પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 9 Munshi Premchand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 9

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(9)

સ્વર્ગની દેવી

લગ્નની બાબત એ તો ભાગ્યના ખેલ છે. એમાં માણસનું શું ચાલે!

ભગવાને કે બ્રાહ્મણોએ નક્કી કર્યું હોય ત્યાં જ એ થાય. ભારતનાથે લીલા

માટે વર ગોતવામાં કશી કમી રીખી ન હતી તોય એમની ઇચ્છા પ્રમાણેનાં

વર કે ઘર ના મળ્યાં. દરેક પિતાની ઇચ્છા પ્રમાણે એ પણ દિકરીને સુખી

જોવા ઇચ્છા હતા. એમને ધન દોલત જ સૌથી વધુ મૂલ્યવાન હતાં. શિક્ષણ

અને ચારિત્ર્યને એ ગૌણ સમજતા. ચારિત્ર્યની તો વાત જ કરવા જેવી નથી.

અને આજકાલના જમાનામાં શિક્ષણનું શું મૂલ્ય છે? સંપત્તિની સાથે શિક્ષણ

હોય તો તો પૂછવું જ શું? એવું ઘર શોધવા છતાં એમને મળ્યું નહીં.

આવાં ઘર હોય પણ કેટલાં? બે ચાર ઘરની ભાળ મળી હતી પણ

એમનાં ખોરડાં ઉતરતાં હતાં. ખમતું ખાનદાન મળે તો એમાં યોગ્યતાનો

અભાવ હતો. આખરે મજબૂર થઇને લીલાનું લગ્ન લાલા સંતચરણના દિકરા

સીતાશરણ સાથે કરવું પડ્યું. સીતાશરણ એના બાપનો એકનો એક દિકરો

હતો. થોડો ભણેલો ગણેલોય ખરો. વાતચીત કરવામાં પાવરધો. કોર્ટ

કચેરીના કામનો એને અનુભવ હતો. સ્વભાવનોય રંગીલો. નવાઇની વાત

તો એ હતી કે સીતાશરણ રૂપવાન, બળવાન, હસમુખો અને સાહસિક હતો

પણ એના વિચારો બાવા આદમના જમાનાના હતા. જૂનું એટલું સારું અને

નવું એટલું ખરાબ, એ એનું જીવન સૂત્ર હતું. એનામાં વિચારશક્તિનો

અભાવ હતો. બુદ્ધિની મંદતા સામાજિક અનુદારતાના રૂપમાં પ્રગટ થતી

હતી.

ઘરમાં પગ મૂકતાં જ લીલાની પરીક્ષા શરૂ થઇ. એના ઘરમાં કામ

કરતાં એના ભારોભાર વખાણ થતાં હતાં તે કામ અહીં વર્જ્ય ગણાતાં હતાં.

એને માટે તાજી હવા અને સૂર્યનો પ્રકાશ આ ઘરમા દુર્લભ બની ગયાં હતાં.

પિયરમાં ઇશ્વરીગુણ તરી કે ગળથૂથીમાં આપેલાં ક્ષમા, અહિંસા, અને દયા

જેવા ગુણોનો વિચાર સરખો કરવાની અહીં સ્વતંત્રતા ન હતી.

સંતશરણ ભારે ગરમ સ્વભાવનો હતો. નાક પર માખ બેસે એય

ના ગમે. છળકપટ, દાવપેચ અને લુચ્ચાઇથી એણે સંપત્તિ એકઠી કરી હતી.એ

જ એનો જીવનમંત્ર હતો.એની પત્ની તો એનાથી પણ ચાર ચંદરવા ચઢે

એવી. વહુની શી મજાલ કે ક્યારેય એ ઘરના બારણે પગ મૂકે કે ઝરૂખામાં

ઊભી રહે! બબડાટ કરવાનો તો એને રોગ હતો. વાતવાતમાં એ વાંધાવચકા

કાઢીને લહેંકા લસરકાં કરતી. આખો દિવસ એ મોંઢામાં પાન ઘાલીને ઘરના

બેઠકખંડમાં ખાટલા પર બેસી રહેતી હતી.

ઘરમાં એની મરજી વિરુદ્ધ પાંદડુંય ફરકી શકતું નહીં. વહુની નવી

નવી ટેવો જોઇએ બળ્યા કરતી. હવે શી રીતે આબરૂ રહેશે? ઓટલે ઊભી

રહીને બહાર ફેરવ્યા કરે છે આંખો આખો દિવસ. મારી છોકરી હોય તો

એનો ટોટી જ પીસી નાખું. કોણ જાણે એના પિયરમાં લોક કેવાં હશે! ઘરેણાં

તો પહેરતી જ નથી. જ્યારે જુઓ ત્યારે નાગી બૂચી જ દેખાય. આ તે કંઇ

સારાં લક્ષણ કહેવાયે? લીલાની સાથે સાથે સીતાશરણ ઉપર પણ પસ્તાળ

પડતો. તનેય ચંદ્રના અજવાળે સોનું સારું લાગે છે શું? તું તારી જાતને મરદ

માને છે? શાનો મરદ! તારું બૈરું તો તારા કહેવામાં રહેતું નથી. આખો દિવસ

બિલાડીની જેમ ઘરમાં ભરાઇ રહે છે. મોંઢામાં જીભ જ ક્યાં બળી છે? કશું

કહેતો કેમ નથી?

સીતાશરણ કહેતો - ‘‘મારી વાત કોઇ માને તો ને?’’

‘‘ના કેમ માને? તું મરદ છે કે બાયલો? મરદને જોતાં જ બૈરું

ધ્રુજવા માંડે નહીં તો એ મરદાઇ શા ખપની?’’

‘‘પણ મા, તું તો સમજાવે છે એને.’’

‘‘મારી એને શી પડી હોય? એને તો એમ કે ડોસી બે ચાર દાડામાં

મરી જશે, પછી ઘરની માલકણ હું જ થઇ જઇશ ને!’’

‘‘મારાથી પણ એને કશું કહેવાતું નથી. તું જોતી નથી મા, કેટલી

દુર્બળ થઇ ગઇ છે બિચારી? શરીર આખું પીળું પડી ગયું છે. આ અંધારી

ઓરડીમાં પડ્યાં પડ્યાં એના દશા બગડતી જાય છે.’’

દિકરાની આવી વાતો સાંભળીને માની આંખોમાંથી અંગારા

વરસતા. એ એના નસીબને દોષ દેતી. ક્યારેક સમયને વગોવતી.

લીલાની સામે જતાં સીતાશરણની બુદ્ધિ બદલાઇ જતી હતી.

પત્નીને સારુ લાગે એવી વાતોએ એની સાથે કરતો. બંન્ને જણાં ભેગાં થઇ

માની ઠઠ્ઠામશ્કરી કરતાં લીલાને આ ઘરમાં બીજું કોઇ સુખ ન હતું. આખો

દિવસ કામ, કામ ને કામ., પિયરમાં તો કશું કામ એણે કર્યું ન હતું. પણ

અહીં તો દળણું દળવું પડતું હતું. મજૂરો માટે રોટલા ટીપવા પડતા હતા.

આમ તો સંતશરણના ઘરની સ્થિતિ રસોઇઓ રાખે એવી સદ્ધર હતી પણ

આ ઘરની પ્રથા જ એવી હતી કે ખાવાનું કામ વહુ સિવાય કોઇથી થઇ જ ના

શકે! સીતાશરણને જોઇને લીલાને થોડવાર શાંતિ મળતી હતી.

ઉનાળાના દિવસો હતા. સંધ્યાનો સમય હતો. બહાર પવન

ફૂંકાતો હતો. ઘરમાં લીલાનું શરીર બળતું હતું. લીલા ઓરડામાં બેઠી બેઠી

એક ચોપડીના ફેરવતી હતી ત્યાં જ પતિએ આવીને કહ્યું - ‘‘અહીં તો ખૂબ

ગરમી લાગે છે, બહાર જઇને બેસ.’’

‘‘તમારી માના મહેણા કરતા આ ગરમી વધુ સારી છે.’’ પત્નીએ

કહ્યું.

‘‘જો વધારે બોલીશ નહી. નહીં તો...’’

‘‘તો તો મારે માટે ઘરમાં રહેવુંય કપરું થઇ પડશે.’’

‘‘આ બલાથી જુદાં રહીશું.’’

‘‘મરી જાઉં તોય હું જુદી તોના જ રહું. એ જે કશું કહે છે એ મારા

ભલા માટે જ છે. મારી સાથે એમને દુશ્મનાવટ ઓછી છે કંઇ? એમની વાતો

આપણને ગમે નહીં એ જુદી વાત. એમણે જે દુઃખો સહ્યાં છે એ દુઃખો

સહેવાનું મને શીખવાડે છે. એમના શરીર પર એ દુઃખોની કશી અસર થઇ

નથી.’’

સીતાશરણે પત્નીના પીળા પડી ગયેલા મોં સામે જોઇ કહ્યું - ‘‘આ

ઘરમાં આવીને તું ખૂબ દુઃખી થઇ ગઇ. તારે માટે આ ઘર યોગ્ય ન હતું. તેં

આગલા જન્મે જરૂર કોઇ પાપ કર્યું હશે!’’

પતિનો હાથ પોતાના હાથમાં લેતાં લીલાએ કહ્યું - ‘‘અહીં ના

આવી હોત તો તમારો પ્રેમ શી રીતે પામી શકાત મારાથી?’’

પાંચ વર્ષ પસાર થઇ ગયાં એ વાતને. લીલા બે બળકોની મા થઇ

ગઇ. એક દિકરો હતો. બીજી દિકરી. દિકરાનું નામ જાનકીશરણ રાખવામાં

આવ્યું હતું અને દિકરીનું કામિની. બંન્ને બાળકો ઘરમાં કિલ્લોલ કરતાં હતાં.

દિકરી દાદાની મોંકળા લઇને આવી હતી. જ્યારે દિકરો દાદીમા ઉપર પડ્યો

હતો. બંન્ને હુષ્ટપુષ્ટ હતા. વાતવાતમાં ગાળ ભાંડવી કે મોં ચઢાવી દેવું એમને

માટે સામાન્ય બાબત હતી. આખો દિવસ એ ખાધા કરતાં અને બીજે દિવસે

માંદાં પડી પડ્યાં રહેતાં. લીલાએ એની જીંદગીમાં ઘણાં દુઃખો સહન કર્યાં

હતાં. પણ બાળકોમાં ખરાબ ટેવો પડે તે એને ઘણું કઠતું હતું. પણ એનું કોણ

સાંભળે? બાળકોની મા હોવા છતાં એની કશી વિસાત ન હતી. ઘરમાં જે કઇ

હતાં તે બાળકો હતાં. એની તો કોઇ હેસિયત ન હતી. પોતાના બાળકને

ઠપકો આપવાનો પણ એને અધિકાર ન હતો.એમ કરવા જતાં એની સાસુ

એને ફાડી ખાતી હતી જાણે!

હવે એનું શરીર વધારે વથડાતું જતું. ગંદી, અસ્વસ્છ, ગંધાતી અને

અંધારી કાળકોટડીમાં રહેવાથી એનું શરીર સૂકાઇ ગયું હતું. ચહેરો પીળો પડી

ગયો હતો. આંખો ઊંડી ઉતરી ગઇ હતી. શરીરમાં જાણે લોહી જ ન હતું.

ગરમીના દિવસો હતાં. એક બાજુ કેરીઓ પાકી હતી. બીજી બાજુ

પાકાં તરબૂચે રૂપ કાઢ્યૂં હતું. કેરી અને તરબૂચની આવી ફસલ આ પહેલાં

ક્યારેય થઇ ન હતી. સંતશરણ કેરીઓ અને તરબૂચનો ટોપલો ભરી લાવતો

અને બાળકો મઝાથી ખાતા. બાબુ સંતશરણ જૂના જમાના ખાધેલ માણસ,

સવારે લગભગ સો એક કેરીઓનો નાસ્તો કરતા. ઉપરથી પાંચ શેર તડબૂચ

ઝાપટી જતા. એમની પત્ની એમનાથી કમ ન હતી. અનાજ ખાવાનું એક ટંક

બંધ કરી કેરાઓ તડબૂચ ઉપર તૂટી પડતી.

દરેક વર્ષે આ બે વસ્તુઓની રેલમછેલ ઉડતી. તેમ છતાં કોઇકશી

ફરિયાદ કરતું ન હતું. પેટમા ગરબડ જણાય તો હરડે ફાકી જતાં. બાબુ

સંતશરણના પેટમાં એકવાર ધીમો દુઃખોવો ઉપડ્યો. તેમણે તેની પરવા કરી

નહીં અને એ તો બેસી ગયા કેરીઓ ઝાપટવા. સો કેરીઓ ઝાપટીને એ ઊભો

થયા ન થયા કે તરત જ ઉલટી થઇ. પછી તો ઝાડા ઉલ્ટીએ માઝા મૂકી.

કોલેરાએ એમને જકડી લીધા. શહેરમાંથી ડૉક્ટર આવે તે પહેલાં તો તેઓ

લાંબી વાટે ચાલી નીકળ્યા. ઘરમાં રોકકળ મચી ગઇ. સંધ્યા કાળે લારાને

સ્મશાને લઇ જવાઇ. લોકો તેમના અગ્નિસંસ્કાર કરી મોડી રાતે ઘેર પાછા

ફર્યા. ત્યારે સંતશરણની પત્નીને પણ ઝાડા ઉલ્ટી થઇ ગયેલાં. સવાર થતાં

સુધીમાં તો એ પણ પતિને પગલે પગલે ચાલી નીકળી.

પણ આથી મુશ્કેલી ટળી નહીં. લીલા તો સંસ્કારની તૈયારીમાં પડી

ગઇ હતી. ઘરની સફાઇ તરફ કોઇએ ધ્યાન આપ્યું નહીં. ત્રીજે દિવસે બંન્ને

બાળકો રડતાં રડતાં દાદા દાદીના બેઠક ખંડમાં ગયાં. ત્યાં એક તાકામાં

કાપેલા તડબૂચની ચીરીઓ પડી હતી. બે ત્રણ હાફુસ કેરીઓ પણ હતી.

એમની ઉપર માખીઓ બણબણતી હતી. જાનકીએ ટેબલ પર ચઢીને બંન્ને

વસ્તુઓ ઉતારી પછી બંન્ને ભાઇ બહેન કેરી તડબૂચ ખાઇ ગયાં. સાંજ થતાં

થતાંમાં બંન્ને બાળકોને કોલેરા થઇ ગયો અને તેઓ પણ મા બાપને રોતાં

કકળતાં મૂકીને અક્ષરધામની યાત્રાએ ચાલ્યાં ગયાં. ઘર ઉપર જાણે વીજળી

તૂટી પડી. ત્રણ દિવસ ઉપરનું ભર્યું ભાદર્યું ઘર આજે સ્મશાન જેવું સૂમસામ

થઇ ગયું.

લીલા કારમા આઘાતને સહી શકી નહીં. તે વધારેને વધારે લેવાતી

ગઇ. ઊઠવા બેસવાનીય એનામાં શક્તિ રહી નહીં. કપડાં લત્તાં કે

ખાવાપીવાનું હવે એને ભાન રહ્યું નહીં. એ ગૂમસૂમ બેસી રહેતી, જાણે

પાગલ ના હોય! દિવસો સુધી નહાતી ધોતી નહીં. મહિનાઓ સુધી કપડાં

પણ બદલતી ન હતી. હવે આથી વિપત્તિની વેળાએ એને કોઇ આધાર ન

હતો. એક માત્ર આધાર બાળકોનો હતો. પણ તેઓય રૂઠી ગયા હતાં. હવે

જીવવું અકારું લાગવા માંડ્યું. પણ કઇ માગ્યું મોત ઓછું આવે છે.

સીતાશરણની સ્થિતિ પણ દુસહ્ય હતી. દિવસો સુધી એ રડતો

રહેતો. મોટે ભાગે એ ઘરની બહાર જ રહેતો. પણ દુઃખનું ઓસડ દહાડા એ

ન્યાયે દિવસે જતાં એના પર છવાયેલાં શોકનાં વાદળો ઓસરવા માંડ્યાં. હવે

મિત્રોની સાથે હસી મજાક કરવા લાગ્યો. હવે તો એ એકલો જ ઘરનો

માલિક હતો. એની મરજીમાં આવે એ કરી શકવા સ્વતંત્ર હતો. કોઇનીય

જરા સરખી પણ રોકટોક નહીં. પહેલાં તો લીલાને રડતી જોઇ એની

આંખોમાં આંસુ ઉભરાઇ આવતાં, પણ હવે એને રડતી જોઇ એ ગુસ્સે થઇ

જતો કહેતો ‘‘જીવન રડવા માટે નથી. બાળકો ઇશ્વરે આપ્યાં હતાં, ને ઇશ્વરે

લઇ લીધાં. શું બાળકોની પાછળ જીવ આપી દેવાતો હશે?’’ લીલા તો પતિની

વાતો સાંભળી અવાક્‌ બની જતી હતી.

હોળીના દિવસો હતો. પુરુષો ગાઇ વગાડી આનંદ મેળવતા હતા.

લીલા ઘરમાં ભોંયપર પડી પડી રડતી હતી. તહેવારના દિવસો મોટે ભાગે એ

રડીરડીને વીતાવતી હતી. તહેવારોના દિવસોમાં એને બાળકોની ઉછળકૂદ

સાંભળી આવતી, અને એ ઊંડા શોકમાં ડૂબી જતી.

એ રડતી હતી ત્યાં જ સીતાશરણે આવીને કહ્યું - ‘‘આમ રડતી

જ રહીશ કે હવે લૂગડાં બૂગડાં બદલીશ? જરા કાળજું કઠણ કરતાં શીખ.

જોતી નથી. તારું શરીર કેવું કાગડાના માળા જેવું થઇ ગયું છે!’’

‘‘જાઓ, તમે તહેવારનો આનંદ લૂંટો અને કરો મોજમજા. મારી તે

શી ચિંતા?’’

‘‘દુનિયામાં શું તારાં એકલીનાં જ છોકરાં મરી ગયાં છે? બીજા

કોઇનાં મર્યાં જ નહીં હોય? શું તારી એકલીને માથે જ આ આફત આવી

છે?’’

લીલાએ કહ્યું - ‘‘તે તો બધાંય જાણે છે. દરેક ને પોત પોતાનું હૈયું

છે. એના પર કોઇનું શું ચાલે?’’

‘‘પણ મારી સાથે તારું પણ કોઇક કર્તવ્ય તો છે ને?’’

લીલાએ આશ્ચર્યથી પતિની સામે જોયું. એ એમના કહેવાનો મર્મ

સમજી શકી નહીં. બિચારી મોંઢું ફેરવીને રડવા લાગી.

સીતાશરણે કહ્યું - ‘‘મારે હલે આ શોકનો અંત આણવો છે. તું

તારા દિલ પર કાબૂ રાખી ના શકતી હોય તો હું પણ મારા દિલ પર કાબૂ

રાખી શકતો નથી. આખી જીંદગી મારાથી શોકમાં નહીં જીવાય.’’

‘‘તે હું તમને રંગ રાગ કરતાં ક્યારે મના કરું છું? પણ મને તો

રડવા દો ને!’’

‘‘’મારું ઘર રડવા માટે નથી.’

પત્નીએ કહ્યું - ‘‘ભલે, તમને ના ગમતું હોય તો હવે હું તમારા

ઘરમાં નહીં રહું.’’

‘‘મારો ધણી મારા હાથમાંથી છટકી જતો હોય એમ લાગે છે.

એમના પર વાસનાનું ભૂત સવાર થઇ ગયું છે. એમને કોણ સમજાવે?

અત્યારે એ ભાનમાં નથી. શું કરુ હું? જો ચાલી જાઉં તો ઘરનો સર્વનાશ થઇ

જાય છે. કોઇક કુલટા આ ઘરમાં ભરાઇ જાય અને આખુ ઘર ઊજાડી મેલે.

એમને કોઇ રોગ થાય તો શું એમને હું નિરાધાર મૂકીને જતી રહું? ના, ના,

હું તો તન મનથી એમની સેવા ચાકરી કરું. ભગવાનને પ્રાર્થના કરું. દેવી

દેવતાઓની બાધા આખડીઓ રાખું. એમને શારીરિક રોગ નથી, પણ

માનસિક રોગ અવશ્ય છે. જો રડવાની વેળાએ હસે ને હસવાની વેળાએ રડે

એ પાગલ નહીં. તો બીજું શું હોઇ શેકે? મારા ચાલ્યા જવાથી તો સર્વનાશ

થઇ જશે. એમને બચાવવાનો મારો ધર્મ છે.’’

‘‘પણ એમ કરતાં મારે મારો શોક ભૂલી જવો પડશે. રડવાનું તો

મારા ભાગ્યમાં જ લખાયું છે.હું રડીશ પણ હસીને હસીને રડીશ. મારા

ભાગ્ય સાથે હું લડીશ. જે ચાલ્યાં ગયા છે એમની પાછળ રડવા સિવાય બીજું

કરી પણ શું શકાય? પણ જે મારી પાસે છે તેને સાચલી રાખવામાં જ મારું

સુખ છે. ઓ, ખંડિત હૃદય આવ, તારા ભગ્ન અવશેષોને એકઠા કરીને એક

સમાધિ બનાવું અને મારો સમસ્ત શોક એને હવાલે કરી દઉં. હે આંખો, હવે

મારાં આંસુઓને તમારી પાંપણોમાં પૂરી રાખો. હે આભૂષણો! મેં ઘણા

દિવસો તમને મારાથી દૂર રાખ્યાં છે. મારો અપરાધ ક્ષમા કરશો. આવો,

અને મારા શરીરને શણગારો. પણ જોજે હોં, દગો ના કરતાં. મારા મર્મને

યથાતથ સાચવી રાખજો.’’

લીલા આખી રાત મન સાથે વાતો કરતી બેસી રહી. પુરૂષો

આનંદમાં મગ્ન હતા. નશામાં ચકચૂર બનેલો સીતાશરણ ક્યારેક ગાતો

હતો, ક્યારેક તાલીઓ પાડતો હતો. એના મિત્રો પણ એની જેમ નશામાં ચૂર

હતા. એમના માટે ભોગ વિલાસ સિવાય બીજી કોઇ પ્રવૃત્તિ જ નહતી.

પાછલા પહોરે, મહેફિલમાં દેકારો મચી ગયો. હો હા બંધ થઇ

ગઇ. લીલાએ વિચાર્યું કે બધા ક્યાંક ચાલ્યા ગયા હશે! એણે જઇને જોયું તો

છળી ઊઠીએ. મિત્રો ચાલ્યા ગયા હતા. પડોશીઓનું કોઇ ઠેકાણું ન હતું.

માત્ર એક યુવતી ગાદલા ઉપર સૂઇ રહી હતી. અને સીતાશરણ એની છાતી

ઉપર ઝૂકીને ધીમે ધીમે એની સાથે વાતો કરી રહ્યો હતો. બંન્નેની આંખો

એમના મનોભાવની ચાડી ખાતી હતી. એકની આંખોમાં અનુરાગ હતો.

બીજાની આંખોમાં હતો કટાક્ષ. એક નિર્દોષ અને ભોળું હૈયું એક માયાવી સ્ત્રી

લૂંટી લેવા બેઠી હતી. લીલાના જીવનની સંપત્તિને એક દુરાચારીણિ એની

નજર સામે લૂંટી રહી હતી.

લીલાને મને તો થઇ આવ્યું કે પેલી કુલટાને એ પાઠ ભાણાવી દે.

ઘણા દિવસોથી સુષુપ્ત રહેલો એનો પત્નીભાવ જાગી ઊઠ્યો. પણ એ ગમ

ખાઇ ગઇ. ઝડપથી દોડતી તૃષ્ણાઓ અકસ્માત્‌ રોકી શકાતી ન હતી. એ

પાછે પગલે ઘરમાં ચાલી ગઇ અને મનને મનાવવા લાગી. - ‘‘હું તો

રૂપરંગમાં હાવભાવમાં નખરાંમાં એ દુષ્ટાની બરાબરી કરી શકું એમ નથી. એ

તો પૂનમના ચાંદા જેવી છે. એના અંગેઅંગમાં સ્ફૂર્તિ ભરેલી છે. એની

આંખોમાં આગના ભડકા ઊઠે છે. એને હું?’’ લીલા એ જ વખતે ઊભી થઇ

અને અરીસા સામે જઇ ઊભી. ઘણા મહિના બાદ આજે એણે અરીસામાં

પોતાનો ચહેરો જોયો. એના હોઠો વચ્ચેથી એક આછો સિસકારો નીકળી

ગયો.

સીતાશરણનો નશો સાંજે ઉતર્યો. આંખો ઊઘાડી તો સામે ઊભેલી હસતી લીલાને જોઇ એનું અનોખું સૌંદર્ય આંખોમાં સમાઇ ગયું. એ ખુશ થઇ ગયો. પણ એમને શી ખબર કે આ રૂપ માટે તો પોતે કેટલાં આંસુ વહાવ્યાં છે! વાળમાં ફૂલો પરોવતા પહેલાં આંખોમાં કેટલાં મોતી પરોવ્યાં છે! પ્રેમના આવેશમાં આવી સીતાશરણે લીલાને જકડી લીધી અને કહ્યું. - ‘‘આજે તો તેં ઘણાં બધાં શસ્ત્રો સજાવી દીધાં છે ને? હવે હું નાસી ને ક્યાં જાઉં?’’

લીલાએ પોતાના હૃદય તરફ આંગળી રાખી કહ્યું - ‘‘અહીં આવીને બેસો. બહુ નાસભાગ કરો છો તે હવે તમને બાંધીને રાખવા પડશે. બાગની મઝા તો માણી ચૂક્યા છો, હવે આ અંધારી કોટડીનો આનંદ તો માણો જરા!’’

સીતાશરણે શરમાઇને કહ્યું - ‘‘લીલા, એને અંધારી કોટડી ના કહીશ. એ તો પ્રેમનું માનસરોવર છે.’’

એટલામાં મિત્ર આવ્યાની ખબર મળી. સીતાશરણ જવા તૈયાર થયો. લીલાએ એનો હાથ ઝાલીને કહ્યું ‘‘નહીં જવા દઉં તમને હું.’’

‘‘પણ, હમણાં જ આવું છું પાછો.’’

‘‘મને ભય લાગે છે કે ક્યાંક તમે ચાલ્યાના જાઓ.’’

સીતાશરણ ઘરની બહાર આવ્યો એટલે મિત્રએ કહ્યું - ‘‘આજે આખો દિવસ ઊંઘ્યા જ કર્યું છે કે શું? આજે કઇ ખુશખુશાલ જણાય છે ને! અત્યારે તો ત્યાં જવાનું નક્કી કર્યું હતું ને? બિચારી તારી રાહ જોતી હશે.’’

‘‘જવું તો છે જ પણ, લીલા જવા દેતી નથી.’’

મિત્રએ કહ્યું - ‘‘આવી ગયો ને બૈરીના પંજામાં પાછો? પછી શાનું અભિમાન રાખતો હતો?’’

સીતાશરણે કહ્યું - ‘‘લીલાએ ઘેરથી કાઢી મૂક્યો હતો ત્યારે પારકા ઘેર આશરો શોધતો ફરતો હતો પણ હવે એણે એના ઘરનાં બારણાં મારે માટે ઊઘાડ્યાં છે.’’

મિત્રએ પૂછ્યું - ‘‘પણ પેલી મઝા અહીં નહીં પડે. ઘરને લાખ પ્રયત્નોથી સજાવીએ એટલે કઇ બાગ બનતો નથી.’’

સીતાશરણે કહ્યું - ‘‘ઘર બાગ નથી બની શકતો ,પણ સ્વર્ગ તો બની શકે છે. મને મારી હીનતી પર જે લાગણી થઇ રહી છે એ તો મારું મન જ જાણે છે. સંતાન શોકમાં ગુમાવી દીધેલું લાવણ્ય માત્ર મારે એક ઇશારે પાછું મેળવી લીધું છે. અને શોક ભૂલી ગઇ તો એવો ભૂલી ગઇ કે પહેલાં એને કદી શોક થયો જ ન હતો જાણે! હું જાણું છું કે મહાનમાં મહાન સંકટો સહન કરી શકે છે. એને માટે મારું રક્ષણ કરવું જરૂરી છે. આજે એને જોઇને મારું હૈયું પુલકિત થઇ ઊઠ્યું છે. મને લાગે છે કે મારા જેવા દુર્બલ મનુષ્યના રક્ષણ માટે ઇશ્વરે મોકલેલી એ તો સ્વર્ગની દેવી છે દેવી. એને કહેલાં કઠોર વચનો બદલ મને આજે અપરંપાર પસ્તાવો થાય છે લીલા ખરેખર સ્વર્ગની દેવી છે.’’

***