારી ચાલ

પૂરી થઇ. જુઓ, આ તમારું એક પ્યાદું મરાયું.’’

લૈલાએ કહ્યું - ‘‘ઠીક, તો લ્યો આ શહ(ચેક) તમારાં બધાં પ્યાદાં

એમને એમ રહી ગયાં અને બાદશાહને શહ(ચેક) મળી ગયો.’’

‘‘તમારી સાથે હારવામાં જે આનંદ આવે છે, એ જીતવામાં નથી

આવતો.’’

‘‘એમ વાત છે? તો તમે મને ખુશ કરવા એમ કહો છો? શહ(ચેક)

બચાવો, નહીં તો હવે આ બીજી જ ચાલમાં મર્યો જાણજો.’’

નાદિરે કહ્યું - ‘‘ઠીક! તો સંભાળજો હવે. તમે મારી બાદશાહનું

ઘોર અપમાન કર્યું છે. એકવાર મારો ચાલશે તો તમારાં બધાં પ્યાદાં સાફ

કરી દેશે.’’

લૈલાએ સામો પ્રહાર કર્યો - ‘‘લ્યો, આ ફરી શહ! આ વખતે હું

છોડવાની નથી. ચલાવો હવે વજિર! બે વાર જવા દીધા તમને. આ વખતે

તમને નહીં જવા દઉં.’’

‘‘જ્યાં સુધી મારી પાસે મારો દિલરામ (ઘોડો) છે ત્યાં સુધી મને

કોઇ ચિંતા નથી.’’

‘‘એમ વાત છે? તો લ્યો આ શહ! લાવો તમારા ઘોડાને. બોલો,

હવે તો હારી ગયા ને?’’

‘‘હા, જાનેમન! હવે હારી ગયો. હું જ જ્યાં તારી અદાઓ ઉપર

હારી ગયો છું, પછી બિચારા મારા બાદશાહનું શું ગજું!’’

‘‘બહાનાં ના કાઢશો. છાનામાના આ ફરમાન પર દસ્તખત કરી

દો. તમે વચન આપ્યું હતું ને?’’

આટલું કહેતાં લૈલાએ ફરમાન નાદિરની સામે ધર્યું. ફરમાન ખુદ

લૈલાએ એના હસ્તાક્ષરોમાં તૈયાર કરેલું હતું. એમાં અનાજ પરનો આયાતી

કર ઘટાડીને અડધો કરી દેવામાં આવ્યો હતો. લૈલા પ્રજાને ભૂલી ન હતી.

એને હૈયૈ હજુ પણ પ્રજાક્લ્યાણની ભાવના વસેલી હતી. લૈલા શતરંજની

રમતમાં બાદશાહને ત્રણવાર હરાવે તો ફરમાન પર સહી કરવાનું એણે

વચન આપ્યું હતું. નાદિરે હસતાં હસતાં ફરમાન પર હસ્તાક્ષર કરી દીધા.

કલમના બે અક્ષરોએ પ્રજાને પાંચ કરોડના વાર્ષિક કરમાંથી મુક્તિ આપી

દીધી. લૈલાનો ચહેરો ગર્વથી લાલ થઇ ગયો. જે કામ વરસોના આંદોલનથી

થઇ ના શક્યું એ લૈલાના પ્રેમબાણોઓ થોડા દિવસોમાં જ પૂરું કરી દીધું.

લૈલાને થયું કે ફરમાન સરકારી પત્રોમાં પ્રકાશિત થશે ત્યારે લોકો

કેટલા ખુશખુશાલ થઇ જશે? લોકો એની કીર્તિ ગાશે, એને આશીર્વાદ

આપશે.

રાજ્યભવનના દરવાજે ઓચિંતો કોલાહલ મચી ગયો.

થોડીવારમાં જ ખબર પડી કે લોકોનું એક મોટું ટોળું હાથમાં હથિયારો સાથે

રાજદ્વાર પર જમા થઇ દરવાજો તોડવાની ચેષ્ટા કરતું હતું. પ્રતિક્ષણ પ્રજાનો

આવેશ વધતો જતો હતો. થતું હતું કે ક્રોધોન્મત્ત પ્રજા દરવાજો તોડી અંદર

પ્રવેશી જશે! કેટલાક નિસરણીઓ મૂકી કિલ્લાની દિવાલ પર ચઢવા લાગ્યા.

લૈલા લજ્જા અને શોકમાં નતમસ્તક ઊભી હતી. એ કશું જ બોલી શકી નહીં.

એ નિસ્તબદ્ધ બની ગઇ. જેની વીણાના તાર સાંભળતાં પ્રજા ઉન્મત્ત થઇ

જતી હતી એ જ આ પ્રજા હતી? જેને માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું

હતું તે જ આ દીન, દુઃખી, દુર્બળ, દલિત, ક્ષુધાપીડિત અને અત્યાચારની

વેદનાથી તડપતી પ્રજા હતી?

નાદિર અવાક્‌ બની ઊભો હતો. એના ચહેરા પર ક્રોધ તરવરતો

હતો. આંખોમાંથી તણખા ઝરતા હતા. જાણે! વારંવાર એનો હાથ

તલવારની મૂઠ ઉપર જતો હતો. તે લૈલા ભણી તાકીતાકીને જોતો હતો.

માત્ર ઇશારાની જ અપેક્ષા હતી એને. બળવાખોરોને નસાડી મૂકવા એની

સેના ઉપર નીચે થઇ રહી હતી. પણ લૈલા સ્થિરચિત્ત ઊભી હતી.

આખરે અધીરાઇથી એણે કહ્યું - ‘‘લૈલા, હું રાજ્યના સૈન્યને

બોલાવવા ઇચ્છું છું. તારો શો અભિપ્રાય છે?’’

લૈલાએ દિનતા પૂર્ણ આંખોએ કહ્યું - ‘‘ઊતાવળ શા માટે? થોભો

જરા. એમને પૂછો તો ખરા કે એમને શું જોઇએ છીએ?’’

આદેશ મળતાં જ નાદિર મહેલની છત પર જઇ ચઢ્યો. લૈલા પણ

એની પાછળ પાછળ ગઇ. પ્રજાની સામે આવતાં જ આકાશ પ્રચંડ ધ્વનિથી

ગુંજી ઊઠ્યું - ‘‘જુઓ, એ ઊભી ત્યાં.’’ આ એજ પ્રજા હતી કે જે એક દિવસ

લૈલાના મીઠા સંગીત પાછળ પાગલ બની ગઇ હતી.

નાદિરે તીવ્ર સ્વરે વિદ્રોહીઓને સંબોધતાં કહ્યું - ‘‘ઇરાનની હે

બદનસીબ પ્રજા! શા માટે તમે શાહીમહેલને ઘેરો ઘાલ્યો છે? બળવો કરવાનો

તમારો શો હેતુ છે? શું તમને તમારી જરાયે ચિંતા નથી? તમે નથી જાણતા કે

મારી એક આંખના ઇશારા માત્રથી તમને ખાકમાં મેળવી દઇ શકું એમ છું?

મારો હુકમ છે કે એક પળમાં જ તમે અહીંથી ખસી જાઓ, નહીં તો, કલામે

પાકની કસમ, હું અહીં લોહીની નદીઓ વહેવડાવી દઇશ.’’

બળવાખોરોના નેતા જેવા જણાતા એક માણસે સામે આવી કહ્યું -

‘‘શાહી મહેલમાં જ્યાં સુધી લૈલા હશે ત્યાં સુધી અમે અહીંથી નહીં જઇએ.’’

ગુસ્સાના આવેશમાં નાદિરે કહ્યું - ‘‘હે નમકહરામીઓ! ખુદાનો

ડર રાખો. તમારી મલકાની આવી બે અદમી કરતાં શરમ નથી આવતી

તમને? એના તમારા ઉપરના ઉપકારો ભૂલી ગયા તમે? જાલિમો, એ મલિકા

હોવા છતાં તમે જ કૂતરાંને ખવડાવો છો એવો ખોરાક ખાય છે. તમે ફકિરોને

આપી દો છો એવાં કપડાં પહેરે છે. તમે રાણીવાસમાં જઇને જુઓ તો ખરા,

કે એવો કેવો સૂનમૂન છે! એ સાધ્વી જેવું જીવન જીવીને સદા તમારી સેવામાં

મગ્ન રહે છે. તમારે તો તેનાં ચરણોની ધૂળ માથે ચઢાવવી જોઇએ, એનો

સૂરમો બનાવી આંખોમાં આંજવો જોઇએ. ઇરાનના સામ્રાજ્યમાં પ્રજા માટે

જાન પાથરનારી આવી રાણી થઇ જાણી છે તમે? અને તમે એને કલંક લાગે

એવી બેબુનિયાદ વાતો કરો છો? લ્યાનત છે તમને! તમે ઇન્સાનિયતથી

ખાલીખાલી કમીને છો. તમને તો હાથીના પગ નીચે કચડી નાખવામાં આવે

તોય પાપ ના લાગે...’’

નાદિર તેની વાત પૂરી પણ ન હતો કરી રહ્યો વિદ્રોહીઓના

ટોળામાંથી અવાજ ઊઠ્યો - ‘‘લૈલા...લૈલા અમારી દુશ્મન છે. અમે એને

અમારી મલકા માનતા નથી.’’

નાદિરે ગુસ્સામાં કહ્યું - ‘‘ખામોશ, જાલિમો.’’ જુઓ આ એ જ

ફરમાન છે કે જેના પર હમણાં જ લૈલા એ જબરદસ્તીથી મારી પાસે

દસ્તખત કરાવ્યા છે. આજથી અનાજ ઉપરનો કર ઘટાડીને અડધો કરી

દેવામાં આવ્યો છે. તમારા સૌના માથેથી પાંચ કરોડનો મહેસૂલી કરબોજ

ઓછો થઇ ગયો છે.

એકઠા થયેલાઓએ જોરજોરથી કહ્યું - ‘‘એ તો બહુ પહેલેથી માફ

થવો જોઇતો હતો. અમે એક કોડીય ભરવાના નથી. અને લૈલાને અમે

અમારી મલકા તરીકે કદી સ્વીકારવાના નથી.’’

બાદશાહનો ગુસ્સો હવે કાબૂ બહાર થઇ ગયો. લૈલાએ સજળ

આંખોએ કહ્યુ - ‘‘પ્રજાની એવી ઇચ્છા હોય કે હું ડફ વગાડતી વગાડતી

તેહરાનની ગલીઓમાં ગાતી ફરું તો મને તેની સામે કોઇ ફરિયાદ નથી.

મને વિશ્વાસ છે કે હું મારી મધુર સૂરાવલિથી પ્રજાનાં હૈયાં પર ફરી હકુમત

જમાવી શકીશ.’’

‘‘લૈલા...લૈલા...! હું પ્રજાની ઇચ્છાઓનો ગુલામ નથી. મારાથી

તને અલગ કરતા પહેલાંતો તેહરાનની ગલીઓ ખૂનથી તરબતર થઇ જશે.

હું એ બદમાશોને એમની હરકતોની મજા ચખાડી દઇશ.’’

નાદિરે મિનાર પર ચઢી ભયનો ઘંટ વગાડ્યો. આખા તહેરાનમાં

એનો અવાજ ગુંજી ઉઠ્યો. પણ આ શું? શાહી સેનાનો એક પણ સૈનિક

બહાર ના આવ્યો.

નાદિરે બીજી વાર, ત્રીજી વાર એમ વારંવાર ઘંટ વગાડ્યો પણ

પરિણામ શૂન્ય આવ્યું. એક પણ સૈનિક વિદ્રોહીઓની સામે ના ફરક્યો.

નાદિર તો આ પરિસ્થિતિ જોઇ અવાક્‌ બની ગયો એને સમજાઇ ગયું કે

માઠા દિવસો હવે દૂર ન હતા. આ આવી પડેલી આપત્તિમાંથી ઉગરવાનો

એક માત્ર ઉપાય હતો અને તે પ્રજાના હઠાગ્રહ આગળ લૈલાનું બલિદાન.

પણ લૈલા તો એને પ્રાણથીયે અદકી પ્યારી હતી. એ અટારીમાં આવ્યો અને

લૈલાનો હાથ પકડીને સદર દરવાજામાંથી બહાર આવ્યો. પ્રજાએ વિજય

ધ્વનિ સાથે તેમનું સ્વાગત કર્યું. બધા તેમના રસ્તામાંથી આઘા ખસી ગયા.

બંન્ને જણાં તેહરાનની ગલીઓ વટાવતાં વટાવતાં ચાલ્યાં જતાં

હતાં. ચારે તરફ ગાઢ અંધકારનું સામ્રાજ્ય છવાયેલું હતું. બધું જ સૂમસામ

હતું. ઘરમાંથી કોઇ બહાર નીકળતું ન હતું. ફકીરો પણ મસ્જિદોમાં આશ્રય

લઇ રહ્યા હતા. પણ આ બે માટે ક્યાં કોઇ સહારો હતો? નાદિરની કેડમાં

તલવાર લટકતી હતી, લૈલાના હાથમાં ડફ હતું. એ હતાં એમના વિશાળ

ઐશ્વર્યનાં સ્મૃતિચિહ્નો.

એક વર્ષ પસાર થઇ ગયું. નાદિર અને લૈલા દેશ વિદેશમાં ઘૂમતાં

હતાં. સમરકંદ અને બુખારા, બગદાદ અને હલબ, કાહરા અને અદન વગેરે

તમામ દેશો ખૂંદી વળ્યાં હતાં. લૈલાના ડફે ફરીવાર ચમત્કાર સર્જ્યો હતો.

એનો અવાજ સાંભળતાં જ લોકો પાગલ થઇ જતા. ગલીઓ ગલીઓ

ગાંડીતૂર થઇ જતી. ઠેકઠેકાણે માણસોની જાણે મેળા જામી જતા! લોકો

એમના સ્વાગત માટે તડપતા. પણ એ બંન્ને ક્યાંય એક દિવસથી વધારે

રોકાતાં ન હતાં. કોઇને ઘેર જતાં ન હતાં જે મળે તે લુખ્ખું સૂક્કું ખાઇ લેતાં

અને કાં કોઇ વૃક્ષ નીચે, કાં કોઇ પર્વતની ગુફામાં કે કોઇ સડકને કિનારે રાત

ખેંચી કાઢતાં.

સંસારના જડ વ્યવહારે એમને મોહમાયાથી અલિપ્ત કરી દીધાં

હતાં. એમને સમજાઇ ગયું હતું કે જેને માટે આપણે આપણો જીવ કાઢીને

દઇએ એ જ આપણો દુશ્મન થઇ જાય છે, આપણે જેનું ભલું કરીએ એ જ

આપણી બુરાઇ માટે વિચારતો રહે છે. આ સંસારમાં કોઇની સાથે માયા

બાંધવી નિરર્થક છે. એમને અનેક અમીર ઉમરાવોનાં નિમંત્રણ મળવા

લાગ્યાં. પણ લૈલાએ કોઇના નિમંત્રણનો સ્વીકાર કર્યો નહીં. નાદિરના

મનમાં બાદશાહતાનું ભૂત કોઇ કોઇવાર સવાર થઇ જતું. એ ગુપ્તરૂપે સૈન્ય

એકઠું કરી તેહરાન પર ચઢાઇ કરી બળવાખોરોને મહાત કરી નાખવા

વિચારતો હતો. પણ લૈલાનું ઔદાસ્ય જોઇ એ કોઇને હળવા મળવાની હિંમત

કરી શકતો નહીં. લૈલા એની હૃદયેશ્વરી હતી. પ્રાણેશ્વરી હતી.

બીજી બાજુ ઇરાનમાં અરાજકતાએ માઝા મૂકી હતી. પ્રજાસત્તાથી

વાજ આવી ગયેલા જાગીરદારોએ સૈન્ય એકઠું કર્યું હતું. બળવાખોરો અને

જાગીરદારો વચ્ચે ઘર્ષણ થયા કરતું હતું. અંદરોઅંદરની લડાઇમાં વર્ષ આખું

વીતી ગયું. અશાંતિ અને અરાજકતામાં ખેતી થઇ શકી નહીં. દેશમાં ભયંકર

દુકાળ પડ્યો. વેપાર વાણિજ્ય મંદ પડી ગયાં. રાજ્યની તિજોરી ખાલી થઇ

ગઇ. દિવસે દિવસે પ્રજાની શક્તિ ક્ષીણ થવા લાગી. જાગીરદારોનું જોર વધતું

ચાલ્યું. અંજામ એ આવ્યો કે પ્રજાના હાથ હેઠા પડ્યા અને જાગીરદારોએ

રાજમહેલ ઉપર અધિકાર જમાવી દીધો. પ્રજાના નેતાઓને ફાંસીએ લટકાવી

દેવામાં આવ્યાં અનેકને કારાવાસમાં ધકેલી દેવાયા. ઇરાનમાંથી જનસત્તાનો

અંત આવી ગયો.

પ્રજાને હવે શાહજાદાની યાદ સતાવવા લાગી. દેશમાં પ્રજાતંત્ર

સ્થાપિત કરવાની ક્ષમતાનો અભાવ છતો થઇ ગયો. હવે એને માટે પ્રમાણની

કોઇ જરૂર જણાઇ નહીં. આવા સમયે માત્ર રાજ્યસત્તા જ દેશનો ઉદ્ધાર કરી

શકે એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી. હવે એ પણ સ્પષ્ટ થઇ ગયું હતું કે લૈલા

અને નાદિર સિંહાસન પર બેસશે તો પણ જાગીરદારોના હાથનાં રમકડાં

માત્ર થઇ રહેશે. અને જાગીરદારોને મનમાન્યા અત્યાચારો આચરવાની તક

મળશે. આમ છતાં પ્રજાએ અંદરોઅંદર ચર્ચા કરીને નાદિરને મનાવી લાવવા

પ્રતિનિધિ મોકલવાનું નક્કી કર્યું.

નાદિર અને લૈલા દમાસ્કસમાં એક વૃક્ષની છાયામાં બેઠાં હતાં. લૈલા વિસ્ફારિત આંખો એ પ્રકૃતિના લાવણ્યને નિહાળતી હતી. નાદિર મલિન અને ચિંતિત ભાવથી પડ્યો પડ્યો દૂર સુદૂર તૃષિત આંખો એ તાકી રહ્યો હતો. જાણે એ આ જીવનથી તંગ આવી ગયો હતો.

એણે દૂર દૂર ધૂળ ઉડતી જોઇ. ઘોડાના ડાબલાના અવાજ એના કાને અથડાયા. કેટલાક માણસો ઘોડાઓ પર બેસી એની તરફ આવી રહ્યા હતા. નાદિર બેઠો થઇ ગયો. આવનારને એ જોઇ રહ્યો હતો. એ ઊભો થઇ ગયો. એનું મુખમંડલ તેજથી ચમકવા લાગ્યું. ક્ષીણ થઇ ગયેલા શરીરમાં સ્ફુર્તિનો સંચાર થયો. અધીરાઇથી એણે કહ્યું - ‘‘લૈલા, આ તો ઇરાનના માણસો છે.’’

લૈલાએ આગંતુકો ભણી જોયું. અને બોલી - ‘‘તલવાર સંભાળો. કદાચ એની પણ જરૂર પડે.’’

‘‘ના, ના લૈલા. ઇરાનવાસીઓ એટલા નીચ નથી કે પોતાના બાદશાહ ઉપર તલવાર ચલાવે.’’

‘‘હું પણ પહેલાં એમ જ માનતી હતી.’’

પાસે આવતાં ઘોડેસવારોએ ઘોડા ઉપરથી નીચે ઉતરી બાદશાહને સલામ કરી નાદિર સભર હૈયે એમને ગળે વળગી પડ્યો. હવે એ બાદશાહ ન હતો. માત્ર ઇરાનો એક સામાન્ય મુસાફર હતો.એના બાદશાહત મરી પરવારી હતી. પણ ઇરાનીયત એનાં રોમેરોમમાં ઝંકૃત થઇ ઊઠી હતી. આવનારા ત્રણેય માણસો આ સમયે ઇરાનના ભાગ્યવિધાતા હતા. અનેકવાર નાદિરે તેમની સ્વામી ભક્તિની કસોટી કરી હતી. ઇરાનનીા અંધાધૂંધી અને અવ્યવસ્થા સંબંધી ઘણી વાતો થઇ એમની વચ્ચે દેશ આખો હવે પરાધીનતાની નાગચૂડમાંથી બચવા નાદિરને શોધી રહ્યો હતો. ડૂબતી નાવને એના સિવાય કોઇ બચાવી શકે તેમ ન હતું. આ આશાએ જ ત્રણેય જણા નાદિરની પાસે આવ્યા હતા.

નાદિરે કહ્યું - ‘‘એકવાર લોકોએ મારી ઇજ્જત લૂંટી છે. હવે શું એ મારો જીવ લેવા ઇચ્છે છે.? મને અહીં અપાર સુખ છે. મહેરબાની કરી મને તંગ ના કરશો.’’

સરદારોએ આગ્રહ કરતાં કહ્યું - ‘‘અમે અહીં અમારા પ્રાણ પાથરી દઇશું પણ આપને લીધા વિના પાછા ફરીશું નહીં. જે બદમાશો એ આપને હેરાન પરેશાન કર્યા છે એમનું નામ નિશાન રહ્યું નથી. અમે એમને ફરીવાર માથું ઊંચકવા નહીં દઇએ. માત્ર આપની હૂંફની જ અમારે જરૂર છે.’’

‘‘માત્ર એ જ આશયથી મને જો આપ સૌ ઇરાનનો બાદશાહ બનાવવા ઇચ્છાતા હો તો મને ક્ષમા કરશો. મારી આ યાત્રામાં પ્રજાની હાલતનું મેં ધ્યાનથી નિરીક્ષણ કર્યું છે. અને હું એ નિર્ણય પર આવ્યો છું કે બધા પ્રદેશો કરતાં એની સ્થિતિ ખરાબ છે. ખરેખર એ દયાપાત્ર છે. ઇરાનમાં મને આવી તક ક્યારેય પ્રાપ્ત થઇ ન હતી. આપ લોકો મારી પાસે એવી અપેક્ષા ના રાખશો કે પ્રજાનું શોષણ કરીને હું તમારી તિજોરીઓ તર કરી દઉં. હું ન્દ્રાયની અદબ જાળવીશ. આપને જો મારી વાત મંજૂર હોય તો જ હું ઇરાન આવું.’’

લૈલાએ હસીને કહ્યું - ‘‘રૈયતની ભૂલો આપ માફ કરી શકો છો, કેમ કે આપને પ્રજા સાથે કોઇ દુશ્મનાવટ નથી. પ્રજાને તો મારી સાથે દુશ્મનાવટ હતી. હું શી રીતે એને માફ કરી શકું?’’

‘‘લૈલા, મને વિશ્વાસ નથી આવતો કે આ તું બોલે છે?’’

આવનારાઓને લાગ્યું કે અત્યારથી બાદશાહ બેગમને ભડકાવવાની કોઇ જરૂર ન હતી.ઇરાનમાં જઇને જોયું જશે. બે ચાર જાસૂસો દ્વારા રૈયતના નામે એવો ઉપદ્રવ મચાવી દઇશું કે એમના બધા ખ્યાલો પલટાઇ જશે. એક સરદારે વિનંતી કરી - ‘‘આપની જેવી મરજી. અમે એટલા નાદાન નથી કે હુજુરને ઇન્સાફના રસ્તેથી દૂર કરવાની ઇચ્છા રાખીએ. ઇન્સાફ જ બાદશાહતની સાચી મૂડી છે. અમારી એ જ આરઝુ છે કે હવે પછી રૈયતને બળવો કરવાનો મોકો નહીં આપીએ. આપની બદનામી અમારે માટે અસહ્ય છે. આપને માટે અમે અમારા પ્રાણ કુરબાન કરવા તૈયાર છીએ.’’

લાગ્યું કે સમગ્ર પ્રકૃતિ સંગીતમય બની હતી. પર્વત, નદીઓ, વૃક્ષો, વેલીઓ, આકાશ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને તારા, સૌ સંગીતની સુમધુર સુરાવલિઓ છેડવા લાગ્યાં. લૈલા એનું ડફ વગાડીને ગાઇ રહી હતી. આજે જ સમજાયું કે આ સૃષ્ટિનું મૂળ જ સંગીત છે. દેવીઓ પ્રવતોનાં શૃંગો ઉપર ઉતરી આવી નાચવા લાગી. દેવતાઓ આકાશમાં ઝૂમવા લાગ્યા. સંગીતની એક નવી સૃષ્ટિ જાણે રચાઇ ગઇ!

રાજભવન પર હલ્લો કરી પ્રજાએ બળવો પોકાર્યો હતો. અને લૈલાના દેશનિકાલ માટેની હઠ લીધી હતી. ત્યારથી જ લૈલાના વિચારોમાં ક્રાન્તિ આવી ગઇ હતી. જન્મથી જ પ્રજા પ્રત્યે સહાનુભૂતિ રાખવાનું એ શીખી હતી. રાજ્યના અધિકરીઓને પ્રજા ઉપર સીતમ ગુજારતા જોઇ એનું કાળજું કકળી ઊઠતું હતું. ધન, વૈભવ અને વિલાસ પ્રત્યે એને સૂગ ચઢતી હતી. કારણ કે પ્રજાનાં દુઃખોનું મૂળ કારણ જ એ હતાં. એ શેતાનોના હૃદયમાં દયા અને પ્રજાનાં હૃદયમાં અભયનો સંચાર કરે એવી કોઇ ગહન શક્તિનો આવિર્ભાવ કરવા ઇચ્છતી હતી.

એની કલ્પના એને એક એવા રાજસિંહાસન ઉપર આરુઢ કરી

દેતી હતી કે જેના પર બેઠા પછી એ ન્યાય અને નીતિથી સંસારની

કાયાપલટ કરી દેતી હતી. રાતોની રાતો એણે આવાં સ્વપ્નો જોયાં હતાં. એણે

જોયું કે પ્રજા એટલી દિન હીન અને દુર્બળ નથી, જેટલી એ સમજતી હતી.

એથી વધારે તો એનામાં અધૂરપ, અવિચાર અને અશિષ્ટતાની માત્રા વધારે

હતી એને એ પણ સ્પષ્ટ સમજાઇ ગયું હતું કે પ્રજા સદ્‌વ્યવહારની કદર

કરવાનું નથી જાણતી અને એની શક્તિનો સદ્‌ઉપયોગ પણ નથી કરી શકતી.

એ દિવસથી જ પ્રજા ઉપરથી એનું મન ઊઠી ગયું હતું.

જે દિવસ નાદિર અને લૈલાએ તેહરાનમાં પગ મૂક્યો ત્યારે આખું

નગર એમના અભિવાદન માટે ઉમટી આવ્યું હતું. શહેર આખા પર શોક

છવાઇ ગયો હતો અને ચારે બાજુથી કરુણ રૂદનના અવાજો સંભળાતા હતા.

અમીરોના આવાસમાં લક્ષ્મી આળોટતી હતી જ્યારે ગરીબોના મહોલ્લા

ઉજ્જડ લાગતા હતા. નાદિરથી એ જોયું ના ગયું. એ રડી પડ્યો. પણ લૈલાના

હોઠો પર નિષ્ઠુર અને નિર્દય હાસ્ય મલકી રહ્યું હતું.

નાદિર સામે કોઇ અતિવિકટ સમસ્યા આવી ઊભી. એને સ્પષ્ટ

જણાતું હતું. કે એ જે કરવા ઇચ્છતો હતો તે કરી શકાતું ન હતું એને જે

કરવાની એની ઇચ્છા ન હતી એ થઇ શકતું હતું. આ બધાનું કારણ લૈલા

હતી. પણ એ કશું કરી શકતો ન હતો. લૈલા તેના દરેક કામમાં હસ્તક્ષેપ કર્યા

કરતી હતી. લૈલાને માટે એણે એકવાર રાજ્યનો ત્યાગ કરી દીધો હતો. ત્યારે

મુશ્કેલીના સમયે લૈલાની પરીક્ષા કરી ન હતી. આટલા દિવસોની આપત્તિમાં

એને લૈલાના ચિરત્રનો એવો અનુભવ થયો હતો કે એ લૈલામય થઇ ગયો

હતો. લૈલા એનું સ્વર્ગ હતી. એના પ્રેમમાં મગ્ન રહેવું એ જ એકમાત્ર એની

અભિલાષા હતી. એ જ લૈલાને માટે શું હવે એ કશું કરી શકે એમ ન હતો?

લૈલાની સામે પ્રજા અને સામ્રાજ્યની શી હસ્તી હતી?

આમને આમ ત્રણ વર્ષ વીતી ગયાં. પ્રજાની દશા દિવસે દિવસે

બગડતી જતી હતી.

એકવાર જંગલમાં શિકારે ગયેલો નાદિર સાથીઓથી છૂટો પડી

ગયો. સાંજ પડવા છતાં એને સાથીઓની ભાળ મળી નહીં. તે ઘેર આવવાના

રસ્તાથી અજાણ્યો હતો. છેવટે એ ખુદાનું નામ લઇ કોઇ ગામ કે વસ્તીની

આશાએ એક દિશા તરફ ચાલ્યો. ચાલતાં ચાલતાં એ જંગલને સામે છેડે

આવેલા ત્રણચાર ઘરો વાળાં એક નાનકડા પરામાં આવી પહોંચ્યો. હા, તેમાં

એક મસ્જિદ હતી. મસ્જિદમાં દીવો ટમટમતો હતો. પણ ત્યાં કોઇ માણસ કે

મૌલવીનું નામ નિશાન ન હતું. લગભગ અડધી રાત થઇ હોવાથી નાદિરે

કોઇને તકલિફમાં નહીં મૂકવા વિચાર્યું.

ઘોડાને એક વૃક્ષ સાથે બાંધી તેણે મસ્જિદમાં રાત ગાળવાનો

વિચાર કર્યો. એક ફાટેલી ચટાઇ પડી હતી ત્યાં. તે તેના પર સૂઇ ગયો.

આખા દિવસનો થાકેલો હોવાથી થોડીવારમાં જ ઘસઘસાટ ઊંઘી ગયો. ક્યાં

સુધી એ ઊંઘી રહ્યો એ તો શી ખબર, પણ કોઇકની ચીસ સાંભળીને એ

જાગી ગયો. જોયું તો એક વૃદ્ધ માણસ નમાજ પઢી રહ્યો હતો. આટલી મોડી

રાત્રે કોણ નામજ પઢતું હશે? નાદિરને પારાવાર આશ્ચર્ય થયું. એને ભાન રહ્યું

નહીં કે રાત વીતી ચૂકી હતી. અને આ સવારની નમાજ હતી. એ સૂતો સૂતો

જોઇ રહ્યો હતો. વૃદ્ધ માણસ નમાજ અદા કરી, બે હાથ ફેલાવી ખુદા પાસે

દુવા માગતો હતો. દુવાના શબ્દો સાંભળી નાદિરનું લોહી જાણે ઠરી ગયું!

એમાં રાજ્ય કાળની કડક, વાસ્તવિક છતાં બોધદાયક ટીકા હતી. દુવા હતી-

‘‘હે ખુદા! તું ગરીબોનો સહારો છે. મદદગાર છે. તું આ જાલિમ

બાદશાહના જુલ્મો જોવા જાણવા છતાં એને શિક્ષા નથી કરતો? એક હસીન

ઓરતની મહોબતમાં આ કાફર પોતાના જાતને ભૂલી ગયો છે. એ એની

મહેબૂબાની આંખે એ જુએ છે અને એના જ કાનો વડે સાંભળે છે. હવે એ

સ્થિતિ અસહ્ય બની છે. કાં તો તું એ જાલીમને જહન્નમમાં પહોંચાડી દે

અથવા અમારા જેવા ગરીબ અને કંગાલોને આ દુનિયામાંથી ઊઠાવી લે.

ઇરાન એના સીતમોથી તંગ આવી ગયું છે. તું જ હવે એની હરકતોમાંથી

ઇરાનને બચાવી શકે એમ છે.’’

વૃદ્ધ તેની લાકડી લઇ ચાલતો થયો, પણ નાદિર મૃતવત્‌ ત્યાં પડી

રહ્યો; જાણે એના પર વીજળી ના ત્રાટકી હોય!

એક અઠવાડિયા સુધી નાદિર ના તો દરબારમાંગયો કે ના કોઇ

કર્મચારીને એણે મળવા બોલાવ્યો. એને ખાવાનું પણ ભાવતું ન હતું. શું

કરું?નો વિચાર સતત ડંખ દેતો હતો એને. લૈલા વારંવાર એની પાસે જઇ,

આલિંગન આપી પૂછતી હતી - ‘‘ તમે કેમ આટલા ઉદાસ જણાઓ છો?

નાદિર એને જોઇ રડતો. એક શબ્દ પણ એ ઉચ્ચારી શકતો ન હતો. એક

તરફ લૈલા હતી તો બીજી તરફ કીર્તિ હતી. એ સમસ્યામાં અટવાતો જતો

હતો. હૃદયમાં ચાલતા ભીષણ દ્વંદ્વને અંતે પણ એ કશો નિશ્ચય ના કરી

શક્યો. કીર્તિ એને વહાલી હતી, પણ લૈલા કીર્તિથીયે વધારે વહાલી હતી. એ

બદનામી વહોરીનેય જીવી શકે એમ હતો પણ લૈલા વિના જીવવું એને માટે

અશક્ય હતું. લૈલા એના રોમરોમમાં વ્યાપી ગઇ હતી.’’

છેવટે એણે નિશ્ચય કરી લીધો - ‘‘લૈલા મારી છે, હું લૈલાનો છું.

હું એનાથી જુદો ના થઇ શકું! હું જે કઇ કરું છું તે એનું છે અને એ જે કઇ

કરે છે એ મારું છે. અમે એક છીએ, અવિભક્ત આત્મા છે અમારા,

બાદશાહત તો નાશવંત છે. અમર છે એક માત્ર મહોબ્બત. અમારો પ્રેમ

અનંતકાળ સુધી આકાશનાં નક્ષત્રોની જેમ ચમકતો રહેશે.’’

પ્રસન્ન થઇ નાદિર ઊઠ્યો. મુખ પર ગૌરવની લાલાશ પ્રસરેલી

હતી. આંખોમાંથી શૌર્ય છલકતું હતું. લૈલાના પ્રેમનો પ્યાલો પીવા જ દઇ

રહ્યો હતો. એનું હૈયું આનંદના ઉન્માદમાં નાચતું હતું.

પણ લૈલાના આરામગૃહનાં દ્વારા ભીડાયેલાં હતાં, અને દ્વારની

પાસે જ સદા લટકતું રહેતું ડફ અદ્રશ્ય થઇ ગયું હતું. નાદિરનું ઉદય એક

ધબકારો ચૂકી ગયું જાણે! લૈલા કદાચ બાગમાં હોય! પણ તો પછી ડફ ક્યાં?

શક્ય છે કે ડફ સાથે જ એ બાગમાં ગઇ હોય! પણ મને બધું ઉદાસ કેમ

જણાય છે.

કંપતા હાથે નાદિરે બારણાં ઊઘાડ્યાં. પણ અંદર લૈલા ન હતી.

પલંગ સજાવેલો હતો. મીણબત્તી સળગી રહી હતી. વજુ માટે પાણી મૂકેલું

હતું. નાદિરના પગ ડગમગતા લાગ્યા. શું લૈલા રાત્રે સૂઇ ગઇ નથી?

ઓરડાની પ્રત્યેક ચીજમાં લૈલાની યાદ હતી, લૈલાની મહેંક હતી; પણ લૈલા

સાક્ષાત્‌ ન હતી.

નાદિરનું હૈયું ભરાઇ આવ્યું. કોઇને કશું પૂછવાની એની હિમત

ચાલી નહીં. એ એવો તો કાયર બની ગયો કે ફરશ ઉપર બેસી નાના

છોકરાની જેમ ડૂસકે ડૂસકે રહી પડ્યો. આંસુનો અવિરત પ્રવાહ જરાવાર

અટકતાં તેણે પથારી સૂંઘીને લૈલાનો સ્પર્શ અનુભવવાની ચેષ્ટા કરી; પણ

ગુલાબ અને ખસની સુગંધ સિવાય ત્યાં બીજી કોઇ સુગંધ ન હતી.

ઓચિંતી એની નજર તકિયા નીચેથી ડોકાતા કાગળના એક ટુકડા

ઉપર પડી. છાતી પર હાથ રાખી, જરાક સ્વસ્થતા ધારણ કરી એણે પેલો

કાગળ તકિયા નીચેથી ખેંચી કાઢ્યો. એને બધું જ સમજાઇ ગયું. એ કાગળ ન

હતો પણ નાદિરના કિસ્મતનો ફેંસલો હતો. એનાથી બોલી જવાયું - ‘‘હાય, લૈલા. એ મૂર્છિત થઇ જમીન પર ફડસાઇ પડ્યો. લૈલાએ કાગળમાં લખ્યું હતું-’’

‘‘મારા વ્હાલા નાદિર! તમારી લૈલા સદાને માટે તમારાથી જુદી થાય છે. મારી શોધ કરશો નહીં. કારણ કે તમને મારો પત્તો નહીં મળે. હું તમારી બાદશાહતની ભૂખ ન હતી. હું તો તમારી મહોબ્બતની માત્ર દાસી હતી. આજે એક અઠવાડિયાથી જોઇ રહી છું કે તમારી દ્રષ્ટિ બદલાઇ ગઇ છે. તમે મારી સાથો બોલતા ચાલતા નથી; અરે! મારી સામું જોતા શુદ્ધાંયે નથી. તમે મારાથી તંગ આવી ગયા લાગો છો. હું કેટકેટલાં અરમાનો સાથે આવી હતી તમારી પાસે અને આજે કેટલી હતાશ થઇને જાઉં છું! તમે મારી વેદના શી રીતે અનુભવી શકો! મેં આવી ક્રૂર સજાને યોગ્ય કોઇ કામ કર્યું નથી. મેં જે કઇ કર્યું છે તે તમારા ભલા માટે જ કર્યું છે. એક અઠવાડિયું મેં રડી રડીને વીતાવ્યું હતું. મને ખબર પડી ગઇ છે કે હું તમારા હૈયામાંથી સ્થાન ગુમાવી બેઠી છું. કાશ! તમારી સાથે વીતાવેલાં પાંચ વર્ષ મને હંમેશાં યાદ રહેશે, હંમેશાં તડપાવ્યા કરશે. ડફ લઇને તમારી પાસેથી જાઉં છું. લૈલા તો મહોબ્બતની દાસી હતી. મહોબ્બત જ ના રહી પછી લૈલા શી રીતે રહી શકે? નાદિર! અલવિદા!’’

***