હેશટેગ લવ - ભાગ-૧૪ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

હેશટેગ લવ - ભાગ-૧૪

"હેશટેગ લવ" ભાગ -૧૪

હોસ્ટેલ પહોંચી બધા જ થાક્યા હોવાના કારણે જલ્દી સુઈ ગયા. સવારે કૉલેજ જવાનું નહોતું પણ બપોરે એક વાગે અજયને મળવાનું હતું. આજે જમીને જ અજયને મળવા માટે કૉલેજથી થોડે દૂર નક્કી કરેલી જગ્યા ઉપર જવા માટે નીકળી ગઈ.  શોભના, સુસ્મિતા અને મેઘનાની કોલ સેન્ટરની જોબ આજથી શરૂ થઈ ગઈ હતી. એ પણ નીકળી ગયા. એટલે મારે એકલા નિકળવવામાં બહુ તકલીફ ના થઈ.
અજય આજે મારા પહેલાં જ આવીને ઊભો થઈ ગયો હતો. અજયને જોઈ મને તેને ગળે લગાવી લેવાનું મન થયું. પણ જાહેરમાં શરમના કારણે એમ કરી ના શકી. એના સ્કૂટર પાછળ બેસી ગઈ. સ્કુટરને અજયે બેન્ડસ્ટેન્ડ ના રસ્તા તરફ હંકાર્યું. બેન્ડસ્ટેન્ડ હવે અમારી ગમતી જગ્યા બની ચુકી હતી. વારેવારે અમે એજ સ્થળે જતાં. અને ત્યાં કોઈ રોકટોક ના હોવાના કારણે એ સ્થળ પર મોડા સુધી બેસી રહેવું અમને ગમતું પણ. આજે અજય ત્યાં બેસતાંની સાથે પહેલાં તો મારી માફી માંગી. હું પણ તેને વળગીને રડી પડી. ઘરે રહીને તો એક સમય મને લાગ્યું હતું કે "હું અજયને ખોઈ બેઠી છું." પણ આજે અજયને પોતાની બાહોમાં સમાવી એક હાશકારો અનુભવ્યો. અજયે પોતાની ભૂલ મારી આગળ કબૂલી. આવેગોના કારણે એવી ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું. મેં પણ નક્કી કર્યું હતું કે હું અજયને મારી જાત સોંપી દઈશ પણ અજયે મારી માફી માંગવાની પહેલ કરવાના કારણે હું કઈ બોલી ના શકી. 
મોડા સુધીનો સમય એની સાથે જ વિતાવ્યો. અંધારું થતા એનો હાથ મારા શરીર પર ફરવા લાગ્યો. હું પણ મારા હાથને એની પીઠ ઉપર ફેરવતી રહી. મારી અંદર પણ કામેચ્છા જાગી ચુકી હતી પરંતુ મેં જાત ઉપર પરાણે સંયમ મેળવી લીધો.
એ મુલાકાત બાદ મારી પણ ઈચ્છાઓ વધતી ગઈ. અજય તો છેલ્લી હદ પાર કરવા માટે વ્યાકુળ જ હતો પણ મને આપેલા પ્રોમિસ અને પહેલીવાર થયેલી નારાજગીના કારણે એને ફરી ક્યારેય પૂછવાની હિંમત ના કરી. અઠવાડિયામાં એકવાર અમે નિશ્ચિત સમયે મળતાં. સ્થળ તો નક્કી જ હતું. બેન્ડસ્ટેન્ડ. અજયને શરીર સોંપવા સિવાયની બધી જ હદો અમે પાર કરી ચૂક્યા હતાં.
પ્રેમમાં અજબની ખુશી મળે છે. ચહેરા પર એક અલગ જ ચમક આવી જાય છે. અજય સાથેની મુલાકાતો બાદ મારા ચહેરા ઉપર નિખાર આવતો હું જોઈ શકતી હતી. સુસ્મિતાએ પણ ઘણીવાર મને એકાંતમાં હસતાં જોઈને કારણ પૂછ્યું. પણ દર વખતે મેં ખોટા બહાના કાઢી વાતને બદલી નાંખતી. પરંતુ છૂપો રહી જાય એ પ્રેમ કેવો. રૂમમાં બધા જ ધીમે ધીમે જાણવા લાગ્યા હતા કે હું કોઈના પ્રેમમાં છું. પણ છતાં હું બધાથી છુપાવવાનું નાટક કરી રહી હતી. એક દિવસ બેન્ડસ્ટેન્ડથી આવતાં મોડું થઈ ગયું. અજયના સ્કૂટર પરથી ઉતરી તો સામે જ રિક્ષામાંથી શોભના, સુસ્મિતા અને મેઘના પણ ઉતરતાં હતાં. અને હું પકડાઈ ગઈ. અંધારના કારણે એ લોકોએ અજયના ચહેરાને તો જોયો નહોતો પણ કોઈ છોકરો મને મુકીને ગયો એ એમને સ્પષ્ટ પણે દેખાઈ ગયું. મને કોઈની સાથે જોતાં હવે એ ત્રણ આગળ મારે છુપાવવા જેવું કંઈ ન રહ્યું. રાત્રે રૂમ ઉપર જઈને મેં એમને બધું જણાવ્યું. અમારો સંબંધ કેટલો આગળ વધ્યો એ જાણવા માટે એ લોકો વધું દબાણ કરતાં હતાં પણ હું કઈ જણાવવા માંગતી નહોતી. કેટલીક અંગત વાતો અંગત રહે એજ સારું. એમ મારું માનવું હતું.
મારા વિશે તો એ ત્રણે જાણી લીધું પણ એમને પોતાના વિશે કઈ ના જણાવ્યું. દિવસો વીતતાં ગયા. અજય સાથેની મુલાકાતો અને અમારો આગળ વધતો સંબંધ વધુ ગાઢ બનતો ગયો. હવે તો ભણવા કરતાં પણ પહેલાં હું અજયનું વિચારતી થઈ ગઈ. મમ્મી પપ્પા સાથે પણ ફોનપર કામ પૂરતી જ વાતો. હવે જ્યારે પપ્પા કે મમ્મી મને ભણવા વિશેની સલાહ આપતાં ત્યારે મને ગુસ્સો પણ આવતો. મમ્મી પપ્પા માટે મારો સ્વભાવ હવે ચીડિયો બની ગયો. અજય સાથે પણ ક્યારેક નાની મોટી વાતે ખટપટ થઈ જતી પણ ક્યારેક હું તો ક્યારેક એ નમતું મૂકી ને એકબીજાને મનાવી લેતાં.
પહેલાં વર્ષનું મારુ રિઝલ્ટ સાવ નબળું આવ્યું  માંડ માંડ પાસ થઈ. મમ્મી પપ્પા આગળતો ભણવાનું અઘરું છે એમ બહાનું કાઢી લીધું પણ હકીકત શું છે એ તો માત્ર હું જ જાણતી હતી. મનને મનાવી બીજા વર્ષે વધુ મહેનત કરવાનું નક્કી કર્યું. 
કૉલેજમાં રજાઓ શરૂ થઈ. પાછું ઘરે જવાનું બન્યું. પણ આ વખતે અજય સાથે અબોલા નહોતા એટલે ખુશી ખુશી ઘરે જવા માટે નીકળી. વેકેશન થોડું લાબું હતું. અજયે મને મળવા નડીઆદ આવવાનું કહ્યું. જેના કારણે હું વધુ ખુશ થઈ. શોભના, સુસ્મિતા અને મેઘના સાથે હું ટ્રેનમાં ઘરે જવા નીકળી. 
પપ્પા સ્ટેશન લેવા આવી ગયા. પહેલી વખતે ઘરે પહોંચવાનો જે ઉત્સાહ હતો એ આ વખતે  નહોતો. આ વખતે જાણે મુંબઈ મારુ ઘર હોય અને એ ઘર છોડી હું નડીઆદ કોઈ અજાણી જગ્યાએ આવી ગઈ હોય એમ લાગતું હતું. પોતાના જ ઘરમાં હું અજાણી બનીને રહેવા લાગી. અજયનો ફોન આવતો ત્યારે મમ્મી મોટાભાગે બાજુમાં જ હોય. એટલે લાંબી વાતો કરતાં નહિ. પણ અજયનો ફોન આવવાથી મારા ચહેરા ઉપર ખુશી જરૂર આવી જતી. ઘરે આવી મોટા ભાગનો સમય મારી રૂમમાં જ વિતાવતી. ક્યારેક મમ્મી સાથે બજાર તો ક્યારેક બહાર જમવા કે નાસ્તો કરવા માટે જતાં. 
નડીઆદમાં આવ્યા બાદ એક એક દિવસ મારા માટે એક એક વર્ષ સમાન થઈ ગયો હતો. મારો સ્વભાવ પણ હવે પહેલાં જેવો રહ્યો નહોતો. મારી સાથે સ્કૂલમાં ભણતી મારી નડીઆદની ફ્રેન્ડ તો મારા આ બદલાયેલા સ્વભાવને જોઈ ક્યારેક કહેતી : 'મુંબઈ જેવા મોટા શહેરમાં જઈ કાવ્યાને અભિમાન આવી ગયું છે." એ મારું અભિમાન હતું કે બીજું કંઈ એ મને નહોતું સમજાતું પણ મારા સ્વભાવમાં પરિવર્તન ઘણું આવ્યું હતું એ નક્કી હતું. મમ્મી પપ્પા ઉપર વગર કારણે ગુસ્સે પણ થઈ જતી.તેમની કેટલીક શિખામણો હવે મને બંધન જેવી લાગવા લાગી હતી.
                           *******
ભૂતકાળ ના એ દિવસોને યાદ કરતાં આજે પણ હૈયું કંપી ઉઠે છે. મારી જ ભૂલો મને આજે દેખાઈ રહી હતી. મમ્મી પપ્પા તો મને મારી મરજી મુજબ જ જીવવવા દેતાં હતાં. પણ હું ક્યાંક ને ક્યાંક એમને આપેલી છૂટનો દુરુપયોગ કરવા લાગી હતી. પહેલાં વર્ષનું રિઝલ્ટ આટલું નબળું આવ્યું હોવા છતાં એમને મને ટોકી નહોતી કે ના મારા ઉપર ગુસ્સો કર્યો.  એમને તો મારો ઉત્સાહ વધાર્યો. બીજા વર્ષે સારું પરિણામ લાવવા પ્રોત્સાહન આપ્યું. પણ હું તો અજયના પ્રેમમાં આંધળી બની ચુકી હતી. અજય સિવાય બીજું કંઈજ હું વિચારતી નહોતી. ના મારા ભવિષ્યની ચિંતા કે ના ભણવાની. મમ્મી પપ્પા પણ હવે મને જાણે પારકા લાગવા લાગ્યા હતાં. જેના નામ સિવાય મને બીજી કંઈજ ખબર નહોતી એ અજય મને પોતાનો લાગવા લાગ્યો હતો. અજયના પરિવારમાં કોણ કોણ છે એ પણ મને હજુ સુધી ખબર નહોતી. બસ અજયને હું પ્રેમ કરું છું. અને હવે તો અજય માટે જ જીવું છું એમ જ થયા કરતું. 
અત્યારે સમજાય છે કે પ્રેમને બધા અમથો જ અંધળો નથી કહેતા. જો મારા જીવનમાં એ સમયે અજય ના આવ્યો હોત તો કદાચ આજની પરિસ્થિતિ જુદી હોત. હા... હું કદાચ લેખક કાવ્યા દેસાઈ ના હોતી. પણ ડૉક્ટર કાવ્યા દેસાઈ જરૂર બની ચુકી હોત. પણ કહેવાય છે ને કે "જે થાય છે એ સારા માટે જ થાય છે." પણ મારા જીવનમાં કેટલું સારું થયું એ તો હું મારા મા-બાપ અને ઉપર બેઠેલો હજાર હાથ વાળો જ જાણે છે.  તમને બધાને પણ આ વાર્તા વાંચતા બધું જ સમજાઈ જશે. પણ આ વાર્તા લખતાં કલમ માંથી શાહી ની સાથે મારી આંખોમાંથી આંસુઓ પણ એટલાં જ વહે છે. મારી વેદનનાનાં સાક્ષી મારાં મમ્મી પપ્પા છે. અને એક બીજી વ્યક્તિ જે મારા આંસુઓ લૂછવાનું કારણ બની. મને હસાવવામાં, ખુશ રાખવામાં અને મારી આ વાર્તા લખવા માટે મારુ પીઠબળ બની મને જીવનભરનો સહારો આપ્યો. એનું નામ જાણવા માટે તમને પણ ઉત્સુકતા હશે પણ હજુ તમારે ધીરજ રાખવી પડશે. જે સમયે એ વ્યક્તિ મારા જીવનમાં આવી એ સમયની વાત સાથે એનું નામ પણ હું તમારી સમક્ષ લઈ આવીશ.
                        ***********
દસ દિવસનું વેકેશન વીત્યું. અજયને મળ્યા વિના મને અધૂરપ લાગી રહી હતી. એને મને મળવા માટે આવવાનું તો કહ્યું હતું પણ ચોક્કસ સમય નહોતો કહ્યો. મોટાભાગે અજય બપોરના સમયે જ ફોન કરતો. મમ્મી અને હું બેઠા હોઈએ ત્યારે જ. વેકેશનમાં હું ઘરે આવી ત્યારથી મમ્મી બહાર ક્યારેય જતી નહોતી. પણ એજ દિવસ મેં એને સોસાયટીમાં જાણી જોઈને બેસવા માટે મોકલી. ખબર તો નહોતી કે એ દિવસે અજય ફોન કરશે પણ મનમાં આશા જરૂર હતી.
મમ્મીના ગયા બાદ થોડી જ વારમાં ફોન રણક્યો. ફોન અજયનો જ હતો. મારી આશા સાચી પડી. નજર બારી બહાર રાખી અજય સાથે વાતો કરવા લાગી. એ નડીઆદ મને મળવા ક્યારે આવે છે એ પણ નક્કી કરી લીધું. ત્રણ દિવસ બાદ એને નડીઆદ આવી ફોન કરવાનું કહ્યું. નડીઆદમાં કઈ જગ્યાએ મળવાનું છે એમ મને પૂછવા લાગ્યો. મેં એને સ્ટેશનની બહાર આવી ને ફોન કરવાનું જણાવ્યું. એ દિવસે અડધો કલાક સુધી અજય સાથે મારી વાત થઈ.  મમ્મીનો આવવાનો સમય થતા મેજ સામેથી ફોન મુકવાનું જણાવ્યું.
અજય સાથે એ દિવસે ખુલ્લા દિલે વાત કરી હું ખૂબ જ આનંદમાં હતી. દસ દિવસ તો જેમતેમ કરી વિતાવી લીધા પણ હવે અજયના આવવાના ત્રણ દિવસનો સમય કોણ જાણે કેમ પસાર જ નહોતો થતો.
બીજા દિવસે રવિવાર હતો. પપ્પાને બેંકમાં રજા હતી તો સમય પસાર કરવા માટે મેં બહાર જવાનું આયોજન કર્યું. પપ્પા ડાકોર રણછોડ રાયના મંદિરે લઈ ગયા. સાંજ સુધી ત્યાં રોકાયા. ગોમતીમાં નૌકા વિહાર કર્યો અને ગોટા પણ ખાધા. સાંજે બસમાં ઘરે આવ્યા. 
રાત્રે સૂતા સુતા પણ અજયના જ વિચારો ચાલ્યા કર્યા. અજયને ક્યાં મળીશું ? ક્યાં બેસીસુ ? નડીઆદ મારું જ ગામ હતું એટલે કોઈ ઓળખી જાય એનો પણ ડર લાગતો હતો. છતાં એના આવ્યા બાદ બધું જ નક્કી થઈ જશે એમ વિચારી આંખ મીંચી.
સવારે ઉઠી ત્યારે મનમાં પહેલો વિચાર આવ્યો કે બસ હવે આજનો દિવસ. આવતી કાલે તો અજયની સાથે હોઈશ. મમ્મી પપ્પા આગળ તો કોઈપણ બહાનું કાઢી ને નીકળી જઈશ. બસ કોઈ અજય સાથે જોઈ ના જાય એટલે શાંતિ. સોમવારનો દિવસ પણ કામમાં અને આમતેમ આંટા મારી ને પૂરો કરી દીધો. એ રાત્રે તો મોડા સુધી ખુલી આંખે સપનાં જોતી રહી.
મંગળવારની સવાર મારા માટે ખુશીઓ લઈને આવવાની હતી. વહેલી ઉઠી ને તૈયાર પણ થઈ ગઈ. મમ્મીને જણાવી દીધું હતું કે એક ફ્રેન્ડને મળવા માટે બહાર જવાનું છે. તૈયાર થઈને અજયના ફોનની જ રાહ જોવા લાગી. અગિયાર વાગ્યે ફોનની રિંગ વાગી. પહેલી જ રીંગમાં મેં ફોન ઉઠાવ્યો. સામે છેડેથી અવાજ આવ્યો :
"હેલ્લો, કાવ્યા. હું નડીઆદ આવી ગયો છું. સ્ટેશનની બહાર STD બુથ પાસે જ ઊભો છું."
"ઓકે, હું થોડીવારમાં આવું છું." મેં જવાબ આપી ફોન મુક્યો.
મમ્મીને કહી હું સોસાયટીની બહારથી રીક્ષા કરી સ્ટેશન પહોંચી. અજયે કહેલી જગ્યા ઉપર જ તે ઉભો હતો. રિક્ષામાંથી ઉતરતાં પહેલા જ મેં ચહેરા ઉપર દુપટ્ટો બાંધી લીધો હતો.
અજયને જોઈ મારા હૈયામાં હાશ થઈ. હું તેની નજીક પહોંચી ત્યાં સુધી એને મને ઓળખી નહિ. મારા બોલવાથી એ મને ઓળખી ગયો. તેની પાસે કોઈ સામાન નહોતો. મેં એને પૂછ્યું :
"તું કોઈ સમાન લઈને નથી આવ્યો ?"
અજય : "હું સવારે  પાંચ વાગે સ્ટેશન પર ઉતર્યો. હવે તું એટલા વહેલાં તો આવે નહિ એટલે મેં સામેની હોટેલમાં રૂમ લઈ લીધી. થોડીવાર સુઈ ગયો. ઉઠીને ફ્રેશ થઈ નીચે આવી તને ફોન કર્યો."
"સારું કર્યું. સવારે એટલું જલ્દી તો હું ના નીકળી શકું." મેં જવાબ આપ્યો.
"તો હવે અહીંયા જ ઉભા રહેવું છે કે કોઈ જગ્યા નક્કી કરી છે બેસવા માટે ?" અજયે મને પ્રશ્ન પૂછ્યો પણ એનો જવાબ મારી પાસે નહોતો. મેંતો નજીકમાં વડતાલ જોયું છે, અને ડાકોર. પણ ડાકોર તો થોડું દૂર હોવાથી સમય આવવા જવામાં જ વીતી જાય. વડતાલમાં કોઈને કોઈ ઓળખીતું મળી જાય. માટે હું શું જવાબ આપું એજ મને સમજાઈ રહ્યું નહોતું.
મને મૌન જોઈ અજય સમજી ગયો કે મેં કઈ નક્કી નથી કર્યું. એટલે એણે જ કહ્યું :
"જો તને વાંધો ના હોય તો આપણે હોટેલની રૂમમાં જ બેસી શકીએ. મેં હોટેલમાં વાત કરી તો એમને કોઈ વાંધો નથી."
હોટેલમાં જવા માટે હું ડરી રહી હતી. પણ એ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. જાહેરમાં કોઈ જોઈ જાય એના કરતાં હોટેલની રૂમના બંધ બારણે બેસવું મને પણ યોગ્ય લાગ્યું. અને મેં પણ હોટેલમાં જવાની "હા" કહી.
મોઢે દુપટ્ટો બાંધેલો જ રાખ્યો હતો. અજયની સાથે જ હોટેલ તરફ ચાલવા લાગી....

(કોણ હશે કાવ્યના વર્તમાનમાં જોડાયેલ એ વ્યક્તિ ? પહેલા વર્ષના ખરાબ રિઝલ્ટ બાદ શું કાવ્યા બીજા વર્ષે સારું પરિણામ લાવશે ? હોટેલના બંધ રૂમમાં કાવ્યા અને અજયની મુલાકાત કેવી રહેશે ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ"ના હવે પછીના પ્રકરણો..)

લે. નીરવ પટેલ "શ્યામ"