ટોટલ ધમાલ – નામ એવા જ ગુણ!
મુખ્ય કલાકારો: અજય દેવગણ, અનીલ કપૂર, માધુરી દીક્ષિત, અરશદ વારસી, જાવેદ જાફરી, રીતેશ દેશમુખ, સંજય મિશ્રા, ઈશા ગુપ્તા, જ્હોની લિવર, મહેશ માંજરેકર અને બમન ઈરાની
પટકથા: વેદ પ્રકાશ, પરિતોષ પેઈન્ટર અને બંટી રાઠોડ
નિર્માતાઓ: ઇન્દ્ર કુમાર, અશોક ઠાકરિયા, ફોક્સ સ્ટાર, શ્રી અધિકારી બ્રધર્સ, આનંદ પંડિત અને અજય દેવગણ
કથા અને નિર્દેશન: ઇન્દ્ર કુમાર
રન ટાઈમ: ૧૨૭ મિનીટ્સ
કથાનક: શહેરના પોલીસ કમિશનર, કયા શહેરના એનો ફોડ ફિલ્મમાં પાડવામાં આવ્યો નથી (બમન ઈરાની) એક મોટા વ્યાપારી પાસે નોટબંધીવાળી સો કરોડ રૂપિયાની નોટોના એક્સચેન્જમાં પચાસ કરોડની નવી નોટોનો સોદો કરતા જ હોય છે ત્યાં મહાચોરો ગુડ્ડુ (અજય દેવગણ) અને તેનો સાથીદાર (સંજય મિશ્રા) ત્યાં ટપકી પડે છે. કમિશનર પાસેથી આ પચાસ કરોડની બે ભારે બેગો ગુડ્ડુ હોટલના સત્તરમાં માળેથી નીચે રાહ જોઈ રહેલો તેનો એક અન્ય સાથીદાર પિન્ટો (મનોજ પાહવા) તરફ ફેંકી દે છે.
ગુડ્ડુ અને તેનો સાથીદાર ગમેતેમ કરીને કમિશનરથી તો બચીને ભાગી નીકળે છે પણ પિન્ટો તેમને ડબલ ક્રોસ કરીને ભાગી નીકળે છે. તેમ છતાં ગુડ્ડુ પિન્ટોને પકડી લે છે પરંતુ અહીં પણ કમિશનર પહોંચી જતા પિન્ટો ગુડ્ડુની પકડમાંથી ફરીએકવાર છટકી જાય છે. બીજી તરફ બિંદુ (માધુરી દિક્ષિત) અને અવિનાશ પટેલ (અનીલ કપૂર) છૂટાછેડા લીધા અગાઉ કોર્ટના આદેશ પ્રમાણે પોતાના એકના એક પુત્રને મળવા જાય છે, તો ફાયર ફાઇટર લલ્લન (રીતેશ દેશમુખ) અને તેનો સાથીદાર ઝિંગુર પણ એક મોટો હાથ મારીને ભાગતા હોય છે. તો આદિ (અરશદ વારસી) અને માનવ (જાવેદ જાફરી) એન્ટીક આઈટમો વેચતા એક વેપારીનું લાખોનું નુકશાન કરી તેની જ કાર ચોરીને તેનાથી બચી રહ્યા છે.
આ બધા જ જ્યારે હાઈવે પર જતા હોય છે ત્યાંજ ગુડ્ડુથી ભાગી રહેલા પિન્ટોનું એરક્રાફ્ટ ક્રેશ થાય છે. બધા પિન્ટો પાસે પહોંચે છે ત્યાં ગુડ્ડુ પણ આવી પહોંચે છે. પરંતુ પિન્ટો પાસે હવે વધુ સમય નથી એ એટલુંજ કહી શકે છે કે જનકપુર જે અહીંથી લગભગ સાડા ચારસો કિલોમીટર દૂર છે ત્યાં એક ઝૂ આવેલું છે અને અહીં એક ‘Ok’ નીચે તેણે પેલા પચાસ કરોડ સંતાડ્યા છે.
બસ પછી તો શરુ થાય છે એ પચાસ કરોડ મેળવવા માટેના ધમપછાડા, ઉઠાપટક, રેસ અને ટોટલ ધમાલ! પણ શું એમ દોડ લગાવીને પચાસ કરોડ મળે ખરા? મળી પણ જાય તો એના પર હક્ક કોનો? શું આ પચાસ કરોડ આ બધા એકબીજા સાથે વહેંચી લેશે કે પછી આટલા બધી બિલાડીઓની લડાઈમાં કોઈ વાંદરો ફાવી જશે? સવાલો ઘણા છે જવાબ માત્ર એક જ છે, ‘ટોટલ ધમાલ!’
ટ્રીટમેન્ટ વગેરે
જ્યારે ફિલ્મ અડધી પણ ન પતી હોય ત્યારે એવું લાગે કે આ તો ધમાલ સિરીઝની પહેલી ફિલ્મની જ રીમેક છે. જો ફિલ્મ જોતી વખતે તમને પણ એવું લાગે તો તમે જરાપણ ખોટા નથી. આ ખરેખર ધમાલની જ રિમેક છે. ત્યાં મોટા ‘W’ નીચે ખજાનો હતો અહીં ‘Ok’ નીચે છુપાયેલો છે, ત્યાં સેન્ટ સબાસ્ટિયન ચર્ચનું ગાર્ડન હતું અહીં ઝૂ છે, ત્યાં ગોવા હતું અહીં અજાણ્યું ગામ જનકપુર છે. પેલામાં સંજય દત્ત પોલીસ કમિશનર હતો અહીં બમન ઈરાની છે, ત્યાં.. ચલો જવાદો આવી તો ઘણી સરખામણી તમને ધમાલ અને ટોટલ ધમાલ વચ્ચે જોવા મળશે.
આપણે વાત કરીએ ફિલ્મ કેવી છે. તો ફિલ્મ એ હાસ્યની બુલેટ ટ્રેન તો નથી પરંતુ હા તે હમણાં ચાલુ થયેલી વંદે ભારત એક્સપ્રેસ જેવી જરૂર છે. એટલેકે હસાવવાની સ્પિડ ઓછી છે પણ એટલી ઓછી પણ નથી અને વળી ક્યાંય આ ગાડી રોકાતી નથી. ખજાનો સોરી! પચાસ કરોડ શોધવાની જર્ની હાસ્યથી ભરપૂર ખરી પણ તેને જોતા એકાદ વાર એવું લાગે કે જરા લાંબી થઇ ગઈ. ખાસકરીને સોનાક્ષી સિન્હાનું “મુંગણા...” રિમિક્સની કોઈજ જરૂર ન હતી, પણ તોય પરાણે ઘુસાડ્યું છે. પણ હા, “પૈસા યેહ પૈસા..” નું રિમિક્સ શરૂઆતથી જ ફિલ્મનો ટેમ્પો જમાવી આપે છે.
બાકી ફિલ્મમાં ઢગલા મોઢે કલાકારો છે, પણ ઇન્દ્ર કુમારને ક્રેડીટ આપવી જોઈએ કે તેમણે આટલા બધા કલાકારો ખાસકરીને અજય દેવગણ, અનીલ કપૂર, રીતેશ દેશમુખ, જાવેદ જાફરી અને અરશદ વારસી જેવા સિનીયર કલાકારો માટે એક સરખી સંખ્યામાં સીન્સ ગોઠવી આપ્યા છે એટલે તમને જરાય એમ ન થાય કે કોઈ એક કલાકારને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. વળી, બધા જ કલાકારો જમાવટ કરી જાય છે.
આ મુખ્ય કલાકારો તો ખરા જ પણ સાથે સાથે સંજય મિશ્રા, રીતેશ દેશમુખનો સાથી (નામ નથી ખબર, જો આપને ખ્યાલ હોય તો કમેન્ટ્સમાં જરૂર જણાવશો) ઉપરાંત નાના રોલમાં જ્હોની લિવર અને છેક છેલ્લે આવતા મહેશ માંજરેકર મજા કરાવી જાય છે. આટલું જ નહીં GPS તરીકે જેકી શ્રોફના અવાજમાં ‘ચિંદી લેન્ગવેજ’... એ પણ જલસા કરાવી દે છે. ઈશા ગુપ્તાની આમ જરૂર ન હતી પણ કદાચ એના પાત્ર વગર ફિલ્મ પૂરી પણ ન થાત એટલે એને રહેવા દઈએ.
આ ઉપરાંત... ચલો જવા દો જે કહેવું છે એ નહીં કહું નહીં તો લોકો ફરિયાદ કરશે કે આ રીવિલ કરવાની જરૂર ન હતી, પણ એક સલાહ જરૂર આપીશ કે ફિલ્મ બાળકો સાથે પણ જોવા જેવી છે કારણકે એમને માટે પણ ફિલ્મમાં કશુંક છે.
આમ તો એક લીટીની વાર્તા છે એટલે સ્ટોરી વિષે તો કશું કહી શકાય એમ નથી પણ એક પછી એક દ્રશ્યો તમને મજા કરાવી દે તેવી ગતિથી નજર સામે પસાર થઇ જાય છે. અમુક ડાયલોગ્સ પણ ખુબ હસાવે છે. પણ ફિલ્મનું જો સહુથી હકારાત્મક પાસું હોય તો તેના અમુક સિન્સ, જે અત્યારે પણ આ લખતી વખતે યાદ આવે છે તો પણ હસવું આવી જાય છે. એમાં પણ પેલો... ચલો જવા દો વળી તમે કહેશો કે સ્પોઈલર એલર્ટ તો આપવો જોઈતો હતો?
હા એક વાત છેલ્લે જરૂર ઉમેરીશ કે આ પ્રકારની ફિલ્મ હોય ત્યારે તેનું ટ્રેલર જરા સંભાળપૂર્વક બનાવવું કારણકે ટોટલ ધમાલના ટ્રેલરમાં ફિલ્મની એટલી બધી સ્ટ્રાઈકિંગ મોમેન્ટસ રીવીલ કરી દેવામાં આવી છે કે જે દ્રશ્યો પર તમે ખડખડાટ હસી પડો એની બદલે તમે ફક્ત હસી શકો છો કારણકે તમે એ દ્રશ્યો તેના ટ્રેલરમાં જોઈ ચૂક્યા છો. પણ તેમ છતાં, ટ્રેલરમાં દર્શાવેલા દ્રશ્યો સિવાય પણ ફિલ્મમાં ઘણું છે જે તમને ખડખડાટ હસવા માટે મજબૂર કરી દે.
છેવટે...
જ્યારે આ પ્રકારની કે પછી ગોલમાલ સિરીઝ કે હાઉસફૂલ સિરીઝની ફિલ્મો જોવા જતા હોઈએ ત્યારે અગાઉથી આ ફિલ્મો જોઈ આવનારાઓ આ ફિલ્મોમાં રહેલા ગાંડપણની ટીકા કરતા હોય છે. પણ આપણે આવી ફિલ્મો ગાંડા થઈને જ જોવી તો જ મજા આવે કારણકે આ ફિલ્મોમાં લોજીક ગોતવાથી આપણો જ સમય બગડે છે. લોજીક સાથે જોવા વાળી ફિલ્મો પણ બને છે તો લોજીક ત્યાં વાપરો ને? જ્યાં ખબર જ છે કે મનને ઘેર મૂકીને જ આ ફિલ્મ જોવાની છે તો પછી એને એન્જોય કરો બરોબર?
વળી, જે લોકો લોજીકની વાતો કરતા હોય છે એ લોકો જ “જિંદગીમાં એક દિવસ બાળક બની જાઓ સાહેબ” જેવા સુવાક્યો રોજ સવારે વોટ્સએપ પર છુટ્ટા ફેંકતા હોય છે. એટલે કોઈની સલાહ માનતા પહેલા આપણે ખુદ જ કેમ આવી ફિલ્મો જોતી વખતે બાળક ન બની શકાય?
તો મારા વ્યક્તિગત મતે ટોટલ ધમાલ બાળક બનીને બાળકો સાથે જોવા જેવી ફિલ્મ તો છે જ, બાકી આગે આપકી મરજી!
૨૨.૦૨.૨૦૧૯, શુક્રવાર
અમદાવાદ