navi farali vangio books and stories free download online pdf in Gujarati

નવી ફરાળી વાનગીઓ

નવી ફરાળી વાનગીઓ

સંકલન- મિતલ ઠક્કર

* સાબુદાણાના ફરાળી થેપલા* બનાવવા સામગ્રીમાં અડધો કપ સાબુદાણા, ૨ નંગ બાફેલા મોટા બટાકા, ૨ ટેબલ સ્પૂન રાજગરા લોટ, પા કપ શેકેલા શિગંદાણાનો પાઉડર, પા કપ ઝીણી સમારેલી કોથમીર, ૧ ટેબલ સ્પૂન જીરું, ૧ ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧ ટેબલ સ્પૂન લીંબૂનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, સાંતળવા માટે જરૂર મુજબ તેલ લઇ રાખો. સાબુદાણાને ધોઈને છથી સાત કલાક પલાળવા. સાબુદાણા ડૂબે તેટલું પાણી લેવું. જો સૂકાઈ જાય તેવું લાગે ફરીથી પાણી છાંટવું. બાફેલા બટાકાનો માવો બનાવવો. તેમાં રાજગરાનો લોટ, આદું-મરચાંની પેસ્ટ, લીંબૂનો રસ, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, સમારેલી કોથમીર નાંખવી. સાબુદાણાને મસળીને ભેળવવા. બરાબર ભેળવીને આડણી ઉપર પ્લાસ્ટિક શીટ ગોઠવવી.

* કેળાના પકોડા બનાવવા ૨ પાકા કેળા, ૧/૨ કપ શિંગોડાનો લોટ, ૧/૨ ચમચી શેકેલું જીરૂં પાવડર, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૨ ચમચી દહીં, મીઠું સ્વાદાનુસાર લઇ રાખો. સૌપ્રથમ પાકા કેળાના ટુકડા કરી લો. બાકીની બધી સામગ્રી મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને કેળામાં દબાવીને ગોળા વાળી લેવા. હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા. ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

* ફરાળી ભજિયા * બનાવવા સામગ્રીમાં ૩૦૦ ગ્રામ રાજગરાનો લોટ, ૨૫૦ ગ્રામ સિંગોડાનો લોટ, ૨ નંગ બાફેલા બટેકા, ૩ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, દોઢ ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર, દોઢ ટેબલ સ્પૂન ધાણાજીરૂનો પાવડર, ૨ થી ૩ ટેબલ સ્પૂન જીણા સમારેલા લીલા ધાણા, ૧/૪ ટી સ્પૂન ખાવાનો સોડા, તળવા માટે તેલ, ૨ નંગ કેપ્સીકમ મરચા, સ્વાદ પ્રમાણે મીઠું જોઇશે. સૌપ્રથમ બટેકાની છાલ ઉતારીને બારીક ટુકડા કરો તેને મીંઠુ નાખેલા ગરમ પાણીમાં અધકચરા બાફી લો. અધકચરા બફાઇ ગયેલા બટાકામાંથી પાણી નિતારી એક તરફ મુકો. અને કેપ્સીકમ મરચાના નાના ટુકડા કરો. એક વાસણમાં રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, બાફેલા બટાકાના ટુકડા, કેપ્સીકમ મરચાના ટુકડા, આદુ મરચાની પેસ્ટ, લીલા ધાણા, લાલ મરચું, ધાણાજીરૂ પાવડર, ૧/૪ ટેબલ સ્પૂન સાજીના ફુલ, તથા સ્વાદ મુજબ મીંઠુ નાખી બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરો. મિશ્રણ ભજીયા ઉતરે એટલુ ઘટ્ટ થાય ત્યાં સુધી પાણી ઉમેરો. બીજી તરફ તળવા માટે ગેસની ઊંચી આંચે તેલ ગરમ કરો. તેલ તળવા માટે ગરમ થઇ જાય એટલે તેમાંથી બે થી ત્રણ ટેબલ સ્પૂન ગરમ તેલ લઇ ભજીયાના મિક્સરમાં નાખીને બરાબર હલાવી લો. ઊંચી આંચે ગરમ થયેલા તેલમાં મધ્યમ કદના ભજીયા પાડો. અને ગેસને પછી મધ્યમ આંચે કરી દો, ભજીયા ગુલાબી રંગના થાય એટલે ઉતારી લો. ગરમા ગરમ ફરાળી ભજીયા તૈયાર છે.

*સૂકા મેવાનો હલવો* બનાવવા સામગ્રીમાં અડધું સૂકું નાળિયેર, ૧૨૫ ગ્રામ ખારેક, ૫૦ ગ્રામ મખાના, ૧૨૫ ગ્રામ માવો, ૧૫૦ ગ્રામ ખાંડ, ૨૦૦ મિલીલીટર પાણી, ૬ ચમચા ઘી, ૨૫ ગ્રામ દ્રાક્ષ, ચાર એલચી, થોડીક બદામની કાતરીની જરૂર પડશે. પ્રથમ ખારેકને તોડીને તેમાંથી ઠળિયા કાઢી લો. નારિયેળ છોલીને નાના નાના ટુકડા કરો. આગલી રાત્રે ખારેક, નારિયેળ અને મખાનાને જુદા જુદા પાણીમાં પલાળો. પલાળતી વખતે એટલું ખાસ ધ્યાન રાખો કે પાણી એમાં શોષાઈ જાય એટલું જ નાંખો. સવારે ત્રણેને પાણી નાંખ્યા વગર જ અલગ અલગ બારીક પીસી લો. માવાને હલકા રંગનો શેકી રાખી લો. હવે કઢાઈમાં થોડું ઘી નાંખી ત્રણેય સુકી વસ્તુને બદામી રંગની થાય ત્યાં સુધી અલગ અલગ આછા તાપે શેકી લો. ત્યાર પછી ખાંડમાં પાણી નાંખી ચાસણી બનાવો. જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે બધી જ શેકેલી ચીજો, માવો અને દ્રાક્ષ નાંખી થોડીવાર ધીમી આંચે રાખીને સીઝવા દો. હલવો તૈયાર થાય એટલે એની ઉપર એલચીનો ભૂકો અને કાતરેલી બદામ પાથરો. આ હલવો અત્યંત પૌષ્ટિક છે.

*રાજગરાના પરાઠા* બનાવવા ૩ કપ રાજગરાનો લોટ, ૨ નંગ બાફેલા બટાકા, ૧ ટે.સ્પૂન શેકેલા જીરાનો પાઉડર, ૧ ટે.સ્પૂન આદું-મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, સાંતળવા માટે તેલ કે ઘી લઇ લો. સૌપ્રથમ ૨ બટાકાને બાફી લેવા. જીરુને શેકી લેવું. આદું મરચાંની પેસ્ટ બનાવી લેવી. ૩ કપ રાજગરાના લોટને એક થાળીમાં લેવો. તેમાં બાફેલા બટાકાનો માવો, આદું-મરચાની પેસ્ટ, શેકેલા જીરાનો પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખીને બરાબર ભેળવી લેવું. હૂંફાળા પાણીથી પરાઠાનો લોટ બાંધવો. એક પ્લાસ્ટીકની શીટ પાથરીને તેની ઉપર રાજગરાના પરાઠાનો લુઓ લઈને નાના પરાઠા બનાવી લેવા. નૉન-સ્ટીક તવા ઉપર ધીમા તાપે ઘી કે તેલથી સાંતળવા. ગરમાગરમ પરાઠા બટાકાના ફરાળી શાક અને દહીં સાથે સર્વ કરવા.

* ખસખસનો હલવો* બનાવવા જોઇશે ૨૦૦ ગ્રામ ખસખસ, ૨૦૦ ગ્રામ ખાંડ, ૩૦૦ મિલીલીટર પાણી, ૬ ચમચા ઘી, ૫૦ ગ્રામ માવો, થોડી બદામની કાતરી. હવે સાફ કરેલી ખસખસને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે સારી રીતે ધોઈ બારીક કપડા ઉપર રાખી લો. એમાં પાણી નાંખ્યા વગર ઝીણી પીસી લો. હવે કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ખસખસને બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લો. બીજી કડાઈમાં ખાંડમાં પાણી નાંખીને ચાસણી બનાવો. જ્યારે ખાંડ ઓગળી જાય એટલે સાંતળેલી ખસખસ તેમાં નાંખી આંચ ધીમી કરો. ખસખસના દાણા ફૂલી જાય અને વધેલું પાણી શોષાઈ જાય પછી નીચે ઉતારી લો. હવે જો તેમાં માવો નાંખવો હોય તો, જ્યારે દાણા ફૂલવા માંડે ત્યારે જ તેમાં નાંખો. પછી એના ઉપર કાતરેલી બદામ ભભરાવો.

* ફરાળી ઢોસા* માટે ૧/૨ કપ મોરૈયો, ૧/૨ કપ રાજગરાનો લોટ, ૧/૨ ખાટી છાશ, ૧ ચમચી આદુ-મરચાની પેસ્ટ, સિંધવ મીઠું સ્વાદાનુસાર, રાંધવા માટે તેલ, પીરસવા માટે અને શિંગદાણા-દહીંની ચટણી બનાવી લો. મોરૈયાને સાફ કર્યા બાદ તેને સારા પાણીથી ધોઇને એક વાસણમાં બે કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારીને એક નાનો ગ્લાસ પાણી નાંખીને મિક્સરમાં પીસી નાંખો. આ મિશ્રણને એક વાસણમાં કાઢીને તેમાં રાજગરાનો લોટ, આદુ અને લીલા મરચાની પેસ્ટ, છાશ અને સિંધવ મીઠું નાંખ્યા બાદ સરખું મિક્સ કરીને તેને ઢાંકી દો. આઠ કલાક અથવા આખી રાત તમે રાખી શકો છો, જેથી આથો આવી જશે. આથો આવ્યા બાદ એક નોન-સ્ટિક તવા પર બે મોટા ચમચા ખીરું ફેલાવીને ઢોસો તૈયાર કરો અને તેની કિનારીઓ પર થોડું તેલ રેડીને શેકવા દો. તૈયાર થઇ ગયાં તમારા ગરમાગરમ ફરાળી ઢોસા. હવે તેને તમે મગફળી-દહીંની ચટણી સાથે આ સ્વાદિષ્ટ ઢોસાનો સ્વાદ માણી શકો છો.

* ઉપવાસી શક્કરિયા ચાટ* માટે ૨ શક્કરીયા, ૪ બટેટા, બટેટાની સળી વેફર, ૪ કપ મોળું દહીં, મીઠું, ૧/૨ ચમચી સંચળ, ૧/૨ ચમચી મરીનો ભૂકો, ૧/૨ લીંબુનો રસ, ૩ ચમચી જીરાનો ભૂકો, ૧ ચમચી ચાટ મસાલો, ૧/૨ કપ કોથમીર ઝીણી સમારીને, ૨-૩ લીલા મરચાં (ઝીણાં) સમારેલા જોઇશે. સૌપ્રથમ શક્કરીયા, બટેટા બાફી લઇ ઠંડા થાય એટલે છાલ ઉતારીને એકસરખી લાંબી ચીપ્સ જેવા સમારી સંચળ, લીંબુનો રસ નાખી મિક્સ કરવું. દહીંને બરાબર વલોવી સહેજ મીઠું, થોડી ખાંડ નાખીને ઠંડું કરવું. સર્વ કરતાં પહેલાં પ્લેટમાં આ પીસ મૂકી ઉપર મસાલો ભભરાવવી દહીં નાખવું. મરીને જીરાનાં ભૂકા સાથે સળી વેફર ભભરાવવી. છેલ્લે કોથમીર ભભરાવવી અને મરચાં ભભરાવવા. દહીં વિના પણ સંચળ, મરી છાંટી પીરસી શકાય.

* ફરાળી પિઝા* બનાવવા સામગ્રીમાં ૨૫૦ ગ્રામ બટાકા, ૫૦ ગ્રામ મોરૈયાનો લોટ, ૨૦૦ ગ્રામ દૂધી, ૨૫ ગ્રામ કોપરાનું ખમણ, ૧ ટીસ્પૂન તલ, ૧ ટીસ્પૂન ગરમ મસાલો, ૧ ઝૂડી લીલા ધાણા, ૧ લીંબુ માખણ, મીઠું, તેલ, તજ, લવિંગ, ખાંડ, મરચું જરૂર પ્રમાણે લેવું. પ્રથમ બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં મીઠું અને મોરૈયાનો લોટ નાંખી બરોબર મસળીને તેની કણક બાંધો. બૅકિંગ ડિશમાં તેલ લગાડી તેમાં બટાકાનો રોટલો બનાવો. તેના પર ચટણી લગાડી દૂધીનું છીણ પાથરી કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. થોડું મરચું અને માખણ લગાવી ઓવનમાં બૅક કરી દહીંની ચટણી સાથે પિઝા સર્વ કરો. ચટણી બનાવવા લીલા મરચા, આદુ, મીઠું અને ધાણા નાંખી થોડો લીંબુના રસને મિક્સ કરો. દૂધીને છીણીને તેલ મુકી તજ, લવિંગનો વઘાર કરો. તે બરોબર બફાય પછી તેમાં ખાંડ, ગરમ મસાલો અને લીંબુ તથા લીલા ધાણા નાંખી મિશ્રણ તૈયાર કરવું. ફરાળી પિઝા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોય છે.

* સૂરણની ખીચડી* બનાવવા સામગ્રીમાં ૨૫૦ ગ્રામ સૂરણ (સૂરણને છોલી, છીણીને પાણીમાં ૧ કલાક રાખવું), લીલાં મરચાં, લીમડાનાં પાન, સિંગનો ભૂકો ૫૦ ગ્રામ, ખાંડ, મીઠું લઇ કડાઈમાં ૪ ચમચી તેલ મૂકી ગરમ કરવું. જીરુંનો વઘાર કરવો. લીમડો નાખવો. તેમાં ૨ લીલાં મરચાં, તથા લવિંગ-તજનો ભૂકો નાખવો. પછી તેમાં છીણેલું સૂરણ નાખવું. સિંગનો ભૂકો નાખવો. મીઠું અને પાણી નાખી ધીમા તાપે ચડવા દેવું. ચડવા આવે એટલે ખાંડ ૧ ચમચી નાખવી અને છેલ્લે લીંબુનો રસ ૧ ચમચી નાખવો. ડિશમાં કાઢી દહીં સાથે સર્વ કરવું.

* રાજગરાનાં વડા* માટે સામગ્રીમાં રાજગરાનો લોટ ૧ બાઉલ, મસળેલાં કેળાં ૪ નંગ, આદુ-મરચાંની પેસ્ટ, તલ-કોથમીર-લીંબુનો રસ, દળેલી ખાંડ લઇ લો. પહેલાં રાજગરાના લોટમાં ઉપરની સામગ્રી મિક્સ કરી કઠણ લોટ બાંધવો, થેપીને વડાં કરવાં. કડાઈમાં તેલ મૂકી, લાલાશ પડતાં મિડિયમ તાપે તળવાં. ડિશમાં તળેલાં મરચાં, બટાકાની વેફર કે કાતરી સાથે સર્વ કરવા.

* મોરૈયાનાં દહીંવડા* બનાવવા સામગ્રીમાં જોઇશે ૧૦૦ ગ્રામ બાફેલો મોરૈયો, ૩ ચમચી શિંગોડાનો લોટ, ગ્રીન ચટણી, ખજૂર-આંબલીની ચટણી, મસાલાવાળું દહીં. હવે બાફેલો મોરૈયો લઈ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી મિક્સ કરી તેના ગોળા વાળવા. તેલમાં ચમચાથી લઈ તળી લેવા. પ્લેટમાં ઠંડા કરવા. પછી સહેજ દબાવવા. પછી તેમાં ગ્રીન ચટણી (સિંગ, કોથમીર, લીલાં મરચાં, લીંબુ અને ખાંડ) નાખવી. તેના પર ખજૂર-આંબલીની ચટણી નાખવી. પછી તેમાં મસાલા દહીં (મીઠું-મરચું-ખાંડ) નાખવા. કોથમીર નાખી સર્વ કરવું.

* ફરાળી મુઠિયા* બનાવવા સામગ્રીમાં ૨૫ ગ્રામ રાજગરાનો લોટ, ૧૫૦ ગ્રામ શિંગોડાનો લોટ, ૫ થી ૬ નંગ વરાળે બાફેલા કાચા કેળા, ૪ નંગ કાચા ખમણેલા બટેકા, ૩ થી ૪ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, દોઢ ટેબલ સ્પૂન લાલ મરચા પાવડર, ૨ ટેબલ સ્પૂન ખાંડ, ૩ થી ૪ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, ૧/૨ ટેબલ સ્પૂન સાજીના ફુલ, ૫૦ ગ્રામ ખાટું દહીં, સ્વાદ મુજબ સીધવ મીંઠુ અથવા સાદુ મીંઠુ, ૨ ટેબલ સ્પૂન જીરૂ, ૧૦ થી ૧૫ કઢી પત્તા (મીઠો લીમડો), ૫ ટેબલ સ્પૂન તેલ, ૨ ટેબલ સ્પૂન ધાણાજીરૂ (નાખવુ હોય તો), ૧૦૦ ગ્રામ શિંગદાણાનો અધકચરો પાવડર, ૧ ટેબલ સ્પૂન તેલ લઇને સૌપ્રથમ કેળાને વરાળે બાફી લો અને છીણી લો અને બટેકાને છાલ ઉતારી છીણી લો. ૧/૨ ટેબલ સ્પૂન તેલ મધ્યમ આંચે ગરમ કરીને તેમાં છીણેલા બટેકાને સાંતળી લો. અને પાંચ મિનિટ ઢાંકી રાખો. એક વાસણમાં રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, અધકચરા વાટેલા શિંગદાણા,આદુ મરચાની પેસ્ટ,લાલ મરચા પાવડર, ધાણાજીરૂ, ખાંડ,સાજીના ફુલ,જીણી સમારેલી કોથમીર,૧ થી ૨ ટેબલ સ્પૂન તેલ સ્વાદ મુજબ મીંઠુ નાખીને બધી જ વસ્તુઓને એકરસ કરી હલાવી લો. દહીંથી તેનો પરોઠા જેવો લોટ બાંધો. લોટ બાંધતા દહીં ઓછુ લાગે તો હુફાળું ગરમ પાણી ઉમેરી લોટ બાંધો. હાથમાં થોડુ તેલ લગાવી બાંધેલા લોટમાંથી નાના લંબગોળ લોવા બનાવો. એક મોટા વાસણમાં મધ્યમ આંચે ગરમ પાણી કરો. તેમાં ચારણી ઊંધી વાળો. ચારણી પર થોડું તેલ પહેલા લગાવી દો. તેના પર લોટમાંથી વાળેલા લુવા (મુઠિયા) ગોઠવીને વરાળ બહાર ન નીકળે તેવી રીતે ઢાંકણ ઢાંકીને વરાળે મુઠિયાને ૨૦ થી ૨૫ મિનિટ રહેવા દો. મુઠિયા ચડી ગયા છે કે નહી તે જોઇ લો જો મુઠિયા કાચા હોય તો ૧૦ મિનિટ વધુ મધ્યમ આંચે ચડવા દો. (મુઠિયા ચેક કરવા માટે તેના પર ચપ્પુ મુકીને જોવું. જો મુઠિયાનો લોટ ચપ્પુ પર ચોટે તો મુઠિયા બરાબર ચડ્યા નથી.) ચડી ગયેલા મુઠિયાને થોડી વાર ખુલ્લા રાખો અને પછી તેના ચપ્પુથી નાના ટુકડા કરો. એક કડાઇમાં ૨ ટેબલ સ્પૂન તેલને ગેસની મધ્યમ આંચે ગરમ મુકો. તેમાં જીરૂ,મીઠા લીમડાના પત્તા, અને તલ નાખો. જીરૂ ઉપર આવે એટલે તેમાં કટકા કરેલા મુઠિયા નાખી ધીમે ધીમે હલાવતા રહો. અને કડક થવા દો. (થોડાક લાલસ પડતા થવા દો)

* પનીર ડ્રાય – ફ્રૂટ રોલ* બનાવવા ૫૦ ગ્રામ છીણેલું પનીર, બૂરું ખાંડ ૩ ચમચી, એલચી પાવડર ૧ ચમચી, ૫૦ ગ્રામ સિંગ દાણાનો ભૂકો લો. આ બધું મિક્સ કરી લેવું. થેપલી બનાવી તેમાં કાજુ-બદામ-દ્રાક્ષની કતરણ નાખવી. નાના-નાના મુઠિયા જેવું વાળવું. પછી ફ્રીઝમાં સેટ કરવા ૪ કલાક મૂકવું. પછી બહાર કાઢી એ રોલને કટ કરવા. ફ્રીઝમાં દસ દિવસ રહે છે.

* ફરાળી ઉત્તપ્પમ* બનાવવા સામગ્રીમાં ૨ કપ મોરૈયાનો લોટ, ૧ ટે.સ્પૂન જીરું, ૧ નંગ ઝીણું સમારેલું ટમેટું, ૧ નંગ ઝીણું સમારેલું લીલું મરચું, ૩ ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર,૧ કપ દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, જરૂર મુજબ પાણી લઇ સૌપ્રથમ મોરૈયાના લોટને એક બાઉલમાં કાઢવો. તેમાં દહીં, જીરુ, લીલું મરચું, ઝીણી સમારેલી કોથમીર નાંખીને બરાબર ભેળવવું. જરૂર મુજબ મીઠું નાંખવું. સપ્રમાણ પાણી નાંખીને ઉત્તપ્પમનું ખીરું તૈયાર કરવું. તેને અડધો કલાક ઢાંકીને રાખવું. નૉન-સ્ટીક તવા ઉપર થોડું ખીરૂ પાથરવું. ઉપરથી ઝીણું સમારેલું ટમેટું મૂકવું. સાંતળવા માટે ઘી કે તેલનો ઉપયોગ કરવો. સોનેરી રંગના ઉત્તપ્પમ ઉતારીને ગરમાગરમ કોથમીર-મરચાં શીંગદાણાની ફરાળી ચટણી અથવા નારિયેળની ચટણી સાથે સર્વ કરવા.

*તરલા દલાલ કહે છે કે ફરાળી વાનગી સાબુદાણાના વડા આમ તો મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. તેને બનાવવા સામગ્રીમાં ૧/૨ કપ સાબુદાણા, ૧ કપ બાફી-છોલીને મસળી લીધેલા બટાટા, ૧/૩ કપ શેકેલી મગફળી , હલકો ભુક્કો કરેલી, ૧/૨ ટીસ્પૂન જીરૂ, ૧ ટીસ્પૂન ખમણેલું આદૂ, ૧, ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ, મરજિયાત સાકર, મરજિયાત મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે અને લીલી ચટણી તથા ૩ ટેબલસ્પૂન પીસેલી સાકર મેળવેલું દહીં જરૂરી છે. સાબુદાણા સાફ કરી, ધોઇને આશરે ૧/૩ કપ પાણીમાં લગભગ ૪ થી ૫ કલાક અથવા બધુ પાણી સાબુદાણામાં શોષાઇને સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પલાળી રાખો. તે પછી તેમાં બાકી રહેલી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળ ચપટો આકાર આપી વડા બનાવી બાજુ પર રાખો. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપ પર વડા બન્ને બાજુએથી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા થવા ટીશ્યુ પેપર પર કાઢી લો. લીલી ચટણી અને મીઠા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.

* મોરૈયાના મસ્ત દહીંવડા* માટે સામગ્રીમાં ૧૦૦ ગ્રામ મોરૈયો, 3 ચમચી શિંગોડાનો લોટ, ગ્રીન ચટણી, ખજુર-આંબલીની ચટણી, મસાલાવાળું દહીં, મીઠું સ્વાદાનુસાર લઇ લો. સૌપ્રથમ મોરૈયાને બાફી લો. ત્યાર બાદ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. હવે તેના ગોળા વાળવા. તેલમાં ચમચાથી લઇ તળી લેવા. પ્લેટમાં ઠંડા કરવા. પછી સહેજ દબાવવા. પછી તેમાં ગ્રીન ચટણી નાખવી. તેના પર ખજુર-આંબલીની ચટણી નાખવી. પછી તેમાં મસાલા દહીં નાખવું. કોથમીર નાખી સર્વ કરવું.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED