સંગાથ 9 Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગાથ 9

સંગાથ – 9

ધોધમાર વરસતા વરસાદમાં પ્રત્યુષ કોઇને શોધી રહ્યો છે. તેણે લગભગ શહેરના દરેક સ્થળ પર તપાસ કરી લીધી. છેવટે તે બસ સ્ટેશને આવી દરેક બસમાં કોઇને શોધવા મથતો રહ્યો, પણ તેને કોઇ મળ્યું નહીં. બે વર્ષ પહેલા કોલેજમાં અભ્યાસર્થે બરોડાથી આણંદ બસમાં આવતાં પ્રત્યુષ અને તેના કોલેજીયન મિત્રોની મસ્તીસભર યાત્રામાં પ્રત્યુષનું ધ્યાન એક સ્વરૂપવાન છોકરી તરફ આકર્ષિત થયું. જીવનમાં પ્રથમવાર પ્રત્યુષ આમ કોઇ છોકરી તરફ આકર્ષિત થયો હતો. પોતાની જીવનસંગિની એવી જાહ્નવી ક્યાંય ના મળતા છેવટે પ્રત્યુષ તેના ખોવાયા વિશે પોલીસ કમ્પ્લેઇન કરી પોલીસ સ્ટેશનની બહાર નીકળે છે. ભૂતકાળના સંસ્મરણોમાં ડૂબેલા પ્રત્યુષની નજર સમક્ષ જાહ્નવી સાથેની મુલાકાત નજરે પડે છે. પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પ્રેમ પાંગરે છે. એક સામાન્ય બેંક કારકૂનની દીકરી અને શહેરના નામાંકિત લૉયરના એકમાત્ર પુત્ર વચ્ચે સરળતાથી લગ્નની સંમતિ મળવી મુશ્કેલ બની. જાહ્નવીના ખોવાયા વિશેની પોલીસ ક્મ્પ્લેઇન નોંધાવ્યા પછી વરસતા વરસાદમાં અંધકારભર્યા આકાશ સામે જોતા જોતા જાહ્નવી સાથેના જીવનની યાદમાં પ્રત્યુષ ડૂબી ગયો. બંનેના માતાપિતાના વિરોધ પછી જાહ્નવી પ્રત્યુષથી દૂર રહેવા કરે છે. આ તરફ પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં પાછો બોલાવી કોઇ અજાણી લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યાના સમાચાર આપવામાં આવે છે અને સાથે તે શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે કે કદાચ તે લેડી જાહ્નવી તો નહીં હોય ને..! પ્રત્યુષ પી.આઇ. સાથે સીવીલ હોસ્પિટલ ડેડ બોડીની ઓળખ કરવા જાય છે. જાહ્નવી અને પ્રત્યુષ વચ્ચે ફરી જોડાણ થાય છે. બંને ફરીવાર પોતાના સંબંધ વિશે પોતાના પેરેન્ટ્સને સંમત કરવા પ્રયત્ન કરે છે, પણ બંનેના પરિવારમાંથી આ સંબંધને લઈ વિરોધ જ જોવા મળતા છેવટે બંને જાતે ઘરનાઓથી છૂપાવીને રજીસ્ટર મેરેજ કરી લે છે. જાહ્નવીના ઘરે તેને જોવા આવેલા છોકરા સામે જાહ્નવીના છૂપા લગ્નની વાત બહાર આવે છે. જાહ્નવી અને પ્રત્યુષને તેમના બંનેના ઘરેથી જાકારો મળે છે. બંને પોતાની અલગ દુનિયા વસાવવા આગળ વધે છે. આ તરફ હોસ્પિટલ પહોંચેલ પ્રત્યુષ મોર્ગમાં રાખેલ ડેડ બોડીની ઓળખ કરવા જાય છે. તે ડેડ બોડીની આંગળી પર પ્રત્યુષ પોતે જાહ્નવીને પહેલીવાર આપેલી ગીફ્ટ વાળી રીંગ જુએ છે. પ્રત્યુષ આ જ રીંગ તેમની સુહાગરાતમાં જાહ્નવીની આંગળીએ જોઇ ખુશીથી સમાતો ના હતો, તે જ રીંગ જોઇ આજે પ્રત્યુષને અસહ્ય આઘાત થયો..! હવે આગળ વાર્તા માણીએ....

“ના, આ મારી જાહ્નવી હોઇ જ ના શકે...” વારંવાર પોતાના મનને મનાવવા પ્રત્યુષ ઘણા પ્રયત્નો કરતા સફેદ કપડાથી ઢાંકેલી ડેડ બોડીની વધુ ઓળખ કરવા નજીક જઈ રહ્યો.

પ્રત્યુષે ફૂલોથી સજાવેલા બેડ પર બેઠેલી જાહ્નવીનો હાથ હળવેથી પોતાના હાથમાં મૂક્યો. માત્ર જાહ્નવીના હાથના સ્પર્શમાત્રથી તેના રોમેરોમમાં કંઇક અલગ જ ઝણહણાહટ થવા લાગી. ઘડીભર તે જાહ્નવીએ હાથમાં મૂકેલી મહેંદી નિહાળતો રહ્યો. ઘૂંઘટમાં છૂપાઇ બેઠેલી જાહ્નવી અંદર ભારે શ્વાસ લઈ દરેક ક્ષણને મનોમન આનંદપૂર્વક માણી રહી હતી. હવે પ્રત્યુષને ઘૂંઘટમાં છૂપાયેલ તેના ચાંદને જોયા વિના રહેવું મુશ્કેલ બન્યું, તેથી હળવેથી તેણે જાહ્નવીના ઘૂંઘટને ઊંચો કર્યો.

પ્રત્યુષે જેવું કપડું ઊંચુ કરી જાહ્નવીના ચાંદ જેવા ચહેરાને જોવા પ્રયત્ન કર્યો, ત્યાં જ તે ચીસ પાડી ઊઠ્યો. કપડાની અંદર અત્યંત બિહામણો કચડાયેલો ચહેરો જોઇ પ્રત્યુષ મોર્ગરૂમના ખૂણા તરફ દોડી ગયો. તે આ વિકરાળ ચહેરો જોઇ શકતો ના હતો..! પ્રત્યુષના મિત્રોએ પ્રત્યુષને સંભાળ્યો. ડૉક્ટર્સે જણાવ્યું કે ટ્રેઇનના અકસ્માતથી મૃતકનો ચહેરો ઓળખાય નહીં તે હદનો વિક્ષિપ્ત બની ગયો છે, પરંતુ મૃતકના કપડાં અને સાથે મળેલા સામાન પરથી તેની ઓળખ કરવા પ્રત્યુષને અહીં બોલાવ્યો છે. પ્રત્યુષ તો પેલી ડેડ બોડીના હાથમાં તેની આપેલી રીંગ પરથી તેને ઓળખી જ ગયો હતો, પણ બાકીની ઓળખ તેના કપડા અને વસ્તુ પરથી કરવાની બાકી હતી. પ્રત્યુષ આગળ પેલી ડેડ બોડીના ડ્રેસ, ઓઢણી અને સાથે રાખેલ પર્સ બતાવ્યું ત્યાં જ પ્રત્યુષ ફસડાઇ પડ્યો. તે ચોધાર આંસુએ રડતો રહ્યો. પોતાના જીવથી વહાલી જાહ્નવીને આજે તેની આંખ સામે આ સ્થિતીમાં જોઇ પ્રત્યુષ હિંમત હારી જ જાય તે સ્વાભાવિક જ હતું..! જરૂરી ફોર્માલીટી પૂર્ણ કરી પ્રત્યુષને ડેડ બોડીની સોંપણી કરવામાં આવી. જાહ્નવીના અંતિમ સંસ્કાર વખતે પ્રત્યુષનો માત્ર દેહ જ હાજર હતો, બાકી તેના પ્રાણ તો હવે ખોવાઇ જ ગયા હતા..! તે માત્ર જાણે કોઇ જીવતી લાશ બની રહ્યો. હવે તેના જીવનમાં જીવવા જેવું કંઇ જ લાગતું ના હતું.

પ્રથમ મિલનની રાતે એકબીજાના બાહુપાશમાં જકડાઇને મિલનનો આનંદ અને હૂંફ માણતા પ્રત્યુષ અને જાહ્નવી આજે કાયમ માટે વિખુટા પડ્યા, જાહ્નવીની ભડભાડ બળતી ચિતાની અગનજ્વાળા પ્રત્યુષના રોમેરોમને દઝાડતી રહી..! ઉત્કટ પ્રેમ અને મિલનના આનંદમાં બંનેની આંખોમાંથી નીતરી રહેલા પ્રેમના બિંદુ સામે આજે જાહ્નવી પ્રત્યુષની આંખો ચોધાર રડતી મૂકી કાયમ માટે ચાલી ગઈ.

“અરે, સવાર પડી તો પણ હજુ ઉઠવા મૂડ નથી કે શું..?” નાહીને બહાર આવેલી જાહ્નવીએ પ્રત્યુષે ઓઢેલ બ્લેન્કેટ ખેંચતા પૂછ્યું.

“હમમમમ...આટલી સારી વાઇફનો સંગાથ છોડી બેડ છોડવો કોને ગમે..?” જાહ્નવીનો હાથ ખેંચી બેડ પર લાવતા પ્રત્યુષે જવાબ આપ્યો.

“એય છોડો ને મને...!” પ્રત્યુષની બાહોમાંથી પોતાને છોડાવવા પ્રયત્નો કરતાં જાહ્નવીએ પ્રેમભરી વિનંતી કરતા કહ્યું.

પ્રત્યુષે જાણી જોઇ પોતાની બાહુપાશ ઢીલી કરી, પણ પોતે પ્રત્યુષની બાહુપાશમાંથી છોડાવવા પ્રયત્નો કરતા હોવાનું બતાવી જાહ્નવી જાતે તેના બાહુપાશમાં વધુ જકડાઇ જવા કરતી જોઇ પ્રત્યુષ ખડખડટ હસી પડ્યો. પોતાની મનની વાત પ્રત્યુષને કળાઇ જતા શરમથી લાલચોળ બનેલી જાહ્નવી નારાજ થઈ બેડ પરથી ઉઠવા કરે છે, ત્યાં પ્રત્યુષ તેનો હાથ ખેંચી રાખે છે. આ ખેંચતાણમાં ગળામાં પહેરેલ મંગળસૂત્ર જાહ્નવીના કપાળે જોશભેર વાગતા લોહીની ધાર વહેવા લાગી. જાહ્નવીને આમ વાગી જતાં પ્રત્યુષ હાંફળો ફાંફળો બની તેને દવાખાને લઈ જાય છે. પાંચેક દિવસ પટ્ટી બદલ્યા પછી જાહ્નવીના કપાળે કાયમ માટે વાગ્યાનું નિશાન રહી જાય છે. પ્રત્યુષે પોતાની ભૂલની કેટલીયે વાર માફી માંગવા કર્યું, પણ જાહ્નવીએ આ બાબતને સાવ સરળતાથી જ લીધી.

“અરે એટલામાં શું થઈ ગયું..? હવે કાયમ માટે મારા મંગળસૂત્રનું નિશાન રહી ગયું તો એ તો સારુ જ ને...આ તો જીવનભરની યાદગીરી...” જાહ્નવીની વાત અધવચ્ચે અટકાવી પ્રત્યુષ તેને વળગી પડ્યો.

ભડભડાટ બળતી ચિતા આગળ ઊભા રહેલા પ્રત્યુષનો હાથ અચાનક પોતાના કપાળે ગયો, જાણે તેમ કરી તેને જાહ્નવીના કપાળનું નિશાન સ્પર્શ કર્યાની અનુભૂતિ થઈ..!

લગ્ન પછી જાહ્નવી અને પ્રત્યુષ માટે દરેક પળ ખૂબ ખુશીઓથી ભરેલી રહી. એમ.બી.એ.ની લાસ્ટ સેમિસ્ટરની એક્ઝામ પૂરી થઈ. સાથે પ્રત્યુષે પ્રાઇવેટ કંપનીમાં જોબ પણ મેળવી લીધી. ફિલ્મોમાં બતાવે તેમ મેરેજ પછી ખાધું પીધું અને મોજ કરીની સંકલ્પના માત્ર કાલ્પનિક જ હોય છે તે સમજતા પ્રત્યુષ અને જાહ્નવીને વાર ના લાગી..! બંનેનું એમ.બી.એ.નું રીઝલ્ટ આવ્યું. પ્રત્યુષને ઠીકઠીક પર્સન્ટેજ આવ્યા, જ્યારે જાહ્નવી ટોપર રહી. પ્રત્યુષને જાહ્નવી ટોપર રહી તેની ઘણી ખુશી થઈ. જાહ્નવીના હાઇ પરસેન્ટેજને કારણે પ્રસિધ્ધ ગવર્નમેન્ટ બેંકના ઇન્ટરવ્યુમાં પ્રત્યુષનું સીલેક્શન થયું નહીં, જ્યારે જાહ્નવી આસીસ્ટન્ટ મેનેજર તરીકે સીલેક્ટ થઈ..! પ્રત્યુષ જાહ્નવીના સક્સેસ માટે ઘણો ખુશ દેખાતો હતો પણ મનોમન તેને કોઇ અકળ્ય અનુભૂતિ થઈ રહી હતી. તેને આ અનુભૂતિ સમજાતી ના હતી.

“અરે...ડૉન્ટબી સેડ યાર...તુ નહીં તો તારી વાઇફ...ગવર્નમેન્ટ જોબ મળી એટલે હવે તો તારે બેઠાબેઠા જ ખાવાનું ને..!” પ્રત્યુષના મિત્રોની આવી હળવી મજાક પણ પ્રત્યુષના મન પર ભારે ઠેસ મારી ગઈ.

એક સાંજે પોતાના ઘરે લેપટોપ પર પોતાનો સી.વી. રીઝ્યુમ ટાઇપ કરતા પ્રત્યુષને જોઇ જાહ્નવી કીચનમાં કામ કરતા કરતા બોલી, “તમે આ સી.વી.ઓનલાઇન રીઝ્યુમ ક્રીએટર સોફ્ટવેરની મદદથી બનાવો તો વધુ ઇફેક્ટીવ...” જાહ્નવીના શબ્દો વચ્ચે અટકાવતા પ્રત્યુષ અચાનક ગુસ્સામાં ભભૂકી બોલ્યો, “પ્લીઝ, મને ખબર પડે છે કે ઇફેક્ટીવ રીઝ્યુમ કેવી રીતે બને... આઇ ડૉન્ટ વૉન્ટ યોર પ્રીસીયસ એડવાઇઝ...!” એક નાનકડી વાતથી બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. પછીથી આમ ઘણી વાર નાની નાની વાતમાં બંને વચ્ચે અવાર નવાર ઝઘડો થઈ જતો.

એક વરસાદી ભીની સાંજે ડીનર બનાવી કીચનથી બહાર આવી બાલ્કનીમાં ઊભેલા પ્રત્યુષને જાહ્નવી વહાલભર્યો હગ કરે છે. “પ્લીઝ જાહ્નવી, બીહેવ યોર સેલ્ફ....આસપાસના લોકો બહાર જ છે...કોઇ જોઇ જશે તો...” બોલતા પ્રત્યુષ જાહ્નવીનો હાથ છોડાવવા કરે છે, જેનાથી ગુસ્સે ભરાઇ જાહ્નવી જણાવે છે, “મેરેજ પહેલા તો બહાર રોડ પર પણ મને હગ કરતા જરાય શરમ નહોતી આવતી, ત્યારે તો કોઇ જોઇ જશે તેવી બીક નહોતી લાગતી, હવે આ બધું દેખાય છે...?”

“ત્યારે આપણે અનમેરીડ હતા એટલે...!” જાહ્નવીના કટાક્ષભર્યા શબ્દોસહી ના શકતા અજાણ્યે જ પ્રત્યુષ જવાબ આપે છે.

“વૉટ ડુ યુ મીન...અનમેરીડ હતા એટલે..? એટલે ત્યારે પ્રેમ હતો, અને હવે નથી એમ..!” જાહ્નવી ગુસ્સે ભરાઇ સવાલ કરે છે.

“તુ કઈ વાત ક્યાં લઈ જાય છે..? હવે આપણા ઉપર રીસ્પોન્સીબીલીટીઝ વધી છે, સો ડૉન્ટ બીહેવ ચાઇલ્ડીશ..!” પ્રત્યુષ જાહ્નવીને જવાબ આપી પોતાના રૂમમાં જાય છે.

“એક્સ્ક્યુઝ મી...એ રીસ્પોન્સીબીલીટીઝ હું પણ નીભાવું જ છું....ઘરમાં મારી સેલરી વધુ...” ગુસ્સે ભરાયેલી જાહ્નવી અધૂરા શબ્દો મૂકી બેડ પર જઈ સૂઇ જાય છે.

તે રાત્રે બંનેમાંથી કોઇ જમ્યું નહીં. પ્રત્યુષના મનમાં જાહ્નવીના બોલાયેલા શબ્દો “ઘરમાં મારી સેલરી વધુ” ક્યાંય સુધી પડઘા પાડી ગૂંજી રહ્યા..! પતિ પત્ની વચ્ચે એકવાર આવેલ ઇગો બંનેના દામ્પત્ય જીવનને વેરવિખેર કરી નાખે છે..!

જાહ્નવીના મૃત્યુ પછી પ્રત્યુષનું શું થશે..?

પ્રત્યુષ અને જાહ્નવીના સુખી જીવનમાં શું થયું કે આજે તેમને આ સમય જોવો પડ્યો..?

જાહ્નવીના મૃત્યુનું રહસ્ય શું છે...?

આ બધું જાણવા સાથે આગળની વાર્તા માણવા જરા રાહ.... સંગાથ – 10

********