જેની ફોરમ ફટકેલી Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેની ફોરમ ફટકેલી

જેની ફોરમ ફટકેલી ..!

આ વાત કાગ બાપુએ કહેલી છે, કે “ જેની ફોરમ ફટકેલી એને જ ચૂલે ચઢવું પડે છે, ઓલી આવળ અલબેલી એને કોણ પૂછે છે કાગડા...! “ ઉબાડિયા તો પાપડીના જ થાય, ભીંડાના નહિ..! એટલે સ્વાભાવિક છે કે, બફાવાનું પાપડીએ જ આવે..! એટલે ચૂલે ચઢવાનું એને જ આવે. જો ભીંડાના ઉબાડિયા થતાં હોત તો, બારેય માસ એના માંડવા તણાયેલા હોત. પણ પાપડીની એ મોનોપોલી છે કે, ઉબાડિયા માટે બીજા કોઈને એણે પ્રવેશ કરવા દીધો નથી. એટલે તો ભગવાન શ્રી રામ વનવાસ પૂરો કરીને જાણે અયોધ્યામાં આવવાના હોય, એમ લોકો પાપડીના જન્મારાની ટાંપીને રાહ જુએ. બાકી ભીંડો બારેય માસ ભમતો હોય, પણ ભીંડાને ભલા પૂછે કોણ..?એમાં કાળાવાલની પાપડી જો ઉબાડિયા માટે મળી તો તો ખલ્લાસ..! જાણે ઉંચા ઘરાનાની કન્યા પુત્રવધૂ બનીને ઘરમાં આવી હોય એટલો આનંદ-આનંદ થઇ જાય. આગળ હાંકુ તે પહેલાં એક વાતની ચોખવટ કરી જ દઉં કે, મને આવું જ્ઞાન ભગવદ ગીતામાંથી કે, કોઈ બાપુના પ્રવચનમાંથી લાધેલું નથી. પણ કાળાવાલની પાપડીનું ઉબાડિયું ખાતાં ખાતાં જ લાધેલું છે. કેમ હસ્યા..? કાળાવાલ એ પાપડીની જાત છે મામૂ..! કોઈના વાઈફની ઉપમા બોલ્યો હોય તેમ તમે તો હસ્યા..? અચાનક હસો એટલે શંકા તો જાય જ ને બોસ..? કંઈ બફાય તો નથી ગયું ને...? માણસ બે વાતે હસે. ક્યાં તો સમજ પડી જાય તો હસે, ક્યાં તો સમજણ પડી ના હોય, પણ બીજાને હસતો જોયો, એટલે હસે. ત્રીજા પ્રકારની વાત આપણે અહીં કરવી જ નથી. કારણ કે એ ત્રીજા પ્રકારવાળા તો ઊંઘમાં પણ હસતા જ હોય...! માણસ કોઈપણ ભોગે હસતો રહેવો જોઈએ. જે લોકો હાસ્યની ફીક્ષ ડીપોઝીટ બનાવીને, ટેન્શનને કરન્ટ ખાતામાં રાખીને જીવતા હોય, એની દયા જ ખાવાની. વિચાર કરો, કાળા વાલની પાપડીનું નામ સાંભળીને તમે વળી હસવાના હતાં કે..?

ઠંડીના પગ હવે દેખાવા માંડ્યા છે. ને બીજી બાજુ કાળાવાલની પાપડીએ પણ એના ફણગા કાઢવા માંડ્યા છે. ‘ ઉબાડિયાની સીઝન’ જેવાં શબ્દો વાપરીને, ઠેર ઠેર પાપડીને મસાલાની પીઠી પણ ચોળાવા માંડી છે. ઉબાડિયું ખાવાના લોકોનાચટકા ને ચટાકા હવે શરુ થવા માંડશે.ઘડીભર તો એમ થાય કે, કાળાવાલની પાપડીનું પણ સાલું કેવું કિસ્મત છે, હંઅઅઅઅ..? સવારે ખીલતાં બધાં જ પુષ્પો જેમ દેવચરણે જતાં નથી, એમ બધી જ કાળવા\લની પાપડીના નસીબમાં ગૃહિણીના રસોડા જોવાના આવતાં નથી. અમુક તો ઉકળતી કઢાઈમાં ઉકળવા જ જનમ લેતાં હોય, એમ ઠેર ઠેર ઉબાડિયાના માંડવાના હવાલે જ જાય. ને ઉકળતી કઢાયમાં બફાઈને જ એનો જન્મારો વેડફી દે. કતલખાને ગાય ગઈ હોય એમ, ઉબાડિયાના માટલામાં ઉબડતી થવા જ માંડે.;;! એકવાર પાપડીના જન્મારા શરુ થવા જ જોઈએ, એટલે, હાઈ-વે ઉપર ઉબાડિયાના રજવાડાં શરુ..! ઉબાડિયા નરેશો ટાંપીને જ બેઠા હોય કે, ક્યારે પાપડી નીકળે ને અમે એને પોંકવા જઈએ. જેમ વીજ ઝબકવા માંડે તો માનવું કે, વરસાદ તૂટવાનો. કોયલ કેકારવા માંડે તો માનવું કે, આંબે મંજરી મ્હોરવાની. ને મોરલા ટહુકવા માંડે તો માનવું કે, ફાગણ ફોરમવાનો. એમ પાપડીના ફણગા નીકળવા માંડે એટલે માનવાનું કે, ઉબાંડીયું આવવાનું..!

ઉબાડિયાના રજવાડાં એક કરવા માટે હજી કોઈ સરદારે જનમ લીધો નથી એટલે, હાઈ-વે ની ધાર પકડીને ઉબાડિયાના રજવાડા શરુ જ થવા માંડે. એકેએક ઉબાડિયા સેન્ટર ક્યાં તો ભગવાનના નામે ખુલે, ને ભગવાનના નામ વપરાય ગયાં હોય, તો તેના ભક્તના નામે શરુ થઇ જાય. દુરથી જોઈએ તો આપણામાં એવો આધ્યાત્મિક ભાવ જાગે કે, આ બધાં ઝંડી કાઢ્યા વગરના હંગામી મંદિરો છે કે શું...? વાપીથી ચીખલી સુધીના હાઈ-વે ઉપર ઢગલાબંધ એટલાં ઉબાડિયા સેન્ટર ખુલે કે, ભૂખ્યો માણસ ધરાયા વગર ત્યાંથી હટે નહિ. હાઈ-વેની કોર પકડીને એટલા બધાં ઉબાડિયા સેન્ટર ધમધમતા થઇ જાય કે, લોકો ઘરબાર છોડીને જાણે રસ્તા ઉપર આવી ગયાં હોય એવું લાગે. કોઈનું નામ સાંઈ ઉબાડિયા સેન્ટર, કોઈનું નામ શિવ ઉબાડિયા સેન્ટર, કોઈનું નામ જલારામ ઉબાડિયા સેન્ટર કે શંકર ઉબાડિયા સેન્ટર, કે પછી ભવાની ઉબાડિયા સેન્ટર પણ હોય. જેને જેવાં ભગવાનમાં શ્રદ્ધા, તેવાં તેના નામ. સારું છે કે, ઉબાડિયા સેન્ટરમાં વચ્ચોવચ મોટો ઘંટ બાંધતા નથી. બાકી ગુજરાતમાં દારૂબંધી ના હોત તો, ફૂલ્લ્લ્લ થઈને અંદર ઉબાડિયાની આરતી પણ કરતાં થઇ જાય. તો કોઈને કહેવાય નહિ .!

ચટકા બહુત બૂરી ચીજ હૈ બાબા..! એમાં ઉબાડિયાની સુગંધ જ એવી કે, હાઈ-વે ઉપર દોડતી ગાડી પણ એની સુગંધના નશામાં અટકી જાય. ઉબાડિયાની સુગંધ સ્વર્ગ સુધી જતી હોત તો, સુતેલા દેવોએ પણ આ સિઝનમાં ઉબાડિયું ખાવા માટે ધરતી ઉપર આવવા જવાનો પાસ કઢાવી દીધો હોત...! દાદૂ....ઉબાડિયાની ફોરમ જ એવી. મોઢાંમાંથી દાંતો ‘ વોક-આઉટ ‘ કેમ ના થઇ ગયાં હોય..? એકવાર ખાવાનો ભચકો થયો તો,ઉમર તો શું, કાળ પણ એને નહિ નડે. શિયાળો બેસે એટલે, સાલમપાક ખાવાના ઓરતાં જાગે, મેથી ખાવાના ઓરતાં જાગે, ને અડદીયુ ઝાપટવાના પણ ઓરતાં જાગે. એમ પાપડીનું પ્રાગટ્ય થવું જ જોઈએ, એટલે ઉબાડિયા ખાવાના પણ ઓરતાં જાગે. ( વોર્નિંગ : આ ભચકો શબ્દ મને ખાઉધરી ગલીમાંથી જડેલો છે. એટલે કોઈએ પણ શબ્દકોશમાં આ શબ્દ શોધવા મજુરી કરવી નહિ. ચોખવટ સમાપ્ત. )

ભચકાની ગંગોત્રી એટલે જીભ. જીભનું જ્યાં જ્યાં ચલણ ચાલ્યું છે, ત્યાં ત્યાં માણસ સ્વતંત્ર મટીને, સ્વચ્છંદ બન્યો જ છે. એટલા માટે કે, જીવન છે, તોભચકો છે. ને ભચકો છે તો જીવન છે. આ બધી જીભની માયાજાળ છે બંધુ...! જીવન ઉપર...‘ મેરે દેશવાસીઓ..‘ કરીને આપણે ઝાઝું વ્યાખ્યાન આપવું નથી.કારણ કે, બાપૂ-સંત-મહંત-આચાર્ય-નેતા-અભિનેતા કે મારા જેવાં લખવૈયાએ જગતને એટલું બધું પીરસ્યું છે કે, પાંચ-છ જનમ સુધી ખૂંટે એવું છે જ નહિ. એના કરતાં ઊંધિયા-ઉબાડિયાના રવાડે ચઢેલા સારાં..! શું કહો છો મામૂ..? આમ જુઓ તો, આપણું જીવન પણ એક ઉબાડીયા જેવું જ છે. કારણ કે, પાપડી/કન/બટાકા ને શક્કરીયાની માફક આપણે પણ ક્યારેક ને ક્યારેક બફાવાનું આવે જ છે ને..? ! જેમ લીલી જુવારને લોટરી લાગે એટલે એ પોંક બની જાય, એમ પાપડી/કન/ ને બટાકા ઉબાડિયાની ફેકલ્ટીમાં આવીને અદના મટીને આદમ બની જાય. આ બધાં ‘ ટેસ્ટ ‘ ના મામલા છે. દેવોને તો આજે પણ આ ઊંધિયું કે ઉબાડિયું દુર્લભ છે. ઉબાડીયાની સુગંધ જ એવી કે, ભલભલા સુતેલા દેવની ઊંઘ આપમેળે જ ઉડી જતી હશે. ઈતિહાસવિદ પ્રો.ચમનીયાનું તો કહેવું છે કે, ‘ કુંભકર્ણને ઘોર નિંદ્રામાંથી ઉઠાડવા, જો ઉબાડીયા કે ઊંધિયાની વાસ આપવાનો પ્રયોગ કર્યો હોત, તો એને જગાડવા માટે, ઢોલ/નગારા વગાડવા ના પડ્યા હોત..! અલબત એ ઉબાડિયું વાપી થી તાપીનું જ હોવું જરૂરી ખરું..! ‘

જેમ બાર ગાઉએ બોલી બદલાય, એમ બાર ગાઉએ ઉબાદીયાના સ્વાદ પણ બદલાય. આપણા સુરતી લહેરીલાલાઓનું ઉબાડિયું, એટલે કોઇપણ જાતની ‘ ઘાલમેલ ‘ વગરનું...! બિલકુલ પાચક....!! ખાધા પછી ‘ આઉટ ગોઇંગ ‘ માટે કોઈ ચૂરણ લેવાની જરૂર જ નહિ પડે, . એટલે તો સુરતી ઉબાડિયું ને સુરતી ઊંધિયું સુરતની એક શાન છે. ગુગલને નવરું પડવા દો, એ જ એક દિવસ શોધી લાવશે કે, “ જેમ પારસી બિરાદરો દરિયો ખેડીને ઈરાનથી સંજાણ બંદરે આવેલા, એમ આપણા સુરતીઓ પણ ઉબાડિયાની સુગંધથી એવાં મુગ્ધ થઇ ગયેલાં કે, સુગંધ પામીને સુરતમાં જ ઠરીઠામ થઇ ગયેલાં...! આગળ વધેલા જ નહિ..! વાપી થી તાપી સુધીના હાઈ-વે ઉપર થોડાંક આંટા મારો તો ઉબાડિયા ઉપર પણ ‘ પીએચડી ‘ થવાય. પણ ઉબાડિયું ખાવા સિવાય આગળ આવવાની કોઈને તમન્ના ક્યાં છે...?

____________________________________________________________________________________