No return-2 Part-69 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-૬૯

નો રીટર્ન-૨

ભાગ-૬૯

મારા શ્વાસોશ્વાસ મારાં જ ગળામાં અટવાયાં હતાં. ભારે આઘાત અને ડરથી તીર જે તરફથી આવ્યું હતું એ દીશામાં મેં જોયુ અને મારી આંખોમાં ખૌફ તરી આવ્યો. લગભગ સો- એક કદમ દુર એક આદીવાસી માનવી જાણે હવામાંથી પ્રગટ થયો હોય એમ અચાનક ક્યાંકથી આવીને મારી સામે ઉભો રહી ગયો હતો. જે ઝાડ હેઠળ તે ઉભો હતો કદાચ એ ઝાડ ઉપરથી જ નીચે ઉતર્યો હોઇ શકે એવું મારું અનુમાન હતું. તેનાં હાથમાં તીર- કામઠું હતું અને તીર મારી તરફ જ તકાયેલું હતું. પળવારમાં મને સમજાયું કે આ આદીવાસીનાં તીરથી જ ડેલ્સો મર્યો ગયો હશે, અને હવે મરવાનો મારો વારો હતો. ઉંડા ગોખલાંમાં તગતગતી તેની ફિક્કી હિંસક આંખો મારા જિસ્મમાં ડરનું એક ભયાનક લખલખું પસાર કરી ગઇ. તે ધીરે પગલે આગળ વધ્યો. નહીં... એ મને મારવાં માંગતો નહતો, પણ કદાચ બંદી બનાવા માંગતો હોય એવો તેનો ઇરાદો હતો. તેણે મારી ઉપર તીર ચલાવ્યું નહી અને સાવધાનીથી આગળ વધતો હતો એ જોતાં તો એવું જ લાગતું હતું. હું સાવધ બન્યો. તેનાં હાથમાં બંદી બનીને સપડાવું એ કરતાં હું સામે ચાલીને આપધાત કરવાનું વધું પસંદ કરું. કારણકે એમેઝોનમાં વસતાં માનવીઓની દરીંદગીનાં કેટલાંય કિસ્સાઓ મેં લોકોનાં મોઢે સાંભળ્યાં હતા.

તે લગભગ પચાસ કદમની દુરી પર આવીને અટકયો. હવે તેનો ચહેરો મને સ્પષ્ટ દેખાતો હતો. કાળા કોલસાથીયે બદતર કાળું કંઇક હોય તો એનાં જેવાં રંગની તેની ચામડી હતી. મને તેનાં હાથમાં પકડેલાં તીરની બીક હતી, રખેને તેણે તીર ચલાવ્યું તો મારા રામ રમી જાય એમાં કોઇ બેમત નહોતો. તેને નજીક આવતાં જોઇને અનાયાસે મારા હાથ હવામાં ઉંચા થયાં હતાં અને એમ સમજોને કે લગભગ મેં તેની શરણાગતી સ્વિકારી લીધી હતી. એક ભયાનક ભૂલ મેં કરી હતી એનો પસ્તાવો હવે મને થતો હતો. મારે ડેલ્સોની રાઇફલ ઉઠાવી લેવી જોઇતી હતી. પણ એ તક હું ચૂકયો હતો. મેં ત્રાંસી નજરોએ એ તરફ જોયું. ડેલ્સોની રાઇફલ હજું પણ ત્યાં જ પડી હતી. જો કોઇ રીતે એ હાથમાં આવી જાય તો...! એ વિચારે હું ઉત્તેજિત થઇ ઉઠયો. કંઇક કરવું પડશે... મનોમન મેં ગણતરીઓ માંડી. એ દરમ્યાન પેલો અદીવાસી પણ અટકયો હતો. હું થડકી ઉઠયો, ક્યાંક તેને મારા ઇરાદાઓની ગંધ તો નથી આવી ગઇને...! પણ તેનાં ભાવહીન ચહેરા ઉપરથી કળવું મુશ્કેલ હતું કે એ શું વિચારતો હશે.

અચાનક..” અપાડા... અપાડા... ચેબો... ચેબો.... “ એવું કંઇક એ બોલ્યો અને તીર- કામઠા દ્વારા ઇશારો કરીને મને જમણી બાજું ચાલવા જણાવ્યું. મારો ડર સાચો નિકળ્યો, એ ચોક્કસ મને તેનાં કબીલામાં લઇ જવાં માંગતો હતો. અથવા તો ટીલાની નીચે તરફ, જ્યાં હજુંયે હો- હલ્લાનાં પડકારો સંભળાતા હતાં ત્યાં પોતાનાં સાથીદારો પાસે લઇ જવાં માંગતો હશે.

મારું દિમાગ ખતરનાક ઝડપે ચાલતું હતું. જો અત્યારે હું કશું નહીં કરું તો પછી ક્યારેય નહિં ભયાનક ની પરિસ્થિતિ ઉદભવી હતી. વધું વિચારવાનો મારી પાસે સમય પણ નહોતો, અને... એક ભયાવહ આત્મઘાતી પગલું મેં ભર્યુ. હું જમણી દીશામાં લપકયો. પેલાનું સંપૂર્ણ ધ્યાન મારી તરફ હતું. તેણે કહયું એ પ્રમાણે જ હું જમણી દીશામાં બે ડગલાં ચાલ્યો... અને પછી મુઠ્ઠીઓ વાળીને, લગભગ આંધળૂકીયા જ કરતો હોઉં એમ.. ડેલ્સો જ્યાં પડયો હતો એ દીશામાં હું ભાગ્યો. પેલો ચોંકયો હતો અને હડબડાહટમાં જ તેણે તીર છોડયું. પણ તીર નિશાન ચૂકી ગયું, અને એમ સમજોને કે લગભગ હવામાં ઉડતો હોઉં એટલી તેજીથી હું ડેલ્સોની નજીક પહોચ્યો હતો. સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર મેં નીચે પડેલી રાઇફલ ઉઠાવી હતી અને આદીવાસીની દીશામાં ફાયર ઓપન કરી દીધું હતું. “ ધધધધધ્..... “ ગોળીઓનો જાણે સૈલાબ વરસ્યો અને ઘડીનાં છઠ્ઠા ભાગમાં એ આદીવાસીનું શરીર ગોળીઓથી છાળણી બની ગયું. તેનાં શરીરમાં એટલી બધી ગોળીઓ ધરબાઇ ચૂકી હતી કે તેનાં ખૂલ્લા ડીલમાં તસૂભાર જગ્યા પણ બચી નહોતી. તે કોઇ સૂકા ડાળખાની માફક ધરતી ઉપર ખાબકયો હતો અને ક્ષણવારમાં તેનું પ્રાણ- પંખેરુ ઉડી ગયું હતું. ગણતરીની માત્ર ચંદ સેકન્ડોમાં જ એ ખેલ ભજવાઇ ગયો હતો. હું ફાટી આંખે એ તરફ જોઇ રહ્યોં.

તેનાં મર્યા પછીયે કેટલો સમય મારી આંગળી રાઇફલનાં ટ્રીગર ઉપર દબાયેલી રહી. જ્યાં સુધી તેમાં ચડાવેલું મેગેઝીન સંપૂર્ણપણે ખાલી ન થઇ ગયું ત્યાં સુધી ગોળીઓ વરસતી રહી. મેગેઝીન ખાલી થતાં એક ખટાકો બોલ્યો અને જાણે અચાનક હું ભાનમાં આવ્યો હતો. મારા હાથ- પગ રીતસરનાં ધ્રૂજતાં હતાં. જીગરમાં ભયાનક ધમાચકડી મચી હતી. રાઇફલનાં નાળચામાંથી નિકળતો ગરમ ધુમાડો અને ચો- તરફ ઉડેલા ગોળીઓનાં શેલ જોઇને મારી આંખોમાં લાલાશ તરી આવી. એક જંગલી આદીવાસીને મેં બેરહમીથી મોતને ઘાટ ઉતાર્યો હતો હતો એનું જનૂન મારી રગ રગમાં વ્યાપ્યું હતું. મને ખબર નથી કે કેટલો સમય હું એમ જ ઉભો રહયો હોઇશ. મારા હાથે એક વ્યક્તિ મરાયો છે એનો આઘાત ઓસરતાં મિનિટો લાગી હતી પણ અત્યારે મારી પાસે એ આઘાત વ્યક્ત કરવાનો સમય નહોતો. નીચેથી હજુંયે ભયાવહ અવાજો આવતાં હતાં. લાગતું હતું કે એ તરફ ભારે સમરાંગણ ખેલાઇ રહયું છે. હું એકાએક સાબદો બન્યો અને ડેલ્સોની કમરમાં ભરાવેલી બીજી મેગેઝીન ખેચીને રાઇફલમાં ફીટ કરી. એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને માનસીક રીતે સજ્જતાં કેળવી હું ટીલાની નીચેની દીશા તરફ દોડયો.

@@@@@@@@@@@@@@

નીચે જબરો ટેબ્લો પડયો હતો. પહેલાં હલ્લામાં કાર્લોસ સાથે આવ્યો હતો એ આદીવાસી વિંધાયો હતો. એ સાથે જ કાર્લોસે પણ એક ખતરનાક દાવ ખેલ્યો.. તેણે પોતાની પિસ્તોલથી સામેની તરફ ફાયર કર્યો અને સાથોસાથ પાછળ વહેતાં ઝરણામાં જંમ્પ લગાવી દીધો.

“ એના... ટેક યોર પોઝીશન એન્ડ ઓપન ફાયર... “ તે ચિલ્લાયો હતો અને પછી મન ફાવે એમ આડેધડ ગોળીઓ વરસાવા લાગ્યો. એ એક આત્મઘાતી પગલું હતું. આદીવાસીઓ તેમનાંથી બેહતર પોઝીશનમાં હતાં અને વધું સતર્ક હતાં. તેમણે તરત તીર વરસાવાનું શરૂ કર્યું.

કાર્લોસની બૂમ લગભગ તમામે સાંભળી હતી. ઝરણાનાં કાંઠે ખૂલ્લા વિસ્તારમાં આદીવાસીઓની ઘેરાબંધી વચ્ચે પોતાનાં મોતને નજરો સમક્ષ ભાળતા બધાં ઉભા હતાં. એમાં કાર્લોસની બૂમથી એકાએક જ હડકંપ મચી ગયો અને બધાં જ લોકો આંધાંધૂંધ ભાગવા લાગ્યા. કોઇને કશી જ સમજણ નહોતી પડી કે આવા માહોલમાં શું કરવું જોઇએ અને કઇ તરફ ભાગવું જોઇએ...! એના અને જોશ કાર્લોસની દીશામાં ઝરણા તરફ દોડયા. દોડવાનું શરૂ કર્યું એ સાથે જ તેમણે પાછળની દીશામાં ફાયરીંગ શરૂ કરી દીધું હતું. ક્રેસ્ટો અને કાર્લોસનો એક માણસ અચાનક મચેલાં હલ્લામાં એવું સમજયાં કે આદીવાસીઓ ઉપર હુમલો કરવાનો આદેશ થયો છે એટલે તેમણે ઉપરથી તીર છોડતાં માણસો તરફ લગભગ આંધળી દોટ મુકી હતી. અનેરીએ વિનીતનો હાથ પકડયો હતો અને તેની જમણી તરફ દેખાતાં એક ઝાડ પાછળ સંતાવાનાં ઇરાદાથી એ દીશામાં દોડી હતી.

ધડીકવારમાં તો ટીલાની એ નાનકડી તળેટીમાં કાર્લોસ અને આદીવાસીઓની ગેંગ વચ્ચે યુધ્ધ ફાટી નિકળ્યું હતું. આદીવાસીઓ બેતહાશા જનૂનથી તીર અને ભાલા વરસાવી રહયાં હતાં. સામા પક્ષે કાર્લોસ અને તેનાં માણસો પણ આંધાંધૂંધ ફાયરીંગ કરી ગોળીઓ વરસાવતા હતાં. એ હલ્લો બસ... એમ જ શરૂ થયો હતો. આદીવાસીઓને ખ્યાલ નહોતો કે તેમનો આટલી જલ્દી અને મજબુત રીતે સામો પ્રતીકાર થશે, એટલે અસાવધ બની તેઓ થોડા ખૂલ્લા વિસ્તારમાં આવી ગયાં હતાં. એ તેમની બહું મોટી ભૂલ સાબીત થઇ કારણકે પહેલાં હલ્લામાં જ કેટલાંય આદીવાસીઓ ગોળીબારમાં મરાયા હતાં અથવા ઘાયલ થઇને પડયાં હતાં. અત્યાધૂનીક રાઇફલ અને ગન્સમાંથી સેકંન્ડમાં હજ્જારોની સંખ્યામાં વછૂટતી ગોળીઓનો સામનો કરવાનું તેમનું ગજું નહોતું. તેમની પાસે તો પોતાની વર્ષો જૂની યુધ્ધ પધ્ધતી અને ટેકનીક હતી જે અત્યારે વિફળ જતી માલુમ પડતી હતી.

એ હલ્લો થોડીજ વારમાં કાર્લોસની જીત તરફ ઢળ્યો હતો. આડેધડ વરસતી ગોળીઓથી બચવા આદીવાસીઓએ ચો-તરફ ભાગવાનું શરૂ કર્યુ હતું. તેમણે સામો પ્રતીકાર તો ક્યારનો બંધ કરી દીધો હતો પરંતુ તેઓ ભાગીને પોતાનો જીવ બચાવાની ફીરાકમાં ફરીથી જંગલમાં અંદર તરફ ભાગવા લાગ્યાં હતાં.

“ શૂટ ધેમ ઓલ બાસ્ટર્ડ.... “ ઝરણાનાં પાણીમાંથી બહાર નિકળતા કાર્લોસે ગર્જનાં કરી. નજરો સામે દેખાતી જીત ભાળીને તેની રગે-રગમાં ઉત્તેજનાં વ્યાપી ગઇ હતી.

( ક્રમશઃ )

મિત્રો..

બની શકે તો કોમેન્ટ કરજો કે આ કહાની તમને કેવી લાગે છે..?

રેટીંગ ચોક્કસ આપજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED