સવારે જ્યારે વૈભવી હોશમાં આવી ત્યારે ડોકટરે સીધો જ ઇન્સ્પેકટર જાડેજાને ફોન જોડ્યો હતો. ડોકટર કોઈ ઝંઝટમાં પડવા માંગતા નહોતા.
નર્મદા બહેને આખી રાત વિચાર કરીને સવારે આખરે વૈભવીને મળવાનું વિચાર્યું. આખરે એણીએ બધું પોતાના પિતા માટે જ કર્યું હતું! નર્મદા બહેન ધવલને હોસ્પિટલ જવાનું કહ્યું. રાત્રે કરણ નશો કરીને આવ્યો હતો, એ હજુ સૂતો હતો. એણે ક્યારેય શરાબ જોઈ નહોતી અને એ દિવસે એ પહેલી જ વાર વધારે ડ્રિંક્સ લઈ ચુક્યો હતો. ધવલ એને ઘર સુધી એક ટેક્સીમાં જ લઈ આવ્યો હતો.
ધવલ નર્મદા બહેનને લઈને હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ઇન્સ્પેકટર જાડેજા એને ઍરેસ્ટ કરી લઈ જઈ રહ્યા હતા. નર્મદા બહેન, ધવલ, રાજેશ, નિતા, નિયતિ અને નીલમ બધા વૈભવીને હથકડીમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા..!!
એ બધાને ધવલ નયનના ઘરે લઈ ગયો. દરેક વૈભવિના અને કરણના ઝાંખા ભવિષ્યના વિચાર કરતા હતા. કોઈ કહેતું હતું નજર લાગી. કોઈ કહેતું હતું નસીબના ખેલ. પણ ધવલ કઈક અલગ જ વિચારી રહ્યો હતો.
આ બધું મારા લીધે થયું છે. કરણ અને વૈભવીની જિંદગી મેં જ નર્ક બનાવી છે. વિચારતો ધવલ કરણના ચહેરા સામે જોઈ રહ્યો.
*
વૈભવીને કસ્ટડીમાં લઈ ગયા પછી ઇન્સ્પેકટર જાડેજાએ નિરાંત અનુભવી.
"વિશાલ, આ કેસ સોલ્વ થઈ ગયો."
"હા સર." વિશાલે પરાણે કહેવું પડ્યું.
"આ ઇન્સ્પેકટર અમર ક્યાં છે? હજુ આવ્યો કેમ નથી?" ઇન્સ્પેકટર જાડેજાએ સિગારેટ સળગાવી.
"સર.... ઇન્સ્પેકટર અમર સરના મધર બીમાર છે એ હોસ્પિટલ ગયા છે, મને સવારે જ ફોન આવ્યો હતો." વિશાલે કહ્યું.
"આજ કાલ બધા બીમાર જ કેમ થાય છે?!" પોતાની જાતને જ પ્રશ્ન કરતો હોય એમ ઇન્સ્પેકટર જાડેજા ખભા ઉલાળતો બોલ્યો અને ટેબલ ઉપરથી ફાઇલ ઉઠાવી જોવા લાગ્યો.
"સર, વૈભવી હવે કસ્ટડીમાં છે." મેસેજ ટાઈપ કરીને વિશાલે ઇન્સ્પેકટર અમરને મોકલ્યો.
એ જવાબની રાહ જોતો હતો ત્યાં જ દરવાજે એક કોન્સ્ટેબલ આવ્યો.
"સર, મેડમ મળવા માંગે છે, મોકલું?" કોન્સ્ટેબલ હજુ વાક્ય પૂરું કરી શક્યો ત્યાં એક યુવતી દરવાજામાં દાખલ થઈ ગઈ.
વિશાલે જોયું. તદ્દન ગૌર વર્ણ, બોય કટ હેર સ્ટાઇલ, આંખ ઉપર ગોગલ્સ, સ્કાય બ્લુ જીન્સ અને યલો ટી શર્ટ! મુંબઈમાં હજુ ન આવી હોય એવી ફેસનના કપડાં, અને સૂઝ જોતા એ ફોરેઇનર લાગતી હતી. પણ એના ચહેરાનો કટ એ ભારતીય છે એવું સ્પષ્ટ કહી જતો હતો! ઘાટીલું શરીર અને ગળામાં ઝૂલતી સોનાની ચેન, હાથમાં ગાડીની ચાવી ઉપર ઓડીનું સિમ્બોલ....!! કોઈ અમીર ઘરની એ છોકરી લાગતી હતી.
મુંબઈના માણસ જેમ એની અંદર પોલીસ સ્ટેશનનો કોઈ ડર હોય એવું જરાય લાવતું નહોતું. એ સીધી જ જઈને ઇન્સ્પેકટર જાડેજાના ટેબલ આગળ ગોઠવેલી ચેરમાં બેસી ગઈ.
"ઇન્સ્પેકટર જાડેજા તમે?" એ બોલી.
"યસ." ઇન્સ્પેકટર જાડેજાએ એની તરફ ધ્યાનથી જોતા કહ્યું.
"હું લૈલા, ગિરીશની નાની બહેન." એણીએ ચશ્માં ઉતારી ટેબલ પર મુક્યા.
"વુ ઇઝ કિલર?" એની બોલીમાં અંગ્રેજીની છાંટ હતી.
"ખૂની પકડાઈ ગઈ છે, અને અત્યારે જેલમાં છે મિસ લૈલા." ઇન્સ્પેકટર જાડેજાએ કહ્યું.
"વોટ ડુ યુ મીન બાય ગઈ છે?" લૈલા નવાઈથી બોલી.
"સી ઇઝ એ લેડી."
એ લોકોની વાત ચાલુ હતી ત્યાં વિશાલના મોબાઈલમાં વાઈબ્રેશન થયું. ઇન્સ્પેકટર અમરનો મેસેજ હતો. "ગોટ ઇટ વિશાલ, બી ઇન ટચ વેન એન્ડ વેર સમથિંગ સ્ટ્રેનજ હેપન્સ."
મેસેજ જોતા જ વિશાલે એક મેસેજ ટાઈપ કર્યો અને મોકલ્યો. "લૈલા, યંગર સિસ્ટર ઓફ ગિરીશ ઇઝ ઇન ધ સ્ટેશન નાઉ." મેસેજ સેન્ડ કરી ફરી વિશાલે એ તરફ ધ્યાન આપ્યું.
"હાઉ કેન એ લેડી કિલ માય બ્રધર, એક સ્ત્રી એવું કઇ રીતે કરી શકે ઇન્સ્પેકટર?!" લૈલાને અચરજ થતી હતી.
"ઓકે, કિપ વોચ ઓન લૈલા." ફરી ઇન્સ્પેકટર અમરનો મેસેજ આવ્યો.
"ઓકે સર." લખી વિશાલે મેસેજ મુક્યો.
"આઈ વાંટ ટુ મીટ વૈભવી." લૈલાએ ઇન્સ્પેકટર જાડેજાને કહ્યું.
"એ શકય નથી, તમે ખૂનીને ન મળી શકો મિસ લૈલા." ઇન્સ્પેકટર જાડેજાએ કડક સ્વરે કહ્યું.
"ઇન્સ્પેકટર ખૂનીને તો હું મળીને જ રહીશ, મારે જાણવું છે કે એણીએ મારા ભાઈનું ખુન કેમ કર્યું? અને એને મળવા આઈ કેન કોલ ડી.એસ.પી. ટુ...."
ઇન્સ્પેકટર જાડેજા જાણતો હતો કે ડી.એસ.પી.એ જ ગિરીશના મર્ડરની તપાસ કરવા કહ્યું હતું એટલે આ લૈલા વૈભવીને મળ્યા વગર જવાની નથી. નાહકનો ડી.એસ.પી.ને ફોન કરીને નીચું જોવું પડે એના કરતાં એને મળવા દેવી જ યોગ્ય રહેશે.
"વેલ, દસ મિનિટ તમને મળશે." કહી ઇન્સ્પેકટર જાડેજાએ વિશાલને ઈશારો કર્યો.
વિશાલ ઉભો થયો, "ચલો મેડમ, આ તરફ."
લૈલા ઉભી થઇ વિશાલ પાછળ જવા લાગી. વિશાલે ફરી એક મેસેજ ટાઈપ કર્યો, "લૈલા ઇઝ ગોઇંગ ટુ ટોક વિથ વૈભવી, આઈ એમ વિથ હર."
સળિયાવાળી રૂમોની એક હારમાં ચાલતા ચાલતા વિશાલ અટક્યો. લૈલા પણ એની પાસે જઈને અટકી.
એક રૂમમાં ખૂણામાં વૈભવી બેઠી હતી, પોતાના ધ્યાનમાં!
લૈલા એની નજીક સરી. કોઈ વિચિત્ર ભાવ વિચાર એના મનમાં વહેવા લાગ્યા. સાવ નિર્દોષ દેખાતો ચહેરો એ જોઈ રહી.
લૈલા સળિયા પકડી ઉભી રહી. વિશાલે સળિયા ઉપર દંડો ખખડાવ્યો અને એ સાથે વૈભવીનું ધ્યાન તૂટ્યું. એ ઉભી થઇ અને નજીક આવી.
લૈલા ઘડીભર એને જોઈ રહી પછી બોલી. "હું લૈલા, ગિરીશની...."
"નાની બહેન...." વૈભવીએ એનું વાક્ય પૂરું કર્યું.
"મારો ભાઈ કેવો હતો એ હું જાણું છું, ઈનફેક્ટ મને એના કામ પસંદ નહોતા એટલે જ હું અમેરિકા ચાલી ગઈ હતી બટ આફ્ટર ઓલ એ મારો ભાઈ હતો." લૈલાના અવાજમાં દુઃખ હતું.
વૈભવી એને સાંભળી રહી. વિશાલ પણ થોડે દુર ઉભો મોબાઈલમાં દેખવાનો ડોળ કરતો એ બધું સાંભળી રહ્યો હતો.
"એવું શું થયું કે ગિરીશનું ખુન તારે કરવું પડ્યું?" લૈલાએ પૂછ્યું.
"મેં એનું ખુન નથી કર્યું, લૈલા." વૈભવીએ કહ્યું.
"વોટ? તો તે કબૂલ કેમ કર્યું?" લૈલા નવાઈથી બોલી ઉઠી.
"તું સાંભળી શકે તો સાંભળ, મારા પિતાજી ડિમેન્ટિયા બીમારીને લીધે એક હોસ્પિટલમાં હતા, મારી મા મારા બાપને નફરત કરતી હતી એટલે એ બધું હું એને કહી શકું એમ નહોતી. કરણ સીધો અને સરળ હતો મેં એની સાથે લગન કર્યા, હું એને ચાહતી હતી પણ એ બધું હું એને કહી શકી નહીં. મેં મારી રીતે જ પૈસાની સગવડ કરવા ગિરીશની નોકરી લીધી હતી, એના સિવાય હું મારી ફ્રેન્ડ નીલમ પાસેથી પૈસા લેતી અને ડૉ. ને આપતી, પણ બીમારી ધીમે ધીમે વધ્યા કરતી હતી ડૉક્ટરે કહ્યું હતું કે હવે હેવી ટ્રીટમેન્ટ નહિ કરવામાં આવે તો મારા પિતાજી મગજનો સંપૂર્ણ કાબુ ગુમાવી દેશે."
લૈલા એક એક શબ્દ સાંભળી રહી.
"હું ગભરાઈ ગઈ, મેં ઘર વેચીને મારી માને મારી સાથે રાખવાનું નક્કી કર્યું, કરણને એ બાબતે કોઈ વાંધો નહિ થાય એ મને ખાતરી હતી પણ ઘર વેચવા મારી માની સહી જોઈએ એટલે એ શક્ય નહોતું. એટલા પૈસા હું એક સાથે નીલમ પાસેથી પણ લઈ શકું એમ નહોતી."
"સર મને લાગે છે અહીંથી લૈલા ગિરીશની ઓફિસે જશે જ." વિશાલે ફરી એક મેસેજ ટાઈપ કરી સેન્ડ કર્યો.
"હું સતત ચિંતા-તણાવમાં જીવતી હતી, મારી પાસે આ શરીર વેચવા સિવાય કોઈ રસ્તો નહોતો. આમ પણ ગિરીશની નજર મારા શરીર ઉપર હતી એટલે મેં એકવાર ગિરીશ પાસે પાંચ લાખમાં મારા શરીરનો સોદો કર્યો. પણ ગિરીશનો સ્પર્શ થતા જ મને કરણ યાદ આવ્યો, મને થયું હું કરણને એવો વિશ્વાસઘાત ન કરી શકું, હું ત્યાંથી ચાલી ગઈ. ગિરિશે આપેલો પાંચ લાખનો ચેક મેં ત્યાં જ ફેંકી દીધો. જે કદાચ ગિરિશે એના ડ્રોઅરમાં મુક્યો હશે."
"ઓકે." ઇન્સ્પેકટર અમરનો મેસેજ આવ્યો.
"એ દિવસે હું ઓફીસ છોડીને ચાલી ગઈ. મારી માનસિક હાલત ખૂબ બગડી મને હોસ્પિટલ લઈ જવી પડી એ સમયે કરણે તપાસ કરીને મારા પિતાની બીમારી વિશે જાણી લીધું, એણે અશુતોષના ઓફિસના પૈસા લાવ્યા અને મને ખાતરી આપી કે આપણે ઘર વેચીને બીજા પૈસાનો બંધોબસ્ત કરીશું. હું રાજી થઈ ગઈ. મારા જીવનમાં મને સમજવાવાળું કોઈ મળ્યું હોય તો એ હતો કરણ!" કરણનું નામ લેતા વૈભવીની આંખો ફરી એકવાર ભીની થઇ ગઇ.
લૈલા પણ ગંભીર થઈ એને સાંભળી રહી.
"એ દિવસે કરણ ઓફીસ ગયો એટલે હું ગિરીશને મળવા ગઈ. હું બસ એટલું કહેવા ગઈ હતી કે હવે હું નોકરી નથી કરવાની. ગિરીશને એ દિવસે મારી વાતમાં કોઈ રસ નહોતો એણે હા કહી મારો બાકીનો પગાર મને આપી દીધો. અને હું ત્યાંથી ઘરે ગઈ. ઘરે જઈને કરણ સાથે વાત કરતી હતી ત્યાં જ પોલીસ આવી અને મને ખબર પડી કે ગિરીશનું ખુન થયું છે. મારી જિંદગી ફરી એકવાર મુશ્કુરાઈ ત્યાં જ આ તુફાન આવીને બધું બરબાદ કરી ગયુ!"
વૈભવી રડી પડી, એ સળિયા પકડીને બેસી ગઈ...
"કરણ મને ક્યારેય માફ નહિ કરે....!! ક્યારેય નહીં....!! મને એમ હતું કે હું આ ખુન સ્વીકારી લઉં તો એ લોકો કરણને આ બધું નહિ કહે, કરણ મને બસ ખૂની જ સમજશે પણ હું ખોટી હતી એ લોકોએ કરણને એ બધું જ કહ્યું જે મને કહ્યું."
"વૈભવી, પણ કરણે એ લોકોનું માની લીધું? તને એકવાર પૂછ્યું પણ નહીં?"
"એ શું પૂછે? ગિરીશનો પાંચ લાખનો ચેક જોઈ કોઈ પણ પતિ સમજી જાય કે એટલા બધા પૈસા કોઈ એક સ્ત્રીને કેમ આપે."
"હું કરણને કહીશ કે આ બધું ખોટું છે, મારો ભાઈ રંગીન હતો, એ ચરસ, ડ્રગ્સનો ધંધો કરવામાં પણ સંડોવાયેલો હતો, હું એ બધું કરણને કહીશ પણ તું ખોટી સજા કેમ ભોગવે છે? હું જ તારા માટે કોર્ટમાં જઈશ, પોલીસે ખરો ગુનેગાર શોધવો જ પડશે." લૈલા સમજુ અને જીદ્દી હતી. એને ન્યાયમાં રસ હતો.
"હવે એ બધાનો કોઈ અર્થ નથી લૈલા, વિશ્વાસ એવી ચીજ છે જે એકવાર તૂટે ફરી ક્યારેય ન મળે! હવે મારા માટે બહારની દુનિયા અને આ જેલ બધું સરખું જ છે. મેં બસ તને આ બધું એટલા માટે કહ્યું કેમ કે મેં ગિરીશનું ખુન નથી કર્યું." વૈભવી આંખો લૂછી ઉભી થઇ ગઇ.
"વૈભવી...."
"બસ લૈલા.... પ્લીઝ મને એકલી છોડી દે પ્લીઝ." કહી વૈભવી ફરી એ ખૂણા તરફ ચાલી ગઈ. એને જાણે સંસારથી કોઈ સબંધ જ ન હોય એમ એ જેલને જ એની દુનિયા માનતી હોય જાણે! એ ફરી એ ખૂણામાં બેસી ગઈ, નિર્જન પથ્થરોને જોવા લાગી! મહત્વ બધું જગ્યાનું જ હોય છે મંદિર અને જેલ બંનેની દીવાલોમાં એ જ પથ્થર હોય છે છતાં એક મનને હિમત આપનાર અને એક દર્દ!
લૈલા કઈ બોલી નહિ, એ ત્યાંથી ચાલી ગઈ. એની પાછળ વિશાલ પણ ગયો. વિશાલે ફરી એક મેસેજ ટાઈપ કર્યો. "ગિરીશ વોઝ ઇનવોલ્વડ ઇન ડ્રગ ડિલિંગસ." અને સેન્ડ કરી દીધો.
*
ઇન્સ્પેકટર અમર, નયન અને દિપક વિશાલના મેસેજની રાહ જોઇને જ બેઠા હતા. જેવો મેસેજ આવ્યો કે તરત નયને ધવલને ફોન લગાવ્યો. એને ગિરીશની ઓફિસે બોલાવી લીધો.
સી.સી.ટી.વી. અને લૈલા પાસેથી ગિરીશની કોઈ વધુ માહિતી મળી શકે તો જ કઈક થાય એમ હતું એ સિવાય કોઈ પ્રુફ નહોતું કિલરને પકડવાનું. એ સિવાય કોઈ પણ રીતે વૈભવીને નિર્દોષ સાબિત કરી શકાય એમ નહોતી.
"આપણામાંથી કોઈ એક બહાર લૈલાની રાહ દેખે તો સારું એ ઓફીસ ખુલ્લી જોશે તો ગભરાઈને ચાલી જશે." ઇન્સ્પેકટર અમરે કહ્યું.
"ઓકે હું જાઉં છું, એ આવે એટલે એને લઈ આવું." કહી નયન ગયો.
નયન જેવો બહાર ગયો કે વિશાલના અંદાજ મુજબ જ લૈલાની ઓડી ઓફીસ આગળ ઉભી રહી.
લૈલા ગાડીમાંથી બહાર આવી, ઓફિસના દરવાજે જઈ એ ઉભી રહી. ઓફીસ ખુલ્લી જોઈ એને પણ એ જ શંકા ગઈ. અંદર કોણ હશે?
"એક્સ્ક્યુઝ મી મેડમ." નયને કહ્યું.
"યસ."
"લૈલા?" નયને પૂછ્યું.
"જી હા, તમે કોણ?" પોતે ઓફીસ પહોંચે એ પહેલાં જ કોઈ એની રાહ જોતું હતું એ જોઈ એને નવાઈ થઈ. પણ તે છતાં પોતાની રાહ જોનાર વ્યક્તિ એને નામથી જ ઓળખતી હતી એટલે એ ખૂની નઈ હોય એ ખાતરી તો એને થઈ જ ગઈ હતી.
"હું નયન, કરણનો ફ્રેન્ડ." નયને હાથ લંબાવતા કહ્યું.
"વેલ, તમે અહીં?"
"તમારી જ રાહ જોતા હતા." નયને કહ્યું.
"મારી? તમને કોણે કહ્યું કે હું અહી આવીશ? ઇનફેક્ટ હું તો આજે સવારે જ ઇન્ડિયા આવી છું."
"તમે પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાંથી અમને ખબર મળી, બીજી વાત અંદર જઈને કરીએ તો સારું રહેશે." નયને કહ્યું.
લૈલા ગભરાતી અંદર દાખલ થઈ. પણ એની જોડે મીની પિસ્તોલ હતી જ એટલે એ વધુ ગભરાય એમ નહોતી. અમેરિકા જેવા દેશમાં જવાનો એ જ એક ફાયદો હોય છે કે સ્ત્રીઓ પણ હથિયાર રાખતા, સેલ્ફ ડિફેન્સ કરતા શીખી જાય છે.
લૈલા અંદર ગઈ ત્યાં એણે દિપક અને ઇન્સ્પેકટર અમરને જોયા. દીપકનું ખડતલ શરીર જોઈ એ ડરી જ ગઈ હોત પણ ઇન્સ્પેકટર અમર વર્દીમાં હતો એ જોઈ એને રાહત થઈ.
"મિસ. લૈલા હું ઇન્સ્પેકટર અમર, અને આ છે કરણના ભાઈ મી. દિપક."
લૈલાએ દરેકથી ઓળખાણ કરી. એટલામાં ધવલ પણ આવી ગયો.
ધવલે આવતા જ કહ્યું, "નયન મને અહીં કેમ બોલાવ્યો છે? આ દીપકભાઈ ક્યારે આવ્યા? તમે અહીં ગિરીશની ઓફિસમાં શુ કરું છો?"
એકધારા સવાલ કરતા ધવલને અટકાવી દીપકે એને પૂછ્યું, "ધવલ, પાછળની ચેમ્બરમાં જે સી.સી.ટી.વી. હતો એનું શુટિંગ ઓન હતું કે ઓફ?"
ધવલ એ સવાલથી થડકી ગયો. એના ચહેરાના ભાવ બદલાઈ ગયા. ઇન્સ્પેકટર અમર વાત કરતી વ્યક્તિના ચહેરાના ભાવ જોતા જ સમજી જતો.
"એ શુટિંગ તો બંધ હતું." ધવલે થોડુંક વિચારીને કહ્યું.
"ધવલ, કરણ અને વૈભવીનું જીવન બરબાદ થવા જઈ રહ્યું છે, તું આ સી.સી.ટી.વી. વિશે કઈ પણ જાણતો હોય તો પ્લીઝ કહી દેજે." નયન પણ ધવલને ડરેલો જોઈ સમજી ગયો કે ધવલ કઈક તો છુપાવે જ છે.
"ધવલ, હું સી.બી.આઈ. એજન્ટ છું તું કઈ પણ જાણતો હોય તો પ્લીઝ મને કહે હું તને ખાતરી આપું છું કે તને કોઈ ફરક નહિ પડે."
દિપક એજન્ટ છે એ જાણી લૈલા પણ વિચારમાં પડી ગઈ. પણ ધવલ ચૂપ રહ્યો. એક ચેર ખેંચી એ ફસડાઈ પડ્યો.
"મી.ધવલ જે છે એ કહી દો." ઇન્સ્પેકટર અમરે કહ્યું.
ધવલ કઈ બોલ્યો નહિ.
"પ્લીઝ ધવલ, અમને બધાને ખબર છે કે તું કઈક છુપાવે છે, આ તારો ચહેરો જ કહે છે કે તું કઈક છુપાવે છે." નયને એને પકડીને હચમચાવી દીધો.
"એ સી.સી.ટી.વી.નું શુટિંગ ઓન હતું."
"વોટ? તો એનું શુટિંગ કેમ પી.સી.માં નથી?" અમરે પૂછ્યું.
"કેમ કે એ કેમેરાનું શુટિંગ માત્ર મને જ બતાવતું હતું." ધવલે નીચી નજરે જ કહ્યું.
બધા સ્તબ્ધ થઈ ગયા. આંખો અને કાન ધવલના આગળના શબ્દો સાંભળવા ઉત્સુક થઈ ગયા.
"હા લૈલા મારો અવાજ સાંભળી તને નવાઈ લાગે છે કેમ કે મેં જ તને ફોન કરી જાણ કરી હતી કે ગિરીશનું ખુન થયું છે, તે ખાતરી કરવા માટે ગિરીશને ફોન કર્યો, પણ ગિરીશનો ફોન ઇન્સ્પેકટર જાડેજાએ લીધો અને તને હકીકત કહી એટલે તું અહીં આવી."
લૈલા ધવલને જોઈ રહી. લૈલા જ નહીં નયન, દિપક કે ઇન્સ્પેકટર અમર કઈ સમજી શકતા નહોતા.
"આ બધું શુ છે ધવલ?" નયને ફરી કહ્યું, "બધું સાફ સાફ બોલ આમ ગોળ ગોળ ન બોલ."
"હું બધું સાફ સાફ જ કહું છું નયન." ધવલ ઊંચા અવાજે બોલ્યો. "હું ગિરીશને બ્લેક મેઈલ કરતો હતો અને એના લીધે જ આ બધું થયું છે."
ધવલનું એ વાક્ય સાંભળી લૈલા, નયન, દિપક અને ઇન્સ્પેકટર અમર સ્તબ્ધ થઈ ગયા!
નયન એના ઉપર ધસી ગયો, "નાલાયક, તે બે નિર્દોષની જિંદગી બગાડી, હું તને જીવતો નહિ છોડું." નયને ધવલને ધડાધડ લાફા લગાવી દીધા. ધવલ કોઈ પ્રતિકાર કરવા નહોતો માંગતો કેમ કે એને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. નયને જે ખુન્નસથી એના ઉપર વાર કર્યો, એનાથી ધવલ પડી ગયો.
દીપકે એને પકડ્યો. "નયન, શાંત થા, એ ગુનેગાર છે પણ ગુનો કબૂલ કરવો એ જ એની હિમતનું કામ છે."
લૈલાને એકપળ માટે એમ થયું કે ધવલને ગોળી મારી દે. પણ એણે બધાની સામે જાતે જ કબુલ્યું હતું એ જોઈ એ શાંત રહી.
દીપકે નયનને દૂર ખસેડયો. ઇન્સ્પેકટર અમરે ધવલને ઉભો કર્યો, એને ચેરમાં બેસાડ્યો, પણ ધવલના ધબકારા વધી ગયા. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એમ એણે બે હાથ છાતી ઉપર ઢાળી દીધા...
એકાએક નયનને યાદ આવ્યું કે ધવલને હ્રદયની બીમારી છે એ ગભરાય, કે વધારે પડતો દોડે તો....... એ તરત એના પાસે ગયો, એના ખિસ્સામાંથી પંપ નીકાળી એના મોઢામાં મુક્યો. ઓક્સિજન મળતા ધવલને થોડી રાહત થઇ.
લૈલા એની ગાડીમાંથી ઠંડા પાણીની બોટલ લઈ આવી. પાણી પી ધવલ થોડો સ્વસ્થ થયો.
"હા નયન મેં ગુનો કર્યો અને એનું પરિણામ બધાને ભોગવવું પડ્યું છે." ધવલે ફરી કહ્યું.
નયન નારાજ નજરે એને જોઈ રહ્યો. એ ધારદાર નજર ધવલ સહન કરી ન શક્યો કે કેમ એમ એણે નજર લૈલા તરફ કરી, "લૈલા હું તારો ગુનેગાર છું."
લૈલાએ નજર ફેરવી લીઘી પણ ઇન્સ્પેકટર અમર અને દિપક બંને એને ધ્યાનથી સાંભળી રહ્યા.
( ક્રમશ: )
***