નો રીટર્ન-૨ ભાગ-૫૩ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૫૩

નો રીટર્ન-૨

ભાગ-૫૩

પાદરીએ મને જબરદસ્ત ઝટકો આપ્યો હતો. હું તેની ફિક્કી પડી ચૂકેલી ભૂરી કીકીઓમાં તાકી રહયો. હમણાં તે જે બોલ્યો શું એ સત્ય હોઇ શકે ખરું..? વર્ષોથી વહેતી આવતી લોકવાયકાને આ જુવાન પાદરી એક ઝાટકે નકારી રહયો હતો. અને એટલું જ નહિ, તે પાદરી જોનાથન વેલ્સને જૂઠ્ઠો...કાવતરાખોર ગણાવી રહયો હતો. અચાનક આવી ચડેલા ભેદભરમમાં હું અટવાઇ ગયો.

“ એ કેવી રીતે શક્ય બને..? પાદરીએ તો ઘણાનાં જીવ બચાવ્યાં હતાં. તે ખુદ ખજાનાં પાછળ જતાં લોકોને વારતો રહયો હતો અને તેમને ખજાનાં પાછળ ન જવાં સમજાવતો હતો. તો પછી એનાં કારણે કોઇએ જીવ ખોયા હોય એ કેમ શક્ય બને..? “ મારી ઉત્કંષ્ઠતા એની ચરમસીમાએ હતી.

પાદરી વળી પાછો હસ્યો. “ એ જ તો કમબખ્તિ છે. કોઇએ ક્યારેય એ જાણવાની કોશિશ જ નથી કરી કે જોનાથન આખરે શું હતો..? “

“ અચ્છા..! કંઇક વિસ્તારથી કહે તો સમજાય..! “

“ તો સાંભળ, મને અમારા સંસ્થાન તરફથી આ ગામમાં ચર્ચ સંભાળવાનું કહેવામાં આવ્યું ત્યારે અહીનીં પાદરીની જગ્યા ખાલી પડી હતી. મારી પહેલાં જે પાદરી હતો એ એટલો બધો કાબેલ નહોતો કે જોનાથનનાં મૃત્યુ બાદ તેની ખાલી પડેલી જગ્યા ભરી શકે. એટલે મને અહીં મોકલવામાં આવ્યો. અહીં આવ્યાં બાદ મેં મારી આંખો અને કાન ખૂલ્લા રાખ્યા અને અહીંની પરિસ્થિતીને બને એટલી નજીકથી જાણવાની કોશિશ કરી. મેં એવું શું કામ કર્યું એનું તને આશ્વર્ય થતું હશે નહી...? પણ... સચ્ચાઇ એ છે જે દેખાતી નથી. તને વિગતે સમજાવું, સાંભળ...” તેણે ગળું ખંખેર્યુ. હું સ્તબ્ધ બનીને સાંભળી રહયો હતો. મને સમજાતું નહોતું કે આ જુવાન પાદરી મારી સામે કેમ આટલું ખુલીને બોલી રહયો છે..?

“ જોનાથન વેલ્સ એ સૌથી પહેલો વ્યક્તિ હતો જેણે અમારા ધર્મનાં પ્રચાર અર્થે અહીં, એટલે કે પિસ્કોટા ગામમાં આવવાનું સ્વિકાર્યું હતું. અમારા કેથોલીક ચર્ચ સંસ્થાને તેને આ તરફનાં તમામ અંતરીયાળ વિસ્તારોમાં ખ્રિસ્તિ ધર્મનાં પ્રચાર અર્થે મોકલ્યો હતો. અને એ કામ તેણે બખૂબી નિભાવ્યું પણ હતું. થોડા વર્ષોની અંદર જ અહીંનાં લોકો ખ્રિસ્તિ ધર્મનાં અનુયાયીઓ બની ગયા હતા. આ સમય દરમ્યાન જોનાથને જોયું હતું કે પિસ્કોટા ગામ એ પેલાં શાપિત મનાતાં ખજાનાનું પ્રવેશદ્વાર બની ચૂકયું છે. કારણકે જે પણ લોકો ખજાનાંની ખોજમાં આવતાં હતાં તેઓને અહીંથી જ પસાર થવું પડતું હતું. જોનાથનને એ સહેજે પસંદ આવતું નહી કે કોઇ બહારી વ્યક્તિઓની પિસ્કોટામાં અવર-જવર વધે. તેને એ પોતાનાં કામમાં...ધર્મ પ્રચારમાં... અડચણરૂપ લાગતું. અને એટલે જ તેણે ખજાનાની ખોજમાં આવતાં લોકોને અવળે રસ્તે ચડાવાની શરૂઆત કરી હતી. તેણે સૌથી પહેલાં તો એરીક હેમન્ડે કબુતરો દ્વાર મોકલેલા નકશાઓનો દુર ઉપયોગ શરૂ કર્યો. તેણે એ નકશાઓમાં દોરેલા ઓરીજનલ રસ્તાઓ અને સ્થળોમાં પોતાની રીતે ફેરફાર કર્યો અને એ રસ્તે જ બધા સંશોધનકર્તાઓને મોકલવાનું શરૂ કર્યું. તે જાણતો હતો કે એમેઝોનનાં આ વિષમ જંગલોમાં માણસ એક વખત અટવાય જાય પછી ક્યારેય જીવિત પાછો ફરવાનો નથી. તેની આ યુક્તિ કામ કરી ગઇ અને ધીરેધીરે એવી હવા ફેલાઇ કે એ ખજાનો શાપિત છે અને તેની ખોજમાં જનારાં મૃત્યું પામે છે. બસ...પછી શું છે...! એકવખત વાત ફેલાવી શરૂ થઇ પછી આ તરફ લોકોનો ધસારો આપોઆપ ઓછો થઇ ગયો. અને પાદરીએ જેવું ધાર્યું હતું એવું જ થયું. પછી તો તેણે ચર્ચની ઉપરવટ જઇને આ તરફનો સંપૂર્ણ ઇલાકો પોતાનાં તાબામાં લઇ લીધો હતો. તેણે પોતાની મનમરજી મૂજબ અહીનાં આદિવાસી નિવાસીઓને વટલાવવાનું શરૂ કર્યું. ચર્ચે પણ એ બાબતે પછીથી આંખઆડા કાન કર્યા હતા. પરંતુ....તેનાં મૃત્યું બાદ ફરીથી અમારા ચર્ચે અહીનો હવાલો સંભાળ્યો છે અને મારી યોગ્યતા જોતાં મને ધર્મનાં પ્રચાર અર્થે અહીં નિમ્યો છે. “ પાદરી ખામોશ થયો. મને તેણે જે રીતે વાત કહી હતી તેમાં શંકા કરવા જેવું લાગ્યું નહી. તે એકદમ નિખાલસતાથી બોલતો હતો. મશાલની રોશનીમાં ચળકતી તેની આંખોમાં સચ્ચાઇ ઝળકતી માલુમ પડતી હતી.

“ તો પછી એ ખજાનાની હકીકત શું છે...? “ મેં સવાલ કર્યો.

“ એ બાબતે મારૂં સંશોધન ચાલું છે. પણ...મને જેટલું જાણવા મળ્યું એ મુજબ ખજાના પાછળ જવામાં સાર નથી. કારણકે હજું સુધી કોઈએ એ ખજાનો જોયો નથી અથવાતો એ જગ્યાએ બીજું કંઈક ભયંકર હશે. ગોડ નોઝ...!! તમને લોકોને પણ હું સ્પષ્ટ સલાહ આપીશ કે આ દૂર્ગમ જંગલની ખાક છાણવા જેવી નથી. અહીથી જ પાછા ફરી જવામાં સાર છે. એરીક હેમન્ડે જે નકશાઓ મોકલ્યા હતા તે કોઇપણ રીતે આધારભૂત માનવાની ભૂલ ન કરતાં. મને ચર્ચ તરફથી સ્પષ્ટ આદેશ મળ્યો છે કે ખજાનાં બાબતે કોઇને પણ ગેરમાર્ગે દોરવા નહીં. તમે લોકો મારા માટે અજાણ્યા છો છતાં આટલી ચોખવટથી વાત કરવાનો મોરો એ જ આશય હતો. બાકી તો તમારી મરજી...” કહીને પાદરી ખામોશ થયો.

“ ઓહ....!! “ મારા ગળામાંથી ઉદગાર સરી પડયો. એકાએક જ મને લાઇટ થઇ કે કેમ મારા દાદાએ દોરેલા ચિત્રો એરિક હેમન્ડનાં ચિત્રો સાથે મેચ નહોતાં થતાં. મારી કન્ફ્યૂઝનનો એકાએક જ અંત આવ્યો હતો. મતલબ કે મારા દાદાનાં ચિત્રો યોગ્ય હતાં. તેમણે યોગ્ય રસ્તાઓ અને પડાવો વર્ણવ્યા છે. ઓહહ...બટ, હાઉ...? દાદા તો ત્રિજા પડાવથી આગળ વધ્યા જ નહોતાં તો તેમણે એ કબુતરોનાં ચિત્રો અને નંબરો કેવી રીતે દોર્યા હશે...? ભયંકર ગૂંચવાડો સર્જાયો હતો અને હજું મને કંઇજ સમજાતું નહોતું. પણ... એકવાત સ્પષ્ટ થઇ હતી કે મને લાઇબ્રેરીમાંથી જે ચિત્રો મળ્યા છે એ મુજબ જ હવે મારે આગળની સફર કરવાની છે. નહિં કે એરિક હેમન્ડનાં નકશા મુજબ. મારા દાદાએ એ નકશાઓ ક્યાંથી મેળવ્યા હશે એ બાબતને અત્યારે અધ્યાહાર રાખીને મેં પાદરીનો આભાર માન્યો.

“ અરે...એમાં આભાર શાનો...! મને જેટલો ખ્યાલ હતો એ તમને જણાવી દીધું. ઇશ્વર ન કરે અને તમને લોકોને કંઇ થાય તો મારો જીવ ડંખ્યા કરે કે ખ્યાલ હોવાં છતાં હું તમને વારી ન શકયો. હજું કહીશ કે એ ખજાના પાછળ જવાનો મોહ રાખતાં નહીં. આપણું આ અનમોલ જીવન એ કોઇ ખજાનાથી કમ તો નથીં જ...! “ તે ભાવાવેશમાં બોલતો હતો. મને તેની સચ્ચાઇ તેનાં ચહેરા પર સ્પષ્ટ વર્તાતી હતી છતાં એટલો ખ્યાલ પણ હતો કે હવે અમારી સફર ક્યાંય અટકવાની નહોતી જ. કાર્લોસ એમ થવા દે એ વાતમાં દમ પણ નહોતો. પાદરીનો ફરીવખત આભાર માની હું તેનાં ઘરમાંથી બહાર નિકળી આવ્યો.

મારું માથું ભમતું હતું. એક પાદરી થઇને જોનાથને કેટલાય લોકોને મોતનાં માર્ગે મોકલ્યા હતાં એ વિગત પચાવતાં હદય ભારે થઇ ઉઠયું હતું. પરંતુ...આખરે જોનાથન પણ એક માનવક્ષતિ ગ્રસ્ત માનવી જ હતોને..! તેણે જે કર્યું એ તેનાં ભગવાનને ક્યારેય મંજૂર રહ્યું નહીં હોય. ખેર... હવે મારે આગળનું વિચારવાનું હતું. મારા ઘણાખરા ડાઉટ ક્લિયર થયાં હતાં. એક સ્પષ્ટ રાહ મળી હતી કે મારા દાદાએ જે નિશાનીઓ દોરી છે એ મુજબ અમારે આગળ વધવાનું છે. અને એટલે તેનો અભ્યાસ અત્યારે જ કરવો જરૂરી બનતો હતો.

હું અમારા ઉતારા તરફ ઉપડયો. ચર્ચનાં ચોગાનમાં આવીને મેં ઉપર ગગન તરફ નજર માંડી. નભમાં અગણીત તારામંડળ ઝગારા મારતું હતું. અહીનાં ચોખ્ખા ખૂલ્લા આકાશમાં તારાઓનો જાણે જમાવડો ખડકાયો હોય એવું પ્રતિત થતું હતું. મેં મનોમન મારા દાદાને સમર્યા, અને ભગવાનને વિનંતી કરી કે મને યોગ્ય રાહ દેખાડે.

( ક્રમશઃ )

મિત્રો.. બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.