સંગાથ 10 Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગાથ 10

સંગાથ – 10

ધોધમાર વરસતા વરસાદમાં પ્રત્યુષ કોઇને શોધી રહ્યો છે. તેણે લગભગ શહેરના દરેક સ્થળ પર તપાસ કરી લીધી. છેવટે તે બસ સ્ટેશને આવી દરેક બસમાં કોઇને શોધવા મથતો રહ્યો, પણ તેને કોઇ મળ્યું નહીં. બે વર્ષ પહેલા કોલેજમાં અભ્યાસર્થે બરોડાથી આણંદ બસમાં આવતાં પ્રત્યુષ અને તેના કોલેજીયન મિત્રોની મસ્તીસભર યાત્રામાં પ્રત્યુષનું ધ્યાન એક સ્વરૂપવાન છોકરી તરફ આકર્ષિત થયું. જીવનમાં પ્રથમવાર પ્રત્યુષ આમ કોઇ છોકરી તરફ આકર્ષિત થયો હતો. પોતાની જીવનસંગિની એવી જાહ્નવી ક્યાંય ના મળતા છેવટે પ્રત્યુષ તેના ખોવાયા વિશે પોલીસ કમ્પ્લેઇન કરી પોલીસ સ્ટેશનની બહાર નીકળે છે. ભૂતકાળના સંસ્મરણોમાં ડૂબેલા પ્રત્યુષની નજર સમક્ષ જાહ્નવી સાથેની મુલાકાત નજરે પડે છે. પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પ્રેમ પાંગરે છે. એક સામાન્ય બેંક કારકૂનની દીકરી અને શહેરના નામાંકિત લૉયરના એકમાત્ર પુત્ર વચ્ચે સરળતાથી લગ્નની સંમતિ મળવી મુશ્કેલ બની. જાહ્નવીના ખોવાયા વિશેની પોલીસ ક્મ્પ્લેઇન નોંધાવ્યા પછી વરસતા વરસાદમાં અંધકારભર્યા આકાશ સામે જોતા જોતા જાહ્નવી સાથેના જીવનની યાદમાં પ્રત્યુષ ડૂબી ગયો. બંનેના માતાપિતાના વિરોધ પછી જાહ્નવી પ્રત્યુષથી દૂર રહેવા કરે છે. આ તરફ પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં પાછો બોલાવી કોઇ અજાણી લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યાના સમાચાર આપવામાં આવે છે અને સાથે તે શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે કે કદાચ તે લેડી જાહ્નવી તો નહીં હોય ને..! હોસ્પિટલમાં રહેલી ડેડ બોડીની ઓળખ કરવી મુશ્કેલ બને તે રીતે ભયાનક અકસ્માત થયો હતો, પણ પ્રત્યુષ જાહ્નવીના કપડા અને તેની વસ્તુઓ અને તેના હાથમાં તેણે ગીફ્ટમાં આપેલ રીંગ જોઇ તે ડેડ બોડી જાહ્નવીની જ છે તે ઓળખ કરી શકે છે. જાહ્નવીના મૃત્યુથી પ્રત્યુષ સાવ ભાંગી પડે છે. જાહ્નવી સાથેના સુખી લગ્નજીવનમાં બંને વચ્ચે ઊભી થયેલા પ્રશ્નો પ્રત્યુષના માનસપટ પર તરવરી રહે છે. હવે આગળ વાર્તા માણીએ....

વારંવાર નાની નાની વાતોમાં જાહ્નવી અને પ્રત્યુષ વચ્ચેની તકરાર મોટા ઝઘડામાં ફેરવાઇ જતી. જાહ્નવીએ આનાકાની કરવા છતાંયે પ્રત્યુષે વધુ ઇન્કમ માટે પ્રાઇવેટ કંપનીમાંથી રીઝાઇન આપી પોતાની અલગ ફર્મ શરૂ કરવા વિચાર્યું. જાહ્નવીની બેંકમાં જ પ્રત્યુષે નવી ફર્મ શરૂ કરવા માટેની લોન મેળવવા એપ્લાઇ કર્યું, પણ જરૂરી ડૉક્યુમેન્ટ્સના અભાવે તેની એપ્લીકેશન રીજેક્ટ થઈ. આ લોન વિભાગનો ચાર્જ જાહ્નવીના હાથમાં હોવા છતાંયે તેની એપ્લીકેશન રીજેક્ટ થવા બાબતે પ્રત્યુષના મનમાં અલગ જાહ્નવી બાબતે અલગ ગાંઠ વળી. જાહ્નવી પણ પ્રત્યુષને ઘરે જઈ જરૂરી ડૉક્યુમેન્ટ્સ ઉમેરવા વાત કરવાનું જ વિચારતી હતી, પરંતુ ત્યાં ઓછામાં પૂરુ તો અધૂરા ડૉક્યુમેન્ટ્સ હોવા છતાંયે પ્રત્યુષને મોટા વ્યાજ દરે બીજી પ્રાઇવેટ બેંક દ્વારા લોન મળી ગઈ..!

“પ્રત્યુષ, હું તમને એ જ સમજાવવા ટ્રાય કરુ છું કે આ લોન પેપર્સમાં હજુ...” જાહ્નવીના શબ્દો વચ્ચે અટકાવી પ્રત્યુષે તેના હાથમાં રાખેલ મીઠાઇનું બોક્ષ આગળ ધર્યુ.

“અરે નો વરી, બીજી ઘણી બેંક્સ લોન આપવા રેડી હોય છે, અને તેમના ઑફીસર્સને મારી બિઝનેસ કેપેબીલીટી પર કોઇ ડાઉટ પણ નથી...લેટ્સ સેલીબ્રેટ..!” પ્રત્યુષના કટાક્ષભર્યા શબ્દોને જાહ્નવીએ અવગણ્યા.

“આઇ બીલીવ ઓન યુ. પણ એઝ એન એમ્પ્લોયી આઇ હેવ ટુ ફોલો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ...” ફરી જાહ્નવીની વાત વચ્ચે અટકાવતા પ્રત્યુષે જવાબ આપ્યો, “યુ શુડ ડીયર...બટ આઇ શુડ સે યુ મસ્ટ ફોલો ઓલ યોર રૂલ્સ....જવા દે આ બધી વાત....શું મને લોન મળી ગઈ તેની ખુશી તને નથી..?” પ્રત્યુષે ફરી કટાક્ષભર્યો સવાલ કર્યો.

“પ્લીઝ, વાત આડી ના લઈ જશો...ખુશી તો છે જ, પણ આટલી મોટી લોન કઈ રીતે ભરી શકશો તે સવાલ જ મનમાં છે.” જાહ્નવીએ મનમાં રહેલી મૂંઝવણ પ્રત્યુષ સમક્ષ રજૂ કરી.

“યુ આર સ્ટીલ સ્પીકીંગ લાઇક યોર બેંક્સ ફેઇથફુલ એમ્પ્લોયી.... અને આમ પણ કાયમ હું તારી વધુ સેલરી પર તો ટકી જ ના શકુ ને...!” પ્રત્યુષના જવાબથી જાહ્નવીનો ગુસ્સો મનોમન વધતો રહ્યો.

“મેં ક્યારેય આવી કમ્પેરીઝન કરી જ નથી...અને તમે જે પ્રાઇવેટ બેંકમાં જોબમાં હતા તે હાલ પૂરતુ યોગ્ય જ...” જાહ્નવીને વચ્ચે અટકાવી પ્રત્યુષે કહ્યું, “અરે હા....તને આ ગવર્નમેન્ટ જોબ શું મળી કે તુ તો હવામાં જ ઉડવા લાગી...!”

“પ્લીઝ પ્રત્યુષ, હું કોઇ હવામાં નથી ઉડતી અને આ તમને જો ગવર્નમેન્ટ જોબ ના મળી તેમાં મારો શું વાંક...તમારા પર્સન્ટેજ ઓછા આવ્યા એમાં પણ હું દોષિત..?” જાહ્નવીએ ગુસ્સામાં સવાલ કર્યો.

“હા....મારી લાઇફમાં જે કાંઇ થયું તેમાં તુ જ દોષિત છે, તારે કારણે જ મારા પર્સન્ટેજ ઓછા આવ્યા....તારા કારણે જ મને મારા ઘરેથી નીકળી જવું પડ્યું....તારા કારણે જ આજે મારી આ હાલત થઈ...બોલ હજુ વધુ શું સાંભળવું છે તારે...?” ગુસ્સાના આવેશમાં આવી પ્રત્યુષ શું બોલી રહ્યો હતો તેની તેને ખુદને પણ જાણ ના રહી. તેના શબ્દોના પ્રત્યુત્તરમાં જાહ્નવીની આંખે આંસુ ઉભરાતા રહ્યા. ગુસ્સામાં જ પ્રત્યુષ ઘરનો દરવાજો પછાડતો બહાર નીકળી ગયો, પાછળ ક્યાંય સુધી જાહ્નવીના કાનમાં પ્રત્યુષના શબ્દો પડઘા પાડતા રહ્યા અને તેની આંખોથી આંસુ વરસતા રહ્યા..! આ બનાવથી પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચેનું અંતર વધી ગયું.

ભૂતકાળના આવા દરેક બનાવ પ્રત્યુષના મનમાં ભૂતાવળ બની ભમી રહ્યા. જાહ્નવીની આંખેથી વરસતા આંસુ વ્યાજ સાથે આજે પ્રત્યુષની આંખથી આંસુ ઉભરાઇ રહ્યા હતા. એક સમય જાહ્નવી સાથે ઝઘડો કરી એકાંત મેળવવા ઘર બહાર ચાલ્યા જતા પ્રત્યુષને આજે ઘરનું એકાંત કોરી ખાવા લાગ્યું. જાહ્નવીના ફોટા સામે જોઇ આંસુ સારતા પ્રત્યુષની આંગળી જાહ્નવીના ફોટામાં લહેરાતા કાળા વાળ પર ફરી રહ્યા. જાણે હમણાં જ જાહ્નવી ફોટામાંથી બહાર આવી તેના પ્રત્યુસને વહાલભર્યો હગ કરી લેશે તેમ તેના મનમાં ભ્રમ થયો, પણ આંખમાં ઉભરાયેલા આંસુ મનનો ભ્રમ તોડી આંખ બહાર સરી ગયા..!

પ્રત્યુષે શરૂ કરેલી કૉમ્પ્યુટર શોપ ખૂબ થોડા જ સમયમાં ઘણી લોકપ્રિય બની ગઈ. માત્ર છએક મહિનામાં જ તે બેંકની લોન ભરપાઇ કરી નાખે છે. હવે પ્રત્યુષ અને જાહ્નવી પોતાનું મકાન ખરીદવા તૈયારી કરવા લાગે છે, પણ ઘરમાં વારંવાર નાની નાની બાબતોમાં ઘણા મોટા ઝઘડા ચાલતા જ રહેતા. જાહ્નવીના ગયા પછી પ્રત્યુષનું સમગ્ર જીવન સાવ બદલાઇ ગયું. હવે તે પોતાના બીઝનેસ પર પણ વધુ ધ્યાન આપી શકતો નહીં. તેનું જીવન સાવ વેરવિખેર બની ગયું. જીવનભર ક્યારેય ડ્રિંક ના કરનાર પ્રત્યુષે ડ્રિંક કરવાનું શરૂ કર્યું. ઘણી રાત તે દારૂના નશામાં લથડિયા ખાતો રહેતો. જાહ્નવીના મૃત્યુ પછી બે મહિનામાં જ પ્રત્યુષને કોઇ ઓળખી પણ ના શકે તેવો બની ગયો..! એક રાત્રે દારૂના નશામાં લથડિયા ખાતો પ્રત્યુષ પોતાના ઘરે આવી રહ્યો હતો, ત્યારે રોડની સામે તરફ ઊભેલી ગાડીમાં બેઠેલી કોઇ યુવતી તેને બીલકુલ જાહ્નવી જેવી જ દેખાઇ..! પ્રત્યુષને પોતાની આંખ પર જરાય વિશ્વાસ આવતો નાહતો. તેના મનમાં જાહ્નવીથી વિરહ અને દારૂના નશાને કારણે જ તેને જાહ્નવી નજરે આવતી હતી તેવા વિચાર સાથે તેણે પોતાનું મન મનાવવા કર્યું..! ફરી ફરી પ્રત્યુષે રોડની સામે તરફ જોયું તો ત્યાં ગાડીમાં સાચે જ જાહ્નવી હતી. પ્રત્યુષનો દારૂનો બધો જ નશો પળવારમાં ઊતરી ગયો..! પ્રત્યુષ જાહ્નવીના નામની બૂમ પાડી રોડની સામે તરફ દોડી ગયો. પ્રત્યુષ લથડીયા ખાતો વાહનોની અવરજવરવાળો રોડ ક્રોસ કરવા કરતો હતો. એકાદ વાર ગાડીવાળાએ અચાનક બ્રેક મારતા પ્રત્યુષ માંડમાંડ બચ્યો. અડધો રોડ ક્રોસ કર્યો હશે ત્યાં જ ખૂબ શોર્ટ બ્રેક મારી ઊભી રાખેલી ગાડીનો જરા ધક્કો પ્રત્યુષને વાગતા તે ઉછળી પડ્યો. રસ્તા પર ટ્રાફીક જામ થઈ ગયો. રોડને સામે છેડે ઊભેલી ગાડીમાં બેઠેલી જાહ્નવી જેવી દેખાતી યુવતીએ પણ આ તરફ ચિંતાની દ્રષ્ટિએ જોયું. ગાડીમાં કેટલોક સામાન મૂકવા જતુ વૃધ્ધ દંપતિ ગાડીનો દરવાજો બંધ કરતા કરતા બોલ્યા, “અરે કાંઇ નથી થયું...કોઇ પીધેલો હશે...!”

“પણ તેને કંઇ વાગ્યું તો નહીં હોય ને...?” અજાણ્યા વ્યક્તિ માટે ચિંતા કરતા જાહ્નવીએ સાહજીક રીતે જ પૂછ્યું.

“ના રે ના....જુઓ ને તે ઊભો પણ થઈ ગયો...!” રોડ પર પડેલા પ્રત્યુષને કેટલાકે ટેકો આપી ઊભો થયેલો જોઇ તે ઊંમર લાયક વ્યક્તિ ગાડીનો સેલ મારતા બોલ્યા.

“ક્યાંથી પીધેલો નીકળી પડ્યો..!”, “મરવાનો શોખ હશે તે આમ દોડ્યો...!” પાસેથી પસાર થતા બાઇકસવારના શબ્દો ગાડીમા બેઠેલી જાહ્નવી જેવી દેખાતી યુવતીના કાને પડ્યા.

પેલી યુવતીના મનમાં તે અજાણ્યા લાગતા વ્યક્તિ માટે મનમાં ચિંતા થઈ. તેણે તરત જ ગાડી ચલાવતા વૃધ્ધ કાકાને વિનંતી કરતા કહ્યું, “કાકા, પ્લીઝ તે ભાઇને પાસેની હોસ્પિટલમાં જરા મૂકી આવીયે તો...!” આ શબ્દો સાંભળી ગાડીમાં બેઠેલા વૃધ્ધ બહેન પણ ભાવુક થઇ ગયા. “હા, આની વાત સાચી છે, તેને બાજુની જમનાબાઇ જનરલ હોસ્પિટલ સુધી મૂકી આવીએ..!” પોતાની વૃધ્ધ પત્નીના શબ્દો સાંભળી પીગળી ગયેલા કાકા ગાડીની હેન્ડ બ્રેક મારી ગાડી બહાર નીકળી રોડ પરના ટોળા તરફ વળ્યા.

માંડ માંડ ટેકે ઊભો થયેલો પ્રત્યુષ માથામાં વાગવાથી ફસડાઇ પડ્યો. “અરે આના માથામાં જરા વાગ્યું છે...!”.....“કપડાથી તો સારા ઘરનો લાગે છે..!”......“કોઇ આને હોસ્પિટલ લઈ જાઓ ને..!”......“હા, આને હોસ્પિટલ લઈ જવાની જરૂર છે..!” ટોળે વળેલા સૌ કોઇ એકબીજાને આમ સલાહ આપતા રહ્યા, પણ કોઇએ પ્રત્યુષને દવાખાને લઈ જવા તસ્દી લેવા તૈયારી બતાવી નહીં. નીચે સૂતેલા પ્રત્યુષની નજીક જઈ પેલા વૃધ્ધ કાકાએ આસપાસના લોકોને પ્રત્યુષને ઊંચકીને તેમની ગાડીમાં સૂવડાવવા કહ્યું. બધાએ ભેગા થઈ અર્ધબેભાન પ્રત્યુષને ઊંચકીને રોડના સામે છેડે ઊભેલી ગાડીમાં સૂવડાવ્યો. ગાડીમાં પોતાની પાસે સૂવડાવેલા પ્રત્યુષ તરફ નજર નાખતા જાહ્નવી જેવી દેખાતી યુવતીના મનમાં કંઇક અલગ જ અનુભૂતિ થઈ. થોડી જ વારમાં ગાડી પાસેની જમનાબાઇ હોસ્પિટલમાં આવી ગઈ અને પ્રત્યુષને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવ્યો. જ્યારે પ્રત્યુષને સ્ટ્રેચર પર સૂવડાવી લઈ જવા કરે છે ત્યારે અજાણતા જ કે પછી દૈવગતિએ પ્રત્યુષની મુઠ્ઠીમાં જાહ્નવી જેવી દેખાતી યુવતીના ડ્રેસની ઓઢણી મજબૂતાઇથી પકડાયેલી રહે છે. તે યુવતી પણ પ્રત્યુષની બંધ મુઠ્ઠી ખોલતા કંઇક અકળ્ય અનુભવ અનુભવે છે. પ્રત્યુષથી દૂર જતા જાણે તે યુવતી પોતાના કોઇ અંગત વ્યક્તિથી દૂર થઈ રહી હોવાનું અનુભવે છે. પ્રત્યુષ સાથે તેને કોઇ અજાણ્યો સંબંધ રહ્યો હોય તેવું તેને લાગ્યું. પ્રત્યુષથી દૂર જતાં પણ જાણે કોઇ અકળ અનુભૂતિ પેલી યુવતીને પ્રત્યુષ તરફ ફરી ફરીને ખેંચી રહી હોય તેમ લાગ્યું. જાહ્નવી જેવી દેખાતી યુવતી હોસ્પિટલમાંથી બહાર જાય છે, ત્યાં જ બીજી તરફ પ્રત્યુષના એક્સીડેન્ટના સમાચાર મળતા પ્રત્યુષના મિત્રો તેની પાસે દોડી આવે છે. થોડીવારમાં જ પ્રત્યુષને ભાન આવે છે, પણ પ્રત્યુષ હજુ પણ તેની બેભાનાવસ્થામાં તેણે જોયેલ ચહેરો શોધવા મથે છે..! હજુ તેના મનમાં ઘણા સવાલ ઊભા રહ્યા છે કે તેણે જોયેલી પેલી યુવતી શું જાહ્નવી જ હતી..?

જાહ્નવી જેવી દેખાતી પેલી યુવતી કોણ છે..?

શું પ્રત્યુષ પેલી યુવતીને ફરી મળી શકશે..?

જાહ્નવીના મૃત્યુનું રહસ્ય શું છે...?

આ બધું જાણવા સાથે આગળની વાર્તા માણવા જરા રાહ.... સંગાથ – 11

********