સંગાથ – 5
ધોધમાર વરસતા વરસાદમાં પ્રત્યુષ કોઇને શોધી રહ્યો છે. તેણે લગભગ શહેરના દરેક સ્થળ પર તપાસ કરી લીધી. છેવટે તે બસ સ્ટેશને આવી દરેક બસમાં કોઇને શોધવા મથતો રહ્યો, પણ તેને કોઇ મળ્યું નહીં. બે વર્ષ પહેલા કોલેજમાં અભ્યાસર્થે બરોડાથી આણંદ બસમાં આવતાં પ્રત્યુષ અને તેના કોલેજીયન મિત્રોની મસ્તીસભર યાત્રામાં પ્રત્યુષનું ધ્યાન એક સ્વરૂપવાન છોકરી તરફ આકર્ષિત થયું. જીવનમાં પ્રથમવાર પ્રત્યુષ આમ કોઇ છોકરી તરફ આકર્ષિત થયો હતો. પોતાની જીવનસંગિની એવી જાહ્નવી ક્યાંય ના મળતા છેવટે પ્રત્યુષ તેના ખોવાયા વિશે પોલીસ કમ્પ્લેઇન કરી પોલીસ સ્ટેશનની બહાર નીકળે છે. ભૂતકાળના સંસ્મરણોમાં ડૂબેલા પ્રત્યુષની નજર સમક્ષ જાહ્નવી સાથેની મુલાકાત નજરે પડે છે. પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પ્રેમ પાંગરે છે. એક સામાન્ય બેંક કારકૂનની દીકરી અને શહેરના નામાંકિત લૉયરના એકમાત્ર પુત્ર વચ્ચે સરળતાથી લગ્નની સંમતિ મળવી મુશ્કેલ બની. જાહ્નવીના ખોવાયા વિશેની પોલીસ ક્મ્પ્લેઇન નોંધાવ્યા પછી વરસતા વરસાદમાં અંધકારભર્યા આકાશ સામે જોતા જોતા જાહ્નવી સાથેના જીવનની યાદમાં પ્રત્યુષ ડૂબી ગયો. બંનેના માતાપિતાના વિરોધ પછી જાહ્નવી પ્રત્યુષથી દૂર રહેવા કરે છે. આ તરફ પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં પાછો બોલાવી કોઇ અજાણી લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યાના સમાચાર આપવામાં આવે છે અને સાથે તે શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે કે કદાચ તે લેડી જાહ્નવી તો નહીં હોય ને..! પ્રત્યુષ પી.આઇ. સાથે સીવીલ હોસ્પિટલ ડેડ બોડીની ઓળખ કરવા જાય છે. જાહ્નવી અને પ્રત્યુષના બ્રેકઅપ પછી પ્રત્યુષ ચેઇન સ્મોકર બની જાય છે અને સ્ટડી પ્રત્યે બેદરકાર બની જાય છે. તેની આવી સ્થિતી વિશે તેની મિત્ર શ્વેતા જાહ્નવી આગળ વાત કરે છે અને જાહ્નવીને પ્રત્યુષ સાથે પેચ અપ કરી લેવા સમજાવે છે. છેવટે જાહ્નવી તેની વાત માને છે અને પ્રત્યુષને મળવા જવા નક્કી કરે છે. હવે આગળ વાર્તા માણીએ....
બીજા દિવસે સવારે પ્રત્યુષ બરોડાથી અનિચ્છાએ શ્વેતાના કહેવા પર આણંદ કોલેજ જવા બસમાં આવવા નીકળે છે. તેનું ધ્યાન જાહ્નવીની યાદમાં જ ખોવાયેલું રહે છે. બસ નિઝામપુર બસ સ્ટેન્ડમાં અઅવે છે. પ્રત્યુષ પાછલી યાદોમાં ખોવાઇ જાય છે. આ તે જ જગ્યા જ્યાં તેની જાહ્નવી સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. તેનું ધ્યાન સામે તરફ ઉભેલી કોઇ છોકરી તરફ જાય છે. તેની સામે તરફ બ્લ્યુ ડ્રેસમાં સજ્જ, અણિયાણી કાજલભરી આંખો વાળી, હવામાં ખુલ્લા વાળ લહેરાવતી તેની જાહ્નવી નજરે પડી. તેને ફરી ફરી તેની પહેલી મુલાકાતનું દ્રશ્ય નજરે પડે છે તેવા વિચાર સાથે તે બારી તરફથી મોં બસની અંદર તરફ ફેરવી નાખે છે, પણ ઘડીભરમાં તેનું વ્યગ્ર હ્રદય તેને ફરી બારી બહાર જોવા ખેંચી જાય છે. તેની નજર સમક્ષજાણે ભૂતકાળ ફરી જીવતો થયો હતો. તેની જાહ્નવી સાથેની પહેલી મુલાકાત ફરી તાજી થઇ હતી.
પ્રત્યુષની નજર ધીમે ધીમે તેની આંખોથી તેના નાનકડા ઘાટીલા નાક પર પડી. તે જ ઘાટીલું નાક જે તેણે પહેલી વાર જાહ્નવીને જોતા જોયું આજે તેવું જ આકર્ષ્ક લાગવા લાગ્યું. બેવ તરફનાં કાનમાં પહેરેલા ઝૂમખાંના હિલોળે પ્રત્યુષનું મન ફરી હિલોળા લેવા લાગ્યું. આજે ફરી તેના લીપ બામ લગાવેલ સ્મિતથી ફરકતાં હોઠ પર તો પ્રત્યુષ સઘળું ધ્યાન કેન્દ્રિત કરી બેઠો હતો. તેના ઘાટીલા સુડોળ ગળામાં પહેરેલ નાનકડી ગોલ્ડન ચેઇનનાં ઝળકાટે પ્રત્યુષનું ધ્યાન તેના હોઠ પરથી હટાવ્યું. આજે પણ જાણે પ્રત્યુષ પહેલીવાર જાહ્નવીને જોઇ રહ્યો હોય તેમ અનિમેશ દ્રષ્ટિએ તાકી રહ્યો. આજે ફરી તેના દેહના સૌંદર્યનું આગળ રસપાન કરવા જતાં જ વચ્ચે સ્ટેન્ડ પર એક બસ મૂકાઇ. પ્રત્યુષને લાગ્યું કે તેનું ભૂતકાળનું સ્વપ્ન પૂરુ થયું. ઉજાગરાભરી આંખ પર ભારે થયેલી પાંપણ જરા નમતાં જ કોરાણે સળવળતું આંસુનું ટીપું આંખ બહાર નીકળવા ઉતાવળુ બન્યુ પણ પ્રત્યુષે બીજા ફ્રેન્ડ્સનું ધ્યાન ના જાય તે રીતે હળવેથી આંખના ખૂણે સળવળાટ કરતા આંસુને આંગળી વડે લૂંછી નાખ્યું. મનમાં મૂંગા ડૂંસકા દાબી જઈ પ્રત્યુષે ફરી બારી બહાર નજર કરી.
આગળ વધવા ચાલતી થયેલી બસ અચાનક ઊભી રહી ગઈ. બસનો ખખડધજ દરવજો ‘ખટાંગ’ કરતા ખુલ્યો. તે અવાજે પ્રત્યુષનું ધ્યાન બસના દરવાજા તરફ ખેંચ્યું. હમણા જેની તરફ ઘણું ધ્યાન આપ્યું હતું તે બ્લ્યુ ડ્રેસમાં સજ્જ અપ્સરા જેવી જાહ્નવી બસમાં આવી. તેના હાથમાં પહેરેલી બંગડીઓનો મીઠો રણકાર બસના કર્કશ ઘરઘરાટમાં પણ પ્રત્યુષના કાને પડ્યો. હજું તે જાણે ભૂતકાળની તંદ્રામાંથી જાગ્યો ના હતો તેવું તેને લાગ્યું. તેની જાહ્નવી બસમાં તેની તરફ ચાલી આવતી દેખાઇ. જાણે આજે તેને બસમાં બેઠેલા કોઇ અન્ય પેસેન્જર્સ નજરે જ ના પડ્યા. પોતે ભૂતકાળની સ્મૃતિમાં ખોવાઇ એક મીઠું સ્વપ્ન જોઇ રહ્યો હોવા પ્રત્યુષને ખ્યાલ આવ્યો, પણ આ મધુર સ્વપ્ન ક્યારેય તૂટે જ નહીં તેવી ઝંખના સાથે તે જાહ્નવી તરફ તાકી રહ્યો. ધક્કા સાથે બસ આગળ વધી. દરેક પળ પ્રત્યુષને તેનું સ્વપ્ન નજીક આવતું દેખાયું. તેને લાગ્યું કે તે જાહ્નવીના પ્રેમમાં એટલો ગળાડૂબ બન્યો છે કે તેને જ્યાં જ્યાં નજર કરે ત્યાં ત્યાં જાહ્નવી જ દેખાયા કરે છે. તેને જેમ જેમ જાહ્નવી તેની નજીક આવતી દેખાઇ તેમ તેમ જાહ્નવીના હાથમાં પહેલી બંગડીઓનો રણકાર અને પગમાં પહેરેલા છડાની એકાદ ઘૂઘરીઓના ખણકાટનો અવાજ કાનમાં વધુ નજીક આવતા જણાયા. જાહ્નવી તેની સીટની અડોઅડ આવી ઊભી હોય તેમ જણાયું. તેની ખુશબોમાં ડૂબી જઈ પ્રત્યુષ તેની આસપાસનું સર્વસ્વ ભૂલી ગયો. ઘડીભર આંખો બંધ કરી તે જાહ્નવીની ખુશબોના સમંદરમાં છલાંગ મારી ગળાડૂબ ડૂબ્યો. આજે જાણે તે જાહ્નવીની ખુશબોમાં સાંગોપાંગ ભીંજાઇ તરબોળ થયો.!
પોલીસ વાનમાં બેઠેલો પ્રત્યુષ સાંગોપાંગ ભીંજાઇ તરબોળ થયેલો હતો. તેની આંખોમાંથી સતત આંસુની ધાર વહેતી રહી. રોડ પર અતિશય ટ્રાફિક હોવાથી પોલીસ વાન ધીમેધીમે આગળ વધી રહી હતી. પોલીસ વાન કારેલી બાગથી આગળ વધી એરપોર્ટ રોડ તરફ વળી આગળ વધતી રહી. જેમ જેમ પ્રત્યુષ સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો તેમ તેમ તેના ધબકારા કોઇ અગમ્ય ગભરામણથી વધી રહ્યા હતા.
બસમાં જાહ્નવીની ખુશબોના નશામાં મદહોશ બનેલા પ્રત્યુષને પોતાની સીટને અડીને જાહ્નવી નજરે પડી. ઘડીભર એક ઊંડો નિ:સાસો નાખી ફરી જાહ્નવી તરફ નજર કરી રહ્યો. તેણે મનોમન વિચાર્યું કે તેનો આ ભ્રમ બસ આમ જ કાયમ રહે જેથી તેની જાહ્નવી તેની નજર સમક્ષ આમ રહ્યા કરે..! પ્રત્યુષ પાસે ઊભેલી પેલી સ્વરૂપવાન છોકરીએ પ્રત્યુષના ગાલ પર એક જોરદાર થપ્પડ ચોડી દેતા પ્રત્યુષ ભાનમાં આવ્યો. પ્રત્યુષને ખ્યાલ આવ્યો કે તે ક્યારથી તેની જાહ્નવી તેની પાસે હોવાનો ભ્રમ માન્યા કરતો હતો તે ખરેખર કોઇ ભ્રમ ના હતો પણ વાસ્તવિકતા હતી, એટલે કે તેની જાહ્નવી ખરેખર તેની પાસે બંનેની પહેલી મુલાકાતના પહેરવેશમાં તૈયાર થઈ આવી ઊભી હતી..! જાહ્નવી જેવી પ્રત્યુષને થપ્પડ મારે છે કે આખીયે બસમાં બેઠેલા બધાંય પેસેન્જર્સ તેમની તરફ જોવા લાગે છે. જો કે તરત જ જાહ્નવી પરિસ્થિતી સંભાળી સૌને કોઇ ગંભીર પ્રોબ્લેમ ના હોવા જણાવે છે.
“જ...જ...જાહ્નવી...તુ...મીન્સ ત...ત...તમે..?” પોતાની દ્રષ્ટિ પર હજુ વિશ્વાસ ના આવતાં પ્રત્યુષ ખચકાટ સાથે જાહ્નવીનું નામ બોલ્યો.
“હા....જાહ્નવી જ... અને આ ‘તમે’ એટલે શું..? હું પારકી થઈ ગઈ કે આ ‘તમે’ કહીને બોલાવી મને..?” જાહ્નવીએ તેના સૂરીલા અવાજથી પ્રત્યુષને સવાલ કર્યો.
“ના....એવું નહીં...” પ્રત્યુષના જવાબને વચ્ચે અટકાવતા જાહ્નવીએ આગળ વાત કરી, “બીજી વાત કે હવે તો ચેઇન સ્મોકીંગ સ્ટાર્ટ કરી દીધી છે ને કંઇ...સ્ટડી પર પણ ધ્યાન ઘટાડ્યું છે...આ શું માંડ્યું છે...?” ગુસ્સાભર્યા અવાજે જાહ્નવીએ સવાલ કર્યા.
“ના....હા...ના....હું સ્મોક કંઇ ખાસ નહીં....” ખચકાતા ખચકાતા જાહ્નવીની આંખોથી નજર હટાવી પ્રત્યુષે જવાબ આપ્યો.
“તો આ સીગારેટનું પેકેટ મારી માટે છે..?” જાહ્નવીએ પ્રત્યુષના ડેનીમ જીન્સના પોકેટમાંથી સીગારેટનું પેકેટ કાઢી પ્રત્યુષને બતાવતા સવાલ કર્યો.
“આ તો જરા....” પ્રત્યુષની વાત વચ્ચે અટકાવતા જાહ્નવીએ કહ્યું, “આજ પછી ફરી ક્યારેય સ્મોક કર્યું છે, તો આવ્યુ જ સમજવાનું..! અને હા.....હવે સ્ટડી પર કોન્સેન્ટ્રેશન પણ...બધું બહુ થયું...ઓકે..?”
“ઓકે....આઇ પ્રોમીસ યુ ફોર ઓલ ધીઝ...પણ તુ શું મારી સાથે જ કાયમ રહીશ..?” પ્રત્યુષે જાહ્નવીની દરેક વાતમાં સંમતિ આપતા ફરી સામે કાઉન્ટર ક્વેશ્ચન કર્યો.
“હા પ્રત્યુષ, હું કાયમ તારી સાથે રહીશ...આઇ લવ યુ પ્રત્યુષ...આઇ વીલ બી ફોરેવર વીથ યુ...” એક પણ ક્ષણ વિચાર કર્યા વિના જાહ્નવીએ પ્રત્યુષને જવાબ આપ્યો અને પોતે પબ્લીક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરી રહ્યા છે તેની જરા પણ પરવા કર્યા વિના પ્રત્યુષને ગળે વળગી ગઈ. પ્રત્યુષે પણ કોઇની પરવા કર્યા વિના જાહ્નવીને હગ કર્યું..!
“આઇ લવ યુ ટુ જાહ્નવી...!” પ્રત્યુષ જાહ્નવીને વળગી કોઇપણ શરમ રાખ્યા વિના પૂરી બસમાં સંભળાય તેમ મોટેથી બોલ્યો. તેની સાથેના તેના બધા ફ્રેન્ડ્સની તાળીઓ અને સીટીઓના અવાજથી પ્રત્યુષ અને જાહ્નવીને બંને બસમાં હોવાનો ખ્યાલ આવ્યો અને બંનેએ હગ છોડી એકબીજાની પાસે સીટ પર બેઠાં..! બંને કોઇપણ રીતે તેમના ઘરનાઓને કન્વીન્સ કરવા વિશે ચર્ચા કરતા રહ્યાં..!
શું જાહ્નવી અને પ્રત્યુષ એકબીજાના ઘરે કન્વીન્સ કરી શકશે..?
પ્રત્યુષ અને જાહ્નવીના જીવનમાં આગળ શું બનશે..?
શું પેલી સુસાઇડ કરનાર લેડી જ જાહ્નવી છે..?
આ બધું જાણવા સાથે આગળની વાર્તા માણવા જરા રાહ.... સંગાથ – 6
********