નો રીટર્ન-૨ ભાગ-૪૨ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૪૨

નો-રીટર્ન-૨

ભાગ-૪૨

“ અમે અંદરથી ધ્રુજી ઉઠયાં હતાં...” દાદુએ તેમની કથની કંન્ટીન્યૂ કરી. “ પિસ્કોટા ગામથી પહેલો પડાવ પંદર કિલોમીટર દુર આદિવાસી લોકોનાં એક નાનકડા કસ્બામાં થયો. પંદર કિમી. જેટલું અંતર કાપતાં જ અમારે આખો દિવસ લોગ્યો હતો. પિસ્કોટા ગામથી ઉત્તરમાં ગાઢ વનરાજી મઢયું જંગલ શરૂ થતું હતું. એ જંગલમાં અમે એવા અટવાયા કે પહેલે દિવસે જ અમારી હિંમત પસ્ત થઇ ગઇ હતી. પંદર કિમી.નું અંત્તર અહીં શહેરમાં તો ચપટી વગાડતાં જ કપાઇ જાય પરંતુ આડેધડ ઉગી નીકળેલા જંગલોમાં એવું નથી હોતું. જો યોગ્ય દિશાઓનું ભાન ભુલી જાઓ તો પછી મર્યા જ સમજો. અમારી સાથે પણ એવું જ થયું હતું. અમે બે-ત્રણ વખત માર્ગ ભટકયાં હતાં જેનાં લીધે અમારે ઘણો સમય ગુમાવવો પડયો હતો. છતાં સાંજ પડતાં સુધીમાં અમે એક “ વેકળા” નામે ઓળખાતા આદિવાસી કબાલા સુધી આવી પહોંચ્યાં હતાં. એરિક હેમન્ડે મોકલેલા પહેલા કબુતરમાં જણાવ્યા પ્રમાણે તેણે અહીં જ રાતવાસો કર્યો હતો. આ તેનો પહેલો પડાવ હતો. અમે પણ ત્યાં રોકાયાં. પણ એ રાત ભયંકર વીતી...! જંગલ વિસ્તારમાં વરસાદ થવો એ સામાન્ય બાબત ગણાય. પરંતુ એ રાતે તો બારે મેઘ ખાંગા થયાં હતાં. મુશળધાર વરસતા વરસાદમાં ખાલી પાંદડાઓથી મઢેલી ઝૂંપડીમાં આખી રાત અમે પલળતા વિતાવી હતી. અમે ધ્રુજી ઉઠયાં હતાં. મેં તારા દાદાને ઘણી ખરી ખોટી સુણાવી હતી. એ પણ હકીકત સમજતો હતો છતાં તે આગળ વધવા મક્કમ હતો. બીજા દિવસે અમે ત્યાંથી રવાના થયાં ત્યારે મને એટલું સમજાઇ ચૂકયું હતું કે અમારી સફર બહુ લાંબી નહીં ચાલે. અને...થયું પણ એવું જ...! ત્રીજા પડાવે પહોંચતાં પહોંચતાં તો અમે બંને જણ કોઇ ગંભીર માંદગીમાં સપડાઇ ચુકયાં હતાં. ખબર નહીં અમને કેમ કરતાં એ બિમારી લાગુ પડી હતી પરંતુ અમારા બંનેનાં શરીર ગજબનાક રીતે તૂટતા હતાં. શરીરનું એક એક અંગ જાણે બળવો પોકારતું હોય એમ તાવમાં ધિખવા લાગ્યું હતું. નસે-નસ તૂટતી હતી. કદાચ એ ત્યાંનાં મચ્છરોનાં કારણે થયું હતું. સતત ભેજથી છવાયેલું ભીનું વાતાવરણ મચ્છરો અને નાના મોટા જીવજંતુઓ માટે તો જાણે સ્વર્ગ સમાન હતું. અમને એવાંજ જીવમાંથી કોઇક જીવનું સંક્રમણ લાગ્યું હતું અને અમે તાવમાં પટકાયાં હતાં. હવે એક ડગલું આગળ વધવું પણ પહાડ ચડવા બરાબર લાગતું હતું. અમે ત્યાં ત્રીજા પડાવેથી જ પાછા ફરવાનું નક્કી કરી લીધું. તારો દાદો પણ હવે આનાકાની કરી શકે તેમ નહોતો કારણકે આગળ વધીને મોત વહાલું કરવા કરતાં જીવીત રહીને વહેલાસર ઘરભેગા થઇ જવું જોઇએ એ તેને પણ સમજાયું હતું. અમે ત્યાં જ અમારી સફર અટકાવીને પાછા ફરી ગયાં હતાં. પણ એ સફર દરમ્યાન તારા દાદાએ ઘણાં ફોટા પાડયાં હતાં. તેણે એ જંગલનો અને તેમાં રહેલાં આદિવાસી લોકોનો અભ્યાસ કર્યો હતો. જો એ ખજાના સુધી પહોંચવું હોય તો શું-શું સાવધાની રાખવી પડે, કેવા-કેવા ખતરાઓનો સામનો કરવો પડે, શું-શું સાધન-સરંજામ સાથે લઇ જવા પડે.... એ બધાનું વિગતવાર લખાણ કર્યું હતું અને એ લખાણનો પણ ફોટો પાડી લીધો હતો. અમે વીલા મોંઢે... બિમાર શરીરે... થાકી હારીને પાછા ફર્યા હતાં...” દાદુએ વાત ખતમ કરીને એક ઉંડો શ્વાસ લીધો. મેં તેમની સામું જોયું. વર્ષો પહેલાં કરેલી સફરનો થાક જાણે અત્યારે તેમનાં વૃધ્ધ ચહેરા ઉપર છવાયેલો પ્રતિત થયો હતો. પણ... હું અચંબીત હતો. મારા માન્યમાં ન આવે એવી કહાની તેમણે સંભળાવી હતી. શું ખરેખર તેઓ સાચું બોલતાં હતાં...? કે પછી અમારાથી કંઇક છુપાવતાં હતાં...? એ મને સમજાયું નહી.

“ દાદુ...! ખરેખર તમે ત્રીજા પડાવેથી જ પાછાં ફર્યા હતાં...? ” અવિશ્વાસથી મેં પુંછયુ.

“ યસ દિકરા. એમાં આશ્વર્ય પામવા જેવું કંઇ નથી. તારા દાદાને પણ સમજાયું હતું જ કે આ સફર આપણા ગજાની વાત નથી. એ પછી તેણે અહીં રહીને એ ખજાના વીશે ઉંડાણથી સંશોધન આદર્યું હતું. તેણે ઘણાબધા અગત્યનાં મુદ્દાઓ... પુરાવાઓ એકત્ર કર્યા હતાં. એવું તેણે એકવખત મને જણાવ્યું હતું. હું તો પહેલેથી જ આ બધી માથાકુટમાં પડવાનાં મુડમાં નહોતો એટલે પાછા ફર્યા બાદ મેં એ વીશે વિચારવાનું જ છોડી દીધું હતું અને મારા પ્રોફેસરીનાં કાર્યમાં પ્રવૃત બની ગયો હતો. પરંતુ તારા દાદાએ છેક સુધી ખજાનાનો તંત મૂકયો નહોતો. તે ભારત પાછો ગયો ત્યારે પણ તેનાં જહેનમાં બસ, આ એક જ વાત રમતી હતી..”

“ ઓહ...” મેં નિશ્વાસ નાંખ્યો. મને એમ કે દાદુ પાસેથી કંઇક અગત્યુનું જાણવા મળશે, પણ તેમણે મને નિરાશ કર્યો હતો.

“ મારા દાદાએ ત્યાર પછી ખજાના વીશે તમને કોઇ અગત્યની વાત જણાવી હતી...? ”

“ તેનાં ભારત પાછા ફર્યા બાદ તેણે શું કર્યુ એ વીશે તો વધું માહિતી નથી મારી પાસે. પણ હું તારા દાદાનું નેચર જાણું છું. તે એટલી જલ્દી હાર સ્વિકારી લે એવો સ્વભાવ ધરાવતો નથી. જરૂર તેણે કંઇક ઉધામાં તો કર્યા જ હશે. હવે એ શું હોઇ શકે એ મને ખબર નથી. ત્યારબાદ અમારી વચ્ચે ખજાનાને લઇને કોઇ ચર્ચા થઇ નથી...”

પણ... હું જાણતો હતો. મારા દાદાએ જે ઉધામાં કર્યા હતાં એ તેમણે પેલાં ખોખામાં લખ્યાં હતાં. જે મને લાઇબ્રેરીનાં સ્ટોરરૂમમાં કબાટ ઉપરથી મળ્યાં હતાં. આ વાત મેં કોઇને જણાવી નહોતી. ઇવન કે અનેરીને પણ નહીં. દાદુની વાત સાંભળ્યા પછી એ કબુતરોનાં ચિત્રો અને તેની નીચે લખાયેલા નંબરોની મહત્તા વધી જતી હતી. મને એક વાતનો અંદેશો તો આવી જ ગયો હતો કે મારા દાદુએ એરિક હેમન્ડે જે કબુતરો પાદરી જોનાથન વેલ્સને મોકલેલા એ ઉપરથી જ સંજ્ઞાઓ અને નંબરો લખ્યા હશે. પરંતુ તેઓ આવી ગુપ્ત રીતે લખીને કહેવા શું માંગતા હતાં એ મને સમજાતું નહોતું. એ જાણવા માટે મારે ઘણું વિચારવું પડે એમ હતું.

“ બસ દાદુ, આટલું જ, આમાંથી તો કોઇ તારણ નીકળતું નથી...”

“ તારણ કાઢીને તું શું કરીશ...? એ ખજાના પાછળ જઇશ...? “ દાદુએ પ્રશ્ન પુંછયો. હું સતર્ક થયો, સાથોસાથ મને અચરજ પણ થયું. ખજાના પાછળ તો જવું પડવાનું જ હતું. કાર્લોસે એ શરતો ઉપર જ તો તેમને જીવીત છોડયા હતા.. જો કે આ વાત અમે હજુ દાદુને જણાવી નહોતી. જણાવવી જરૂરી લાગતી પણ નહોતી. તેઓ અનેરીને કોઇપણ ભોગે સાથે આવવા ન દે એ પણ નિર્વિવાદીત સત્ય હતું. હું ખામોશ બની ગયો. મારે હવે ઝટ આ મામલનો અંત આણવો હતો. બહું બધું વિચારીને ગુંચવાવા કરતાં એક વખત યા હોમ કરીને કુદી પડવું એ જ કયારેક બેહતર વિકલ્પ સાબીત થાય છે એવું ધણી વખત લોકો કહેતા હોય છે. મારા મનમાં પણ કંઇક એવાજ ખ્યાલો રમતાં હતાં. મને ખબર નહોતી કે ભવિષ્યમાં મારો આ નિર્ણય સાચો સાબિત થશે કે ખોટો... પરંતુ મેં તો યા હોમ કરીને જંપલાવી દેવાનું નક્કી કરી લીધું. અને આ નિર્ણય કંઇ એમ જ નહોતો લીધો. મને લાગતું હતું કે મારા દાદા... વીરસીંહ જોગી... એ ખજાના પાછળ જવા માટે મને માનસીક બળ પુરું પાડી રહયાં છે. સતત એક એહસાસ હદયમાંથી ઉઠતો હતો કે મારા દાદા મારી સાથે જ છે, અને તેઓ મને આદેશ આપી રહયાં છે કે હું એ કપરાં જંગલોની ખાક છાણીને ખજાના વીશે પત્તો લગાવું. જે કાર્ય તેમણે અધૂરું છોડયું હતું.... અથવા તેમનાથી આધૂરું રહયું હતું એ કાર્યને હું પુરું પાડું. એક અભીશાપીત ખજાનાને આ દુનિયા સમક્ષ લઇ આવું. અને એનું શ્રેય સમગ્ર “જોગી” ખાનદાનને મળે. “ જોગી” ખાનદાનનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજે એવી કદાચ એમની મંશા(ઇચ્છા) હશે. આ વિશે વધુ વિચારવા હું ઉભો થઇને બાલ્કનીમાં ચાલ્યો ગયો.

( ક્રમશઃ )

હવેથી નો રીટર્ન-૨

મંગળવાર....ગુરુવાર અને શનીવારે એમ ત્રણ દિવસ આવશે.

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.