હેશટેગ લવ - ભાગ-૧૩ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેશટેગ લવ - ભાગ-૧૩

"હેશટેગ લવ" ભાગ -૧૩
સ્ટેશન પર ભીડ ઘણી હતી. સ્ટેશનની બહાર હું પપ્પાને શોધવા લાગી. ત્યાં સામે જ પપ્પા દેખાયા. એ મને જ શોધી રહ્યાં હતાં. મેં પપ્પાની નજીક જઈ કઈ બોલ્યા વગર એમની પાસે જઈને ઊભી રહી ગઈ. પપ્પા હજુ પોતાની ડોક ઊંચી નીચી કરી સ્ટેશનની બહાર આવતા પેસેન્જરમાં મને શોધી રહ્યાં હતાં. મેં એમના કાન પાસે જઈ કહ્યું : "કોની રાહ જુઓ છો ?" પપ્પાએ મારી સામું જોયા વિના જ મને જવાબ આપ્યો. "મારી દીકરીને." જવાબ આપી એમના મગજમાં મારા અવાજની ઓળખ થઈ હોય એમ મારી તરફ જોઈ કહેવા લાગ્યા : "અરે, ક્યારે આવી ગઈ તું ? મેં તો તને જોઈ જ નહીં ! ક્યારનો અહીંયા ઊભા રહીને તને જ શોધ્યા કરું છું."
પપ્પાના ગળે વળગીને મેં કહ્યું : "હું આગળના દરવાજેથી નીકળી. અને તમને સામે ઉભેલા જોયા. અને તમારી પાસે આવી ગઈ."
સ્ટેશનની બહાર રોડ ઉપર આવ્યા. ભૂખ પણ ખૂબ જ લાગી હતી.પપ્પાએ મને "બજારમાંથી કઈ ખાવું છે ?" એમ પૂછ્યું. સામે જ જય કિશન લસ્સીવાળાની દુકાન હતી. નડીઆદથી મુંબઈ ગયા બાદ લસ્સી પીવા મળી જ નહોતી. પપ્પા અને હું લસ્સી પીવા ગયા. લસ્સી પી અને ત્યાં રોડ ઉપરથી જ રીક્ષા લઈ ઘરે જવા નીકળ્યા.
ઘણાં સમયે ઘરે આવી હોવાના કારણે સોસાયટીમાં પણ બધા મારા હાલચાલ પૂછી રહ્યાં હતાં. મેં પણ હસતાં મોઢે બધાને જવાબ આપ્યા. ઘરે પહોંચી ત્યારે મમ્મી બહાર જ રાહ જોઇને ઊભી હતી. બેગને બાજુ ઉપર મૂકી તરત મમ્મીને વળગી ગઈ. હોસ્ટેલમાં જ્યારે મને મૂકીને પાછા વળતા, જેવા આંસુ મમ્મીની આંખોમાં હતાં એવા જ આંસુ આજે પણ હતાં. ફરક બસ એટલો જ હતો કે ત્યારે એ આંસુ વિદાયના હતાં અને આજે મિલનના.
ફ્રેશ થઈ મમ્મી પપ્પા પાસે આવીને બેઠી. પપ્પાએ આરામથી બેસવા માટે મને વધુ જગ્યા આપી. પોતે થોડા દૂર ખસ્યા.  ઘરમાં નવો આવેલો ફોન જોઈને ખુશી થઈ. મમ્મી પપ્પા સાથે બેસી થોડીવાર માટે તો અજયને સાવ ભૂલી જ ગઈ હતી. પણ ફોન તરફ નજર કરતાં અજયની યાદ આવી ગઈ. અજયની નારાજગી, તે ફોન ક્યારે કરશે ? તેનો ગુસ્સો ઓગળશે કે નહીં એ વિચારોમાં હું ખોવાઈ ગઈ ત્યાં જ પપ્પાના આવજે મારુ ધ્યાન બદલાયું : "બેટા, ફાવી ગયું ને હવે તને હોસ્ટેલમાં ?" પપ્પાને "હા"માં જવાબ આપી. એમની સાથે થોડી હોસ્ટેલ અને કૉલેજની વાતો કરી. વાતો કરતાં કરતાં પણ મારી નજર સતત ફોનને જ તાકી રહેતી. મનમાં થયા કરતું કે કાશ, અજય ફોન કરી દે. ટ્રાવેલનિંગનો થાક પણ લાગ્યો હતો. જમવા માટે પપ્પાએ બહાર જવાનું કહ્યું પણ મારું મન નહોતું. તેથી પપ્પા બજારમાંથી તૈયાર શાક લેવા માટે ગયા. મારા થાક ના કારણે મમ્મીએ રોટલીમાં મને મદદ કરવા માટે ના કહ્યું પણ હું માની નહિ. રાત્રે જમી પપ્પા મમ્મીએ મને આરામ કરવાનું કહ્યું. શરીરમાં થાક હતો, આંખોમાં ઊંઘ હતી પણ વિચારોમાં અજય ઘુમરાયેલો હતો. અજયનો સંપર્ક કરવા માટે મારી પાસે કોઈ રસ્તો નહોતો. પણ અજય પાસે મારો નંબર હતો. મને આશા હતી કે ફોન આવશે. વિચારોમાં ક્યારે ખોવાઈને મારો થાક જીતી ગયો. આંખો ખુલી ત્યારે સવારના ૯:૩૦ થઈ ગયા હતાં. ઘણાં દિવસે આટલી મોડી ઉઠી. કદાચ ઘરેથી ગયા બાદ પહેલીવાર.
અજયના ફોનની તો સવારથી જ રાહ જોવા લાગી. પપ્પા ઓફીસ ગયા ત્યારે પણ ફોનની સામે જ અજયનો ફોન આવશે એ આશાએ બેસી રહી. સાંજે પપ્પા મમ્મી સાથે બહાર જમવા ગયા તો પણ મનમાં એમ જ થતું કે અજયનો ફોન આ સમયે ના આવે તો સારું. 
વેકેશનના ૩-૪ દિવસ સુધી અજયનો ફોન ના આવ્યો. મને આશા પણ નહોતી કે અજય આમ કરશે, એનો ગુસ્સો અને જીદ એ છોડી દેશે એમ હતું. પણ એવું ના બન્યું. મનમાં એમ પણ થયું કે અજયની વાત મેં માની લીધી હોત તો સારું હતું. ઘણાં પ્રેમીઓ આમ કરતાં હોય છે. મરીન ડ્રાઈવ અને બેન્ડ સ્ટેન્ડ ઉપર જતાં મોટાભાગના યુગલો વચ્ચે શરીર સંબંધ પણ બંધાતો જ હશે ને ! હું મારી જાત સાથે જ વિચારોમાં લાગી ગઈ. વિચાર કરતાં મને સુસ્મિતાની પીઠ ઉપર જોયેલા ઉઝરડાં યાદ આવી ગયા. કદાચ એ પણ કોઈ સાથે સંબંધમાં હશે ? મારા ઉરોજ ઉપર પણ અજયના નખના નિશાન ઘણીવાર પડી ગયા હોય છે. સુસ્મિતાને તો પીઠ ઉપર નિશાન હતાં એનો મતલબ કે સુસ્મિતા સાચે જ !!! સુસ્મિતા તો સેક્સની વાર્તાઓ પણ વાંચે છે. અને એ વાર્તાઓ મારી આંખો સામે જ ઊભી થઈ ગઈ.  રાત્રીનો એક વાગ્યો હતો પણ એ રાત્રે મને ઊંઘ આવી રહી નહોતી. અજયની વાત માની લેવાનો વિચાર જ મારા ઉપર દબાણ કરી રહ્યો હતો. અજય સારો છોકરો છે. મહેનતુ છે, સારું કમાય છે, સુખી સમૃદ્ધ છે અને એમાં પણ ગુજરાતી અને બ્રાહ્મણ છે. જો અમારો સંબંધ આગળ વધશે તો પણ એ લગ્ન તો મારી સાથે જ કરશે ને ! પપ્પા પણ મારી ખુશી માટે ના નહીં કહી શકે. હું અજયને ખોવા નથી માંગતી. એ મારો પહેલો પ્રેમ છે. અને એને જ મેં હવે જીવનસાથી તરીકે માની લીધો છે. એને પણ મારો સાથ નહીં છોડવાનું વચન આપ્યું છે. રાત્રે મોડા સુધી વિચારોમાં જ ખોવાયેલી રહી અને છેલ્લે અજયની વાત માની લેવાનું નક્કી કરી સુવા માટેના પ્રયત્ન કરવા લાગી. 
માંડ મારી આંખ મીંચાવા આવી હશે ત્યાં જ અચાનક ફોનની રિંગ વાગી.  મારા આવ્યાના આટલા દિવસમાં ઘરના ફોન ઉપર આ પહેલો ફોન આવ્યો હતો. ઘડિયાળમાં જોયું રાત્રીના ૨:૩૦ થયા હતાં. અજયનો ફોન હશે તો ? એમ વિચારી ઉતાવળી ફોન તરફ ગઈ. મારા પહોંચતા પહેલાં જ પપ્પાએ ફોન ઉઠાવ્યો. મમ્મી પણ ઉઠીને આવી ગઈ હતી. "હા જણાવી દઉં." પપ્પા ફોનમાં બસ એટલું જ બોલ્યા. ફોન મુક્યો. હું કઈ બોલું એ પહેલાં જ મમ્મીએ પૂછી લીધું : 
"કોનો ફોન હતો ? આટલી મોડી રાત્રે ?"
"આપણાં બાજુવાળા રમેશભાઈના સાળો હાર્ટ એટેકના કારણે ગુજરી ગયો છે. એમની સસરીમાંથી ફોન હતો." બોલતા બોલતા પપ્પા ઘરનો દરવાજો ખોલી રમેશકાકાના ઘર તરફ ચાલવા લાગ્યા.
સોસાયટીમાં બે જ ફોન હતાં. એક મારા ઘરે અને એક ગોરધનકાકાના ઘરે. એટલે આજુબાજુ વાળાના સગા સંબંધીઓને અમારા ઘરનો નંબર આપ્યો હશે. મેં થોડો હાશકારો અનુભવ્યો. મમ્મી બહાર ખુરશીમાં જ પપ્પાના આવવાની રાહ જોવા બેસી રહી અને મને સુઈ જવા માટે કહ્યું. હું મારા રૂમમાં ચાલી ગઈ.
સુસ્મિતા, શોભના અને મેઘનાનો ફોન ક્યારેક આવતો પણ જેના ફોનની રાહ જોતી હતી એ અજયનો ફોન ના આવ્યો. હવે મેં આશા છોડી દીધી હતી કે અજયનો ફોન આવશે. મન ઉદાસ રહેવા લાગ્યું. અજય અને મારો પ્રેમ સંબંધ તૂટતો હોવાનો ડર મને લાગવા લાગ્યો. મારા જીવનમાં આવેલો મારો પહેલો પ્રેમ આ રીતે મારો સાથ છોડી દેશે એની કલ્પના પણ નહોતી. ક્યારેક ક્યારેક આ વિચારે આંખોમાં આંસુ પણ આવી જતાં. વેકેશનને માણવાને બદલે ઉદાસીમાં વિતાવી રહી હતી. પપ્પા મમ્મીને પણ મારી ઉદાસીનો ક્યારેક અંદાઝો આવી જતો પણ હું ભણવાના ટેનશનનું નામ લઈ વાત બદલી નાખતી. મારા દિલમાં ભરાયેલી વાતો, મારી અંદર ઉભરતા સવાલો સાંભળવા વાળું કોઈ નહોતું. મારો અને અજયના પ્રેમના સાક્ષી અમે બંને જ હતાં. મનમાંને મનમાં હું મૂંઝાયા કરતી. અડધું વેકેશન એમ જ પૂરું થવા આવ્યું. બપોરના સમયે હું ઘરે જ આરામ કરી રહી હતી. પપ્પા બેંક ગયા હતાં. મમ્મી પણ રમેશકાકાના ઘરે બેસવા માટે ગઈ હતી. ફોનની રિંગ વાગી અને મેં ફોન ઉઠાવ્યો. મારા અવાજને સામે રહેલી વ્યક્તિ ઓળખી ગઈ :
"કાવ્યા ?"
મારુ નામ બોલતાં હું પણ એના અવાજને ઓળખી ગઈ. એ અજય જ હતો. મારી આંખો અજયનો અવાજ સાંભળતા જ છલકાઈ ગઈ. 
"સોરી, કાવ્યા. મારે આમ કરવું જોઈતું નહોતું. મેં ઘણું વિચાર્યું અને તને સોરી કહેવા જ ખાસ અત્યારે ફોન કર્યો."
અજય મારી આગળ માફી માંગી રહ્યો હતો. મારી આંખોના ખૂણા એક આંગળીથી લૂછતાં જવાબ આપ્યો :
"વાંધો નહિ અજય, તે ફોન કર્યો એજ મારા માટે ખુશીનું કારણ છે. આટલા દિવસથી ઘરે આવી પણ દિમાગમાં બસ તારા જ વિચારો ચાલ્યા કરતાં હતાં, ક્યાંય જવાનું પણ મન નહોતું થતું. બસ આખો દિવસ ફોન સામે બેસી રહી તારા જ ફોનની રાહ જોતી. ક્યારે તારો ફોન આવે અને ક્યારે તું મારી સાથે વાત કરે એજ વિચારે બેસી રહેતી. પણ આજે તે ફોન કર્યો તો ખૂબ જ ખુશ છું."
"મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ. કોઈ છોકરી માટે પોતાનું શરીર સોંપી દેવું એટલું સહેલું હોતું નથી એ મને સમજાઈ રહ્યું છે.  આટલા દિવસ મેં એજ વિચાર્યું. મને એમ હતું કે આટલા દિવસથી મેં ફોન નથી કર્યો તો તું મારા ઉપર ગુસ્સે હોઈશ." અજયે ધીમા સ્વરમાં કહ્યું.
"મને તારા ઉપર ગુસ્સો નહોતો આવતો અજય, પણ મને ખૂબ જ દુઃખ થયું. મેં તને પ્રેમ કર્યો હતો. અને આ રીતે આપણો પ્રેમ સંબંધ પૂરો થઈ જશે એ ડરથી જ મને રડવું આવી જતું. અજય તું મારો સાથ છોડી તો નહીં દે ને ?" મારી આંખોમાં પાછા આંસુ ઉભરાઈ આવ્યા. 
"ના ગાંડી, તારો સાથ છોડવા તારો હાથ થોડો પકડ્યો હતો મેં ? હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું. બસ શરીરમાં ઉઠેલા આવેગોના કારણે આમ થઈ ગયું. બીજીવાર આમ નહિ થવા દઉં."
અજયની સમજણ જોઈ અજય પ્રત્યેનો મારો પ્રેમ વધી ગયો. થોડી બીજી વાતો કરી. બારી બહારથી જોયું તો મમ્મી સામેથી આવી રહી હતી. મેં અજયને પછી ફોન કરવાનું કહી ફોન મુક્યો.
મારા ચહેરાની ઉદાસી હવે ખુશીમાં બદલાઈ ગઈ હતી. મારો મુરઝાયેલો ચહેરો પહેલા જેવો ખુશ થઈ ગયો. પપ્પા મારા આવ્યા પછી મેં સામેથી પપ્પાને ક્યાંય જવાનું નહોતું કહ્યું. પણ આજે જ્યારે પપ્પા આવ્યા ત્યારે મેં સામેથી ફરવા જવાનું કહ્યું. અમે લોકો વડતાલ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા માટે ગયા. બહાર જ જમ્યા. એ દિવસે મને ઘણું સારું લાગ્યું.
 હવે મુંબઈ પહોંચવાની ઉતાવળ થવા લાગી. વેકેશનના બચેલા પાંચ દિવસ પણ હવે પસાર થઈ રહ્યાં નહોતા. મુંબઈ જઈ અને અજયને મળવાની બેકરારી મનમાં જાગી હતી. અજયનો ફોન ક્યારેક આવી જતો. મમ્મી ઘરે જ હોવાના કારણે લાંબી વાતો થતી નહિ પણ થોડીવાર માટે થયેલી વાતોમાં પણ અપાર ખુશી મળી જતી. મુંબઈ જવાના આગળના દિવસે જ સુસ્મિતાનો ફોન આવ્યો. મેઘના અને શોભના સાથે પણ વાત થઈ ગઈ. સાંજે ૫:૩૦ ની ટ્રેનમાં નીકળવાનું હતું. 
વર્ષોથી હું જે ઘરમાં રહેતી હતી એ છોડવામાં મને પહેલીવાર ખુશી થઈ રહી હતી. જ્યારે મુંબઈ પહેલીવાર જવાનું નક્કી કર્યું ત્યારે ઘર છોડવાનું દુઃખ થતું હતું. પણ આજે અજયના પ્રેમના કારણે મુંબઈ મને વહાલું લાગવા લાગ્યું. અજયનો છેલ્લીવાર ફોન આવ્યો ત્યારે જ મેં એને મુંબઈ આવી અને બીજા દિવસે કૉલેજની બહાર મળવાનું જણાવી દીધું હતું. હવે મને ઉતાવળ હતી મુંબઈ પહોંચવાની.અજયને મળવાની. 
મમ્મી પપ્પાએ આગળની રાત્રે મારા માટે બધો સામાન તૈયાર કર્યો. ટ્રેનમાં ખાવા માટે પપ્પા બજારમાંથી સૂકો નાસ્તો પણ લઈ આવ્યા. મમ્મીએ ઘરે પણ ઘણો બધો નાસ્તો બનાવી તૈયાર કર્યો. જેટલો સમાન લઈને આવી હતી તેનાથી બમણો સામાન લઈને પાછી જઈ રહી હતી. રાત્રે મોડા સુધી મમ્મી પપ્પા સાથે સમય વિતાવ્યો. બાર વાગ્યા પછી સુવા માટે મારી રૂમમાં ગઈ. પણ મુંબઈ જવાની ખુશીમાં એ રાત્રે પણ બરાબર ઊંઘ જ ના આવી. ખુલી આંખોમાં જ અજયને મળવાના સપના જોતી પડખા ફેરવતી રહી. 
પપ્પાએ મારા જવાના દિવસે બેંકમાં રજા રાખી હતી. આખો દિવસ પપ્પા મારી સાથે જ રહ્યાં. મમ્મી પણ જમવાનું બનાવી અમારી સાથે જ આવીને બેઠી. સાંજે ચાર કલાકે પપ્પા અને મમ્મી બંને મને મૂકવા માટે સ્ટેશન આવ્યા. મારી ઈચ્છા મોટુમલના સમોસા ખાવાની અને સાથે લઈ જવાની હતી જે મેં પપ્પાને જણાવ્યું હતું. પપ્પા અમને સ્ટેશન પર મૂકી. સમોસા લેવા માટે ગયા. બરાબર ૫:૩૦ ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ. પપ્પા મમ્મી એ ધ્યાન રાખવાનું સૂચન આપતાં ભીની આંખોએ મને વિદાય આપી. મમ્મી પપ્પાનું વ્હાલ જોઈ મારી પણ આંખો છલકાઈ ગઈ. મારી આંખો લૂછતી ટ્રેનના ડબ્બામાં ચઢી ગઈ. ટ્રેનમાં સુસ્મિતા અને મેઘના મારી રાહ જોઇને બેઠા જ હતા. વિસ દિવસ બાદ મળવાની ખુશી બંનેના ચહેરા ઉપર ચોખ્ખી દેખાઈ રહી હતી. ટ્રેન નડીઆદના સ્ટેશન ઉપરથી આગળ વધી. મમ્મી પપ્પા બારી બહાર હાથ હલાવી મને વિદાય આપી રહ્યાં હતાં. 
સુસ્મિતાએ અને મેઘનાએ સમોસા હોંશે હોંશે ખાધા. મને પણ એ સમોસા પસંદ હતાં. મેં પણ ખાધા. પપ્પા વધારે જ સમોસા પેક કરાવીને લાવ્યા હતા. સુરતથી શોભના પણ અમારી સાથે જોડાઈ એને પણ સમોસાનો ટેસ્ટ લીધો. મોડી રાત્રે અમે મુંબઈના રેલવેસ્ટેશન પર પહોંચ્યા. રાત્રે પણ મુંબઈ ધમધમતું હોય એટલે ચિંતા જેવું કંઈ હતું નહીં. રાત્રે હોસ્ટેલ પહોંચવા બસ મળે એમ નહોતું એટલે રીક્ષા કરીને અમે હોસ્ટેલ પહોંચ્યા.

(શું કાવ્યા અજયને પોતાનું શરીર સોંપી દેશે ? અજય કાવ્યા પાસે બીજીવાર શરીર સુખની માંગણી કરશે ? શું સુસ્મિતા ખરેખર કોઈ સાથે સંબંધમાં હશે ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" ના હવે પછીના પ્રકરણો.)
લે. નીરવ પટેલ "શ્યામ"