પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 15 Munshi Premchand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 15

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(15)

સજા

કોર્ટનું કામકાજ પૂરું થઇ ગયું હતું. સંધ્યાનો સમય હતો કોર્ટના

કર્મચારીઓ અને પટાવાળા ગજવાં ખખડાવતા ઘેર જઇ રહ્યા હતા. કંઇક

જડવાની આશાએ ભંગી કચરાના ઢગ ફંફોસી રહ્યો હતો. કોર્ટના ઓરડામાં

ચામાચિડીયાં આમ તેમ ફરી રહ્યાં હતાં. બહાર ચોગાનમાં લીમડાનાં ઝાડ

નીચે કૂતરાં બેઠેલાં હતાં. બરાબર એ સમયે ફાટેલાં તૂટેલાં લૂગડાંવાળૅ એક

વૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે ન્યાયાધીશના બંગલે આવી બહાર છજા નીચે

ઊભો. ન્યાયાધીશનું નામ હતું મિસ્ટર જી.સિન્હા. તેને જોઇને દૂરથી જ

નોકરે બૂમ મારી - ‘‘એય, કોઇ ઊભું છે ત્યાં? ઓસરીમાં છત નીચે?’’

‘‘ગરીબ બ્રાહ્મણ છું ભાઇ, સાહેબ મળશે?’’

પટાવાળાએ કહ્યું - ‘‘તારા જેવા નવરા માણસોને સાહેબ મળતા

નથી.’’

વૃદ્ધે બગલ નીચે લાકડીનો ટેકો કરી ઊભા રહેતાં કહ્યું - ‘‘કેમ

ભાઇ, અમે કાંઇ ચોર ડાકુ છીએ?’’

‘‘ભીખ માગીને ન્યાય મેળવવા આવ્યા હશો?’’

‘‘ભીખ માગવી એ કંઇ પાપ છે? ત્યારે શું કઇ ઘર વેચીને કોર્ટ

લડાતી હશે? આ આખો જનમારો કોર્ટ લડવામાં વીતી ગયો છે, પણ ઘરની

એક પાઇએય ખરચી, નથી મેં તો, આપણે તો ભઇ જેનું ખાસડું એનું માથું.

દસ જણાં જોડે માગીને એકને આલી દેવાનું. મારા નામથી આખું ગામ

થરથર ધ્રૂજે છે. કોઇકે સહેજ અટકચાળું કર્યું નથી કે એને મેં કોર્ટના દરવાજા

દેખાડ્યા નથી!’’

પેલા વૃદ્ધની વાત સાંભળી પટાવાળાએ કહ્યું - ‘‘તે ભઇ, કોઇ

માથાનો મળ્યો નહીં હોય?’’

‘‘રેવાદ્યે હવે. ભલભલા ચસરબંધીનેય મેં તો મોટે ઘેર મોકલાવી દીધા.મારી સામે પડવાની કોઇનીા હિંમત જ ના ચાલે. હાઇકોર્ટ દેખાડી દઉં સીધી. આપણે ગાંઠની પાઇ ખરચવાની નહીં, પછી ચિંતા શી વાતની? કોઇની કોઇ વસ્તુ ઉપર મારી નજર ઠરે એટલે હું એને મેળવ્યા વગર ના છોડું. સીધેસીધો એ માને નહીં તો પછી કોર્ટમાં ખેંચી જઉં! મારું શું જવાનું છે એમાં? બોલ, સાહેબને ખબર્ય કરે છે કે હું જ પાડું બૂમ?’’

પટાવાળાને સમજાઇ ગયું હતું કે માણસ હવે અહીંથી સીધે સીધો જાય તેમ ન હતો. તેથી તેણે જઇને સાહેબને એના આવ્યાની જાણ કરી. સાહેબે આવનારના દેખાવ અંગે પૂછ્યું - ‘‘પટાવાળાએ આગંતુકનું વર્ણન કર્યું એટલે સાહેબે હુકમ કર્યો - ‘‘બોલાવી લાવ, જા જલ્દી બોલાવી લાવ.’’

પટાવાળાએ કહ્યું - ‘‘ પણ સાહેબ! સાવ ચિંથરેહાલ છે.’’

‘‘તને શી ખબર પડે. રતન તો ઉકરડામાંય હોય છે. જા જઇને બોલાવી લાવ.’’

સિન્હા સાહેબ પાકટવયના માણસ હતા. ખૂબ જ શાંત સ્વભાવના. વિચારશીલપણ ખરા. ઓછું બોલતા ને કામ વધારે કરતા. સખતાઇ અને અસભ્યતાથી એ દૂર રહેતા હતા. દયા અને ન્યાયના સાક્ષાત્‌ દેવતા હતા એ. વળી એ માણસના જબરા હિરાપારખું. જોતાં વેંત જ માણસને નખશિખ ઓળખી જાય. આરામ ખુરશીમાં લાંબા થઇને એ હુક્કાની ટોટી ચૂસતા હતા. ત્યાં જ પેલા વૃદ્ધ આગંતુકે પાસે જઇને સલામ કરી.

મિ.સિન્હાએ ઓળખી જતાં જ કહ્યું - ‘‘અરે, તેમે તો જગત પાંડે. આવો, બેસો. તમારો કેસ તો બહુ લૂલો જણાય છે. ભલા માણસ તમને ના આવડ્યું.’’

જગતે કહ્યું - ‘‘એવું ના બોલો સાહેબ, ગરીબ માણસ છું. માર્યો જઇશ.’’

‘‘અરે, પણ કોઇ સારા વકીલની સલાહ પણ ના લીધી તમે?’’

‘‘એટલે તો આપ સરકારને શરણે આવ્યો છું.’’

‘‘તે હું કઇ કાયદો ઓછો બદલી નાખવાનો હતો? તમારી ભૂલ થાય છે. હું કાયદાની વિરુદ્ધ કશું જ કરી શકું તેમ નથી. ખબર છે ને તમને, અપીલમાં જવાબથી મારો નિર્ણય નહીં બદલાય?’’

જગત પાંડેએ ગન્નીઓની થેલી સિન્હા સાહેબની સામે મૂકતાં કહ્યું - ‘‘સાહેબ, આપને બહુ પુણ્ય મળશે. ઘણો દુઃખી માણસ છું.’’

સિન્હા સાહેબે કહ્યું - ‘‘અહીં પણ ચાલબાજી? લાવો. છે હજુ બીજી? ઝાકળ ચાટવાથી કઇ તરસ સંતોષાતી હશે? ભલાદમી, બે આંકડાની રકમ તો પૂરી કરો.’’

‘‘સાહેબ! ભારે મુશ્કેલીમાં છું.’’

‘‘અરે! કેડ્ય પર હાથ ફેરવો. જરા મારી તો શરમ રાખો, ભાઇ!’’

‘‘લૂંટાઇ જઇશ, સરકાર!’’

‘‘લૂંટાય તમારો દુશ્મન. ભગવાન ભલું કરે તમારા યજમાનોનું તમારે શી ચિંતા છે?’’

મિ.સિન્હા આ કેસમાં જરા પણ ઢીલ મૂકે તેમ ન હતા. જગતે જાણ્યું કે હવે અહીં ચાલાકી ચાલે એમ ન હતું. તેથી તેણે ધીમે રહી પાંચ ગિન્નીઓ કાઢી સામે મૂકી. પણ તેમ કરતાં એના આંખોમાંથી લોહી વરસવા લાગ્યું જાણે! કારણ કે, એ એની વરસોની કમાણી હતી. વરસોથી પેટે પાટા બાંધીને શરીર બાળીને, સાથી ખોટીઓ જુબાનીઓ આપીને એણે એ પૈસો એકઠો કર્યો હતો. ગિન્ની કાઢતાં જાણે એનો જીવ નીકળી જતો હતો.

જગત પાંડેના ગયા પછી બરાબર રાત્રે નવ વાગે જજ સાહેબના બંગલે એક ઘોડાગાડી આવીને ઊભી રહી. એમાંથી શિવપુરના રાજા સાહેબના એજન્ટ પંડિત સત્યદેવ ઊતર્યાં.

મિ.સિન્હાએ હસીને આવકાર આપતાં કહ્યું - ‘‘કદાચ આપ

આપના ઇલાકામાં ગરીબોને રહેવા દેશો નહીં! આટલો બધો જુલ્મ?’’

સત્યદેવે ઉત્તરવાળતાં કહ્યું - ‘‘અરે, એમ કહો કે ગરીબોના જુલ્મ

સામે હવે આ પ્રદેશમાં અમારે વસવું મુશ્કેલ બની ગયું છે! તમે તો જાણો જ

છો ને કે સીધી આંગળીએ ઘી ના નીકળે? જમીનદારોએ થોડીક કડકાઇ

કરવી જ પડે. પણ હવે જમાનો બદલાયો છે. થોડીક કડકાઇ કરી નથી કે

ગરીબોનો ભવાં ખેંચાયાં નથી! બધાંને જમીન મફતમાં ખેડવી છે. મહેસૂલ

માગીએ એટલે ફોજદારી દાવો કરવાની ધમકી આપે. આઘે ક્યાં જવું, પેલા

જગત પાંડેની જ વાત કરો ને! ગંગાના સોગંદ સાહેબ હડહડતો જુઠ્ઠો દાવો

છે. આપનાથી શું અજાણ્યું છે? જો જગત એ દાવો જીતી જશે તો બિસ્તરા

પોટલા બાંધીને ભાગવું પડશે અહીંથી. હવે તો આપની કૃપા મરજી હશે તો

જ રહેવાશે. રાજા સાહેબે આપને સલામ પાઠવીને અરજ ગુજારી છે કે આ

કેસમાં આપ જગતની એવી ખબર લઇ નાખો કે એ આખી જિંદગી યાદ

કરે.’’

સિન્હા સાહેબે ભવાં ચઢાવીને કહ્યું - ‘‘કાયદા કઇ મારે ઘેર તો

નથી બનતા ને?’’

સત્યદેવે કહ્યું - ‘‘સાહેબ, બધું જ આપના હાથમાં છે.’’ આટલું

કહેતાં સોનાની ગિન્નીઓની એક પોટલી કાઢીને મેજ ઉપર મૂકી દીધી.

સિન્હા સાહેબે એને ગણીને કહ્યું - ‘‘મારા તરફથી રાજા સાહેબને ભેટ

આપી દેજો. આખરે આપ કોઇ વકીલ તો રોકશો જ ને? એને શું આપશો?’’

સત્યદેવે કહ્યું - ‘‘એ તો હજૂરના હાથમાં છે. જેટલી મુદતો પડશે

એટલું ખર્ચ પણ વધશે.’’

‘‘હું ઇચ્છું તો મહિનો લટકાવી રાખું.’’

‘‘હા,હા, એની તો ના ન કહેવાય.’’

‘‘પાંચ મુદતો પડશે તોય હજારના ખાડામાં પેશી જવાશે. અહીં

એની અડધી રકમ પૂરી કરી આપો. તો એક જ મુદતમાં ફેંસલો થઇ જાય.

અડધું ખર્ચ બચી જાય.’’

સત્યદેવે બીજી દસ ગિન્ની કાઢી મેજ ઉપર મૂકી, અને સગર્વ કહ્યું

- ‘‘આપનો હુકમ હોય તો જણાવી દઉં રાજા સાહેબને. વિશ્વાસ રાખજો. હવે

રાજા સાહેબની કૃપાદ્રષ્ટિ થઇ ગઇ છે.’’

મિ.સિન્હાએ કડક અવાજે કહ્યું - ‘‘ના,ના, કશું કહેવાની જરૂર

નથી. હું કોઇ શરત ઉપર આ રકમ લેતો નથી. જે કાયદામાં આવતું હશે એ

જ હું કરીશ. કાયદાની વિરુદ્ધ જરાય જઇશ નહીં. આપ મારી કાળજી રાખો

છો એ તો આપની મોટાઇ છે. મારી પ્રમાણિકતા ખરીદનારને હું મારા

દુશ્મન સમજું છું. હું તો જે કઇ સ્વીકારું છું તે સચ્ચાઇની ભેટ તરીકે જ

સ્વીકારું છું.’’

જગત પાંડેને એની જીત થાય એવો પૂરો વિશ્વાસ હતો. પણ ફેસલો

સાંભળીને એના હોશકોશ ઊડી ગયા. આખો દાવો જ નીકળી ગયો હતો.

જગતની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. તે દાંત કચકચાવી બબડ્યો.

‘‘મારી સાથે આવી રમત! લાલા સાહેબને ધોળે દહાડે આકાશમાં તારા ના

દેખાડી દઉં તો મારું નામ જગત પાંડે નહીં. એનું પાણી જ ઉતારી નાખું. આ

કઇ મફતનો કમાણીના રૂપિયા નથી. એને કોણ પચાવી શકવાનું હતું? ઘરને

બારણે માથું કૂટી કૂટીને મરી જઇશ.’’

તે દિવસે સાંજથી જ જગતે મિ.સિન્હાને બંગલે આસન જમાવી

દીધું. ત્યાં વડનું એક ઘટા ઘર વૃક્ષ હતું. અસીલો બપોર આ વડ નીચે જ

વીતાવતા. જગત લોકોમાં મિ.સિન્હાની ભરપેટ નિંદા કરતો. ખાધાપીધા

વગર લોકોને એ પોતાના રામકથા સંભળાવ્યા કરતો. સાંભળનારાય એની

વાતને સમર્થન આપતાં કહેતા - ‘‘રાક્ષસ છે રાક્ષસ! એને તો એવી જગાએ

મારવો જોઇએ કે જ્યાં પાણીનો છાંટોય મળે નહીં. રૂપિયા લઇને ઉપરથી

ખર્ચ સાથે સામાવાળાના પક્ષે ફેંસલો આપ્યો, આમ જ કરવું તું તો પૈસા શું

જખ મારવા લીધા હતા? એના કરતાં તો અંગ્રેજ જજ સારો! બસ, આખો

દિવસ એની આસપાસ આવી જ ચર્ચા ચાલતી રહેતી.’’

વાત મિ.સિન્હાના કાને આવી પહોંચી. બીજા ખાઉં કર્મચારીઓની

જેમ એમના પેટનું પાણીયે હાલ્યું નહીં. એમના મન પર જાણે કોઇ અસર

થઇ ન હતી! કાયદાને એ ચુસ્ત પણે વળગી જ રહેતા હોય તો પછી એમના

પર કોણ શંકા કરે? અને કોઇ શંકા કરે તો એને માનેય કોણ? અવા

હોંશિયાર અને ચાલાક માણસની વિરુદ્ધ કાનૂની કારવાઇ પણ શી રીતે થઇ

શકે? મિ.સિન્હા એમના અન્ય કર્મચારીઓ સાથે પણ ખુશામત પૂર્ણ વ્યવહાર

કરતા ન હતા. પણ જગત પાંડેએ કોણ જાણે કેવો જાદુ કર્યો હતો કે એનો કોઇ

જવાબ એમની પાસે ન હતો. આવા જડ માણસ સાથે આજ સુધી એને

પનારો પડ્યો હતો નહીં મિ.સિન્હા તેમના નોકરોને પૂછતા - ‘‘આ શું કરે

છે પેલો બુઢ્ઢો? કહે છે કશું? નોકરોય વાતનું વતેસર કરી જવાબ વાળતા -

‘‘હુજુર કહે છે કે મરીશ તોય ભૂત થઇને વળગીશ. અને જે દહાડે મારો જીવ

નીકળશે તે દહાડે બીજા સો જગત પેદા થશે.’’

મિ.સિન્હા નાસ્તિક સ્વભાવના હતા. પણ એકની એક વાત કાને

પડતાં ક્યારેક એ ડગી જતા. શ્રીમતી સિન્હા તો વાતો સાંભળીને ધ્રુજી

ઊઠતી. તે વારંવાર નોકરોને કહેતી - ‘‘જાઓ, જઇને એને પૂછો કે શું જોઇએ

છીએ એને? જે જોઇતું હોય એ લઇ લે પણ અહીંથી ટળે એ.’’ પણ મિ.સિન્હા

નોકરોને એમ કરતાં વારતા. એમને એમ કે ભૂખે મરશે એટલે ચાલ્યો જશે

ઊઠીને.

છઠ્ઠે દિવસે ખબર મળી કે જગત પાંડેથી બોલાતું નથી. હાલવા

ચાલવાનુંય એણે બંધ કર્યું હતું. શરીરમાં જરા જેટલીય સ્ફૂર્તિ ન હતી.

આકાશ સામું ટગર ટગર તાકી રહ્યો હતો એ. કદાચ આજે રાત્રે જ મરી

જાય એમ હતું. મિ.સિન્હાએ લાંબો શ્વાસ ખેંચ્યો. શ્રીમતી સિન્હા તો લાગતી

રડવા જ લાગી. રડતાં રડતાં પતિને કહેવા લાગી - ‘‘તમને મારા પ્રાણના

સોગંદ છે, ગમે તેમ કરો પણ આ બલાને કાઢો અહીંથી. એ બુઢ્ઢો મરી જશે

તો આપણે તો એકેય બાજુનાં નહીં રહીએ! પૈસા સામું ના જોશો. બે ચાર

હજાર આપવા પડે તોય આપીને મનાવી લ્યો. એની પાસે જતાં તમને શરમ

આવતી હોય તો હું જાઉં!’’

સિન્હાએ પત્નીની વાતનો જવાબ આપતાં કહ્યું - ‘‘હું પણ એ જ

વિચાર કરું છું બે દિવસથી. પણ એની આસપાસ લોકોનું ટોળું જામેલું રહે છે.

એટલે મારી હિંમત ચાલતી નથી. ગમે એવી આફત આવવાની હોય તો

આવે. હું લોકોના દેખતાં તો એને મનાવવા નહીં જ જાઉં. તું તો બે ચાર

હજારની વાત કરે છે, પણ હું પાંચ દસ હજાર આપવા તૈયાર છું. પણ

મારાથી ત્યાં નહીં જઇ શકાય. કોણ જાણ કેવા કાળ ચોઘડિયાંમાં મેં એના

પૈસા લીધા હતા! મને શી ખબર કે આવો તાયફો કરશે; નહીં તો દરવાજામાં

જ એને પેશવા દેત નહીં. આજ પહેલીવાર માણસને ઓળખવામાં મેં ભૂલ

કરી.’’

પત્નીએ કહ્યું - ‘‘તો હું જાઉં? બધા લોકોને આઘા કરીને પછી

વાત કરીશ. કોઇને જરા સરખી પણ ગંધ નહીં આવે. હવે છે કોઇ વાંધો?’’

‘‘તું ગમે તેમ કરીશ તોય જાણવાવાળા તો તરત જ જાણી

જવાના.’’

‘‘તે ભલે નહી જાય. હવે એમનાથી ક્યાં સુધી ડરવું? આ તે કઇ

ઓછી બદનામી છે? અને હજુ તો વધારે થશે. આખી દુનિયા જાણે છે કે તમે

રૂપિયા લીધા છે. હવે નકામી જીદ શું કરવા કરો છો?’’

મિ.સિન્હાએ મર્મવેદના છતી કરતાં કહ્યું - ‘‘પ્રિયે આ નકામી

જીદ નથી. ચોરને પોલીસ થાણે માર ખાતાં જેટલી શરમ નથી આવતી,સ્ત્રીને

કલંક લાગતાં જેટલી શરમ નથી આવતી, એટલી, બલ્કે એથી વધારે શરમ

અધિકારીને લાંચ લીધાના વાતનો ભંડો ફૂટી જવાથી આવે છે. ઝેર ખાઇને

મરી જવું સારું પણ લાંચની વાતનું પોલ ખુલી જવું ખોટું! એ બુઢ્ઢો બ્રાહ્મણ

ભૂત થઇને મને કનડે એની જરાયે બીક નથી મને. હું એ પણ જાણું છું કે

પાપની સજા ખાસ કરીને મળતી જ નથી હોતી પણ આપણા સંસ્કારોએ

આપણા મનમાં આવી શંકા કુશંકાઓ ઠસાવી દીધી છે. બ્રહ્મહત્યાનું પાપ

માથે લેતાં આત્મા કંપે છે. બસ, આટલી જ વાત છે. આજે રાત્રે લાગ જોઇને

જઇશ, હું એની પાસે અને મારાથી બનતું, બધું જ કરી છૂટીશ!’’

મધરાત થઇ હતી. મિ.સિન્હા એકલા ઘેરથી નીકળી જગતને

મનાવવા ચાલ્યા. વડના ઝાડનીચે નીરવ શાંતિ છવાયેલી હતી. ગાઢ

અંધકારમાં કશું જ દેખાતું હતું નહી. જગતનો જોરજોરથી ચાલતો શ્વાસ

સંભળાતો હતો. મિ.સિન્હા નાં રુંવાં ખેંચાઇ ગયાં. સાલો, કઇ મરી તો નથી

જતોને? ગજવામાંથી બેટરી કાઢી અજવાળું કર્યું અને પાસે જઇ પૂછ્યું -

‘‘પાંડેજી! કેમ છો?’’

પાંડેએ આંખો ખોલી. ઊઠવાનો મિથ્યા પ્રયત્ન કરતાં કહ્યું - ‘‘જોતા

નથી. મરવા પડ્યો છું તે?’’

‘‘તે આમ મરવાનું કોઇ કારણ?’’

‘‘તમારી આવી જ મરજી છે, પછી હું બીજું શું કરું?’’

‘‘જગત, મારી તો એવી લેશમાત્ર ઇચ્છા નથી. અલબત્ત, તમે

મારું સત્યાનાશ વાળવા તૈયાર થયા છો. મેં તમારા માત્ર દોઢસો રૂપિયા જ

લીધા છે. એટલા રૂપિયા માટે આટલી બધી મુસીબત સહન કરી રહ્યા છો

તમે?’’

‘‘વાત દોઢસો રૂપિયાની નથી. તમે તો મને ધૂળમાં ધમરોળી

નાખ્યો. મારી તરેફ હુકમનામું થયું હોત તો મને દસ વીઘાં જમીન મળી હોત

ને લોકોમાં મારી વાહ વાહ થઇ જાત. તમે તો મારા પાંચ હજાર ઉપર પાણી

ફેરવી દીધું. પણ યાદ રાખજો. આ અભિમાન નહીં રહે તમારું. કહી દઉં છું

કે સત્યાનાશ થઇ જશે! આ અદાલતમાં ભલે તમારું રાજ્ય ચાલતું હોય, પણ

ઉપરવાળાની અદાલતમાં તો અમારું બ્રાહ્મણોનું રાજ્ય ચાલે છે. બ્રાહ્મણનો

એક પૈસો કોઇને પચ્યો જાણ્યો નથી આજ સુધી.’’

શ્રીમાન સિન્હાએ ઘણી દિલગીરી અને દુઃખ વ્યક્ત કર્યાં. તેમણે

ખૂબ જ નમ્રતા અને વિવેકથી કામ લીધું અને છેવટે કહ્યું - ‘‘પાંડે, કેટલા

રૂપિયા મળે તો આ હઠ છોડી દેશો, સાચું બોલજો?’’

‘‘પાંચ હજારથી એક પાઇ પણ ઓછી નહીં લઉં.’’

‘‘પાંચ હજાર તો વધારે કહેવાય.’’

‘‘ના, ના, એથી ઓછું મને નહીં ખપે.’’

આટલું કહીને પાંડે ફરી સૂઇ ગયો. એના નિશ્ચય આગળ સિન્હા

એક શબ્દ બોલી શક્યા નહીં. એ રૂપિયા લેવા ઘેર પાછા ફર્યાં. પણ રસ્તામાં

જ દાનત બદલાઇ ગઇ. રૂપિયા દોઢસોની જગાએ પાંચ હજાર! મનમાં ને

મનમાં બોલ્યા - ‘‘ભલે મરી જાય. કેવી બ્રહ્મહત્યા અને કેવું પાપ ઢોંગ છે

ઢોંગ એ બધું તો! અને બદનામીમાં તો શું નવું છે? સરકારી નોકરો તો

આમેય બદનામ થાય છે જ! છ દિવસ લાંધણ તાણવાથી જો પાંચ હજાર મળી

જવાના હોય તો હું મહિનામાં પાંચવાર એવા લાંધણ ખેંચી કાઢું, મને જો કોઇ

એક હજાર પણ આપવા તૈયાર હોય તો. બેઠો બેઠો ભલે રાહ જોતો. રૂપિયા

જોઇએ છીએ! પાંચ હજાર અહીં તો મહિનો આખો વૈતરું કરીએ ત્યારે માંડ

માંડ છસો જોવાના મળે છે.’’

એ ખાટલામાં આડે પડખે થવા જતા હતા. ત્યાં જ પત્ની પાસે

આવી ઊભી રહી ગઇ. એના વાળ વિખરાયેલા હતા. આંખો નિસ્તેજ હતી.

શરીર આખું ધ્રુજતું હતું. મોંઢામાંથી એક શબ્દ પણ કાઢવાની હિંમત ન હતી.

મહામુશ્કેલીએ બોલી - ‘‘અડધી રાત તો થઇ ગઇ. તમે જાઓને પેલા

બ્રાહ્મણ પાસે. મેં એવું ખરાબ સ્વપ્નું જોયું છે કે મારું કાળજું હજુય ધમણની

જેમ ધબકી રહ્યું છે. જાઓ, અને ગમે તેમ કરીને એ બલા ટાળો.’’

મિ.સિન્હાએ કહ્યું - ‘‘ત્યાં જઇને જ આવું છું. મને તારા કરતાં

વધારે ચિંતા છે. આવીને ઊભો જ રહ્યો છું અને તું આવી પહોંચી.’’

‘‘તો તમે ગયા હતા? શું વાત થઇ? માની ગયો?’’

‘‘પાંચ હજાર માંગે છે.’’

‘‘પાંચ હ...જા...ર?!’’

‘એક પાઇ પણ ઓછી નહીં. ને અત્યારે મારી પાસે એક હજારથી

વધારે રૂપિયા છે પણ ક્યાં?’

પત્નીએ થોડીવાર વિચાર કરીને કહ્યું - ‘‘જેટલા માગે તેટલા

આપી દો. પણ બલા ટાળો ગમે તેમ કરીને. રૂપિયા હું આપીશ. મને તો

અત્યારથી જ ખોટાં સપનાં આવે છે. એ બોલતો ચાલતો તો છે ને?’’

‘‘તો લાવ, આપી આવું. પણ માણસ છે ભરોસા વગરનો. પૈસા લઇને પણ લોકોને કહેતો ફરશે તો?’’

‘‘પણ અત્યારે જ એને અહીંથી કાઢી મૂકીએ તો?’’

‘‘તો કાઢી મૂક. રૂપિયા તો આપી દઉં. જિંદગીમાં આ વાત પણ યાદ રહેશે.’’

પત્નીએ કહ્યું છું - ‘‘ચાલો, હું પણ આવું છું. અત્યારે કોણ જોવાનું છે?’’

પુરુષના સ્વભાવનો પરિચય પત્નીથી વધારે બીજા કોને હોય? શ્રીમતી સિન્હા પતિના મનોભાવોને બરાબર જાણતી હતી. શી ખબર કે રસ્તામાં રૂપિયા સંતાડી દે’ને પછી કહે કે આપી આવ્યો રૂપિયા! તો મારી તો સ્થિતિ જ મરવા જેવી થઇ જાય. પેટીમાંથી રૂપિયા કાઢીને પતિની સાથે ચાલી નીકળી. સિન્હાના મોં ઉપર મેંશ લાગી હતી જાણે! પ્રાયશ્ચિત કરતા કરતા એ પાછળ ચાલતા હતા. મનમાં થતું હતું - ‘‘પાંચ હજાર રૂપિયા? કોણ જાણે આટલા રૂપિયા ફરી ક્યારે મળશે? એના કરતાં તો એ મરી ગયો હોત તો સારું થાત. ભલે બદનામી થાત પણ રૂપિયા તો બચી જાત ને! ભગવાન કરે ને સાલો મરી ગયો હોય તોય સારું!’’

બંન્ને જણાં દરવાજા સુધી આવ્યાં હતાં ત્યાં જ એમણે જોયું કે જગત પાંડે લાકડીના ટેકે ટેકે સામે આવતો હતો. એનો દેખાવ બીક લાગે એવો હતો. જાણે માણસમાંથી કોઇ મડદું ચાલ્યું આવતું ના હોય!

પતિ પત્નીને જોતાં જ પાંડે બેસી પડ્યો. અને હાંફતાં હાંફતાં બોલ્યો - ‘‘બહુ મોડું કર્યું, લાવ્યા?’’

પત્નીએ કહ્યું - ‘‘મહારાજ! એમે આવતાં જ હતાં. તમે શું કામ તસ્દી લીધી નકામી? રૂપિયા લઇને સીધા ઘેર ચાલ્યા જશો ને?’’

‘‘હા, હા, સીધો જ ઘેર દતો રહીશ. ક્યાં છે રૂપિયા? લાવો.’’

શ્રીમતી સિન્હાએ રૂપિયાની પોટલી કાઢી પાંડેના હાથમાં મૂકતાં કહ્યું - ‘‘ગણી લો. પૂરા પાંચ હજાર છે.’’

ફાનસના આછા અજવાળામાં રૂપિયાની પોટલી લેતાં કહ્યું - ‘‘પૂરા પાંચ હજાર છે?’’

‘‘પૂરા પાંચ હજાર ગણી લ્યો.’’

‘‘હજુ પણ વિશ્વાસ નથી આવતો?’’

‘‘આવે છે, આવે છે. પૂરા પાંચ હજાર! તો હવે જાઉં.’’

આમ કહીને રૂપિયાની પોટલી લઇ એણે માંડ એક બે ડગલાં ભર્યાં હશે ત્યાં જ દારૂડિયાની જેમ લથડિયું ખાઇને ધડામ્‌ કરતો ક ને એ નીચે ગબડી પડ્યો. શ્રીમાન સિન્હા એને બેઠો કરવા દોડી ગયા. ઝટપટ બાથમાં ઘાલી ઊંચો કર્યો. પણ એનું મોં પીળું પડી ગયું હતું. આંખો તરડાઇ ગઇ હતી. સિન્હાએ પૂછ્યું - ‘‘પાંડે, પાંડે, વાગ્યું તો નથી ને?’’

પણ પાંડે બોલી શક્યો નહીં. જીવનનો આખરી તંતુ તૂટી ગયો. નોટોની પોટલી છાતી ઉપર પડી હતી. એટલામાં શ્રીમતી સિન્હા આવી પહોંચી. જગતનું શબ જોઇ એ છળી ગઇ અને બોલી - ‘‘શું થયું આને?’’

પતિએ જવાબ આપ્યો - ‘‘મરી ગયો. બીજું શું!’’

‘‘મરી ગયો?! હે, ભગવાન, હવે શું થશે!’’

એ ઝડપથી બંગલા ભણી દોડી ગઇ. શ્રીમાન્‌ સિન્હા પણ જગતના શબ ઉપરથી નોટોની પોટલી લઇ બંગલે ચાલ્યા ગયા.

પત્નીએ પૂછ્યું - ‘‘આ રૂપિયાનું હવે શું કરીશું?’’

‘‘ધર્માદા કામમાં વાપરી નાખીશું.’’

‘‘ઘરમાં રાખવાના નથી. ખબરદાર!!’’

બીજે દિવસે આખા શહેરમાં એક જ વાત ચર્ચા હતી કે જગત પાંડે એ જજ સાહેબના નામ પર કુરબાની આપી દીધી. એના સ્મશાનયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. મિ.સિન્હાને લોકો છંડેચોક ગાળો દેતા હતા.

સાંજે કોર્ટમાંથી સિન્હા આવીને બેઠા હતા ત્યાં જ નોકરોએ કહ્યું કે એમને રજા આપવામાં આવે. એમણે સમાજે નાતબહાર મૂકવા આપેલી ધમકીની સિન્હા સાહેબને જાણ કરી.

સિન્હાએ આવેશમાં આવી કહ્યું - ‘‘કોણ ધમકી આપે છે?’’

‘‘સરકાર! બધાય કહે છે. કોનું નામ દેવું?’’

‘‘પણ એક મહિનાની નોટિસ આપ્યા વગર તમે છૂટા ના થઇ શકો.’’

‘‘પણ અમારા સમાજ સાથે સંબંધ બગાડી અમારે રહેવું જ ક્યાં?’’ આજથી જ અમારું રાજીનામું સમજો, સરકાર! હિસાબ તો જ્યારે કરવો હોય ત્યારે કરજો.’’

ઘણી સમજાવટ છતાં નોકરો માન્યા જ નહીં. અડધા કલાકમાં જ બધા ચાલ્યા ગયા. મિ.સિન્હા દાંત કચકચાવીને બેસી રહ્યા. પણ અધિકારીઓનું કામ અટકી પડ્યું હોય એવું સાંભળ્યું છે ક્યારેય? એમણે તરત જ કોટવાળને ખબર આપી તરત જ થોડા માણસો રોજે તેડાવી મંગાવવામાં આવ્યા.

તે દિવસથી જ મિ.સિન્હા અને હિન્દુ સમાજ વચ્ચે મડાગાંઠ પડી ગઇ. ધોબીએ કપડાં ધોવાનું બંધ કર્યું. રબારીએ દૂધ આપવા ના પાડી દીધી. વાળંદે હજામત કરવા આવવા ના પાડી દીધી. આ મુશ્કેલીઓથી પત્ની તો વાજ આવી ગઇ. એ રાત્રે ગભરાતી ગભરાતી રહેતી. હવે એમનાં સગાં વહાલાંને પણ એમને ઘેર આવવાનું બંધ કરી દીધું. એક દિવસ શ્રીમતી સિન્હાનો ભાઇ આવ્યો. પણ તેણે એમના ઘરનું પાણી પીધું નહીં. સિન્હા સાહેબ ધીરજપૂર્વક આ ઊપેક્ષા સહન કરતા જતા હતા. હજુ સુધી એમને કશું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું નહીં. ગરજવાળા કોઇને કોઇ ભેટ સોગાદ આપી જતા હતા, એટલે ચિંતા કરવાનું કોઇ કારણ ન હતું.

પણ કુટુંબ સાથે વેર કરવાનું કોઇ રીતે પાલવે એમ ન હતું. કુટુંબ અને સમાજ સામે નમતું જોખવું જ પડે છે. સિન્હાના જીવનમાં પણ આવો પ્રસંગ આવી ઊભો. એમની દિકરીનું લગ્ન હતું. ભલભલાનો ગર્વ ઓગાળી નાખે એવો આ સમય હતો.

ત્રિવેણીના લગ્નમાં મુશ્કેલીઓ આવવાની બીક તો સિન્હાને પહેલેથી જ હતી. પણ પૈસાથી એ આપત્તિમાંથી પણ ઉગરી જવાશે એવી એમની ગણતરી હતી. કેટલોક સમય તો એમણે જાણી જોઇને પસાર થવા દીધો.એમને એમ કે સમય જતાં લોકો ભૂતકાળને ભૂલી જાય છે. પણ હવે તો ત્રિવેણાએ સોળ વર્ષ પૂરાં કર્યાં હતાં. સમય બરબાદ કરવો હવે પાલવે તેમ ન હતું. મિ.સિન્હાએ સારા ઘરના છોકરાની તપાસ કરવા માંડી. પણ દરેક ઠેકાણેથી એક જ જવાબ મળતો - ‘‘અમારે એ ઘેર સગાઇ કરવી નથી.’’ પૈસાની લાલચ કે છોકરાને અમેરીકા મોકલવાના લાલચ પણ કામમાં આવી નહીં.

આમને આમ એક વર્ષ પસાર થઇ ગયું. શ્રીમતી સિન્હા ખાટલા ઉપર પડીપડી કણસતી હતી. ત્રિવેણી રસોઇ બનાવતી હતી. સિન્હા સાહેબ પત્નીની પાસે ચિંતાગ્રસ્ત હૈયે બેઠા હતા. એમના હાથમાં એક કાગળ હતો. વારંવાર એઓ કાગળ તરફ જોઇ વિચારમાં ડૂબી જતા હતા. ઘણીવાર પછી પત્ની રોહિણીએ આંખો ઉઘાડી કહ્યું - ‘‘હવે હું નહીં બચી શકું. પાંડે મારો જીવ લઇને જ ઝંપશે. તમારા હાથમાં કાગળ કેવો છે?’’

‘‘યશોદાનંદનો કાગળ છે. હરામખોરને શરમ નથી આવતી કાગળ લખતાં? મેં એને નોકરીએ વળગાડ્યો. એનું લગ્ન કરી આપ્યું અને આજે એ મારી જ સામે થઇ ગયો છે. એના નાના ભાઇનું લગ્ન આપણી ત્રિવેણી સાથે કરવાની ના પાડે છે પાછી?’’

‘‘હે ભગવાન! હવે તો મોત આવે તો સારું! હવે આ દિવસો જોયા જતા નથી. મને દ્રાક્ષ ખાવાની ઇચ્છા થઇ આવી છે. મંગાવી કે નહીં?’’

‘‘હું જાતે જ લઇ આવ્યો હતો.’’ આટલું કહેતા તો એક તાશકમાં દ્રાક્ષ લાવી પત્ની સામે મૂકી. આખી તાશક ખાલી થઇ ગઇ એટલે પૂછ્યું - ‘‘હવે કોને ત્યાં કહેણ મોકલશો?’’

‘‘શું કહું? મારા ધ્યાનમાં તો હવે કોઇ આવતું નથી. આવા સમાજમાં રહેવા કરતાં તો સમાજ બહાર રહેવું હજાર દરજે સારું. એક બ્રાહ્મણ પાસે લાંચ લીધી એની ના નહીં, કોણ લાંચ નથી લેતું?લાંચ આપનાર નિરાશ થઇને જીવ કાઢી નાખે એમાં મારો શો ગુનો? મારા નિર્ણયથી ના ખુશ થઇ કોઇ ઝેર ઘોળે તો એમાં હું શું કરી શકું? છતાં હું પ્રાયશ્ચિત કરવા તૈયાર છું. સમાજ કે રીતિ જે સજા કરે તે સહન કરવા પણ હું તૈયાર છું. પણ કોઇ મારી વાત કાને ધરતું નથી. સજા તો ગુનાના પ્રમાણમાં હોવી જોઇએ. નહીં તો તો એ અન્યાય કહેવાય. કોઇખ મુસલમાને અભડાણું ભોજન ખાવા બદલ સમાજ જો કાળાપાણીની સજા ફરમાવે તો હું એને કદાપિ મંજુર રાખું નહીં. જો કોઇ ગુનો હોય તો તે મારો ગુનો છે. મારી દિકરીનો શો ગુનો? મારા ગુના બદલ મારી દિકરીને સજા આપવી એ ન્યાય વિરુદ્ધ છે.’’

પત્નીએ કહ્યું - ‘‘તો હવે શું કરશો? પંચાયત કેમ નથી બોલાવતા?’’

‘‘પંચાયતમાં પણ એ જ કુટુંબના માણસો હશે. એમની પાસે વળી ન્યાયની શી આશા? હકીકતમાં તો આપણા તિરસ્કારનું કારણ જ અદેખાઇ છે. મને જોઇને બધા બળે છે. અને એટલે જ આપણને નીચા પાડવાની કોશિશ કરે છે.’’

પત્નીએ કહ્યું - ‘‘મનની મનમાં જ રહી ગઇ. બધી આશાઓ ધૂળમાં મળી ગઇ. જેવી ભગવાનની ઇચ્છી. તમારી વાતો સાંભળું છું ને મને બીક લાગે છે કે મારી દિકરી ને જ્ઞાતિ બહાર ના પરણાવશો. નહીં તો મને પરલોકમાંયે શાંતિ નહીં મળે. મારી દિકરી ઉપર કોઇ જાણે કેવું સંકટ આવવાનું છે?’’

શ્રીમતી સિન્હા રડવા લાગી. સિન્હા સાહેબ એમને આશ્વાસન આપવા લાગ્યા. ‘‘તું એની ચિંતા ન કરીશ. જ્ઞાતિના અન્યાયથી મારું કાળજું મૂંઝાઇ ગયું છે.’’

‘‘જ્ઞાતિનું ખોટું બોલવું સારું ના કહેવાય. સમાજ કે જ્ઞાતિની બીક ના હોય તો માણસો બહેકી જાય. સમાજનું ખોટું ના બોલશો. પછી છાતી ઉપર હાથ મૂકતાં કહ્યું - ‘‘મને અહીં ખૂબ પીડા થાય છે. યશોદાનંદને પણ ના લખી દીધું. હવે મને જંપ વળતો નથી. હે ભગવાન, શું કરું?’’

સિન્હાએ કહ્યું - ‘‘ડૉક્ટરને બોલાવું?’’

પત્નીએ કહ્યું - ‘‘તમારી ઇચ્છા હોય તો બોલાવો, પણ હવે હું બચવાની નથી. જરા ત્રિવેણીને બોલાવી લાવો. જરા વહાલ કરી લઉં. જીવ મુંઝાતો જાય છે. મારી દિકરી! હાય...હાય...મારી દિકરી!’’

***