હેશટેગ લવ - ભાગ -૩ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેશટેગ લવ - ભાગ -૩

હેશટેગ લવ (ભાગ-૩)
#LOVE

સવારે ઉઠતા ની સાથે જ મને મમ્મીની યાદ આવવા લાગી. ઘરે તો રોજ સવારે મમ્મી મને ઉઠાડવા માટે આવતી. હું બસ પાંચ મિનિટ સુવા દેવાનું કહી અને અડધો કલાક બીજો સુઈ રહેતી. ઉઠીને બાથરૂમમાં મારા માટે ગરમ પાણી તૈયાર હોય. નાહ્યા બાદ દૂધ અને નાસ્તો પણ તૈયાર મળતો. પણ હવે હોસ્ટેલમાં મારે બધી આદત પાડવાની હતી. જે અત્યાર સુધી મને મળ્યું હતું એ બધું જ છોડવાનું હતું. આંખો ચોળતી બેડમાંથી હું ઊભી થઈ. સુસ્મિતા રૂમમાં એક માત્ર રહેલા અરીસા સામે પોતાના વાળ ઓળી રહી હતી. મેઘના હજુ સૂતી હતી. શોભના રૂમમાં નહોતી કદાચ નહાવા માટે ગઈ હશે. મને ઉઠતાં જોઈ સુસ્મિતાએ કહ્યું : "ગુડ મોર્નિંગ ડિયર" મેં પણ એક સ્મિત સાથે "ગુડ મોર્નિંગ" કહ્યું. સુસ્મિતા બોલી :
"રાત્રે ઊંઘ તો આવી ને બરાબર ? કે ઘરની યાદ આવતી હતી ?"
"હા, આવી ગઈ. અને હવે હોસ્ટેલમાં રહેવાનું જ છે તો આદત પણ કેળવવી જ પડશે ને ! હવે ક્યાં ઘર મળવાનું છે ? શોભના દી ક્યાં ગયા ? એ કેમ દેખાતાં નથી ?" હું સુસ્મિતાને પૂછવા લાગી.
"શોભના અડધા કલાકથી બાથરૂમમાં છે, રોજ એને નહાતાં વાર લાગે, અને આ મહારાણી મેઘના, નીકળવાની દસ મિનિટ પહેલાં ઉઠશે અને ફટાફટ નાહીને તૈયાર પણ થઈ જશે."
સુસ્મિતાની વાત કરવાની અદા સાંભળી મને હસવું આવવા લાગ્યું. સુસ્મિતા વાળમાં પિન ભરાવી પોતાના કબાટ તરફ ગઈ. ત્યાં તેના સામાનમાંથી એને એક ટોપ અને ટી શર્ટ બહાર કાઢ્યા અને મને પૂછવા લાગી :
"બોલ કાવ્યા, હું શું પહેરું આજે ? ટી શર્ટ કે ટોપ ?"
ઓચિંતું સુસ્મિતાએ મને પૂછી લીધું, તેના કારણે હું જવાબ આપવામાં થોડી મૂંઝાઈ, અચાનક મને મમ્મીની યાદ આવી. મમ્મી મને કોઈ પ્રસંગ કે બહાર ગામ જવાનું હોય ત્યારે "કઈ સાડી પહેરું ?" એમ પૂછતી. અને ત્યારે હું એને "તને જે ગમે એ પહેરી લે ને." એમ જ જવાબ આપતી. પણ સુસ્મિતાને તો એવું કહી શકાય એમ નહોતું. માટે મેં એની જ પસંદ પૂછી લીધી. "તમને શું ગમે પહેરવાનું ? ટી શર્ટ કે ટોપ ?"
સુસ્મિતા બને કપડાં પોતાના હાથમાં દબાવી મારી સામે જોઈ કહેવા લાગી :
"મને તો બંને પહેરવા ગમે છે ડિયર, અને તું મને તમે તમે કહીને બહુ માન ના આપીશ. મને તું કહીને જ બોલાવ, તું તમે કહું છું ત્યારે મને વડીલ જેવી ફીલિંગ આવે છે."
સુસ્મિતા હસવા લાગી. મને પણ એની વાતથી હસવું આવ્યું. 
મેં કહ્યું : "ઓકે, તો આજે ટોપ પહેરી લે."
સુસ્મિતાએ મને "થેન્ક્સ ડિયર" કહ્યું.
નાહ્યા બાદ સુસ્મિતાએ કેપરી અને ટી શર્ટ જ પહેર્યા હતાં. રૂમનો દરવાજો થોડો બંધ કરી એ પોતાની કેપરી ઉતારી ટાઈટ જીન્સમાં પગ નાખવા માટે બેડ ઉપર બેઠી. સુસ્મિતા માટે તો છોકરીઓ સામે કપડાં બદલવા હવે નોર્મલ બાબત થઈ ચૂકી હતી. એ રોજ આ રીતે ટેવાઈ ગઈ હશે. પણ સુસ્મિતાને આ રીતે કપડાં પહેરતાં જોઈ મને થોડી શરમ આવવા લાગી. હું મારૂ કબાટ ખોલી બેગમાંથી મારા કપડાં, ટૂથપેસ્ટ અને બ્રશ કાઢવા લાગી. સુસ્મિતાએ જીન્સ પહેરી લીધું છે એવો ખ્યાલ મને એને જ્યારે એ ટાઈટ જીન્સના બટનને બંધ કર્યા પછી "હાશ" બોલી ત્યારે આવી ગયો. ટોપ પહેરવામાં એને વાર લાગવાની નહોતી એટલે હું એ તરફ ફરી ત્યારે જોયું તો એનો એક હાથ ટોપમાં અટવાયેલા પડ્યો હતો. એક હાથે એ ટોપને નીચે ઉતારવાનો બળ પૂર્વક પ્રયાસ કરી રહી હતી. માથું ટોપમાં અડધું ફસાયેલું હતું. અડધી કમર સુધી આવેલું એનું ટોપ તેની કમરથી ઉપરના અડધા શરીરને ઢાંકી રહ્યું હતું. સફેદ રંગના અંતરવસ્ત્ર પાછળ છુપાયેલો તેનો ઉરોજ ટોપને ખેંચવાના બળના કારણે ઉછળી રહ્યો હતો. તેનું મોઢું એ ટોપમાં એ રીતે ફસાયું હતું કે તે બોલી પણ નહોતી શકતી. હું તરત ઊભી થઈ એની પાસે ગઈ. અને ટોપને ખેંચી એની મદદ કરવા લાગી. જ્યારે હું એ ટોપને નીચે કરી રહી હતી ત્યારે મેં એની પીઠ ઉપર લાલ ઉઝરડાંના નિશાન જોયા, દૂરથી એ સ્પષ્ટ નહોતા દેખાઈ રહ્યાં પણ જ્યારે હું એની નજીક ગઈ ત્યારે એ વધુ સ્પષ્ટ દેખાયા.  ટોપ નીચે ઉતર્યા બાદ એને હાશકારો લીધો સાથે મારો આભાર પણ વ્યક્ત કર્યો. પણ એની પીઠ પરના ઉઝરડાં વિશે મને પૂછવાનું મન થઇ ગયું અને મેં પૂછી પણ લીધું : "આ તારી પીઠ પર શું થયું છે સુસ્મિતા ?"
સુસ્મિતા જાણે કોઈ ચોરીથી પકડાઈ ગઈ હોય એ રીતે મારી સામું કઈ છુપાવવાના ભાવ સાથે કહેવા લાગી :
"અરે એ તો કંઈ નહીં, નહાતી વખતે પીઠ ઉપર હાથ ઘસતાં મારા જ નખ મને વાગ્યા હતાં." 
આટલું બોલી એ ટોપ પહેરવા જતાં અસ્તવ્યસ્ત થઈ ગયેલા માથાના વાળ સરખા કરવા માટે કાંસકો લઈ અરીસા તરફ ચાલી ગઈ. પણ હું તેને આપેલા જવાબને સાચો માની શકી નહોતી. પીઠ ઉપર એ જગ્યા સુધી ઉઝરડાં હતાં જ્યાં પોતાનો પણ હાથ પહોંચી ના શકે. સુસ્મિતા મારાથી કંઈક છુપાવી રહી હતી. પણ અત્યારે કંઈજ જાણવાનો પ્રયત્ન ના કર્યો.  મારા કપડાં, બ્રશ અને ડોલ લઈ બાથરૂમ તરફ જવા નીકળવા જતી જ હતી ત્યાં શોભના ગુસ્સામાં રૂમનો દરવાજો ખોલી અંદર આવતા આવતાં બોલી રહી હતી "સાલી મરાઠણ, એની જાતને સમજે છે શું ? હજુ નવી નવી આવી છે અને મારી સામે થાય છે, મને ઓળખતી નથી એ, ચાર દિવસમાં એને બતાવી ના દઉં તો મારું નામ શોભના નહીં."
હું જ્યાં ઊભી હતી ત્યાંને ત્યાં જ ઊભી થઈ ગઈ. સુસ્મિતા માથામાં રહેલો કાંસકો માથામાં જ ખોસી શોભના તરફ વળી અને પૂછવા લાગી :
"શું થયું ? કેમ આટલી ગુસ્સે ?"
શોભના દરવાજા બહાર જોતાં જોતાં કહેવા લાગી.
"કોઈ નવી આવી છે મરાઠણ, સાલીને ખબર નથી હું કોણ છું, અત્યાર સુધી કોઈની હિંમત નથી થઈ મને કંઈ કહેવાની. અને એ મને કેમ બોલી શકે ?"
શોભના ગુસ્સો સાતમા આસમાને લાગતો હતો. કેટલીક ગાળો પણ એ બોલી રહી હતી. શોભનાનો ઊંચો અવાજ સાંભળી મેઘના પણ ઊંઘમાંથી ઉઠી ગઈ. સુસ્મિતા તેને શાંત કરતાં કહેવા લાગી :
"શાંત થા ડિયર, પહેલા કહે તો ખરી શું થયું ?"
શોભના વધુ ગુસ્સામાં પાછી બોલવા લાગી..
"હું નહાવા માટે ગઈ અને પછી એ મરાઠણ, બાથરૂમનો દરવાજો ઠોકવા લાગી, અને પાછી કહે કે 'આ ઘર નથી, હોસ્ટેલ છે, શાંતિથી નહાવું હોય તો છેલ્લે નહાવા આવતી હોય તો ! બીજા ને મોડું થાય છે એ નથી દેખાતું ?' સાલી ને એટલું જ મોડું થતું હોય તો એ કલાક વહેલી આવે, મારો ટાઈમ ફિક્સ છે અને બધી છોકરીઓ જાણે છે. આજ સુધી કોઈ બોલ્યું નથી."
"એને ખબર નહિ હોય તારા વિશે, અને નવી છે એટલે ભૂલ થઈ ગઈ હશે એનાથી, જવા દેને તું પણ સવાર સવારમાં શું કામ તારો દિવસ ખરાબ કરે છે ?" મેઘના બેડમાં બેઠી થઈ શોભનાને કહેવા લાગી. પણ શોભના ગુસ્સામાં જ કહેવા લાગી.
"ખબર ના હોય તો પૂછી ને અવાય, એની રૂમની છોકરીઓએ એને મારા વિશે કહ્યું તો હશે જ ને ! સાલીને જો ! હું કેવી ખબર પાડું છું. એ મરાઠાણ છે તો હું પણ ગુજરાતણ છું, ગુજરાતનું પાણી એને બતાવું."
હું કઈ બોલીના શકી, મૌન બનીને શોભનાના ગુસ્સાને અને સુસ્મિતા અને મેઘનાની શોભનાને શાંત પાડવાની પ્રક્રિયાને હું જોઈ રહી હતી. હું બીજુ કઈ બોલું કે વિચારું એ પહેલાં જ રૂમની બહાર ત્રણ છોકરીઓ આવીને ઊભી થઈ ગઈ. જેમાંથી વચ્ચે ઉભેલી છોકરી માથું નીચું રાખીને ઊભી હતી. તેની બાજુમાં રહેલી એક છોકરી એ શોભના સામે જોઇને કહ્યું : 
"સોરી દીદી, યે લડકી નઈ આઈ હૈ તો ઉસકો માલુમ નહિ થા, ઇસલીએ ગલતી હો ગઈ, ઇસકો માફ કરદો દીદી, આગે સે યે કભી એસી ગલતી નહીં કરેંગી."
શોભના પોતાનો વટ બતાવવા એ તરફ ફરી અને કહેવા લાગી. "માલુમ નહિ થા તો તુમ સબકો ઇસે સમઝા દેના ચાહીએ,  યે નઈ હૈ, મગર તુમ સબ કો તો પતા હૈ ના ?"
બીજી છોકરી શોભનાને કહેવા લાગી.
"અભી કલ રાત હી યે લડકી આઈ, ઔર હમારી બાત હી નહીં હુઈ, સુબહ હમારે ઉઠને સે પહેલે યે નહાને ચલી ગઈ, જબ યે સબ હુઆ ઉસકે બાદ હમને ઉસે સબ સમઝા દિયા, અબ આગે સે યે એસી ગલતી નહિ કરેંગી દીદી. ઇસબાર માફ કર દો."
"ઠીક હૈ, ઠીક હૈ, આઇન્દા ધ્યાન રખના. ચલો જાઓ અબ" 
શોભના પોતાનો રુઆબ અને પ્રતિષ્ઠા સાથે એ છોકરીને માફી આપી.
ત્રણે છોકરીઓ શોભનાનો આભાર વ્યક્ત કરી પોતાના રૂમ તરફ ચાલી ગઈ.
આ બધી વાતોમાં ઘણો સમય પસાર થઈ ચૂક્યો હતો. કૉલેજ જવામાં પણ મોડું થાય એમ હતું એટલે હું ફટાફટ નહાવા માટે બાથરૂમ તરફ ચાલી ગઈ.
હોસ્ટેલના બાથરૂમ પણ સાવ વિચિત્ર હતાં, ગરમ પાણી માટે બહાર એક નળ મુકેલો હતો ત્યાંથી ડોલ ભરી બાથરૂમમાં લઈને જવાનું. મેં ડોલ ભરાવવા મૂકી,આજુબાજુ જોવા લાગી. કેટલીક છોકરીઓ મને જોઈ રહી હતી. એ કદાચ જૂની છોકરીઓ હશે. આજ પહેલાં મને ક્યારેય નહીં જોઈ હોય એટલે જોતી હશે. કેટલીક છોકરીઓ મારી સામે જોઈ સ્મિત પણ કરવા લાગી. એમના જવાબમાં મેં પણ સ્મિત આપ્યું. હમણાં થોડીવાર પહેલાં જ,  જે ત્રણ છોકરીઓ રૂમમાં આવી હતી એમાંથી એક છોકરી પણ નહાવા માટે ત્યાં ઉભી હતી. બાથરૂમ ખાલી નહોતા, મારી ડોલ ભરાઈ ગઈ. અને હું બાથરૂમ ખાલી થવાની રાહ જોતી હતી. એક બાથરૂમ ખાલી થયું. ત્યાં જ પેલી છોકરીએ મને કહ્યું, "પહેલે આપ નહાલો દીદી" હું સમજી ગઈ શોભના સાથે રૂમમાં રહેવાના કારણે મને આ માન મળી રહ્યું છે. હમણાં થોડીવાર પહેલાં એ રૂમમાં આવી ત્યારે એને મને રૂમમાં જોઈ હતી. મારે કૉલેજના પહેલા જ દિવસે મોડું નહોતું પડવું, આમ પણ આજે મોડું તો થઈ જ ગયું હતું એટલે હું મારી ડોલ લઈ બાથરૂમમાં ચાલી ગઈ. બાથરૂમમાં શેમ્પુના અને સાબુના રેપર, વાળના લોચા, અંદરની પાળી ઉપર જૂનાં રેઝર, બ્લેડ પડ્યાં હતાં. બાથરૂમની લાદી ઉપર પણ ઘણો કચરો જામી ગયો હતો જો ધ્યાન ન રાખવામાં આવે તો લપસી પણ જવાય એમ હતું. મેં ખૂબ જ કાળજી રાખી ફટાફટ નાહી લીધું. પહેરવાના કપડાં પણ હું સાથે જ લાવી હતી. મને સુસ્મિતાની જેમ રૂમમાં કપડાં બદલવામાં શરમ આવતી હતી. ડ્રેસ પહેરતાં સલવાર થોડી ભીની થઈ. માથાનો અંબોડો ટુવાલથી બાંધી અને ફટાફટ અંતરવસ્ત્ર અને ટોપ પહેરી લીધા. સુસ્મિતા જેટલું ટાઈટ ટોપ હું નહોતી પહેરતી એટલે મારે ચિંતા નહોતી. ટુવાલને ખભા ઉપર રાખી મેં વાળને ખુલ્લા કરી નાખ્યા. અને બાથરૂમની બહાર નીકળી. પેલી છોકરી મારા નીકળવાની રાહ જ જોતી હતી. બહાર નીકળતા પણ એણે મને બહોળું હાસ્ય આપ્યું. હાસ્યથી જ એનો જવાબ આપી હું રૂમ તરફ ચાલી નીકળી. શોભના અને સુસ્મિતા તૈયાર થઈને બેઠા હતાં, મેં પણ રૂમમાં આવી ફટાફટ મારા વાળ સરખા કર્યા. મેઘના મારા આવ્યા બાદ નહાવા માટે ગઈ. નાસ્તા માટે નીચે મેસમાં જવાનું હતું. અમે ત્રણ નીચે જવા રવાના થયા, મેઘના ફટાફટ આવી જશે એમ સુસ્મિતાએ કહ્યું. નાસ્તામાં ચા, દૂધ અને પૌવા હતાં. દૂધમાં મને ઘર જેવી મઝા ના આવી. છતાં પણ મેં થોડું પી લીધું. નાસ્તો કરતાં હતાં ત્યાં જ મેઘના પણ અમારી સાથે જોડાઈ ગઈ. નાસ્તો કરી, રૂમમાં જઈ કૉલેજ જવા માટે અમે ચાર સાથે નીકળ્યા.
કૉલેજ જવાનો રસ્તો મને ખબર નહોતો, પણ મેઘનાની કૉલેજ મારી કૉલેજની નજીકમાં જ હતી એટલે એ મારી સાથે જ મારી કૉલેજ સુધી આવવાની હતી. અમારી કૉલેજ સુધી તો ચાલીને જવાય એમ હતું. શોભના અને સુસ્મિતાને હોસ્ટેલની બહારથી જ રિક્ષામાં જવાનું હતું.
શોભના અને સુસ્મિતાને રીક્ષા મળી ગઈ. રાત્રે મળીએ એમ કહી છુટા પડ્યા. હું અને મેઘના ચાલીને કૉલેજ તરફ જવા નીકળ્યા.
(શું કાવ્યા ટકી શકશે આ હોસ્ટેલમાં ? સુસ્મિતાની પીઠ ઉપર પડેલા ઉઝરડાનું શું રહસ્ય હતું ? કૉલેજમાં કાવ્યા કેવી રીતે વિતાવશે પહેલો દિવસ ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" ના હવે પછીના રોમાંચક પ્રકરણો....)
લે. નીરવ પટેલ "શ્યામ"