Sandhya Suraj - 16 books and stories free download online pdf in Gujarati

સંધ્યા સૂરજ - પ્રકરણ - 16

ઇન્ટરનલ એક્ઝામ પતી ગઈ. મારા માટે છેકથી એક્ઝામ કોઈ મહત્વની ચીજ હતી જ નહી! કોલેજમાં ઘણા બધા એવા પણ હતા જેમના માટે રીઝલ્ટ મહત્વની ચીજ હતી પણ અમારું ગ્રુપ એવા લોકોમાં ન ગણી શકાય! થેંક ગોડ કે અમારા ગ્રુપમાં એવો એક પણ છોકરો કે છોકરી ન હતી. બસ એ બધા સ્ટ્રેસફૂલ જીવન જીવનારા પહેલી બેંચવાળા જ હતા જેમની સાથે અમારે ક્યારેય ન બનતું. બધા રીઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક તત્વજ્ઞાન તો કેટલાક ઈંગ્લીશના પરિણામને લઈને ચિંતામાં હતા. લગભગ મારા બધા જ પેપર સારા ગયા હતા અને કોઈ ખરાબ ગયું હોત તો પણ મને ખાસ કાઈ ફિકર જેવું ન હતું.

શુનીલ, નિશા, સોનિયા, રાઘવ અને અન્ય મિત્રોએ રાઘવના ઘરે પરિક્ષા પછીનો દિવસ ઇન્જોયમેન્ટમાં પસાર કરવાનું નક્કી કર્યું હતું. હું પણ તેમાં જોડાઈ હતી. જીવનમાં કોઈ એન્જોયમેન્ટમાં મને રસ ન હતો છતાં હું એમાં જોડાઈ કેમકે મારે દુનિયાને એમ બતાવવું હતું કે કોઈ એન્જોયમેન્ટની પાર્ટી હોય અને હું ન જોડાઈ હોઉં એવું બને જ નહી!

હું જરાક નર્વસ તો હતી જ. એક તો મારા અને રાઘવ વચ્ચેનો એ પ્રેમ જાહેર થઇ જવાનો ડર હતો. હું ઇચ્છતી નહોતી કે એ બધામાં જાહેર થાય. કદાચ રાઘવ મને કોઈ કામ ન લાગે તો હું બીજા કોઈને પણ આસાનીથી શિકાર બનાવી શકું. જોકે એ એટલો ચિંતાનો વિષય ન હતો કેમકે આજ કાલ કોલેજમાં બ્રેકઅપના બીજે દિવસે જ છોકરીને બોયફ્રેન્ડ અને છોકરાને ગર્લફ્રેન્ડ મળી જતા હોય છે. અલબત કેટલાક તો નજર રાખીને જ બેઠા હોય છે કે ક્યારે ફલાણા ફલાણા વચ્ચે બ્રેકઅપ થાય અને હું ટ્રાય કરું...! બીજું મને રાઘવનું એડ્રેસ ખબર ન હતી. મેં શુનીલને ફોન કર્યો એટલે એ મને લેવા આવ્યો. હું એની બાઈક પર રાઘવના ઘરે ગઈ.

જ્યારે અમે પહોચ્યા કોઈ ઘરે હતું નહી. રાઘવ એકલો હતો. સોનિયા અને અન્ય મિત્રો આવવાના હતા પણ એ હજુ આવ્યા નહોતા. બધા મિત્રો આવે અને સ્ટ્રેસ પાર્ટી શરુ થાય ત્યાં સુધી અમે રાઘવના ઘરની એક ઝલક જોઈ. એ ખાસ્સું મોટું હતું. જોકે મારા સિવાય કોઈના મનને સ્ટ્રેસ ન હતો. બસ બધા પાર્ટી કરવાના બહાના શોધ્યે રાખતા અને એક્ઝામ પછી સ્ટ્રેસ પાર્ટી ગોઠવવી એ પાર્ટી મનાવવાના બહાનાઓમાનું એક વાજબી બહાનું કહી શકાય. મને સ્ટ્રેસ હતો પણ એકઝામનો નહી. એટલે મારા માટે પણ એ એક્ઝામ સ્ટ્રેસ પાર્ટી એક બહાના કરતા વધુ કાઈ ન હતી.

લોકો ક્યા પાર્ટી ગોઠવવામાં પાછાં પડે છે? લોકો લગનના આગળના દિવસે બેચલર પાર્ટી મનાવે છે અને લગનના બીજે દિવસે મેરેજ પાર્ટી. લગન બાદ મિત્રો માટેની સ્પેસીઅલ પાર્ટી. એક વરસ બાદ એનીવર્સરી પાર્ટી. પ્રેગનન્સી દરમિયાન ગોદ ભરાઈ ફંકશન. દીકરો આવે તો પાર્ટી. દીકરી આવે તો પાર્ટી. એવી કેટલીયે પાર્ટી. એમાય કપલની એકબીજાને આપેલી પાર્ટીઓ તો અલગ. હનીમુન પાર્ટી અને ફસ્ટ નાઈટ ફંકશન. મારે એ બધી પાર્ટી મનાવવા વિશે વિચારવાનું જ ક્યાં હતું?

થોડીકવારમાં સોનિયા અને બીજા મિત્રો પણ આવી ગયા. રાઘવે એમનું સ્વાગત કર્યું ત્યારબાદ મીડીયમ લાઉડ મ્યુઝીક પર પાર્ટી શરુ થઇ. બાદશાહના ડીજે વાલે બાબુ સોંગ પર બધાએ ખુબ જ આનંદ માણ્યો. આરાધના અને શુનીલ એક બીજાના હાથમાં હાથ નાખી બહુ નાચ્યા. રાઘવે પણ મારી કમર ફરતે હાથ વીંટાળી મને ફુદરડી ફેરવવાની મજા લીધી. હું જરાય નહોતી ઇચ્છતી કે બધાને ખબર પડે કે રાઘવ મારા સાથે ડીપલી લવમાં હતો પણ રાઘવને મારા જેવી સુંદર ગર્લફ્રેન્ડ મળી છે એ બધાને બતાવવાનો શોખ હોય એમ તેણે આરાધના અને શુનીલનો આભાર માન્યો કે એમણે અમને એ સ્પેસીઅલ મુમેન્ટ એકબીજા સાથે ફાળવી આપી. મને સારી રીતે નાચતા ન આવડતું. પ્રમાણિક પણે કહું તો હું ખાસ ક્યારેય કોઈ પાર્ટીમાં નાચતી જ નહિ.

જીવનમાં ક્યારેય નાચતી વખતે મારા પગ એટલા નહોતા ઉપડ્યા પણ મને યાદ હતું કે જીનલે મને કઈ રીતે ડાન્સના એક એક સ્ટેપ શીખવ્યા હતા. અને ત્યાં નાચતી વખતે મને એમ લાગી રહ્યું હતું કે જીનલે મને કદાચ આજે જરૂર પડવાની હતી એ માટે જ ડાન્સ શીખવ્યો હતો! કદાચ એ દિવસ માટે જ મને તેણીએ તૈયાર કરી હતી. કદાચ ભગવાનને ખબર હશે કે મારે ડાન્સ કરવાની જરૂર પડશે એટલે એમણે જ જીનલને પ્રેરણા આપી હશે કે મને ફોર્સ કરીને પણ ડાન્સ શીખવે.

એ વિચારો સાથે મારા પગ નાચતા ગયા. મને અંદાજ પણ ન હતો કે હું કેટલો સમય નાચી હોઈશ. લગભગ એકાદ કલાક સુધી મેં અર્ધ પાગલની જેમ નૃત્ય કર્યું! સારું થયું કે કોઈને મારા એ નૃત્યુંમાં મારું જુનુન ન દેખાયું કેમકે આજકાલ કોલેજીયન છોકરા છોકરીઓમાં પશ્ચિમની અસરને લીધે અર્ધપાગલ જેવું નૃત્યુ ફેશન બની ગઈ છે. મને લાગ્યું વિદેશમાં પણ કોલેજીયન યુવક યુવતીઓ એનાથી વધુ પાગલપંતીવાળી પાર્ટી નહી ઉજવતા હોય. હું એક વાત તો સમજી ગઈ કે કોલેજમાં કોઈ પણ ચીજને નોનવેજ સમજવામાં નથી આવતી. કોલેજ જ એ સમય છે જેમાં એન્જોયમેન્ટ અને પાર્ટીના નામે ગમે તે હદ પાર કરી શકાય છે!

આરાધના ઇતેફાક મૂવીની સીડી કેસેટ લાવી હતી. અમે ફોયરમાં બેસી સાઈઠ ઈંચની એલ.ઈ.ડી. પર એ મુવી જોવાનું શરુ કર્યું. રાઘવે બધાને ચિપ્સ આપી કેમકે થીયેટરની જેમ આપવા માટે ત્યાં પોપકોર્ન ન હતા.

હું સોફા પર રાઘવની નજીક બેઠી હતી. ફિલ્મ શરૂઆતથી જ પકડ લઈ રહ્યું હતું. એ સસ્પેન્સ મુવી પણ હતું અને મારું ફેવરીટ હતું. છતાં રાઘવ વારવાર મારા વાળ અને મારા ગાલ સાથે રમી રહ્યો હતો એટલે મારું ધ્યાન ફિલ્મમાં બરોબર રહી શક્યું નહી. પંદરેક મિનીટ મુવી ચાલી અને એક હોટ રોમેન્ટિક સોંગ આવ્યું. એ મારાથી મસ્તી કરવા લાગ્યો અને મને ચીડવવા લાગ્યો. એ બધા મિત્રો સામે હિરોપંતી કરવા માંગતો હતો કે તેની પાસે સંધ્યા જેવી ગર્લફ્રેન્ડ છે!

મુવી ક્યારે પતી ગયું એનું અમને કોઈને ધ્યાન પણ ન રહ્યું. મુવી પત્યા પછી અમે બધાએ લંચ લીધુ અને ફરી બધા એક બીજા સાથે મસ્તીમાં લાગી ગયા. એકાએક આરાધના મારી બાજુમાં આવી ઉભી રહી ગઈ. હું એને નવાઈથી જોઈ રહી.

“શું છે?” મેં નવાઈ પામતા કહ્યું.

મારા પ્રશ્નનો કોઈ જવાબ ન આવ્યો. શુનીલ રાઘવની પાસે જાઈ ઉભો રહી ગયો.

“શું છે શુનીલ?” રાઘવે પણ એ જ સવાલ કર્યો.

“અમે તમને સ્પેસીઅલ મુમેન્ટ આપવા માંગીએ છીએ જે તમે ક્યારેય ન ભૂલી શકો.” શુનીલે જવાબ આપ્યો.

“હું કાઈ સમજ્યો નહી.” રાઘવે બાઘાની જેમ કહ્યું. સાચું કહું તો શું ચાલી રહ્યું છે તેની મને પણ કાઈ સમજ ત્યારે પડી ન હતી.

શુનીલ રાઘવની બાજુમાં ઉભો હતો અને આરાધના મારી બાજુમાં ઉભી હતી. બીજા કેટલાક મિત્રો પણ આસપાસ ઉભા હતા. આરાધનાએ મારા હાથમાં એક વીંટી આપતા કહ્યું, “આજે તારી એન્ગેજમેન્ટ છે.”

હું એકદમ આભી બની ગઈ હતી. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી એ વિશે. મને લાગ્યું એ બધું બહુ ઝડપી થઇ રહ્યું છે. નાટક હવે વધુ આગળ વધી ગયું છે.

“શું થઈ રહ્યું છે હું જાણી શકું?” રાઘવ હજુ શુનીલ સાથે વાત કરી રહ્યો હતો.

“તું એકદમ ડમ્બ છે. છોકરીઓ સમજે એટલું પણ નથી સમજતો.” શુનીલ એને કહી રહ્યો હતો.

બધા હસી પડ્યા.

ધીમે ધીમે રાઘવ બધું સમજી ગયો જ્યારે શુનીલ પોતાના મોબાઈલમાં શુટિંગ ઉતારવા લાગ્યો. રાઘવ મારી નજીક આવ્યો. હું સ્પીચલેસ હતી. મેં તેની આંખમાં એક અજીબ ચમક જોઈ. મને એક પળ માટે થયું મેં આ નાટકને કઈક વધુ જ લંબાવી દીધું છે. શું મારે આટલી હદ સુધી કોઈની લાગણીઓથી રમવું જોઈએ?? શું મને એ બધું કરવાનો હક હતો? મને થયું કે હું બધાને હકીકત જણાવી દઉં પણ બીજી જ પળે થયું રાઘવને દિલ તૂટવાથી કેટલું દુ:ખ થશે?

શું એ દુ:ખ કેટલીયે છોકરીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે એનાથી વધુ હોઈ શકે? ના, ના, મારે નાટક ચાલુ જ રાખવું પડશે. મારા મને મને કહ્યું અને બીજી જ પળે મેં ફેસલો કરી નાખ્યો હોય એમ મારા હોઠ પર એક હળવું સ્મિત ફરક્યું. સ્મિત પાછળ જીનલના આંસુ હતા.

રાઘવ મારી નજીક આવ્યો. શુનીલ આરાધના અને બીજા મિત્રોએ તાળી પાડવાનું શરુ કર્યું. આરાધનાએ કોઈ જુના ફિલ્મનું ગીત ગાવાનું શરુ કર્યું, “આયે હો મેરી જીંદગી મેં તુમ બહાર બનકે. મેરે દિલમે યુહી રહેના તુમ પ્યાર પ્યાર બનકે...”

તાળીઓના ગગડાટ અને ગીતના મીઠા અવાજ વચ્ચે રાઘવે મારો હાથ પોતાના હાથમાં લઈ અને મારા હાથમાં રીંગ પહેરાવી.

“આઈ લવ યુ અ લોટ... સંધ્યા હું તારી સાથે જીવન વિતાવવા માંગું છું.” રાઘવના શબ્દોએ જાણે મારા દિલ પર કોઈ અસર કરી હોય એમ હું એક પળ માટે લાગણીઓના સમુદ્રમાં તણાવા લાગી પણ બીજી જ પળે મેં મારા શરીર પર નજર કરી. મેં હજુ જીનલની ફેવરીટ યલો ટી-શર્ટ પહેરેલ હતી. એ મને યાદ અપાવતી કે લાગણીઓનું પુર તો એ હતું જે મેં જીનલની આંખોમાંથી સતત એક અઠવાડિયા સુધી વહેતું જોયું હતું. એના સિવાય કોઈ બીજી લાગણીઓને જોવાનો કે સમજવાનો મને કોઈ હક નથી.

મેં મારા હાથમાંની વીંટી રાઘવની આંગળીમાં પહેરાવી. કદાચ એ વખતે પણ હું જીનલના કાતીલોના ગાળામાં ફાંસીનો ફંદો પહેરાવવાના સપનાઓમાં ખોવાયેલ હતી.

“આઈ લવ યુ ટુ... મને પણ તારી સાથે જિંદગી જીવવામાં જ રસ છે.” મેં કહ્યું, મારા શબ્દોમાં માત્ર બનાવટ સિવાય કશું જ ન હતું.

બધા મિત્રોએ અમને પ્રાયવેસી આપવા ફોર્સ કરીને બેડરુમમાં મોકલ્યા. અમે રાઘવના બેડરૂમમાં ગયા. મને રાઘવની આંખોમાં એક અલગ જ ચમક દેખાઈ રહી હતી. એ સંતોષની ચમક હતી. એનું હ્રદય પણ જાણે કહી રહ્યું હતું હવે આપણે એકમેકના બની ગયા છીએ. પણ હું જાણતી હતી કે હ્રદય મુર્ખ હોય છે. મગજ સામે તે ક્યારેય સ્પર્ધામાં ઉતરી શકતું નથી. હું જાણતી હતી કે મારા મગજે એ પ્રેમ ક્યારેય સ્વીકાર્યો જ ન હતો.

કદાચ રાઘવ પણ મારી જેમ નાટક કરી રહ્યો હશે તો? મને થયું. હોઈ પણ શકે. ક્યાંક ઊંડાણમાંથી મને જવાબ મળ્યો.

“આપણે હવે એન્ગેજડ થઈ ગયા છીએ.” રાઘવે મારો હાથ હાથમાં લેતા કહ્યું.

“હા..” મેં માત્ર ટૂંકો જવાબ આપ્યો ત્યારે એની આંખોમાં જોયું. હું કળી ગઈ કે એ આંખો શું કહી રહી છે. એ આંખો કહી રહી હતી કે હવે રાઘવ મારા માટે ગમે તે કરી છૂટવા તૈયાર છે અને એ જ તો હું ઇચ્છતી હતી. એ જ તો મારા જીવનનું લક્ષ હતું. હું કદાચ મારા લક્ષની બહુ જ નજીક પહોચી ગઈ હતી.

*

તે દિવસે અમારું ઇન્ટરનલનું પરિણામ હતું. હું ઘરથી લગભગ નવેક વાગ્યે મારી ગ્રીન ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં નીકળી હતી. વાતાવરણ સારું હતું. રસ્તામાં હું ક્યાય રોકાઈ નહી એટલે હું સાડા નવ પહેલા કોલેજના દરવાજે પહોચી ગઈ હતી.

પરિણામ હતું એટલે બધા એક્સાઈટેડ હતા પણ દરવાજા પાસે ઉભા રાઘવની આંખોમાં મને જે એક્સાઈટમેન્ટ દેખાઈ રહ્યું હતું તે જરાક અલગ હતું. તે ચમક જરા અલગ હતી. આઈ વોઝ સ્યોર એ પરિણામને લઈને તો ન જ હતી કેમકે અમે બધા જાણતા હતા કે અમારું પરિણામ કેટલું સારું આવવાનું છે. શુનીલે તો મિત્રો સાથે શરત પણ લગાવી લીધી હતી કે જો તે એક પણ વિષયમાં પાસ થશે તો બધાને પાર્ટી આપશે કારણ તેને પૂરો વિશ્વાસ હતો કે તે એક પણ વિષયમાં પાસ નહી થાય!

રાઘવ દરવાજા પાસે જ ઉભો હતો. તે મને દુરથી જ આવતી જોઈ રહ્યો હતો. મારું હ્રદય જરાક વધુ ધબકવા લાગ્યું. મને થયું કે તે મને કેમ એ રીતે જોઈ રહ્યો હશે? શું એને કોઈ શક થયો હતો મારા પર? જે હોય તે. એનાથી વાત કરીશ તો જ ખ્યાલ આવશે. મેં નક્કી કર્યું.

“હાય, રાઘવ.” મેં તેની નજીક પહોચતા જ એક મીઠી સ્માઈલ સાથે કહ્યું.

“હાય.” તે મને થોડોક સમય જોઈ રહ્યો અને ત્યારબાદ ઉમેર્યું, “લૂકિંગ બ્યુટીફૂલ.”

“થેન્ક્સ.” મેં કહ્યું.

“આપણે આજે કોલેજ બંક મારીએ.” તેણે મારી તરફ એમ જ જોઈ રહેતા કહ્યું. ક્યારેય કોલેજ બંક મારવાનું કહેતા એ એટલો બધો ગભરાયેલ ન દેખાતો. મને નવાઈ લાગી કેમ એ ગભરાઈ રહ્યો હતો? શું વાત હતી? શું એ મને કિડનેપ કરવા ક્યાંક લઇ જવા માંગતો હશે એથી ગભરાઈ રહ્યો હતો?

“મેં આરાધના અને શુનીલને કોલેજ બંક કરવા મનાવી લીધા છે. આપણે ગાર્ડન જઈ રહ્યા છીએ.” તેણે મને વિચારોમાં ડૂબેલ જોઈ કહ્યું.

એના શબ્દો સાંભળીને મને થયું કદાચ હું કિડનેપીગ અને કિડનેપરના વિચારોમાં પાગલ થઇ ગઈ હતી. જો એ મને કિડનેપ કરવા માંગતો હોય તો એ આરાધનાને અને શુનીલને શું કામ બોલાવે? ચાલો માની લઈએ કે તે આરાધનાને પણ કિડનેપ કરવા માંગતો હોય પણ શુનીલ? તેના પપ્પા તો શહેરના ડી.વાય.એસ.પી. હતા. તેને એ કેમ કિડનેપ કરે? આમેય મેં ક્યારેય કોલેજમાંથી છોકરાઓ ગુમ થયાનો કિસ્સો સંભાળ્યો ન હતો. કોણ જાણે કેમ પણ બધાને છોકરીઓને ગુમ કરવામાં જ રસ હોય છે...!!

“શું વિચારે છે?” તેણે મને ફરી વિચારોમાં ખોવાયેલ જોઈ કહ્યું.

“કાઈ નહિ. એમ વિચારતી હતી કે આજે રીઝલ્ટ છે અને રીઝલ્ટના દિવસે પણ બન્કીંગ?” મેં વાત ઉપજાવી કાઢતા કહ્યું.

“ઓહો, તને રીઝલ્ટની ક્યારથી ફિકર થવા લાગી?” આરાધનાએ પાછળથી આવી મને હળવો ધક્કો માર્યો.

“અને હા, આમેય તમારું પરિણામ પણ કઈ મારાથી વધુ સારું આવે તેમ નથી.” શુનીલે પણ તેના સાથે સુર પુરાવ્યો. શુનીલ ક્યારેય આરાધનાની વાતમાં ટેકો ન આપે એવું બનતું જ નહિ. તેઓ સો કોલ્ડ લવર હતા. બાકી હસબંડ એન્ડ વાઈફની જેમ કોલેજમાં જીવતા હતા એમ કહીએ તો પણ ચાલે.

“એવું નથી યાર પણ...” મેં કહ્યું પણ મને શબ્દો સુજતા ન હતા.

“પણ બણ કઈ જ નહિ! આજે બંક મારવાનું છે. ધેટ્સ ઈટ.” નિશાએ જાણે પોતાનો ડાયલોગ બોલવાનો વારો નહિ આવે એમ તરત મોકો જોઈ કહ્યું.

“હા, તો બોલો ક્યા જઈશું?” મેં પણ આખરે કહ્યું.

“તને જે સ્થળ પસંદ હોય ત્યાં...” રાઘવે કહ્યું.

“કેમ આજે મારું આટલું મહત્વ વધી ગયું છે? ક્યાંક તમે મારા ખર્ચે પાર્ટી તો નથી કરવા માંગતા ને? જો એવું હોય તો પહેલેથી કહી દઉં કે આપણા ખિસ્સા આજે ખાલી છે.” મેં એક લાંબો ડાયલોગ બોલ્યો. મેં નવા જ કોઈ ગુજરાતી ફિલ્મમાં એ રીતે કોલેજીયન યુવકોને વાત કરતા સાંભળ્યા હતા. ખબર હતી એ ક્યાંક કામ લાગશે પણ એટલું ઝડપી કામ લાગશે એ ખબર ન હતી.

“તારી પાસેથી પાર્ટી નથી લેવાની. પાર્ટી તો રાઘવ પાસેથી લેવાની છે.” શુનીલે ઉતાવળા થઇ કહ્યું પણ આરાધનાએ તેને કોણી મારી એટલે એ ચુપ થઇ ગયો.

આરાધના શુનીલને કોણી માર્યા પછી મારા તરફ જોઈ હસવા લાગી જેથી મને શક ન જાય પણ હું સમજી ગઈ કે તેઓ મને કોઈ સરપ્રાઈઝ આપવાના છે.

“તે નવી કાર લાવી છે?” મેં અંદાજ લગાવતા કહ્યું. કેમકે રાઘવને કારનો બહુ શોખ હતો. તેની પાસે ઓડી જેવી મોઘી કાર હતી છતાં એ આખો દિવસ કારની જ વાત કરતો.

“ના, કઈક બીજુ જ... કારથી પણ કિંમતી છે...” આરાધનાએ જ કહ્યું.

“તો તમે જ કહીદો ને?” મેં બધાના ચહેરા ઉપર નજર ફેરવી પણ મને કઈ સમજાયું નહી.

“ના, એ તો ગાર્ડન પર ગયા પછી જ કહીશું...” નિશાએ ઉછળી પડતા કહ્યું.

“ભલે એમ.” મેં કહ્યું અને અમે બધા રાઘવાની કારમાં ગોઠવાયા.

***

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED