સંગાથ... Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગાથ...

સંગાથ

ધોધમાર વરસતા વરસાદથી આખોયે ભીંજાવા છતાંયે પ્રત્યુષ બસ સ્ટેશનમાં પ્રત્યેક બસમાં હાંફળો ફાંફળો થઈ કોઇને શોધી રહ્યો હતો. દરેક ચહેરા વચ્ચે તે પોતાનો પરિચિત ચહેરો શોધી રહ્યો હતો, પણ તેની તરસી નજરને ટાઢક વળે તેવો ચહેરો તેને મળતો ના હતો. વરસતા વરસાદમાં આખા ભીંજાયેલ ચહેરા પર તેના આંસુ અલગ છાપ ઉપસાવી રહ્યા હતા. બસમાંથી નિરાશ ચહેરે બહાર આવી કપાળ પર હાથ દઈ પ્રત્યુષ ક્યાંય સુધી ઊભો રહ્યો. તેને કાંઇ સમજાતું ના હતું કે હવે તે પોતાની જીવથી વહાલી જાહ્નવીને ક્યાં શોધે..!

આજથી બરાબર બે વર્ષ પહેલા આ જ બરોડા બસ સ્ટેશનથી આણંદ જતી બસમાં પોતાના ફ્રેન્ડ્સ સાથે કોલેજ ભણવા જતા પ્રત્યુષ મસ્તીના મૂડમાં હતો. રેગ્યુલર અપ ડાઉન કરતા સ્ટુડન્ટ્સથી બીજા પેસેન્જર્સ પણ દૂર જ રહેતા.

“યાર સૌરભ, આ જો ને ગઈ કાલે સુરભી મેડમના ક્લાસમાં તો સુમિત બહુ સીન્સિયર બની બેઠેલો હોં..!” ડેનીમ અને શોર્ટ કૂર્તી પહેરેલી મોડર્ન લૂક ધરાવતી શ્વેતાએ બસમાં સામેની સીટ પર બેઠેલા સૌરભને હાથ મારી ખડખડાટ હસતા કહ્યું.

“ઓહ યસ, યુ નો સુરભી મેડમ માટે તો સુમિત કાંઇ પણ કરે હોં..!” આંખ મીંચકારતા સૌરભે શ્વેતાને જવાબ આપ્યો.

આ વાત નીકળતાં જ બાકીના ફ્રેન્ડ્સ ચીચીયારીઓ કરતાં સુમિતની મજાક ઉડાડવા લાગ્યા.

બાકીના પેસેન્જર્સ આ ગ્રુપ તરફ કટાક્ષભરી દ્રષ્ટિ નાખતા રહ્યાં, પણ તેનાથી આ કોલેજીયન્સને કોઇ ફેર ક્યાં પડતો હતો..!

“યાઆઆઆઆરરરરર..... સુરભી મેડમ તો વાહ છે....યુ નો અમારી બેવની રાષિ પણ સેમ છે....અને..” સુમિતે વાત માંડી.

“અને....તમારા બેવ વચ્ચે સુ...સુ..સરખું જ છે ને....સુરભી અને સુમિત...બંનેમાં સુ...સુ...!” સીટ આગળ ઊભા રહેલા કાર્તિકે સુમિતની વાત વચ્ચે અટકાવી હસતા હસતા ઉમેર્યું.

“ઓહ યા...એ સુ...સુ.... હું તો કાંઇ બીજુ જ સુ...સુ...સમજી..!” શ્વેતાએ કાર્તિકને હાથમાં તાળી આપતા કહ્યું.

“તમે બધાં ડર્ટી માઇન્ડ્સ....તમે નહીં સમજો મારા ટ્રુ લવને...!” મોં મચકોડતા સુમિતે કહ્યું.

“લો...જુઓ આ મજનુની ઓલાદને.... હજુ લાસ્ટ મંથ જ પેલી રેડ ડ્રેસવાળી ખ્યાતિ તેનો ટ્રુ લવ હતી...તે પહેલા પેલી જલારામ નગર વાળી સ્મિતા અગ્રવાલ હતી.... અને તે પહેલા પેલા સ્પોકન ઇંગ્લીશ ક્લાસ વાળી લલિતા મેડમ..!” સૌરભે હસતાં કહ્યું

“લલિતા નહીં....ઓહ લોલિતા...!” કાર્તિકે હસતા હસતા શક્તિકપૂરના અંદાજમાં બોલી બતાવ્યું.

“રીયલી....ઇન્ક્રેડીબલ....!” આશ્ચર્યના ઉદગાર સાથે નિઝામપુરા બસ સ્ટેશને ઊભેલી બસની બારી બહાર નજર નાખતા પ્રત્યુષથી બોલાઇ ગયું.

“શું ઇન્ક્રેડીબલ..? પેલી લોલિતા...?” સવાલ કરતાં કાર્તિક પ્રત્યુષ તરફ વળ્યો. તેની સાથે તેની આખી ટોળકી પ્રત્યુષ તરફ ફરી. બધાએ પ્રત્યુષની નજર સાથે બસની બારી બહાર નજર કરી. પ્રત્યુષ તો આંખના પલકારા માર્યા વિના બહાર જોઇ જ રહ્યો હતો.

બ્લ્યુ ડ્રેસમાં સજ્જ એક છોકરી હાથમાં બેગ લઈ તેની કોઇ ફ્રેન્ડ સાથે સામેથી ચાલી આવતી હતી. ખુલ્લા બસ સ્ટેશનમાં હવાની લહેરખી આવતાં તેના ખુલ્લા વાળની ઉડતી લટો સાથે પ્રત્યુષની નજર પણ ઉડવા લાગી. તેના ગોરા વાન પર સૂર્યના કિરણો પડતાં જાણે સામે રીફ્લેક્શન આપે તેવું પ્રત્યુષને લાગ્યું. તેની અણિયાળી આંખોમાં લગાવેલ કાજલમાં પ્રત્યુષ ગળાડૂબ ડૂબી ગયો હતો. પ્રત્યુષની નજર ધીમે ધીમે તેની આંખોથી તેના નાનકડા ઘાટીલા નાક પર પડી. બેવ તરફનાં કાનમાં પહેરેલા ઝૂમખાંના હિલોળે પ્રત્યુષનું મન હિલોળા લેવા લાગ્યું. તેના લીપ બામ લગાવેલ સ્મિતથી ફરકતાં હોઠ પર તો પ્રત્યુષ સઘળું ધ્યાન કેન્દ્રિત કરી બેઠો હતો. તેના ઘાટીલા સુડોળ ગળામાં પહેરેલ નાનકડી ગોલ્ડન ચેઇનનાં ઝળકાટે પ્રત્યુષનું ધ્યાન તેના હોઠ પરથી હટાવ્યું. તેના દેહના સૌંદર્યનું આગળ રસપાન કરવા જતાં જ વચ્ચે સ્ટેન્ડ પર એક બસ મૂકાઇ.

“ઓહ શીટ...આ બસ ક્યાંથી વચ્ચે આવી...?” પ્રત્યુષની નજર સાથે નજર મેળવતા તેના ફ્રેન્ડ્સમાંથી શ્વેતા બોલી.

શ્વેતાની વાત પૂરી થતાં પહેલા જ પ્રત્યુષ દોડી બસ બહાર નીકળી ગયો.

“અરે અરે...આ ક્યાં દોડ્યો..?” સુમિતે સવાલ કર્યો.

“આ તો પેલી કાજળભરી અપ્સરાની ભાળ મેળવવા ગયો..!” હસતાં હસતાં સૌરભ બોલ્યો.

“તેની આંખમાં કાજળ હતું...?” સુમિતે સૌરભને સવાલ કર્યો.

“હા જ તો....તે જોયું નહીં..!” શ્વેતાએ સુમિતને જવાબ આપ્યો.

“તે તમે બધાં તેની આંખો જોતા હતાં...હું તો...!” સ્મિતે માથું ખંજવાળતા જવાબ આપ્યો.

“તુ અમને ડર્ટી માઇન્ડ કહેતો હતો....યુ ડર્ટી ફેલો..!” બોલતાં સૌરભે સુમિતની પીઠ પર ધબ્બો માર્યો.

“સાલા....ભાભીની નજરથી જો..!” શ્વેતાએ પણ સુમિતને મજાકમાં હળવેથી લાત મારતાં કહ્યું.

બસ બહાર ઉતરી આખાયે બસ સ્ટેન્ડમાં પ્રત્યુષ પેલી સ્વરૂપવાન છોકરીને શોધતે રહ્યો, પણ તેને તે ક્યાંય દેખાઇ નહીં. છેવટે તે નિરાશ ચહેરે બસમાં પાછો આવી ગયો.

“શું થયું..? ક્યાય દેખાઇ..?” શ્વેતાએ પ્રત્યુષને આવતાં સાથે સવાલ કર્યો.

“ના...ખબર નહીં ક્યાં ગઈ...પણ ગજબ હતી તે...મેં આવું રૂપ ક્યારેય જોયું જ નથી....તેને જોતાં જ મારા મનમાં કાંઇ અલગ જ હલચલ થવા લાગી હતી..!” પ્રત્યુષે બસની સીટ પર બેસતાં મનની વાત કરી.

“તે પ્રત્યુષ તારા મનમાં કોઇ મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાગે એવું થયેલું ને..? મને તો પેલા સોંગની જેમ ‘તૂને મારી એંટ્રી ઔર દિલમેં બઝી ઘંટીની જેમ ઘંટી વગે હોં..!” સુમિતે સવાલ સાથે પોતાની વાતો માંડી.

“એય તે તારી ઘંટી નહીં ઘંટો વાગતો હોય છે કાયમ એન્ડ જસ્ટ શટ યોર માઉથ..!” બેબાક શ્વેતાએ પોતાની બિંદાસ શૈલીમાં સુમિતને બોલતો બંધ કર્યો.

પ્રત્યુષની નજર સમક્ષ પેલી સ્વરૂપવાન યુવતી ખસતી જ ના હતી. આજ સુધી કેટકેટલી છોકરીઓ જોઇ પણ ક્યારેય કોઇ માટે તેના મનમાં આવો ભાવ થયો ના હતો, જ્યારે આજે પ્રથમ વાર આવા અનુભવથી તે હચમચી ગયો.

“ભાભી દેખાયા ક્યાંય..?” સુમિતના શબ્દે પ્રત્યુષ ફરી ભાનમાં આવ્યો.

“ભાભી દેખાયા ક્યાંય..?” આજે ધોધમાર વરસતા વરસાદમાં જાહ્નવીને શોધતા બસ સ્ટેન્ડની છત નીચે જઈ રણકતા મોબાઇલ ઉપાડતા સામેથી સુમિતે સવાલ કર્યો.

“ના, હજુ ક્યાંય મળી નથી..!” ભીંજાયેલા વાળને ચહેરા પરથી હટાવતા પ્રત્યુષે ફોનમાં જવાબ આપ્યો.

પ્રત્યુષે અત્યાર સુધીમાં જાહ્નવીની લગભગ દરેક ફ્રેન્ડસને કોલ કરી તેના વિશે પૂછ્યું, પરંતુ જાહ્નવી ક્યાં છે તે વિશે કોઇને કાંઇ ખબર ના હતી. નિરાશ બની પ્રત્યુષ બસ સ્ટેશન બહાર રોડ સાઇડમાં જ બેસી ગયો, ત્યાં જ તેના ફ્રેન્ડ્સ સુમિત, સૌરભ અને કાર્તિક બાઇક્સ પર ત્યાં આવી પહોંચ્યા. હવે પ્રત્યુષ પાસે પોલીસ કમ્પ્લેઇન્ટ સિવાય કોઇ અન્ય માર્ગ બચ્યો ના હતો. બધા પોલીસ સ્ટેશન તરફ જવા નીકળ્યા.

ક્યાંય સુધી બસમાં રાહ જોતા પ્રત્યુષને પેલો સ્વરૂપવાન ચહેરો જોવા મળ્યો નહીં. બસનો દરવાજો ધડામ કરતાં બંધ થતા પ્રત્યુષ તંદ્રામાંથી જાગ્યો. હજુ તો બસ થોડી જ ચાલી હશે કે કોઇ સૂરીલા અવાજમાં બસ બહારથી “પ્લીઝ, બસ ઊભી રાખો...” તેવી બૂમો સંભળાઇ. પ્રત્યુષે બસની બારી બહાર નજર કરી તો જે સ્વરૂપવાન ચહેરો જોવા તે ક્યારથી તરસતો હતો તે યુવતી બસ ઊભી રખાવવા બસ પાછળ દોડતા બૂમો પાડી રહી હતી. પ્રત્યુષ સાથે તેના બધા ફ્રેન્ડ્સના ચહેરા પર વિખેરાયેલ સ્માઇલ ફરી આવ્યું.

“જા....જા....જલદી જા....પેલી ડીડીએલજે મુવીમાં શાહરૂખખાન જેમ કાજોલને ટ્રેઇનમાં હાથ આપી લઈ લે છે તેમ તુ પણ ચાલુ બસમાં તારી હિરોઇનનો હાથ પકડી તેને બસમાં ખેંચી લે...!” સુમિતે પ્રત્યુષને હાથથી ટપલી મારતા કહ્યું.

“હા....પ્રત્યુષ....આ મસ્ત ચાન્સ છે...જા...જલદી..!” શ્વેતાએ પણ પ્રત્યુષને પ્રોત્સાહિત કર્યો.

પ્રત્યુષના મનમાં પણ ડીડીએલજે મુવીનો સીન દેખાયો અને તેના બેકગ્રાઉન્ડમાં મ્યુઝીક પણ સંભળાવા લાગ્યું. તે દોડી બસના દરવાજે પહોંચ્યો અને ફિલ્મી હીરોની સ્ટાઇલમાં બસનો દરવાજો ખોલી પેલી સ્વરૂપવાન છોકરી તરફ હાથ લંબાવ્યો. તે મનોમન રાહ જોતો રહ્યો કે ક્યારે પેલી સ્વરૂપવાન છોકરી તેના હાથમાં પોતાનો હાથ આપે અને તેને તે પ્રેમથી બસમાં ખેંચી લે અને શક્ય બને તો તેને બસના દરવાજા પાસે પગથિયે જ વળગી જાય..! બસના કંડક્ટરે બસ બહાર જોયું અને તેના બેલના અવાજથી એક જર્ક સાથે બસ ઊભી રહી અને તે સાથે પ્રત્યુષના સ્વપ્નનું સ્વાહા થયું..!

પેલી સ્વરૂપવાન છોકરી તેની ફ્રેન્ડ સાથે બસમાં પ્રવેશી. પ્રત્યુષ તરફ કટાક્ષભરી નજરે જોઇ તેની ફ્રેન્ડ સાથેધીમે અવાજે કંઇક બોલતી તે બસમાં આવવા કરે છે.

“એક્સક્યુઝ મી. જરા સાઇડમાં જશો... બહુ હીરોગીરી કરી...!” બસના દરવાજે જ ઉભેલા પ્રત્યુષને એક તરફ ખસવા પેલી છોકરી જણાવે છે.

પ્રત્યુષના બધા પ્રયત્નો પર પાણી ફરતાં તેના ફ્રેન્ડ્સ તેની તરફ હસતા જોઇ રહે છે. પ્રત્યુષ પોતાની સીટ તરફ આવે છે.

“યાર...ખરો પોપટ થઈ ગયો..!” સુમિત હળવેથી બોલ્યો.

“ઇટ્સ નોટ યોર ફોલ્ટ....યુ ટ્રાઇડ વેલ..!” કાર્તિક પ્રત્યુષના ખભે હાથ મૂકી હસતા હસતા તેને સાંત્વના આપે છે.

“નેવર માઇન્ડ....નેક્સ્ટ ટાઇમ...!” શ્વેતાએ હિંમત આપતા ઉમેર્યું.

પેલી છોકરીઓએ બસના કંડક્ટર પાસે આણંદ જવા માટેની ટિકીટ માંગી તે સરવા કાને સાંભળતા પ્રત્યુષનો ઉદાસ ચહેરો ફરી ખીલી ઉઠ્યો. કોઇનું ધ્યાન ના જાય તે રીતે પ્રત્યુષે ખીસામાંથી મોબાઇલ કાઢી પેલી સ્વરૂપવાન છોકરીનો હળવેથી ફોટો ક્લીક કરી લીધો.

આજે બહાર વરસતા વરસાદના કડાકા અને રાતત્રિના અંધકારમાં ઝબકારા મારતી વીજળીના ચમકારા વચ્ચે પ્રત્યુષ અને તેના ફ્રેન્ડ્સ પોલીસ સ્ટેશને પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં કેટલાક પોલીસ કોંસ્ટેબલ વરસાદમાં ચાની ચૂસ્કી માણતા મોબાઇલમાં એક બીજાને કંઇક બતાવી હસી મજાક કરી રહ્યા હતા.

“પ્રત્યુષ, તારી પાસે ભાભીનો કોઇ પીક તો છે ને..?” કાર્તિકે પ્રત્યુષને પૂછ્યું.

“હા, મારી પાસે મોબાઇલમાં તેના ઘણા ફોટોઝ છે..!” બોલતા પ્રત્યુષે પોતાના મોબાઇલની ગેલરીમાં જાહ્નવીનો પીક જોવા કર્યું. તેની નજર ઘણા બધા પીક્સ વચ્ચે તેણે છૂપાઇને સૌ પ્રથમ વાર બરોડાથી બસમાં આવતા લીધેલ ફોટો તરફ તેની નજર ગઈ. એક ઊંડા નિ:સાસા સાથે તેને કંઇક યાદ આવતા તેણે મોબાઇલ ખીસામાં મૂકી પોતાના વૉલેટમાંથી જાહ્નવીનો પાસપોર્ટ સાઇઝ ફોટો બહાર કાઢ્યો..! પોલીસ સ્ટેશનમાં સામે બેઠેલા પોલીસવાળા પોતાના મોબાઇલમાં જોઇ કાંઇ ચર્ચા કરી રહ્યા હતા તે તરફ પ્રત્યુષ આગળ વધ્યો.

પેલી સ્વરૂપવાન છોકરી કોણ છે..?

પ્રત્યુષ જાહ્નવીને કેમ શોધી રહ્યો છે..?

આ બધું જાણવા સાથે આગળની વાર્તા માણવા જરા રાહ.... સંગાથ ભાગ 2

**********