મુવી રિવ્યુ – બદલા Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુવી રિવ્યુ – બદલા

“અલ્યા દર્શકો સાથે આવો બદલો લેવાનો હોય?”

ઘણીવાર કોઈ અલગ પ્રકારની ફિલ્મ હોય જે ભીડમાં અલગ તરી આવતી હોય તેના પર ઘણી અપેક્ષાઓ પણ હોય. બદલા એક એવી જ ફિલ્મ છે જે સામાન્ય બોલિવુડી મનોરંજક ફિલ્મોથી અલગ એટલેકે સસ્પેન્સ થ્રિલર જોનરની ફિલ્મ છે જેના પર ઘણી અપેક્ષાઓ હતી.

ફિલ્મ – બદલા

કલાકારો: અમિતાભ બચ્ચન, તાપસી પન્નુ, ટોની લ્યૂક, માનવ કૌલ અને અમ્રિતા સિંગ

કથા: ઓરીઓલ પાઉલો

નિર્માતાઓ: ગૌરી ખાન, સુનીર ખેત્રપાલ, અક્શાઈ પૂરી અને ગૌરવ વર્મા

પટકથા અને નિર્દેશન: સુજોય ઘોષ

રન ટાઈમ: ૧૨૦ મિનીટ્સ

કદાચ બદલા ફિલ્મનો આ રિવ્યુ માતૃભારતી પર તમે વાંચેલો અત્યારસુધીનો મારો સહુથી ટૂંકો રિવ્યુ હોય એવું બની શકે છે. એટલા માટે નહીં કારણકે આ ફિલ્મ માત્ર બે જ કલાકની છે, પરંતુ એટલા માટે કારણકે આ એક સસ્પેન્સ થ્રિલર છે અને ફિલ્મમાં એવી ઘણી બાબતો છે જે અહીં રજૂ કરવાથી ફિલ્મ જોવામાં તમારો રસભંગ થઇ શકે તેમ છે. એટલે આ વખતે કથાનકને રજૂ ન કરતા ટૂંકમાં આ ફિલ્મ શું કહે છે એ જ જાણીને પછી સીધા જ પરફોર્મન્સ પર જઈશું.

તાપસી પન્નુ પરણેલી હોવા છતાં તેનું ટોની લ્યૂક સાથે અફેર છે, પરંતુ એક વખત ટોનીને મળ્યા બાદ ઘરે પરત થતા એક અકસ્માત સર્જાય છે જેમાં કાર ચલાવી રહેલી તાપસીનો બિલકુલ વાંક નથી હોતો. પરંતુ જો આ અકસ્માતની જાણ પોતપોતાના ઘેર થઇ જાય તો બંનેનું અફેર પકડાઈ જાય તેની બીકે તાપસી અને ટોની આ અકસ્માતને છુપાવવાની કોશિશ કરે છે. પછી એક ભૂલ છુપાવવામાં બીજી ભૂલ અને બીજી ભૂલમાંથી ત્રીજી ભૂલ એમ ભૂલોની હારમાળા સર્જાતી જાય છે અને તાપસી તેમાં ફસાતી જાય છે.

છેલ્લી અને સહુથી ગંભીર ભૂલ કર્યા બાદ તાપસીનો વકીલ મિત્ર માનવ કૌલ તેને સ્કોટલૅન્ડના સહુથી મોટા વકીલ અમિતાભ બચ્ચનને મેળવે છે જે તાપસી સાથે કેસ અંગેની ચર્ચા કરે છે. આ ચર્ચા દરમ્યાન દરેક ઘડીએ એવું લાગી રહ્યું છે કે વકીલ અને તેના ક્લાયન્ટ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ગુમ છે અને આ જ વાતાવરણમાં એક પછી એક એવી બાબતો ખુલતી જાય છે જેની ન તો ક્લાયન્ટને ખબર હોય છે કે ન તો તેના વકીલને.

ટ્રીટમેન્ટ, પરફોર્મન્સ વગેરે...

સહુથી પહેલા તો ફિલ્મની ટ્રીટમેન્ટ. જી ફિલ્મ સસ્પેન્સ છે અને છેક છેલ્લી પાંચ મિનીટ સુધી થ્રિલ આપે છે. ઈન્ટરવલ સુધી વાર્તા ધીમી બળતા બળતા વધુ લહેજત આપતી રહે છે. ઈન્ટરવલ બાદ તાપસી પન્નુ એક પછી એક વાતો પોતાના વકીલને સાચેસાચી બતાવવા લાગે છે જે સામે લાવવામાં વકીલ અમિતાભ બચ્ચનની હોંશિયારી પણ સામેલ છે, ફિલ્મ ગતી પકડે છે અને જ્યારે સાચો ગુનેગાર પકડાઈ જાય છે ત્યારેજ પટકથાકાર કમ ડિરેક્ટર સુજોય ઘોષ એક કોથળો લાવે છે અને એમાંથી એક એવું બિલાડું કાઢે છે જે તેમની એક કલાક પંચાવન મિનીટની મહેનત પર પાણી ફેરવી દે છે. કદાચ સુજોય ઘોષની આ આદત પણ છે અને આ આદત કહાનીમાં આપણે જોઈ ચૂક્યા છે. પણ કહાનીનો અંત તો હજી પણ ગળે ઉતરે એવો હતો જ્યારે અહીં તો...

ખરેખર ફિલ્મનો અંત કેમે કરીને ગળે ઉતરે એવો નથી, નથી અને નથી જ! બધુંજ બરોબર ચાલી રહ્યું હતું, દર્શક પોતાની બેઠક પર એકદમ ચોંટીને રાહ જોઈ રહ્યો હતો કે હવે આગળ શું થશે અને ત્યારેજ સુરસુરિયું? બેશક અંત બદલી શકાયો હોત. જો તમારે કોઈને ન્યાય અપાવવો હતો, સાચા ગુનેગારનો વિશ્વાસ હાંસલ કરીને તો તે અન્ય રીતે પણ થઇ શક્યો હોત. આ તો તમે ફિલ્મના એક આખેઆખા અને સૌથી વધુ મહત્ત્વના પાત્રોમાંથી એક જેને દર્શક એક કલાકને પંચાવન મિનીટ સુધી જોઈ રહ્યો હતો પોતાની નજર સમક્ષ એ ખરેખર તો હતું જ નહીં એવું છેક છેલ્લે દેખાડીને સાબિત શું કરવા માંગો છો? બસ...આનાથી વધુ નહીં લખી શકાય કારણકે તમારામાંથી ઘણાને આ ફિલ્મ જોવાની બાકી હશે.

મોટાભાગની ફિલ્મ બે થી ત્રણ લોકેશન્સ પર જ ફિલ્માવવામાં આવી છે અને પાત્રો પણ લિમિટેડ સંખ્યામાં છે. તાપસી પન્નુ એ આ ફિલ્મનો જીવ છે તો અમિતાભ બચ્ચન શ્વાસ છે. આ બંને માત્ર એકબીજા સાથે વાત કરે છે અને અમિતાભ બચ્ચન શરૂઆત અને અંતમાં જ ક્યાંક બહાર દેખાય છે નહીં તો તે તાપસી સાથે એક જ રૂમમાં બેસીને તેની સાથે ચર્ચા કરતા જોવા મળે છે. પણ આટલી લિમીટ બાંધી દેવામાં આવી હોવા છતાં અમિતાભે પોતાની અદાકારીને મજબૂત રીતે દેખાડી છે. આ ફિલ્મમાં એમની બોલવાની સ્ટાઈલ તેમના માટે હુકમનો એક્કો છે જે તેમણે યોગ્ય સમયે ઉતરી બતાવ્યો છે.

તાપસી પન્નુ પણ જે રીતે એકપછી એક ફિલ્મમાં ઈમ્પ્રેસ કરી રહી છે તેની આ સફર અહીં પણ ચાલુ જ રહી છે. ફિલ્મમાં શરૂઆતથી અંત સુધી તાપસી જ તાપસી દેખાય છે. આ જવાબદારી તેણે વ્યવસ્થિતપણે નિભાવી પણ છે. જ્યાં જરૂર પડી ત્યાં ડર અને જ્યાં જરૂર પડી છે ત્યાં અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારની આંખમાં આંખ નાખીને હિંમતભેર સંવાદો પણ બોલી બતાવ્યા છે.

મલયાલી અદાકાર ટોની લ્યૂક ઓકે છે. બોલવામાં તેના મલયાલી મિશ્રિત હિન્દી ઉચ્ચાર આસાનીથી કહી દે છે કે તે સાઉથનો કલાકાર છે. પરંતુ કદાચ તેની આ ખોટ તેનો પ્લસ પોઈન્ટ પણ બની જાય છે કારણકે ડિરેક્ટરે તેને અન્ય બોલિવુડ હિરો કરતા અલગ બતાવવાની કોશિશ કરી હોય એવું બની શકે છે. માનવ કૌલનો અમસ્તોય ગેસ્ટ અપેરીયન્સ છે એટલે એને કહેલું કામ એ કરી જાય છે.

ફિલ્મનો ડાર્ક હોર્સ અમ્રિતા સિંગ છે. શરૂઆતમાં બક બક કરતી રાની કૌર અને બાદમાં એકદમ ગંભીર મુખમુદ્રા સાથે અમ્રિતા સિંગે પોતાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. અમ્રિતા સિંગ પોતાના સમયમાં કોઈ મોટી એક્ટ્રેસ એટલેકે અદાકારી માટે જાણીતી હોય એવી એક્ટ્રેસ તરીકે જાણીતી ન હતી, પરંતુ ઉંમર વધવાની સાથે અને પોતાની ઉંમરને મેચ થતા રોલ્સ સ્વિકારવાને લીધે હવે કદાચ તે પોતાની સાથે જ ન્યાય કરી રહી હોય એવું લાગી રહ્યું છે.

છેલ્લે...

અમસ્તીય આ ફિલ્મ સો કરોડ કે બસ્સો કરોડની ક્લબમાં આવે એવી ન હતી. પરીક્ષાના સમયમાં અન્ય ફિલ્મકારો જ્યારે ફિલ્મો રિલીઝ કરવાથી દૂર રહે છે એવામાં બદલા પાસે એક મોકો હતો કે તે ખુલ્લા મેદાનનો લાભ લે, કારણકે આવતે શુક્રવારે પણ કોઈજ મહત્ત્વની ફિલ્મ આવવાની નથી. ફિલ્મ ઘણીવાર ખરાબ નથી હોતી પરંતુ જેમ કહેવાય છે કે અંત ભલા તો સબ ભલા, પરંતુ અહીં મોટી મોકાણ અંતની જ છે હવે જો અંત જ ભલો ન હોય તો....

૦૮.૦૩.૨૦૧૯, શુક્રવાર

અમદાવાદ