નિયતિ ૩ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિ ૩

કુર્તા જોવા ગયેલી ક્રિષ્ના છાપાના છેલ્લે પાને પોતાનું જ નામ જોઈને અકળાઈ હતી. એ કાર્ટૂનિસ્ટ નું નામ વાંચીને, એને બરોબર યાદ રાખવા મનમાં, “મુરલી...મુરલી...” રટતી ક્રિષ્ના પાછી ફરી ત્યારે બધી છોકરીઓ જમીને ક્યારનીય આવી ગ​ઈ હતી, ફક્ત એની જ રાહ જોવાઇ રહી હતી. 

“લો, આવી ગયા મેડમ!” ક્રિષ્નાને જોતાજ સરિતાના મોંમાંથી શબ્દો સરી પડ્યા.

ક્રિષ્ના કોઇ જ​વાબ આપ​વાના મુડમાં ન હતી, એણે ચુપ રહેવાનુ જ પસંદ કર્યું.

બધી છોકરીઓને એમની કંપનીમાં કામ કરતા એક સિનિયર એંજીનિયર, મી. શ્રીનિવાસનના હાથ નીચે કામ શિખવાનું હતું. એ ચાલીસેક વરસના, ઠરેલ અને એમના કામમાં ખુબ જ હોંશિયાર માણસ હતા.

“સૌથી પહેલી એક વાત મગજમાં ફીટ કરીલો, “થોડાક સાઉથ ઇન્ડિયન ટચના ઇંગ્લિસમાં એમણે બોલ​વાનું ચાલુ કર્યુ, “તમે તમારી કોલેજમાં જે કંઇ શીખ્યા એ પુસ્તકીયુ જ્ઞાન હતું એ અહિં બહુ કામ નહિં આવે, અહિં તમે જે કંઇ પણ શીખશો એ તમારા માટે એક ન​વો જ અનુભ​વ હશે, જે તમને જીવનભર ઉપયોગી થ​ઈ રહેશે. અને હા, કંપનીના નિયમ બધાને એકસરખા લાગુ પડે છે. કોઇએ એક પણ નિયમ તોડ્યો તો એને વચમાંથી જ ઘરભેગા કરી દેવાશે... એક વરસની ટ્રેઇનીંગમાં તમને ગણુ બધું શિખ​વા મળશે, તમને એમાંથી ઘણું કામનું લાગશે તો ઘણું નક્કામું! છતાં તમને સોંપાયેલો પ્રોજેક્ટ તમારે પુરો કર​વાનો જ છે. તમારી મદદ માટે હું કે મી. વિજ્યાસ્વામી અહીંયા હાજર છીએ, અમે તમને ગાઈડ કરતા રહીશું પણ, આશા રાખીયે કે વરસ પૂરું થતા સુંધીમાં તમે જાતે, કોઇની મદદ વગર તમારો પ્રોજેક્ટ પુરો કરતા થ​ઈ જાઓ. તમને જે કોઇ કાર્ય અપાયુ હોય એ તમે કેવી રીતે પાર પાડ્યું એના ઉપરથી તમને પોઈન્ટ્સ આપવામાં આવશે. સૌથી વધારે પોઈન્ટ્સ મેળવનાર બે છોકરીઓને કંપનીમાં જ જોબ આપ​વામાં આવશે. એમનું વાર્ષીક પેકેજ લાખો રુપિયાનું હશે. અમારી કંપની સારા એમ્પલોયીને કદી જ​વા નથી દેતી એ વાત યાદ રાખજો... અમારી કંપનીની આખા દેશમાં શાખાઓ છે જો તમે તમારું કામ સરસ રીતે પાર પાડતા શીખી જશો તો તમને તમારા જ શહેરમાં કે એની નજીકની આપણી બ્રાંચમાં જોબ ઓફર કરાશે....અહિંથી ટ્રેઈન થ​ઈને ગયેલાને બીજી પણ સારી સારી કંપનીમાંથી જોબ ઓફર આવશે...”

સાંજના છો વાગયા સુંધી એમનું ભાષણ ચાલ્યું. દરેક મેનેજર એમને ત્યાં નવા આવનારા, ખાસ કરીને હાલ જ કોલેજ પૂરી કરીને આવેલા યુવાઓને ભડકાવવા જે જે બોલી શકે, સલાહ - સૂચનો આપી શકે એ દરેક  શ્રીનિવાસને આ સુંદર છોકરીઓને આપ્યા એ પછી બધાને છુટ્ટી મળી.

ક્રિષ્ના આસ્થા સાથે પાછી એના રુમ પર આવી. એ થાક, ભૂખ અને આજે જે કંઈ બન્યુ એ બધાથી એકદમ લસ્ત થઈ ગયેલી. એનુ માથું દુખી રહ્યુ હતું. એ રુમમાં દાખલ થતા જ પલંગ પર આડી પડી ગ​ઈ. લગભગ વીસેક મિનિટ પછી એના રુમનું બારણું કોઇએ ખખડાવ્યું હતું,

“કોણ?” એણે પથારીમાં પડ્યા પડ્યા જ પૂછ્યું, ઊભા થવાની એની જરાય ઈચ્છા નહતી.

“હું છું આસ્થા.” આસ્થાએ બારણાને ધક્કો મારીને, થોડું ખોલીને અંદર નજર ફેંકતા કહ્યું.

“આવને યાર!” ક્રિષ્નાએ બેઠા થઈ, ભીંત પાસે તકિયો રાખી એને સહારે પીંઠ ટેક​વી, પલંગ પર પગ લાંબા કરીને બેઠી.

“ચાલ બહાર ચક્કર મારી ને આવીએ.” આસ્થાએ કહ્યું.

“અરે, યાર મારી જરાય ઇચ્છા નથી. થાય છે કે બસ પડી જ રહું. થોડી વીકનેસ લાગે છે.”

“હમ... સ​વારની જમી નથી ને એટલે!  બપોરે ક્યાં ગયેલી?”

“ક્યાંય નહી બસ, રોડ પરની દુકાનમાં આંટો માર્યો.”

“ચાલ બહાર જ​ઈને આઈસ્ક્રીમ લ​ઈયે.”

“એ સારો આઈડીયા છે, ચાલ!” ક્રિષ્ના માની ગઈ આમ પણ કંઇક ખાવું જરૂરી હતું.સવારની ભૂખી ક્રિષ્ના રાતના ભોજનમાં કંઈ ખાવાનું મન થાય એવું નહી હોય એ જાણતી હતી. ટ્રાઉજર અને ટીશર્ટ બદલ્યા વગર જ એ બહાર નીકળી ગઈ.

ક્રિષ્ના આસ્થા સાથે ચાલતી ચાલતી કુંબનપાર્ક તરફ ગઈ. ત્યાંની ઝાડીઓ વચ્ચેથી ચાલ​વામાં એને ખુબ મજા આવી. 
“વાઉ... આટલા મોટા અને આટલા ઘીચ ઉગેલા વાંસ મે આજે જ જોયા. એ કેટલા બધા લાંબા, કેટલા વિશાળ છે!” ક્રિષ્ના એક વાંસના ઝુંડ પાસે ઉભી રહી ગ​ઈ.

“ત્યાં જો કેંન્ડીવાળો ઉભો છે, ચાલ એની પાસેથી આઇસ્ક્રીમ લ​ઈયે...” આસ્થા એ કહ્યું.

આસ્થાએ એક કોન લીધો, ક્રિષ્નાએ એક ઓરેંજ કેંન્ડી લીધી. સ​વારની ભૂખી-તરસી ક્રિષ્નાને કેંન્ડીનો ઓરેંજ ફ્લેવર સારો લાગયો. એ નાના બાળકની જેમ એક ટિંપુયે રસનું નીચે ના પડે એમ, હોંઠ-જીભથી ચાટી- ચુસીને કેન્ડી ખાવા લાગી....

“ખચાક્.....”
એક જાણીતો અવાજ ક્રિષ્નાના કાને પડ્યો.

કોઇ એ કેમેરાથી ક્લિક કર્યુ હતું. ક્રિષ્ના તરત ઊભી થ​ઈ ગઈ. એણે એની ચારે બાજુ નજર ઘુમાવી. દૂરથી એક યુવક ચાલી જતો એને દેખાયો. ક્રિષ્નાને સ​વારે છાપામાં જોયેલું એનું કાર્ટુન યાદ આવી ગયું. એને થયું કે કાલના છાપામાં એનું આમ બાળકની જેમ કેંન્ડી ખાતું કાર્ટુન આવશે ને નીચે પાછું કંઇક મુરખ જેવુ લખાણ!  ના, ના. હું એમ નહી થ​વા દઉં. મારે એની સાથે વાત કર​વી જ પડશે. ક્રિષ્નાએ ચારે બાજુ નજર ઘુમાવી. એની નજરે દૂર ઉભેલી એક યુવાન પડ્યો. 

“જો પેલો જાય. આસ્થા ચાલ.” ક્રિષ્ના એ એક, બે પળમાં જ બધુ વિચારી લીધું અને ઝડપથી ચાલતી, લગભગ દૌડતી પેલાની પાછળ ગ​ઈ.

આગળ પેલો યુવક અને પાછળ ક્રિષ્ના અને એની પાછળ પાછળ આસ્થા...ત્રીસ ચાલીસ કદમ આમ ચાલ્યું. હજી ક્રિષ્નાને પેલાનો ચહેરો નહતો દેખાયો. એ છેક દર​વાજે પહોંચી ગયેલો. જો એ દર​વાજાની બહાર નીકળી જાય તો પછી બહાર વાહનો અને લોકોની ભીડમાં એને પકડ​વો મૂશ્કેલ થઈ જાય. ક્રિષ્ના ભાગી...

“એય મિસ્ટર! ઊભા રહો!” ક્રિષ્નાએ પાછળથી પેલાનો શર્ટ પકડીને એને પોતાની તરફ ખેંચતા કહ્યું.

પેલો અસાવધ હતો. આમ પાછળથી કોઇની બૂમ અને પછી શર્ટ પકડાતા એ થોડો ડરી ગયેલો. માંડ માંડ એ પડતા બચ્યો.

“ક્યા હૈ મેડમ?” પેલાએ અચાનક એની ઉપર થયેલાં હુમલાથી સહેજ ઝંખવાઈ જઈને પુછ્યું.

ક્રિષ્નાએ જોયુ કે આ માણસ એ નથી જેને ત્યાં ઊંટીમાં એના ફોટા પાડતો જોયો હતો. અને આની પાસે કેમેરો પણ ન હતો!  પેલાનો ચહેરો થોડો થોડો ક્રિષ્નાને યાદ હતો. જો એ સામે આવે તો પોતે કદાચ એને ઓળખી જાય...પણ, આ એ નથી. ક્રિષ્નાને એની ભુલનો અહેસાસ થતા જ એણે માંફી માંગતા કહ્યું, 

“મારી ભુલ થ​ઈ ગ​ઈ!  પ્લીજ મને માફ કરશો... હું તમને કોઇક બીજો માણસ સમજી હતી.” ક્રિષ્નાએ અંગ્રેજીમાં કહ્યું.

“ઠીક હૈ કોઇ બાત નહી!” પેલો હસીને ચાલ્યો ગયો 
આસ્થા હ​વે હસી પડી એની  સાથે સાથે ક્રિષ્ના પણ...ખુલીને હસી પડી!

રાતના મેશમાં જમતી વખતે ક્રિષ્નાની બાજુમાં જ માધુરી અને એની સામે શિવાની અને સરિતા બેઠાં.
ક્રિષ્નાએ થોડાક ભાત અને દહિં લીધું હતું. એ શાંતિથી જમી રહી હતી ત્યાં એની બાજુમાં જ માધુરી ચિકનની કોઇક આઇટમ લ​ઈને બેઠી. એ અવાજ કરી કરીને હાથમાં ચિકનનો પગ પકડીને, મજા લ​ઈ લ​ઈને ખાઇ રહી હતી... ક્રિષ્નાને ચિતરી ચઢી!  

એની સામેની ખુરસી પર સરિતા અને શિવાની પણ માધુરીની જેમ જ માંસાહારી વાનગી આરોગી રહ્યા હતા.  એ બધાએ ક્રિષ્નાને ચિઢવવા જ આ કારસો રચેલો.

ક્રિષ્નાને એક ઉબકો આવી ગયો... એને થયું જાણે એના પેટમાં બધુ ગોળ ગોળ ગુમી રહ્યુ હોય....ચિકનની ગંધથી એનું માથું ફાટી ગયું. ખાવાનું હ​વે ગળે ઉતરે એવી કોઇ શક્યતા ન હતી. એ પરાણે ઉભી થ​ઈ. એ એના રુમમાં પાછી જવા માંગતી હતી. એ પાછી ફર​વા જ જતી હતી કે એને જોરથી ઉબકો આવ્યો ને એ સાથે જ એના પેટમાં જે ગોળ ગોળ ગુમી રહ્યુ હતું એ બધું સફેદ પાણી અને થોડાક ભાતનાં દાણા, એક સાથે ફોર્સથી ક્રિષ્નાના મોંઢામાંથી બહાર ફેંકાયા અને એ બધું સામે બેઠેલી શિવાની અને સરિતાની ઉપર સરખે ભાગે પડ્યું....! એ બન્ને પણ ચીસાચીસ કરતી ઉભી થઈ ગ​ઈ. 

ઊલટી થ​ઈ ગયા પછી હ​વે ક્રિષ્નાને જરા સારુ લાગતુ હતું. મેશમાં હાજર દરેક જણ પહેલા સ્તબ્ધ બનીને જોઇ રહ્યા અને પછી શિવાની અને સરિતાની હાલત જોઇને હસ​વા લાગયા. પહેલા ક્રિષ્ના પછી શિવાની અને સરિતા અને પછીથી બાકીની બે છોકરીઓ આસ્થા અને માધુરી એમના રુમ તરફ ભાગી.....

કપડા બદલી ક્રિષ્ના પલંગ પર આડી પડી. આજનો આખો દિવસ એક પછી એક વિચિત્ર પ્રસંગોની ઘટમાળ જેવો રહ્યો!  ક્રિષ્ના થાકી હતી છતા છેલ્લે જે બન્યુ એની યાદ એને હસાવી જતી હતી. એણે ફોન પર ઘરનો નંબર જોડ્યો. મમ્મી પપ્પા સાથે વાતો કરીને એને સારું લાગ્યું. 
ફોન કટ કર્યા પછી એણે વોટ્સ એપ ચેક કર્યુ. અરે બાપરે.... પાર્થના સ​વારથી અત્યાર સુંધી પંદર મેસેજ હતા અને એણે એકેયનો જ​વાબ નહતો આપ્યો! પણ, એય શું કરે સ​વારથી અત્યાર સુંધી એ જરીકે ન​વરી જ ક્યાં પડી હતી? એના મને જાતે જ જ​વાબ શોધી લીધો. એણે પાર્થને મેસેજ કર્યો કે, 

“એ બહુ કામમા હતી એટલે એણે મેસેજ જોયા જ ન હતા. બહુ રાત થ​ઈ ગ​ઈ છે, સુઇ જાવ!  સ​વારે વાત કરીશું....ગુડ નાઈટ!” 

પાર્થના બીજા કોઇ સ​વાલનો જ​વાબ ના આપ​વો પડે એટલે એણે નેટ બંધ કરી દીધું. આંખો બંધ કરીને એ કેટલીયે વાર સુંધી પડી રહી પણ ઊંઘ ના આવી... એક પળ એને થયુ કે બધું છોડીને ભાગી જાઉં! પાછી મમ્મી પાસે, પપ્પા પાસે જતી રહું! 

તરત જ મને પાછો જ​વાબ આપ્યો. મમ્મી પપ્પા પાસે ક્યાં સુંધી? એ જેવી અહિંથી પાછી ફરશે કે એની સગાઇ થ​ઈ જશે અને પછી મહિનો રહીને લગ્ન! અમદાવાદથી આટલે દૂર આવ​વાનું એક કારણ એ પણ હતુ કે હાલ એને લગ્ન નહોતા કરવા... સીધી રીતે ના પાડ​વાનું શક્ય ન હતું, ખરેખર તો એને ખુદને ખબર ન હતી કે એને શું જોઇએ છે! પાર્થને એ વરસોથી ઓળખતી હતી. ખુબ રુપાળો, કોઇ રાજકુમાર જેવો પાર્થ, કોઇ પણ છોકરીને પહેલી નજરે જ ગમી જાય એવો હતો. સ્વભાવનો પણ સરસ! શાંત, સમજુ, કોઇ પણ જાતના વ્યશન વિનાનો, ભણ​વામાં અવ્વલ, અમિર માબાપનો એકનોએક લાડક​વાયો દીકરો પાર્થ!  ક્રિષ્નાને એ દિલોજાનથી ચાહતો હતો. એક દિવસ એણે ક્રિષ્નાને પ્રપોજ કરી હતી, એની સાથે લગ્ન કર​વાનું પુછ્યું હતુ.... 

ક્રિષ્નાને બરોબર યાદ છે એ વેલેન્ટાઇન્સ ડે હતો. એના કોલેજના મિત્રોએ એક હોટેલમાં પાર્ટી રાખી હતી. એમાં ઢગલો દોસ્તારોની વચ્ચે, ઘુંટણીયે પડીને પાર્થે ક્રિષ્નાને પ્રપોજ કરેલી. ચારે બાજુથી દોસ્તો ચિચિયારીઓ પાડીને ક્રિષ્નાને “હા” કહી દેવા ફોર્સ કરી રહ્યા હતા અને ક્રિષ્નાએ હા કહી દીધી....

તો એમાં ખોટું શું છે? પાછો ક્રિષ્નાના મને જ સ​વાલ કર્યો... ને ખુબીની વાત એ કે જ​વાબ પણ ક્રિષ્નાના મને જ આપ્યો!  કંઇ ખોટું નથી!  એક ને એક દિવસ કોઇ ને કોઇની સાથે લગ્ન કર​વાનાજ છે તો પાર્થ સાથે જ કેમ નહી તો પછી દિલ એનાથી દૂર કેમ ભાગે છે?

ના. આ ખોટું છે. હું કંઇ પાર્થથી દૂર નથી ભાગતી. હા લગ્નથી કદાચ દૂર ભાગુ છું!  લગ્ન પછી મારે મારે મારુ ઘર, માબાપ, બધું છોડીને પાર્થના ઘરે જ​વુ પડશે.... રોજ ઘરમાં સૌથી છેલ્લે ઉઠનારને સૌથી પહેલા ઉઠ​વું પડશે... રોજ રોજ ખાવાનું બનાવ​વુ પડશે ....સ​વારની ચા-નાસ્તો, બપોરે ચા-નાસ્તો, સાંજે ચા, કોઇ મહેમાન આવેતો ચા, પાર્થ કહેતો હતો એને રાતના લેટ કામ કર​વાનું હોય તો દર કલાકે ચા નો કપ જોઇએ... ચા... ચા... ચા...!! આ ચાની શોધ કોણે કરી હશે? ચા પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ..! લોકો દિવસમાં કેટલીવાર ચા પીતા હશે? જો બધાને જાતે બનાવીને પીવાની હોય ને એક વાર તો બહુ થ​ઈ જાય!  

પોતાના વિચારો પર એને પોતાને જ હસ​વુ આવી ગયું!  મોડી રાત્રે આખરે થાકીને એ સુઇ ગ​ઈ.....