Featured Books
શ્રેણી
શેયર કરો

મુવી રિવ્યુ : ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક

મુવી રિવ્યુ : ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક – બાળકો સાથે ગર્વભેર જોવા જેવી ફિલ્મ

ભારતમાં વોર ફિલ્મો હોલિવુડ કરતા ઓછી બને છે, કદાચ તેની પાછળ એક કારણ એવું છે કે ભારતને અમેરિકાની જેમ અન્ય દેશોના મામલાઓમાં ચંચુપાત કરવાની આદત પહેલેથી જ રહી નથી. પણ હા, ભારતને જ્યારે પણ એક હદથી વધુ હેરાન કરવામાં આવ્યું છે ત્યારે ત્યારે તેણે તેનો બરોબર બદલો લીધો છે. 2016માં આર્મીના ઉરી બેઝકેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાના વળતા પ્રહાર સ્વરૂપે ભારત સરકારની મંજુરીથી ચુનિંદા કમાન્ડોએ LOC પાર રહેલા આતંકવાદી લોન્ચ પેડ્સને સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા નષ્ટ કર્યા હતા અને એ જ વિષયને ધ્યાનમાં લઈને ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક ફિલ્મ આપણી સમક્ષ આવી છે.

મુખ્ય કલાકારો: વિકી કૌશલ, પરેશ રાવલ, યામિ ગૌતમ, કીર્તિ કુલ્હારી, રજત કપૂર, માનસી પારેખ ગોહિલ, સ્વરૂપ સંપટ અને મોહિત રૈના

સંગીત: શાશ્વત સચદેવ

નિર્માતા: રોની સ્ક્રુવાલા

કથા અને નિર્દેશન: આદિત્ય ધર

રન ટાઈમ: ૧૩૮ મિનીટ્સ

કથાનક: ઉરીના ભારતીય સેનાના બેઝકેમ્પ પર 2016ની 18 સપ્ટેમ્બરે પાકિસ્તાને મોકલેલા ચાર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અને વહેલી સવારની નિંદ્રા માણી રહેલા આપણા જવાનોની ઠંડા કલેજે હત્યા કરી હતી. હુમલો કરનારા આતંકવાદીઓનો ખાત્મો કરવા જતા મેજર કરન કશ્યપ (મોહિત રૈના) પોતાનો જીવ ગુમાવી બેસે છે. મેજર કરન કશ્યપ એ મેજર વિહાન સિંગ શેરગીલ (વિકી કૌશલ)ના બાળપણના મિત્ર હોવા ઉપરાંત તેના બનેવી છે.

મેજર કશ્યપે મેજર શેરગીલની બહેન નેહા (માનસી પારેખ ગોહિલ) સાથે લગ્ન કર્યા હતા એ ઉપરાંત ઉરીની ઘટનાના એક વર્ષ પહેલા મ્યાનમારમાં થયેલી સર્જીકલ સ્ટ્રાઈકમાં પણ આ સાળા-બનેવીની જોડીએ કમાલ દેખાડ્યો હતો. આમ ઉરીની ઘટના મેજર શેરગીલ માટે બમણા ઘા સ્વરૂપે આવી હતી. એક તરફ તેના દેશ પર આતંકવાદી હુમલો થયો હતો તો બીજી તરફ તેમણે પોતાનો બાળપણનો મિત્ર અને બનેવી ગુમાવ્યો હતો.

મ્યાનમારની સર્જીકલ સ્ટ્રાઈક બાદ અલ્ઝાઈમરની બીમારીથી પીડિત પોતાની માતાની (સ્વરૂપ સંપટ) સેવા કરવા મેજર શેરગીલે દિલ્હીમાં જ ઓફિસ વર્ક કરવાનું પસંદ કર્યું હતું તેમને હવે દેશ પરનો અને અમુક અંશે પોતાનો અંગત બદલો પણ લેવો હતો. મેજર શેરગીલને ખબર પડે છે કે ભારતીય સેના ઉરીનો બદલો લેવા કોઈ ઓપરેશન કરવાનું નક્કી કરી રહ્યું છે આથી તે પોતાના ઉચ્ચ અધિકારીને પોતે આ મિશનનો ભાગ લેવા માંગે છે તેવી વિનંતી કરે છે અને ભારતીય સેના મેજર શેરગીલને આ સમગ્ર મિશનની નેતાગીરી સોંપે છે.

ટ્રીટમેન્ટ

મૂળ આ એક વોર ફિલ્મ છે જે તથ્યો પર આધારિત છે, પરંતુ ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને ભાવનાત્મક દ્રશ્યોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પરંતુ સાથે સાથે એમ જરૂર કહી શકાય કે ઉરીની ઘટના બાદ થયેલી સર્જીકલ સ્ટ્રાઈક વિષે નાનામાં નાની માહિતી લેખક અને નિર્દેશક આદિત્ય ધરે ધ્યાનમાં લીધી છે. ફિલ્મમાં જે પ્રકારે એક ખાસ ડ્રોનની મદદ લઈને સર્જીકલ સ્ટ્રાઈક કરતા અગાઉ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું હતું એ ઉપરાંત આપણા જવાનોને LOC પાર કરાવવામાં પણ એ ડ્રોનને કામે લગાડવામાં આવ્યું હતું તેની કથા જો સાચી હોય તો આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ ધન્યવાદને પાત્ર છે.

જેમ આપણે The Accidental Prime Minister નો રિવ્યુ કરતા સમયે કહ્યું હતું કે ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે આથી તેમાં ભાવનાઓને ખાસ સ્થાન નથી હોતું પરંતુ જ્યારે દેશ પર હુમલો થયાની અને તેનો બદલો લેવાની વાત આવે ત્યારે દેશભક્તિની ભાવના તેના ચરમ પર આવી જતી હોય છે. કેટલાક સુધરેલા લોકોને આ ભાવના ‘અતિરાષ્ટ્રવાદ’ લાગે છે જે દેશ માટે ભયજનક હોવાનો તેમને ડર હોય છે.

એક હકીકત છે કે આપણે ત્યાં દેશભક્તિ પર બનતી ફિલ્મો થોડું ઓવર રીએક્ટ કરી જતી હોય છે, પરંતુ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈકમાં દેશભક્તિ સતહ પર હોવા છતાં તેને લગભગ અન્ડર ટોન રાખવામાં આવી છે જેથી ફિલ્મનો મૂળ હેતુ કે દુશ્મનને તેના ગુના બદલ તેના ઘરમાં ઘૂસીને પણ મારવો જોઈએ તે સર થાય છે. ફિલ્મ જોઇને તમારા રૂંવાડા ઉભા નથી થતા, પરંતુ એક સંતોષની લાગણી જરૂર થાય છે કે ફિલ્મે સાચી હકીકતનું યોગ્ય નાટકીય રૂપાંતરણ કરી બતાવ્યું છે.

ફિલ્મમાં અમુક બાબતો ગળે નથી ઉતરતી ખાસ કરીને પાકિસ્તાન તરફની જે ઘટનાઓ. જેમકે પાકિસ્તાનના ISI ઉચ્ચ અધિકારી (રાકેશ બેદી) એટલો મૂર્ખ છે કે પોતાના વિભાગમાં ભારતીય જાસૂસ હોવાની ખબર હોવા છતાં પોતાના માણસોને એક અઠવાડિયાનો સમય આપે છે અને પછી પણ કેઝ્યુઅલ જ રહે છે. પાકિસ્તાની મંત્રી આટલી સરળતાથી નશાની હાલતમાં પોતાની સરકારને સર્જીકલ સ્ટ્રાઈકની ગંધ આવી ગઈ હોવાનું કહી દે એ પણ સમજાયું નહીં. આ ઉપરાંત ઉરીની આતંકવાદી ઘટના પણ વધુ સારી માવજત સાથે દેખાડી શકાઈ હોત.

પર્ફોર્મન્સની વાત કરીએ તો યામિ ગૌતમ, કીર્તિ કુલ્હારી અને માનસી પારેખ ગોહિલને ખાસ કશું કરવાનું આવ્યું નથી, પણ તેમ છતાં સોંપેલી જવાબદારી તેઓ કરી જાય છે. ‘દેવો કે દેવ મહાદેવ’ તરીકે દર્શકોના મન પર ઊંડી છાપ છોડી ગયેલા મોહિત રૈના સાવ નાના રોલમાં વેડફાઈ ગયા છે. એમનો રોલ એટલો નાનો છે કે એના પર કોઈ કમેન્ટ કરવી કે કેમ એ વિચારવું પડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોલમાં રજત કપૂરે વડાપ્રધાનની બોલચાલની જરાય કોપી કર્યા વગર પોતાની રીતે ભૂમિકા ભજવી છે જે યોગ્ય જ છે. એમનો મેકઅપ જો વધુ સારી રીતે થયો હોત તો કદાચ વિવેક ઓબેરોયની જગ્યાએ આપણા વડાપ્રધાન તરીકે વધુ સારા દેખાત.

અજીત ડોવાલની યાદ અપાવતા ગોવિંદ તરીકે પરેશ રાવલ એકદમ કંટ્રોલમાં અભિનય કરી ગયા છે. એમના ચહેરા પર શરૂઆતમાં ટેન્શન અને બાદમાં મિશનની સફળતાનો સંતોષ દેખાઈ આવે છે.

મુખ્ય કલાકાર તરીકે વિકી કૌશલ તેના અગાઉના તમામ પર્ફોર્મન્સીઝની જેમજ ટોપ રેટેડ રહ્યું છે. વિકી કૌશલ એ રાજકુમાર રાવ અને અન્ય કલાકારોની જેમ ભારતીય સિનેમાનું ભવિષ્ય છે એમ ઉરી તેમજ તેમની અગાઉની ફિલ્મમાં તેમના અભિનય તેમજ તે ભૂમિકાઓને મળેલી સફળતાને જોઇને જરૂર કહી શકાય.

છેવટે...

સર્જીકલ સ્ટ્રાઈક ખુદ બહુ ઓછા સમયમાં એકપણ ભારતીય જવાનના જીવ ગુમાવ્યા વગર સફળ રહી હતી આથી આ ફિલ્મ બનાવવા માટેનું પોત ઘણું નાનું હતું પરંતુ તેમ છતાં ઉરીની ઘટનાના એક વર્ષ પહેલા મ્યાનમારમાં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક અને તેને જવાબદાર ઘટનાનું આલેખન કરીને ફિલ્મનું ફલક વિસ્તારવામાં આવ્યું છે. હા ફિલ્મ પૂરી રીતે કન્વીન્સીંગ નથી, પરંતુ ભારત પોતાના દુશ્મનોના અડપલાંનો યોગ્ય સમયે યોગ્ય જવાબ આપી શકે છે એ સંદેશ આપણી આવનારી પેઢીમાં પણ જાય તે માટે બાળકો સહીત આ ફિલ્મ જોવી જોઈએ એવી સલાહ જરૂર આપી શકાય.

૧૨.૧૧.૨૦૧૯, શનિવાર

અમદાવાદ