નો રીટર્ન-૨ ભાગ-૫૨ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૫૨

નો રીટર્ન-૨

ભાગ-૫૨

દરેક અજાણી જગ્યાનો એક ડર હોય છે. ડર એ વાતનો કે તમે પહેલી જ વખત તેનો સામનો કરતાં હોંવ છો. જ્યારે તમે એ જગ્યાનાં હેવાયા બની જાઓ ત્યારે આપોઆપ એ ડર નાબુદ થઇ જતો હોય છે. પિસ્કોટા ગામ મારા માટે તદ્દન અજાણ્યું હતું એટલે એક ડર મનમાં હતો કે અહીં મારે જે જાણવું છે એ કેવી રીતે અને કોને હું પુંછીશ..? પેલો યુવાન પાદરી મારી હેલ્પ કરશે કે નહીં..? તે અંગ્રેજ આદમી હતો એટલે તેની સાથે કમ્યૂનીકેશનમાં તકલીફ થવાની નહોતી. પણ... મારે ઉતાવળ કરવાની હતી. મને કાર્લોસ અને તેની ટોળકી ઉપર સહેજે ભરોસો નહોતો. હું જાણતો હતો કે જ્યાં સુધી તેને મારી ગરજ રહેશે ત્યાં સુધી તે અમારી સાથે બહું સારી રીતે વર્તશે પરંતુ જ્યારે તેનું કામ નિકળી જશે કે તુરંત અમારો ખાત્મો બોલાવી નાંખશે. હું એટલે જ સતત ફફડી રહ્યો હતો અને એવા પ્રયત્નોમાં હતો કે કાર્લોસને કેવી રીતે નાથી શકાય..!

વિચારોનાં વમળમાં મને ઉંઘ આવતી નહોતી. મારી બાજુમાં કાર્લોસનાં પઠ્ઠાઓ તો ક્યારનાં સૂઇ ગયા હતાં. મશાલનાં પીળા પ્રકાશમાં હું તેમનાં ચહેરાની ભયાનકતા નિહાળી રહયો. આ લોકો કુદરતી મરહટ્ટાઓ હતાં. તેમને કોઇ ફરક નહોતો પડતો કે તેઓ ક્યાં છે અને કેવી પરિસ્થિતીમાં છે..! તેમનો એક જ ધર્મ હતો અને તે એ કે આંખો બંધ કરીને પોતાનાં બોસ કાર્લોસનો હુકમ માનવો. ખબર નહીં કઇ અજીબ મનોસ્થિતી પ્રમાણે તેઓ જીવતાં હશે..! મને તો ખરેખર આ લોકો ઉપર દયા ઉપજતી હતી. પોતાનાં બોસનાં એક ઇશારે તેઓ કંઇપણ કરી નાંખતા અચકાતા નહી. એક રીતે ગણો તો આવા લોકો કોઇ ગુલામોથી કમ નહોતાં જ. થોડે દુર એક પથારીમાં પેલો પહાડ સુતો હતો. તેનાં નસકોરાનો ભયંકર અવાજ આખા કમરામાં ગુંજતો હતો.

હું સાવધાનીથી ઉભો થયો. એક નજર સુતેલા માણસો પર ફેરવી અને દબાતા પગલે દરવાજા તરફ ચાલ્યો. ગનીમત એ થયું કે દરવાજો કોઇ મોટા અવાજ કે ખખડાટ વગર ખૂલી ગયો. બહાર ગાઢ અંધકાર છવાયેલો હતો. મને ખબર હતી કે આ મકાન ચર્ચની પાછળનાં ભાગમાં છે... મતલબ કે અત્યારે હું ચર્ચનાં પાછલા ભાગે ઉભો હતો. મારે કોઇપણ હિસાબે પેલાં પાદરીને શોધવાનો હતો. સાવ અજાણ્યાં ગામમાં, અને એ પણ આદીવાસી વિસ્તારમાં આ કામ સામે ચાલીને મોતને આમંત્રણ આપવા બરાબર હતું. પણ એની વગર મારી પાસે બીજો કોઇ ઓપ્શન નહોતો. હું સાવધાની વર્તતો ચર્ચનાં આગળનાં ભાગે આવ્યો. હમણાં થોડીવાર પહેલાં જ અમે આ ચોકમાં ઉભા હતાં. મને એટલી ખબર હતી કે પેલો આદીવાસી યુવાન પાદરીને સામેની તરફ ક્યાંકથી બોલાવી લાવ્યો હતો. હું એ તરફ ચાલ્યો. ચર્ચની માથે બળતાં લેમ્પનો આછો પ્રકાશ મારો રાહબર બન્યો હતો. એક અંદાજ મનમાં હતો કે હું આસાનીથી પાદરીનાં મકાનને ઓળખી શકીશ કારણકે તે એક અંગ્રેજ મેન હતો અને તે જ્યાં રહેતો હશે એ મકાન ચોક્કસ આ આદીવાસીઓથી ભિન્ન હશે. અને... થોડી જ વારમાં મારું અનુમાન સાચું પડતુ માલુમ થયું. મારી નજરો સમક્ષ એક બેઠા ઘાટનું વ્યવસ્થિત કહી શકાય એવું ખોરડું હતું. એ ખોરડાની દિવાલો સફેદ રંગથી રંગાયેલી હતી અને તેમાં ઠેકઠેકાણે ક્રોસનાં ચિન્હો દોરેલાં હતાં. મને સમજતા વાર ન લાગી કે પાદરી આ મકાનમાં જ રહેતો હશે. હું તેનાં દરવાજે પહોચ્યો અને સાવ હળવાશથી દરવાજો ખખડાવ્યો. અંદર કશીક હલચલ થઇ અને પછી દરવાજો અધૂકડો ખૂલ્યો. દરવાજાની ફાડમાંથી પાદરીનું ડોકું બહાર આવ્યું. તેની આંખોમાં ઉંધ ભરેલી હતી અને એક અજાણ્યાં માણસને દરવાજે ઉભેલો જોઇ તે થોડો ચોંક્યો હોય એવું પણ લાગ્યું.

“ યેસ...? “ એ અવાજમાં પૃચ્છાનાં ભાવ કરતાં થડકારો વધું હતો. મને લાગ્યું કે કદાચ તે આવી જ કોઇ પરિસ્થિતીની રાહ જોઇ રહયો છે. હવે મારું કામ આસાન હતું.

“ આઇ વોન્ટ ટૂ ટોક વીથ યું..! “ અને તે કંઇ કહે એ પહેલાં અધૂકડા ખૂલ્લા દરવાજાને હળવો ધક્કો મારી હું અંદર પ્રવેશી ગયો. મારી એ ચેષ્ટાથી તે હક્કોબક્કો રહી ગયો. તેને સમજાયું નહીં કે અચાનક આ આફત ક્યાંથી ટપકી પડી...? પણ.. મને હવે તેનાથી કોઇ મતલબ નહોતો. દરવાજો ખોલતી વખતે તેનાં ચહેરાનાં ભાવ ધણુંબઘું બયાન કરી ચૂકયા હતાં. અંદર રૂમની વચાળે હું ઉભો રહયો. “ હું સીધા જ મુદ્દાની વાત ઉપર આવું છું, અને તે એ કે આ ખજાનાની વાતમાં કેટલો દમ છે...? “ અંગ્રેજીમાં જ મેં તેને પુંછયું હતું...” ખોટુ બોલવાથી કોઇ મતલબ સરશે નહીં કારણકે મને સમજાયું છે કે તું એ બાબતે ઘણું જાણે છે..! ”

“ ઓહ... અચ્છા, એમ...!! “ તેણે ઉપહાસ ભર્યો ઉદગાર કાઢયો અને બન્ને હાથની અદબ ભીડી મારી નજીક સરકયો. હું અંધકારમાં પણ તેની ચળકતી આંખોમાં જોઇ શકતો હતો કે એ આંખોમાં ધીરેધીરે મક્કમતા છવાતી ગઇ હતી.

ખરું પુંછો તો અહીં હું ખાલી પાદરી સાથે વાતચીત કરીને પેલાં ખજાના વિશે અને પૂર્વનાં પાદરી રહી ચૂકેલા જોનાથન વેલ્સ વિશે જાણવાં આવ્યો હતો. પરંતુ દરવાજો ખોલતી વખતે પાદરીનાં ચહેરા ઉપર જે હાવભાવ હતાં એણે મને ચોંકાવ્યો હતો. પણ પાદરી એમ ગાંજ્યો જાય તેમ નહોતો. મેં ઢીલું મુકયું.

“ જૂઓ પાદરી મહોદય, હું કંઇપણ છૂપાવ્યા વગર તમને મારી કહાની સંભળાવું. આઇ હોપ કે તમે મારી પરિસ્થિતી સમજશો...! “

“ એ બહેતર રહેશે...” તે બોલ્યો અને તેણે મને એક ખુરશી પર બેસાડયો. હું બેઠો... અને મેં મારી કથની શરૂ કરી. હું અહીં શું કામ હતો, મારો મકસદ શું હતો, મારી સાથે કોણ કોણ લોકો છે, એવી તમામ બાબતો ખુલાસાવાર જણાવી દીધી. મને લાગતું હતું કે જો મારે પાદરીનો વિશ્વાસ જીતવો હશે તો પેટ છૂટી વાત કરવી જ પડશે. અને તમે નહીં માનો પણ પાદરીને મારી ઉપર ભરોસો બેઠો હતો.

“ જૂઓ...! તમે લોકો અહીં આવ્યાં ત્યારે જ હું સમજી ગયો હતો કે જરૂર તમે પેલાં ખજાનાંની પાછળ જ હશો. કારણકે વર્ષમાં કોઇનેકોઇ તો એ ખજાનાં વિશે પુંછતું અહી આવી જ ચડે છે. એટલે જ તમને આ સમયે મારાં દરવાજે ઉભેલાં જોઇને હું ચોંકયો હતો. “ પાદરી બોલ્યો. હવે મને સમજાયું કે મને જોઇને તે કેમ અસહજ બન્યો હતો. “ એ ખજાનાં વિશે તો હજ્જારો લોકવાયકા વહે છે પણ હકીકત એ છે કે હજું સુધી કોઇ એ સ્થળ સુધી પહોચી શકયું નથી. અને જે લોકો ત્યાં સુધી પહોંચી ગયા હોવાનો દાવો કરે છે તેમાથી કોઇ અત્યારે એ બાબતની ગવાહી દેવા જીવીત નથીં, તો પછી એ લોકોનાં દાવાને સાચો કેવી રીતે માનવો..? તમને સમજાય છે ને મારી વાત...? ”

“ જી...! “ મેં હકાર ભણ્યો. પાદરીની વાતમાં દમ હતો. હવે તે મને નિખાલસ લાગ્યો. આમપણ અંગ્રેજ લોકો વાતને વેવલાઈ પૂર્વક કહેવામાં માનતા નથી એવું મેં ક્યાંક સાંભળ્યું હતું એનો અનુભવ અત્યારે મનેં થઇ રહયો હતો. તેઓ સીધા જ... કટ ટૂ કટ વાત કહેવામાં માને છે. પાદરીનું પણ કંઇક એવું જ હતું.

“ તો ખરેખર શું કોઇ ખજાનો છે જ નહી...? “ મેં સવાલ કર્યો. “ જો એમ હોય તો જે નકશાઓ અને દસ્તાવેજો મળ્યા છે તેનું શું...? અરે, આ ગામનાં જ પાદરી જોનાથને ડો. હેમન્ડને પોતાનાં કબુતરો સોંપીને ખજાનાં પાછળ મોકલ્યો હતો એ લોકવાયકા તો ન જ હોય ને...!! આ બાબતનો કોઇ ખૂલાસો છે તારી પાસે..? ”

પાદરી મારી વાત સાંભળીને હસ્યો. પછી બીજી એક ખૂરશી ખેંચીને તે મારી સન્મુખ બેઠો. તેણે પોતાનું માથું મારી તરફ ઝુકાવ્યું અને કાનમાં કહેતો હોય એમ બબડયો...

“ એ પાદરીની વાતમાં જે પણ ભોળવાયું હતું એ બધાં જ લોકો મોતને ભેટયાં છે એની તને ખબર છે...? “

એક ઝટકાથી હું પાછળ ખસી ગયો અને હૈરતભરી નજરે પાદરીને તાકી રહયો. તે રહસ્યમય રીતે મુસ્કુરાય રહયો હતો.

( ક્રમશઃ )

મિત્રો.. બની શકે તો કોમેન્ટ કરજો કે કહાની તમને કેવી લાગે છે.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.