સંગાથ 3 Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગાથ 3

સંગાથ – 3

ધોધમાર વરસતા વરસાદમાં પ્રત્યુષ કોઇને શોધી રહ્યો છે. તેણે લગભગ શહેરના દરેક સ્થળ પર તપાસ કરી લીધી. છેવટે તે બસ સ્ટેશને આવી દરેક બસમાં કોઇને શોધવા મથતો રહ્યો, પણ તેને કોઇ મળ્યું નહીં. બે વર્ષ પહેલા કોલેજમાં અભ્યાસર્થે બરોડાથી આણંદ બસમાં આવતાં પ્રત્યુષ અને તેના કોલેજીયન મિત્રોની મસ્તીસભર યાત્રામાં પ્રત્યુષનું ધ્યાન એક સ્વરૂપવાન છોકરી તરફ આકર્ષિત થયું. જીવનમાં પ્રથમવાર પ્રત્યુષ આમ કોઇ છોકરી તરફ આકર્ષિત થયો હતો. પોતાની જીવનસંગિની એવી જાહ્નવી ક્યાંય ના મળતા છેવટે પ્રત્યુષ તેના ખોવાયા વિશે પોલીસ કમ્પ્લેઇન કરી પોલીસ સ્ટેશન્નીબહાર નીકળે છે. ભૂતકાળના સંસ્મરણોમાં ડૂબેલા પ્રત્યુષની નજર સમક્ષ જાહ્નવી સાથેની મુલાકાત નજરે પડે છે. પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પ્રેમ પાંગરે છે. એક સામાન્ય બેંક કારકૂનની દીકરી અને શહેરના નામાંકિત લૉયરના એકમાત્ર પુત્ર વચ્ચે સરળતાથી લગ્નની સંમતિ મળવી મુશ્કેલ બની. હવે આગળ વાર્તા માણીએ....

પ્રત્યુષ અને જાહ્નવીના ઘરે તેમના પ્રણયની જાણ થયા પછી ઘણા દિવસો સુધી સૌએ ભારે વિરોધ કર્યો, પણ ગમે તેમ કરી બંનેએ પોતપોતાના ઘરનાઓને એકવાર આ વિશે વાત કરવા પૂરતા સમજાવ્યા. કંઇ પણ કરી ક્ન્વીન્સ કરી પ્રત્યુષે તેના મોમ ડેડને જાહ્નવીના ઘરે સંબંધની વાત કરવા મોક્લ્યા, પણ બંને પરિવાર વચ્ચે સ્ટેટસની મોટી ખાઇ તેમના સંબંધ વચ્ચે ખાઇરૂપે સાબિત થઈ.

“એક્ચ્યુઅલી અમારા સોસિયલ અને ઇકોનોમિકલ સ્ટેટસ આગળ તમારી સરખામણી કરવી જ સાવ અયોગ્ય રહે, તેમા છતાંયે તમને એક બાબતની જ વિનંતી..” પ્રત્યુષના ધનાઢ્ય વકીલ પિતાએ જાહ્નવીના પિતા આગળ અપમાનિત ભાષામાં વાત કરી.

“સાચી વાત, પણ અમે ક્યાં તમારા છોકરાને આમંત્રણ આપ્યું હતું..?” જાહ્નવીના પપ્પાના સામે કડવા શબ્દોને વચ્ચે અટકાવતા તેની મમ્મીએ નાસ્તામાં આપેલી મીઠાઇની ડીશ આગળ ધરતાં કહ્યું, “અરે, તમે તો આ મીઠાઇ લીધી જ નહીં ને..?”

“આ મીઠાઇ...” પ્રત્યુષના પિતાની વાત કટાક્ષભરી જ હશે તે જાણી પ્રત્યુષના મમ્મીએ વાત અધવચ્ચે અટકાવી કહ્યું, “પ્રત્યુષના પપ્પાને મીઠાઇ જરા ઓછી ભાવે હોં...આ લો હું તેમના વતીની લઈ લઉં છું..!” પ્રત્યુષના પપ્પા તેમની પત્ની તરફ ગુસ્સાભરી નજરે તાકી રહ્યા.

“તો વકીલ સાહેબ, તમે કાંઇ વિનંતીની વાત કરતા હતા તે શું..?” જાહ્નવીના પપ્પાએ અગાઉ કરેલી વાત યાદ કરાવી સવાલ કર્યો.

“વાત જાણે એમ છે કે...તમારી પાસે કોઇ વસ્તુની તો અપેક્ષા જ ના રખાય...પણ જો આપણી વાત અઅગળ વધે તો અમારા ગેસ્ટ્સને અમારા સ્ટેટસ મુજબ સાચવવા...” પ્રત્યુષના પપ્પાની વાત વચ્ચે અટકાવતાં જાહ્નવીના પપ્પાએ ગુસ્સે થઈ કહ્યું, “વેઇટ વકીલ સાહેબ, આ તમારી કોર્ટ નથી. અને તમે શું ક્યારના સ્ટેટસની વાતો કર્યા કરો છો..? હવે હું મારી દીકરીને તમારા છોકરા સાથે મેરેજ માટે સંમત નથી જ...યુ મે ગો નાઉ..!”

“તમે મારું ઇન્સલ્ટ કરી રહ્યા છો...આ તો મારા છોકરાની જીદને કારણે અહીં આવ્યો, નહિં તો હું અહીં પગ પણ ના મૂંકુ..!” બોલતા પ્રત્યુષના ડેડ જાહ્નવીના ઘર બહાર નીકળી ગયા.

પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચેનો સંબંધ જૂઠા સ્ટેટસના ભોગે જોડાઇ શક્યો નહીં. કેટલાયે દિવસો સુધી કોલેજમાં જાહ્નવી સાથે વાત કરવા પ્રત્યુષ ઘણા પ્રયત્નો કરે છે, પણ જાહ્નવી તેને અવોઇડ કરવા ખૂબ કોશીશ કરે છે. પરંતુ જાહ્નવી તેના હ્રદયની લાગણીને કઈ રીતે અવોઇડ કરી શકે..? તે જાણતી હતી કે પ્રત્યુષના ડેડના બીહેવીયરમાં પ્રત્યુષ જરાય જવાબદાર ના હતો અને તેના પિતાના આવા મીસબીહેવથી પ્રત્યુષને પણ મનોમન ખૂબ અફસોસ અને દિલગીરી હતી, પણ કેટલાયે દિવસો સુધી પ્રત્યુષ તરફ પોતાનો ગુસ્સો બતાવવા જાહ્નવી તેની સઆથે વાત સુધ્ધાં કરતી નથી. આવી રીતે એકાદ અઠવાડિયું પસાર થયા પછી કોલેજથી બહાર નીકળતા પ્રત્યુષે જાહ્નવીને રોકી તેની સાથે વાત કરવા પ્રયત્નો કર્યા.

“પ્લીઝ જાહ્નવી, મને એક વાર સાંભળ...આ જે કંઇ થયું તેમાં મારો તો કોઇ વાંક નથી ને..?” હાથ જોડી પ્રત્યુષે જાહ્નવીને કહ્યું.

“હા, તો તે મારો વાંક હતો..?” સામે જાહ્નવીએ ઝઘડાના મૂડમાં સવાલ કર્યો.

“હું તેવું ક્યાં કહું છું કે તારો વાંક...પણ આમાં ના તારો કે ના મારો વાંક...આપણી ફરજ હતી કે આપણે આપણા પેરેન્ટ્સ પાસે પરમીશન માંગીએ...પણ જો તે તૈયાર ના હોય તો...” પ્રત્યુષની વાત વચ્ચે અટકાવતા જાહ્નવી બોલી, “તો.... ભાગી જઈ મેરેજ કરવા એમ..?”

“પ્લીઝ, જસ્ટ ટ્રાઇ ટુ અન્ડરસ્ટેન્ડ...” પ્રત્યુષની વાત અટકાવી જાહ્નવીએ કહ્યું, “આઇ અન્ડરસ્ટેન્ડ...બટ નાઉ યુ અન્ડરસ્ટેન્ડ એન્ડ પ્લીઝ લીવ મી અલોન...!”

“જાહ્નવી, પ્લીઝ...” પ્રત્યુષે જાહ્નવીને મનાવવા બધા પ્રયત્નો કરી જોયા.

“સી પ્રત્યુષ, તારા.... સોરી, તમારા અને અમારા સ્ટેટસ વચ્ચે ખૂબ જ ડિફરન્સ છે, તમે રહ્યા હાઇ-ફાઇ સેલીબ્રિટી સ્ટાઇલના....અને અમે સીમ્પલ મીડલ ક્લાસ...ક્યાંથી મેળ પડે..? અને તમારા પપ્પાએ સાચું જ કહ્યું કે તમારી કોઇ એક્સ્પેક્ટેશન આગળ અમે ક્યાંય આવી જ ના શકીએ ને..! ધેન પ્લીઝ....” આંખમાં આવેલા પાણીને અટકાવતા પ્રયત્નો કરતાં જાહ્નવીએ વધુ ઉમેર્યું, “પ્રત્યુષ, આઇ કેન અન્ડરસ્ટેન્ડ વૉટ યુ ફીલ....પણ હવે આ સીચ્યુએશનમાં આપણે આપણા પેરેન્ટ્સને કઈ રીતે કન્વીન્સ કરીશું..? આપણી ફીલીંગ્ઝ કોઇ નહીં સમજે, સો...!” હળવે હાથે પોતાની આંખમાં ઉભરાયેલા આંસુ કોઇનું ધ્યાન ના જાય તે રીતે રૂમાલથી લૂંછી જાહ્નવીએ બીજા સાથે પોતાના હ્રદયની લાગણીઓને છેતરવા ખોટા પ્રયત્નો કરી ચાલી ગઈ..!

બહાર ઉમટેલા વરસતા વાદળોની ગડગડાટ સાથે જાહ્નવીના શબ્દોએ પ્રત્યુષના મનમાં પણ ભારે ગાજવીજ સર્જી દીધી. જાહ્નવી અને પ્રત્યુષ બંને એકબીજાથી અલગ થઈ ગયા, પણ બંનેના હ્રદયમાં એકબીજા માટેનો પ્રેમ જરાય ઘટ્યો ના હતો કે બંને એકબીજાથી લાગણીના બંધનથી ક્યારેય અલગ થઈ શક્યા ના હતા..! પોતાના પરિવાર વચ્ચે સંમતિ ના સધાવાનું ફળ બંને ભોગવી રહ્યા હતા. પ્રત્યેક દિવસે કોલેજથી બહાર જતી જાહ્નવીને પ્રત્યુષ ખૂબ આશાભરી નજરે જોઇ રહેતો અને વરસતા વરસાદની ઝડીમાં પૂર્ણ ભીંજાતો મનમાં પ્રણયમાં મળેલી વ્યથાની ગાજવીજ અનુભવતો રહ્યો.

બહાર ફરી વરસતા વરસાદ વચ્ચે વીજળીનો ચમકારો થયો અને તેના ગડગડાટથી આખુંયે નભ ઉભરાઇ જતાં તે ગડગડાટ ધરતી પર પડઘા પાડતી રેલાઇ આવી..! આકાશમાં થતા ગડગડાટનો પડઘો પ્રત્યુષના હૈયા સુધી રેલાઇ આવ્યો. પોલીસ સ્ટેશન બહાર ક્યાંય સુધી અંધકારભર્યા આકાશ તરફ તાકી રહેલા પ્રત્યુષની આંખોમાંથી આંસુની ધારા વહી રહી. પ્રત્યુષને જાણે કંઇજ સમજાઇ રહ્યું હતું. પ્રત્યુષનાં જીવનમાં ગાઢ અંધકાર છવાયો હતો. પોતાના જીવથી પણ વધુ વહાલી જાહ્નવી તેને ક્યાંય મળી રહી ના હતી. પ્રત્યુષના ખભે હાથ દઈ તેના મિત્રો સૌરભ, સુમિત અને કાર્તિક તેને હિંમત આપવા પ્રયત્નો કરે છે..!

બધા મિત્રો બાઇક્સ પર બેસી પોલીસ સ્ટેશનેથી જવા કરે છે ત્યાં જ પોલીસ સ્ટેશનમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ બહાર આવી પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં આવવા બોલાવે છે, “એય સુન...સા’બ તુજે બુલાતે હૈ...” કોન્સ્ટેબલના શબ્દો અધૂરા સાંભળી પ્રત્યુષ બાઇક પરથી ઉતરી ઝડપભેર પોલીસ સ્ટેશનમાં દોડી ગયો.

“સર ક્યા હુઆ... જાહ્નવી વિશે કાંઇ ખબર મળી..?” એકીશ્વાસે પ્રત્યુષે પી.આઇ.ને સવાલ કર્યો.

“હમણાં જ વાયરલેસ પર મેસેજ મળ્યો કે આજે સવારે કોઇ લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યું છે. તો...” પી.આઇ.ની વાત અધૂરી જ રાખી વચ્ચે પ્રત્યુષ બોલ્યો, “પ્લીઝ સર, ડોન્ટ સે અ વર્ડ મોર....પ્લીઝ...!” પ્રત્યુષ ચેર પર બેસી પડ્યો.

“લુક મીસ્ટર પ્રત્યુષ, હું એમ નથી કહેતો કે તે લેડી તમારી વાઇફ જ છે...પણ કદાચ...યુ નો.....ઘણીવાર કપલ્સ વચ્ચે ઝઘડો થવાથી પણ આવું...!” પી.આઇ.એ પ્રત્યુષને સમજાવતા કહ્યું.

“નો સર....પ્રત્યુષ અને ભાભી વચ્ચે ખૂબ જ પ્રેમ રહ્યો છે, તો આ પોસીબીલીટીના કોઇ જ ચાન્સ નથી..!” પ્રત્યુષના ખભે હાથ મૂકી તેને હિંમત આપતા તેના મિત્ર કાર્તિકે પી.આઇ. આગળ સ્પષ્ટતા કરતાં કહ્યું. પી.આઇ.ના મોંથી સુસાઇડના શબ્દો નીકળતા પ્રત્યુષની આંખ આગળ અંધકાર છવાયો. પ્રત્યુષમાં કંઇ પણ વિચાર કરવાની ક્ષમતા રહી ના હતી. તે પળવાર માટે બીલકુલ નિશ્ચેતન બની ચેર પર બેસી પડ્યો. પ્રત્યુષને શું થઈ રહ્યું હતું તે કાંઇ જ સમજાતું ના હતું..!

પ્રત્યુષ અને જાહ્નવીના લગ્ન કઈ રીતે થયાં..?

પ્રત્યુષને જાહ્નવી મળશે..?

શું સુસાઇડ કરનાર લેડી જ જાહ્નવી છે..?

આ બધું જાણવા સાથે આગળની વાર્તા માણવા જરા રાહ.... સંગાથ – 4

********