સંગાથ 8 Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગાથ 8

સંગાથ – 8

ધોધમાર વરસતા વરસાદમાં પ્રત્યુષ કોઇને શોધી રહ્યો છે. તેણે લગભગ શહેરના દરેક સ્થળ પર તપાસ કરી લીધી. છેવટે તે બસ સ્ટેશને આવી દરેક બસમાં કોઇને શોધવા મથતો રહ્યો, પણ તેને કોઇ મળ્યું નહીં. બે વર્ષ પહેલા કોલેજમાં અભ્યાસર્થે બરોડાથી આણંદ બસમાં આવતાં પ્રત્યુષ અને તેના કોલેજીયન મિત્રોની મસ્તીસભર યાત્રામાં પ્રત્યુષનું ધ્યાન એક સ્વરૂપવાન છોકરી તરફ આકર્ષિત થયું. જીવનમાં પ્રથમવાર પ્રત્યુષ આમ કોઇ છોકરી તરફ આકર્ષિત થયો હતો. પોતાની જીવનસંગિની એવી જાહ્નવી ક્યાંય ના મળતા છેવટે પ્રત્યુષ તેના ખોવાયા વિશે પોલીસ કમ્પ્લેઇન કરી પોલીસ સ્ટેશનની બહાર નીકળે છે. ભૂતકાળના સંસ્મરણોમાં ડૂબેલા પ્રત્યુષની નજર સમક્ષ જાહ્નવી સાથેની મુલાકાત નજરે પડે છે. પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પ્રેમ પાંગરે છે. એક સામાન્ય બેંક કારકૂનની દીકરી અને શહેરના નામાંકિત લૉયરના એકમાત્ર પુત્ર વચ્ચે સરળતાથી લગ્નની સંમતિ મળવી મુશ્કેલ બની. જાહ્નવીના ખોવાયા વિશેની પોલીસ ક્મ્પ્લેઇન નોંધાવ્યા પછી વરસતા વરસાદમાં અંધકારભર્યા આકાશ સામે જોતા જોતા જાહ્નવી સાથેના જીવનની યાદમાં પ્રત્યુષ ડૂબી ગયો. બંનેના માતાપિતાના વિરોધ પછી જાહ્નવી પ્રત્યુષથી દૂર રહેવા કરે છે. આ તરફ પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં પાછો બોલાવી કોઇ અજાણી લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યાના સમાચાર આપવામાં આવે છે અને સાથે તે શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે કે કદાચ તે લેડી જાહ્નવી તો નહીં હોય ને..! પ્રત્યુષ પી.આઇ. સાથે સીવીલ હોસ્પિટલ ડેડ બોડીની ઓળખ કરવા જાય છે. જાહ્નવી અને પ્રત્યુષ વચ્ચે ફરી જોડાણ થાય છે. બંને ફરીવાર પોતાના સંબંધ વિશે પોતાના પેરેન્ટ્સને સંમત કરવા પ્રયત્ન કરે છે, પણ બંનેના પરિવારમાંથી આ સંબંધને લઈ વિરોધ જ જોવા મળતા છેવટે બંને જાતે ઘરનાઓથી છૂપાવીને રજીસ્ટર મેરેજ કરી લે છે. જાહ્નવીના ઘરે તેને જોવા આવેલા છોકરા સામે જાહ્નવીના છૂપા લગ્નની વાત બહાર આવે છે. જાહ્નવીના મમ્મી પપ્પા આ આઘાતમાં ભાંગી પડે છે અને તેના પપ્પા જાહ્નવીને તેના ઘરે પ્રત્યુષને બોલાવવા જણાવે છે. આ તરફ ડેડ બોડીની ઓળખ કરવા પ્રત્યુષ જમનાબાઇ જનરલ હોસ્પિટલમાં પ્રવેશે છે. હવે આગળ વાર્તા માણીએ....

ક્યાંય સુધી જાહ્નવી ચૂપચાપ પ્રત્યુષની રાહ જોઇ બેસી રહી. હજુ તેના મમ્મી થોડી થોડી વારે તેને ઘણું સંભળાવતા રહ્યા. જાહ્નવીના પપ્પા જાહ્નવીના રૂમમાં જઈ કાંઇ કરી રહ્યા હતા. પ્રત્યુષના આવ્યા પછી શું થશે તે વિચારમાત્રથી જાહ્નવી ધ્રુજી ઊઠતી..! થોડીવારમાં જ પ્રત્યુષ જાહ્નવીના ઘરે આવ્યો. ઘરમાં આવતાં જ આંસુ ભરેલી જાહ્નવીને રૂમના ખૂણામાં બેઠેલીજોઇ પ્રત્યુષ ઘરની પરિસ્થિતી સમજી જવા છતાં જાહ્નવીના પપ્પાને સમજાવવા પ્રયત્ન કરે છે.

“અંકલ...” જાહ્નવીના પપ્પાના હાથે પ્રત્યુષને જોરદાર તમાચો પડે છે. ઘડીભર રૂમમાં સાવ શાંતિ છવાઇ જાય છે.

“એક પણ શબ્દ ના બોલજે....તારી પત્નીને લઈ અહીંથી ચાલતો થા..!” જાહ્નવીના પપ્પાએ ગુસ્સાભર્યા અવાજે આદેશ કર્યો.

આજે પહેલી વાર જાહ્નવીને તેના પપ્પાએ ‘પોતાની દીકરી’ ના કહેતા ‘પ્રત્યુષની પત્ની’ તરીકે બોલાવી..! જાહ્નવીના રૂમમાં જઈ તેના પપ્પાએ પેક કરેલી જાહ્નવીની બેગ પ્રત્યુષ તરફ ફેંફી.

“આજ પછી આ ઘરમાં ફરી ક્યારેય પગ મૂકજે નહીં..! મારી દીકરી હંમેશા માટે મરી ગઈ..!” જાહ્નવી તરફ જોઇ તેના પપ્પા ગુસ્સામાં તાડૂક્યા.

“પણ પપ્પા..” જાહ્નવીની વાત અધવચ્ચે અટકાવી તેના મમ્મી બોલ્યા, “બસ હવે, આજ પછી તારે અને અમારે કોઇ જ સંબંધ નથી...ફરી ક્યારેય તારુ કાળુ મોં બતાવીશ નહીં..!” તેના મમ્મીએ જાહ્નવીને ધક્કો મારી ઘરના દરવાજા સુધી ધકેલી.

એક્પણ શબ્દ બોલ્યા વિના જાહ્નવી પ્રત્યુષ સાથે ચાલી ગઈ. પ્રત્યુષ જાહ્નવીને પોતાની ગાડીમાં બેસાડી પોતાના ઘરે લાવ્યો. હજુ તો તે બંને તેમના વૈભવી મકાનના દરવાજામાં જ પ્રવેશ કરે છે કે ઘરમાંથી પ્રત્યુષના પપ્પાની બૂમ સંભળાઇ, “ત્યાં જ ઊભા રહેજો...ખબરદાર મારા ઘરમાં બંનેએ પગ મૂક્યો છે તો...!” પ્રત્યુષ અને જાહ્નવીને ખ્યાલ આવી ગયો કે જાહ્નવીના ઘરેથી પ્રત્યુષના ઘરે ફોન થઈ બધી વાત જણાવવામાં આવી છે.

“પણ તમે સાવ આમ...” પ્રત્યુષના મમ્મી તેના પપ્પાને સમજાવવા વ્યર્થ પ્રયત્ન કરે છે, પણ તેમની વાત વચ્ચે જ અટકાવતા પ્રત્યુષના પપ્પા ફરી મોટેથી બોલ્યા, “આ ઘરમાં મારી ઇચ્છા વિરુધ્ધ કામ કરનારની કોઇ જ જરૂર નથી. એકવાર જાતે ઊભા થતા શીખે ત્યારે ખબર પડશે....જે છોકરીના બાપે મારુ ઇન્સલ્ટ કર્યું, તે આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે..!”

“સોરી ડેડ, જાહ્નવી મારી વાઇફ છે, પ્લીઝ તેના વિશે ગમે તેમ....” પ્રત્યુષની વાત અટકાવતા તેના પપ્પાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું, “બેટા.... સોરી, મિ.પ્રત્યુષ, મને તમારી વાઇફ વિશે કંઇપણ બોલવા ઇન્ટ્રેસ્ટ નથી...તમે તેમને અહીંથી લઈ જઈ ઘર બહાર જઈ શકો છો..!”

કોઇપણ બિનજરૂરી બહેશ કર્યા વિના પ્રત્યુષ જાહ્નવીને લઈ તેના ઘરેથી ચાલ્યો ગયો. તેના મિત્રોને આ જાણ થતા તે સૌએ પ્રત્યુષ અને જાહ્નવીને પોતાના ઘરે રહેવા આવી જવા ખૂબ આગ્રહ કર્યો, પણ પ્રત્યુષ અને જાહ્નવીએ તેમના નવા જીવનની શરૂઆત આમ કોઇના ઘરે રહી કરવા ના પાડી. પ્રત્યુષના કોન્ટેક્સથી તેમને સાંજ પહેલા જ સારુ મકાન ભાડે મળી ગયું. પ્રત્યુષ અને જાહ્નવી તેમના નવા ઘરમાં જાય તે પહેલા પ્રત્યુષના મિત્રોએ તેમના ઘરના રૂમને ખૂબ સારી રીતે શણગારી દીધો. સાંજે પ્રત્યુષ અને તેની પત્ની જાહ્નવીએ વિધિવત ગૃહપ્રવેશ કર્યો.

પ્રત્યુષ પી.આઇ. સાથે જમનાબાઇ હોસ્પિટલના રીસેપ્શન કાઉન્ટરે પૂછપરછ કરી ડૉક્ટર્સને મળે છે. પ્રત્યુષને લઈ પોલીસ તરત હોસ્પિટલના મોર્ગમાં પ્રવેશે છે. પ્રત્યુષ ધ્રુજતા પગલે આગળ વધે છે. તેના મિત્રો પ્રત્યુષની હિંમત બાંધી રાખે છે. ‘ના, આ ડેડ બોડી મારી જાહ્નવીની નથી જ...તે હોઇ જ ના શકે...’ તેવો વિચાર પ્રત્યુષના મનમાં ઘમસાણ માંડે છે.

આખોયે રૂમ તાજા ફૂલથી શણગારાયેલો જોઇ પ્રત્યુષ અને જાહ્નવીના ચહેરા પર અલગ તાજગી આવી ગઈ. સામે ફૂલથી સજાવેલ બેડ તરફ જોઇ બંનેની નજર એક્બીજા સામે મળતા પ્રત્યુષની એક અલગ મસ્તીભરી સ્માઇલ સામે જાહ્નવી શરમાઇ લાલચોળ ચહેરો બીજી દિશામાં ફેરવે છે. ઘડીભર પોતાના પરિવારની યાદ આવી જતા જાહ્નવીનો સ્મિતભર્યો ચહેરો ઉદાસ બની જાય છે. આ જોઇ પ્રત્યુષ તરત જાહ્નવીને હગ કરી પ્રેમપૂર્વક સમજાવે છે.

“અરે વાહ, આ કપલ તો બસ એમની જ મસ્તીમાં રહે છે...વેઇટ યાર..!” શ્વેતાએ રૂમમાં પ્રવેશતા હસતા હસતા કહ્યું.

“આજે તો અમે અમારી પસંદનું ડિનર લઈ આવ્યા છીએ...ચાલો સૌ સાથે જમી લઇએ...પછી અમે તને ડિસ્ટર્બ નહીં કરીએ હોં..!” મસ્તીભર્યા અવાજે કાર્તિક પ્રત્યુષને બોલ્યો.બધા મિત્રોએ સાથે ડિનર કર્યું. ડિનર પછી શ્વેતા જાહ્નવીને એકલી તેમના બેડરૂમમાં લઈ ગઈ. થોડીવાર પછી બહાર આવી પ્રત્યુષને હસતા હસતા ‘બેસ્ટ ઑફ લક’ બોલી બધા મિત્રો સાથે પોતપોતાના ઘરે જવા નીકળ્યા.

આજની રાત ઘણી મહત્વની બની હતી. પ્રત્યુષ રૂમમાં પ્રવેશ્યો. સામે બેડ પર જાહ્નવી ઘૂંઘટ ઓઢી બેઠી હતી. પ્રત્યુષ તેમના પહેલા મિલનના વિચારમાત્રથી ખૂબ રોમાંચિત હતો. તેના સ્વપ્નોની પરી આજે તેની સાથે આવી ગઈ. હવેથી તે જાહ્નવી સાથે જીવનભરનો સંગી બની ગયો. એક એક ડગલું ધબકતા હૈયે આગળ વધી રહ્યો. કોઇ અલગ, અકળ્ય અનુભૂતિથી તેના રોમેરોમ ઝલકી ઉઠ્યા. તેના શરીરમાં આ રોમાંચથી ઘડીભર ધ્રુજારી વ્યાપી ગઈ હોય તેવું લાગ્યું. હોસ્પિટલના મોર્ગમાં પ્રવેશતા તેના લૉ ટેમ્પરેચરથી પ્રત્યુષના શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઈ. દરેક આગળ વધતા ડગલે તેના મનમાં એક અક્ળ્ય ડરનો ભાવ વ્યાપી રહ્યો. તેની સાથે રહેલા ડૉક્ટર અને પી.આઇ.એ આગળ વધી એક બંધ ડ્રોઅર ખોલ્યો. ડ્રોઅરના ખૂબ લૉ ટેમ્પરેચરને કારણે તેમાંથી ધુમાડો ઉડ્યો હોય તેવું દેખાયું. પ્રત્યુષ તે ડ્રોઅરની અંદર સફેદ કપડામાં ઢંકાયેલ કોઇ મૃત શરીરને ઓળખ આપવા પગલા આગળ વધારતો ગયો..! બિલકુલ હળવેથી પ્રત્યુષ ઘૂંઘટ ઓઢી બેઠેલી જાહ્નવી પાસે બેડ પર બેઠો. પગ વીંટાળી શરમના આભૂષણને ઘૂંઘટમાં કેદ કરી નજાકતથી બેઠેલી જાહ્નવીના વળેલા ઘૂંટણને ટેકો આપતા બહાર દેખાતા હાથ તરફ પ્રત્યુષનું ધ્યાન ગયું. પહેલી વાર જાહ્નવીએ તેના પ્રેમને સ્વીકારતા પ્રત્યુષે તેને આપેલ પીંક સ્ટોન જડીત ગોલ્ડન રીંગ તેની આંગળીમાં શોભી રહી હતી. તે સમયે તે રીંગ જોતા પ્રત્યુષનું હૈયુ આનંદથી ફૂલ્યુ ના સમાયું. આજે ડ્રોઅરમાં સફેદ કપડામાં વીંટાળી રાખેલ ડેડ બોડીનો હાથ જરા બહાર નીકળેલો જોતા પ્રત્યુષનું ધ્યાન તે જ પીંક સ્ટોન જડીત ગોલ્ડન રીંગ તરફ જતાં તે ઘડીભર ધબકાર છૂકી ગયો તેવું લાગ્યું..!

“આ રીંગ.....આ હાથમાં....શું આ તે જ રીંગ છે..?...આ રીંગ અહીં...એતલે કે શું આ જમારી જાહ્નવી...ના, ક્યારેય નહીં...ના....ના...ના...!” એકપળમાં પ્રત્યુષના મનમાં ઉઠેલા આવા હજારો નેગેટીવ વિચારોના વંટોળને પ્રત્યુષ પરાણે દાબી રહ્યો હતો..!

શું પેલી ડેડ બોડી જાહ્નવીની છે..?

પ્રત્યુષ અને જાહ્નવીના સુખી જીવનમાં શું થયું કે આજે તેમને આ સમય જોવો પડ્યો..?

હવે આગળ પ્રત્યુષ સાથે શું થશે..?

આ બધું જાણવા સાથે આગળની વાર્તા માણવા જરા રાહ.... સંગાથ – 9

********