ચાર-ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં..!
જેના ઘરમાં એક બંગડીવાળીનો પણ દુકાળ હોય, એને તો આ ગીત, નેતાના ઠાલા વચન જેવું લાગતું હશે નહિ..? મનમાં બબડતો પણ હશે, કે અહિ એકના ઠેકાણા નથી ને, આ ચાર-ચાર બંગડીની ફેંકે છે બોલ્લો..! તાકાત હોય તો, ચાર-ચાર બંગડીવાળી એકાદ મેળવી તો આપો ? પછી જુઓ, માતાજીને છોડી, કિંજલફોઈની આરતી ઉતારું કે નહિ..? ( હા...! કિંજલબેનને ફોઈ જ કહેવાય, એમને પણ લાગે કે, ભત્રીજો મારી કેવી ‘મર્યાદા’ જાળવે છે.? ) આપણા કયાં કોઈ માંગા આવવાના છે...?)
વિરોધીઓને જેવો બફાટ કરવો હોય તેવો કરે, બાકી મોદી સાહેબની આજકાલ બોલબાલા તો છે દાદૂ..? રાજકારણમાં મોદીસાહેબ, ને ગુજરાતી ગીતોમાં ‘ચાર ચાર બંગડીવાળી ‘ ની ‘બોલબાલા’ છે. તર્જ જ એવી ફાંકડી કે, વેન્ટીલેટર ઉપર ધબકતો ધનજી ભાઈ પણ સુતો સુતો લલકારે..! અમુકને તો એવો ચસ્કો ચઢે કે, પથારીમાં ઊંઘતો ઊંઘતો પણ આ ગીત ઉપર ઘોર નાંખી પૈસા ઉડાડે..! શું જમાવટ કરી છે આ ગીતે..? અમુક લુખ્ખા તો, બંગડીની ચોખવટ સમઝ્યા વિના, મંગેતરના હાથની’ બંગડી ગણવા બેસે. ચારને બદલે જો વધી તો, માંગુ ફક્કડ, ને ઓછી થઇ તો, અક્કડ..! લગન પહેલાં જ ઝઘડાનું ખાતમૂહર્ત એવું થાય કે, હનીમુનનો મામલો તો હવામાં જ ઉડી જાય. બોઘાને સમઝાવે કોણ કે, ગીતમાં ચાર-ચાર બંગડીવાળી ‘લાડી’ ની કહાણી નથી, ‘ઓડી’ ગાડીની વાત છે...! નવા જમાનાનો ફાલ છે દાદૂ..! આપની વાત ક્યાં કરો..? આપણું તો ‘ઝાંઝરુ’ માં જ પતી જતું. ઘરેણાંને બદલે ઘરવાળી મળે, એમાં રાજીના રેડ..! આજે તો, “કરિયાવર” માં પોટલી શું લાવી, એમાં વધારે રસ...!”
ચમન ચડ્ડીનો ચંપુ, મૂળે તો બાધા આખડીની દૈવિક ભેટ. ‘લાયક’ માં અલ્લાયો, પણ પરણવા લાયક ખરો. ખામી એટલી જ કે, ઉમરમાં હદ વટાવી ગયેલો. આખું ગામ પરણીને બચ્ચરવાળ થઇ ગયેલું. ત્યારે ૫૦ વરસે પણ એના હાડકે પીઠી વળગવાની બાકી. ચમન ચડ્ડીએ હાથમાં કટોરો લઈને કન્યા માટે ભીખ જ માંગવાની બાકી રાખેલી કે, ‘ દે દે અલ્લાકે નામ પે કોઈ દેદે...!’ પોકારી પોકારીને થાકી ગયો, પણ ચાર-ચાર બંગડીવાળી તો ઠીક, રેલ ગાડી, બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડીવાળની દીકરીના પણ માંગા નહિ આવ્યા..!
લગનનો મામલો જ સંવેદનશીલ. માણસ ગમે એવો રઈશ કેમ ના હોય..? લાઈફ બનાવવા એકાદ વાઈફની સિલ્લક તો જોઈએ જ..! પણ આપણી સામાજિક વ્યવસ્થા જ એવી કે, વાઈફ પામવી હોય તો, આપણા ધંતુરામાં પણ દમ જોઈએ. જેનો આખો પરિવાર ‘ઉઠી’ ગયેલી પેઢી જેવો હોય, એના ઘરે કોણ કંકોત્રીના પગલાં પાડવા આવે..? કયો મરજીવો કહેવા આવે કે, ‘ આજા મેરી ગાડીમે બૈઠ જા..! બિચારાએ વાંઢા વિલાસમાં ઉમરની અડધી સદી ફટકારી નાંખી. હાલત એવી થઇ ગઈ કે, આ ગીત જ્યારે જ્યારે વાગે, ત્યારે ખંજવાળ સાથે એને પરણવાના’ ઉબકા આવવા માંડે. તેમાં ભૂલમાં પણ કોઈ ભાઈબંધના છોકરાંએ ‘કાકા’ કહી નાંખ્યું, તો તો, ‘માઈલ્ડ-એટેક’ પણ આવવા માંડે. અડધી કાંઠીએ જેની ઉમરના ધ્વજ ફરકતાં હોય, એને કોણ ગોળધાણા ખવડાવે..? દ્રૌપદીના ચીર ખેંચાતી વખતે પાંડવો વિવશ બની ગયેલાં, એમ આપણે બીજું કરી પણ શું શકીએ..? એના માટે ‘મેરેજીકલ સ્ટ્રાઈક’ થોડી કરાય..?
લગનના મામલામાં ડીગ્રી પણ થર્ડ ડીગ્રી જેવી લાગવા માંડે. મેળવેલી ડીગ્રી ઊંચા ઘરાનાની કેમ ના હોય ? બોતું જ ના હોય તો, એ ડીગ્રી પણ રદ થયેલી ૧૦૦૦-૫૦૦ ની જૂની નોટ જેવી જ લાગે. ડીગ્રી પણ ફાકડી હોય, દેખાવ પણ ફાંકડો હોય,પણ જનરલ છાપ જો હવાયેલા ફટાકડાની લૂમ જેવી હોય, તો ચીભડાવાળો પણ ઘર પૂછવા નહિ આવે...! પછી તો સાડીના સ્ટોરમાં જઈને ‘સેલ્સમેન’ બની સાડીની ગળીઓ જ વાળીને સંતોષ લેવાનો. તમે શું માનો..? ચંમન ચડ્ડીએ ચંપુને પરણાવવા માટે કંઈ ઓછાં હવાતિયાં માર્યા હશે..? અનેક બાપુના દોરા-ધાગા ને માંદળીયા પહેરાવ્યા. એક વર્ષ સુધી તો ‘ઊંધું લેંઘુ’ પહેરવાની બાધા રાખી, છતાં કોઈ હજી ‘હલ્લો’ કરવા આવ્યું નથી. ચાર ધામની યાત્રા કરવા કરતાં, ‘મેરેજ બ્યુરો’ ની યાત્રા પણ ઘણી કરી. ચંપુ પહોંચે નહિ, ત્યાં સુધી મેરેજ બ્યુરોના સંમેલન શરુ નહિ થાય, એવાં પણ દાખલા બન્યા. છતાં, પાનીમે મીન પ્યાસી...! આજે પણ એ મેરેજ બ્યુરોનો સીનીયર ઉમેદવાર છે. સમજો ને, પ્રત્યેક મેરેજબ્યુરોની ‘સેલીબ્રેટી’ એટલે જ ચંપુ...! એને જોઇને દયા આવી જાય મામૂ..!
છતાં, એટલું તો કહેવું પડે કે, આ ધરતી ઉપર સલાહકારોની ખોટ નથી. ભલે કોઈ કન્યા નહિ આપે, પણ પરણવાના સરળ ઉપાયોની સલાહ તો ઢગલાબંધ આપવા નીકળે. એવી-એવી મિસાઈલ છોડે કે, પેલો ગાંડો થવાનો બાકી હોય, તો એ મિશન પણ પૂરું કરી આપે. આપણી ચાહનો પ્યાલો ઠોકીને, આપણી જ દુઃખતી નસ દબાવતો જાય. જાતકનું બીપી સાવ ‘નોર્મલ’ હોય, પણ ‘વેરણ-છેરણ’ કરતો જાય. એવી એવી સલાહ આપે કે, આપણને પણ ધોળા દિવસે તારા દેખાવા માંડે. એમાં અમુક સલાહ તો એવી આપતાં જાય કે, પાકિસ્તાનના આકાની સલાહ પણ સારી કહેવડાવે. આવો ને, થોડીક સલાહોના નમુના આપણે પણ જોઈએ....
સલાહ ન. ૧.
મકાન દલાલ મોહન મારફતિયાએ સલાહ આપી કે, “જો ભાઈ, છોકરાને પરણાવવો એ ઝમેટોમાંથી પીઝા મંગાવીને ખાવા જેટલું સહેલું નથી. કાશ્મીરનો પ્રશ્ન હલ થાય, પણ લગનનો પ્રોબ્લેમ તો નશીબદારનો જ હલ થાય કંઈ કેટલાં હજી માથે દાંતિયો ફેરવે છે, છતાં તેમનો વરઘોડો નીકળ્યો નથી. તમારા દીકરાનું લગનનું ઠેકાણું નથી પડતું, એનું કારણ તમારા ઘર સામે આવેલી આ હનુમાનજી ની દેરી છે. હનુમાનજી આજીવન બ્રહ્મચારી હતાં. એમના મંદિરની છાયા તમારા ઘર ઉપર પડતી હોવાને કારણે જ, આ વિલંબ આવે છે. મારું માનો તો, તમે તમારું રહેઠાણ બદલો. એ વગર આંગણે માંડવો બંધાય એમ લાગતું નથી. તમે ચિંતા શું કામ કરો..? આ ઘર કાઢવું હોય કે, નવી જગ્યાએ લેવું હોય તો હું બેઠો જ છું ને...? આપણો આ જ ધંધો છે. તમારા મિત્ર થયાં તો કામના શું...? એના કપાળમાં કાંદા ફોડું..!
સલાહ નં. ૨
જયંતિ જ્યોતોષીએ તો વળી એવી સલાહ આપી કે, “ ચમન ચડ્ડી...! તમારા દીકરાને ભારે શનિની સાડાસાતી પનોતી છે. ને તે પણ ડબલ ડેકરવાળી..! શનિ પછીનો ‘સન્ડે’ એને જંપવા દેતો નથી. છોકરીવાળા જોવા પણ આવે જ છે. પણ ‘સન્ડે’ એવો આડો ફરી વળે કે, પાદર સુધી આવીને લોકો વટી જાય. શનિની ડબલ ડેકરની દશા આવનારાનું ચિતભ્રમ કરી નાંખે. મારું માનો તો, સત્તર શનિવાર સુધી, શરીરે કાળા કપડાં ધારણ કરવાનું રાખો. એ વગર આ શનિની દશાના સેન્સેક્ષ ઓછાં થાય એમ લાગતું નથી. શનિની ભયંકર ચક્રવૃદ્ધિ દ્રષ્ટિ પડેલી છે. સાથે દર મંગળવારે કાળા વસ્ત્રોમાં ૧૦૮ હનુમાન ચાલીસા ઉભા પગે બોલવાની બાધા રાખો. હનુમાનજી શોધખોળના પણ દેવતા છે. મા સીતાજીને તેઓ જ લંકાથી શોધી લાવેલા. એની સાસુનો જનમ તો ૧૦૦ ટકા થયેલો છે, એટલે છોકરી તો મળવાની જ. પણ આટલું કરવું પડે. લગનના વાવડ પ્રશ્ચિમ દિશામાંથી જ આવશે, એ પણ પાક્કું..! કારણ કે બાકીની દિશામાં હમણાં શનિદેવના ‘મેઘાબ્લોક’ ચાલે છે. બંને તો જમણા ખિસ્સામાં રાધાકૃષ્ણ નો ફોટો રાખજો. લગનમાં પ્રાયોરીટી મળશે. ટ્રાય તો કરી જુઓ...? ટ્રાય કરવામાં જાય છે શું..? ભલભલા ગ્રહોને ઓછાં ખર્ચામાં ઠેકાણે પાડવાની તાકાત આપણી પાસે છે. ગભરાવો છો શું કામ...? એના કપાળમાં કાંદા ફોડું..!
સલાહ નં.૩
જમિયત જીમવાળાએ વળી એવી સલાહ આપી કે, “ જો ભાઈ, આજકાલ ૫૬ ની છાતીની બોલબાલા છે. લગન કરવા હોય તો, ૫૬ ની છાતી રાખવી પડે. યાદ રાખો, લગન પણ એક ‘ડબ્લ્યુ ડબ્લ્યુ એફ’ ની મેચથી ઓછું નથી. કાળથી ચંપુને મારા જીમ ઉપર મોકલી આપો, ૫૬ ની છાતીનું ફૂલ પેકેજ હું સાવ સસ્તામાં આપી દઈશ. જીમમાં આવીને ‘ઉબડગબડ’ કર્યા વિના એનું શરીર સૌષ્ઠવ બનવાનું નથી. અડધી ઉમર તો આમ પણ પરવારી ગઈ છે. બાકીની અડધી કાઢવા માટે શ્રેષ્ઠ ઉપાય આજ છે. લગન કરવાથી સુખી થવાની ગેરંટી નથી, પણ સુખી માણસે એકવાર તો લગન કરવા જ જોઈએ. આ તો અંગત મિત્ર છે એટલે કહું કે, ચંપુનું શરીર એવું ‘ફાટ-ફાટ’ થાય છે કે, પેટના કોઠાર કરતાં માલનો ભરાવો વધુ થતો હોય એવું લાગે. તમે જ કહો, આજકાલની છોકરી આવાં જાડિયાને ગળે વરમાળા નાંખે..? “ સિક્ષ-પેક “ને બદલે, જેનું આખું શરીર ‘પેટીપેક’ થઇ ગયું હોય, એને પરણતા પહેલાં કંઈક વિચારે તો ખરી ને..? ચીન-પાકિસ્તાન-બાંગ્લા-ભારત ને અફઘાનિસ્તાન આ બધું જ એકબીજામાં એકાકાર થઇ ગયું હોય, એવો તમારો ચંપુ લાગે...! માટે કહું છું કે, કાળથી મારા જીમમાં મોકલો. સૌ સારાં વાના થશે..!
પેટ છૂટી વાત કરીએ તો, આપણા બાપદાદા ભલે બંધ બાજી રમેલા. પણ બંધ બાજીમાંથી પણ ચાર એક્કા જ નીકળતા. શું કહો છો દાદૂ...?
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------