હેશટેગ લવ - 1 Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેશટેગ લવ - 1

હેશટેગ લવ (#LOVE)


ભાગ - ૧


મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.
પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.
મારે પણ ઊડવું હતું આકાશે !
મનભરી ને જીવવું હતું.
મારા પણ ઘણાં મોટા મોટા સપનાં હતાં..
એક યુવાન છોકરીના કેટ કેટલાં સપનાં હોય ?
બાળપણમાં પાસે રાખેલી નાની ઢીંગલીને નવા કપડાં પહેરાવવા, વાળ ઓરવા, પ્રેમથી સુવડાવવી, સાડી પહેરાવવી અને એક ઢીંગલા સાથે એક દિવસ એને પરણાવી દેવી. એ ઢીંગલી ત્યારે ઢીંગલી નહિ દરેક છોકરીનું એક સ્વપ્ન હોય છે. જે એ ઢીંગલીના રૂપમાં પોતે સેવતી હોય, મેં પણ મારા બાળપણની એ ઢીંગલીમાં એવા ઘણાં સપનાં રોપ્યા હતાં. એ સપનાં ઉગ્યા'ય ખરાં, પણ જ્યારે લણવાનો સમય આવ્યો ત્યારે બધું જ વેર વિખેર થઈ ગયું. ના એ ઢીંગલી રહી કે ના મારા સપના. બધું જ એક ક્ષણમાં ચકનાચૂર થઈ ગયું. એ ઘટના વિતે આજે પંદર વર્ષ પૂર્ણ થઈ ગયા. પણ હજુય બધું આંખો સામે આવીને ઊભું રહે છે. એ સમય, એ જીવન, એ લોકો બધું જ જાણે ગઈકાલે જ વીત્યું હોય એમ લાગે છે.
જ્યારે એ બનાવ મારા જીવનમાં બન્યો ત્યારબાદ મેં જીવવાની આશા જ છોડી દીધી હતી. પણ આ પુસ્તકોએ મને ફરી જીવવાની એક આશા આપી દીધી. મારા ચહેરાપર ખોવાયેલું એ સ્મિત પાછું લાવી આપ્યું. સતત વાંચતા રહી મને પણ લખવાનું મન થયું. અને આજે હું મારા દિલના અરમાનો, મારી વેદના, મારા સપનાં, બધું જ શબ્દો દ્વારા વ્યક્ત કરી શકું છું.
આ પંદર વર્ષમાં મારા સાત વાર્તા સંગ્રહ ચાર કાવ્ય સંગ્રહ અને પાંચ નવલકથાઓ પ્રકાશિત થઈ ગઈ. કદાચ એ ઘટના મારા જીવનમાં ના બની હોત તો હું અત્યારે આ મુકામ ઉપર ના પહોંચી શકી હોત. આજે મારી એક અલગ ઓળખાણ છે. એક અલગ નામ છે. મારો બહુ મોટો ચાહક વર્ગ છે. પણ આટલા મોટા ચાહક વર્ગમાંથી કોઈને હું ક્યારેય મળી નથી. મારી વાર્તાઓ હજારો લોકો વાંચે છે. મારી પહેલી નવલકથા બજારમાં આઉટ ઓફ સ્ટોક છે. છ આવૃત્તિ પ્રકાશિત થવા છતાં હજુ લોકો ખરીદીને વાંચી રહ્યાં છે. એ જાણીને મને ખુબ જ ગર્વ થાય છે. મારા પુસ્તકોની અને મારા ચાહકોની વચ્ચેથી મને એક હમસફર મળ્યો, જેને મારા પુસ્તકોની સાથે મને પણ વાંચી, મારી કવિતાના શબ્દોના અર્થ અને દર્દ સમજવાની સાથે સાથે મારા જીવનનું પણ દર્દ કહ્યા વગર જ સમજી લીધું. જેની સાથે મારા નવા જીવનની શરૂઆત થઈ.
મારા ચાહકોને મારા વિશે જાણવાની ઈચ્છા હતી. ઘણી જગ્યાએ કૉમેન્ટમાં, મારા બ્લોગ ઉપર, અને સેંકડો ઈ-મેઈલમાં ઘણાં લોકો મારા વિશે ઘણાં સમયથી જાણવા ઈચ્છે છે. મને મળવા ઈચ્છે છે. પણ હું કોઈને મળતી નથી. પરંતુ હવે મારા ચાહકોને હું વધુ રાહ નહિ જોવડાવું. મારા આ પુસ્તક દ્વારા તમેં મારા જીવન વિશે અને મારા કોઈને ના મળવાના કારણ વિશે જાણી જ જશો.
શરૂઆત ક્યાંથી કરું એ મને સમજાઈ નથી રહ્યું. પણ જ્યારે શરૂઆત ક્યાંથી કરવી એ જ ના સમજાય ત્યારે શરૂઆતથી જ શરૂઆત કરવી સારી રહે.
ચરોતર પંથકમાં આવેલા સાક્ષર નગરી નામે ઓળખાતા શહેર નડીઆદમાં મારો જન્મ થયો. નામથી તો આપ સૌ પરિચિત છો જ. છતાં વાતને દોહરાવું છું. હું કાવ્યા દેસાઈ. ગયા મહિનાની ૨૩મી જુલાઈના રોજ મેં ૩૯ વર્ષ પૂર્ણ કર્યા. મારા પપ્પા બેંકમાં કેશિયરની જોબ કરે, અને મમ્મી ઘરકામ. બાળપણથી જ મારા પપ્પાએ મારા દરેક સપનાં પૂરાં કર્યા. મને હજુ પણ યાદ છે હું જ્યારે નાની હતી ત્યારે મમ્મી પપ્પા મને બજારમાં લઈ ગયા હતાં. એક દુકાન પાસેથી પસાર થતાં કાચની પાછળ રહેલું એક ટેડી બિયર મને ગમી ગયું હતું.પણ એ એક કાચના શૉ રૂમમાં હતો. હું વળી વળી ને એ ટેડી બિયરને જોતી રહી. પણ પપ્પાને કહી નહોતી શકી કે મારે એ જોઈએ છીએ. પણ મારા પપ્પા સમજી ગયા કે મારી કાવુંને આ ટેડી બિયર ગમી ગયું છે. સવારે મારા ઉઠતા પહેલાં પપ્પાએ મને ખબર ના પડે એમ મારી રૂમમાં એ ટેડી બિયર લાવીને મૂકી દીધું. જ્યારે હું ઉઠી ત્યારે એટલી ખુશ થઈ ગઈ હતી જે હું અહીંયા શબ્દોમાં પણ નહીં બતાવી શકું, મારા પપ્પાના ગાલ ઉપર મેં અઢળક ચૂમીઓ કરી લીધી હતી. આવી તો અનેક ખુશીઓ મારા પપ્પાએ મને આપી છે. મારી સાથે બનેલી ઘટનાનું જેટલું દુઃખ મને નથી થયું તેનાથી કેટલાય ઘણું દુઃખ મારા પપ્પાને થયું છે. પણ એ મને ખુશ રાખવા માટે પોતાના દુઃખોને દબાવી દે છે હું જાણું છું. ભલે એ મારી આગળ રડી નથી શકતા, પણ કેટલીકવાર એમની રડ્યા પછીની આંખોને હું જોઈ શકું છું, મારા પૂછવા ઉપર તો એ એમ જ કહે છે કે "પવનના કારણે કે આંખમાં કંઈક ચાલ્યું ગયું છે તેના કારણે આંખો આમ દેખાય છે." પણ હું મારા પપ્પાને સારી રીતે ઓળખું છું. એ બસ મને ખુશ રાખવા માટે પોતાના આંસુઓ છુપાવી દે છે.
એ ઘટના બાદ મારી મમ્મીએ પણ મને ખુબ જ સાચવી છે. મારી મમ્મી હવે ફક્ત મારી મમ્મી નથી રહી ! હવે એ મારી એક ખાસ દોસ્ત બની ગઈ છે. મારી કૉલેજ અને સ્કૂલની ફ્રેન્ડ તો મને ક્યારેક ક્યારેક મળવા આવતી. પણ મારી મમ્મી પોતાનો મોટાભાગનો સમય મારી સાથે વાતો કરવામાં વિતાવે. મને કંઈ ખાવાનું મન હોય તો મારી સામે જ બનાવે. દિવસ મારો કેમનો પસાર કરવો એ મારી મમ્મીને બહુ સારી રીતે આવડી ગયું છે.
મારે કોઈ ભાઈ કે બહેન નથી. મારા મમ્મી પપ્પાની હું એકની એક દીકરી. એટલે બંનેનો પ્રેમ મને ખુબ જ મળ્યો છે. એમના સાથ અને એમના પ્રેમમાં મને ક્યારેય કોઈ ખોટ નથી આવી. પણ જિંદગીની કિતાબનું કયું પાનું ક્યારે ફરી જાય એ કોઈ નથી જાણતું. મારા જીવનની કિતાબના પાનાં પણ કંઈક એવા જ છે. બાળપણ તો મેં મનભરીને મમ્મી પપ્પા સાથે જીવી લીધું. બાર ધોરણ સુધી તો મમ્મી પપ્પા સાથે રહીને ભણવાનું થયું. પણ બારમાં ધોરણમાં સારા ટકા આવતા, અને મારી વધુ સારું ભણવાની ઈચ્છાના કારણે મારે પપ્પાનું ઘર છોડવું પડ્યું. અને ના ગમતું હોવા છતાં મારે પાંચ વર્ષ હોસ્ટેલમાં રહેવું પડ્યું. ત્રણ વર્ષ ગ્રેજ્યુએશન અને બે વર્ષ માસ્ટર માટે. પણ આ પાંચ વર્ષમાં મારૂં જીવન સાવ બદલાઈ ગયું. મારા સ્વભાવથી લઈને મારી રહેણી કરણી, મારી રીતભાત, મારું ચાલ ચલન બધું જ સાવ અલગ થઈ ગયું.
બારમા ધોરણ સુધી તો મને દુનિયાની કોઈ ખબર નહોતી, મારા માતા પિતા મને જેમ ટકોર કરતાં એમ જ હું ઘડાતી આવી, ઘરથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે. ક્યારેક કોઈ ફ્રેન્ડ સાથે એના ઘરે જઈએ કે એ ફ્રેન્ડ મારા ઘરે આવે. તે પણ ભણવાના કોઈ કામ માટે જ અમે મળતા, મમ્મી પપ્પા સાથે ક્યારેક ક્યારેક બહાર પણ ફરવા જવાનું થાય. પણ હોસ્ટેલની લાઈફ સાવ અલગ. બસ એક રેક્ટર સિવાય કોઈ નજર કે દેખરેખ રાખનારું નહિ. અને એ રેક્ટર પણ આટલી બધી છોકરીઓમાં કોનું કોનું વ્યક્તિગત ધ્યાન રાખવાના ? હોસ્ટેલમાં રહીને થોડા જ દિવસમાં મને જાણવા મળ્યું કે રેક્ટરને થોડા ઘણાં પૈસા આપીએ અને એના વિશે સારું સારું બોલીએ એટલે એ બધી જ છૂટછાટ આપી દે. જાણીને મને પણ નવાઈ લાગી પણ પછી સમજાઈ ગયું કે સ્પ્રિંગને તમે જેટલી દબાવશો એટલી એ વધારે ઉછળવાની. અઢારનો આંકડો પાર કરીને આવેલી કૉલેજમાં ભણતી છોકરીઓ ક્યાં કોઈના રોકાવવાથી રોકાવાની હતી ? એ તો પોતાની મરજીની માલિક હતી. બહાર ફરવા જવું, પાર્ટી કરવી, બોયફ્રેન્ડ સાથે બહાર જવું તેમને વધારે ગમતું. હું પણ આ બધાના રંગમાં ક્યારે રંગાઈ ગઈ સમજાયું જ નહીં. પણ કહે છે ને કે સંગ એવો રંગ. મને પણ ધીમે ધીમે એ બધી છોકરીઓના સંગનો રંગ લાગવા લાગ્યો, અને એ ઉંમર પણ એવી હતી કે સાચું શું ? કે ખોટું શું ? કંઈજ સમજાય નહિ, કદાચ આ શહેરમાં જ એવો નશો વસતો હશે જેના કારણે એ નશામાં હું પણ ડૂબી ગઈ. બસ મનમાં એમ જ થયાં કરતું કે "મઝા કરવી છે, ઘરની બહાર મળેલી આઝાદીને ભરપૂર માણવી છે. ફરી આ દિવસો, ફરી આ જીવન, ફરી આ શહેર, ફરી આ બહેનપણીઓ, કઈ જ મળવાનું નથી, જે છે એ આજ પળમાં છે અને મારે આજ પળમાં જીવવું છે એમ વિચારીને હું પણ એ બધામાં ભળતી જ ગઈ. એ બધામાં ખેંચાતી ચાલી ગઈ.
હોસ્ટેલમાં જતાં પહેલાં મારા મમ્મી પપ્પાએ મને સામાન સાથે શિખામણોનું એક પોટલું પણ બંધાવ્યું હતું. પણ હોસ્ટેલમાં આવી એ પોટલું ક્યારેય ખોલવાનો વખત ના આવ્યો. અને જ્યારે એ પોટલું ખોલી શિખામણોને જોઈ ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. એક એવા કીચડમાં પગ મૂકી દીધો હતો જ્યાં દલદલ સિવાય બીજું કંઈ નહોતું. અને એમાં પગ મુકતાની સાથે જ ઊંડે ને ઊંડે ઉતરતી જ ચાલી ગઈ. કેટલીક છોકરીઓના સંગની અસર કહો કે મારી નાદાની. ના નાદાની તો એને હું ના કહી શકું. એ મારી ભૂલ જ હતી અને એ ભૂલની સજા જ કદાચ આજે હું ભોગવી રહી છું.
પહેલા ધોરણથી જ ભણવામાં હું ખૂબ જ હોશિયાર. દસમા ધોરણમાં મારા ૯૦% આવ્યા. અને બારમાં ધોરણમાં તો ૯૩%. બંને વખતે પપ્પાએ આખી સોસાયટીમાં પેંડા વહેંચ્યા હતાં. બારમાં બાદ પપ્પાએ મને જ પૂછ્યું કે "તારે આગળ શું કરવું છે ?" એમને ક્યારેય એમની ઈચ્છાઓ મારા ઉપર થોપી નહિ. બારમાં ધોરણના રિઝલ્ટ બાદ મને પણ સમજાઈ રહ્યું નહોતું કે આગળ હું શું કરું ? રોજ સવારે ન્યૂઝ પેપર લઈ અને બારમાં પછી શું કરવું એની જાહેરાત જોવા બેસી જતી. સગા વહાલા પણ જુદી જુદી દિશામાં જવા વિશે માર્ગદર્શન આપતા. કોઈ મેડીકલમાં કહેતું, કોઈ એન્જીનયરિંગ, કોઈ ડેન્ટિસ્ટ, તો કોઈ બી.એસ.ડબ્લ્યુ. સાચું કહું તો ત્યારે આ બધા ફિલ્ડ વિશે સાંભળીને જ મને તો ચક્કર આવતાં. પણ છેલ્લી પસંદગી મારી હતી. અને મેં મુંબઈની કૉલેજમાં બી.એસ.સી. કરવાનું નક્કી કર્યું. સગા સંબંધીઓએ તો મને મુંબઈમાં ભણવા મોકલવાની ચોખ્ખી ના જ પાડી દીધી હતી. મુંબઈ જેવા મહાનગરમાં છોકરીને ભણવા મોકલવી એટલે સાપથી ભરેલાં કૂવામાં ઉતરવા જેવું ગણાય. એમ એ લોકો માનતા. પણ પપ્પા મારા સાથમાં હતાં. એમને મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. બધાના વિરોધ વંટોળ વચ્ચે પણ પપ્પાએ મને મુંબઈની સારામાં સારી કૉલેજમાં એડમિશન લઈ આપ્યું. મારા માર્ક્સ સારા હોવાના કારણે મને સરળતાથી એડમિશન પણ મળી ગયું. તકલીફ હવે મુંબઈમાં રહેવા માટેની હતી. પપ્પાના દૂરના કેટલાંક સગા સંબંધીઓ મુંબઈમાં રહેતા. એ લોકોએ મને પોતાના ઘરે રાખવાની વાત કરી. પણ મેં પપ્પાને કોઈના ઘરે નહિ રહું એમ જણાવી દીધું. એટલે પપ્પાએ રહેવા માટે પેઇનગેસ્ટ કે કોઈ હોસ્ટેલમાં જગ્યા શોધવાનું શરૂ કર્યું. કેટલાક લાગતાં વળગતાને વાતો કરતાં એક સારી હોસ્ટેલ પણ મળી ગઈ. કૉલેજ પણ હોસ્ટેલથી નજીક હતી એટલે કૉલેજ આવવા જવામાં પણ સરળતા રહે એમ હતું.
મુંબઈ સાથેની મારી સફરનો આરંભ થયો. ભાડાની ગાડી કરી પપ્પા અને મમ્મી બંને મને મુકવા માટે મુંબઈ આવ્યા. નડીઆદની શાંતિપૂર્ણ જિંદગી છોડી મુંબઈના ભાગદોડ ભરેલા જીવનમાં મારી સફર શરૂ થઈ. મારી હોસ્ટેલના કમ્પાઉન્ડમાં અમારી કાર પ્રવેશી. હોસ્ટેલનું નામ હતું : "સાવિત્રીબાઈ ગર્લ્સ હોસ્ટેલ". ગાડી ઊભી કરી હું અને પપ્પા મેનેજરની ઓફિસમાં મળવા માટે ગયા. ટાઈટ જિન્સ અને બ્લેક કલરના સીવલેસ ટોપ સાથે એક ત્રીસ-એકત્રીસ વર્ષની મહિલા ઓફિસમાં ઊભી હતી. તેની બાજુમાં સફેદ કલરની સફારી પહેરીને એક ભાઈ પણ બેઠા હતાં. અમારા આટલા દૂરથી આવવા છતાં અમને જોઈએ એ પ્રમાણેનો આવકાર ના મળ્યો. ઓફિસમાં પ્રવેશતાં જ મારું નામ પૂછ્યું. પપ્પાએ જવાબ આપ્યો. અને પેલા ભાઈએ કમ્પ્યુટરમાં જોયા બાદ એક રજીસ્ટરમાં મારું નામ લખ્યું. અને સીધી હોસ્ટેલ ફી અને હોસ્ટેલના કડક નિયમો વિશે સૂચનાઓ આપવાની શરૂ કરી. થોડીવાર ચર્ચા બાદ પપ્પાએ હોસ્ટેલ ફી ભરી. મારો રૂમ પહેલા માળ ઉપર હતો. પપ્પાએ સમાન રૂમમાં મૂકવા જવાની વાત કરી તો પેલા ભાઈએ જણાવ્યું. "લડકીકે રૂમમે આપ નહિ જા શકતે, લડકીકો અકેલે સામાન રખને જાના હોગા, યહાઁ યે સબ એલાઉડ નહિ હૈ" સામાન ઘણો હતો. પપ્પાએ કહ્યું : "મેં નહિ જાઉંગા, મગર ઉસકી મમ્મી તો રૂમ દેખને કે લીએ જા શક્તી હૈ ના ? સામાન ભી બહુત જ્યાદા હૈ !" પેલો ભાઈ થોડા કડક શબ્દોમાં કહેવા લાગ્યો : "કિસીકો લડકીયો કે રૂમમેં જાને કી પરમિશન નહીં હૈ, આપકે ગુજરાત જૈસા યહાઁ નહિ ચલતા, યહાઁ હમારે કુછ કાયદે કાનૂન હૈ, હોસ્ટલમે રહેના હૈ લડકીકો તો ઉસકો ફોલો કરના પડેગા." મારા પપ્પા કઈ બોલી શક્યા નહી. બસ "ઠીક હૈ" કહી બહાર નીકળ્યા. મેં બહાર નીકળીને પપ્પાને તરત કહ્યું કે "આ કેવા નિયમ છે ? મારો રૂમ પણ તમે ના જોઈ શકો ? મારે અહીંયા નથી રહેવું પપ્પા, હું તમારી સાથે જ પાછી આવું છું. મારે મુંબઈમાં નથી ભણવું." પપ્પા મારા ચહેરાનો ગુસ્સો જોઈ હસવા લાગ્યા, અને કહ્યું : "બેટા, હવે આપણે ગુજરાત છોડી દીધું છે, એક નવા રાજ્યમાં, નવા શહેરમાં આવીને તારે વસવાનું છે. અહીંની સંસ્કૃતિ, રહેણી કરણી, વિચારો, નિયમો બધું જ જુદું હશે. અને અમેતો હમણાં ચાલ્યા જઈશું. પછી તો તારે એકલી એજ રહેવાનું છે ને. પછી તો તને આદત પડી જશે અહીંયા રહેવાની. અમે તારો રૂમ જોઈએ કે ના જોઈએ શું ફેર પડવાનો છે ? રહેવાનું તો તારે જ છે ને ? જા તું ઉપર થોડો સામાન લઈને જા, રૂમમાં મૂકી આવ અને રૂમ પણ જોઈ આવ." પપ્પાની વાતનો હું કંઈજ જવાબ ના આપી શકી, પપ્પા કારમાંથી બેગ લઈને આવ્યા, એ બેગ લઈ હું હોસ્ટેલના પહેલાં માળની સીડીઓ ચઢી મારા રૂમ તરફ જવા લાગી.......

(કાવ્યાનું જીવન કઈ ઘટનાથી બદલાઈ ગયું હશે ? કયાં દર્દના ઘૂંટળા પી અને કાવ્યા જીવતી આવી હતી ? કોના આવવાથી કાવ્યનું જીવન બદલાઈ ગયું ? હોસ્ટેલમાં કાવ્યાને કેવા કેવા અનુભવો થયાં હશે ? એક સામાન્ય છોકરીથી એક સફળ લેખિકા બનવા સુધીની કાવ્યાની સફર કાવ્યાના શબ્દોમાં જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" (એક અનોખી વાર્તા))

લે. નીરવ પટેલ "શ્યામ"