ધીરે ધીરે ચડે છે રંગ કેસરિયો!
પીરીયોડીક ફિલ્મોનો જમાનો છે. એમાંય દેશભક્તિથી ભરપૂર ફિલ્મો અને એ પણ ઇતિહાસના કોઈ કાળા કમરામાં ક્યાંક છુપાયેલા પ્રકરણો પર બનેલી દેશભક્તિની ફિલ્મોની તો જબરી ડિમાંડ છે. કેસરી આ જ પ્રકારે સારાગઢી કિલ્લાના રક્ષણ માટે એકવીસ શીખોએ આપેલા બલીદાન વિષેની અજાણી કથા આપણી સમક્ષ લાવે છે.
ફિલ્મ: કેસરી
મુખ્ય કલાકારો: અક્ષય કુમાર, પરીણીતી ચોપરા, મીર સરવર, અશ્વથ ભટ્ટ અને રાકેશ ચતુર્વેદી ઓમ
કથા: અનુરાગ સિંગ અને ગિરીશ કોહલી
સંગીત: તનિષ્ક બાગચી, આર્કો પર્વો મુખરજી, ચિરંતન ભટ્ટ,
નિર્માતાઓ: કરન જોહર, અરુણા ભાટિયા, હીરૂ યશ જોહર, અપૂર્વ મહેતા, સુનીર ખેત્રપાલ
નિર્દેશક: અનુરાગ સિંગ
રન ટાઈમ: ૧૫૦ મિનીટ્સ
કથાનક
મોગલો અને અંગ્રેજોના સમય દરમ્યાન પંજાબમાં રાજા રણજીતસિંહનું શાસન હતું. આ શાસન દરમ્યાન રણજીતસિંહે છેક અફઘાનિસ્તાન સુધી તેને વિસ્તાર્યું હતું, પરંતુ તેમના અવસાન બાદ અંગ્રેજોએ આ સમગ્ર વિસ્તાર પર પોતાનો કબજો જમાવી લીધો એટલું જ નહીં પરંતુ પોતાના ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અનુસાર અફઘાનો અને પંજાબીઓના વિસ્તાર વચ્ચે એક સરહદ પણ ઉભી કરી દીધી. અફઘાનોનો અમીર વર્ષોથી પોતાનો ગુમાવેલો હિસ્સો મેળવવાની કોશિશ કરતો હતો અને તેમની સાથે મૌલાના સઈદુલ્લા (રાકેશ ચતુર્વેદી ઓમ) જેવા કટ્ટરવાદી તત્વો પણ ભળ્યા હતા જે પોતાનો જ ધંધો આ યુદ્ધમાં કરવા માંગતો હતો.
એક વખત જ્યારે હવાલદાર ઇશર સિંગ (અક્ષય કુમાર) સાથી હવાલદારો અને પોતાના અધિકારી સાથે સરહદના પેટ્રોલિંગ પર હોય છે ત્યારે બીજી પાર તેને સઈદુલ્લા એક અફઘાન મહિલાનું માથું વાઢવાનો પ્રયાસ કરી રહેલો જોવા મળે છે. ઉપરી અધિકારીની મનાઈ છતાં ઇશર સિંગને એ મહિલાનો જીવ બચાવવો વધુ યોગ્ય લાગતા પેલી મહિલાને બચાવે છે અને પોતાના સાથીદારોની મદદથી અફઘાનોને ખદેડી મૂકે છે. અફઘાનો પણ ચૂપ નથી બેસતા તેઓ ઇશર સિંગની જ્યાં ડ્યુટી છે તે લોકહાર્ડના કિલ્લા પર હુમલો કરે છે પરંતુ મોટી સંખ્યામાં સૈનિકો હોવાથી આ હુમલો નિષ્ફળ નીવડે છે.
અંગ્રેજ ઓફિસરો ઇશર સિંગની હુકમની અવમાનના અને તેને લીધે પોતાના થાણા પર થયેલા અફઘાની હુમલાની સજા રૂપે તેની સારાગઢી બદલી કરી દે છે. આ સારાગઢીનો કિલ્લો એ કોઈ પોસ્ટ ઓફિસથી વધુ મહત્ત્વ નહોતો ધરાવતો. અંગ્રેજોના બે મહત્ત્વના થાણા લોકહાર્ડ અને ગુલિસ્તાનની બરોબર વચ્ચે આ સારાગઢી કિલ્લો આવેલો હતો જે એ બંને કિલ્લાઓના સંદેશા જે તાર અથવાતો સુરજના પ્રકાશ દ્વારા મોકલવામાં આવતા તેને એકબીજાને મોકલી આપવાનું કામ કરતો. માટે જ અહીં માત્ર 20 જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
પરંતુ, અફઘાનો સારાગઢીનું મહત્ત્વ ખુબ સારી રીતે જાણતા હતા, કારણકે જો સારાગઢી ખતમ તો સંદેશાવ્યવહારને અભાવે લોકહાર્ડ અને ગુલિસ્તાનના કિલ્લાઓ પણ ખતમ. આથી સઈદુલ્લા બે કબાયલી સરદારો આફ્રિદી કબીલાના ખાન મસૂદ (મીર સરવર) અને ઓરાકઝાઈ કબીલાના ગુલ બાદશાહ ખાન (અશ્વથ ભટ્ટ) સાથે મળીને પહેલા સારાગઢી અને બાદમાં લોકહાર્ડ અને ગુલિસ્તાન પર એક જ દિવસમાં કબજો મેળવી લેવાની યોજના તૈયાર કરે છે.
લોકહાર્ડથી સારાગઢીને સંદેશ તો મળે છે કે અફઘાનો કશુંક મોટું કરવાની ફિરાકમાં છે, પરંતુ ઉપરથી સેના આવતા એક બે દિવસ થશે એમ પણ કહેવામાં આવે છે. આમ ઇશર સિંગ અને તેની રેજીમેન્ટના કુલ એકવીસ સૈનિકો પર સારાગઢીની રક્ષા કરવાની જવાબદારી આવી પડે છે. અફઘાનો યોજના અનુસાર લગભગ દસ હજારની સંખ્યામાં આ એકવીસ સૈનિકો જેની રક્ષા કરી રહ્યા હતા તેના પર હલ્લો બોલે છે અને પછી સર્જાય છે અભૂતપૂર્વ વિરતા દર્શાવતા દ્રશ્યો!
ટ્રીટમેન્ટ, પરફોર્મન્સ વગેરે...
દેશભક્તિનો વિષય હોય પરંતુ તેને જો યોગ્યરીતે કહેવાયો ન હોય તો તકલીફ પડી જતી હોય છે. વાર્તા કોઇપણ હોય રોમેન્ટિક, હોરર, થ્રિલર કે પછી દેશભક્તિના વિષયવાળી તે કેવી રીતે કહેવામાં આવે છે તે ખુબ મહત્ત્વનું છે. કેસરીમાં વાર્તા કહેવાની કળા માર ખાઈ જાય છે. ફિલ્મ સાથે દર્શક છેક છેલ્લી પંદરથી વીસ મિનીટ સુધી કનેક્ટ નથી થઇ શકતો. કથા કહેવાની કળા ઉપરાંત અન્ય તત્વો પણ સામેલ છે જે દર્શકને ફિલ્મ સાથે જોડી શકતા નથી. જેમકે આ દેશભક્તિની વાર્તા ખરી પરંતુ એવા દેશની રક્ષાની વાત છે જે ગુલામ હતો. ભલે અક્ષય કુમાર પાસે એવું કહેવડાવવામાં આવ્યું હોય કે આપણે અંગ્રેજો માટે નહીં પરંતુ આપણી આઝાદી માટે લડવાનું છે, તે બાઉન્સર જાય છે.
બીજું, મહત્ત્વનું પરીબળ જે તમે આગળ મુખ્ય કલાકારોની યાદીમાં જોઈ ચૂક્યા છો. મુખ્ય કલાકારોમાં કોણ? અક્ષય કુમાર, પરીણીતી ચોપરા અને પછી? બાકીના કલાકારોના નામ જાણવા તમારે વીકીપીડીયા અથવાતો imdbનો સહારો લેવો પડે. તમામ વીસ શીખ જવાનોની ભૂમિકા મોટેભાગે પંજાબી ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ કરી છે જેને મુખ્યધારાની હિન્દી ફિલ્મો જોતા દર્શકો ઓળખતા નથી આથી એક ‘પોતાપણું’ અહીં મીસ થાય છે. વીસમાંથી પાંચ સાત પણ જાણીતા હિન્દી ફિલ્મોના કલાકારો જો રાખ્યા હોત તો પણ ફિલ્મ સાથે દર્શક જોડાઈ જાત. ઉપરાંત ફિલ્મનું લોકપ્રિય થયેલું ગીત ‘સાનું કેહન્દી’ ફિલ્મમાંથી ગાયબ છે!! એટલે જે બે હળવી મિનિટો ફિલ્મમાં હોવી જોઈતી હતી એ ગુમ છે.
આટલા મોટા નકારાત્મક પરિબળો હોવા છતાં ફિલ્મ જોવા જેવી નથી એવું તો નથી જ. મોટેભાગે કાશ્મીર અને કદાચ અફઘાનીસ્તાન તરફના દ્રશ્યો આંખ ઠારે એવા છે. પરીણીતી ચોપરા પાસે ખાસ કરવા જેવું કશું નથી પરંતુ તેની થોડી થોડી વારે પૂરાતી હાજરી કોઈક જાણીતો ચહેરો જોવા તો મળ્યો એવી રાહત આપે છે.
પણ આ તમામ નકારાત્મક પાસાંઓની સહુથી ઉપર અક્ષય કુમાર છે. આમ પણ મોટા કલાકારો વચ્ચે પણ અક્ષય કુમાર ઉભરી આવતો હોય છે જ્યારે અહીં તો તેના સિવાય લગભગ તમામ કલાકારો અજાણ્યા કે પછી ઓછા જાણીતા છે એવામાં અક્ષય પોતાની અદાકારીથી છવાઈ જાય છે. શીખ સૈનિક તરીકે અક્ષય બરોબર ફીટ બેસે છે અને દરેક ઈમોશન યોગ્ય રીતે જરૂર પ્રમાણે દર્શાવે છે. પરંતુ અક્ષય છવાઈ જાય છે ફિલ્મની છેલ્લી વીસ મિનિટોમાં જ્યારે તે એકલે હાથે અસંખ્ય અફઘાનો સામે લડત આપે છે.
આ સમયે અક્ષયના ચહેરાના હાવભાવ ખાસ જોવા જેવા છે. વીરતા, ગર્વ, ભક્તિ, ગુસ્સો, દયા અને આશ્ચર્ય આ બધા ભાવનું જબરું મિશ્રણ અક્ષય કુમારે કરી બતાવ્યું છે. ખરેખર કહીએ તો કેસરી ફિલ્મની આ છેલ્લી વીસ મિનીટને લીધે જ આખેઆખી જોવા લાયક બની છે. જો તમારું ધ્યાન ફિલ્મની ૧૩૦ મિનીટ સુધી અહીં તહીં ભટકતું હતું તો આ છેલ્લી વીસ મિનીટ તમને તમારી બેઠક પરથી હલવા નહીં દે. અક્ષયની લડાઈ ઉપરાંત ફિલ્મનો અંતિમ સીન પણ રૂંવાડા ઉભા કરી દે તેવો બન્યો છે.
છેવટે...
હા ફિલ્મ છેક ક્લાઈમેક્સ પર જઈને જમાવટ કરે છે, પરંતુ તેમ છતાં આ ફિલ્મ પરિવાર સાથે જરૂરથી જોવી જોઈએ. કેમ? કારણકે દેશનો એ ઈતિહાસ અહીં બતાવવામાં આવ્યો છે જે આપણી વર્ષોની નબળી શિક્ષણ વ્યવસ્થાએ આપણાથી જાણીજોઈને સંતાડ્યો છે. આપણા દેશમાં એક જ પ્રકારના ઈતિહાસને ભણાવવામાં આવ્યો છે અને કેસરીમાં જે ઈતિહાસ દર્શાવવામાં આવ્યો છે તે ખરેખર આપણે ભણવો જોઈતો હતો જેથી આપણને ખબર પડે કે શીખોએ આપણા દેશના મૂળિયાં મજબૂત રાખવા માટે કેટલી વીરતાથી બલિદાનો આપ્યા છે.
ફિલ્મ જોયા બાદ ભારતીય સેનામાં મોટી સંખ્યામાં જોવા મળતા શીખ સમુદાય પ્રત્યે તમારો ગર્વ પણ બમણો થઇ જશે તેની પણ ગેરંટી!
૨૩.૦૩.૨૦૧૮, શનિવાર
અમદાવાદ