No return-2 Part-43 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-૪૩

નો-રીટર્ન-૨

ભાગ-૪૩

મારી પાછળ પાછળ અનેરી પણ બાલ્કનીમાં આવી અને મારી બાજુમાં પારાફીટને બન્ને હાથનો ટેકો દઇને ઉભી રહી.

“ શું વિચારે છે...?” તેણે પુછયું.

“ હું એ વિચારું છું કે વિનીતને તે શું કામ સાથે રાખ્યો છે...? ” વાતને સંપૂર્ણપણે બદલતાં મેં તેની ભૂખરી આંખોમાં જાંકતા પુંછયું.

“ શું કામ સાથે રાખે છે મતલબ...? એ મારો મિત્ર છે...” એકદમ જ ભડકતાં તે બોલી. કદાચ મારો પ્રશ્ન તેને ગમ્યો નહોતો.

“ મિત્ર હોય તો પણ દરેક જગ્યાએ તેને સાથે રાખવો જરૂરી થોડો છે. તું એને અહીં ફલેટમાં પણ મુકીને જઇ શકે છે ને...! ” મેં દલીલ કરી.

“ હાં... ચોક્કસ રાખી શકું. મારું મન થશે તો એ પણ કરીશ... પણ ફિલહાલ તો મારો એવો કોઇ ઇરાદો નથી. એ આપણી સાથે રહે એમાં તને તકલીફ શું છે...? ” તેનો તડકામાં તપતા ચહેરો રતુંબલ ઝાંય ધારણ કરી ચૂકયો હતો. હું અપલક દ્રષ્ટિથી તેને તાકી રહયો.

“ તું સારી રીતે જાણે છે કે મને શું તકલીફ છે...! આપણે અત્યારે એવાં ચૌરાહા ઉપર આવીને ઉભા છીએ કે જ્યાંથી કોઇપણ અનિચ્છનીય ઘટના, ક્યારેય પણ ઘટી શકે છે. એવા સમયે એક વધારે વ્યક્તિને સાથે રાખવાનો મતલબ વધુ જોખમ ઉઠાવવું એવો જ થાય. તું આ વાત જેટલી જલ્દી સમજી લે એટલું સારું. ” મારે સખત નહોતું થવું છતાં કહેવું પડયું.

“ હું એટલી ના સમજ નથી પવન. પણ તું સમજતો કેમ નથી...! જ્યારે કોઇ મારી સાથે નહોતું ત્યારે વિનીતે મને સાથ આપ્યો હતો. તે એક જ એવી વ્યક્તિ હતી જેની ઉપર હું આંખો બંધ કરીને ભરોસો મુકી શકતી હતી... અને હવે અહીં સુધી આવ્યા બાદ તેને એકલો છોડી દેવો મને બીલકુલ ઉચીત લાગતું નથી. ”તે બોલી. તેનાં એ વાક્યથી મારા દિલમાં ટીસ ઉઠી. તો શું અનેરીને હજું સુધી મારી ઉપર ભરોસો જન્મ્યો નથી...? મારા હ્રદયમાં ખળભળાટ મચ્યો.

“ તો તું એને આપણી સાથે લઇશ એમને...? ખજાનાની ખોજમાં....? ” સાવ નંખાઇ ગયેલા સ્વરે મેં પુછયું. તેની “ હાં” અથવા “ના” વચ્ચે હું ઝુલતો હતો. દિલ ચાહતું હતું કે તે ના” કહે, અને કહે કે આપણે બંને એકલાં જ કાર્લોસ સાથે જઇશું. કાર્લોસ સાથે “ડીલ” પણ એ મુજબની જ થઇ હતી. પણ તેની વાતો ઉપરીથી એવું કંઇક સાંભળવાની આશા ધુંધળી હતી.

“ અફકોર્સ યસ...! તેને અહીં મુકવાનો કોઇ અર્થ જ નથી. વિનીત આપણી સાથે જ આવશે...” મક્કમતાથી તે બોલી. મને લાગ્યું કે મારી દુનિયા રસથાળ તરફ ધસી રહી છે. જે પ્રેમ, જે વિશ્વાસ મેળવવા હું આટલાં વલખા મારતો હતો એ વ્યર્થ સાબિત થયા છે.

“ કાર્લોસ નહીં માને....! ” મેં આખરી ઉપાય અજમાવી જોયો.

“ એ તું મારી ઉપર છોડી દે...” કહીને મોં ફુલાવતી તે અંદર ચાલી ગઇ. હું ત્યાં જ ખોડાઇ રહયો. યુનિવર્સીટીનાં કેમ્પસમાં ઉગેલા ઘેઘુર ઝાડવાઓને ખામોશીથી નિરખતો ઉભો રહયો. ઉપર ઉપરથી તો બધુ શાંત જણાતું હતું પરંતુ મારી અંદર કશુંક તૂટયું હતું. ચાહવા છતાં હું મારી આંખોમાં ઉભરાતા ઝાકળને રોકી ન શકયો. કેમ્પસમાં દેખાતા ઝાડવાઓ વધું ધુંધળા થયાં હોય એવું મને લાગ્યું.

@@@@@@@@@@@@

“ બોસ..! વિશ્વાસ ન થાય એવા સમાચાર છે...” રોગને કમરામાં દાખલ થતાં વેંત ઉત્સાહથી કહયું. તે હજું હમણાં જ બહારથી આવ્યો હતો. પ્રોફેસર જોસેફ થોમ્પસન કમરામાં એક ખૂણે ઝૂલતી ખુરશી ઉપર બેઠાં હતાં અને ચશ્મા ચઢાવી ન્યૂઝપેપર વાંચી રહયાં હતાં. રોગનની વાત સાંભળી તેમણે ખુરશી થોભાવી.

“ એમ...! તો કહેને...! ”

“ પેલી છોકરી, જેની પાછળ આપણે એભલસીંહને રાખ્યો હતો, તે અહીં બ્રાઝિલમાં જ છે. ” રોગનનો ઉત્સાહ તેનાં અવાજમાં સમાતો નહોતો. જાણે કોઇ મોટો મીર માર્યો હોય એમ તેની છાતી ફુલતી હતી.

“ વોટ...? શું વાત કરે છે... બટ હાઉં...? તે અહીં કેમ...? “ પ્રોફેસરને ખરેખર ઝટકો લાગ્યો હતો. તે ખુરશીમાં અધૂકડો થયો. તેને રોગનનાં શબ્દો ઉપર વિશ્વાસ આવ્યો નહી.

“ મારા “ સોર્સ” દ્વારા જાણવા મળ્યું છે, પણ...” રોગન આગળ બોલતાં ખચકાયો.

“ પણ શું...? જે કહેવું હોય એ બકી નાંખને....! આમ અધ્યાહાર રાખીને વાત કરવાનો શું મતલબ...! ” પ્રોફેસરને ઉત્સાહ સાથે અકળામણ પણ થતી હતી. તેને સમજાતું નહોતું કે રોગન શું ખેલ કરીને આવ્યો છે.

“ બોસ, તે કાર્લોસનાં ટચમાં છે. મારા માણસે તેને કાર્લોસની હોટલમાંથી બહાર નીકળતા જોઇ છે.”

“ ઓહ નો...! બટ હાઉં...? ” પ્રોફેસરનાં ભવા સંકોચાયા. તે વિચારમાં પડયો. રોગન જે જાણકારી લઇને આવ્યો હતો તેમાં સંશય કરવા જેવું નહોતું કારણકે તે ઉડ-ઝૂડ કોઇ કાર્ય કરતો નહી. પાકે પાયે ખાતરી થયા પછી જ તેણે વાત કરી હશે. પરંતુ એ છોકરીનું કાર્લોસ સાથે શું કનેકશન હશે...? ખરેખર આ ગંભીર બાબત હતી. પ્રોફેસર કાર્લોસને સારી રીતે જાણતો હતો. બ્રાઝિલમાં તેનું એકચક્રી શાસન ચાલતું. એટલે જો કાર્લોસ આ મામલામાં ઇનવોલ્વ થયો હોય તો વાત બેહદ ખતરનાક રૂપ ધારણ કરતી હતી.

“ ખબર પાક્કી છે ને...? ” વિશ્વાસ હોવા છતાં પ્રોફેસરે રોગનને ફરીથી પુછયું.

“ જી બોસ...! એકદમ પાક્કી. તમે આંખો બંધ કરીને ભરોસો કરી શકો એટલી પાક્કી...! ” રોગને છાતી ઠોકીને દાવો કર્યો.

“ હંમમ્..! તો એક કામ કર. એ છોકરીની અને તેની સાથે જે પણ વ્યક્તિઓ હોય એની આખી જનમ કુંડળી મેળવ. અને એ પણ પત્તો લગાવ કે તે કાર્લોસ સાથે શું કામ છે...! તને સમજાય છે ને મારી વાત...? ”

“ યસ બોસ...! ”

“ અને હાં...! આજ સાંજ સુધીમાં જ એ માહિતી મને જોઇએ. તેમાં કોઇ એક્ષકયૂઝ નહિં ચાલે..! તારે જે સોર્સ કામે લગાડવાનાં હોય એ લગાવ, પણ કોઇ ગફલત થવી જોઇએ નહી. મને લાગે છે કે હવે આપણે ઢિલાશ છોડીને કામે વળગવાનો સમય આવ્યો છે...” પ્રોફેસર મનમાં જ ગણતરી ગોઠવતો બોલી ઉઠયો. તે શાતિર દિમાગનો ખેલાડી હતો. ગામ કરતાં બે ડગલાં આગળનું વિચારવાનું હંમેશા તેને ગમતું. ઇન્દ્ગગઢમાં એ છોકરી તેનાં હાથમાંથી છટકી ગઇ ત્યારનો તે સતત વિચારતો હતો કે તેની કયાં ભુલ થઇ રહી છે. જો ઇન્સ. ઇકબાલ ખાનનો ડર તેને લોગ્યો ન હોત તો ભારતમાં જ તેણે ખેલ પાડી નાંખ્યો હોત. પરંતુ મજબુરીવશ તેણે બ્રાઝિલ ભાગી આવવું પડયું હતું. સાથે ચાર એકસ્ટ્રા માણસોને પણ લેતાં આવવા પડયા હતાં. જો ઇકબાલખાન એ ચારમાંથી એક પણ વ્યક્તિ સુધી પહોંચી જાત તો તેની ઉપર ખતરો ઉદ્દભવવાનો જ હતો. એટલે એભલ, શબનમ, કનૈયાલાલ અને રાજનને સાથે રાખવા સીવાય તેનો છૂટકો પણ નહોતો. પણ હવે રોગન જે જાણકારી લઇને આવ્યો હતો એ તેનાં માટે સોનાની ખાણ સાબિત થાય તેમ હતી. જો એ છોકરી અહીં હોય તો તેનું કામ આસાન બની જતું હતું. છેલ્લા પાછલાં બે દિવસથી તે આ વીશે જ વિચારી રહયો હતો કે ખજાનો મેળવવા હવે આગળ શું કરવું...?

“ ઓ.કે. બોસ. સાંજ સુધીમાં એ માહિતી તમને મળી જશે. પણ પછી શું કરીશું...? ” રોગને પુછયું

“ એ તું મારી ઉપર છોડી દે...! તું બસ એટલું સમજ કે એ ખજાનો આપણાથી હવે બે હાથ છેટો જ છે...” એક કુટીલ હાસ્ય વેરતાં પ્રોફેસર બોલ્યો. શું ખરેખર એવું થવુનું હતું...?

( ક્રમશઃ )

હવેથી નો રીટર્ન-૨

મંગળવાર....ગુરુવાર અને શનીવારે એમ ત્રણ દિવસ આવશે.

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED