મુવી રિવ્યુ - મણીકર્ણિકા Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુવી રિવ્યુ - મણીકર્ણિકા

મણીકર્ણિકા – ન ઐતિહાસિક ન કાલ્પનિક

મણીકર્ણિકા એટલેકે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ જે માંડમાંડ વિવાદોથી બચીને થિયેટર્સમાં રિલીઝ થઇ છે. ફિલ્મની શરૂઆતમાં બે વાત કહેવામાં આવી છે. આ બે વાતોમાંથી એક વાત એવી છે કે ફિલ્મને એક ઇતિહાસકારે સમર્થન આપ્યું છે અને બીજી વાત એવી છે કે ફિલ્મમાં એ વાર્તાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે જે રાણી લક્ષ્મીબાઈ વિષે વર્ષોથી સાંભળવા મળી છે. ટૂંકમાં ઈતિહાસ અને કથાઓના સંગમથી મણીકર્ણિકા ફિલ્મ બનીને આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી છે એવો દાવો આ ફિલ્મને બનાવનારાઓએ કર્યો છે.

મુખ્ય કલાકારો: કંગના રણાવત, જીસ્સુ સેનગુપ્તા, ડેની ડેન્ઝોન્ગ્પા, અંકિતા લોખંડે, રિચર્ડ કીપ, સુરેશ ઓબેરોય, કુલભૂષણ ખરબંદા, મોહમ્મદ ઝીશાન અય્યુબ અને અતુલ અગ્નિહોત્રી

કથા-પટકથા: કે વી વિજયેન્દ્ર પ્રસાદ

સંગીત: શંકર-એહસાન-લોય

નિર્માતાઓ: ઝી સ્ટુડિયોઝ, કમલ જૈન, નિશાંત પીટ્ટી

નિર્દેશકો: રાધા ક્રિશ્ના જગરલામૂડી અને કંગના રાણાવત

રન ટાઈમ: ૧૪૮ મિનીટ્સ

કથાનક: એક સમય મોટું મરાઠા સામ્રાજ્ય ધરાવતા પેશ્વા બાજીરાવને (સુરેશ ઓબેરોય) અંગ્રેજ કંપની સરકારે બિઠુર જેવું નાનકડું ગામડું સોંપીને બાકીનું રાજ્ય પોતાને હસ્તક લઇ લીધું હતું જેનો પેશ્વાને સદાય રંજ હતો. પરંતુ પેશ્વાના વિશ્વાસુ બ્રાહ્મણ મોરોપંતની (મનીષ વાધવા) પુત્રી મણીકર્ણિકા ઉર્ફે છબીલીને (કંગના રણાવત) પેશ્વાએ દત્તક લીધી હતી જેનામાં રાષ્ટ્રભક્તિ ભારોભાર ભરેલી હતી તેના પર બાજીરાવને ખૂબ ભરોસો હતો.

ગ્રામવાસીઓને પરેશાન કરતા વાઘને મારીને નહીં પરંતુ તેને માત્ર બેહોશ કરીને જંગલમાં પાછો મૂકી આવવાની મણીકર્ણિકાની બહાદુરી તેમન માનવતા ઝાંસીના મંત્રી શાસ્ત્રીજીને (કુલભૂષણ ખરબંદા) પસંદ પડી જાય છે અને ઝાંસીના મહારાજા ગંગાધર રાવ (જીસ્સુ સેનગુપ્તા) માટે મણીકર્ણિકાનું માંગું બાજીરાવ સમક્ષ નાખે છે. શરૂઆતની હા-ના બાદ મણીકર્ણિકા લગ્ન માટે રાજી થઇ જાય છે. લગ્ન બાદ ગંગાધર રાવ મણીકર્ણિકાને પરંપરા અનુસાર લક્ષ્મીબાઈનું નવું નામ આપે છે.

ગંગાધર રાવને પણ ઝાંસી પર કંપની સરકારનો કબજો હોવાનો રંજ છે અને આથી તેઓ દુઃખી છે. સમય જતાં લક્ષ્મીબાઈ દામોદર રાવ નામના બાળકને જન્મ આપે છે, પરંતુ ગંગાધર રાવનો ભાઈ સદાશિવ રાવ જે પહેલેથી જ સત્તા ન મળવાને લીધે અંગ્રેજો સાથે ભળી ગયો હતો તે દામોદરને ઝેર આપીને મારી નાખે છે. ગંગાધર રાવ સદાશિવ રાવના પુત્રને પોતાનો વારસ ઘોષિત કરવાના હતા ત્યાંજ તેના એક દરબારીનો પુત્ર લક્ષ્મીબાઈને ગમી જતા તેને પોતાનો વારસ બનાવે છે. આમ સદાશિવ રાવ વધુ ગુસ્સે થાય છે.

એક તરફ કંપની સરકારનો પંજો ઝાંસી પર મજબૂત થતો જાય છે અને લાંબી બિમારી બાદ ગંગાધર રાવનું અવસાન થાય છે. અન્ય વિધવા મહિલાઓની જેમ પતિના મૃત્યુ બાદ કાશી ન જતા લક્ષ્મીબાઈ તરતજ ઝાંસીની સત્તા પોતાના હાથમાં લઇ લે છે, પરંતુ અંગ્રેજો તેમની સત્તા હડપ કરી લે છે અને લક્ષ્મીબાઈને ઝાંસીનો કિલ્લો છોડવો પડે છે. પરંતુ ૧૯૫૭ના વિપ્લવ સમયે અંગ્રેજો વિરુદ્ધ ઉભી થયેલી ભાવનાનો લાભ લઈને લક્ષ્મીબાઈને ફરીથી ઝાંસી પરત મળે છે.

વિપ્લવને અંગ્રેજો દ્વારા કચડી નાખવામાં આવ્યા બાદ માત્ર દિલ્હી અને ઝાંસી જ પોતાની ઓળખ બનાવી રાખવામાં સફળ રહ્યા હતા દિલ્હીના સુલ્તાનને તો અંગ્રેજો પકડી લે છે પરંતુ ઝાંસી હજી પણ તેમના માર્ગમાં કાંટો બનીને ઉભું રહ્યું હતું. છેવટે બ્રિટીશ સરકાર ઝાંસી પર કબજો મેળવવા તેમના સહુથી બાહોશ સેનાપતિ જનરલ હ્યુ રોઝને ભારત મોકલે છે અને જનરલ રોઝ લક્ષ્મીબાઈને જીવતી પકડવાનું બીડું ઉઠાવે છે જેથી તે ઝાંસીનો કિલ્લો ફતેહ કર્યા બાદ ત્યાં લક્ષ્મીબાઈનું કપાયેલું માથું લટકાવી શકે!

ટ્રીટમેન્ટ, અભિનય વગેરે...

એક રીતે જોવા જઈએ તો કંગના રણાવત માટે મણીકર્ણિકાનો રોલ એ ડ્રીમ રોલ હતો જેને તેણે બરોબર નિભાવવાની કોશિશ તો કરી છે, પરંતુ ફિલ્મ કંગનાની એ અપેક્ષા પર ટકી શકતી નથી. શરૂઆતમાં આપણે જે બે વાતોની વાત કરી એ ફિલ્મને લાંબો સમય બોરિંગ બનાવવા માટે જવાબદાર ગણી શકાય છે. જેટલી ઇતિહાસની સમજ છે એ અનુસાર અને જેટલી વાતો લક્ષ્મીબાઈ વિષે વાંચી છે એ અનુસાર ફિલ્મના લેખક તેમજ બંને નિર્દેશકો ન તો ઈતિહાસને ન્યાય આપી શક્યા છે કે ન તો લક્ષ્મીબાઈ વિષે વાંચેલી વાર્તાઓને પરિણામે ફિલ્મ ઉભડક લાગે છે.

માત્ર ફિલ્મ જ નહીં પરંતુ લક્ષ્મીબાઈ સિવાયના મોટાભાગના પાત્રો પણ ઉભડક દેખાય છે. ઉદાહરણ તરીકે ગૌસખાન એટલેકે ડેનીનું પાત્ર. આ ભાઈ કોણ છે? એ મુસ્લિમ હોવા છતાં કેમ પોતાની જાતને ઝાંસીના હિંદુ, મરાઠા રાજાના ‘ગુલામ’ તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે? આવી કોઈજ સ્પષ્ટતા ફિલ્મમાં કરવામાં આવી નથી. એટલુંજ નહીં એમનું નામ ગૌસખાન છે એ આપણને ફિલ્મના છેક મધ્યમાં જઈને ખબર પડે છે. ડેની જેવા અત્યંત અનુભવી કલાકાર પાસે એની ક્ષમતાનું કામ પણ લેવામાં નથી આવ્યું.

૧૯૫૭નો વિપ્લવ જેનું ભારતીય ઇતિહાસમાં ખૂબ મહત્ત્વ છે અને તેના મહત્ત્વના પાત્રોમાંથી રાણી લક્ષ્મીબાઈ એક છે એ વિપ્લવને માત્ર બે-ત્રણ સીનમાં રીતસર ‘પતાવી’ દેવામાં આવ્યો છે. મંગલ પાંડે કે પછી બહાદુર શાહ ઝફરનો ખાલી રેફરન્સ જ આપવામાં આવ્યો છે. તાત્યા ટોપેના પાત્રને ફિલ્મમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે પરંતુ એ પણ માત્ર લંબાઈને લીધે બાકી તાત્યા ટોપેની છબી જે જનમાનસમાં છે એવી છબી આ ફિલ્મમાં બિલકુલ દેખાતી નથી. ફરીએકવાર ડેનીની માફક અતુલ કુલકર્ણીની ક્ષમતાનો પણ પૂરતો ઉપયોગ થઇ શક્યો નથી.

ખરેખર તો ફિલ્મની શરૂઆતનો ભાગ લક્ષ્મીબાઈના અંગત જીવન પર પ્રકાશ પાડીને ફટોફટ પતાવી દઈને બાકીની ફિલ્મમાં વિપ્લવને ધ્યાનમાં રાખીને રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ઉપસાવવામાં આવ્યું હોત તો ફિલ્મમાં વધુ નાટકીયતા ઉમેરી શકાઈ હોત. અહીં જેમ આગળ વાત કરી તેમ બધુંજ ઉભડક લાગે છે. જો મંગલ પાંડે કે પછી વિપ્લવના અન્ય પાત્રોને લક્ષ્મીબાઈની આસપાસ રાખીને વાર્તા કરવામાં આવી હોત તો કદાચ ફિલ્મ પ્રેક્ષકો સાથે વધુ કનેક્ટ થઇ શકી હોત. ઝાંસી ગુમાવ્યા બાદ ગ્વાલિયર અને આગળની વાર્તા ફિલ્મને ખોટેખોટી આગળ ખેંચે છે.

ટેક્નીકલ પાસું પણ જાજી અસર દર્શાવી શકતું નથી. બાહુબલીના બંને ભાગ જોયા પછી ખબર નહીં પણ કેમ અન્ય બોલિવુડ ફિલ્મોમાં VFX ધારી અસર પાડી શક્યું નથી એ હકીકત છે. સેટ્સ અને સિનેમેટોગ્રાફી અદભુત કહી શકાય પરંતુ ઘણી જગ્યાએ, ખાસકરીને યુદ્ધના દ્રશ્યોમાં VFXની અમુક પોલ પકડાઈ જાય છે. રાણી લક્ષ્મીબાઈ પર આધારિત એ કથા કે તેઓએ પોતાની પીઠ પર દામોદરને બાંધીને ઝાંસીના કિલ્લા પરથી ઘોડા સમેત કુદી પડે એ દ્રશ્ય ખરેખર તો દર્શકોનો જીવ ઉંચો કરી દે એવું હોવું જોઈતું હતું પણ તેને પણ ‘બસ આમ દેખાડી દીધું’ એ રીતે પેશ કરવામાં આવ્યું છે.

કંગના રણાવત જે આ ફિલ્મનો જીવ છે તે અત્યારના યુગની કદાચ એવી ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંથી એક છે જેને જોવી પણ ગમે અને જેની એક્ટિંગ માણવી પણ ગમે. મણીકર્ણિકામાં કંગના અત્યંત સુંદર લાગે છે એમાં બે મત નથી અને રાણી લક્ષ્મીબાઈના પાત્રને જીવંત કરવામાં એની મહેનત પણ દેખાઈ આવે છે. પરંતુ ફિલ્મની બાકીની ટ્રીટમેન્ટ તેની અપેક્ષા અનુસાર આ રોલને તેનો ડ્રીમ રોલ સાબિત નહીં કરી શકે એ પણ એટલુંજ સત્ય છે.

છેવટે...

જો કોઈ ઐતિહાસિક અને ભવ્ય ફિલ્મની અપેક્ષાએ મણીકર્ણિકા જોવા જવાની ઈચ્છા હોય તો ઐતિહાસિક તથ્યોને ભૂલી જઈને અને ભવ્યતા વિષે અપેક્ષા ઓછી કરીને મણીકર્ણિકા જોઈ શકાય, પરંતુ ફિલ્મ સહન થશે કે કેમ એ તમારી સહનશીલતા પર આધાર રાખે છે.

૨૫.૦૧.૨૦૧૯, શુક્રવાર

અમદાવાદ