Muthbhed books and stories free download online pdf in Gujarati

મુઠભેડ

મુઠભેડ

તકરાર....ઝઘડો...બબાલ...મુઠભેડ આ બધા જ શબ્દોનો ‘અર્થ’ અને ‘અંત’ એક જ છે...નુકસાન. પોતાનું અને સામેવાળાનું પણ. અત્યારનાં સમયમાં પહેલાનાં સમય કરતા ઝઘડા કે તકરાર સરખામણીએ ઓછા થઇ ગયા છે, મારા મતે એનું કારણ એ જ છે કે ના આપણે આપણા પાડોશી સાથે એવો સારો સંબંધ કેળવીએ છીએ કે ના આપણે સહયોગી સાથે વધારે સમય ગાળીએ છીએ.

પહેલાના સમયમાં “પાડોશી એ પહેલો સગો” એ લાઈન સાર્થક હતી, જ્યારે અત્યારે “પાડોશીએ દીધો દગો” લાઈન વધારે સંભળાય છે. પહેલા પ્રેમ વધુ હતો એટલે ઝઘડા પણ વધુ થતાં, પણ પહેલા લોકો અત્યારે જે નાની-નાની વાતોમાં ઝઘડીએ છીએ તેવી વાતોમાં નાહોતા ઝઘડતાં. અત્યારેતો “તમે અહી કેમ કચરો નાખ્યો?” “તમારૂ પાણી મારા ઘર આગળ કેમ આવ્યું?” “તમારી ગાડી મારી જગ્યાએ કેમ પાર્ક કરી?” “તમારો ડોગી મારા ઘર આગળ કેમ કરી ગયો?” “મારી બાઈએ તમારી બાઈ સાથે કેમ વાતો કરી?” વગેરે પ્રચલિત છે. હા પણ એક વાત છે...ઝઘડાઓમાં ક્યારેક ક્યારેક મનોરંજન પણ થતું હોય છે...જો કે એ મનોરંજન થર્ડ પાર્ટી (જોનારા) સુધી જ સીમિત હોય છે. ઝઘડઓનું મૂળ ગમે તે હોય પણ તેનો અંજામ ફિક્સ જ હોય છે...અબોલા, ભાગીદારી તૂટવી, મિલકતમાં ભાગ પડવા, પ્રતિસ્પર્ધા વધવી, વગેરે..કોઈ મહાપુરુષે સાચું જ કહ્યું છે કે “ઝઘડો થવાથી ઘરની અને દેશની અર્થવ્યવસ્થાને બહુ મોટી અસર થાય છે. જો ઝઘડો સ્ત્રીએ આણ્યો હોય તો પતિની અને ઘરની!! અને બે દેશના વડાઓએ આણ્યો હોય તો આખા દેશની હાલત કફોડી થઇ જાય છે” ( કથન કહેનાર મહાપુરૂષનું નામ ન પૂછવા વિનંતિ) !!!

***

અમદાવાદમાં ચોથું ઘર શિફ્ટ કર્યે અમને હજુ બે મહિના થયા હતાં. અમે ત્રણ લોકો અહીં થલતેજ નજીકનાં ફ્લેટમાં રહેતા હતાં- હું, સુહાસ અને વિક્રમ. અમે બધા જ કોલેજના ત્રીજા વર્ષમાં હતા. અમારા ઘરના બ્રોકરની દુકાન અમારા ફ્લેટની એક્ઝટ નીચે જ હતી. આમ તો બ્રોકર નીચે જ રહેતો હોવાથી અમને કાઈ પ્રોબ્લમ થાય એટલે તેને કહી દઈએ, પણ જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે?

દર અઠવાડિયાનાં અંતમાં એટલે કે શનિ અને રવિવારે બ્રોકર અને તેના પંટર લોકો દારૂ પીવા અમારા રૂમનો ઉપયોગ કરતાં. અમે દર સોમવારે એમને આ વાતની રજૂઆત કરતાં. રજૂઆત સોમવારે જ કરવી પડે...નહીતર શનિ, રવિ કરીએ તો બબાલ થઇ જાય. અને અમને “અરે..આ બધા હરામીઓને હું ના કહું છું તો પણ તેઓ આવે છે. હવે આવતા વખતથી નહિ આવે બસ” જવાબ મેઈન બ્રોકર ભરત દ્વારા મળતો. ભરત એક ગૌવર્ણનો ઠીંગુ આદમી હતો. ‘તેરે નામ’ વાળ ઓળાવે અને હંમેશા કેપ્રી અને ટી-શર્ટમાં જ જોવા મળે. એ પોતે ક્યારેય પીવા ન આવે, પણ તેના ફોલ્ડરીયા ક્યારેય પીવાનો મોકો ન છોડતાં. અને હા બીજું એક કારણ એ હતું કે અમારા ફ્લેટની સામેનાં ફ્લેટમાં એક સુંદર છોકરી રહેતી, જેને નિહાળવા તો તેઓ જરૂર આવતા. જો કે તેને જોવાનો મોકો અમે પણ ના છોડતાં.

શિયાળાની ગુલાબી ઠંડી બરાબર જામી હતી. હું અને વિક્રમ સાંજે છ વાગે કોલેજથી રૂમ પર આવ્યા. આજે રવિવાર હોવા છતાં અમારે કોલેજમાં જવું પડ્યું હતું. કારણકે આવતી કાલે અમારે “કવોન્ટિટી સર્વેયિંગ” (Q.S)નું સબમીશન હતું. જેમાં હું દર વખતે લબડતો...પહેલી ટ્રાયે આ વિષયમાં પાસ થવું મારા બસની વાત નહોતી. હા પણ વિક્રમ તેમાં હોશિયાર. અમે ઘરે પહોચ્યાં ત્યારે સુહાસ લેપટોપમાં કોઈક મુવી જોઈ રહ્યો હતો. અમારે આવતીકાલે સબમીશન હતું, અને આજે જ વિક્રમનાં થોડા મિત્રો અમારા રૂમ પણ આવવાના હતા.

અમે ઘરે આવીને અડધો કલાક આરામ કર્યો અને ફરી પાછા દિલ પર પથ્થર મૂકી ગણતરીમાં લાગ્યાં. જ્યારે તમારી સામે જ કોઈ મુવી જોતુ હોય અને દર બે મિનિટે ખડખડાટ હસતું હોય અને તમે ચોપડીમાં મંડાણા હોવ ત્યારે સાલું ખુબ જ દુખ થાય!! અમારી ગાડી માંડ-માંડ પાટા પર ચઢી હતી અને વિક્રમનાં મિત્રો આવી પહોચ્યાં. હું તેમને સારી રીતે ઓળખતો હતો. તેઓ સાગર, હિમાલય, વિરલ હતાં...અને ત્રણેય ચૌધરી!! તેઓના ખડતલ શરીર જોઇને જ કોઈ કહી આપે કે તેઓ ચૌધરી હશે. વિક્રમે Q.S સાઈડમાં મુક્યું અને અને તેમની સાથે વાતે વળગ્યો; મને તે પોષાય તેમ નહોતું એટલે મેં હાય-હેલ્લો કરીવળી પાછું Q.S માં મન પરોવ્યું.

જમવાનો સમય થયો, તેઓ જમવા ગયા અને અમે માત્ર નાસ્તો કરી કામ ચલાવવાનું નક્કી કર્યું. તે લોકો જાણે વર્ષો પછી અમદાવાદ આવ્યા હોય તેમ બધુ ફરીને રાતે સાડા દસ વાગે રૂમ પર આવ્યાં. જોકે અમે પણ Q.S માં વ્યસ્ત હતાં એટલે અફસોસ નહોતો. અમે એક અલગ રૂમમાં પુરાણા અને તે લોકો બહાર હોલમાં બેઠા-બેઠા ગપ્પા લડાવતા હતા. અમે Q.Sમાં મગ્ન હતા, એટલે માત્ર વિક્રમ. હું તો કાયમ કન્ફયુઝ જ હોઉં... અને વિક્રમનો ફોન વાગ્યો. તે જયનીલનો હતો. જયનીલ અમારો કલાસમેટ હતો, તેણે Q.S માં કાંઇક ક્વેરી હતી.

“સારૂ....હવે મને ફોન પર સમજાવતાં નહિ ફાવે. એક કામ કર તું અહી રૂમ પર આવીજા. સંદીપ લોહી પીવે છે અને તું એમાં ઉમેરાઈશ...બીજું શું?” મારી સામે જોઈ એ હસ્યો અને બોલ્યો. મને ગુસ્સો આવ્યો પણ અત્યારે તો મારે જ ગરજ હતી અને આમેય....અમારા બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ તો ઘણાં થયેલ. જયનીલ દેસાઈ...જેમ ચૌધરીઓ દુરથી એમના શરીર અને વાણી પરથી ઓળખાઈ આવે તેમ દેસાઈ પણ દુરથી ઓળખાઈ જ આવે. દૂધ પીને દડા જેવો થયેલ માણસ અમારા રૂમ પર સાડા બાર વાગે આવ્યો. એ બંને ભેગા થયા અને મારી અને મારા Q.S ની મજાક ઉડાવવાની ચાલુ કરી. એટલામાં અચાનક જ કોઈએ બહારથી બારણું ખખડાવ્યું. વિક્રમે મને દરવાજો ખોલવા માટે ઈશારો કર્યો. હું દરવાજાથી નજીક હોવા છતાં, તેણે મને કહ્યું એટલે મને ગુસ્સો આવ્યો. “એક આ Q.S ઓછું હતું કે આ બંને નમૂનાઓ પણ ભેગા થઇ ગયા” વિચારતા-વિચારતા મેં દરવાજો ખોલ્યો. સામે સુહાસ ઉભો હતો. તે ચિંતાતુર લાગતો હતો. તેણે મને બિલકુલ અવગણ્યો અને વિક્રમ તરફ જોઇને બોલ્યો “ભાઈ...આજે રવિવાર. પેલા લોકો આજે પણ આવ્યા છે” વિક્રમ આમતો શાંત સ્વભાવનો માણસ પણ જ્યારે કોઈ માણસ એક વાર કીધા પછી પણ તેની વાત ન માને ત્યારે તે કોઈનો નહિ. તેણે નિસાસો નાખ્યો અને ગુસ્સાથી નકશા પર હાથમાંનું પેડ પછાડ્યું અને ઉભો થયો.મારે કશું બોલવા જેવું હતું જ નહિ એટલે તે ગયો પછી હું તેની પાછળ ગયો અને સાથે-સાથે દૂધનું કેન પણ આવ્યું!! પાલનપુરથી આવેલા ત્રણ બંદાઓ એક ખૂણામાં નીચે બેસી મોબાઈલ મચેડી જતા હતા. આજે બ્રોકરનાં ત્રણ ફોલ્ડર આવ્યા હતાં. તેઓ હોલમાં જ નીચે બેસી પેગ બનાવી રહ્યા હતાં.

“ભાઈ...કેમ છો?” વિક્રમે તેના ગુસ્સાને શાંત કરીને હળવેકથી પૂછ્યું. સામેવાળા ત્રણમાંથી બે ગોળા જેવા અને એક સોટી જેવો હતો. એક ગોળાએ લીલા રંગનો અને બીજાએ લાલ રંગનો શર્ટ પહેર્યો હતો. પેલો સોટી ટી-શર્ટમાં હતો.

“બસ મજામા ભુરીયા...તું કેમ છે? આવ ચાલ લગાવીએ” લાલ શર્ટવાળો બોલ્યો.

“ના બસ ભાઈ...ભાઈ આજે સબમીશન છે અને ઘરેથી મહેમાન પણ આવ્યા છે. એટલે આજે પ્લીઝ રહેવા દો ને?” વિક્રમ દાંત કચકચાવતો બોલ્યો.

“ઓહો...” તેઓએ તેમની તરફ જોયુ. “અરે તો બોલાવી દે એમને પણ...અમને કાઈ વાંધો નથી...એ પણ અમારા જેવા નાગા જ લાગે છે” અને તેઓ હસ્યા. પેલા ત્રણ તો હજુ ગેમમાં મગ્ન હતાં.

“ભાઈ થોડું કંટ્રોલ કરો અને પ્લીઝ આજે બીજે ક્યાંક ગોઠવો” વિક્રમે પ્રેમથી કહ્યું અને સોટીને ઉભો થવા હાથ લાંબો કર્યો

“ઓય ###...હાથ પાછો લે. તારી હિમ્મત કેવી રીતે થઇ મારી નજીક આવવાની. ####” લાલ શર્ટવાળો ભડકી ઉઠ્યો અને ગાળો બોલવા લાગ્યો. પેલા ત્રણ લોકોનું ધ્યાન તૂટ્યું અને ઉભા થઈને અમારી પાસે આવ્યાં. હું અને જયનીલ અમારા રૂમનાં બારણામાં જ ઉભા હતાં.

“ભાઈ...મેં સાંભળ્યું છે કે આ લોકો આપણી ભાભીને પણ ડોળા કાઢીને સવાર-સાંજ જુએ છે” સોટીએ ભડકતી આગમાં ઘી રેડ્યું.

“શું? ####કયો હતો એ? કોની હિંમત થઇ મારી આઈટમને જોવાની? નામ બોલતું ખાલી બબલી...” લાલ શર્ટવાળાનો પારો ઉંચે ચઢી ગયો હતો.

“અરે..ભાઈ.ભાઈ...કેમ આટલા ગુસ્સે થાવ છો તમે? કોઈએ જોયા નથી ભાભીને...બસ? ભૂલ થઇ ગઈ આ લોકોની” વિરલ અચાનક વચ્ચે આવ્યો અને બોલી ઉઠ્યો. એ ખડતલ શરીર તે લોકોની નજીક ગયું અને બોલ્યો “ખાલી જોવાથી શું થઇ જાય છે આજકાલ. તમારી આઈટમ તમારી જ છે” વિરલે સુહાસને આંખ મારી. સુહાસ વિક્રમની નજીક ગયો અને તેને શાંત રહેવાનું કહ્યું.

“તો બરોબર...તું નવો છે ને? તો આ નાલાયકોને સમજાવી દેજે. બાકી આપણાથી ખરાબ આખા એરિયામાં કોઈ નથી” લાલ શર્ટએ ગ્લાસમાં થોડી સોડા અને દારૂ નાખ્યો અને એકી ઝાટકે ગટગટાવી ગયો. બાજુમાં બેઠેલા બે જણ ધીમે-ધીમે પીને ચકના પુરો કરતા હતાં. વિરલ ત્યાંથી ઉભો થયો અને વિક્રમ તરફ ચાલવા લાગ્યો.

“એય..નફફટ...તું ક્યાં જાય છે? તું અહી જ બેસ. મારી પાસે...મારી સામે” લાલ શર્ટને હવે ચઢી ગઈ હતી. વિરલે વિક્રમ બાજુ જોયું. વિક્રમે ડોકું હલાવી “ના” પાડી. વિરલે સ્મિત આપ્યું અનેપેલાની સામે બેઠો.

“કયાનો છે તું?” તે જાણે દાદા હોય તેમ જોરથી ગુસ્સામાં બરાડ્યો.

“પાલનપુર” બીજી જ સેકન્ડે તેના કરતા પાંચ ગણા જોરથી વિરલ બરાડ્યો. લીલા શર્ટનાં હાથમાંથી ગ્લાસ નીચે પડ્યો. અમે ઉભેલા બધાના કાનમાં પણ અવાજ વાગ્યો.

“શું યાર...તમે પણ ખોટી ખોટી બુમો પાડીને ડરાવો છો?” વિરલ હસતા-હસતા ઊંધું બોલ્યો. પાછળ ઉભેલા હિમાલય અને સાગર પણ હસવા લાગ્યાં. વિક્રમ હજુ ગુસ્સામાં “શું કરવું?” તે જ વિચારતો હતો. પેલી બાજુ દરવાજામાં ઉભેલો હું “Q.S કેવી રીતે પુરૂ કરવું?” તે વિચારતો હતો. હવે પાછળ ઉભેલો સાગર આગળ આવ્યો અને વિરલના ખભા પર ટેકો મૂકી બેઠો. તેઓ આમતો ટલ્લી થઇ ગયા હતા...સિવાય પેલો સોટી. લાલ અને લીલો શર્ટ બેઠા-બેઠાં આમ તેમ ઝૂમી રહ્યા હતાં.

“ભાઈ કેમ આટલા ગુસ્સે થાવ છો? થોડા ઠંડા થાવ...અત્યારે તો આમ પણ શિયાળો છે..” સાગર બેસીને બોલ્યો.

“એય ચંબુ તું તારા કામથી કામ રાખ નહીતર ક્યાય ખોવાઈ જઈશ ખબર પણ નહી પડે. તારે શી લેવા-દેવા?” લીલા શર્ટવાળો ગુસ્સામાં બોલ્યો.

“મારે કાઈ લેવા દેવા નહી યાર...આતો ખાલી વાત છે...” સાગરે જવાબ આપ્યો. લાલ શર્ટવાળો મલકાયો અને અચાનક જ તેને કઈ ભાન થયું હોય તેમ ચમકીને બોલ્યો “હરામી....તું ‘યાર’ કોને બોલ્યો? યાર કોને બોલ્યો?” તેનો અવાજ ઉંચો જ થયે જતો હતો. “તું છે કોણ હે?” પરિસ્થિતિ વણસે તે પહેલા સુહાસ દોડી આવ્યો અને બોલ્યો “ભાઈ યાર નહિ. યાર તો બોલ્યો જ નથી એ”

“એય મગન...આ બંને પી ગયા છે. હું હજુ નોર્મલ જ છું. મેં પણ સાંભળ્યું કે તે યાર બોલ્યો” પેલો સોટી મોઢામાં સિંગના દાણા નાખતા બોલ્યો.

“એય નમુના...યાર તો હું ખાલી સામેવાળી તારી ભાભીનો જ છું. બીજા કોઈ મને યાર નહિ કહી શકે. કોઈની હિંમત નથી મને યાર કહેવાની” લાલ શર્ટ તેની ઓકાત બહાર પી ગયો હતો. બોલતા-બોલતા તે થોડો લથડાયો અને તેનું માથુ પાછળની દીવાલ સાથે અથડાયું.

“બસ ભાઈ બસ...એના પ્રેમમાં હવે માથું ના પછાડ” લીલા શર્ટવાળો બોલ્યો. જયનીલ હસ્યો. મને તેના પર અપાર ગુસ્સો આવતો હતો. એ બંનેને તો Q.S આવડતું હતું, પણ મારૂ શું થશે? ફરીથી રીપીટ આવશે અને ફરીથી આ બધી જફામારી કરવાની થશે....મને મનમાં એકાદવાર વિચાર પણ આવ્યો કે હું અંદર બેસી Q.S કરવા માંડુ, પણ જયનીલે મને રોક્યો અને બોલ્યો “હરામી...તમે શરમ નથી આવતી. Q.S તો થયા કરશે” એને બહુ મજા આવતી હતી. મને કહેવાનું મન થઇ ગયું હતું કે “લાલા...મારી ફાટશે ત્યારે સાંધવા તમે કોઈ નહિ આવો...” પણ હું ગમ ખાઈ ગયો.

પેલા લોકો પેગ પર પેગ બનાવી રેડે જતા હતા અને તેમની સામે સાગર અને વિરલ પલાઠીવાળીને કોઈ ડાયરો ચાલતો હોય તેમ બેઠા હતાં. વિક્રમ અને બાકીના ઓલમોસ્ટ બધા જ દીવાલનો ટેકો લઇ આ નજારો જોયે જતા હતાં.

એકાદ મિનિટ પછી પેલો લીલા શર્ટવાળો બોલ્યો “ ભાઈ હવે મારા માટે પણ કોઈ શોધવી પડશે હો? તમારે તો સામેવાળી છે. પણ હું આજકાલ ખુબ જ હેરાન થાઉં છું” અને ખાલી ગ્લાસ પછાડ્યો. મેં થોડું ધ્યાનથી ગ્લાસ તરફ જોયું તો એ ગ્લાસ અમારા રૂમ પરનો હતો અને તે પણ મારો, હું તે મારા ઘરેથી લાવ્યો હતો. હું મનમાં દુઃખી દુઃખી થઇ ગયો.

તેમનો દારૂ આખરે પતી ગયો.

“ચકા...તું ચિંતા ના કર. તારી ભાભી છે ને?” લાલ શર્ટવાળો આટલું બોલ્યો અને અમારા બધાની આંખો પહોળી થઇ ગઈ. “તે શોધી લાવશે તારા માટે..” તેની થોડીવાર પછી હિચકી ખાઈને ઉમેર્યું. અમારા મનના આવેગો શાંત થયાં. લાલ શર્ટવાળો ઉભો થવા ગયો અને લથડિયા ખાવા લાગ્યો. આજે રોજ કરતા કાંઇક વધારે જ તે પી ગયો હતો. લીલા શર્ટવાળાએ તેનો હાથ લાંબો કર્યો અને ધીમેથી ઉભો થયો. સોટી તો ઓલમોસ્ટ નોર્મલ જ હતો, તે તો જાતે જ સીધો ઉભો થઇ ગયો.

“સારૂ ચાલ એ ભુરીયા....મળીએ...જો અવાય તો કાલે પણ આવીશું” લીલા શર્ટવાળો અને લાલ શર્ટવાળો એકબીજાના હાથમાં હાથ પરોવી ઉભા થયા.

“અને હા...કાલે કમ્પ્લેઇન કરવા આવવાનું ભુલતા નહિ હો?” પેલો સોટી બોલ્યો અને તેના પીળાપચાક દાંત બતાવી ખડખડાટ હસ્યો.

“અને હા ભુરીયા. મારી નજર તારી ઉપર છે જ. તું હવે ભાભી સામે જોતો નહિ” લાલ શર્ટવાળો બબડ્યો. તેણે વિક્રમની પાછળ ઉભેલા અમને અચાનક જોયા અને બોલ્યો “ પેલા #### કેમ ત્યાં ઉભા છે? બહુ ડરપોક છે આ બધા ચૌધરીઓ યાર. મેં તો સાંભળ્યું હતું કે તેઓ વાઘ જેવા હોય છે...” મારા શરીરનું માન રાખી મેં ખાલી સ્મિત આપ્યું. મને અત્યારે તેના શબ્દો કરતાં અમારા પ્રોફેસર દેવાંશુ પંડિત અને ભાર્ગવ તેવારના “તે બકવાસ કામ કર્યું છે...આ વખતે પણ સપ્લી પાક્કી” આ શબ્દો વધારે જોરથી સંભળાતા હતાં.

ચૌધરીઓ વિશે આટલો શબ્દ સાંભળતા જ વિક્રમનો પિત્તો ગયો અને હજુ તો તે લોકો દરવાજામાં જ હતા અને વિક્રમ તેમના પર તરાપ મારવા દોડ્યો. અમે ચમક્યા. સામે વિરલે તરત જ એક હાથે વિક્રમને કમરમાંથી પકડ્યો અને સાઈડમાં ખેંચ્યો. તેણે વિક્રમને બોલવાની ના પાડી. પેલા લોકો સીડીઓ ઉતરી નીચે પહોચ્યાં.

“શું યાર? તમે પણ...આજે તો આવી બન્યું હતું આ લોકોનું. #### ચૌધરીઓ વિશે બોલવાની તે લોકોની હિંમત કેવી રીતે થઇ?” વિક્રમ આગ ઉગળતો હતો. મને એવું લાગ્યું કે હમણાં જ Q.S માં ક્વોન્ટીટી કાઢેલા ફાઉન્ડેશનમાં તે પેલા લોકોને દફનાવી દેશે.

“ભાઈ...તારા કરતા વધારે મને લાગી આવ્યું છે” વિરલ બોલ્યો અને વિક્રમને છૂટો કર્યો.

“તું ચિંતા ન કર. આપણે એમને સાચો રસ્તો બતાવીશું. પણ અહિયા બતાવવો તમારા માટે નુકસાનકારક છે એટલે જ અમે શાંત છીએ” સાગરે વિક્રમના ખભા પર હાથ મુક્યો અને બોલ્યો. અમને કોઈને કાંઈજ સમજાયું નહિ.

“વિકી, આપણા રૂમ પર આ બધું કરીએ તો આજુબાજુવાળા આપણો જ વાંક કાઢશે. એમને હવે આજે નીચે જઈને સમજાવવા જ પડશે” સુહાસ સ્મિત સાથે બોલ્યો અને તેના ચશ્માં ઉપર કર્યા.

“અરે યાર...એ બધું જાય તેલ પીવા. આજે તો હું જ નથી છોડવાનો એ હરામીઓને..”વિક્રમ રહી-રહીને ઉથલો મારતો હતો.

“જો ઓય એક એ છે અને એક તું...” મારા બાજુમાં અત્યાર સુધી મુંગો મરેલો જયનીલ બોલ્યો.

“શું એ.....એણે ચૌધરીઓ વિશે કહ્યું એટલે તે ગરમ થાય છે, એણે જો દરજીઓ વિશે કાઈ પણ કીધું હોત તો હું ઉભોને ઉભો તે લોકોને મુતરાવત...”હું આત્મવિશ્વાસથી બોલ્યો.

“પણ એણે તને ડરપોક તો....” જયનીલ બોલવા જતો હતો. અને મને ખબર હતી એ શું કહેવા માંગતો હતો, એટલે મેં તેને અડધેથી રોક્યો અને હું બોલ્યો “કામ કરને ભાઈ તું તારૂ...” અને અંતે અમે બંનેએ સામે ધ્યાન ટકાવ્યું.

“ભાઈ...તમારે કાલે સબમીશન છે. તમે લોકો એ પુરૂ કરો. અમે લોકો નીચે જઈને પ્રેમથી વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને જો ના થાય તો...” વિરલ બોલ્યો અને સાગર સામે તાક્યો. હું ખુશ થયો, અંતે Q.S કરવાની વાત આવી. વિક્રમ થોડો શાંત થયો, તેને પણ કદાચ Q.S જ યાદ આવ્યું હશે!! વિક્રમે અમારી તરફ જોયું અને રૂમ તરફ આવ્યો.

અમે રૂમ તરફ વળ્યા અને પેલા લોકો ચપ્પલ પહેરી નીચેની તરફ ચાલ્યા. હું જેમ બને તેમ જલ્દી મારી જગ્યા પર ગુડાણો. મેં મારા બિલ્ડીંગનાં કોલમની કવોન્ટિટી ગણવાની ચાલુ રાખી. વિક્રમ હજુ પણ ડીસ્ટર્બ લાગતો હતો. “પેલા લોકો શું કરશે?” “કેવી રીતે કરશે?” “બબાલ તો નહિ થાય ને?” આ બધા વિચારો એના મગજમાં દોડવા લાગ્યાં.

હજુ બે મિનિટ પણ થઇ નહોતી અને વિક્રમ ઉભો થયો અને ચાલવા લાગ્યો.

“ક્યાં?” મારા મોઢામાંથી બસ આટલું જ નીકળ્યું.

“તમે લોકો કરો. મારાથી નહિ બેસાય અહી” એમ કહી તે નીચે જવા નીકળ્યો.

“તું શરમ કર. તારે પણ ખરેખર નીચે જવું જ જોઈએ” જયનીલે પાછી ઉશ્કેરણી ચાલુ કરી.

“ભાઈ....તારી નીચે આગ લાગી હોય તો તું ઉપડ...” મેં સણસણતો જવાબ આપ્યો. “ક્યારનો મગજનું દહી કરે છે...” હું મનમાં ધીરેથી બોલ્યો. તે ચુપચાપ પોતાના કામમાં પરોવાયો.

“ધડામ” લઈને પાંચેક મિનિટ રહીને અવાજ અમારા કાને પડ્યો. અમે બંને સફાળા ઉઠ્યા. મારા કરતા પહેલા પેલો હરખ-પદુડો ઉભો થયો અને બાલ્કની તરફ દોડ્યો. નીચે આછા અંધારામાં અમારા પાંચ લોકો અને સામે તેઓના ચારેક જણ ઉભા હતા, એક ભાઈ ખપેડાઓ ઉપર પડેલો હતો. અમને કદાચ તેના જ પડવાનો અવાજ સંભળાયો હશે. જોર-જોરથી ગાળો બોલાવાની ચાલુ થઇ. પેલો ખપેડા પર પડેલોએ લાલ શર્ટવાળો હતો, મને તે જોઇને અંદરથી ખુબ ખુશી થઇ. જોત-જોતામાં પેલો લીલા શર્ટવાળો આગળ આવ્યો અને વિરલનું કોલર પકડ્યું. વિરલે ‘ખડાક’ લઈને તેના ડાબા ગાલ પર એક જડી દીધી.બાકીનાં ત્રણ લોકો આજુબાજુ કાંઇક શોધતા હતા અને વિક્રમ, સુહાસ, સાગર અને બાકીના તેઓને વળગી પડ્યાં. આ ઘમાસાન લડાઈનું લાઈવ ચિત્રણ અમે બે જણ ઉપર ઉભા-ઉભા જોઈ રહ્યા હતા. પેલા સોટી જેવા માણસે તેના પગમાં પડેલો વાંસનો ટુકડો ઉઠાવ્યો અને સાગરનાં પગ પર ચોડી દીધો. સાગર બરાડ્યો અને લંગડાતા પગે વિક્રમ તરફ દોડ્યો. બીજી તરફ વિરલ બે જણને બાથમાં પકડી રમાડે જતો હતો. વિક્રમ અને સુહાસ પેલા લીલા શર્ટવાળાને અને માલિક ભરતભાઈની બાથે પડ્યા હતા. હિમાલય આખી પરિસ્થિતિમાંથી ગાયબ ગયો. બે મિનિટમાં તો દુકાનની આગળનું પ્રાંગણ યુદ્ધભૂમિમાં બદલાઈ ગયું હતું.

હિમાલય ક્યાં ગયો હશે તેવો હું વિચાર કરતો હતો અને એટલામાં સાગર પેલા લીલા શર્ટવાળાને લઈને કાદવ તરફ ઘસડાયો. કોણ કોને ખેંચી રહ્યું હતું તે કળવું મુશ્કેલ હતું. વિક્રમને પેલા ભરતભાઈએ હાથ પર બચકું ભર્યું અને નાસવા લાગ્યો. સુહાસ તેની પાછળ પડ્યો. ભરતભાઈ ખિસ્સામાંથી ફોન કાઢી કોઈકને ફોન કરવાનો પ્રયત્ન કરતો હતો અને સુહાસના હાથમાં ઝડપાયો. વિક્રમ પણ રોડ પર આવી પહોચ્યો અને તેને દુકાન તરફ ખેંચી લાવ્યો. બાથમાં પકડેલા બંને જણ વિરલની બાથમાંથી છૂટવાનો અથાગ પ્રયત્ન કરતા હતા, પણ બાહુબલીની બાહુમાથી છૂટવું કાઈ આસાન હતું!!! સામેવાળા પાંચેય ગેગે ફેફે થઇ ગયા હતા. આ બાજુ અમારાવાળા પણ થાકી ચુક્યા હતાં. વિરલે પેલા બેને નીચે પછાડ્યા. રાતનાં લગભગ ૨:૦૦ થઇ ગયા હતા.

“ભરત મેં આને ના પાડી હતી, પણ એ ન માન્યો. એ અહી આવીને પણ જેમ તેમ બબડતો હતો અને આ બધા ઉપર તું એમને હવા આપે છે?” વિરલ તેને મારવા ગુસ્સામાં આગળ વધ્યો. સાગરે તેને પકડ્યો અને પાછો લાવ્યો. સામેવાળા પાંચેય લાલઘુમ થઇ ગયા હતા,અને લગભગ બધાના કપડા ફાટી ગયા હતા. વિરલની નજર અચાનક જ અમારી તરફ પડી. તેણે વિક્રમ તરફ જઈને કાનમાં કાંઇક કહ્યું.વિક્રમ ઝડપથી દોડીને ઉપર આવવા નીકળ્યો. અમે ભડક્યા.

“જો હું કહેતો હતો ને કે આપણે નીચે જઈએ...તેમની મદદ કરવા?” જયનીલે પાટલી બદલી. એ શું બોલે છે એના પર ધ્યાન આપ્યા સિવાય, હું દરવાજો ખોલવા ગયો. સામે વિક્રમ દરવાજો ખખડાવવા જ જતો હતો અને મેં કભીખુશી કભી ગમનાં જયા બચ્ચનની જેમ દરવાજો ખોલ્યો.

“ભાઈ અમે આવતા જ હતા ને.....” જયનીલ વિક્રમ આવતાની સાથે જ બોલ્યો. પણ વચ્ચે અચાનક વિક્રમ બોલ્યો “આપણે એક કામ કરો. સબમીશનનો બધો સામાન પેક કરી લો. આપણે મારા ભાઈના ઘરે કામ કરીશું. અહી બધું લાંબુ ચાલશે” તે હજુ હાંફતો જ હતો.

“ભાઈ....થયું શું? મારામારી કેવી રીતે થઇ? અને હિમાલય ક્યાં છે?” મેં સવાલોનો મારો ચલાવ્યો. વિક્રમ જવાબ આપ્યા વગર રૂમ તરફ ચાલ્યો. અમે બંને તેની પાછળ ગયા.

“શું થયું અને કેમ થયું એ બધું હું તમને પછી કઈશ. આપણે કાલે સબમીશન છે અને આ બધું લાંબુ ચાલશે” વિક્રમે તેની Q.S ની શીટ સમેટતાં કહ્યું.

“કેમ લાંબુ? એટલે?” જયનીલે ઉત્સુકતાથી પોતાની બેગ હાથમાં લઈને પૂછ્યું.

“હજુ પેલા લોકોએ કોઈને બોલાવ્યા છે એટલે ઝઘડો લાંબો ચાલશે. આપણે પહેલા સબમીશનનું કરીએ એવું તે લોકોનું માનવું છે. નહિતર પંડિત આપણી લાલ કરી દેશે” વિક્રમ બોલ્યો અને બેગ પેક કરતા તેને પોતાની ‘સ્કેલ’ બેગમાં મૂકી. આ બંનેની વાતો સાંભળતો હું મારી બધી વસ્તુઓ બેગમાં નાખી રહ્યો હતો.

વિક્રમનો ભાઈ અમારી સોસાયટીની સામેની જ ,પણ ચાર રસ્તા પેલી બાજુની સોસાયટીમાં રહેતો હતો. પણ ચાર રસ્તા પરતો આ બધું ચાલુ રહ્યું હતું અને તે લોકોને ખબર ન પડે રીતે અમારે ત્યાં જવાનું હતું. એટલે અમે લોકોએ ફરીને લાંબો રાઉન્ડ મારીને જવાનો નિર્ણય કર્યો. વિક્રમે બાઈક ચાલુ કર્યું અને અમે બંને જણ જેમ-તેમ કરી થેલા પગ પર ટેકવી ગોઠવાયાં.

અમે વિક્રમના ભાઈના ઘરે પહોચવા જ જતા હતા અને વિક્રમે અચાનક બાઈક ઉભી રાખી. અમે તેને પૂછીએ તે પહેલા મારી નજર ચાર રસ્તા પર જમા થયેલી ભીડ પર પડી. લગભગ પચ્ચીસેક લોકો ભેગા થઇ ગયાં હતા.

“વિક્રમ...મને એવું લાગે છે કે હવે આપણે લોકોએ Q.S મૂકી તેમની મદદ માટે જવું જોઈએ” મેં થોડા ડરના અને થોડા વિશ્વાસનાં અવાજથી કહ્યું. જયનીલે મારી સામે નમીને અહો ભાવથી જોયું. મેં તેને નજરઅંદાજ કર્યો. મને તેના પર ગુસ્સો આવતો હતો પણ, અત્યારે મારાથી તેને કાઈ બોલાય એવું હતું નહિ.

વિક્રમ બાઈકને રેસ આપતા બોલ્યો “ના ભાઈ ના. ચિંતા ન કર. આ આવેલામાંથી મોટા ભાગના ચૌધરીઓ જ છે અને દસેક લોકો તેઓના લાગે છે” અમારા બંનેના કપાળ ઊંચા થઇ ગયા.મેં હિમાલયને પણ સામે ઉભો જોયો. “કેમ? કેવી રીતે?” આ બધા પ્રશ્નો મારે પૂછવાની ઈચ્છા હતી અને વિક્રમે ગીયર બદલી બાઈક સોસાયટીની અંદર લઈ લીધી.

વિક્રમનાં ભાઈના ઘરે પહોચ્યાં નથીને પ્રશ્નોનો મારો ચાલુ થયો. લગભગ બધા જ ઊંઘમાંથી ઉઠેલા ભૂત જેવા જણાતા હતા. તેમને જોઇને તો મને પણ ઊંઘ ચઢતી હતી. વિક્રમે તેમને “બધું પછી સમજાવીશ” કહીને પાછા મોકેલેલ. રાતના હવે લગભગ ૩:૦૦ વાગ્યા હશે. અમે લોકો મન મારીને ફરી Q.S કરવા બેઠા. મારૂ મન મારી સામે જ કુંભકરણની જેમ સુતેલાને જોઇને સુવવાનું કહેતું હતું, પણ હું સંઘર્ષ કરતો રહ્યો. જયનીલ તેના મોઢા પર પાણી છાંટી-છાંટીને ઓક્સીજન મેળવી રહ્યો હતો, જ્યારે વિક્રમ હજુ પણ મગ્ન થઈને Q.S કરતો હતો.

“ભાઈ...શું થયું હતું એ હવે તો કે?” જયનીલે ઊંઘ ઉડાડવા પ્રશ્ન કર્યો. હું જોકા ખાતો હતો, આ પ્રશ્ન સાંભળતા જ હું સ્થિર થયો અને વિક્રમ સામે તાક્યો.

“એમાં થયું એવું કે...નીચે જઈને અમે પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ લોકો પીધેલા હતા એટલે માં બાપ અને બહેન સુધીની ગાળો બોલવા લાગ્યાં. હવે અમે પાછા ચૌધરીઓ.....કોઈનું ક્યા સાંભળીએ? અને પછી દે-ઠોક ચાલુ કરી દીધી. વધારે બબાલ થવાની હતી એટલે યુનિવર્સીટીમાં ફોન કર્યો, પણ કોઈએ ઉપાડ્યો નહિ એટલે પછી હિમાલયને ત્યાં મોકલ્યો. હવે તે લોકોએ પણ માણસો બોલાવ્યા છે અને અમે પણ...જોઈએ શું કરે છે?” વિક્રમે તેના કપાળ પરનો પરસેવો લૂછતાં કહ્યું.

“હવે શું તો?” જયનીલે ફરી ઉત્સુકતાથી સવાલ કર્યો.

“આપણે લોકો Q.S કરીએ અને એ લોકો કોશિશ કરશે...સમજાવવાની.” વિક્રમ થોડું મલકાઈને બોલ્યો.

“ભાઈ...કાઈ નવા જુની નહિ થાય ને? આઈ મીન કેસ-વેસ? મેં ચિંતા વ્યક્ત કરી આંખો ઉઘાડતા પૂછ્યું.

“ના હવે...અને થશે તો પણ ચિંતા નહિ. આવેલા લોકો પર ઓલરેડી કેસ ચાલુ જ છે” વિક્રમ કેલ્ક્યુલેટર પર આંગળીઓ ફેરવતા બોલ્યો. “હવે શું?” આ વિચારોમાં જ અમે પાછું Q.S ચાલુ કર્યું. મને જોરદાર ઊંઘ ચઢી હોવાથી કવોન્ટિટી તો ઠીક પણ કેલ્ક્યુલેટર પર પણ હાથ બરાબર નહોતો ચાલતો. મેં આરામ કરવાનું વિચાર્યું. જયનીલે તો નસકોરા પણ ચાલુ કરી દીધા હતા. એને જોઇને મને વિશ્વાસ આપ્યો અને મેં બધું પડતું મુક્યું. વિક્રમ એકલો હજુ એકલે હાથે ઝઝૂમી રહ્યો હતો.

હું ઘોર ઊંઘમાં હતો, જયનીલ મદમસ્ત હાથીની જેમ બેઠો બેઠો જ ઢળી પડ્યો હતો અને અચાનક વિક્રમનાં મોબાઈલની ઘંટડી વાગી. હું સફાળો જાગ્યો. વિક્રમ જાગતો જ હોવાથી તેણે તરત જ ફોન ઉપાડ્યો.

“હા..હા.સારૂ ચાલ. વાંધો નહિ. હવે કાલે આવીશું. હા એ બંને પણ અહિયા જ છે. હા. હા. ના. હા” કરી એને વાત પુરી કરી અને હસતા-હસતા ફોન મુક્યો. મેં ઊંઘમાં જ પૂછ્યું “ભાઈ શું થયું?” આમ તો મારે “ભાઈ કેટલું Q.S થયું?” પૂછવું વધારે અગત્યનું હતું!!

“પતી ગયો કેસ. સમજાવી દીધા બરાબર. ફરીથી ફટકાર્યા પણ ખરા....” વિક્રમ બોલ્યો અને બે હાથ ઊંચા કરી આળસ ખંખેરી. હું લગભગ મલકાયો હોઈશ.

સવાર પડી. રૂમ પર બધા હજુ ઊંઘતા હતા અને અમે લોકો તૈયાર થઈને જેટલું પત્યું એટલું લઈને કોલેજ જવા નીકળ્યા.મારૂ અને જયનીલનું સબમીશન અધુરૂ હતું. અમે જેવું તેવું સબમીટ તો કર્યું જ. અમને રૂમ પર જવાની અને આખી વાત સાંભળવાની વધારે ઉતાવળ હતી. અમે જેમ બને તેમ જલ્દી ઘરે ગયા અને આખી વાત કોઈ મુવી જોતા હોય એટલી શાંતિથી વિના ઈન્ટરવલે સાંભળી.

અને હા...પેલા બે નમુના Q.S માં ફરીથી પાસ થઇ ગયાં. વિક્રમ તો બરાબર પણ પેલો જયનીલ કઈરીતે પાસ થયો તે હજુ મારા માટે સવાલ હતો...મારે સાલી ફરીથી સપ્લી આવી.

---અન્ય પાલનપુરી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED