વિષાદ યોગ- પ્રકરણ-13

રાજકોટથી જુનાગઢ તરફ જતા રસ્તા પર બે કાર પુરપાટ વેગથી દોડી રહી હતી. એક કારમાં નિશીથ ડ્રાઇવ કરતો હતો અને તેની બાજુમાં કશિશ બેઠી હતી અને પાછળની સીટ પર બિનાબેન અને સુનંદાબેન બેઠા હતા. જ્યારે બીજી કારમાં સુમિતભાઇની બાજુમાં કિશોરભાઇ બેઠા હતા અને પાછળની સીટ પર કિશોરભાઇના મિત્ર ઉપેન્દ્ર શાસ્ત્રી બેઠા હતા. બંને કાર સવારના આઠ વાગ્યામાં રાજકોટથી જુનાગઢ તરફ જવા નીકળી હતી. તે દિવસે કિશોરભાઇની જ્યોતિષ શાસ્ત્રીને મળવાની વાત સાંભળી સુમિતભાઇએ અને સુનંદાબેને નિશીથને બધી વાત કરી તો નિશીથે કહ્યું “ મને એમા કોઇ પ્રોબ્લેમ નથી. આમપણ હવે આપણી પાસે બીજો કોઇ ઉપાય પણ ક્યાં છે? જોઇએ આમા શું થાય છે? મને તો જ્યોતિષમાં કંઇ બહું વિશ્વાસ નથી પણ તમે કહો છો તો એક પ્રયત્ન કરવામાં મને કોઇ વાંધો નથી.” આ સાંભળી સુમિતભાઇએ કહ્યું “ અમે પણ એજ વિચારીને હા પાડી છે કે એક પ્રયત્ન કરવામાં શું વાંધો છે?” ત્યારબાદ સુમિતભાઇએ કિશોરભાઇને ફોન કરીને જવાની સંમતિ આપી દીધી. કિશોરભાઇએ તેના મિત્ર ઉપેન્દ્રભાઇને વાત કરી અને તે લોકોએ રવિવારે જવાનું નક્કી કર્યુ. આજે એટલે જ તે બધા ઉપેન્દ્રભાઇના દાદાને મળવા જુનાગઢ જતા હતા. કાર પાણીના રેલાની જેમ હાઇવે પર પુર ઝડપથી દોડી રહી હતી. બધાજ પોત પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. એકાદ કલાકના ડ્રાઇવીંગબાદ વિરપુર પાસે આવેલ હોટલ પંચવટીમાં બધાએ ચા નાસ્તો કર્યો અને ફરીથી જુનાગઢ તરફ આગળ વધ્યા. જુનાગઢ આવતા ઉપેન્દ્રભાઇના કહેવાથી કારને જુનાગઢ બાયપાસ તરફ જવા દીધી. જુનાગઢ નો બાયપાસ પુરો થતા વંથલી રોડ પર જતા 500 મીટરના અંતરે આવેલ મધુરમ સોસાયટીમાં રોડથી પાંચમુ જ મકાન ઉપેન્દ્રભાઇના દાદાનું હતું. ઘરમાં આગળ મોટું નાળિયેરીનું ઝાડ હતું. ઘરની સ્વચ્છતા તથા વાતાવરણમાં એક ઉર્જાનો અનુભવ થતો હતો. બધા દાખલ થયા એટલે ઉપેન્દ્રભાઇના દાદીમાંએ સૌને આવકાર્યા. દાદીની ઉંમર આશરે 80 વર્ષની હશે છતા તેની તંદુરસ્તી ખૂબ સારી હતી. ઉપેન્દ્રભાઇએ અને કશિશે મળીને બધાને પાણી આપ્યુ. ઉપેદ્રભાઇના દાદા હજુ પૂજા કરતા હતા એટલે બધા ત્યાં સુધી બેઠા. દાદીએ ચા પાણીનો આગ્રહ કર્યો પણ બધાએ ના પાડી. થોડીવાર પછી ઉપેન્દ્રભાઇના દાદા જ્યોતિન્દ્ર શાસ્ત્રી અંદરથી બહાર આવ્યા. બધાજ તેને જોઇ રહ્યા. નીચે ધોતીયુ પહેરેલુ હતુ અને ઉપર એક પીળા કલરનો ખેસ નાખેલો. મોઢા પર એક અપૂર્વ તેજ દેખાતુ હતુ. કપાળમાં ત્રિપુંડ અને હાથ પર ભસ્મ લગાવેલી હતી તથા કપાળમાં ચંદનનું તિલક કરેલુ હતુ. આ બધા કરતા પણ આટલી મોટી ઉંમરે પણ તેની શારીરિક સ્ફૂર્તિ પચાસ વર્ષના વ્યક્તિ જેટલી હતી. તેને જોતાજ બધા ઊભા થઇ ગયા અને વારાફરતી બધાજ પગે લાગ્યા. તેના ચહેરા પર એક અદભુત નિખાલસ સ્મિત વિલસતું હતું. તેણે એક ખુરશી પર સ્થાન લીધું અને ઉપેન્દ્રભાઇ સામે જોઇને “બોલ્યા શું દીકરા શું ચાલે છે? બધા મજામાને?”

“હા દાદા, બધાજ મજામાં છે. યાજ્ઞીક અને ઉર્જા તમને ખૂબ યાદ કરે છે.”

“ હા તેને તો મને પણ મળવાનું મન થઇ ગયું છે. એમા તારી ઉર્જામાં તો મને મારી મા દેખાય છે. છેલ્લે આવી ત્યારે મારી સાથે તેણે ઘણી વાત કરી હતી. તે એકદમ તેજસ્વી છે. તેને કહેજે દાદા તને યાદ કરે છે.” આટલી વાત કરી પછી તેણે બધા સામે જોઇને સ્મિત કર્યું.

ત્યારબાદ ઉપેન્દ્રભાઇએ બધાની ઓળખાણ કરાવી અને છેલ્લે કહ્યું “અમારે તમારું થોડું કામ છે? એટલે આ મિત્ર અને તેના વેવાઇને લઇને આવ્યો છું.”

પણ દાદાનું ધ્યાન ઉપેન્દ્રભાઇ તરફ નહોતું તેનુ ધ્યાન તો નિશીથ પર કેન્દ્રિત થઇ ગયું હતું. તે જાણે ત્રાટક કરતા હોય તેમ નિશીથ સામે જોઇ રહ્યા હતા. ધીમે ધીમે તેના ચહેરા પરના ભાવ બદલાતા બધા જોઇ રહ્યા. તેણે આંખો બંધ કરી દીધી અને તેના ચહેરા પરના ભાવ બદલતા રહ્યા. એકાદ બે મિનીટબાદ બંધ આંખેજ તે બોલ્યા તેનો અવાજ સાંભળી બધા ચોકી ગયા. અવાજ એટલો ઘુંટાઇને આવતો હતો જાણે કોઇ ગુફામાંથી આવતો હોય તેવો ભારે હતો. તે બોલ્યા “ તું અહી ખોટી જગ્યાએ છે. અત્યારે તારી જરૂર તારા મૂળ સ્થાનમાં છે. જા તને ત્યાં કોઇ બોલાવે છે. તારા પર એક મોટું ઋણ છે. તારે એક મોટુ ધ્યેય સિધ્ધ કરવાનું છે. તારા માટે એક કામ રાહ જોઇ રહ્યું છે.” આટલું બોલી તે રોકાઇ ગયા અને આંખો ઉઘાડી નાખી. આ સાંભળી આખા રૂમમાં સન્નાટો છવાઇ ગયો. બધાજ દિગ્મૂઢ થઇ ગયા. થોડીવાર તો કોઇ કાંઇ બોલ્યું નહીં. બધાજ એકબીજાની સામે જોઇ રહ્યાં કોઇની હિંમત નહોતી કંઇ બોલે. છેલ્લે ઉપેન્દ્રભાઇએ હિંમત કરીને પુછ્યું “દાદા તમે આ શું બોલી રહ્યા છો? અને કોના માટે બોલી રહ્યા છો?”

“ શું બોલી ગયો તે તો મને પણ નથી ખબર. અંદરથી જે અવાજ આવ્યો તે બોલી ગયો. પણ આ બધું જે બોલ્યો તે આ છોકરા માટે બોલ્યો છું” એમ કહી તેણે નિશીથ તરફ ઇશારો કર્યો આ જોઇ બધાજ સ્તબ્ધ થઇ ગયા અને સુનંદાબેન અને નિશીથ એકબીજા સામે જોવા લાગ્યાં. “દાદા અમે તેના માટેજ તમને મળવા આવ્યા છીએ. અમારે તમને થોડી વાત કરવી છે.” એમ કહી ઉપેન્દ્રભાઇએ તેના દાદાને નિશીથ વિશે બધીજ વાત કરી. આ સાંભળી તેના દાદા થોડીવાર વિચારતા રહ્યા પછી બોલ્યા “ તમે બધા અહીં બેસો માત્ર આ છોકરો અને તેના મમ્મી પપ્પા મારી સાથે આવે” એમ કહી તે અંદરના રૂમમાં ગયા. ઉપેન્દ્રભાઇના કહેવાથી નિશીથ અને તેના મમ્મી પપ્પા તેની પાછળ ગયા. ત્રણેય અંદર દાખલ થયા એટલે દાદાએ ત્રણેયને સામે ખુરશીઓ પર બેસવાનુ કહ્યું. ત્રણેય બેઠા એટલે દાદાએ વાત કરવાની શરૂઆત કરી “જો મને ખબર છે કે હું જે કહીશ તેના પર તમને કદાચ વિશ્વાસ નહીં આવે પણ તમે મારી પાસે આવ્યા છો એટલે હું તો તમને સત્ય કહીશજ. જો અમારા જ્યોતિષમાં અમે આ ઘટનાને પિતૃદોષ કહીએ છીએ.” આટલું કહી તેણે નિશીથ સામે જોઇ કહ્યું “તને જે થાય છે તે પહેલું સ્ટેજ છે. જો હજુ તમે કંઇ નહી કરો તો આનાથી પણ ઘણી ખરાબ પરિસ્થિતિ થશે. પહેલા તમને એ સમજાવું કે આવું શું કામ થાય છે? જો તમારા પૂર્વજોની કોઇ ઇચ્છા બાકી રહી ગઇ હોય અને તે મૃત્યુ પામ્યા હોય, અથવા તમારા પૂર્વજોનું કોઇ કાર્ય અધૂરું રહી ગયું હોય અને તે મૃત્યું પામ્યા હોય. ટૂંકમાં કંઇ એવુ છે જે તમારા પૂર્વજો તમારી પાસેથી કરાવવા માગે છે, અને તેને લીધેજ તે સ્વપ્ન દ્વારા સંકેત મોકલે છે. આ પ્રથમ સ્ટેપ છે જેમા તમને સંકેત મોકલાય છે. છતા પણ જો તમે ના સમજો તો તે તમને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે જેમાં તમને અકસ્માત થાય છે અથવા તમારા સંબંધો તુટે છે અથવા ધંધામાં નુકસાની થાય છે. અને પછી આ પ્રક્રિયાના ઘણા સ્ટેપ છે પણ તું હજુ પ્રથમ સ્ટેજમાંજ છો તે સારી વાત છે.” પછી તે થોડું અટકીને બોલ્યા “કદાચ તમને મારી વાત પર વિશ્વાસ નહી આવતો હોય પણ મે આવા ઘણા કિસ્સા જોયા છે. જેને પિતૃદોષ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા બધા પ્રકારના પિતૃદોષ લખ્યા છે પણ તમારા માટે તો તેનો સંકેત ચોખ્ખો દેખાય છે કે કોઇ એવું કામ અધૂરું છે જે તારા દ્વારા પુરુ થવાનુ છે અથવા તારે પૂરું કરવાનુ છે.” આટલું કહીને દાદા રોકાયા એટલે નિશીથે પુછ્યું “આ તમારી વાત તો અમને સમજાય છે. આ પહેલા એક ફકીરે પણ આવુંજ કંઇક કહ્યું હતું. પણ અમને ખબર કેમ પડે કે એવું શું છે જે મારે પૂરું કરવાનું છે?  અને એ માટે અમારે શું કરવું જોઇએ? જેથી જે પણ આ દોષ છે તેનો ઉકેલ નીકળે. એવી કોઇ વિધિ છે જેના દ્વારા દોષ નીકળી જાય?”
આ સાંભળી દાદાના ચહેરા પર હાસ્ય આવી ગયું, અને તે બોલ્યા “ આ જ્યોતિષનો ધંધો મે ક્યારનો બંધ કરી દીધો છે. જ્યારે હું આ કરતો ત્યારે પણ મે ક્યારેય કોઇને ખોટા ગુમરાહ કર્યા નથી તો પછી આજે એવું કરવાનો કોઇ પ્રશ્ન જ નથી. એવી કોઇ વિધિ નથી કે તમે કરોને આ બંધ થઇ જાય. આ માટે તમારે એ શોધવુંજ પડશે કે એવું શું છે જેના લીધે આ સ્વપ્ન તને આવે છે. તારે તારો ભુતકાળ ખોદવો પડશે. આ બધું કરવા માટે તને આ સ્વપ્નજ રસ્તો બતાવશે.”

આ સાંભળી સુનંદાબેનને થોડો ડર લાગ્યો અને તે બોલ્યા “દાદા એતો કેમ શોધવું? અને એ શોધવા જતા નિશીથ માથે કોઇ આપત્તિ તો નહીં આવી પડેને?”

“જો દીકરી, હું કંઇ બહું મોટો ભવિષ્યવેતા નથી પણ તું એક વાત સમજ, જે શક્તિ નિશીથને સંકેત આપે છે તેજ નિશીથની રક્ષા પણ કરશે. જે ભવિષ્યમાં લખ્યુ છે તે તો બનીનેજ રહેશે. તેને હું કે તમે રોકી શકવાના નથી.”

આ છતા સુનંદાબેનને સંતોષ ન થયો એટલે તેણે પુછ્યું કે “ જો એવુ કંઇ ન કરવામાં આવે તો શું થાય?”

આ સાંભળી દાદાના ચહેરા પર એક અકળ લાગણી આવી ગઇ એ થોડું રોકાઇને બોલ્યા “ તમને  હું ગભરાવવા નથી માગતો પણ આતો તમે મારી પાસે આવ્યા છો એટલે તમને સાચી સલાહ આપી છે. જો તમે જાણવાજ માંગતા હોય કે હવે પછી શું થઇ શકે તો એના માટે અત્યાર સુધી મે જોયા તે પરથી હું કહી શકુ કે હવે પછીનું સ્ટેપ એ હશે કે તે નિશીથનો સૌથી નજીકનો કોઇ એક સંબંધ તોડશે. હવે તે ક્યો હોઇ શકે તે કહી શકાય નહીં” આ સાંભળી બધાજ ધ્રુજી ગયા અને વિચારવા લાગ્યાં કે એ ક્યો સંબંધ હોઇ શકે? સુનંદાબેનને તો ડર લાગ્યો કે ક્યાંક નિશીથ તે લોકોને તો છોડીને જતો નહી રહે ને? આ ડરને લીધે સુનંદાબેને પુછ્યું “દાદા પણ તમે એટલુ તો કહો કે અમારે શરૂઆત ક્યાંથી કરવી?” આ સાંભળી દાદાના મો પર એક સ્મિત આવી ગયું અને તે બોલ્યા “દીકરી, હું કાંઇ ત્રિકાળજ્ઞાની નથી. મારી પણ અમુક મર્યાદા છે. હું પણ તમારા જેવો માણસ જ છું. હું કેમ કહી શકુ કે તમારે ક્યાંથી શરૂઆત કરવી. તમારેજ જ નક્કી કરવુ પડશે કે ક્યાંથી તમને ભુતકાળની કોઇ કળી મળશે?” પણ એક વાત યાદ રાખજો આ કામ નિશીથે કરવાનું છે તેના બદલે કોઇ નહીં ચાલે.”

આ સાંભળી અત્યાર સુધી મૌન રહેલા સુમિતભાઇએ પૂછ્યું “ તમે ખાલી એટલુ કહી શકશો કે હવે આ કામ કરવા માટે કેટલો સમય મળશે? કે જેથી નિશીથને કોઇ નુકસાન નહીં થાય?”

“જો આ કોઇ પીક્ચર નથી કે બધુ સ્પષ્ટ હોય પણ આ જે શક્તિ છે તે બધુજ જાણે છે તમે જેવા તે દિશામાં આગળ વધશો કે તે તમને મદદ કરશે અને પછી તે કોઇ નુકસાન નહીં પહોંચાડે.”

ત્યારબાદ કોઇ કંઇ બોલ્યુ નહીં એટલે દાદા ઊભા થયા અને સાથે બીજ બધા પણ ઊભા થયા અને બહારના રૂમ તરફ ગયાં.

------------*************------------------***************------------------------

સુરસિંહે પાછળ ફરીને જોયું તો એક માણસ તેના તરફ હસતો ઊભો હતો. સુરસિંહને તેની ઓળખાણ પડી એ સાથેજ ઉભો થઇ ગયો અને બોલ્યો “અરે વિરમ તું, અહીં ક્યાંથી?” પણ વિરમ તો કંઇ બોલ્યા વિના તેને ભેટી પડ્યો. સુરસિંહને આવીતો આશાજ નહોતી કેમકે જેલમાં આ વિરમ તેને ક્યારેય મળવા આવ્યો નહોતો. વિરમ પર તેને ખુબ ગુસ્સો હતો કેમકે વિરમને બચાવવા સુરસિંહે પોતાના પર આરોપ લઇ લીધો હતો અને આ વિરમતો તેને વિસ વર્ષ સુધી ક્યારેય મળવા અવ્યો નહોતો. અને આજે તે અચાનક કેમ મળી ગયો? આ યાદ આવતાજ સુરસિંહના મો પર ગુસ્સો આવી ગયો અને તેણે વિરમને પોતાનાથી દૂર કરી દીધો. વિરમને પણ તેનો આ ગુસ્સો સમજાઇ ગયો હતો. એટલે તેણે સુરસિંહને કહ્યું “તારો ગુસ્સો હું સમજુ છું, પણ પહેલા મારી આખી વાત સાંભળી લે પછી તને ઠીક લાગે તેમ તુ કરજે. હું તારો ઋણી છું. તુ જે કહીશ તે મને કબુલ હશે.” આ સાંભળી સુરસિંહ થોડો કુણો પડ્યો એટલે વિરમે તેને કહ્યું “ચાલ મારી સાથે હું તને બધુજ કહું છું” એમ કહી તે સુરસિંહનો હાથ પકડી બહાર લઇ ગયો. અને પછી વિરમના બાઇક પર બંને ત્યાંથી નીકળી ગયા. આ બંનેને જતા જોઇને સામે ઊભેલા એક માણસે ફોન કર્યો અને તેના માલીકને કહ્યું “તમારો શક સાચો છે તે બંને હમણાજ અહીંથી નીકળ્યા. હવે શું કરવું છે?” ત્યારબાદ સામેથી જે કહેવાયું તે સાંભળી તેણે બાઇક ચાલુ કરી અને વિરમનું બાઇક જે દિશામાં ગઇ હતી તે દિશામાં જવા દીધી. તે બે પાંચ કિલોમિટર સુધી ગયો પણ તેને રસ્તા પર ક્યાંય પણ વિરમની બાઇક દેખાઇ નહી એટલે તે ગુચવાઇ ગયો. તે ઘણા આગળ સુધી જોઇ આવ્યો પણ ક્યાંય તેને વિરમની બાઇક નજરે ચડી નહી. તેણે એકજ રસ્તા પર ત્રણ ચાર આટા માર્યા પણ કોઇ ક્યાંય નજરે ન પડ્યું. થોડીવાર બાદ તે કંટાળ્યો પણ તેની હિંમત ન થઇ કે ફોન કરી જાણ કરે કારણ કે તે જાણતો હતો કે સામેની વ્યક્તિ જો ગુસ્સે થશે તો તેનું આવી બનશે. તેણે બાઇક ઊભી રાખી અને વિચારવા લાગ્યો કે તેને એટલી વારમાં તે લોકો ક્યાં ગાયબ થઇ ગયાં? પણ તેને નહોતી ખબર કે વિરમે જાણી જોઇને તેનો પીછો છોડાવવા માટે રસ્તાની બાજુમાં એક ઝાડીમાં બાઇક છુપાવીને ઊભુ રાખી દીધુ હતુ. જેવો તે રસ્તા પરથી નિકળ્યો એટલે વિરમે બાઇકને ખેતર તરફ મારી મુક્યું. વિરમે પાંચ દશ કિલોમીટર બાઇક ચલાવ્યું અને એક ખેતરમાં રહેલ ઓરડી પાસે બાઇક ઊભી રાખી એટલે સુરસિંહ બાઇકમાંથી નીચે ઉતર્યો. વિરમે બાઇકને ઓરડીની પાછળ એવી રીતે મૂકી દીધી કે જેથી રસ્તેથી જતા કોઇને પણ તે દેખાઇ નહી. ત્યારબાદ વિરમે ઓરડી ખોલી એટલે બંને અંદર દાખલ થયા. અંદરના રૂમમાં એક ખાટલો અને ખુરશી સિવાય કંઇજ નહોતું. આખા રૂમમાં ટાઇલ્સ મારેલી હતી આ જોઇ સુરસિંહને નવાઇ લાગી કેમકે આવા ઓરડામાં લગભગ બધેજ નીચે સીમેન્ટનું અથવા તો સાદુ ભોય તળીયુજ હોય છે.જ્યારે અહીં આટલી સરસ ટાઇલ્સ મારી હતી. તે વિચારતો હતો ત્યાં સુધીમાં તો વિરમે ખાટલો ઉચો કરી અને નીચે રહેલી ટાઇલ્સમાંથી એક ટાઈલ્સ ઉંચકી અને ટાઇલ્સની નીચે રહેલી દોરી પકડીને ખેચી એ સાથે જ નાનો દરવાજો સરકીને સાઇડમાં જતો રહ્યો અને અંદર નીચે જવાના પગથીયા નજરે પડ્યા. આ જોઇ સુરસિંહતો આશ્વર્ય ચકિત થઇ ગયો અને વિરમની સામે જોઇ રહ્યો. તેને બે ઘડી તો એવો પણ વિચાર આવી ગયો કે આ વિરમ ક્યાંક મને અહી ફસાવી તો નહીં દેવા માંગતો હોય. પણ પછી તેને પોતાનેજ આ વિચાર પર હસવુ આવી ગયુ કે હવે મારી પાસે એવુ શું છે કે આ મને ફસાવે. સુરસિંહને એકધારો આમ તાકી રહેલો જોઇ વિરમે હસતા કહ્યું “ ચાલો ચાલો અંદર તમારા બધાજ પ્રશ્નોના જવાબ આપવાજ તો તમને અહીં લઇ આવ્યો છું.” આ સાંભળી સુરસિંહ પગથીયા ઉતરી અંદર ગયો એટલે વિરમ પણ તેની પાછળ અંદર આવ્યો. વિરમે અંદર આવી ઉપરથી દરવાજો પાછો હતો તેમ ગોઠવી દીધો અને પછી બાજુમાં રહેલ એક સ્વિચ દબાવી જેનાથી ઉપર રહેલ ટાઇલ્સ અને ખાટલો પાછા મુળ સ્થિતિમાં આવી ગયા. સુરસિંહ પગથીયા ઉતરી નીચે ગયો અને નીચે રહેલ રૂમમાં તેની નજર પડી એ સાથેજ તેના આશ્ચર્યનો પાર ન રહ્યો.

----------------*****************------------------**************------------------- વિરમ શું કામ સુરસિંહને આ જગ્યા પર લઇ આવ્યો? વિરમ અને સુરસિંહનો પીછો કોણ કરી રહ્યું છે અને શુ કામ કરી રહ્યુ છે? કૃપાલસિંહ અને ગંભીરસિંહ કોણ છે? કૃપાલસિંહ કઇ રીતે ગાંધીનગર પહોંચી ગયો? સુરસિંહ અને કૃપાલસિહને એકબીજા સાથે શું સંબંધ છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાંચી રેટીંગ ચોક્કસ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ વાંચવાની ભલામણ કરજો.                                                                                                                                            

------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલરલવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------------********************----------------------*****************---------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Jayesh Satasiya 1 માસ પહેલા

Verified icon

Nila Soni 1 માસ પહેલા

Verified icon

Sanjay Patel 1 માસ પહેલા

Verified icon

Kandhal 2 માસ પહેલા

Verified icon

Alpeshbhai Ghevariya 2 માસ પહેલા