એવરીથીંગ ઈઝ ઓકે અપ ટુ રીઝલ્ટ...! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એવરીથીંગ ઈઝ ઓકે અપ ટુ રીઝલ્ટ...!

એવરીથીંગ ઈઝ ઓકે અપ ટુ રીઝલ્ટ..!

ફિલ્મ સ્ટાર ‘ટાઈગર’ ની માફક ‘ઉછ્લમ કુદમ’ કરતો વિદ્યાર્થી, બોર્ડની પરીક્ષા આવે એટલે, અચાનક ‘દેવદાસ’ બની જાય. બોર્ડને બદલે બોર્ડર ઉપર જવાની વેળા આવી હોય, એમ ગુમશુમ થઇ જાય. એવી સુઝબુઝ ગુમાવે કે, ઘરનો એક-એક આદમી આતંકવાદી કે ત્રાસવાદી લાગવા માંડે. મમ્મીને એમ કે, દીકરો ભણે તો દિવસ સુધરે, એટલે વાંચવા માટે દબાણ તો કરે જ...! બંને એવાં ઝઘડે કે, જાણે ભારત અને પાકિસ્તાન..! આપણને ફિલ થાય, કે લાવ સરકારને દબાણ કરીએ કે જે જે ઘરે બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થી હોય એ ઘરે એકાદ સાદો પોલીસમુકવાનું રાખો સાહેબ..! પરીક્ષા પતે ત્યાં સુધી મા દીકરા ના તોફાન તો સંભાળે..!

બોર્ડની પરીક્ષાનું ‘ટેન્શન’ એટલે હાઈવોલ્ટેજ ડ્રામા. કોઈ કોઈનો સગો નહિ ને, કોઈ કોઈનો વ્હાલો નહિ. મગજે એવો વંટોળ ફૂંકાય કે, મગજે મીટર મુક્યું હોય તો એ પણ ફાટે..!. મિત્રો સાથેના ટોળટપ્પા ઉપર કાપ આવે એટલે ખલ્લાસ...! એવો મૂંઝાય કે, એટલાં તો શ્રી કૃષ્ણ ને સુદામા પણ નહિ મૂંઝાયા હોય. ચોપડામાં માથું મારે એટલે, એના જીગરજાન વડા-પાઉં મિત્રો, બર્ગર મિત્રો, પીઝા મિત્રો ઢોસા મિત્રો, મલ્ટીપ્લેક્ષ મિત્રો, ને લારી મિત્રોના ઝુંડ ચોપડામાં આડા ફાટવા માંડે. આ બોર્ડની પરીક્ષા પણ એક અદભૂત ટેન્શન છે હોંઓઓઓકે..? કોઈ અણઘડ ડોકટરે મોઢાના ખીલને, કેન્સરની ગાંઠ કહી નાંખી હોય, એવી લુખી અકળામણ બોર્ડના પરીક્ષાર્થીને ભીંજવી નાંખે..!

ફેબ્રુઆરી મહિનો આમ તો બધાં મહિના કરતાં ટૂંકો. વડવાઓ કહેતાં કે, ‘લાંબા સાથે ટૂંકો ચાલે તો, મરે નહિ તો માંદો પડે..!’ પણ આ વખતે તો ફેબ્રુઆરીએ પણ કમાલ કરી નાંખી. લીટલ માસ્ટરની માફક ધડાધડ છગ્ગા કાઢ્યા. કેવી કેવી ઘટના/દુર્ઘટના બતાવી ગયો ? પૂંછડીયા ખેલાડી જેમ સદી ઠોકતાં જાય એમ, પાકિસ્તાનને તો ધાક બતાવતો ગયો. દેશના લોકો ભલે અભિનંદન આપવાનું ચુકી ગયાં હોય, પણ પાકિસ્તાને તો પકડેલો પાય્લોટ રીટર્ન કરીને ‘અભિનદન’ આપ્યાં.બેસાડી દીધો. એમાં વિરોધીઓના ખોંખારા તો હજી ઉઘડ્યા નથી. ચારેયકોર યુદ્ધનાં ડરનો માહોલ, હડતાળનો માહોલ, પરણવાનો માહોલ, પરણાવવાનો માહોલ, બોર્ડની પરીક્ષાનો માહોલ, બાપુઓની કથાઓનો માહોલ, ને ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીનો પણ માહોલ..! આ બધું જ ફેબ્રુઆરીમાં આવ્યું. ટૂંકા મહિનાએ તો માણસનું ફેફરું/ફેફરું લાવી દીધું..! જેની ફેબ્રુઆરીમાં બીર્દની પરીક્ષા ‘સ્ટાર્ટ’ થઇ ગઈ છે, એવાં વિદ્યાર્થી તો ઝમેટોના પીઝા ઝાપટીને એવાં બિંદાસ ફરે કે, જાણે ગામમાં હોલીડે કરવા નહિ આવ્યાં હોય..? આપણે પૂછીએ કે, પેપર કેવાં જાય છે, તો કહે ‘ એવરીથીંગ ઈઝ ઓકે અપ ટુ રીઝલ્ટ..! ‘ તારા કપાળમાં કાંદા ફોડું...?

પરીક્ષા તો અમારા જમાનાની કહેવાતી. પરસેવાલેશ પરીક્ષા આપતાં. ટૂંકી લેંઘીમાં જતાં, ને ટકા પણ ટૂંકા જ લાવતાં, પણ જીવન જીવવા માટે ચાલી રહેતાં મામૂ..! આજના જેવી હાયવોય નહિ. નિશાળમાં ગયાં પછી જ અમારી નિશાળ ચાલુ થતી, ને નિશાળમાંથી ભાગ્યા એટલે નિશાળ બંધ થઇ જતી. ક્યારેક તો, નિશાળમાં ગયાં પછી ખબર પડતી કે, આજે તો મારી પરીક્ષા છે...! જે વિષયની હોય તે વિષયની, પણ ઉજાગરા કર્યા વિના પહોંચી વળતાં. આજે તો બોર્ડની પરીક્ષાનું એવું ટેન્શન કે, જાણે બકાસુર રાક્ષસના ઘરે જ પરીક્ષા આપવા જવાનું ના હોય..? વિદ્યાર્થી પણ ટેન્શનમાં ને એના મા-બાપ પણ ટેન્શનમાં..! બંનેના બ્લડ પ્રેસર આસમાનમાં..! અમારા વખતમાં તો બાપા ધોતિયાં પહેરતાં, ને મા કછોટો વાળતી, એટલે મા-બાપ કોણ ને વિદ્યાર્થી કોણ એ ઓળખાતું. આજે તો મા-બાપ અને વિદ્યાર્થી બંનેને એકબીજાના કપડાં ફીટોફિટ થાય, આપણને સાલી સમજ નહિ પડે કે, આમાં મા-બાપ કોણ ને પરીક્ષા આપવાવાળો કોણ..? હોલસેલ આખો પરિવાર જ ટેન્શનમાં હોય, એમાંથી છૂટા કેમના પાડવા? દરેક વાલીઓના મોઢાં ઉપર જાણે ‘સવાલ ચિહ્ન’ ના ખંભાતી તાળાં...! કોઈનું મોઢું અસ્સલ વાલી જેવું હોય, કોઈનું મોઢું સુગ્રીવ જેવું હોય, તો કોઈનું મોઢું જાંબુવન જેવું હોય..! એમાં છૂટા પડતી વખતે, ‘બેસ્ટ ઓફ લક’ ના ફુવારા તો એવાં છોડે કે, પેલાનું વાંચેલું ભુલાવી નાંખે..! માત્ર એટલું જ કહેવાનું બાકી રાખે કે, “ દીકરા રોજની જેમ બેંચ ઉપર ઊંઘી નહિ જતો. ભૂખ લાગે તો જમણા ખિસ્સામાં ગાંઠીયા ભરેલા છે, તે ખાજે. ને સાંભળ, ગાંઠીયા કાઢે તો સાચવીને કાઢજે. નહિ તો કાપલા જમીનદોસ્ત થઇ જશે. આવડે એવું લખજે, ને નહિ આવડે તો બાજુવાળાને સળી કરીને પૂછજે. સુપરવાઈઝીંગ કરવા જે સર આવે, એને મામા કહેજે, ને મેડમ આવે તો માસી કહી બોલાવજે. તારાં પપ્પાની માફક શરમાતો નહિ મારા બકા...! આવી માયાજાળ નાંખીને જ અમે પાસ થયેલાં. અમુક જગ્યાએ માયાજાળ પાથરવાની મારા દીકરા..! ને સાંભળ, ખિસ્સામાંથી કાપલા કાઢે તો સાચવીને કાઢજે....! પકડાય નહિ જવાય તે જોજે. તારાં પપ્પાની ઈજ્જત સાચવજે મારા બકા..! હરામ બરાબર જો એમ પૂછતાં હોય કે, બેટા...હોલની ટીકીટ પેન વગરે લીધું છે ને..? એમાં દીકરી જો બોર્ડની પરીક્ષા આપવા જાય, ત્યારે તો કમાલ કરી નાંખે. એવાં હિબકે ચઢે કે, આપણને ફાળ પડવા માંડે..! ક્યાંક માથું ઢાંકીને આ લોકો પેલું ગીત નહિ ઉપાડે તો સારું કે, ‘’ બાબુલકી દુઆએ લેતી જા, જા તુજકો સુખી સંસાર મિલે...! ‘’ તારાં કપાળમાં કાંદા ફોડું..

અમે ક્યારેય અમારા મા-બાપની ઊંઘ ઉડાડી નથી, ને એ લોકો પણ એવાં અહીસક કે, અમારી ઉંઘ એમણે બગાડી પણ નથી. શાંતિથી ઘોરવા દેતાં. વળી શ્રધ્ધાળુ એવાં કે, કયા પેપરની પરીક્ષા વખતે કયા કલરનું શર્ટ પહેરીએ તો પેપર સારું જાય એની ખાસ કાળજી રાખતાં. પેપર મળે એટલે તરત લખવાની વાત તો કરવાની જ નહિ...! પહેલાં બેંચ ઉપર ચોખાના દાણા નાંખીને માતાજીની પુંજા/આરતી કરવાની. સર પૂછે કે, પેપર ક્યારે લખવાનો, તો વટથી કહી દેતાં કે, માતાજીની પૂજા થઇ ગઈ છે, હવે માતાજી લખવાનો આદેશ આપે એટલીવાર.! ટકા ભલે ઓછાં આવતાં,પણ દરિયાપારના ખેડાણ કરવાની શરૂઆત અમે જ કરેલી. ખરું ને , દાદૂ..?

રીઝલ્ટની પરવાહ જ કોને..? અઠવાડિયા સુધી તો રીઝલ્ટ લેવા પણ નહિ જતાં. રીઝલ્ટ જે આવવાનું હોય તે આવે. જે દિવસે રીઝલ્ટ આવે તે દિવસે એકાદ મિત્રને જ હવાલો સોંપી દેવાનો. એને કહી જ દેવાનું કે, ધાર કે હું બધાં વિષયમાં જ ઉડી ગયો તો, બાપા સાંભળે એમ નહિ કેવાનું કે, ‘ તારું ભજિયું થઇ ગયું..!’ પણ ભજન ગાતાં-ગાતાં આવવાનું કે, ‘ રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ...! ‘ એટલે સમજી જઈશ કે, આજે બાવો ગયો...! એક જ વિષયમાં ગયો હોય તો, ‘ જયશ્રી રામ’ બોલવાનું. બે વિષયમાં ગયો તો, ‘સીતા-રામ’ બોલવાનું, ને ત્રણમાં ગયો તો ‘બ્રહ્મા-વિષ્ણુ-મહેશકી જય હો ‘ એટલું બોલીશ તો બાપાને ખબર નહિ પડે કે, બંદાને ત્રણની ઉઠી છે...!

ખેતરમાં દાભડો ઉગે એમ, ભલે છૂટાં-છવાયા ટકા આવતાં, પણ પરિવાર એવો સહનશીલ કે ‘ ઓછાં બાળ-જય ગોપાળ’ ની જેમ ચલાવી લેતાં. અત્યારે તો, ટકા માટે પણ ‘હાઈબ્રીડ’ ખાતર નંખાતું હોય, એમ ટોપલો ભરીને તો ટકા આવે. ફેમિલીના બધા સભ્યોએ, મેળવેલા બોર્ડના ટકાનો સરવાળો કરે, તો પણ આ લોક ટકાના આંકને નહિ પહોંચાય. હવે બોલો, કોણ કહે છે કે વિકાસ નથી થયો...? અમારા જમાનામાં નહિ કાર, સાયકલ, ખટારા, વેન, છકડા, બાઈક કે, ગાલ્લાં..! નિશાળ સુધી પહોંચવા માટે ખુદના ટાંટિયા ઉપર જ એક તો સાહસ કરવાનું. બહુ બહુ તો પાળેલું દેશી કુતરું, અમારી ભેગું આવતું. તે પણ મારી સાથે જમતું એટલે સાથે આવતું. પણ માત્ર ગામના પાદર સુધી જ. ત્યાં સુધીમાં તો એને પણ ખબર પડી જતી કે, “પરીક્ષા આપવી એ સારાં કુતરાનું કામ નથી. પરીક્ષા આપવાથી આપણે ક્યાં માણસ થવાના છે..? એટલે પાદરે ઠાલવીને જ પાદરથી વટી જતું...! નિશાળમાં મોડું થતું તો, સર ખીજાતા ખરાં. પણ વટથી કહી દેતાં કે, “ સર તમારે અમારી રાહ નહિ જોવાની, સમય થાય એટલે ઘંટ વગાડીને નિશાળ ચાલુ જ કરી દેવાની...!” એના કપાળમાં કાંદા ફોડું...!

કસ્સામથી કહું, વિદ્યાર્થીઓને બગાડવાનો આપણો મુદ્દલે ઈરાદો નથી. પણ એક પ્રસંગ શિક્ષકને યાદ કરાવું તો હજી આજે પણ એમને ઉલટી સ્ટાર્ટ થઇ જાય.. થયેલું એવું કે, એક વિદ્યાર્થી આ શિક્ષક માટે દૂધપાક લાવેલો. શિષ્યભાવનો આદર કરી, શિક્ષકે દૂધપાક તો ખાધો. પણ પછી પૂછ્યું કે, આજે તુ મારા માટે દૂધપાક કેમ લાવ્યો...? પેલો કહે, ‘સર... આજે મારી બાએ દાદાનું શ્રાદ્ધ હતું એટલે દૂધપાક બનાવેલો. પણ કુતરું આવીને તપેલામાં મોઢું મારી ગયું. પછી બોટેલો દૂધપાક કોણ ખાય..? . એટલે મારી બા કહે, ‘ લે તારાં શિક્ષક તને દર વરસે પાસ કરે છે, તો તારાં શિક્ષક માટે લઇ જા, બિચારા ખાયને ખુશ થશે. એટલે લોટો ભરીને દૂધપાક આપ્યો તે હું તમારા માટે લાવ્યો...! ‘ શિક્ષકે એકવાર દૂધપાક ઝાપટી લીધાં પછી, બીજું થાય પણ શું...? ઉલટી ઉપર ઉલટી કરી નાંખી. ને પૂરા ખુન્નસ સાથે છોકરાને તતડાવી ‘પેલો લોટો બહાર ફેંકી દીધો, એક બાજુ શિક્ષકની ઉલટી બંધ નહિ થાય. ને બીજી બાજુ વિદ્યાર્થીનું રડવાનું બંધ નહિ થાય. શિક્ષક કહે, તુ રડે છે શું કામ ? વિદ્યાર્થી કહે, પેલો લોટો મને જડતો નથી, એ લોટો લઈને તો મારા બાપા રોજ સવારે જંગલે જાય. કાલે સવારે જંગલે જતી વખતે લોટો શોધશે તો મારું શું થશે...?

જ્યારે જ્યારે આ પ્રસંગ શિક્ષકને યાદ આવે છે, ત્યારે ત્યારે હજી આજે પણ એની ઉલટી ઓટોમેટીક ચાલુ થઇ જાય છે બોલ્લો...!