પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 11 Munshi Premchand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 11

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(11)

એક આંચની કસર !

આખા નગરમાં શ્રીમાન યશોદાનંદની વાહ વાહ થઇ રહી હતી. એમની કીર્તિ ચોમેર ફેલાયેલી હતી. છાપાંઓમાં એમની આલોચના થતી મિત્રોના પ્રશસ્તિપત્રોનો તો કોઇ પાર ન હતો. ઠેરઠેર ચર્ચા થતી હતી આને સમાજસેવા કહેવાય! ઊંચા વિચારો ધરાવનાર વ્યક્તિનાં કાર્યો આવાં જ હોય છે! શ્રીમાને શિક્ષિત સમાજનું મસ્તક ઉન્નત કરી દીધું હતું. હવે કોઇ કેહશે કે આપણા નેતાઓ માત્ર વાતોનાં વડાં કરવામાં જ પાવરધા છે, કામ કરવામાં નહીં? એમણે ધાર્યું હોત તો એમના દીકરા માટે લગ્નના દહેજમાં ઓછામાં ઓછા વીસ હજાર રૂપિયા મેળવી શક્યા હતો. પણ લાલા સાહેબે સિદ્ધાંત આગળ ધનની લેશમાત્ર પરવા કરી નહીં.એને દહેજમાં એક પાઇ પણ લીધા વિના દિકરાનાં લગ્ન કરી દીધેલાં. વાહ રે વાહ! નસીબ હો તો આવું હજો! સિદ્ધાંતપ્રેમ હો તો આવો હોજો! આદર્શ પાલન હો તો આવું હો! આજ સુધી જે કોઇએ કરી બતાવ્યું ન હતું તે તેં કરી બતાવ્યું! એમે ગૌરવથી તારી સામે અમારાં મસ્તક ઝુકાવીએ છીએ.

યશોદાનંદના બે પુત્રો હતા. મોટો દિકરો ભણીગણીને તૈયાર થઇ ગયો હતો. એનાં લગ્ન થઇ ગયાં હતાં. આજે ચાંલ્લાની વિધિ થવાની હતી, શાહજહાંપુરના શ્રીમાન સ્વામીદયાળ ચાંલ્લો લઇ આવવાના હતા. શહેરના પ્રતિષ્ઠિત સજ્જનોને નિમંત્રણ આપવામાં આવ્યાં હતાં. લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સારી એવી મહેફિલ જામી હતી. જમણવારની તૈયારીઓ થઇ ગઇ હતી. મિત્રો યશોદાનંદને વધાઇ આપતા હતા.

એક શ્રીમાને કહ્યું - ‘‘તમે તો કમાલ કરી દીધી!’’

બીજા સજ્જન બોલ્યા - ‘‘અરે, પતાકા ફરકાવી દીધી એમણે તો

એમ કહો. આજ સુધી તો સૌએ એમને મંચ પર વ્યાખાન આપતાં જ

જોયેલા. કામ કરવાની વેળા આવે ત્યારે લોકો મોં સંતાડતા હતા.’’

ત્રીજાએ વાતમાં ઝૂકાવ્યું - ‘‘કેવાં કેવાં બહાનાં બતાવે છે લોકો?

કહેશે કે મને તો દહેજપ્રથા સામે નફરત છે, પણ એની મા માનતી નથી. તો

વળી કોઇ બાપને નિમિત્ત બનાવે છે. કોઇક બીજું બહાનું શોધી કાઢે છે.’’

ચોથા સજ્જન બોલ્યા - ‘‘અરે, કેટલાક તો એવા બેશરમ હોય છે

કે ફટ કરતાકને કહી દે છે કે, ભાઇ! અમે છોકરાને ભણાવતાં ગણાવતાં

ઘણાય પૈસા ખર્ચ્યા છે. એનું વળતર તો મળવું જોઇએ ને? જાણે રૂપિયા

બેંન્કમાં જમા ના કરાવ્યા હોય!’’

પાંચમાં સજ્જને વાતમાં ઝૂકાવતાં કહ્યું - ‘‘હું તો ખૂબ સમજાવી

રહ્યો છું. આપ લોકો મને છાંટા ઊડાડો છો. એમાં છોકરાના બાપનો જ દોષ

છે કે, છોકરીના બાપનોય થોડો ઘણો દોષ ખરો કે નહીં?’’

‘‘છોકરીના બાપનો જો કોઇ દોષ હોય તો એ માત્ર એ જ કે એ

છોકરીનો બાપ છે.’’

‘‘છોકરીઓનું સર્જન કરનાર ઇશ્વરનો જ બધો દોષ છે.’’

‘‘એ તો કેમ કહેવાય. દોષ નથી વરપક્ષનો કે નથી કન્યાપક્ષનો.

બંન્નેનો સરખો દોષ. છોકરીનો બાપ કશું આપે જ નહીં તો પછી ફરિયાદ

કરવાનો એને શો અધિકાર કે છાબ કેમ ના લાવ્યા, સુંદર વસ્ત્રો કેમ ના

લાવ્યા, વાજાં અને દારૂખાનાની વ્યવસ્થા કેમ ના કરી? બોલો.’’

‘‘આપનો પ્રશ્ન વિચારવા જેવો ખરો. મારા માનવા પ્રમાણે આ

સ્થિતિમાં છોકરાના બાપને આવી ફરિયાદ નકરવી જોઇએ.’’

‘‘એટલે એમ કે દહેજપ્રથાની સાથે સાથે છાબ, વસ્ત્રો, વાજાં,

દારૂખાનું વગેરે ની પ્રથા પણ ત્યાજ્ય સમજવી? માત્ર દહેજ અટકાવવાના

પ્રયત્નો કરવા વ્યર્થ છે.’’

યશોદાનંદે કહ્યું - ‘‘આ દલીલ પણ પોકળ છે.મેં દહેજ લીધું નથી

એનો અર્થ એમ કે મારે પણ કન્યા માટે વસ્ત્રાભૂષણો ન લઇ જવાં?’’

એક જણે કહ્યું - ‘‘આપની વાત જુદી છે, શ્રીમાન! આપ આપને

અમારી હરોળમાં શું કામ મૂકો છો? આપનું સ્થાન તો દેવોની સાથે છે.’’

બીજા સજ્જન બોલ્યા - ‘‘વીસ હજારની રકમ છોડી દીધી? શું

વાત છે?’’

યશોદાનંદે કહ્યું - ‘‘આપણે કદી સિદ્ધાંતોનો છોડી દેવા જોઇએ

નહીં. સિદ્ધાંતની પાસે પૈસાની કોઇ કિંમત નથી. દહેજના કુરિવાજ પર મેં

ક્યારેય વ્યાખ્યાન આપ્યું નથી. કોઇ નોંધ પણ કરી નથી. હા, સભામાં એ

અંગેની દરખાસ્તને અનુમોદન આપી ચૂક્યો છું. એટલે જ હું એ પ્રસ્તાવને

વળગી રહ્યો છું. એ પ્રસ્તાવનો ભંગ કરવા ઇચ્છું તો પણ કરી ના શકું. સાચું

કહું છું, આ રૂપિયા લઇ લઉં તો મને એટલી માનસિક વેદના થાય કે એના

આઘાતમાંથી હું બચી પણ ના શકું.’’

એક સજ્જને કહ્યું - ‘‘જો સભામાં આપને સભાપતિ ના બનાવાય

તો ઘોર અન્યાય થયો ગણાય.’’

‘‘મેં તો મારી ફરજ નીભાવી. એની કદર થાય કે ના થાય, મને

કોઇ ફિકર નથી.’’

એટલામાં સ્વામીદયાલ આવ્યાની ખબર મળી. એમના સત્કારની

તૈયારીઓ થવા લાગી. એમને યોગ્ય આસન પર બેસાડ્યા પછી ચાંલ્લાની

વિધિ શરૂ થઇ. એક પતરાળામાં શ્રીફળ, સોપારી, પાન, ચોખા, વગેરે

વસ્તુઓ મૂકી વરની સામે ધરવામાં આવ્યાં. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યો.

હવનની વિધિ સંપન્ન થઇ. વરના ભાલપ્રદેશ પર કુંકુમ તિલક થયું. સ્ત્રીઓએ

મંગલાચરણ ગાવાનું શરૂ કર્યું. આ તરફ યશોદાનંદે એક પાટ પર ઊભા થઇ

દહેજપ્રથા વિરુદ્ધ ભાષણ આપવાનું શરૂ કર્યું. વ્યાખ્યાન લખીને અગાઉથી

તૈયાર કરવામાં આવ્યું હતું. એમણે દહેજની ઐતિહાસિક સમજ આપી હતી.

‘‘જૂના સમયમાં દહેજનું નામ નિશાન ન હતું. સજ્જનો! દહેજને

કોઇ ઓળખતું પણ ન હતું. બાદશાહતના સમયમાં આ કુપ્રથાની પાયાની ઇંટ

ચંપાઇ. આપણા યુવાનો સૈન્યમાં સામેલ થવા લાગ્યા. તેઓ વીર હતા.

સૈન્યમાં ભરતી થવાનું એમને અભિમાન હતું. માતાઓ એમના પ્યારા

બેટાઓને પોતાના હાથે શસ્ત્રો આપી રણભૂમિમાં મોકલતી હતી. આથી

યુવાનોની સંખ્યા ઉત્તરોત્તર ઘટવા લાગી. છોકરાઓની અછત વરતાવાથી

મોલ તોલની શરૂઆત થઇ. આજે એવો સમય આવ્યો છે કે મારી આ તુચ્છ

સેવા અંગે છાપામાં નોંધ થવા લાગી છે. જાણે મેં કોઇ ઉલ્લેખનીય કામના

કર્યું હોય! આપણે જો આ જગતમાં જીવતા રહેવું હોય તો આ કુરિવાજોને

દફનાવી દેવો પડશે.’’

એક સજ્જને શંકા કરી - ‘‘એનો અંત આણ્યા વગર જ આપણે

બધા મરી જઇશું?’’

યશોદાનંદે કહ્યું - ‘‘તો તો પૂછવું જ શું હતું. લોકોને શિક્ષા જ

થાય, અને એમ થવું જ જોઇએ. ઇશ્વરનો એ અત્યાચાર છે કે આવા લોભી,

ધનપટુ, સ્ત્રીઓનો વેપાર કરનારા અને સંતાન વિક્રય કરનારા નરાધમ લોકો

જ આજે જીવતા છે અને સુખી છે. સમાજ એમનો તિરસ્કાર નથી કરતો.’’

વગેરે વગેરે...

પ્રવચન લાંબુ અને હાસ્ય સભર હતું. લોકોએ એમની ખૂબ વાહ

વાહ કરી. પ્રવચન પૂરું કર્યા બાદ તેમણે તેમના છ સાત વર્ષની ઉંમરના

નાના દિકરા પરમાનંદને મંચ ઉપર ઊભો કર્યો. એમણે એને પણ એક

નાનકડું ભાષણ લખીને આપ્યું હતું. એમને તો એ બતાવી આપવું હતું કે

એમના કૂળનો એક નાનો છોકરો પણ કેટલો કુશાગ્ર બુદ્ધિનો છે! સભામાં

બાળકો પાસે વ્યાખ્યાન અપાવવાની પ્રથા હતી જ તેથી કોઇને ખાસ નવાઇ

લાગી નહીં. બાળક ઘણો સુંદર, હોનહાર, હસમુખો અને ચપળ હતો. હસતો

હસતો એ મંચ પર આવ્યો અને ગજવામાંથી કાગળ કાઢી વાંચવા લાગ્યો

‘‘પ્રિય બંધુવર,

નમસ્કાર!

આપના પત્રથી જણાય છે કે આપને મારા પર વિશ્વાસ નથી.

ઇશ્વરની સાક્ષીએ હું જણાવું છું કે નિર્દિષ્ટ ધન આપની સેવામાં કોઇને ગંધ

સરખી પણ ના જાય એ રીતે પહોંચી જશે. હા, એક જિજ્ઞાસા કરવાની

ધૃષ્ટતા કરું છું. આ વ્યાપારને ખાનગી રાખવાથી આપને જે સમ્માન અને

પ્રતિષ્ઠાલાભ થશે, તથા મારા નજીકના બંધુજનોમાં મારી જે નિંદા કરવામાં

આવશે એ સંબધી મારી સાથે કેવો વ્યવહાર થશે? મારો નમ્ર પણે અનુરોધ

છો કે પચીસમાંથી પાંચ કાઢીને મારી સાથે ન્યાય કરવામાં આવે.

શ્રીમાન યશોદાનંદ મહેમાનોને ભોજન પીરસવાનો આદેશ

આપવાની તૈયારીમાં હતા ત્યાં જ એમને કાને શબ્દો પડ્યા - ‘‘પચીસમાંથી

પાંચ કાઢીને મારી સાથે ન્યાય કરવામાં આવે.’’ એમનો ચહેરો પીળો પડી

ગયો. ઊતાવળા ઊતાવળા દિકરા પાસે દોડી ગયા એ. એના હાથમાંથી

કાગળ આંચકી લેતાં કહ્યું - ‘‘નાલાયક! આ શું વાંચી રહ્યો છે? આ તો

કોઇક વકીલનો કાગળ છે. એમણે એ એક કેસ બાબતમાં લખ્યો હતો એ. તું

ક્યાંથી ઊઠાવી લાવ્યો આ કાગળ? શેતાન, જો જઇને પેલો મેં લખી આપ્યો

હતો એ કાગળ લઇ આવ.’’

એક સજ્જને રહ્યું - ‘‘વાંચવા દો એને શ્રીમાન. એ લખાણમાંથી

જે આનંદ મળે છે એ બીજેથી નહીં મળે.’’

બીજાએ કહ્યું - ‘‘છાપરે ચઢીને બોલે એનું નામ જ જાદું.’’

ત્રીજાએ કહ્યું - ‘‘હવે બંધ કરો આ જલસો. હું તો આ ચાલ્યો.’’

ચોથાએ જણાવ્યું - ‘‘આપણેય આ ચાલ્યા.’’

યશોદાનંદે એમને અટકાવતાં કહ્યું - ‘‘બેસો, બેસો, પતરાળાં

મૂકવામાં આવી રહ્યાં છે.’’

એક સજ્જને પરમાનંદને પાસે બોલાવતાં કહ્યું - ‘‘અહીં આવ

પરમાનંદ બેટા. આ કાગળ તારા હાથમાં ક્યાંથી આવ્યો?’’

પરમાનંદે જણાવ્યું - ‘‘પિતાજીએ લખીને એમના મેજના ખાનામાં

મૂક્યો હતો. મને એમણે જ કહ્યું હતું કે એ પત્ર મારે વાંચવો. હવે અમથા

ખિજાય છે મારા પર એ.’’

યશોદાનંદે આવેશમાં આવી કહ્યું - ‘‘તે આ કાગળ હતો, સુવ્વર?

એ કાગળ તો મેં મેજ ઉપર જ મૂક્યો હતો. પણ તેં આ કાગળ મેજના

ખાનામાંથી શા માટે કાઢ્યો?’’

‘‘કાગળ મને મેજ ઉપરથી ના જડ્યો એટલે.’’ પરમાનંદે કહ્યું.

‘‘તો તારે મને કહેવું હતું ને? ખાનું શું કામ ઊઘાડ્યું? આજે તારી

એવી ખબર લઇ નાખું છું કે આખો જ જન્મારો યાદ કરીશ.’’ પરમાનંદે

કહ્યું.

એક સજ્જન બેલ્યા - ‘‘આ આકાશવાણી છે.’’

બીજાએ કહ્યું - ‘‘ભાઇ, આનું નામ જ નેતા.’’

ત્રીજા સજ્જને કહ્યું - ‘‘શરમ આવવી જોઇએ. નેતાગીરી ત્યાગથી

મળે છે, ધોખાબાજીથી નહીં.’’

ચોથો બોલ્યો - ‘‘મળી તો હતી, પણ એક આંચની કસર રહી

ગઇ.’’

પાંચમાએ પ્રતિભાવ આપ્યો - ‘‘ઇશ્વર પાખંડીઓને આવી જ સજા

કરે છે.’’

આમ કહેતા કહેતા લોકો ઊભા થયા. યશોદાનંદને સમજાઇ ગયું કે

ભંડો ફૂટી ગયો હતો. હવે રંગ નહીં જામે. વારંવાર પરમાનંદ ભણી એ

લાલચોળ આંખો એ તાકના હતા. અને ડંડો ઊગામતા. મનમાંને મનમાં

સમસમીને વિચારતા - ‘‘શેતાને આખી હાથમાં આવેલી બાજી બગાડી

નાખી. મોંઢા પર મેંશ ચોપડી દીધી. મને ભરી સભામા જ નીચા જોયું

કરાવ્યું.’’

જતાં જતાં રસ્તામાં એમના મિત્રવર્ગમાં ચર્ચા થતી હતી -

એક - ‘‘ઇશ્વરે જબરી લપડાક મારી મોંઢા ઉપર. હવે બહાર મોં

બતાવવા જેવું જ નહીં રહે.’’

બીજા - ‘‘મને નવાઇ લાગે છે કે આવા આવા શ્રીમંત અને

આબરૂદાર માણસો આટલા હલકટ હોય છે! લેવું હોય તો જગજાહેર લ્યો ને!

કોણ હાથ ઝાલે છે? આ તો માલેય ખાવો છે ને માનેય મેળવવું છે.’’

ત્રીજો - ‘‘દગાબાજનું મોં કાળું.’’

ચોથો - ‘‘યશોદાનંદ ઉપર તો મને દયા આવે છે. બિચારાએ

એટલી બધી લુચ્ચાઇ કરી તોય એનું પોલ ઊઘડી ગયું. બસ, એક આંચની

કસર રહી ગઇ.’’

***