પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 12 Munshi Premchand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 12

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(12)

મમતાનો પોકાર

માધવી બે સહારા થઇ ગઇ હતી. એને મદદ કરનાર કોઇ ન હતું.

નિરાધાર સ્થિતિમાં નિર્ધન ઘરમાં રડી રડીને એ જીવી રહી હતી એના

અંધકારમય જીવનમાં આશાનું કોઇ કિરણ ઉગે એમ લાગતું ન હતું. પતિના

અવસાનને બાવીસ વર્ષ વીતી ગયાં હતાં. ઘરમાં ખાવાને કોળિયો ધાન ન

હતું. ન હતો એની પાસે કાણો પૈસોય આવી વિષમ પરિસ્થિતિમાંય એણે

એના દિકરાને પાળી પોષીને ઊછેર્યો હતો. એ ભવિષ્યના જીવનની પ્રબળ

આશા સમા જુવાનજોધ દિકરાને આજે એના હાથમાંથી છીનવી લેવામાં

આવ્યો હતો. મોત કુદરતી આવ્યું હોય તો તો ગમે તેમ કરીને મન મનાવી

શકાય. કારણ કે મૃત્યુ આગળ કોઇનું કઇ ચાલતું નથી. પણ સ્વાર્થી

માણસોએ અંગત હિત માટે માધવીના દિકરા પર અસહ્ય અત્યાચાર ગુજાર્યો

હતો. એ અત્યાચારીઓ પાસે જઇ બદલો લેવાની તીવ્ર ભાવના એના મનમાં

જન્મતી હતી.

માધવીના એ પુત્રનું નામ હતું. આત્માનંદ. એનામાં નામ પ્રમાણે

ગુણ હતા. માધવીના વિધવા જીવનનો એક માત્ર આધાર, મૃત પતિનું એક

માત્ર સ્મૃતિચિહ્‌ન, જિંંદગી આખીની કમાણી. આવો દિકરો જેલમાં બંદી

બની યાતનાઓ સહી રહ્યો હતો. એનો શો ગુનો હતો એવો? ગુનો જોવા

જઇએ તો કોઇ જ નહીં. આખા મહોલ્લાનો એ લાડકો હતો. શાળામાં

શિક્ષકોનો અતિપ્યારો. મિત્રોમાં પણ મનગમતો. આજ સુધી એના તરફની

કોઇ ફરિયાદ સાંભળવામાં આવી હોય એવું યાદ નથી. એટલો જ સજ્જન,

સહૃદયી અને પરમાર્થી! કોઇક ભાગ્યવાન માતાની કુખે જ આવું રત્ન જન્મે!

આવો યુવાન શી રીતે જેલમાં જવા યોગ્ય હોઇ શકે! એનો કોઇ ગુનો હોય

તો તે એ જ કે એને ગરીબો પ્રત્યે દયા હતી, સહાનુભુતિ હતી. એ

દુઃખીઓની સેવા કરવા સદા તત્પર રહેતો હતો. તો શું સેવા અને પરોપકાર

એ ગુનો છે?

કમનસીબે માણસને જેલમાં ધકેલી દેનાર તમામ સદ્‌ગુણો

એનામાં હતા. એ નીડર, સ્પષ્ટવક્તા, સાહસિક, રાષ્ટ્રપ્રેમી અને નિઃસ્વાર્થ

હતો. એ એની સેવા પરાયણતા, કર્મઠતા, એનાં વ્યાખ્યાનો અને

સમાચારપત્રોમાં પ્રગટ થતા રાજનૈતિક લેખોને લીધે સરકારી કર્મચારીઓમાં

આંખનો કણો થઇ ખૂંચતો હતો. પોલીસખાતું પણ એના પર નજર રાખતું

હતું. ક્યારે લાગ આવે એની ઉપરથી નીચે સુધી સૌ રાહ જોતા હતા. આખરે

એક ધાડના ગુના સબબ પોલીસ ખાતાને જોઇતો અવસર મળી ગયો.

આત્માનંદના ઘરની જડતી લેવામાં આવી. પોલીસની દ્રષ્ટિએ

વાંધાજનક ગણાય એવા થોડાક પત્રો અને લેખો હાથ લાગ્યા. એ પત્રોના

લખાણમાં પોલીસને ધાડનું મૂળ જણાયું. લગભગ વીસેક જણની ધરપકડ

થઇ. આત્માનંદને પોલીની નજરોએ ટોળકીનો નાયક ઠેરવ્યો. સાક્ષી જામીન

લેવાયા, નામમાત્રની લાલચે સારમાં સારા જામીન મળી શકે છે અને

પોલીના પંજામાં ગયા પછી તો અધમમાં અધમ જુબાનીઓ દૈવવાણીનું

મહત્ત્વ પામી જાય છે. લગભગ એકાદ મહિનો કેસ ચાલ્યો. તમામ

આરોપીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા. દરેકને નાની મોટી સજા થઇ.

આત્માનંદને સૌથી વધારે સખત એવી આઠ વર્ષની કેદની સજા થઇ.

માધવી દરરોજ કોર્ટમાં જતી હતી. એક ખૂણામાં ગુમસુમ બેઠી

બેઠી એ કેસની કાર્યવાહી જોયા કરતી. આત્માનંદને સજા સંભળાવવામાં

આવી અને પોલીસો એને કેદ પકડીને લઇ ચાલ્યા ત્યારે માધવી બેહોશ બની

ઢળી પડી. એક બે સદ્‌ગૃહસ્થોએ લાગણીથી પ્રેરાઇને એને એક ઘોડાગાડીમાં

બેસાડી દઇ ઘર તરફ રવાના કરી દીધી. પણ ભાનમાં આવ્યા પછી એની

પીડા વધી ગઇ. એને છાતીમાં જાણે શૂળ ફુટતું હતું. એ ધીરજ ગુમાવી બઠી

હતી. ઘોર આત્મવેદનાની એ અસહ્ય મનોશારીરિક દશામાં હવે એની આંખો

સામે એક જ લક્ષ્ય હતું અને તે આ પાશવી અત્યાચારનો બદલો.

આજ સુધી તો માધવીના જીવનનો એક માત્ર આધાર એનો

દિકરો હતો. પણ હવે એના જીવનનો આધાર બની ગયો હતો, શત્રુઓ

સાથેના વેરનો બદલો લેવો તે. દિકરા પરના અત્યાચારનો બદલો લેવાની

એક માત્ર એના જીવનની આશા હતી. પોતાને પોસ પોસ આંસુએ રડાવનાર

નર પિશાચ બાગચીને એ રડાવવા ઇચ્છતી હતી. કોમળ હૃદયની સ્ત્રી પ્રતિકૂળ

પરિસ્થિતિમાં રણચંડી બની ગઇ હતી.

રાત વીતતી જતી હોવા છતાં માધવી ઊઠવાનું નામ લેતી ન હતી.

બદલાની ભાવનાના આવેશમાં એ શુધ બુધ ગુમાવી બેઠી હતી. એ કઇ રીતે

બદલો લેવો એ વિચારતી રહી હતી માધવી. આજ સુધી એ ઘરેથી ક્યારેય

બહાર નીકળી ન હતી. વૈધવ્યનાં બાવીસ વર્ષ ઘરમાં ને ઘરમાં વ્યતીત થઇ

ગયાં હતાં. હવે એણે ઘરની ચાર દિવાલો ભેદી બહાર નીકળવાનો સંકલ્પ

કરી લીધો હતો. એ માટે એ ભિખારણ બનવા તૈયાર હતી. જૂઠું બોલવા

તૈયાર હતી તથા ગમે તેવું દુષ્કૃત્ય કરવા પણ તૈયાર હતી. એને સમજાતું હતું

કે હવે સત્કર્મને આ સંસારમાં સ્થાન નથી . ઇશ્વર ભલે અત્યાચારીઓને કોઇ

સજા ના કરી શકતો હોય પણ એતો પાપીઓને સજા કરવા તૈયાર થઇ હતી.

સંધ્યા સમયે લખનૌના એક વૈભવી બંગલામાં મિત્રોની મહેફિલ

જામી હતી. નાચ ગાન થઇ રહ્યાં હતાં. દારૂખાનું ધણધણી રહ્યું હતું. બીજા

એક મોટા ઓરડામાં ટેબલ ઉપર ભોજનની વ્યવસ્થા ગોઠવાઇ હતી.

ચારેબાજુ પોલીસના માણસો નજરે પડતા હતા. આ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ

મિ.બાગચીનો બંગલો હતો. એમણે ઘણા દિવસે એક મહત્ત્વના મુકદ્દમામાં

જીત મેળવી હતી. એ વિજયની ખુશાલીમાં આજે મહેફિલ મંડાઇ હતી.

આવા ઉત્સવોની તો અહીં ખોટ ન હતી. મફતમાં નાચગાન કરનારા મળી

જતા. મફતનું દારૂખાનું મળતું. મિઠાઇઓ અને ફળફળાદિય બજારમાંથી

મફત આવતાં. જે કેસમાં બનાવટી સાક્ષીઓના જોરે નિર્દોષ યુવાનોને જેલમાં

ધકેલી દેવામાં આવ્યા હતા તે કેસમાં વિજય મળ્યાની ખુશાલીમાં અહીં

મિજબાની ચાલતી હતી.

ગાવાનું બંધ થઇ ગયું. નોકર ચાકરો મેવા મિઠાઇ અને ફળફળાદિ

મૂકી નિરાશ થઇ મનમાં ને મનમાં ગાળો દેતા ચાલ્યા ગયા હતા. બધા

ભોજન લેવા ગોઠવાયા હતા. પણ બંગલાના દરવાજે ડોસી હજુ પણ બેસી

રહી હતી. તે મજૂરોની જેમ કામ કરતી ન હતી. એ આજ્ઞા પ્રમાણે દોડી

દોડીને હુકમ બજાવતી હતી. એ સ્ત્રી બીજી કોઇ નહીં, માધવી હતી. મજૂરણ

બાઇનો લેબાશ સજીને એ અત્યારે અહીં એનો સંકલ્પ પૂરો કરવા આવી

હતી.

મહેફિલ પૂરી થઇ. મહેમાનો ચાલ્યા ગયા. ભોજનનો સામાન

સમેટાઇ ગયો. ચારે બાજુ શાંતિ છવાઇ ગઇ. પણ માધવી હજુ પણ ત્યાંથી

ઊઠી ન હતી.

ઓચિંતા મિ.બાગચીએ પૂછ્યું - ‘‘એ ડોસી! તું શું કામ બેસી રહી

છે? તને ખાવાનું મળ્યું કે નહીં?’’

‘‘હા, હજુર. મળી ગયું.’’

‘‘તો જાને અહીંથી. બેસી શું કામ રહી છે?’’

‘‘સરકાર! ક્યાં જાઉં? મારે ઘરબાર તો છે નહીં! આપની આજ્ઞા

હોય તો અહીં જ પડી રહું. બસ, એકાદ રોટલો મળશે તોય ઘણું. બનશે

એટલું હજુરનું કામ કરીશ.’’

‘‘નોકરી કરીશ?’’

‘‘એવું તો ઇચ્છું છું સરકાર! નોકરી આલશો તો એય કરીશ.’’

‘‘છોકરાને સાચવતાં, રમાડતાં આવડશે?’’

‘‘સરકાર, એ તો મને ભાવતું કામ કહેવાય.’’

‘‘ઠીક! તો આજથી જ તું અહીં રહી જા. જા, ઘરમાં જા. અને જે

કામ બતાવે એ કામ કરવા માંડ.’’

એક મહિનો પસાર થઇ ગયો. માધવીના કામથી ઘરનાં બધાં

એના પર પ્રસન્ન છે. માલકણનો સ્વભાવ આકરો ખરો. વાતવાતમાં નોકરો

ઉપર ચીઢાઇ જાય. પણ માધવી એના ગુસ્સાનેય સહી લેતી હતી હસતાં

હસતાં. માધવી મહેણાં ટોણાનાં મારની અસર એના મોં પર વરતાવા દેતી

ન હતી.

મિ.બાગચીની પત્નીએ આમ તો ઘણા દિકરાઓને જન્મ આપ્યો

હતો. પણ એ બધામાંથી આ સૌથી છેલ્લો જન્મેલો દિકરો જ જીવતો રહ્યો

હતો. આ બાળક માધવી સાથે એટલું હળીમળી ગયેલું કે માધવીના

ખોળામાંથી ઘડીવાર માટેય ખસવાનું નામ ના લે. એક ક્ષણ પણ માધવી

દેખાય નહીં તો રડી રડીને જાણે એ જીવ કાઢી નાખે! એ માધવી સાથે જ

રમતો. સૂતો પણ એની સાથે. એ ખવડાવે તો ખાય અને પીવડાવે તો પીવે.

જાણે માધવી જ એની દુનિયા, માધવી જ એનું સર્વસ્વ! છોકરો બાપને તો

પરદેશી અજાણ્યા માણસ જેવા સમજતો કારણ કે ઘરમાં એ ભાગ્યે બે કલાક

જોવા મળતા. મા આગળ એ બીજા નોકર ચાકરોની પાસે જતાંય ડરતો

માધવી બાગચીના દિકરાને ચાહતી હતી. દિકરો માધવીને ચાહતો હતો.

માધવી તો મિ.બાગચીના ઘરનો વૈભવ જોઇ અંજાઇ ગઇ હતી.

એને એમ કે અહીં ધનના ઢગલા થતા હશે. પણ અહીં રહ્યા પછી એણે જોયું

કે માંડ માંડ મહિનાનું ખર્ચ પૂરું પડતું હતું. નોકરો પાસેથી પાઇ પાઇનો

હિસાબ લેવાતો હતો. ઘણીયે વસ્તુઓ વગર ચલાવી લેવામાં આવતું હતું.

એક દિવસ માધવીએ કહ્યું - ‘‘છોકરાને માટે ગાડી કેમ લાવવામાં આવતી

નથી? ખોળામાં ને ખોળામાં તો એનો વિકાસ રૂંધાઇ જાય છે.’’

શ્રીમતી બાગચીએ કઠોરતાથી કહ્યું - ‘‘ક્યાંથી મંગાવું? ઓછામાં

ઓછા ૫૦-૬૦ રૂપિયાનો ખર્ચ થાય. એટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી?’’

માધવીએ કહ્યું - ‘‘માલિકણ! તમેય આવું જ બોલશો, મા

થઇને?’’

‘‘સાચું કહું છું, બાઇ! તારા શેઠની પહેલીવારની પત્નીથી જન્મેલી

બીજી પાંચ દિકરીઓ પણ છે. એ બધી અલ્હાબાદની શાળામાં ભણે છે

અત્યારે. મોટી ૧૫-૧૬ વર્ષની છે. અડધી આવક તો ત્યાં જતી રહે છે અને

વરસ બે વરસ બાદ એની સગાઇ પણ કરવી પડશે ને? એ પાંચેયના લગ્નમાં

ઓછામાં ઓછા પચીસેક હજાર તો ખર્ચાઇ જશે. એટલા રૂપિયા ક્યાંથી

લાવીશું? હું તો ચિંતામાં ને ચિંતામાં મરી જાઉં છું. એ ચિંતાનો જ રોગ છે.

બીજી કોઇ બિમારી નથી.’’

‘‘પણ લાંચ રુશ્વત તો મળતી હશે ને?’’

‘‘ડોસી! એવી કમાણીથી શી બરકત આવે? સાચું કહું તો એવી

ખોટી કમાણીએ જ અમારી આવી દશા કરી છે. કોણ જાણે અનીતિની

કમાણી લોકોને શી રીતે પચતી હશે? મારા ઘરમાં એવી હરામની લક્ષ્મી

આવી નથી કે ઘરમાં કોઇને કોઇ નુકસાન થયું નથી.! એક રૂપિયો આવે છે

ને બે રૂપિયા લઇ જાય છે. હું તો એમને કહું છું કે હરામનો પૈસો મારા

ઘરમાં નહીં ખપે, પણ મારું સાંભળે છે કોણ?’’

દિનપ્રતિદિન માધવીનો બાળક ઉપરનો પ્રેમ વધતો જતો હતો.

એનું અહિત કરવાનો અમંગળ વિચાર પણ એ હવે કરી શકતી ન હતી. એ

એના સુખે સુખી થતી અને એના દુઃખે દુઃખી હતી. પોતાના સર્વ નાશનો

અતીત યાદ આવતાં મિ.બાગચી ઉપર એને પારાવાર ગુસ્સો આવતો હતો.

રૂઝાઇ ગયેલો જખમ જાણે ફરી દૂઝી ઊઠતો હતો. આમ છતાં મનમાં

કુત્સિત ભાવ જાગતો ન હતો. હવે એને મિ.બાગચીના કુટુંબ ઉપર દયા

આવતી હતી. એને વિચાર આવતો હતો કે - ‘‘બિચારો એ એવી કમાણી

ના કરે તો બીજું શું કરે! પાંચ પાંચ દિકરીઓનાં લગ્ન શી રીતે કરે! અને

એની પત્ની તો બસ જિંદગી આખી માંદીને માંદી. ઓછું હોય એમ બાબુજીને

રોજ એક બાટલી દારૂ જોઇએ પાછો! આ ઘર તો છે જ આભાગિયું. જે

ઘરમાં પાંચપાંચ કુંવારી છોકરીઓ હોય, દિકરા જન્મી જન્મીને મરી જતા

હોય, ઘરની ઘરવાળી સદાય માંદી રહેતી હોય અને ઘરનો ધણી દારૂની લતે

ચઢેલો હોય એને ઇશ્વરનો કોપ ના કહેવાય તો બીજું શું કહેવાય! એના કરતાં

તો હું અભાગણી સો દરજ્જે સારી છું.’’

ચોમાસામાં કમજોર બાળકોની માંદગી વધી જાય છે. ભેજ અને

ગરમીને લીધે તથા વરસાદનાં ઝાપટાં અને પવનના સુસવાટાને લીધે

ઉધરસ, તાવ તથા ઝાડા જેવા રોગો થતાં વાર નથી લાગતી. માધવી એક

દિવસ એને ઘેર ગઇ હતી. માધવીની ગેરહાજરીમાં શ્રીમતી બાગચીનો

દિકરો રડવા લાગ્યો ત્યારે એક નોકરને સોંપતાં એણે કહ્યું - ‘‘આને જરા

બહાર ફેરવી આવ. નાકરોએ એને બહાર જઇ લીલા ઘાસ ઉપર બેસાડ્યો.

છોકરો તો મેદાન ઉપર ભરાયેલા પાણીમાં છબછબિયાં કરવા લાગ્યો. છોકરો

પાણીમાં રમત કરતો હતો. અને નોકર બેઠો બેઠો લોકો જોડે ગપાટાં હાંકતો હતો. પાણીથી છોકરાનાં કપડાં લદબદ થઇ ગયાં હતાં. પવનના સુસવાટાને લઇ એને ઠંડી ચઢી ગઇ. આ સ્થિતિમાં શરદી થતા વાર શાની લાગે! બે ત્રણ કલાક પછી નોકર છોકરાને લઇ ઘેર પાછો આવ્યો ત્યારે એના નાકમાંથી પાણી ટપકતું હતું. સાંજે માધવી ઘેરથી જ પાછી આવી ગઇ. એણે જોયું તો છોકરો ખૂબ ખાંસતો હતો. મધ્યરાતે એના ગળામાંથી ખરર...ખરર...અવાજ સંભળાવવા લાગ્યો. છોકરાને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. માધવી તો ગભરાઇ ગઇ. એને થયું - ‘‘છોકરાને શરદી બરદી તો નથી થઇ ગઇને?’’ એણે માલકણને જગાડીને કહ્યું - ‘‘જુઓ, આ છોકરાને શું થઇ ગયું છે? મને લાગે છે કે શરદી થઇ છે!’’

શ્રીમતી બાગચી ગભરાઇ ગઇ. એ સૂતેલી બેઠી થઇ ગઇ. બાળકના ગળામાંથી આવતો ખર્‌ર્‌ર્‌...અવાજ સાંભળીને એના હોશકોશ ઊડી ગયા. એ અવાજથી પરિચિત હતી અને એની ભયંકરતા સમજતી હતી. દુઃખી હૈયે બોલી - ‘‘દેવતા સળગાવ. અજમો લાવ અને એક પોટલી બનાવીને શેક કર. આ નોકરોથી હું વાજ આવી ગઇ છું. આજે છોકરાને નોકર બહાર ફરવા લઇ ગયો હતો. એણે એનું ધ્યાન રાખ્યું લાગતું નથી.’’

આખી રાત બંન્ને જણે છોકરાને અજમાનો શેક કરતી રહી. સવાર થયું. આખરે મિ.બાગચીને જાણ થતાં જ એ ડૉક્ટરને બોલાવવા દોડ્યા. સારું થયું કે તાત્કાલિક સારવાર કરવામાં આવી. ત્રણ દિવસમાં જ છોકરો સારો થઇ ગયો. પણ એનામાં કમજોરી ખૂબ આવી ગઇ હતી. સાચી વાત તો એ હતી કે માધવીની તપશ્ચર્યાએ બાળકનો જીવ બચાવી લીધો હતો. છોકરાનાં મા બાપ સૂઇ જતાં પણ માધવી આખી રાત અપલક નેત્રે બેસી જ રહેતી. ખાવા પીવાનું પણ એને ભાન રહેતું નથી. દિકરાને સાજો કરવા માટે એણે કંઇક દોરા ધાગા કરાવ્યા હતા. કેટલીયે બાધા આખડીઓ રાખી હતી. પોતાના પુત્ર પર આચરવામાં આવેલ અત્યાચારનો બદલો લેવા નીકળેલી માધવી અહીં ઉપકારથી બદલો વાળતી હતી! ઝેર પાવા નીકળેલી એ નાગણ દૂધ પાઇ રહી હતી જાણે! માણસમાં પણ દૈવત્વની પ્રબળતા હોય છે. એનો અનુભવ કરાવી રહી હતી.

સવારનો સમય હતો. મિ.બાગચી દિકરાના પારણા પાસે બેઠા હતા. પત્નીનું માથું દુઃખતું હતું. તેથી તે પલંગ ઉપર સૂઇ રહી હતી. અને માધવી દૂધ ગરમ કરતી હતી. મિ.બાગચીએ કહ્યું - ‘‘ડોસી, અમે જીવીશું ત્યાં સુધી તારો આ ઉપકાર નહીં ભૂલીએ. તેં જ મારા બાળકને જીવતદાન આપ્યું છે.’’

શ્રીમતી બાગચીએ કહ્યું - ‘‘આ બાઇ તો દેવી છે દેવી. એ ના હોત તો શું નું શુંય થઇ જાત! બાઇ મારી એક વિનંતી છે. મરવું જીવવું તો ભાગ્યની વાત છે. હું અભાગણી છું. તારા પુણ્ય પ્રતાપે મારો દિકરો જીવી ગયો છે. મને તો બીક લાગે છે કે ભગવાન એને અમારી પાસેથી ઝૂંટવી ના લે! એટલે આજથી તું એને તારો જ દિકરો જાણજે. અમે તો અભાગી છીએ. કદાચ એ તારો દિકરો થઇને જીવી જાય! આજથી તું જ એની મા છું. તું એને તારે ઘેર લઇ જા. અહીં તો એના માથે રોજ નવીને નવી આફત આવતી રહેશે. તારી મરજી પડે ત્યાં તું એને લઇ જા. તારા ખોળામાં સોંપી દીધા પછી મને એની કોઇ જ ચિંતા રહેશે નહીં. વાસ્તવમાં તું જ એની ખરી મા છું.’’

માધવીએ કહ્યું - ‘‘બાઇ સાહેબ! શું કામ જીવ બાળો છો? ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે.’’

મિ.બાગચીએ આગ્રહ કરતાં કહ્યું - ‘‘ના, ના. એમાં કોઇ વાંધો નથી. મનથી તો હું એને પાખંડ સમજું છું. પણ હૃદયથી હું એને દૂર કરી શકતો નથી. મારી માએ મને પણ એક ધોબણને વેચી દીધો હતો. મારા ત્રણ ભાઇ મરી ચૂક્યા હતા. હું બચી ગયો હતો. એનું કારણ મારાં માબાપે મને ધોબણને વેચી દીધો હતો એ હતું. તું મારા બાળકને તારી પાસે રાખીને મોટો કરજે. હું તમામ ખર્ચ તને આપતો રહીશ. ખર્ચની ચિંતા કરીશ નહીં. અમારું મન અકળાશે ત્યારે અમે આવીને જોઇ જઇશું એને. અમને વિશ્વાસ છે કે તું એને સારી રીતે સાચવી શકીશ! અમારો તો ધંધો જ ખરાબ કામો કરવાનો રહ્યો. અમારે હાથે તો નિર્દોષ માણસોય માર્યા જાય છે. જીવ એવો લાલચું છે કે નાની અમથી લાલચમાં સપડાઇ જાય છે. મને ખબર છે કે ખરાબ કામોનું ફળ પણ ખરાબ જ મળે છે. પણ હું લાચાર છું. એવું ના કરું તો નોકરીમાંથી મને તરત જ પાણીચું મળી જાય. અંગ્રેજો હજારો ભૂલો કરે પણ તોય એમને કોઇ કહેનાર નથી. હિન્દુસ્તાની એક ભૂલ કરે તો અંગ્રેજ અધિકારીઓ એને માથે ચઢી વાગે છે. આપણા હિન્દુસ્તાનીઓને તો ઊંચો હોદ્દો ના મળે એ જ સારું! એમ થવાથી તો એમના આત્માનું પતન થઇ જાય છે. બોલ, આ છોકરાનો સ્વીકાર કરે છે કે નહીં?’’

માધવીએ ગદ્‌ગદ્‌ કંઠે કહ્યું - ‘‘આપનો આગ્રહ જ છે તો હું મારાથી બનતી આપની સેવા કરીશ. હું તો ભગવાનને પ્રાર્થાના કરીશ કે એ આપના દિકરાને અમર કરે.’’

માધવીની સામે જાણે સ્વર્ગના દરવાજા ઊઘડી ગયા હતા અને દેવીઓ જાણે એમના પાલવ પાથરી પાથરીને આશીર્વાદ આપી રહી હતી.

છોકરોતો ચાદર ઓઢીને સૂઇ રહ્યો હતો. દૂધ ઊનું કરી રહ્યા પછી એને પારણામાંથી ઊંચકી લેતાં જ એણે ચીસ પાડી. બાળકનું આખું શરીર ઠંડું પડી ગયું હતું. મોંઢા ઉપર ફિક્કાસ દેખાતી હતી. એ બાળકને જોતાં જ રડવા લાગી. માધવી એ બાળકને છાતી સરસો ચોંપી દીધો. પણ -

આખા ઘરમાં રોકકળ મચી ગઇ. મા બાળકને ગળે વળગાડી રડતી હતી. શું વાતો ચાલતી હતી અને શું થઇ ગયું! મોત કેટલું છેતરામણું હોય છે! એને માણસને થાપ આપવામાં મઝા આવે છે! રાહ જોનારનો પાસે તો એ ફરક્તુંય નથી. રોગા દવા લેવાથી સાજો સારો થઇ જાય છે. બધાને એમ થાય છે કે હવે માથેથી માફત ટળી ગઇ, પણ ત્યાં જ મૃત્યુ એના માથે ઓચિંતું ત્રાટકે છે. આવી છે મોતની ક્રૂર લીલા.

આશાઓનો ચમન ખીલવવામાં આપણે ખૂબ જ હોંશિયાર છીએ. લોહીનાં બી વાવી આપણે અમૃતનાં ફળ મેળવવા ઇચ્છીએ છીએ. આગથી વૃક્ષોને સીંચીને એનાં છાંયડામાં બેસીએ છીએ. એવી છે આપણી સૌની બુદ્ધિ!

આખો દિવસ શોકમાં વીતી ગયો. મા અને બાપ રડતાં કકળતાં હતા. માધવી બંન્નેને સમજાવતી હતી. એ પોતાના પ્રાણનું બલિદાન આપીને પણ જો આ સમયે બાળકને બચાવી શકી હોત તો એ એના જીવનની ધન્યતા સમજત. એ બદલો લેવા અહીં આવી હતી અને જે એની મનોકામના હતી એ સ્વયં સિદ્ધ થવાથી એને ખરેખર અદ્‌ભૂત આનંદ થવો જોઇતો હતો. પણ...પણ... એ ને તો આનંદની જગાએ અસહ્ય વેદના થતી હતી. પુત્ર જેલમાં ગયો ત્યારે જે દુઃખદ લાગણીનો અનુભવ થયો હતો એથીય વધારે દુઃખદ અને દુસહ્ય અનુભવ મિ.બાગચીના દિકરાના મૃત્યુથી એને થતો હતો. એ આવી હતી રડાવવા અને ખુદ રડીને જઇ રહી હતી. માનું હૈયું તો દયાનો વિરાટ સાગર છે. એને બાળવામાં આવે તો દયાની સુવાસ આવે છે. અને દળવામાં આવે તો દયાનો રસ ટપકે છે. વિધિની ક્રૂર લીલા પણ. એને મલિન કરી શકતી નથી.

***