ANDHARU books and stories free download online pdf in Gujarati

અંધારું

અંધારું.

======

નિબંધ માટેના વિષયો આપી હું મુદ્દાઓ લખાવી રહી હતી. મોટાભાગની વિદ્યાર્થીનીઓએ “મને ગમતી સેલીબ્રીટી” વિષય પસંદ કર્યો હતો. મારા દિમાગમાં અમોલ પાલેકર અને દેવ આનંદ જેવા કલાકારો ઘંટડી મારવા લાગ્યા. મને મારા એ કોલેજના દિવસો યાદ આવી ગયા.

જો હું એક વિદ્યાર્થીની હોત તો અમોલ પાલેકર વિષે જરૂર લખતી. પાછળની બેંચ ઉપર બેઠેલી અવની મારી સામે આવીને ઉભી રહી. સંકોચ સાથે પૂછ્યું..

“બ...બ..મમ...મેમ હું સની લીયોની ઉપર નિબંધ લખી શકું?”

“ઓહ! સની લીયોની ઉપર નિબંધ? આ તમને લોકોને શું થઇ ગયું છે? પેલી અંજલી પણ હમણાં એ જ પૂછતી હતી,. નહીં ચલાવી લેવાય. વિષય શું છે? તમને ગમતી સેલીબ્રીટી!. અને આ સની લોયોની તમને ગમે છે?”

“ઓફ કોર્સ મેમ. તમે એના વિશે શું જાણો છો?”

“તને મરજી પડે એમ કર, મારે શું? સની લીયોનીને આદર્શ માનવું એ ભૂલ ભરેલું પગલું છે.”

“રેહવા દો મેમ તમે સની લીયોની વિશે થોડો અભ્યાસ કરજો પછી મને કહેજો.”

“કેમ? હું શા માટે એનો અભ્યાસ કરું? બીજા કલાકાર ઓછા છે કે હું એવા ગંદા કામ કરતી વ્યક્તિ વિશે જાણકારી મેળવું?”

અવનીની વાતો સાંભળી મારો ગુસ્સો ચરમ સીમાએ હતો. નિબંધ અંગે અન્ય મુદ્દાઓ વિશે ચર્ચા કરી બધાને છુટ્ટી આપી.

હું વર્ગખંડથી બહાર નીકળી. મને એટલો ગુસ્સે આવી ગયો હતો કે ઉતાવળમાં હું મારું પર્સ અને ચશ્માં વર્ગખંડમાં ભૂલી ગઈ હતી.

“હું એવી વિદ્યાર્થીનીઓને ટ્યુશન કારાવું છું જે સની લીયોનીને આદર્શ માને છે! છી!”

સ્વગત બબડતા પર્સ અને ચશ્મા ઉઠાવી હું લીફ્ટ તરફ ચાલતી થઇ.

લીફ્ટનો દરવાજો ઓટોમોડમાં બંધ થઇ રહ્યો હતો. હું ઉતાવળે લીફ્ટની અંદર જતી રહી અને મારા ફોનની રીંગ વાગી.

“હેલ્લો”

ફોન ઉપર વાત કરતાં હું આંગળી ગ્રાઉન્ડ ફલોરના બટન ઉપર મુકવા જઈ રહી હતી કે તરત

એક યુવતીએ લીફ્ટના દરવાજા આડો હાથ રાખી અંદર પ્રવેશી. એને પચીસમાં માળ ઉપર જવા માટેનું બટન દબાવ્યું. લીફ્ટ ચાલતી થઇ અને મારી ફોન ઉપર વાત પૂરી થઇ.

શું સમજતી હશે આ આજકાલની છોકરીઓ? કેટલી અવિવેકી છે સાલ્લી! મને પૂછતી પણ નથી કે મારે નીચે જવું છે કે ઉપર! આજ તો દિવસ જ ખરાબ છે.

મારે નીચે જવું છે અને આ છોકરી મને ઉપર લઇ જઈને મારો સમય વેડફી રહી છે. લીફ્ટના ડિસ્પ્લે ઉપર આંકડા વધી રહ્યા હતા..૧૯,.૨૦.૨૧.

મારું ધ્યાન હજુ પેલી યુવતી ઉપર બરાબર ગયું ન હતું. હું તો એના લાંબા લાંબા વાળ અને ટૂંકા ટૂંકા કપડા જ જોઈ રહી હતી. હું કહેવા જ જઈ રહી હતી અને એટલી વારમાં બાવીસ અને અને ત્રેવીસમાં માળની વચ્ચે ધડાકા સાથે લીફ્ટ અટકી ગઈ.

એ ઝટકો એવો જોરદાર લાગ્યો કે હું ફસડાઈને પડી ગઈ. મારો મોબાઈલ અને પર્સ પેલી યુવતીના પગ પાસે પડી ગયા, અને ચશ્મા તો ક્યાં ગયા દેખાયા જ નહીં. લીફ્ટમાં અંધારું થઇ ગયું...

“લાગે છે લાઈટ ચાલી ગઈ છે.”

“હા મને પણ એવું જ લાગે છે.” હું ઉભી થતા બોલી..

પેલી યુવતીએ એના મોબાઈલની લાઈટ નીચે ફર્સ ઉપર કરી મારા ખભા ઉપર હાથ મુક્યો..

“મેમ, આર યુ ઓકે?” મારો મોબાઈલ અને પર્સ હાથમાં આપ્યા અને ચશ્માં પહેરાવતા કહ્યું.

“હું તો બરાબર છું પણ તું આ ટૂંકા કપડામાં ઓકે નથી લાગતી.” હું સ્વસ્થ થતા સ્વગત બબડી.

પડી જવાના કારણે મારા ધબકારા વધી ગયા હતા. અચાનક આવેલ ઝટકાના કારણે હું હતપ્રત થઇ ગઈ હતી. પેલી યુવતીએ મને લીફ્ટના ખૂણાના ટેકે ઉભી રાખી મારો દુપટ્ટો સરખો કરતા કહ્યું..

“રીલેક્સ મેમ.. રીલેક્સ... અમદાવાદમાં પાવરકટની પ્રોબ્લેમ સામાન્ય છે એ તો તમે જાણો જ છો.”

એમ કહેતા પેલી યુવતીએ એના મોબાઈલની ટોર્ચ બંધ કરી બિલ્ડીંગ સીક્યોરીટીને ફોન લગાવ્યો. અમે બંને લીફ્ટમાં અટવાયા હોવાની જાણ કરી. ફોન કટ થતાં એ યુવતીએ મારી તરફ જોતા કહ્યું..

“ઓહ નો! આ જનરેટરને પણ આવા સમયે જ ખરાબ થવું હતું! હવે આપણે રાહ જોવી પડશે જ્યાં સુધી પાવર ન આવે કે લીફટની ટેકનીકલ ટીમ ન આવે. ખાલી દસ સેકન્ડનો ફરક પડ્યો. જો દસ સેકંડ પાવર ચાલુ રહ્યો હોત તો આપણે બંને ઉપર પહોંચી ગયા હોત. જનરલી લીફ્ટમાં એવી ગોઠવણ હોય જ છે કે પાવરકટ થાય તો મેન્યુઅલી એ નજીકના ફ્લોરમાં નીચે ઉતરી જાય અને એના દરવાજા મેન્યુઅલી ખોલી શકાય. આ તે કેવી ખામી થઇ કે અધવચ્ચે જ અટકી ગયા?”

“પણ મારે ગ્રાઉન્ડ-ફ્લોર જવું હતું. તારા કારણે જ હું અટવાઈ ગઈ.”

“કેમ મારા કારણે? અઢારમાં માળેથી ઉપર જતી વખતે બાવીસ અને ત્રેવીસની વચ્ચે અટકી ગયા. જો નીચે ગયા હોત તો આપણે તેર કે ચઉદ વચ્ચે કદાચ અટક્યા હોત. અને હા મારા ઉપર બ્લેમ કરવાની કોઈ જરૂર નથી. અલબત મેં સિક્યોરીટી સ્ટાફને જાણ કરી છે. લીફ્ટ ચાલુ થશે તો પહેલા તમને નીચે ઉતારીશ પછી હું ઉપર જઈસ પણ માફી ચાહું છું તમે તમારી ભાષા સુધારો.”

“ઓહો! ભાષા! લીફ્ટની ઉપર નીચેની ગણતરી તો એવી રીતે કરી બતાવી જાણે તું ગણિત પણ સારું જાણતી હોય અને પાછી ભાષાની વાત કરે છે? તારા જેવી ચાલીસ છોકરીઓને હું ભણાવું છું. સમજી?”

“ઓહ! સોરી મેમ મને ખબર નથી કે તમે એક શિક્ષિકા છો. હું સમજી શકું છું કે તમારો સમય કેટલો કિંમતી છે. પણ તમે સીધા તું તારીથી વાત કરી એટલે. પણ વાંધો નહી તમે મને તું કહી શકો છો.”

જો કે એ યુવતી ભાષા વિવેકથી મને ખુબ ચપળ અને હોશિયાર લાગી રહી હતી. પણ એ કોણ હતી? મેં ક્યારેય એને આ બિલ્ડીંગમાં આવતાં- જતાં જોઈ નથી. લીફ્ટમાં પણ અંધારું થઇ ગયું હતું કે હું એને બરાબર જોઈ શકું. એક વાર તો એવી ઈચ્છા થઈ કે મોબાઈલની ટોર્ચ મારીને એનો ચહેરો જોંઉ પણ મને એ થોડું અવિવીકે લાગ્યું. ટૂંકા સ્કર્ટ અને ટોપ ઉપરથી તો એ છીછરી લાગી રહી હતી પણ એની વાતોમાં સંસ્કાર હતા એવું લાગ્યું. અને એટલે જ મેં નમતું જોખ્યું. તોય મારાથી રહેવાયું નહી અને મેં કહ્યું..

“આજકાલની છોકરીઓને સની લીયોનીની જેમ કપડા પહેરવા વધારે પસંદ હોય છે.”

“પણ મેમ તમે કપડાની સાઈઝ ઉપરથી કેમ વ્યક્તિનું આંકલન કરો છો?”

“કેમ? સની લીયોની ટૂંકા કપડા પહેરે છે? હા હા હા એ પડદા ઉપર તો પહેરતી જ નથી. અરે શરમ વગરની છે! અને આજકાલની છોકરીઓ એને ફોલો કરે છે.”

“તો શું થયું? સની લીયોની પણ એક ઇન્સાન છે. એના અંગત જીવનથી અને એના પ્રોફેશનથી કોઈને તકલીફ ન જ હોવી જોઈએ.”

“હા સાચી વાત અંગત જીવનથી તકલીફ ન હોવી જોઈએ પણ એ અંગત જીવન આમ પડદા ઉપર જાહેર કરવાનું?”

“મેમ ઇસ હમામ મેં સબ નંગે હે! કપડા પહેરેલા નાગા માણસો તમે જોયા છે? મેં જોયા છે.”

“તો! શું તમે સની લીયોનીના વકીલ છો? એની તરફેણ કેમ કરો છો?”

“હું સની લીયોનીની તરફેણ નથી કરતી. પણ એજ સની લીયોનીએ ગુગલમાં પ્રધાનમંત્રીને પણ પાછળ મૂકી દીધા છે!”

“તો? તો શું એ પ્રધાનમંત્રીથી પણ મોટી થઇ ગઈ?મને આ સની લીયોનીની વાતોમાં જરાય રસ નથી. બસ આ લીફ્ટ જલ્દી ચાલુ થાય અને હું અહીંથી જાઉં. ગુંગળામણ થાય છે.”

“સની લીયોનીની વાત તમે શરુ કરી હતી, મેં નહી. અને તમારી ગુંગળામણ એ તમારી આંતરિક છે વિચારો બદલાશે તો એ ગુંગળામણ પણ દુર થઇ જશે.”

“ઓહો! તો તમે સાયકોલોજી પણ જાણો છો? ગણિત, ભાષાકીય જ્ઞાન અને એ સિવાય તમને સાયકોલોજીનું પણ જ્ઞાન છે!”

“જી હા, જોકે મને ગુજરાતી ઓછું આવડે છે. પણ અહીં અમદાવાદ આવ્યા પછી થોડું બોલતા આવડી ગયું છે.”

“અમદાવાદ આવ્યા પછી? મતલબ તમે અમદાવાદના નથી?”

“ના હું છેલ્લા એક વર્ષથી અહીં ઇન્ડિયા આવી છું. હું મૂળ પંજાબની છું અને અહી એક ફિલ્મ. શૂટ .બ બ .મ

ફિલ્મ... જોવા આવી હતી.. હાલ હું મુંબઈ અંધેરીમાં રહું છું.”

“ઓહ! એટલે સની લીયોનીની તરફેણ કરી રહ્યા છો એમ ને?”

“મેમ તમારા દિમાગમાં સની લીયોની કેમ ભમે છે? તમે એકવાર એને દિલમાં રાખો દિમાગમાં નહીં. એ તમને ગમવા લાગશે.”

“ના. કોઈ જરૂર નથી. ન તો હું એને દિમાગમાં રાખવા માંગું છું કે ન એને દિલમાં. મને એ જોવી જ નથી ગમતી.”

“છોડો એ તમને નથી ગમતી તો આપણે એના વિશે વાત પણ નથી કરવી.”

એમ કહેતા એ યુવતીએ એના પર્સમાંથી વેટ ટીસ્યુ કાઢી મને આપ્યું અને મારા ચહેરા ઉપર બાજેલો પરસેવો સાફ કરવા કહ્યું. જોકે ગરમીના કારણે મારું પ્રેશર લો થઇ રહ્યું હતું. ઉપરથી આ સની લીયોની ક્લાસમાં તો પીછો નથી છોડતી અહીં લીફ્ટમાં પણ એની જ વાતો થઇ રહી હતી. મેં ટીસ્યુ પેપરથી મારું મોં અને ગળામાં બાજેલો પરસેવો સાફ કર્યો. એ યુવતીએ પર્સમાંથી ચોકલેટ કાઢી મને આપતાં કહ્યું.

“લો ચોકલેટ ખાઓ, પ્રેશરમાં થોડો આરામ થશે અને ચોકલેટ એન્ટીઓક્સીડેન્ટ હોય એટલે તમને આરામ થશે.”

અને સાચે જ મારી તબિયત બગડી રહી હતી. મને સની લીયોનીની વાતોથી તકલીફ હતી કે લીફ્ટની અંદરની ગરમીથી! મારું ધ્યાન ઉપર અને નીચે દેખાતા લીફ્ટના બંને દરવાજા ઉપર હતું. બને દરવાજાની પેલી બાજુથી સિક્યોરીટી સ્ટાફનો અવાજ આવી રહ્યો હતો. ગરમીના કારણે મારો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો. મને અસ્વસ્થ જોઈ પેલી યુવતીએ એના પર્સમાંથી રૂમાલ કાઢ્યો અને રૂમાલથી મારા મોં ઉપર હવા નાખવા લાગી.

“મારી તબિયત આ સની લીયોનીની વાતોથી જ ખરાબ થઇ લાગે છે.”

“રીલેકસ મેમ પ્લીઝ તમે એની વાત ન કરો.”

“કેમ વાત ન કરું? મારા ઘરમાં પણ મારો હસબંડ અને મારો છોકરો સની-લીયોનીના ફેન છે. મને તો એ જ નથી સમજાતું કે લોકો એને શા માટે પસંદ કરતા હશે? એમાં પણ એક અઠવાડિયા માટે એ અમદાવાદમાં શું આવી છે આખા અમદાવાદ ઉપર હાવી થઇ ગઈ છે.”

“એવું જરૂરી નથી કે લોકો એને એની ડાર્ક સાઈડ જોઇને જ પસંદ કરતા હોય. પણ એની ડાર્ક સાઈડથી પરે પણ એનું પોતાનું એક જીવન છે, જે લોકોને આકર્ષતું હશે. જો કે મને એવું લાગે છે. તમારી મને ખબર નથી.”

“મને આ ડાર્ક સાઈડ વાળું લોજીક ગળે નથી ઉતરતું.”

“કેમ? સિમ્પલ છે. કોઈ પણ ઇન્સાન સંપૂર્ણ નથી હોતો. તમે જે વ્યભિચારની વ્યાખ્યા કરો છો એ વ્યભિચાર ક્યાં નથી?”

“કેમ? સમજાયું નહી.”

“જુઓ પોર્ન એક પ્રોફેશન છે. લોકોને એ જોવું ગમે છે.અને થાકેલા પાકેલા પુરુષો એકાદ કલાક સની લીયોનીનું એકાદ પોર્ન જોવે તો એમાં ખોટું શું છે?”

“હા પણ પણ નવી જનરેશન ઉપર એની કેવી અસર થાય? એ તમે વિચાર્યું?”

“નવી જનરેશન એને એટલે ફોલો નથી કરતી કે એ એક પોર્ન સ્ટાર છે. પણ એક પોર્ન સ્ટાર હોવા છતાં એને ઇન્ડીયન કલ્ચર અપનાવ્યું. બોલીવુડમાં આવી એને એક આગવું સ્થાન મેળવ્યું. સની લીયોનીની ફેમીલીયર

લાઈફ વિશે અભ્યાસ કરજો. આજ સુધી એને એના પતિ સીવાય કોઈ બીજા પુરુષ સાથે પોર્ન મુવી નથી કરી.”

“એટલે? એ સારી થઇ ગઈ? અને એને લેસ્બિયન સંબંધો વાળી મુવી કરી છે એનું શું?

“તો? તમે એને પણ વ્યભિચાર ગણો છો? એ મુવી એણે એના પતિની સહમતી થી કરી હશે કદાચ.”

“તો પણ તમે એની વકીલાત તો કરી જ રહ્યા છો. તમારા મતે એ સો ટચનું સોનું જ છે.”

“હું એમ નથી કહેતી. પણ એ એના પ્રોફેશનનો એક ભાગ છે. અને મારા મતે એ કશું ખોટું નથી કરી રહી.

તમે એક સ્ત્રી થઈને જ જો એનો વિરોધ કરો તો એ કેટલું યોગ્ય કહેવાય? સની લીયોની બાળકો માટે ચેરીટી કરે છે.”

“તો? તો શું એ ચેરીટી કરે છે એટલે એ સારી થઇ ગઈ? એ સિવાય?”

“એ સિવાય એવા અમુક લોકો છે જેને જાતીય ઉભરો આવે છે ત્યારે એ સની-લીયોનીનો પોર્ન વિડીયો જોઇને પોતાનો ઉભરો શાંત કરી લેતા હોય છે.”

“તો? એને તમે યોગદાન કહો છો?”

“ના, એના માટે તો એ એનું પ્રોફેશન જ છે. અને લોકોને એ જોવું ગમે છે. તમે શું માનો છો? સની લીયોની જેવી પોર્ન સ્ટાર હોત જ નહી તો એનાથી કશો ફાયદો થતો? કશોજ ફાયદો ન થતો. કારણ કે વ્યભિચાર આચરણમાં નહી પણ વિચારોમાં હોય છે એવું હું માનું છું. અને મેં જ્યાં સુધી સની-લીયોનીનો અભ્યાસ કર્યો છે, એ એક નિખાલસ અને ઉમદા વ્યક્તિત્વ છે. અને મુદ્દાની વાત તો એ છે કે એ એનો પોર્નનો ધંધો મુકીને અહીં ઇન્ડીયામાં આવી છે. અને એક સારી અદાકારા તરીકે એને અપનાવવામાં જો આપણે છોછ અનુભવતા હોઈએ તો એ આપણી માનસિકતા નબળી કહેવાય. એમાં સની લીયોનીનો કોઈ દોષ નથી જ. એ વાત સની લીયોની સારી રીતે જાણે છે, અને એટલે જ એ ઇન્ડીયન મીડિયાના આકરા સવાલોના જવાબ બિંદાસ્ત આપે છે. મારા મતે સની લીયોનીની જગ્યા લેવી એ ખુબ કપરું કામ છે.

કેટલા તો બાળકો એને દતક લીધા છે. શિક્ષણ ક્ષેત્રે પણ એ યોગદાન આપી જ રહી છે. નાના બાળકો પોર્ન મુવી તરફ આકર્ષાય એ સની લીયોનીને જરાય પસંદ નથી.”

“અહો! તમને તો એના વિશે સારું એવું જ્ઞાન છે. તમે પણ એના ફેન લાગો છો.”

“ના હું હમણાં હમણાં જ એની ફેન બની છું.”

“હશે મારે શું? મારે ક્યાં એને વ.......... હુ બનાવ......વી છે?”

“ઓહ નો! મેમ શું થયું તમને?”

*****

હું જયારે ભાનમાં આવી તો એક આલીશાન હોસ્પીટલના વી.આઈ.પી રૂમમાં હતી. મારો છોકરો અને મારો પતિ બંને મારી સામે ચેર ઉપર બેઠા હતા. બે નર્સ મારા ઉપર સજ્જ ઉભી હતી..

એક નર્સે બીજી નર્સને કહ્યું..

“જા મેડમને બોલાવી લાવ.”

મારો છોકરો મારી સામે જોઈ રહ્યો.

“મમ્મી તને ખબર છે તને હોસ્પીટલમાં કોણ લાવ્યું?”

“કોણ?”

“સની લીયોની! એ અહીં હોસ્પીટલમાં જ છે. પેલી નર્સ એને લેવા ગઈ છે.”

“શું વાત કરે છે?”

હું કશું બોલવા જતી હતી. બાજુમાં બેઠેલી નર્સે હળવેથી મારી હથેળીમાં લાગેલી સોઈ કાઢી એને ટેબલ ઉપર પડેલું રીમોટ ઉઠાવી બટન દબાવ્યું મારા બેડને આરામ દાયક કરી મને જમવાનું આપ્યું. થોડીવારમાં તો ગુલાબી સાડીમાં એક સુંદર આકૃતિ પેલી નર્સ સાથે આવીને મારી સામે ઉભી રહી ગઈ.

“નાઉ ફીલિંગ બેટર?”

“યસ હવે ઠીક છું.” મને એ સમજતા વાર ન લાગી કે મારી સામે ગુલાબી સાડીમાં ઉભેલી યુવતી એજ હતી જે મારી સાથે લીફ્ટમાં હતી. મને એનો ચહેરો બરાબર જોવામાં નહોતો આવતો. હું ચશ્માં શોધી રહી હતી. એ દરમિયાન મારા છોકરાએ કુતુહલવસ મને ચશ્માં આપ્યા.

“ઓહ! સ.સ.....સ...સની લીયોની! તમે?”

“જી હા. તમારી સાથે લીફ્ટમાં હું પોતે જ હતી.”

“તો તમારે મને કહેવું જોઈએ ને!”

“શું કહેતી? કે હા હું એજ સની લીયોની છું જેના માટે તમારા દિમાગમાં કચરો ભર્યો છે?”

એમ કહેતા એ હસી પડી. એના હાસ્યમાં એનું ઉમદા વ્યક્તિત્વ ઉભરી આવતું હતું. એના વ્યક્તિત્વની આભા હેઠળ હું ક્ષોભિત થઇ રહી હતી.

“બાય ધ વે ગુલાબી સાડીમાં મસ્ત લાગી રહી છો.”

“ઓહ! આ સાડી! એ તો તમને સારું લગાડવા નથી પહેરી આવી. હમણાં થોડીવારમાં એક શોટ લેવાનો છે એના માટે આ કોસ્ચ્યુમ પહેરવાનો છે એટલે.” એમ કહેતાં એણે ફરી હળવું સ્મિત વેર્યું..

મોડી રાત્રે હોસ્પીટલમાંથી રજા મળતા અમે ઘરે આવી ગયા. હજુ હું સ્વસ્થ થઈને ઘરે આવી જ હતી અને મીડિયાવાળાઓએ મારા ઘરને ઘેરી લીધું હતું. મને ફોન ઉપર ફોન આવી રહ્યા હતા. એક પત્રકાર તો મારા ઘરમાં ઘસી આવ્યો. મારા પતિએ અને છોકરા દ્વારા એને રોકવા છતાં એ અંદર ઘસી આવ્યો.

“પ્લીઝ! મેમ બે ચાર સવાલ પૂછીને જતો રહીશ.. પ્લીઝ.”

મને એમ થયું કે બે ચાર સવાલો પૂછશે અને જતો રહેશે. એને તો માઈક મારા મોં તરફ રાખતા પહેલો જ સવાલ પૂછ્યું..

“મેમ તમે લીફ્ટમાં સની લીયોની સાથે અડધો કલાક એકાંતમાં વિતાવ્યો. કેવું લાગ્યું?

“એમાં તે કેવું લાગે? વ્યક્તિ જેવી વ્યક્તિ જ હતી! એમાં કોઈ હીરા મોતી ટાંકેલા હતા?”

“ના પણ, મતલબ એને કેવા કપડા પહેર્યા હતા?”

“લ્યો બોલો! તમારે એના ઉપર નિબંધ લખવો છે? કપડા જેવા જ કપડા હોય?”

“એમ નહી, હું એમ નથી પૂછવા માંગતો. મારો પૂછવાનો મતલબ કે,”

“તમારો પૂછવાનો મતલબ હું સમજુ છું.”

સાલાઓ આ મિડિયાવાળા પણ કપડા પાસે આવી ને જ અટકી જાય છે.

“દિમાગમાં કચરો જ ભર્યો છે સાલ્લા!ચાલ ઉપડ તો અહીં થી.”

સ્વસ્થ થયેલી હું એના સવાલોથી હતપ્રત થઇ ગઈ. ખરેખર!

“મારે મન તો પેલે પાર અંધારું હતું અને એને મન આ પાર.”

સ્વગત બબડતા મેં રાહુલને કહ્યું...

“રાહુલ આને દરવાજા સુધી મૂકી આવ તો!”

સમાપ્ત..

-નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED