નો રીટર્ન-૨ ભાગ-૫૧ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૫૧

નો રીટર્ન – ૨

ભાગ – ૫૧

હું ધણી વખત અસહજ રીતે વર્તું છું. ભૂતકાળનો મારો લઘુતાગ્રંથી ભર્યો સ્વભાવ આજે પણ ક્યારેક મારી ઉપર હાવી થઇ જાય છે. આજે પણ જૂઓને, ક્રેસ્ટોને જોઇને મને કંપારી વછૂટવા લાગી હતી. એ માણસ ગજબ રીતે ખામોશ રહી શકતો હતો, અને તેની ખામોશી પાછળ છૂપાયેલી ક્રૂરતાનો અંદાજ લગાવવા હું અસમર્થ હતો. હું એ ખામોશીથી ડરતો હતો. સાચું કહું તો તેનો વિશાળકાય દેહ જોઇને જ હું બિલકુલ અસહજ બની ગયો હતો. ભગવાન ન કરે અને ક્યારેક એવો સમય આવે કે મારે તેનો સામનો કરવો પડે, એવી પરીસ્થિતી વિશે વિચારતાં જ મારા ગાત્રો ઢીલા પડી રહયા હતાં. અને... કોણ જાણે કેમ પણ, મને લાગતું હતું કે એવો સમય બહું જલદી આવવાનો છે. તમે નહીં માનો પણ માનસીક રીતે હું અત્યારથી જ એ સમય માટે તૈયાર થઇ રહયો હતો જેથી કરીને હું ઉંઘતો ન ઝડપાઉં. આ સફર કંઇ કોઇ પીકનીકનું આયોજન તો નહોતું જ, એક ખતરનાક મિશન ઉપર અમે બધાં નિકળ્યા હતા અને તેમાં કોઇપણ સમયે કંઇપણ થઇ શકવાની પૂરેપૂરી સંભાવના હતી એટલે મારું સતર્ક રહેવું જરૂરી હતું.

અમે સાંજે લગભગ આઠ વાગ્યે રેન્ડોનીયાની બોર્ડર ક્રોસ કરી. બોર્ડર તો માત્ર કહેવા પૂરતી હતી, અહીં રોડ પર માત્ર એક બોર્ડ હતું જે દર્શાવતું હતું કે અમે રેન્ડોનીયા ક્રોસ કરીને બોલીવીયાની સરહદમાં પ્રવેશ કરી રહયા છીએ. મને આશ્ચર્ય જરૂર થયું કે એક રાજ્યની સરહદ વળોટીને અમે બીજા રાજ્યમાં પ્રવેશ્યા છતાં કેમ અમારું કોઇ ચેકીંગ કરવામાં ન આવ્યું..? અને સરહદ કેમ સાવ રેઢિયાળ છોડી દેવામાં આવી છે...? અહીં કેમ કોઇ પોલીસ ચેકીંગ કે જકાત ખાતાની ઓફીસ નથીં...? ખરેખર તો રાજ્યની બોર્ડર જ્યાં સમાપ્ત થાય ત્યાં એવી વ્યવસ્થાઓ અવશ્ય જોવા મળે. પણ... પછી વિચાર્યું કે કાર્લોસ કદાચ અમને એવાં અંતરીયાળ રસ્તેથી લઇ આવ્યો હશે કે જ્યાં કોઇ સરકારી દખલગીરીનો અમારે સામનો ન કરવો પડે. આમપણ દુનીયાથી તદ્દન વિલુપ્ત રહીને અમારે સફર ખેડવાની હતી એટલે આ પરિસ્થિતી વધું માફક આવે તેમ હતી.

અહીં સુધી હજું મોબાઇલમાં ટાવર આવતો હતો. ખરાબ વાતાવરણ અને ક્યારેક ક્યારેક ધોધમાર વરસી જતાં વરસાદને કારણે ઘણીવખત ટાવર સિગ્નલ છોડી દેતો હતો છતાં હજું સુધી એ બાબતે કોઇ ખાસ મુશ્કેલીઓ નડી નહોતી. પણ મને ખબર હતી કે આગળ જંગલમાં ઉંડે પહોંચતાં જ અમારા મોબાઇલ નકામા બની જવાનાં હતાં. એમેઝોન ફોરેસ્ટમાં મોબાઇલ કોઇ કામનાં ન હતાં. કાર્લોસે એની પણ વ્યવસ્થા કરી જ હતી. તેણે પોતાની સાથે હાઇ ફ્રીકવન્સી સેટેલાઇટ ટ્રાન્સમીટર ફોન લીધા હતાં જે ગમે તેવી વિકટ સ્થિતીમાં પણ તેને દુનીયા સાથે જોડી રાખી શકે. આ ઉપરાંત પણ તે બીજી ઘણી વ્યવસ્થાઓ કરીને આવ્યો હતો.

રાતનાં લગભગ દસ વાગ્યે અમે પિસ્કોટા ગામ પહોંચ્યા હતાં. ગામ સાવ નાનકડું હતું. તમે પિસ્કોટાને એક ગામ, અથવા નાનકડો કબીલો અથવા આપણાં ગીરમાં જેવા નેસ હોય છે એવો નેસડો ગણી શકો. ફરક માત્ર એટલો હતો કે ગીરનો જંગલ વિસ્તાર આટલો ધેધૂર કે લીલોછમ નથી લાગતો, જ્યારે પિસ્કોટા ચો-તરફ જંગલથી ઘેરાયેલું ગામ છે. અહીં ગામને અડીને એક નદી પણ વહેતી હતી. નદીનાં એક કિનારે પિસ્કોટા વસેલું હતું. અમે પહોચ્યાં ત્યારે ગામ લગભગ જંપી ગયું હતું. ગામનાં છૂટા-છવાયા પથરાયેલાં ઘરોમાં ક્યાંક કોઇ ડીઝલ જનરેટરથી ચાલતાં બલ્બ સળગતાં હતાં. એ સિવાય બધે જ અંધકારનું સામ્રાજ્ય છવાયેલું હતું. ધનાધન કરતી અમારી ગાડીઓ ગામમાં પ્રવેશી ત્યારે મચેલા હો- હલ્લાથી સમગ્ર ગામ જાગી ઉઠયું હતું. આગળની પ્રથમ કારમાં બેઠેલાં કાર્લોસે કારનાં કાફલાને સીધા જ ગામની વચાળે બનેલાં ચર્ચનાં પગથીએ લાવીને ઉભો રાખ્યો હતો. ચર્ચ આગળ ધણી ખૂલ્લી જગ્યા હતી જ્યાં કદાચ ગામનાં લોકો વાર તહેવારે એકઠા થઇને ઉત્સવ ઉજવતાં હશે. અમારી ગાડીઓ ઉભી રહી એટલી વારમાં તો મને લાગ્યું કે સમગ્ર ગામ ત્યાં એકઠું થઇ ગયું છે અને આવા ભેંકાર અંધારામાં પણ ભારે કુતુહલ પૂર્વક તેઓએ અમને ધેરી લીધા હતાં.

અમે નીચે ઉતર્યા. અમારી સામે ઉભેલાં આદીવાસીઓમાંથી અડધાનાં હાથમાં સળગતી મશાલો હતી. ઉપરાંત સામે જ દેખાતાં ચર્ચની ટોચે એક બલ્બ સળગતો હતો જેનું સાવ માંદલું અજવાળું અહીનાં અંધકારમય વાતાવરણને થોડી જીવંતતા બક્ષતું હતું. આદીવાસીઓ અચાનક આવી ચડેલા આગંતૂકોથી અજાણ હતાં એટલે તેઓ કંઇક સતર્કતાથી અને કંઇક વિસ્મયથી અમને તાકી રહયાં હતાં. એ દરમ્યાન કાર્લોસ આગળ વધ્યો હતો અને તેણે ત્યાં ટોળામાં ઉભેલા એક નવયુવાન આદીવાસીને ઇશારાથી પોતાની નજીક બોલાવ્યો. પેલો યુવાન થોડો ગભરાઇને કાર્લોસની નજીક ગયો. કાર્લોસે તેની ભાષામાં કંઇક પુછયું હતું જે યુવાન સમજ્યો અને ટોળામાંથી રસ્તો કરતો દુર અંધકારમાં ક્યાંક ગાયબ થઇ ગયો.

થોડીજવારમાં તે એક બીજા યુવાન માણસને લઇને ત્યાં હાજર થયો. અમારી કારની હેડલાઇટનાં અજવાળામાં મેં એ યુવાનને નિરખ્યો. જોતાં જ ખ્યાલ આવી જાય તેમ હતું કે આવનાર યુવક અહીનાં ચર્ચનો પાદરી હશે. તેણે ચર્ચમાં પહેરાતો સફેદ લાંબો ગાઉન પહેર્યો હતો. કાર્લોસે કદાચ પેલાં આદીવાસી યુવાનને આ પાદરીને બોલાવા જ મોકલ્યો હોવો જોઇએ. કાર્લોસ બ્રાઝિલનો વતની હતો એટલે સ્વાભાવીક છે કે તેને અહીની ભાષા આવડતી હશે. આગળ વધીને તેણે એ પાદરી સાથે વાત કરી. અમે બધા શ્વાસ થંભાવીને ઊભા હતાં. કાર્લોસનો પ્લાન અહીં... પિસ્કોટામાં જ રોકાવાનો હતો કારણકે આગળની સફર વિશે વિસ્તાર પૂર્વક પ્લાન અહીંથી જ બનાવાનો હતો. મારે પણ ઘણું જાણવું હતું. ખાસ તો પાદરી જોનાથન વેલ્સ વિશે તપાસ કરવાની હતી. મને આ યુવાન પાદરી તેનો જ દિકરો માલુમ પડતો હતો. અને એવું ન હોય તો પણ જરૂર તે જોનાથન વિશે જાણતો હોવો જોઇએ એવું અનુમાન હું કરી શકતો હતો. મારું ચાલ્યું હોત તો અત્યારે જ મેં ખણખોદ ચાલુ કરી દીધી હોત.

એ દરમ્યાન કાર્લોસે પેલા પાદરીને સાધીને અમારી રાત્રી રોકાણની વ્યવસ્થા ગોઠવી હતી. ચર્ચની પાછળ જ એક ખખડધજ મકાન ઉભું હતું. એ મકાનમાં અમારાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી. અને... બહું જલ્દી જ મકાનની સાફસફાઇ કરીને મકાન અમને ફાળવી દેવાયું હતું. અંધારી રાત હોવા છતાં ગજબનાક ઝડપે એ કામ આટોપાયું હતું. મકાનની અંદર કમરાઓમાં મશાલો ખોડીને અજવાળું કરાયું હતું. આ થોડી અચરજ પમાડે એવી બાબત હતી. જે હિસાબે અને જે ઝડપે અહીનાં કબિલાનાં માણસો અમારી મદદ કરી રહ્યાં હતાં એ જોતાં લોગતું હતું કે અમારી જેવાં ઘણાં મુસાફરો સતત... અને નિયમીત ધોરણે પિસ્કોટા ગામમાં આવતાં રહેતાં હશે. એટલે હવે કદાચ ગામવાસીઓને પણ નિતનવાં આગંતૂકોની નવાઇ રહી નહીં હોય. પણ..ખેર, આખરે અમે હાલ પૂરતાં તો થાળે પડયા હતાં. નો ડાઉટ કે કાર્લોસે જંગલમાં રહેવાની, જમવાની અને બીજી બધી બાબતોની પૂર્ણ તૈયારી કરી જ હતી પરંતુ એ બધાં સર-સરંજામનો ઉપયોગ અમારે જ્યાં કોઇ સગવડતા મળે તેમ નહોતી એવી જગ્યાએ કરવાનો હતો.

ચર્ચનું બાંધકામ પાક્કી ઇંટોનું હતું. આ મકાન કદાચ ચર્ચમાં પાદરી બનતાં વ્યક્તિને રહેવાં બનાવાયું હોવું જોઇએ કારણકે આનું બાંધકામ પણ પાક્કી ઇંટોનું જ હતું. બે- મજલાંનાં આ મકાનમાં નીચે વિશાળ ખૂલ્લી જગ્યા હતી. અમે બધાએ એમાં જ ધામાં નાખ્યાં હતા. કાર્લોસ, એના અને જોસ... એ ત્રણેય પહેલા માળે બનેલા કમરાઓમાં ગોઠવાયા હતાં. એના પોતાની સાથે અનેરીને પણ લઇ ગઇ હતી એટલે મને ધણી રાહત થઇ હતી. અમારા કાફલામાં અનેરી અને એના... એ બે જ ઔરતો હતી એટલે મને અનેરીની સતત ફીકર થયે રાખતી હતી.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.