વિષાદ યોગ- પ્રકરણ-12 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષાદ યોગ- પ્રકરણ-12

નિશીથે કશિશને વાત કરતા કહ્યું “ આજે તને એક એવી વાત કહીશ જે સાંભળીને તું કદાચ સાચી નહીં માને, પણ હું જે કહું છું તે એકદમ સત્ય છે.” એમ કહી તેણે કશિશની આંખમાં જોયું પણ કશિશની આંખમાં તેને કોઇજ ભાવ જોવા ના મળ્યો એટલે તેણે વાત આગળ વધારી “ આજથી લગભગ સાત આઠ વર્ષથી મને થોડા થોડા દિવસે એકજ સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં મને એક દ્રશ્ય વારંવાર દેખાય છે” એમ કહી નિશીથે તેને આવતા સપનાની બધી વાત કરી અને કહ્યું “ અને જ્યારથી મારા બર્થડે પર અનાથાશ્રમમાં મને પેલા બાબા મળ્યા ત્યારથી આ સ્વપ્ન રોજ આવે છે. આ સ્વપ્નથી હું એટલો ડરી જાઉં છું કે હવે મને રાત થતાજ થોડો ડર લાગવા માંડે છે.” આ વાત કહેતી વખતે કશિશે નિશીથની આંખમાં જે ડર જોયો તેનાથી વાતની ગંભીરતા તેને સમજાઇ ગઇ. પહેલા તો તેને આ વાત પર વિશ્વાસ જ નહોતો આવતો પણ વાત કરતી વખતે નિશીથના હાવભાવ અને આંખોમાં રહેલો ડર જોઇ તે સમજી ગઇ કે નિશીથ જે વાત કરે છે તે એકદમ સત્ય છે. “ તું કોઇ સારા સાઇકિયાટ્રિસ્ટને કેમ બતાવતો નથી.” કશિશે નિશીથને દિલાસો આપવા માટે કહ્યું.

“ મારી મમ્મી પોતે સાઇકોલૉજીની પ્રોફેસર છે. તેણે મારી જાણ બહાર ઘણા બધા ને કન્સલ્ટ કર્યા હતા. હું પણ જાણે મને ખબરજ નથી તેવી રીતે વર્તન કરતો જેથી તેને દુઃખ ન થાય. પણ આ બધાથી કોઇ ફેર પડ્યો નથી.”

“જો નિશીથ ચિંતા નહીં કર આપણે સાથે મળીને તેનો કોઇ હલ કાઢશું.” એમ કહી કશિશે નિશીથના હાથ પર હાથ મુક્યો અને દબાવ્યો.

“ જો આ મારા હાથ પર આ અડધા ત્રિશૂળ આકારનું ટેટું તને દેખાય છે?” એમ કહી કિશને ટીશર્ટની બાય ઊંચી કરી ખભાની બાજુમાં રહેલ ટેટું કશિશને બતાવ્યું અને કહ્યું. આ મારા હાથ પર જન્મતાની સાથેજ બનાવવામાં આવ્યું છે. મારા મમ્મી પપ્પાએ જ્યારે મને દત્તક લીધો ત્યારે પણ આ ટેટું હતુંજ અને ખાસ વાતતો એ છે કે મને સ્વપ્નમાં જે છોકરો દેખાય છે તેના હાથમાં આ ટેટું દેખાય છે.” આ સાંભળી કશિશ ચોંકી ગઇ અને બોલી.

“નિશીથ તું આ સાચુ કહે છે? મને તો આ વાત પર વિશ્વાસ આવતો નથી.” કશિશે પુછ્યું.

“ હા, કશિશ જો આ ઘટના મારી સાથે ના બનતી હોત તો મને પણ આ વાત પર વિશ્વાસ ન આવ્યો હોત. પણ મે જે તને કહ્યું તે એક સત્ય હકીકત છે.” નિશીથે કશિશને વિશ્વાસ આપતા કહ્યું.

“ઓહ તો તો નિશીથ આ તારી સાથેજ બનેલી કોઇ ઘટના છે. જે તને વારંવાર સ્વપ્નમાં આવે છે.”

“ પણ આવી તો કોઇ ઘટના મારી સાથે ક્યારેય બનીજ નથી.” નિશીથે સ્પષ્ટતા કરી.

“હું તને એમ કહેવા માગુ છું કે તું જ્યારે નાનો હતો ત્યારે તારી સાથે આવી ઘટના બની હોય અને ત્યારબાદ તારા મમ્મી પપ્પાએ તને દત્તક લીધો હોય. એ વાત તારા સ્વપ્ન દ્વારા તને યાદ આવતી હોય.” કશિશે નિશીથને સમજાવતા કહ્યું.

“ પણ જે ઘટના મારી નજર સામે બનીજ નથી તે મને કઇ રીતે સ્વપ્નમાં આવી શકે?” નિશીથે વિરોધ કરતા કહ્યું. અને આગળ બોલ્યો

“ એવુ બધું તો મૂવીમાંજ બને જ્યારે આ તો વાસ્તવિકતા છે. હું આવી બાબતમાં માનતો નથી.” નિશીથે કશિશની વાત કાપતાં કહ્યું.

“ હું તો આ તારા સપનાની વાત પણ માનતી નથી. મને તો આ વાત જ સમજાતી નથી કોઇને એકને એક સ્વપ્ન સતત કઇ રીતે આવ્યા કરે? પણ તુ કહે છે કે આ સત્ય છે. તો પછી આ પણ કદાચ સત્ય હોઇ શકે કે આ સ્વપ્ન વડે તને કોઇ મેસેજ આપવા માંગતુ હોય. અને આ સ્વપ્ન પાછળ કોઇ તો કારણ હોવુ જ જોઇએ ને બાકી આપણી સામે બનેલી ઘટના પણ આપણને ભાગ્યેજ સ્વપ્નમાં આવતી હોય તો પછી તને કેમ આ એકજ ઘટના સ્વપ્નમાં આવે છે?” કશિશે સામે દલીલ કરતા કહ્યું.

“ આ સ્વપ્ન મને ચેન લેવા દેતુ નથી. દરરોજ રાત્રે સુતી વખતે આ સ્વપ્નનો મને ડર લાગે છે. મને તો એજ નથી સમજાતુ કે આ સ્વપ્નથી કંઇ રીતે છુટકારો મેળવવો.” નિશીથે ઉદાસ થઇ કહ્યું.

“તુ શું કામ ગભરાય છે? આપણે કંઇક ઉકેલ કાઢીશું.” ત્યારબાદ બંને ત્યાથી નીકળીને ઘર તરફ ગયાં.

---------------------*************----------------*********------------------------

સુમિતભાઇએ બોલવાનુ બંધ કર્યુ એ સાથેજ વાતાવરણમાં સનાટો છવાઇ ગયો. બિનાબેન અને કિશોરભાઇ માટે આ વાત એકદમજ નવી હતી એટલે શું જવાબ આપવો તેની સમજ ન આવતા તે બંને ચુપજ બેઠા રહ્યા. સુનંદાબેન તે બંનેની મુશ્કેલી સમજી ગયા એટલે તેણે કહ્યું “ જો બિનાબેન તમારે અત્યારેજ કોઇ નિર્ણય જણાવવાની જરૂર નથી પણ તમે ઘરે વિચાર કરીને તમારો નિર્ણય અમને જણાવજો પણ મારે તમને હજુ એકવાત જણાવવાની છે તે હું તમને કહી દઉં જેથી મારા મન પરનો ભાર હળવો થઇ જાય” એમ કહી પછી સુનંદાબેને નિશીથને આવતા સ્વપ્નની અને અને તેના હાથ પર રહેલ ટેટુની બધીજ વાત કરી અને છેલ્લે કહ્યું “ હવે અમે અમારા બધાજ પના તમારી આગળ ખુલ્લા કરી નાખેલા છે. તમે દીકરીના મા-બાપ છો અને તમને દરેક વાતની જાણકારી આપવી એ અમારી ફરજ છે, જે અમે પુરી કરી. હવે તમારો નિર્ણય તમે અમને એક બે દિવસમાં જણાવજો. તમારો જે પણ નિર્ણય હશે તે અમને સ્વિકાર્ય હશે. અને એ સાથે છેલ્લી વાત હું તમને કહી દઉં છું કે કશિશ મારી દીકરી સમાન જ છે તેનું અહિત અમે કયારેય નહી થવા દઇએ એટલો તમે વિશ્વાસ રાખજો.” સુનંદાબેને વાત પુરી કરી ત્યાં નિશીથનું બાઇક ગેટમાં દાખલ થયું એટલે બધાની નજર તે તરફ ગઇ. ત્યારબાદ થોડી વાતચીત કરી કશિશ અને તેનુ ફેમીલી ત્યાંથી નીકળી ગયું. તે લોકોના જતાજ નિશીથે તેના મમ્મી પપ્પાને કશિશને કરેલી બધીજ વાત જણાવી. સુનંદાબેને પણ સામે નિશીથને બધી વાત કરી. ત્યારબાદ બધા પોતપોતાના રૂમમાં સુવા માટે જતા રહ્યાં.

---‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-----------------**********------------------------***********----------------------

તેના પછીનો એક દિવસ એમજ જતો રહ્યો. ત્રિજા સવારે સુમિતભાઇ પર કિશોરભાઇનો ફોન આવ્યો અને તેણે સુમિતભાઇને રાત્રે સહપરિવાર ભોજન પર આવવાનું આમંત્રણ આપ્યું. સુમિતભાઇએ ઘરે જાણ કરી સુનંદાબેન અને નિશીથને રાત્રે તૈયાર રહેવાનું કહી દીધું. રાત્રે 8-30 ની આસપાસ તે લોકો કશિશની ઘરે પહોંચ્યા કશિશનું ઘર રીંગરોડ પર ગોંડલ ચોકડી તરફ જતા ઉમિયાચોક પાસે આવેલ શિવમ એપાર્ટમેન્ટમાં હતું. નિશીથ અને તના મમ્મી પપ્પા કશિશની ઘરે પહોંચ્યા ત્યારે કશિશ અને તેના મમ્મી પપ્પા તે લોકોની રાહ જોઇનેજ બેઠા હતા. નિશીથનો પરીવાર ત્યાં પહોંચ્યો એટલે કિશોરભાઇ અને બિનાબેને બધાને આવકાર્યા અને કશિશ બધા માટે પાણી લઇ આવી. થોડીવાર વાતચીતબાદ બધા ડાઇનીંગ ટેબલ પર ગોઠવાયા અને જમવાનું ચાલુ કર્યું એટલે કિશોરભાઇએ વાતની શરૂઆત કરતા કહ્યું “ અમે આ બે ત્રણ દિવસ તમે કહેલી બધીજ વાત પર ઘણો વિચાર કર્યો છે અને ત્યારબાદ અમે ત્રણેય અને મારી મોટી દીકરી અને જમાઇ બધાએ મળીને નક્કી કર્યુ છે કે અમે કશિશ અને નિશીથની સગાઇ માટે તૈયાર છીએ. આ સાંભળતાજ બધાના ચહેરા પર ખુશી છવાઇ ગઇ. કશિશ અને નિશીથની આંખો મળતાજ બંનેએ આંખોથીજ ખુશીનો ઇઝહાર કરી દીધો. કિશોરભાઇએ વાત આગળ વધારતા કહ્યું “ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ કે તમે કોઇ વાત છૂપાવ્યા વિના બધીજ હકીકત જણાવી દીધી. તમારા જેવા માણસો અમારી સાથે સંબંધ બાંધવા માગે છે તે અમારા સદનસીબ કહેવાય. અમારી કશિશ ખરેખર નસીબદાર છે કે તેને આટલો સરસ પરિવાર મળે છે.” આ સાંભળી સુમિતભાઇએ કહ્યું “તમે અમારા આટલા બધા વખાણ નહીં કરો. અમે તો માત્ર અમારી ફરજ નીભાવી છે અને તેમા કંઇ મોટી ધાડ નથી મારી. દરેક માતા પિતાની ફરજ છે કે સંબંધ બાંધતા પહેલા જે કંઇ પણ સત્ય હોય તે એકબીજાને જણાવી દે. સંબંધમાં પારદર્શીતા હોય તોજ સંબંધ ટકી રહે છે. અમે તો તમારા આભારી છે કે તમે અમને કશિશ જેવી સમજુ દીકરી આપવા માટે યોગ્ય સમજો છો.”

ત્યારબાદ બધા જમીને ઊભા થયા. કશિશ અને બિનાબેન પણ રસોડાનું કામ પતાવી અને ખુરશી લઇ બેઠા એટલે કિશોરભાઇએ ફરીથી વાતની શરૂઆત કરી “ જો સુમિતભાઇ તમે ભલે અમને તમારા સમકક્ષ સમજો પણ અમે અમારી કક્ષા જાણીએ છીએ. તમે શહેરના એક પ્રખ્યાત વ્યક્તિ છો જ્યારે હું માત્ર સામાન્ય કારકુન છું. હું આર્થિક કે સામાજિક રીતે તમને પહોંચી શકુ તેમ નથી.” કિશોરભાઇને અધવચ્ચેથીજ રોકીને સુમિતભાઇએ કહ્યું “ જો કિશોરભાઇ માણસની મહાનતા પૈસા કે સ્ટેટસથી નક્કી નથી થતી. માણસના પોતાના સ્વભાવ અને વ્યવહારજ માણસની મોટાઇ નક્કી કરે છે. તમે આજ પછી આવી વાત કયારેય નહીં કરતા અને આમપણ તમારું સ્ટેટસ અમારા કરતા ઉપર છે કેમકે તમે તો અમને દીકરી આપો છો અને અમે તો તમારી સૌથી કિંમતી અમાનત તમારી પાસેથી લઇ જવાના છીએ. પોતાના જીવનની સૌથી કિંમતી વ્યક્તિ કોઇને આપી દેવી એ કાંઇ નાની સુની વાત નથી. આજ પછી આપણા સંબંધમાં વચ્ચે આ વાત ક્યારેય આવવી જોઇએ નહીં. અને બીજી વાત તમે અમને કશિશ આપી એમા બધુજ આપી દીધુ છે એ સિવાય અમારે તમારી પાસેથી કોઇ વસ્તુ જોઇતી નથી.” આમ કહી સુમિતભાઇએ કિશોરભાઇના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને હળવેથી દબાવ્યો. કિશોરભાઇએ પણ તેનો હાથ સુમિતભાઇના હાથ પર મૂકી દીધો અને બોલ્યા “ના મારે તો બે દીકરીજ છે એટલે અમે અમારાથી બનતુ બધુંજ કરશું. જેમ તમારું બધુજ નિશીથનું છે તેમ અમારૂ બધુજ આ બે બહેનોનું છે અમે અમારાથી બનશે તેટલુ ચોક્કશ કરીશું. તમારા જેવા વ્યક્તિ સાથે સંબંધ થયો તેજ અમારા અને કશિશ માટે સદનસીબની વાત કહેવાય.” ત્યારબાદ કિશોરભાઇએ બિનાબેનને ઇશારો કર્યો એટલે બિનાબેન બોલ્યા “કશિશ તમે બંને અહીં બોર થઇ જશો, જાવ ક્યાંક ફરી આવો. અમારા લોકોની વાતો તો ચાલ્યાજ કરશે.”

નિશીથ અને કશિશ બંને સમજી ગયા અને બહાર ફરવા નીકળી ગયા. તેના ગયા પછી કિશોરભાઇએ કહ્યું “ સુમિતભાઇ મારે તમને એક વાત કરવી છે પણ કંઇ રીતે કહું તે સમજાતી નથી. મને ડર છે કે તમે વાત સાંભળી અમારા વિશે કંઇક ઉલટૂ વિચારી લેશો.”

“ અરે કિશોરભાઇ હવે આપણે સંબંધથી જોડાવા જઇએ છીએ ત્યારે તમારે જે પણ કહેવુ હોય તે ખુલ્લા દિલથી કહી દો અમને કંઇ ખોટું નહી લાગે.” સુમિતભાઇના શબ્દોથી કિશોરભાઇને કહેવા માટેની હિંમત મળી એટલે તેણે વાત કરવાની શરૂઆત કરી “ તમે મને તે દિવસે નિશીથના સ્વપ્ન વીશે વાત કરી હતી. તે વાત મે નિશીથના નામ લીધા વિના મારા સ્ટાફમેમ્બર અને ફેમિલી ફ્રેન્ડ એવા ઉપેન્દ્ર શાસ્ત્રીને કરી તો તેણે મને જે કહ્યું તે હું તમને કહેવા માગુ છું. આ વાતમાં મને પણ પૂરેપૂરો વિશ્વાસ નથી. પરંતુ આ એક છેલ્લા ઉપાય તરીકે એક વાર પ્રયત્ન કરી લેવા જેવો છે. આમ પણ તમે મેડિકલી તો બધાજ પ્રયત્ન કરી લીધા છે તો આ એક પ્રયત્ન પણ કરી લઇએ.” આટલું બોલી તે સુમિતભાઇનો પ્રતિભાવ સાંભળવા થોડુ રોકાયા.

“હવે નિશીથ અને કશિશ બંને પર આપણા બંનેનો સમાન અધિકાર છે એટલે તમે જે પણ કહેવા માંગતા હોય તે નિસંકોચ કહો.” આ સાંભળી કિશોરભાઇ કહ્યું “ ઉપેન્દ્રએ મને કહ્યુ કે તેના દાદા જ્યોતિન્દ્ર શાસ્ત્રી જ્યોતિષશાસ્ત્રના ખુબ મોટા અભ્યાસી અને નિષ્ણાંત છે. તેણે ઘણી બધી જ્યોતિષને લગતી બૂકો પણ લખી છે અને તેનું ઘણું મોટું નામ છે. વિદેશથી છેક તેને મળવા લોકો આવે છે. નિશીથ જેવોજ એકાદ કિસ્સો તેણે તેના દાદા પાસે આવેલો જોયો હતો અને તેના દાદાએ તેનું નિરાકરણ પણ આપ્યું હતું. આ વાતને ઘણા વર્ષ થઇ ગયા છે અને તેના દાદાએ હવે જ્યોતિષનું કામ પણ ઉંમરને લીધે બંધ કરી દીધુ છે. પણ જો આપણી ઇચ્છા તેને મળવાની હોય તો તે તના દાદાને મળવા આપણને લઇ જઇ શકે છે.” આટલું કહી કિશોરભાઇ અટક્યાં અને બોલ્યા “મને પણ આ જ્યોતિષ પર વિશ્વાસ નથી પણ, એક છેલ્લો પ્રયત્ન જો તમને ઇચ્છા હોય તો આપણે કરીએ.” આટલું બોલી કિશોરભાઇએ રોકાયા.

“ જો અમે આ બાબતે ઘણા પ્રયત્ન કરી જોયા છે પણ બધાજ નિષ્ફળ ગયા છે. તમે કહો છે તે વિશે તો અમે હજુ સુધી ક્યારેય વિચાર્યુજ નથી, છતા અમે નિશીથને પૂછીને કાલે જવાબ આપશું.” સુમિતભાઇએ કહ્યું અને સુનંદાબેન સામે જોયુ એટલે સુનંદાબેન બોલ્યા “ જો કિશોરભાઇ અમે તમારી લાગણીની કદર કરીએ છીએ. અમે ઘણા બધા સાઇકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કર્યા છે પણ પરિણામ હંમેશા શુન્યજ આવ્યુ છે. તમે કહોછો તે બાબતે તો અમે કોઇ દિવસ વિચાર્યુજ નથી. હું તો માનુજ છુ કે જ્યોતિષ સાવ હંબગ વાત નથી. તેમાં પણ વિજ્ઞાન અને ગણીતનો ઉપયોગ થાય છે. આજકાલ બધા ખોટા લોકો વધી ગયા છે અને તે લોકોને ગેરમાર્ગે દોરે છે એટલે જ્યોતિષ ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. અત્યારે સાચેજ જ્યોતિષ જાણનાર વ્યક્તિઓ ઓછી છે. જો તમે કહો છો તેમ કોઇ સાચેજ જ્યોતિષનો જાણકાર હોયતો તેની સલાહ લેવામાં કંઇ ખોટુ નથી. છતા અમે નિશીથ સાથે વાત કરીને તમને જણાવીશું.” ત્યારબાદ નિશીથ અને કશિશ આવ્યા એટલે નિશીથ અને તેનો પરિવાર ઘરે જતા રહ્યાં.

------------------****---------*****------------------------------********-------

સુરસિંહ એક બે દિવસ તો ઘરની બહાર ન નિકળ્યો પણ પછી તેને થયું કે આમ તો લાંબો સમય કયાં સુધી ખેંચાશે? કઇક કામ કરવુજ પડશે નહીંતર જિવન નિર્વાહ કયાંથી થશે? પણ શું કામ કરવું? આ ગામમાં તો હવે તેને કોઇ કામ આપશે નહીં. જો સાહેબને મળું તો કંઇક ઉકેલ નીકળે પણ સાહેબ તો ગાંધીનગર છે. તેને મળવા કેમ જઉં? અને ત્યાં જઉં તો પણ તે મને મળશે કે નહીં તે ક્યાં નક્કી છે. તો હવે શું કરવુ? અચાનક તેને વિચાર આવ્યો કે ચાલ ગંભીરસિંહને મળુ તે કંઇક મદદ ચોકસ કરશે. સુરસિંહ જાણતો હતો કે ગંભીરસિંહ બીજાના દેખતા તો તેને ક્યારેય નહીં મળે એટલે તેણે રાત્રે જ ગંભીરસિંહને મળવા જવાનું વિચાર્યુ. તેને પોતાના કરેલા કર્મ પર હવે ખૂબ પસ્તાવો થતો હતો. તેને હજુ પણ આચાર્યનો ચહેરો સામે દેખાતો હતો. જેલમાં આટલા વર્ષના અનુભવ પછી હવે તો તે ચોક્કસ માનવા લાગ્યો હતો કે તેણે કરેલા કર્મનોજ આ બદલો તેને મળી રહ્યો છે. આ વિચાર આવતાજ તેને આ બની બેઠેલા સાહેબ કૃપાલસિંહ પર ગુસ્સો આવ્યો અને તેના મનમાં ફરીથી વિચારોનું ધમસાણ મચ્યું. હવે તે આ વિચારોથી ખૂબજ ત્રાસી ગયો હતો. તેણે આ વિચારને હડસેલવા માટે તે ઊભો થયો અને ઘરને લોક કરી ગામમાં નિકળ્યો. ગામમાં હવે તેને ઓળખનારા ઓછા હતા. જે યુવાનો હતા તેતો તેને ઓળખતાજ નહોતા અને જે ઓળખતા હતા તેમા પણ કોઇ તેને બોલાવે તેની સંભાવના નહીવત હતી. જ્યારે તમે સફળ હોવ છો ત્યારે બધા તમારી સાથેના સંબંધ યાદ કરાવે છે અને નિષ્ફળતા મળતાજ તે બધા આ સંબંધો ભૂલી જાય છે. સુરસિંહ પણ આજે ગામમાં નિકળ્યો હતો અને તેને પણ કોઇ બોલાવવાવાળું ન હતુ. તેણે છેલ્લા ઘણા સમયથી કશું ખાધુ નહોતુ એટલે તે બસસ્ટેન્ડ પાસે આવેલ એક ફરસાણની દુકાનમાં ગયો અને નાસ્તો કરવા બેઠો. તે નાસ્તો કરતો હતો ત્યાંજ તેના ખભા પર કોઇએ પાછળથી હાથ મૂક્યો. સુરસિંહ પાછળ જોયું અને પાછળ ઉભેલી વ્યક્તિને જોઇ તે ચોંકી ગયો.

-----------------------------*******************------------------------------------

શું નિશીથ જ્યોતિષશાસ્ત્રીને મળવા તૈયાર થશે? સુરસિંહના ખભા પર હાથ મૂકનાર કોણ છે? કૃપાલસિંહ અને ગંભીરસિંહ કોણ છે? કૃપાલસિંહ કઇ રીતે ગાંધીનગર પહોંચી ગયો? સુરસિંહ અને કૃપાલસિહને એકબીજા સાથે શું સંબંધ છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાંચી રેટીંગ ચોક્કસ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ વાંચવાની ભલામણ કરજો.

------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------------********************----------------------*****************---------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM