ચૂંટણી ભી કયા ચીજ હૈ જાલિમ...! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચૂંટણી ભી કયા ચીજ હૈ જાલિમ...!

ચૂંટણી ભી ક્યા ચીજ હૈ જાલિમ..!

કસ્સમથી.... કહું કે, ચૂંટણીમાં આ બંદાની સહેજ પણ ચાંચ ડૂબતી નથી. બાપુજી કહેતાં ગયેલાં કે, ‘ચોકીદાર’ પણ આપણને કોઈએ રાખ્યા નથી. શોખ થાય તો ઘરના જ કચરા-પોતા કરવાના, પણ મુકાદમી કરવા નહિ નીકળવાનું. ચૂંટણીમાં તો પડવું જ નહિ. આપણા કુળમાં કોઈ ક્લાસમાં મોનીટર પણ થયું નથી. તો પ્રધાન શું થવાના..? માટે ખોટાં હવાતિયાં મારતો જ નહિ..! વાત સાવ કાઢી નાંખવા જેવી પણ નહિ. કારણ કે. ૭૨ પેઢીમાંથી એકપણ વડવાએ વિલનામુમાં ચૂંટણીનો અનુરોધ કરેલો નથી. એક જ લીટી લખીને ફના થયેલાં કે, “સિંહ વગર ચૂંટણીએ જંગલનો રાજા કહેવાય છે. આપણે એ જ રીતે રાજા થઈને રહેવાનું, પણ ચૂંટણીમાં ટાંગ કાઢવી નહિ. એટલે તો અમારી પેઢીમાંથી અત્યાર સુધી કોઈ પ્રધાન પાક્યો નથી. પ્રધાન તો ઠીક કોઈ કોટવાળ પણ થયેલો નહિ. તમારી સામે શું પેટ છુપાવવાનું..? ઉમેદ હોત તો, એકાદ નાંખી દેવા જેવો પ્રધાન નહિ થયો હોત..? વારસદારોને લારી ઉપર અડધી ચાહ પીવાના દહાડા થોડાં આવ્યા હોત ? કોઈએ ટોણો માર્યો જ હોત કે, ‘ જો પેલો પ્લાસ્ટિકની ડબલીમાં ચાહ પીએ છે ને..? એ ૧૮૩૬ ના નવાબ, બહાદુરશાહ કાફર ચાંપાનેરીનો છેલ્લો વારસદાર સમ્રાટ રમેશ ચાંપાનેરી...! [ સમ્રાટ જ કહીએ ને..? ભોંય ઉપર સુવાનું ને સંકડાશ શું કામ સહન કરવાની...?].

ચૂંટણીનું જાહેરનામું તો બહાર પડી ગયું. એટલે લોકશાહીના વિવાહ પણ થઇ ગયાં ને લગનની તારીખ પણ નક્કી થઇ ગઈ. ને થોડાં દિવસમાં પીઠી પણ લાગી જવાની..! જેમ અમુકને કર્ફ્યુંમાં પણ જાન કાઢવાની ઊપડે, એમ ચમનીયાની દાઢમાં ચૂંટણી લડવાની એવી સરક ભરાય ગઈ કે, ચૂંટણી લડવાની જીદે ચઢી ગયો. વાઈફની સાડી ફાડીને તો બાર ડઝન જેટલાં ‘ખેસ’ બનાવડાવ્યા. જેના લગન માટે જ મહા મહેનતે માંડ એક માંગુ આવેલું,તેને પણ ચૂંટણીમાં ઉભા રહેવાની ઉપડે...! એટલું તો વિચારે કે, જેને લગનના માંગા નહિ આવતાં હોય, એને કઈ ફેમસ પાર્ટી ટીકીટ આપવાની..? પૈસા હોય તો ગળે ટાઈ બાંધીને ફરાય, બાકી શિવજીએ નાગ વીંટાળ્યો હોય એમ, ગળે ખેસ વીંટાળીને આંધુકીયા નહિ થાય..! ગામના કુતરા તો હજી ઓળખતા નથી. જેને જોઈ ત્યાંથી ભસે, નાહક સળગતી રીંગમાંથી કુદવાના અગનખેલ કરવાનું કંઈ કામ..? પણ એ ની માને...!

મદારીની ડુગડુગી વાગતાં જ, લોકો પથારી છોડીને મેદાનમાં કોથળા પાથરી બેસી જાય, એમ ચૂંટણી જાહેર થવી જ જોઈએ, ભલભલાને ઉમેદવારી કરવાની કુંપણ ફૂટવા માંડે. વાંઝીયા આંબાને પણ મ્હોર ફૂટે, એમ ચૂંટણી જાહેર થાય એટલે પીઠી ચોળીને તૈયાર. ઠેર ઠેર બેનરો બંધાય જાય, ગળે ખેસ વીંટળાય જાય, સભાઓના તંબુ તણાય જાય..! હરખની હેલી તો એવી ઉપડે કે, પડતર ઘર ખોલતાં, જેમ ‘કોક્રોચ’ હોલીડે કરવા નીકળે એમ, એક એક ઉમેદવાર પ્રાઈમ મીનીસ્ટરની ખુમારીમાં જ ફરતો થઇ જાય. જાતે જાતે જ પીઠી ચોળીને પીળા થવા માંડે...! પીઠી ચોળે એનો પણ વાંધો નહિ, પણ કન્યાના મા-બાપને પૂછ તો ખરો કે, કન્યા આપવા માટે તમારી મરજી કેમની છે ? બોતું ના હોય તો કદાચ ના પણ પાડી દે...! પણ ચૂંટણી લડવાની ખંજવાળ જ એવી ઝેરી કે, ‘અપક્ષનો અવતાર ધારણ કરવો પડે તો કરવાનો, પણ ચૂંટણી તો લડવાની જ...! ભગાડીને પણ કન્યા લાવવાની..! બોલો, આને કેવી તાલાવેલી કહેવાય..?

ઝંખના ક્યારેય કોઈને જંપવા દેતી નથી. આવાં વટેમાર્ગુઓને બીજું કંઈ નહિ દેખાય. સ્વપ્નમાં દિલ્હીની ખુરશી જ દેખાય. ભલે રોજ ગંધાતી ગોદડીમાં આડો પડતો હોય, પણ ઝોકું આવ્યું તો, ઝોકામાં પણ સ્વપ્ના જોવા માંડે. ધોળે દિવસે ‘પ્રધાન-બંગલા’ ના છત્તર પલંગ ઉપર સુતો હોય, એવાં સ્વપ્ના આવવા માંડે. આજુબાજુ જી-હજુરિયાના ઝમેલા હોય, ખેસને બદલે, સડી ગયેલો મફલર ખેંચ-ખેંચ કરતો હોય, સરકારે કમાન્ડો મુક્યો હોય, એમ વાઈફને કમાન્ડો તરીકે જોતો હોય..! સ્વપ્નામાં શું શું દેખાવા માંડે, એ તો એને જ પૂછવું પડે. આપણને તો સાલા રાતે પણ ઉંદરડા ઊંધવા નહિ દેતાં હોય, ને આવાં હરખઘેલાઓને દિવસના ઝોકામાં પણ મીનીસ્ટર બન્યાના સ્વપ્ના આવે બોલો..! કરમના પુજેલા..!

સાચી વાત છે. માણસનું લક્ષ તો ઊંચું જ હોવું જોઈએ. સાહસ વગર આજે સિદ્ધિ જ ક્યાં મળે છે..? સોસાયટીવાળા ભલે ચોકીદારમાં પણ રાખવા તૈયાર ના હોય, પણ ઉમેદ તો ઉંચી જ રાખવાની. પ્રધાન થવું કંઈ મમરાના ફાંકા મારવા જેટલું સહેલું છે...? પણ કલ્પના કર્યા વગર તો સ્વર્ગે પણ નહિ જવાય ને..? શું કહો છો મામૂ..?

ચૂંટણીમાં ઉભા રહેવાની ઝીણી ઘંટડી તો ચમનીયાના ભેજામાં રણકતી જ હતી. ચૂંટણી જાહેર થઇ ત્યારથી હવે ઘંટનાદ થાય છે. સાળાના લગન નીકળ્યાં હોય એમ, એવો ગેલમાં આવી ગયો કે, ઘોડો તો ઠીક, એની ઘોડાગાડી પણ ઉભી ઉભી ‘ડાન્સ’ કરતી થઇ ગઈ. ‘ બડે અરમાનસે રખ્ખા હૈ બલમ તેરી કસમ” ની માફક, ચૂંટાઈને જાણે સમ્રાટ બની ગયો હોય, એવું વાતાવરણ છવાય ગયું. એમાં એની વાઈફની તો વાત જ નહિ પૂછો તો સારું..! વાઈફનો તો આખો શણગાર બદલાય ગયો. ‘દેખો ત્યાંથી ખંખેરી નાંખો’ જેવો મિજાજ ધરાવનારી ચંચીબેન માં એવું પરિવર્તન આવી ગયું કે, રાતોરાત ‘વાણી-વર્તન ને વ્યવહાર’ માં સફેદી આવી ગઈ. કોઈ પૂછે કે, ‘બેન તમારી ઓળખ શું ?’ તો વટથી કહે, ‘ હું એપ્લાઈડ મીનીસ્ટર ચમનીયાની વાઈફ થાઉં..! ‘ તારી ભળી થાય તારી..!

‘ઘોઘે ભેંસને ઘેર ધીંગાણા’ જેવી વાત છે. ચૂંટાવાના ઠેકાણા નહિ ને આખો નકશો બદલાય જાય. કડવા કારેલાંમાં રાતોરાત સાકરની મીઠાશ આવી જાય. પછી તો, લોકોના કાનોને પણ ધ્રાસકો પડવા માંડે કે, આ બેનબાએ એના મોંઢામાં સુગર ફેક્ટરી ક્યારે ખોલી..? પણ એક વાત છે, ચમનીયાને રાહત થઇ ગઈ...! દેશ સુધરે કે ના સુધરે, વાઈફ તો સુધરી...? આનંદ તો મામૂ થાય જ ને..? જે હાથે ચમનીયાના રોજ વાળ ખેંચીને ઝઘડા થતાં, એ હાથ હવે હળવેકથી ચમનીયાના માથે ફરવા માંડ્યા. પછી ધીરે રહીને કળા કરવા માંડે કે, ‘‘ હાંભળો ચમન...! ચૂંટાઈ જાવ તો, ફાલતું પ્રધાનપદુ તો લેતાં જ નહિ. બંનેને વેમાનમાં ને વેમાનમાં જ ફરવાનું મળે એવું જ ખાતું લેજો. [ આ ‘વેમાન’ શબ્દ ચંચીબેનનો જ છે ભાઈ..! શું લોહી પીઓ છો..? ] મને તમારી જોડે જ રાખજો. તમે પ્રધાન થાવ તો, પ્રધાનની વાઈફ પણ અફલાતૂન લાગવી જોઈએ ખરું ને..? તો ચાલોને આપણે દશ-પંદર સાડી લઇ આવીએ...? દૂઝાણાના ઠેકાણા નહિ, ને દૂધપાક જ ખાવા છે..?

આને કહેવાય ચૂંટણીની બોલબાલા..! આવાં ચમનીયા તો આખા દેશમાં ફરે છે. આપણે ત્યાં એની જ અછત નથી. સ્ટેડીયમ જેવી ટાલ ઉપર વાળની ખેતી ભલે નિષ્ફળ ગઈ હોય, છતાં ચૂંટણી જાહેર થાય એટલે, ભલભલાના માથે દાંતિયો ફરતો થઇ જાય..! સુકાભઠ્ઠ બાવળિયાને પણ કુંપણ ફૂટવા માંડે. છપ્પનની છાતી કાઢીને એવાં તો ફરતાં થઇ જાય કે, એક-એક ચમનીયો પ્રાઈમ મીનીસ્ટર લાગવા માંડે. વેન્ટીલેટર ઉપર સુતો હોય એ પણ સખણો નહિ રહે. ચૂંટણી જાહેર થાય એટલે વેન્ટીલેટરના દોરડાં છોડીને, ચૂંટણીના મેદાનમાં આવી જ જાય. ચૂંટણી ભી ક્યા ચીજ હૈ જાલિમ..? થાંભલે લટકેલી નનામીને પણ ચૂંટણી લડવાની ખંજવાળ આવતી હોય એમ, એ પણ થાંભલે લટકીને ઉભી ઉભી જ ડેન્સ’ કરવા માંડે..! કોણ કોને સમજાવે કે, ભાઈ ધીરો પડ...! નેતાઓ ને શિક્ષકો ક્યારેય બનતા નથી, પણ જનમતા હોય છે..!

--------------------------------------------------------------------------------------------------------------------

કીમતી મત

વફાદારીને આપો

ટકાઉ હોય

----------------------------------------------------------------------------------------------------