The Accidental Prime Minister – મનમોહન સિંહ કરતા વધુ બોલકી ફિલ્મ
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમ્યાન મોટો સમય તેમના મિડિયા પ્રવક્તા રહેલા સંજય બારૂના પુસ્તક The Accidental Prime Minister પર આધારિત એ જ નામની ફિલ્મનું ટ્રેલર જ્યારથી આવ્યું ત્યારથી જ દેશમાં ફિલ્મ વિષે કુતુહલતા વધી ગઈ હતી. ફિલ્મ આ કુતુહલતાને શાંત કરે છે કે કેમ? ચાલો થોડું એ બાબતે પણ જાણીએ.
મુખ્ય કલાકારો: અનુપમ ખેર, અક્ષય ખન્ના, સુઝાન બર્નર્ટ, દિવ્યા સેઠ અને વિપિન શર્મા
કથા-પટકથા: વિજય રત્નાકર ગટ્ટે, મયંક તિવારી, કાર્લ ડન અને આદિત્ય સિન્હા
નિર્માતાઓ: સુનીલ બોહરા અને ધવલ ગડા
નિર્દેશક: વિજય રત્નાકર ગટ્ટે
રન ટાઈમ: ૧૧૦ મિનીટ્સ
કથાનક: સમગ્ર ફિલ્મ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (અનુપમ ખેર) પર આધારિત છે. ફિલ્મની શરૂઆત ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીઓના પરિણામ બાદના દ્રશ્યથી શરુ થાય છે. સમગ્ર કોંગ્રેસ પાર્ટી જ્યારે સોનિયા ગાંધીને (સુઝાન બર્નર્ટ) દેશના આગલા વડાપ્રધાન તરીકે જોતી હતી ત્યારે રાહુલ ગાંધી પોતાના દાદી અને પિતાની માફક માતાને પણ આંતકવાદનો ભોગ ન બનાવવાની જીદ પકડીને બેઠા તેમજ એક વિદેશી મૂળની વ્યક્તિ ભારતનું નેતૃત્ત્વ ન કરે તે અંગે વિપક્ષોનું ભારે દબાણ હતું એટલે સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનો ‘ત્યાગ’ કયો.
પરંતુ દેશ વડાપ્રધાન વગર તો ન રહી શકે? એટલે તમામ વિચાર કર્યા બાદ સોનિયા ગાંધીએ મનમોહન સિંહ પર કળશ ઢોળ્યો. તેમના આ નિર્ણયથી પ્રણવ મુખર્જી દુઃખી તો થયા પરંતુ તેમણે કોઈ વિરોધ ન કર્યો. સત્તા સાંભળ્યાના પહેલા દિવસથી જ એટલેકે કેબિનેટ બનાવવાના દિવસથી જ સોનિયા ગાંધીનો સિક્કો ચાલવાનો શરુ થયો. મનમોહન સિંહ જો કોઈ એક વાતે પોતાને ગમતો નિર્ણય લઇ શક્યા તો તે હતો પોતાના મિડિયા સલાહકાર રૂપે સંજય બારૂની (અક્ષય ખન્ના) નિમણુંક કરાવીને.
બારૂ ખરેખર તો પત્રકાર હતા, તેઓ નોકરશાહીનો ન પણ નહોતા જાણતા આથી તેમને ઘણા મુદ્દે PMOના અધિકારીઓ સાથે સારું જામવા છતાં મતભેદો રહેતા. પણ હા, બારૂ માત્ર અને માત્ર મનમોહન સિંહને જ વફાદાર રહ્યા નહીં કે કોંગ્રેસ પાર્ટીને અને છેક સુધી તેમણે પોતાના ‘ડોક્ટર સાહેબનું’ જ ભલું ઈચ્છ્યું. પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા અહમદ પટેલ (વિપિન શર્મા) અને બારૂ વચ્ચે કાયમ ટસલ થતી રહેતી.
એક સમય એવો આવ્યો કે અમેરિકા સાથે પરમાણુ સોદો કરવો UPA માટે એટલે અઘરો બની ગયો કારણકે વામપંથીઓ ટેકો પાછો ખેંચી શકે એમ હતા. એક તરફ વડાપ્રધાનની ઈચ્છા પરમાણુ ઉર્જાને દેશના વિકાસમાં ઉપયોગ કરવાની હતી તો બીજી તરફ અહમદ પટેલને સરકાર બચાવવાની વધુ ચિંતા હતી. આ બધામાંથી સંકટ મોચક બનીને આવ્યા અમર સિંહ. વામપંથીઓએ UPAને આપેલો ટેકો પરત ખેંચી લીધા છતાં મુલાયમ સિંહના સમાજવાદી પક્ષે ટેકો જાહેર કરતા ડોક્ટર સાહેબની સરકાર બચી ગઈ.
પરમાણુ સંધીને લીધે મનમોહન સિંહની લોકપ્રિયતા દેશમાં વધવા લાગી અને ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ અને સાથી પક્ષોને આરામદાયક બહુમતી મળી. તેમ છતાં મનમોહન સિંહ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે બધું ઠીક ન હતું. પહેલીવાર પરમાણુ સોદા સમયે અને બીજી વાર બલુચિસ્તાનનું બ્લંડર બહાર આવવાના સમયે મનમોહન સિંહે રાજીનામું આપવાની કોશિશ કરી, પરંતુ સોનિયા ગાંધી ન માન્યા, કારણકે આવા કપરાકાળમાં દેશનું નેતૃત્ત્વ કરવા તેમના પુત્ર રાહુલ ગાંધી તૈયાર ન હતા.
આ તરફ માત્ર ડોક્ટર સાહેબ પ્રત્યે જ વફાદાર રહેનાર સંજય બારૂની યેનકેન પ્રકારેણ હકાલપટ્ટી કરી દેવામાં આવી. પરંતુ મનમોહન સિંહ તેમના સતત સંપર્કમાં રહ્યા. છેવટે તેમની મંજુરી લઈને જ બારુએ The Accidental Prime Minister લખી જેમાં તેમણે મનમોહન શાસનના દરેક સત્યને આલેખ્યું પરંતુ આ પુસ્તક પ્રકાશિત થયા બાદ તેઓ પોતે જેને સદાય વફાદાર રહ્યા હતા તેવા ડૉ. મનમોહન સિંહને ફરી ક્યારેય મળી ન શક્યા....
ટ્રીટમેન્ટ
એક રીતે કહીએ તો ફિલ્મની શરુઆતમાં આવતા ડિસ્ક્લેમર તમને એમ કહે છે કે આ ફિલ્મ સંજય બારૂના પુસ્તક પર આધારિત છે પણ કાલ્પનિક છે. બીજી તરફ પાત્રોના નામ તેમના દેખાવ, તેમના હાવભાવ આ બધું જ સત્યની સાવ નજીક જ લાગે. ફિલ્મ જોયા પછી દર્શકને એમ પણ લાગી શકે છે કે ફિલ્મ કાલ્પનિક હોવાનું તો ફક્ત બહાનું જ છે જેથી ફિલ્મ તેના વિરુદ્ધ થઇ શકનારા કોઈ કાયદાકીય પગલાંથી બચી શકે.
એક વાત તો છે સમગ્ર ફિલ્મ આપણને છેલ્લા એક દાયકાની સફર કરાવવામાં સફળ રહે છે. UPA ના દસેય વર્ષની યાદ ભારતીય રાજકારણના રસિયાને ફિલ્મનો એક એક સીન યાદ અપાવડાવશે. જેમકે, સોનિયા ગાંધીનો ત્યાગ, મનમોહન સિંહનું અચાનક વડાપ્રધાન તરીકે જાહેર થવું, શરૂઆતમાં તેમનો ઉત્સાહ અને બાદમાં અચાનક જ તેમનું મૌન ધારણ કરી લેવું, પરમાણુ સોદો, અન્ના આંદોલન, શર્મ અલ શેખમાં બલુચિસ્તાનનું બ્લંડર અને અબાવ ઓલ કપિલ સિબલની ઝીરો લોસ થિયરી!
ફિલ્મમાં મનમોહન સિંહના અમુક ખાસ વાક્યો પણ મુકવામાં આવ્યા છે જેમકે “મૈ ઇસ દેશ કો બેચુંગા?” વગેરે. ટૂંકમાં કહીએ તો ફિલ્મને કલ્પનાનો અંચળો ઓઢાડીને ક્યાંક ને ક્યાંક સત્ય કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો શું આ પ્રયાસ સફળ છે? હવે આ પ્રશ્નનો ઉત્તર આ રીતે આપી શકાય. ફિલ્મ રાજકારણ પર અને કદાચ રાજકારણની સાચી ઘટનાઓ પર આધારિત છે એટલે કોઈને ડોકયુમેન્ટરી જેવી લાગી શકે છે. સાચી વાત એ છે કે ફિલ્મમાં જો અક્ષય ખન્ના ન હોત તો ફિલ્મ કદાચ બોરિંગ પણ બની જાત.
એક હકારાત્મક વાત એ છે કે ફિલ્મમાં મનમોહન સરકારમાં બનેલી મહત્ત્વની ઘટનાઓ એક પછી એક બનતી જતી દેખાડવામાં આવે છે, એક ઈન્ટરવલ અગાઉ ન્યૂક્લિયર ડીલના વિષય પર ફિલ્મ થોડી રોકાય છે. મનમોહન સિંહની સહુથી મોટી અને કદાચ એક માત્ર સિદ્ધિને સહુથી વધુ સમય ફિલ્મમાં ફાળવવામાં આવ્યો છે.
વાત કરીએ મુખ્ય કલાકારોની તો ટ્રેલર જોયા બાદ સોશિયલ મિડીયામાં જે રીતે એમ કહેવામાં આવ્યું હતું કે અનુપમ ખેર માત્ર મનમોહન સિંહની મિમિક્રી કરે છે તો એમ કહેવું કદાચ અનુપમ ખેરના પાત્રને વળગી રહેવાના વફાદાર પ્રયાસને ન્યાય નહીં કહેવાય. એ અદાકાર છે અને જે પાત્ર તે ભજવી રહ્યા છે, ખાસકરીને એ પાત્ર અત્યારે જીવિત છે ત્યારે તેમની બોલચાલ અને હાલવા ચાલવાની લઢણની તેઓ કોપી કરે તો તેમાં જરાય ખોટું નથી. મનમોહન સિંહના પાત્રને અનુપમ ખેરે બરોબર ન્યાય આપ્યો છે.
ફિલ્મનું બીજું મહત્ત્વનું પાત્ર એટલેકે સંજય બારૂ એટલેકે સુત્રધાર... અક્ષય કુમાર આ ફિલ્મનો જીવ છે. એટલા માટે નહીં કારણકે તેણે The Accidental Prime Ministerના લેખકની ભૂમિકા ભજવી છે પરંતુ એટલા મે કારણકે એ જ્યારે પણ સ્ક્રિન પર હાજર હોય છે ત્યારે સતત હળવાશ રહે છે અને આ ફિલ્મ કોઈ દસ્તાવેજી ફિલ્મ નહીં પરંતુ બોલિવુડની એક ફિલ્મ જ છે એવી લાગણી આપણને થાય છે. ઠીક, છે અક્ષય ખન્ના સંજય બારૂ ન લાગતા અક્ષય ખન્ના જ લાગે છે પણ તેના વગર ફિલ્મ સાવ મોળી લાગત એ પણ એટલું જ સાચું છે.
ફિલ્મનું કાસ્ટિંગ અદભુત છે એમ કહી શકાય. સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, પ્રિયંકા ગાંધી હોય કે પછી મનમોહન સિંહના પત્ની ગુરુશરણ કૌર (દિવ્યા સેઠ) કે પછી ઇવન પ્રણબ મુખરજી હોય, જે કોઈ વ્યક્તિએ કાસ્ટિંગ કર્યું છે તેની જરૂર પ્રશંસા થવી જોઈએ. આ તમામના ચહેરાઓ લગભગ મૂળ વ્યક્તિઓ સાથે મળતા આવે છે. સોનિયા ગાંધીનો રોલ કરનાર સુઝાન બર્નર્ટ મોટેભાગે સોનિયા ગાંધી જેવા જ લાગે છે.
છેવટે...
ફિલ્મ કોઇપણ રીતે મનમોહન સિંહને ઉતારી પાડવા માટે બની હોય એવું નથી લાગતું. બલકે મનમોહન સિંહે એ દસ વર્ષ સતત અપમાનજનક પરિસ્થિતિમાં કેવી રીતે કાઢ્યા હશે એની સત્યતા આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. ફિલ્મ જોઇને કદાચ તમને મનમોહન સિંહ પર માન વધી ન જાય તો તેમના પર દયા જરૂર આવી શકે છે. હા, અનુપમ ખેરની મનમોહન સ્ટાઈલમાં “હમમ...” બોલવું તમારા ચહેરા પર ગંભીર દ્રશ્યોમાં પણ સ્મિત લાવી શકે છે પરંતુ તેમાં ફિલ્મનો વાંક ઓછો જ છે.
હા જો ફિલ્મ બનાવવા કરતા આની વેબસિરીઝ બનાવવામાં આવી હોત તો કદાચ એ સમયના વધુ તથ્યો ઉમેરી શકાય હોત. એનીવેઝ, જો રાજકારણમાં તમને રસ હોય અને બોલિવુડનો એક નવો પ્રયોગ જોવાની ઈચ્છા હોય તો ફિલ્મ જરૂર જોઈ શકાય છે કારણકે એ પ્રયોગ અક્ષય ખન્નાને લીધે તે સહ્ય બન્યો છે.
૧૧.૦૧.૨૦૧૯, શુક્રવાર
અમદાવાદ