રાજ હોટેલ આગળ ઉભો ઇન્સ્પેકટર અમર સવારના સૂરજના કિરણો જીલતો ગાડીના બોનટ ઉપર બેઠો હતો. સમાન્ય પરિસ્થિતિમાં જો ઇન્સ્પેકટર અમર એ જગ્યાએ હોત તો એની નજર રસ્તા ઉપર જતા આવતા માણસો ઉપર હોત! એની આંખો ત્યાની મરસડીઝ અને ઓડીના નંબર નોધતી હોત. ઉતાવળી ચાલે ચાલતા માણસોના ચહેરાના હાવભાવ જોઈ કોણ હોસ્પિટલ જતું હશે અને કોણ ઓફિસે, કોણ બેંકમાં જતું હશે અને કોણ ગર્લફ્રેન્ડને મળવા એ નક્કી કરતો હોત.
મુંબઈની એ ફાઈવ સ્ટાર હોટેલ આગળ ઇન્સ્પેકટર અમર ઉભો હોય એનો અર્થ એ જ હોય કા’તો એ કોઈ નેતાની ખાનગી મીટીંગ ફોલો કરતો હોય કા’તો હોટેલમાં રોકાયેલ કોઈ ગેન્ગસ્ટરને વહેલી સવારે ચા પીવડાવવા આવ્યો હોય! પણ એ દિવસે એનું ધ્યાન ગિરીશના મર્ડર કેસમાં હતું. ઇન્સ્પેકટર અમરે યાકુબે આપેલી મુદ્દાઓની પ્રિન્ટ ઉપર એક નજર કરી.
1. નિતા, રાજેશ અને નિયતિ સાંજે છ વાગ્યે ઓફિસથી નીકળ્યા ત્યારે વૈભવી એમને મળી હતી.
2. વૈભવીએ કહ્યું કે જે દિવસે ગિરીશનું ખૂન થયું એ દિવસે એ ઓફીસ ગઈ જ નહોતી.
3. મયંકને ગિરિશે થોડા દિવસ પહેલા જ ઓફિસથી છુટ્ટો કર્યો હતો.
કાગળની ઘડી કરી ખિસ્સામાં સરકાવી એ ઘડીભર એમ જ બેસી રહ્યો. આ મયંકને કેમ નીકાળ્યો એ જાણવું પડશે. ચાનો કપ ડસ્ટ બિનમાં નાખી એ રવાના થઈ ગયો...
*
નિતાના ઘરની ડોર બેલ વાગતી રહી. સોફમાંથી પોતાનું ભારી શરીર ઊંચકી એણીએ દરવાજાની સ્ટોપર ખોલી, હજુ અંદરની સેફટી ચેઈનના લીધે દરવાજો પોણા ભાગનો જ ખુલ્યો હતો. મુંબઈ જેવા શહેરમા એકલી રહેતી મહિલાઓના ફ્લેટ ડોરમાં એ સેફટી ચેઈન હોય એમાં કઈ અજુગતું નહોતું.
"ઇન્સ્પેકટર તમે?" અધ ખુલ્લા દરવાજામાંથી ડોકિયું કરતી નિતા જરાક ગભરાયેલી લાગી, વેલકમ ઈન્સ્પેક્ટરને બદલે એણીએ ઇન્સ્પેકટર તમે? જેવો શબ્દ પ્રયોગ કર્યો હતો.
"હા, થોડી પૂછપરછ કરવી હતી." ઇન્સ્પેકટર અમરે કહ્યું.
"આવો અંદર." નીતાએ ડોર સિક્યુરીટી ચેઈન હટાવાતા કહ્યું.
ઇન્સ્પેકટર અમરને લાગ્યું કે એ હવે જરાક સ્વસ્થ લાગતી હતી. તો એ શરૂઆતમાં જરાક ગભરાયેલી કેમ લાગી રહી હતી? અમરના મનમાં સવાલ થયો પણ એ જાણતો હતો કે કોઇ પણ વ્યક્તિ પોતાના દરવાજે પોલીસનું અણધાર્યું આગમન જોઈ જરાક હેબતાઈ જાય એમાં શક કરવા જેવું કાઈ ન હતું.
ઇન્સ્પેકટર નિતાના ખસવાની રાહ જોતા ઉભો રહ્યો. નિતાને પણ એકાએક ખ્યાલ આવ્યો કે પોતે દરવાજા વચ્ચે ઉભી હોય તો પછી અંદર આવવા માટે જગ્યા ન જ બચે! એ પોતાના શરીરને કોસતી બાજુમાં ખસી ગઈ. ઇન્સ્પેકટર દાખલ થયો, ચેર ખેંચી લઈ એ બેઠો.
"શુ પૂછવું હતું ઇન્સ્પેકટર?"
"મયંકને ગિરિશે કેમ છુટ્ટો કર્યો હતો?"
"વેલ, એ તો કોઈને ખબર નથી પણ મારો અંગત અનુભવ એવો છે કે મયંકે કદાચ ચોરી કરી હોય એવું બની શકે." નિતા એ જરા પણ ખચકાટ અનુભવ્યા વિના કહ્યું, ઇન્સ્પેકટર અમરના અનુભવે એને ટકોર કરી દીધી કે એ સાચું બોલી રહી હતી, કમ-સે-કમ એ જે બોલી રહી હતી એ એને સાચું માનતી હતી.
"ચોરી?" ઇન્સ્પેક્ટરે પોતાની નવાઈ ચહેરા ઉપર ન આવવા દીધી, એનું કામ જ એ હતું, પોતાના સવાલ જવાબથી સામેવાળી વ્યક્તિને નવાઈમાં મુકી દેવી, પોતે નવાઈ પામવી એ એના કાર્યક્ષેત્ર બહાર હતું અને ઇન્સ્પેકટર અમર પોતાના કાર્યક્ષેત્ર બહારની કોઈ ચીજ પોતાની આસપાસ ભટકવા પણ ન દેતો!
"હા, ચોરી." નિતા એ પોતાની બેઠક સોફામાં લીધી. "મયંક ખૂબ જ ગરીબ ઘરનો છોકરો હતો ઇન્સ્પેકટર, એ અવારનવાર ચોરી કરી લેતો."
"વેલ, થેંક્યું નિતા જી." કહી ઇન્સ્પેકટર બેઠક રૂમમાં એક અછડતી નજર કરી ઉભો થઇ ગયો.
"ઇન્સ્પેકટર, કઈ ઠંડુ ગરમ?" નિતાએ વિવેક કર્યો.
"નો, નો નિતા જી, મારે તો અવારનવાર આવવાનું થશે." વાક્યમાં એક છુપી ચેતવણી આપતો ઇન્સ્પેકટર અમર વિદાય થઈ ગયો. કોઈ સામાન્ય વ્યક્તિ પણ એ શબ્દોની ચેતવણી સમજી ગયો હોત પણ નિતા એ ન સમજી એ ઇન્સ્પેકટર અમર તેના ચહેરાના એક્સપ્રેશન પરથી સમજી ગયો અને ફરી એના અનુભવે એને ટકોર કરી કે નિતા પર શક કરવા જેવું કઈ જ નથી.
*
કરણ અને વૈભવી ડો. ડોક્ટર અબ્દુલની ચેમ્બરમાં દાખલ થયા. કરણને એમ હતું કે કદાચ ડોક્ટર અબ્દુલ પૂરી રકમ વગર નહી માને છતા ટ્રીટમેન્ટ વહેલી તકે કરવામાં આવે તો જ કઈક આશા હતી એટલે કરણ પૈસા લઈને આવ્યો હતો. એ ભલે કોમર્શ લાઈનનો વ્યક્તિ હતો પણ ડીમેનટીયાની ગંભીરતા સમજવા જેટલું સાયન્સ લાઈનનું જ્ઞાન એનામાં હતું જ અને બાકીનું બધું તો ડોકટરે સ્પસ્ટ કહી દીધું હતું તેમજ નંદશંકરની હાલત પણ એણે જોઈ જ હતી.
"વેલકમ મી. કરણ. પ્લીઝ હેવ એ સીટ." ડો. અબ્દુલે હસીને બેસવા કહ્યું.
"થેંક્યું ડોકટર." કરણ અને વૈભવી બેઠા.
"ડોકટર, અત્યારે મારી પાસે અઢી લાખની સગવડ થઈ છે." કરણે કહ્યું.
"પ્લીઝ ડોકટર સાહેબ તમે હેવી ટ્રીટમેન્ટ શરૂ કરી દો. બાકીના પૈસા અમે તરત ઘર વેચીને આપી દઈશું." ડોક્ટર અરધી રકમ બાબતે કઈ બોલે એ પહેલા જ વૈભવીએ વિનંતી કરી.
ડોક્ટર અબ્દુલ થોડીવાર ચૂપ રહ્યા. વૈભવી અને કરણ ઉપર એક નજર કરી પછી હસ્યા.
"ઓકે, બટ યુ હેવ ટુ પે ધ રેસ્ટ ઇન એ મંથ." ડોક્ટરની મુખમુદ્રા ઘડીભરમાં ગંભીર થઇ ગઈ. દરેક ડોક્ટરની એ એક આગવી રીત હોય છે – તેઓ સેન્ટીમેન્ટ કરતા પ્રેક્ટીકલ લાઈફને વધુ મહત્વ આપે છે. નવાઈની વાત એ છે કે સાયન્સ ભણેલા એ ડોકટરોને કોમર્સનું “નો સેન્ટીમેન્ટ ઇન બીઝનેસ.....!!” ક્વોટ ક્યાંથી સમજાઈ જાય છે!
"સ્યોર ડોકટર. સ્યોર હું એક મહિના સુધી બાકીનું બિલ ચૂકવી દઈશ. બસ તમે નંદશંકરને સાજા કરી દો."
"સાજા થવું તો અલ્લાહના હાથમાં છે મી. કરણ, હું બસ નિમિત્ત છું." ડોક્ટરોની એ પણ એક ખાસિયત હોય છે કે પેસ્ન્ટના સગા સામે આવનારી શક્યતા સંભળાવી દે છે જેથી જો પોતે નિષ્ફળ જાય તો પણ દોષનો ટોપલો અલ્લાહ કે ભગવાન ઉપર ઢોળી શકાય.
ડૉક્ટરનું એ વાક્ય વૈભવિના ચહેરા ઉપરની ચમક ઉડાવી ગયું. ડોકટરે પણ કદાચ એ નોંધ્યું હોય એમ ઉમેર્યું, "આ કેસમાં ઘણા ચાન્સીસ છે મી. કરણ, સ્ટેજ હજુ એડવાન્સ નથી."
"પણ ડોકટર એ મને પણ નથી ઓળખતા." વૈભવીના અવાજમાં ભારોભાર દુઃખ હતું.
"વૈભવી જી, મારી પાસે એનાથી ખરાબ કેસ પણ આવ્યા છે અને સફળ પણ રહ્યા છે."
"આ બધામાં સમય કેટલો થશે ડોકટર?" કરણે પૈસાની બેગ ટેબલ પર મૂકી.
"બે ત્રણ મહિના તો થાય જ થાય."
"વેલ ડોકટર મારી જરૂર પડે એટલે મને જાણ કરજો." કરણ અને વૈભવી ઉભા થઇ ગયા.
બંને ડોક્ટરની ચેમ્બર છોડી નંદશંકરની રૂમમાં ગયા. વૈભવીને જોતા જ નંદશંકર બરાડી ઉઠ્યા, “નર્મદા મને માફ કર.........”
“નર્મદા મને માફ કર.......”
વૈભવી રડમશ ચહેરો લઇ એમના બેડ પાસે ગઈ.
“પપ્પા..... પપ્પા...... તમે મને કેમ નથી ઓળખતા??”
એ રડી પડી.
કરણે એને ખભો પકડી કહ્યું, “વૈભવી, તું આમ હારી જઈશ તો શું થશે?”
કરણે વૈભવીને નામ કહી બોલાવી એ શબ્દો નંદશંકરનાં કાને પડતા જ એ બોલ્યા, “તું આવડી મોટી થઇ ગઈ વૈભવી?”
વૈભવીએ ઉંચી નજર કરી એટલે એમણે વૈભવીની આંખો લુછી ફરી બોલ્યા, “ના હવે તું કેમ રડે છે? તારી મા તો ગઈ હવે એને હું ક્યાં મારવાનો છું.”
કરણને થયું વૈભવી અહી વધારે રોકાશે તો જરૂર એની માનસિક સ્થિતિ બગડશે.
“વૈભવી પ્લીઝ ચાલ હવે.”
“તું ચુપ રહે, પહેલા મારી નર્મદા પણ તારા લીધે ગઈ હવે આને પણ લઇ જાય છે?” એકાએક નંદશંકર ગંભીર થઇ ગયા.
વૈભવી કરણનો હાથ પકડી બહાર નીકળી ગઈ. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
“બધું ઠીક થઇ જશે, તું હિમત રાખ વૈભવી.” કરણે એના આંસુ લૂછ્યા.
વૈભવી કરણે બહુ સમજાવ્યા બાદ માંડ શાંત થઇ.
“જો ડોકટરે કહ્યું છે એ ઠીક થઇ જશે, તું નાહકની ચિંતા ન કર. એટલા દિવસ તો તે એકલા જ અ બધું સહન કર્યું છે તો હવે તો હું તારી સાથે જ છું ને.”
કરણના એ શબ્દોએ વૈભવીને હિમત આપી ખરા. આખરે નંદશંકરની ટ્રીટમેન્ટ શરૂ થઈ એ બાબતે વૈભવીને થોડો સંતોષ થયો પણ ગિરીશના ખૂન બાબતે એ હજુ ભયભીત હતી. કરણને એ બધી જાણ નહોતી કે વૈભવી અને ગિરીશ વચ્ચે શુ થયું છે, પણ વૈભવી એમ સમજતી હતી કે એ ખૂન કેસમાં પોતે ક્યાંકને ક્યાંક તો ગૂંચવાઈ જ જશે!
*
"ગુડ મોર્નિંગ સર." ઇન્સ્પેકટર અમર જાડેજાની કેબિનમાં દાખલ થયો.
"વેરી ગુડ મોર્નિંગ ઇન્સ્પેકટર અમર." ચાના મોટા ઘૂંટડા ઉતારતા ઇન્સ્પેકટર જાડેજા બોલ્યો.
"યાકુબ, એક પેન લાવતો." અમરે ચેર ખેંચીને રિપોર્ટ આપવાનું શરૂ કર્યું.
વિશાલ પણ કુતુહલ વસ નજીક સર્યો.
"હા તો ક્યાં સુધી પહોંચ્યા મી. અમર?" ઇન્સ્પેકટર જાડેજાએ સિગારેટ સળગાવી.
"સર મને નિતા વધારે ગભરુ અને ભોળી લાગી એટલે મેં ત્યાંથી જ શરૂ કર્યું." અમરે કહ્યું.
"હમમમમ." સિગારેટના ઊંડા કસ લેતો ઇન્સ્પેકટર જાડેજા ધ્યાનથી સાંભળી રહ્યો.
"નિતાના કહેવા મુજબ મયંકને કોઈ ખાસ કારણ વગર જ છુટ્ટો કરવામાં આવ્યો હતો પણ એ અવારનવાર ચોરી કરી લેતો."
"ચોરી?" ઇન્સ્પેકટર જાડેજાએ ફૂંક મારી હમણાં જ સળગાવેલી સિગારેટનો ધુમાડો હટાવી ઇન્સ્પેકટર અમરની આંખોમાં જોયું.
"હા સર, ચોરી. મયંક લોવર મિડલ ક્લાસનો છોકરો છે એને પગાર ઉપરાંત પૈસાની જરૂર પડતી હોવાથી એ ચોરી કરી લે છે."
ઇન્સ્પેકટર જાડેજા કશું બોલ્યા વગર વિચારતો રહ્યો. પછી એકાએક એ બોલ્યો, "મેં બી હી ઇઝ એ કિલર."
"એ ખૂની કઈ રીતે હોઈ શકે?" ઇન્સ્પેકટર અમરને સમજાયું ન હોય એમ પૂછ્યું, કે પછી એ બધું સમજીને અજાણ હતો એ એના ચહેરા ઉપરથી ઇન્સ્પેકટર જાડેજા પણ કળી ન શક્યો!
"વેલ અમર. ઇટ ઇઝ પોસીબલ કે મયંક ગિરીશનું કોઈ સિક્રેટ જાણી ગયો હોય અથવા ગિરીશના કોઈ કામમાં માથું મારતો હોય એટલે એને છુટ્ટો કર્યો હોય." ઇન્સ્પેકટર જાડેજાએ સમજાવ્યું.
"અને એટલે જ ગિરીશ બીજો પ્યુન રાખ્યો જ નથી?" અમરે શકયતા ઉપજાવી.
"ધેટ્સ ઇટ." ઇન્સ્પેકટર જાડેજા પેપર વેઇટ ઘુમાવી ઉભો થયો.
"અમર હું આજે પેલા કેસની તપાસમાં જાઉં છું જરૂર પડે તો કોન્ટેકટ કરજે."
"સર, આ ચરસ અને ગન સપ્લાયરનો કેસ હજુ નથી પત્યો?" વિશાલે પૂછ્યું અને જાણે કોઈ ભૂલ કરી હોય એમ એણે તરત કહ્યું, "મતલબ કેસ બહુ ગૂંચવણવાળો હશે નહિ?"
ઇન્સ્પેકટર જાડેજાએ વિશાલના આગળના વાક્ય ઉપર કરેલો ગંભીર ચહેરો બદલતા કહ્યું, "આ બંને કેસ પતે એટલે આગળના કેસ તને અને યાકુબને જ આપવા છે. હું અને ઇન્સ્પેકટર અમર આરામ પર જઈશું."
વિશાલ પરાણે ખડખડાટ હસી પડ્યો. ઇન્સ્પેકટર જાડેજા બહાર નીકળી ગયો.
ઇન્સ્પેકટર અમર મયંકના મુદ્દાઓ પેલા કાગળમાં ઉમેરતો કઈક વિચારતો રહ્યો. એને જાડેજા કઈક અંશે સમજાતો ન હતો. જાડેજા ક્યારે ગંભીર થાય, ક્યારે હસી પડે, ક્યારે પાર્ટી કરી નાખે, અને ક્યારે કયો કેસ હાથમાં લઈ લે એ કઈ જ અમરને સમજાતું નહોતું!
*
ઇન્સ્પેકટર અમર ગૂંચવણમાં હતો. એને સમજાઈ નહોતું રહ્યું કે ખૂન કઈ રીતે થયું. તપાસ કઈ રીતે વિસ્તારવી એ પણ એને બરાબર સમજાતું નહોતું. નીતિન પાન પાર્લરની ત્રણ ચા એ પી ચુક્યો હતો. નહિ હવે સિગારેટ વગર મેળ નહિ જ પડે. એણે પાર્લર ઉપર સિગારેટ માટે ઓર્ડર આપ્યો. જયારે પણ અમરનું મગજ ગૂંચવાઈ જતું ત્યારે એ સિગારેટ પી લેતો.!!
છોકરો સિગારેટ અને લાઈટર લઈ આવ્યો, "સલામ સાબ, ઓર કુછ?"
"નહિ બસ શુક્રિયા." અમરે સિગારેટ સળગાવી લાઈટર એને આપ્યું. છોકરો રવાના થઈ ગયો.
ઇન્સ્પેકટર અમર ભાગ્યે જ સિગારેટ પીતો જો કોઈ કેસ એને સમજાતો ન હોય અથવા તો કેસને કોઈ ગૂંચવવાની કોશિશ કરતું હોય!
અમરે મુદાઓવાળી ચબરખી નીકાળી એક વાર વાંચી લીધી. પોતે લીધેલી દરેકની મુલાકાત યાદ કરી લીધી. રસ્તા ઉપર ભાગદોડ કરતા અવનવા રંગના માણસો ઉપર નજર માંડી એ બેસી રહ્યો.
નિયતીના ઘરે પોતે ગયો ત્યારે એણીએ કહ્યું હતું કે વૈભવી આગળના દિવસે અચાનક ઓફીસ છોડીને ચાલી ગઈ હતી અને બીજા દિવસે એ હોસ્પિટલમાં હતી પણ જ્યારે ઓફિસના લોકો એની ખબર લેવા ઘરે ગયા ત્યારે નીલમ સાથે એ ખુશમિજાજમાં વાતો કરતી હતી.
અમરે સિગારેટનો એક છેલ્લો ઊંડો કસ લીધો અને એના મનમાં એક ઝબકારો થયો. તો ગિરીશ અને વૈભવીને કોઈ બાબતે વિવાદ થયો હશે અને એ વિવાદને લીધે એ ઓફિસથી એકાએક ચાલી ગઈ હશે પણ પછી એને ગિરિશે કોઈ ધમકી આપી હોય કે કોઈ પણ બીજી રીતે એ ડરી ગઈ હોય એટલે માનસિક રોગના હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવી હશે.
ઇન્સ્પેકટર અમરને એક વાત તો સમજાઈ ગઈ હતી કે ખૂનની વાત સાંભળતા જ વૈભવી હેબતાઈ ગઈ હતી એટલે કે એની માનસિક સ્થિતિ મજબૂત નથી. પણ હજુ એને એક વાત નહોતી સમજાતી કે ગિરીશ અને વૈભવી વચ્ચે શુ વિવાદ થયો હશે અને હોસ્પિટલથી ઘરે આવતા જ એ કેમ એકાએક રાજી થઈ ગઈ?
આ બધું જાણવા મારે કરણ અને વૈભવી વિશે બધું જાણવું પડશે. ખોદકામ તો કરવું જ રહ્યું! ગિરીશનું ખૂન વૈભવીએ કર્યું કે પ્યુન મયંકે અત્યારે તો આ બે જ સકના દાયરામાં છે.
ઇન્સ્પેકટર અમર ઉભો થઇ ગયો. પાર્લરના છોકરાને પૈસા આપી એ ગાડી લઈ નીકળી પડ્યો..
( ક્રમશ: )
***