નો રીટર્ન-૨ ભાગ-૬૧ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૬૧

નો રીટર્ન-૨

ભાગ-૬૧

અમારી સફરનો પહેલો પડાવ એક આદિવાસી કસ્બો હતું. પિસ્કોટાનાં પાદરીએ એ કસ્બાનાં મુખીયા ઉપર અમારી રોકાણની વ્યવસ્થા કરવાની ભલામણ કરતો પત્ર લખી આપ્યો હતો એટલે ત્યાંનાં મુખીયાએ તુરંત અમારી આગતા-સ્વાગતા આરંભી હતી. અમારા માટે ચાર ઝુંપડા જેવાં ઇંટ ગારાનાં બનેલાં કાચા મકાનો ખાલી કરાવાયા હતાં. જે રીતે મુખીયા દોડતો હતો એ જોતાં મને લાગ્યું કે પાદરીની તેની સાથે બહું સારી ઓળખાણ હોવી જોઇએ. લગભગ દસેક વાગ્યાની આસપાસ અમે પહોચ્યાં હોઇશું. અમારી સગવડતા ગોઠવાતાં અગિયાર વાગી ગયાં હતાં એ દરમ્યાન કબીલાનાં લોકોએ અમારાં માટે ભોજન બનાવ્યું હતું જે થાળે પડીને અમે આરોગ્યું હતું.

વરસાદ ક્યારનો અટકી ગયો હતો. આ કબીલો નાની એવી એક ટેકરી ઉપર સ્થિત હતો. એ ટેકરીની ટોચને થોડી સમથળ બનાવીને તેનાં ઉપર મકાનો બનાવાયા હતાં. એવું કરવાનું કારણ એ હતું કે અહીં બારેમાસ વરસાદ વરસતો રહે છે. એ વરસાદનું પાણી મકાનોમાં ભરાય નહીં અને ટેકરીનાં ઢોળાવમાં વહી જાય એવો તેનો મુખ્ય આશય હતો. આમ જુઓ તો દરેક પ્રાણી પોતાની સગવડતા અનુરૂપ વ્યવસ્થા ગોઠવતો જ હોય છે. આ કબીલાનાં માનવીઓએ પણ પોતાનાં જીવન-નિર્વાહનું સુચારું આયોજન ગોઠવ્યું હતું. પણ ખેર... અમારે તો આજની રાત જ અહી વિતાવવાની હતી. સવાર થતાં તો આગળ વધી જવાનું હતું એટલે બધાં પોતપોતાની પથારીમાં પડયા. આખા દિવસ દરમ્યાન એટલી લાંબી મઝલ કાપી હતી કે પથારીમાં પડતાં વેંત જ બધા ઉંઘી ગયા હતાં.

@@@@@@@@@@@@@@@@

બીજા દિવસની સવાર ખુશનુમાં ઉગી હતી. આગળની સફરની તૈયારીઓ કરી અમે કબીલો છોડયો હતો. કબીલાનાં મુખીયાને મેં મારા દાદાએ બનાવેલા નકશા વિશે પુંછયું તો તેણે એ બાબતે તદ્દન અજ્ઞાનતા દર્શાવી હતી. નકશામાં દોરેલા સ્થળો વિશે પણ એ કંઇ જાણતો નહોતો. મને થોડું વિચિત્ર તો લાગ્યું પણ પછી વધું માથાકુટમાં પડયા વગર આગળ વધવાનું મન બનાવ્યું હતું. આમપણ... હવે એ નકશાઓ અમારાં કોઇ કામનાં નહોતાં. આ જંગલમાં નકશા મુજબની એંધાણીઓ મળવી અને એ મુજબ યોગ્ય રસ્તે દિશા-ભાન પ્રમાણે ચાલવું એ આંધળી વ્યક્તિને મધ- દરીયે હોડીમાં એકલો અટૂલો છોડી મુકવા બરાબર હતું. છતાં એ નકશાઓ જ અમારો સહારો હતાં. એ નકશા મુજબ હવે આગળનો પોઇન્ટ લગભગ વીસેક માઇલ દૂરનો હતો. મારા દાદા ત્રણ પડાવ સુધી આવ્યા હતાં એ મને ખબર હતી પરંતુ ત્યાર પછીનાં પડાવો તેમણે ક્યા આધારે વર્ણવ્યા હતાં એ હજું સુધી મને સમજાયું નહોતું. એ એક રહસ્ય તો હતું જ..!

કબીલાનો ઢોળાવ ઉતરીને અમે વળી પાછા જંગલમાં દાખલ થયાં. પેલાં મુખીએ અમને ચેતવ્યા હતાં કે આગળ એક નદી આવે છે જે અમારે પાર કરવાની હતી. એ નદીમાં મગરમચ્છો અને ઝેરીલો સાપોનું સામ્રાજ્ય છે એટલે પુરી સાવધાની વર્તીને આગળ વધવું. જો સહેજપણ ગફલતમાં રહ્યા તો એ જળચરોનો કોળીયો બનતા વાર નહીં લાગે. આ એક નવી મુસીબત હતી. છોકરીઓ તો એ સાંભળીને જ ડરી ગઇ હતી. પરંતુ આવી તો કેટલીયે ખતરનાક પરિસ્થિતિઓનો સામનો અમારે કરવાનો હતો. એ જોખમ વિશે અમે સંપૂર્ણપણે માહિતગાર હતાં એટલે જ તો આ સફર શરૂ કરી હતી. એટલે ડરવાનો કે પાછીપાની કરવાનો હવે સવાલ જ ઉદભવતો નહોતો.

વરસાદ ગઇ રાતનો થંભી ગયો હતો એ ગનીમત હતું. કાફલામાં સૌથી આગળ પેલા આદિવાસી માણસો ઘોડાઓને દોરતા ચાલતાં હતાં. તેની પાછળ જોસ એક ઘોડા ઉપર સવાર હતો. પછી એના અને કાર્લોસની સાથે અમે ત્રણેય હતાં અને સૌથી છેલ્લે કાર્લોસનાં માણસો ચાલતાં હતાં. ક્રેસ્ટો કોઇ આદિમાનવની જેમ પોતાનાં પાવડા જેવા હાથ વડે તેનાં રસ્તામાં આવતા ઝાડવાઓને સાફ કરતો આગળ વધતો હતો. તે એટલો ઉંચો હતો કે તેનું માથું વારેવારે વૃક્ષોની ડાળીઓમાં ભરાઇ જતું હતું. મને એ જોઇને રમુજ થતી હતી અને સાથોસાથ તેનો ડર પણ લાગતો હતો. જોકે... બીજો એક ખતરો અમારી પાછળ આવી રહયો હતો એનાથી અમે બધાં બેખબર હતાં. ક્લારા અને રોગન બહું ઝડપ અમને આંબી જવાનાં હતાં. ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે એની તો કલ્પનાં પણ અમે કરી નહોતી.

પણ... એ પહેલાં અમારે નદી પાર કરવાની હતી.

@@@@@@@@@@@@@@@@@

એમેઝોનમાં મોટાભાગની નદીઓને સ્પષ્ટ કિનારા હોતાં નથી. જંગલની ઘાટીઓ પછી તરત જ નદી શરૂ થઇ જતી હોય છે. ઉપરાંત આ નદીઓનું પાણી પણ ડહોળુ હોય છે કારણકે અહી જમીનની માટી ધોવાઇને પાણીમાં ભળે એટલે માટી જેવા કલરની હોય, નદીનું પાણી પણ એવા જ કલરનું થઇ જાય છે.

અમારી સામે એવી જ એક ડહોળી નદી હતી. કીનારે ઉગેલા મેંગ્રુવનાં જંગલ વચાળેથી રસ્તો કરી અમે નદી કાંઠે આવ્યાં. કીનારો દલદલ આચ્છાદીત હતો. અમારા પગનાં પંજા એ દલદલમાં ધસતાં જતાં હતાં. દલદલ ઉપર ઉડતાં મચ્છરોનો ભયાનક ગુંજરાવ ભર તડકે અમારા કાનોમાં અફળાતો હતો. જો એમાંથી એકાદ મચ્છર પણ કરડી જાય તો ત્યાં મોટું ઢીમચું ઉપસી આવતું હતું. કદાચ એનાથી મલેરીયા અથવા કોઇ નવીન પ્રકારની બિમારી લાગું પડવાનો ડર પણ હતો. અમે બધાએ અહીનાં મચ્છરો અને બીજી જીવાતોથી બચવા શરીરે લોશન તો લગાવ્યું જ હતું પરંતુ એ કીમીયો કેટલો કારગત નિવડશે એ અમે નહોતાં જાણતાં.

મારી નજરોની સામે પીળા રંગની નદી વહેતી હતી. પાણી કેટલું ઉંડું હશે એનું અનુમાન લગાવી શકાતું નહોતું, પણ આ નદી અમારે ઓળંગવાની હતી. પેલાં મુખીએ અમને સચેત રહેવા જણાવ્યું હતું એટલે એક ડર બધાનાં મનમાં ધબકતો હતો કે ક્યાંક કોઇ મગરમચ્છ કે એનાકોન્ડા જેવા સર્પનો શિકાર ન બની જવાય..! એથી પણ મોટો પ્રશ્ન એ હતો કે નદીમાં પહેલાં કોણ ઉતરે...? સામે ચાલીને મોતને વહાલું કરવા કોઇ તૈયાર નહોતું. બધા ક્યાંય સુધી એકબીજાનું મોઢું તાકતાં ઉભા રહયા પણ કોઇ આગળ વધવાની હિંમત દાખવતું નહોતું. આખરે કાર્લોસે જ આગળ આવવું પડયું અને તેણે અમારી સાથે આવેલાં પેલાં ત્રણ આદિવાસીમાંથી એકને નદીમાં જવાં હુકમ કર્યો. પેલો ફફડી ઉઠયો.. ! એ ત્રીસેક વર્ષનો જૂવાનજોધ આદમી હતો. તેનાં ચહેરાની કાળી ચામડી ઉપર અજાણ્યા ડરનો સાયો પથરાયો પણ આ જંગલનો તે ભોમીયો હતો એટલે નદીમાં ક્યારે ઉતરવું જોઇએ એની સમજ તેનામાં હતી. તે આગળ થયો અને ઘડીક સામે વહેતાં પાણીની રૂખ ઓળખવામાં પરોવાયો. તેની ઉંડી ઉતરી ગયેલી ફીક્કી આંખો ચળક-વળક ફરતી ચારેકોરનો જાયજો લઇ રહી હતી. પાણીમાં કોઇજ પ્રકારની હલચલ તેને વર્તાઇ નહીં ત્યારે સાવધાનીથી તે પાણીમાં ઉતર્યો. તેનાં હદયની ધડકનો તેજીથી ચાલતી હતી. નદીનો પટ બહું લાંબો નહોતો. મુશ્કેલીથી પચાસેક ફૂટ પછી સામો કાંઠો આવી જતો હતો...અને પાણી પણ બહું ઉંડું ન નિકળ્યું. નદીની મધ્યમાં તેની છાતી સુધી પાણી આવતું હતું અને પછી આગળ વધતાં ઓછું થતું ગયું હતું. તે રાશ પકડીને એક ઘોડાને પોતાની સાથે લઇ ગયો હતો. એ મુંગું જાનવર પણ ગભરાતું હતું પરંતુ છેક સામે કીનારે બહાર નિકળ્યા ત્યાં સુધી કોઇપણ પ્રકારનો ખતરો તેને જણાયો નહી એટલે વધું ઉછાળા માર્યા વગર તેણે તરીને નદી પાર કરી નાંખી હતી.

એ આદિવાસી હેમખેમ સામે કાંઠે પહોંચી ગયો હતો. તેણે હાથ હલાવી અમને સંકેત આપ્યો એટલે એક પછી એક અમે બધાં ખામોશીથી પાણીમાં ઉતર્યા. ધબકતાં હદયે હું પણ પાણીમાં ઉતર્યો. અનેરી અને એના એકબીજાનો હાથ પકડીને મારી આગળ ચાલતાં હતાં. મારી પાછળ વિનીત હતો અને પછી હાથમાં રાઇફલ લઇને સાવધાનીથી આજુબાજુનું નિરિક્ષણ કરતાં કાર્લોસનાં માણસો આવતાં હતાં. દરેક વખતની જેમ છેલ્લે ભીમકાય ક્રેષ્ટો હતો.

પાણીનું વહેણ મારા ધારવાં કરતાં પણ ઘણું શાંત હતું. અધવચ્ચે પહોંચવાં છતાં વધું ખેચાણ અનુભવાતું નહોતું એ ફાયદાકારક બાબત હતી. અને એથી પણ વધું ફાયદાકારક બાબત એ હતી કે અમે સલામતી પૂર્વક નદી પાર કરવાં આવ્યાં હતાં. હજું સુધી તો કોઇ જ ખતરો મને નજરે ચડયો નહોતો. પણ... ખરેખર અમારામાંથી કોઇક એવું હતું જે બીજા કરતાં વધું ભાગ્યશાળી નહોતું. નદીની અંદર એક હલચલ થઇ હતી જે અમારામાંથી કોઇએ નોંધી નહોતી. બસ્સો કીલોનાં એક વિશાળકાય મગરમચ્છે પાણીમાં અમારી હાજરી પકડી પાડી હતી.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.