નો રીટર્ન-૨ ભાગ-૬૩ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૬૩

નો રીટર્ન-૨

ભાગ-૬૩

ગુફામાં ઘોર અંધારું હતું. મેં મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલું કરી. અમારા કોઇનાં મોબાઇલ અહીં ચાલતાં નહોતાં પરંતુ જ્યાં સુધી બેટરી ખતમ ન થાય ત્યાં સુધી તેનાથી આ કામ લઇ શકાતું હતું અને અહીનાં ફોટા પાડી શકાતાં હતાં. ક્રેસ્ટો સાવધાનીથી તેનું માથું સંભાળતો મારી પાછળ અંદર ઘૂસ્યો. ગુફા ખાસ્સી ઉંડી જણાતી હતી. અંદર પણ જાતભાતની વનસ્પતીઓનું સામ્રાજ્ય છવાયેલું હતું. વર્ષોથી અછૂત રહેલી ગુફામાં બંધીયારપણાંની દુર્ગંધ ફેલાયેલી હતી. મને ખ્યાલ નહોતો આવતો કે અહીં અમે કેવી રીતે રહીશું...! આવી વિચિત્ર જગ્યામાં કેટલાં પ્રકારની જીવાતો પનપતી હશે એ કળવું મુશ્કેલ હતું અને એનાથી બચવું તો ઓર વધુ મુશ્કેલ હતું. છતાં દાદાએ આ ગુફાનું વર્ણન કર્યું હતું એટલે તેને તપાસવી જરૂરી હતી.

ઘણે અંદર સુધી ચાલ્યા બાદ હું અટક્યો. ગુફા હજું આગળ ઉંડી જણાતી હતી. અમેઝનનાં જંગલો વિચિત્રતાઓથી ભરેલાં છે એની પ્રતિતી આ અચાનક જડેલી ગુફાથી થતી હતી. મને આગળ વધવું ઉચીત લાગ્યું નહી કારણકે સાવ અજાણી જગ્યા મને ડરાવતી હોય એવો અહેસાસ થયો. અમે ગુફામાંથી બહાર નિકળી આવ્યા અને ક્રેસ્ટોને મેં બધાને બોલાવી લાવવાં મોકલ્યો.

@@@@@@@@@@@@

બપોર ઢળતાં સુધીમાં ગુફા અમારા રાતવાસા માટે યોગ્ય બની ગઇ હતી. બધાંએ ભેગા મળીને શક્ય એટલી મહેનતથી ગુફામાં સફાઇ આદરી હતી અને પછી તંબુ નંખાયા હતાં. અનંત સુધી ઉંડી જણાતી ગુફામાં જગ્યાની કમી નહોતી ઉપરાંત મારી ધારણાં વિરુધ્ધ કોઇ ખતરનાક જીવાતો પણ દેખાઇ નહીં એટલે મને હાશકારો થયો. પણ ત્યારે ખબર નહોતી કે એ હાશકારો ક્ષણજીવી નિવડવાનો છે..!

રાત બહું જલ્દી ઢળી હતી. સાંજનાં છ વાગતાં તો સૂર્યનાં કિરણોએ વિદાય લીધી હતી અને અંધકારનો કાળો ઓછાયો જંગલ ઉપર ઉતરી આવ્યો હતો. કાર્લોસ અને તેની ટીમ પૂરતાં બંદોબસ્ત સાથે આવી હતી એટલે અમને બીજી કોઇ મુશ્કેલીઓ નડવાની નહોતી. મહીનો દિવસ ચાલે એટલાં તૈયાર ફૂડ પેકેટ્સ, રાતમાં અજવાળું કરવાની ઇમ્પોર્ટેડ લોંગલાસ્ટીંગ બેટરીઓ અને એવી તો બીજી કેટલીય ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો અમારી સાથે હતો. બધાંએ ભેગા મળીને રાતનું જમવાનું પતાવ્યું. હવે આવતીકાલ સવારની રાહ જોવાં સીવાય બીજું કંઇ કરવાનું નહોતું એટલે કોઇ પોતાનાં ટેન્ટમાં ઘૂસી ગયું તો કોઇ બેટરી હાથમાં લઇને ગુફાનો જાયજો લઇ રહ્યું હતું. બહાર નિકળી શકાય એમ નહોતું કારણકે અમારી ધારણાં મુજબ ફરીથી ધીમો-ધીમો વરસાદ વરસવો શરૂં થયો હતો.

હું મારા ટેન્ટમાં આડો પડયો. ભાવહીન ચોરસ ચહેરાંવાળો ક્રેસ્ટો હવે સંપૂર્ણ સફર દરમ્યાન મારી સાથે જ રહેવાનો હોય એમ મેં કહ્યું નહી છતાં અમારા નાનકડા અમથાં તંબુમાં ઘૂસી આવ્યો હતો. ખબર નહીં કેમ પણ મને હવે તેને જોઇને અનુકંપા ઉપજતી હતી. કોઇ વ્યક્તિ ગમે એટલો શક્તિશાળી કેમ ન હોય, પણ તેનામાં જો કોઇ ખોડખાંપણ હોય તો એનો ભાર તેં જીંગદીભર વેંઢારતો હોય છે. ક્રેસ્ટોનું પણ એવું જ હતું. અસીમ તાકાતનો તે માલીક હતો છતાં તેનો પહાડ જેવો ઉંચો દેહ અને ઘાટઘૂટ વગરનો ચોરસ ચહેરો તેને ઉદાસ કરતો હશે, અને એટલે જ તે આટલો ખૂંખાર બન્યો હશે. ખેર... મને તેની સાથે કોઇ મતલબ નહોતો. હું ઇચ્છતો હતો કે અમારી આ સફર જલ્દી ખતમ થાય અને હું અનેરીને લઇને હંમેશને માટે દુનિયાની કોઇ સુંદરતમ જગ્યાએ ચાલ્યો જાઉં...! અથવા તો અમારા ઇન્દ્રગઢની પટરાણી બનાવીને સુખેથી આયખું વિતાવી દઉં...! મારા દિવાસ્વપ્નોથી મને ખુદને જ હસવું આવ્યું. મને હસતો ભાળી ક્રેસ્ટોએ તેની ઝીણી આંખો મારી સામે તગતગાવી. તે અડધો તંબુમાં અને અડધો તંબુની બહાર હતો. તેનું માથું અને ધડ જ તંબુમાં માંડ સમાયું હતું, કમર નીચેનો સંપૂર્ણ ભાગ તો બહાર જ રહેતો હતો. એવું લગતું હતું જાણે મારી પડખે કોઇ અડધો માનવી સુતો છે. મારું હાસ્ય એ જોઇને ઓર પહોળું થયું.

@@@@@@@@@@@@@

લગભગ અડધી રાતે તંબુમાં કંઇક સળવળાટ થયો હોય એવું મેં અનુભવ્યું. પડખું ફેરવીને બાજુમાં સુતેલાં ક્રેસ્ટો તરફ જોયું. તંબુનાં એક ખૂણે સળગતી બેટરીનાં પ્રકાશમાં ક્રેસ્ટોનો ચહેરો કોઇ આદિમાનવ જેવો ડરામણો ભાસતો હતો. સળવળાટનો અવાજ એ તરફથી જ આવ્યો હતો. થોડીજવારમાં જ મને ખ્યાલ આવ્યો હતો કે ક્રેસ્ટો ઉંધમાં જ હલતો હતો. તંબુની બહાર નિકળેલાં તેનાં પગમાં કોઇક સુંવાળા હાથે ગીલીગીલી કરતું હોય એમ તેનાં પગ સળવળતા હતાં. મને તાજ્જૂબી થઇ. કાંડે બાંધેલી ઘડીયાળમાં સમય જોયો તો અડધી રાત વિતીને ત્રણ વાગવા આવ્યા હતાં. આટલી મોડી રાતે કોઇને વળી ક્રેસ્ટો સાથે શું ગમ્મત સૂઝી હશે..? પણ, એ કોઇ ગમ્મત નહોતી એની થોડીવારમાં જ મને ખબર પડી હતી. એક લાંબો.. લાલ ચટ્ટક.. હજાર પગ વાળો કાનખજૂરો ક્રેસ્ટોનાં પગ ઉપર રેંગતો તંબુની આછી પડદી વટાવીને અંદર પ્રવેશ્યો. અંદર બળતાં પ્રકાશમાં તેનું લાલ માથું ઝગારા મારતું હતું. મારી આખી જિંદગીમાં મેં આટલો ભયાનક કાનખજૂરો ક્યારેય ભાળ્યો નહોતો. અંદર પ્રવેશીને એ થોડો અટકયો અને તેનાં માથે લટકતાં એન્ટેના જેવા અંગોથી તેણે આજુબાજુનાં વાતાવરણનો કયાસ કાઢયો. પણ મારા જીગરમાં હડકંપ મચ્યો હતો. એ લાંબો કાનખજૂરો ક્રેસ્ટોની જાંઘો સુધી પહોચ્યોં ત્યારે મને ભાન થયું કે મારે કંઇક કરવું જોઇએ નહિંતર એ ક્રેસ્ટોનાં શર્ટમાં ઘૂસી જશે. મેં કોઇ લાકડી જેવું શોધવા મારી આજુબાજું નજર ફેરવી. તંબુમાં એક ખૂણે ક્રેસ્ટો હંમેશા પોતાની સાથે રાખતો લાંબો, મોટા ફણાં વાળો છરો પડયો હતો. હું એ તરફ લપક્યો અને સાવધાનીથી છરો ઉઠાવ્યો. પરંતુ એકાએક જ મને લાગ્યું કે હમણાં થોડીવાર પહેલાં જે ઝીણો સળવળાટ મેં સાંભળ્યો હતો એ એકાએક જ વધી ગયો છે, અને એ આવાજ હવે મારી ચારેકોરથી આવી રહ્યો છે. જાણે તંબુની ચારેકોર કેટલાંય જંતુઓ એકસાથે ઉભરાઇ પડયા હોય એમ બધી દિશાઓમાં જબરી ધમાચકડી મચી ગઇ. મેં એકદમ હળવેથી ક્રેસ્ટોને ઢંઢોળ્યો અને ચૂપકીદીથી પેલા કાનખજૂરા તરફ લપક્યો. કાનખજૂરો હજું પણ તેનાં એન્ટેના ઘૂમાવ્યે જતો હતો. એ લગભગ ત્રણેક ફૂટ લાંબો હતો. લાંબો અને જાડો...! લાલચોળ લોહીથી ભરેલો. મારે એને મારવો નહોતો એટલે પહેલાં મેં છરાને નીચે જમીન ઉપર પછાડીને થોડો અવાજ કર્યો કે જેથી ડરીને એ ભાગી જાય. પરંતુ અવાજ થવાથી ઉલટાનો એ આગળ વધ્યો અને તેણે ક્રેસ્ટોને કરડવા મોઢું ખોલ્યું. મારા માટે એ કટોકટીની ક્ષણ હતી. ક્ષણનાં ચોથાભાગમાં મારા હાથે હરકત કરી નાંખી અને છરો ઉંચકાઇને સીધો જ કાનખજૂરાનાં મોઢાનાં ભાગે અથડાયો હતો. છરાની તીક્ષ્ણ ધારથી એક જ ઝાટકે કાનખજૂરાનું ડોકું તેનાં ધડથી અલગ થઇ ગયું અને તેમાંથી જબરજસ્ત ફોર્સમાં લોહીનો ફૂવારો ઉડયો.

એ લોહીની ધારમાં ક્રેસ્ટો આખો નહાઇ ઉઠયો. તેનાં ગળા સુધી લોહી ઉડયુ હતું. મારા ઢંઢોળવાથી જાગીને કંઇ સમજે એ પહેલાં તો તેની છાતી અને પેટ લોહીથી ખરડાઇ ઉઠયું હતું. એ જોઇને જિંદગીમાં પહેલીવાર કદાચ તેનાં ચહેરાની રેખાઓમાં આશ્વર્ય ઉભર્યું હશે.

“ ક્રેસ્ટો... ભાગ અહીથીં...!! “ લગભગ ચીખતા શ્વરે મેં બુમ પાડી અને સાથોસાથ તંબુનો પરદો ખસેડીને બહાર લપક્યો. પરંતુ... બહારનું દ્રશ્ય અંદર કરતાં પણ વધું ડરામણું હતું. ગુફામાં કાનખજૂરાઓનો જાણે સૈલાબ આવ્યો હોય એમ એકસાથે હજ્જારો કાનખજૂરા ચારેકોરથી ઉભરાતાં હતાં. મને હવે એકધારા ઉદભવેલાં સળવળાટનો તાળો મળ્યો. તંબુની બહાર નિકળતાવેંત મારા પગ નીચે “ ફચ્ચ.. ફચ્ચ...” કરતાં કેટલાંય કાનખજૂરા કચડાઇ મર્યા. મારા પેટમાં ચૂથારો ઉપડયો. ઉબકા જેવું થવાં લાગ્યું. સમજાતું નહોતું કે આટલાં બધા કાનખજૂરા આવ્યાં ક્યાંથી..? અમે જ્યારે ગુફામાં પ્રવેશ્યા હતાં ત્યારે તો કંઇ જ નહોતું તો અડધી રાત્રે એકાએક આ સૈલાબ ક્યાંથી આવી ચડયો..? પણ એ બધું વિચારવાનો અત્યારે સમય નહોતો. આ ગુફાની બહાર સલામત રીતે નિકળવું જરૂરી હતું. મારી જેમ બધાં જ લોકો જાગી ગયાં હતાં અને ગુફાનાં મુખ તરફ નાઠા હતાં. ગુફાની ફર્શ ઉપર કાનખજૂરાઓની જાણે ચાદર પથરાઇ ગઇ હતી. દોડતાં માણસોનાં પગ નીચે ચગદાવાથી ફૂટતાં તેનાં લોહી ભરેલાં શરીરોનો અવાજ અને એ અવાજથી ઉદભવતી સૂગાળવી અનુભૂતી શબ્દોમાં વર્ણવવી લગભગ અશક્ય હતી. અડધી રાત્રે મચેલી એ ધમાચકડીથી આખું જંગલ જાણે એકાએક જાગી ઉઠયું હોય એવું પ્રતીત થતું હતું.

ગુફાની બહાર હજુંપણ અવિરતપણે વરસાદ ખાબકી રહયો હતો. અમે બહાર નિકળીને કેટલાય સમય સુધી સ્તબ્ધતામાં પલળતા ઉભા રહ્યા. અહી કાનખજૂરાનું નામોનિશાન નહોતું... અને અમારો બધો જ સામાન ગુફાની અંદર હતો.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.