મનસ્વી - ૮
વેલ વિશર વુમન સહિયારી નવલકથા
ગઈ કાલે અંકુશનું આ રીતે ઘેર આવવું, સાગર સાથે તકરાર અને ધાકધમકીઓ સ્તુતિએ સાંભળી હતી. એ કારણે એ ખૂબ મૂંઝાઇ ગઈ હતી. સાંજે બહાર ગયા અને થોડું વિસરાઈ ગયું. સવારે ઉઠતાં જ એણે મનસ્વીના ચહેરા પર જે ચમક જોઈ અને એ બધું ભૂલી ગઈ અને મમ્માના ખોળામાં ઘુસી ગઈ. મનસ્વીએ સ્તુતિના માથા પર વ્હાલથી હાથ ફેરવતાં કહયું, ''ચાલો, જલ્દી ફ્રેશ થઈ નાસ્તો કરવા આવ, આજે આપણે ક્યાંક ફરવા જઈએ, ખાલી મોજ મસ્તી, આજે બીજું કાંઈ જ નહીં."
"ઓહ મમ્મા....યુ આર ગ્રેટ ...અંકલ ક્યાં છે?"
''બકુ! બહુ અવાજ ના કરીશ અંકલ હોલમાં જ સુતા છે . આજે રવિવાર છે એટલે થોડુંક નિરાંતે ઉઠશે, હું નાસ્તો બનાવું છું, ''
સાગર સાથે સહજીવનનો મનસ્વીનો આજે પ્રથમ દિવસ હતો, પરંતુ મનમાં અંકુશને લઈને જાણે યુદ્ધ ચાલી રહ્યું હતું. એ ચિંતિત હતી કે અંકુશ એની ગેરહાજરીમાં ફરી આવી ચડશે તો? એ વાત મનમાંથી હટાવી સ્તુતિને ફ્રેશ થવાનું કહી તે રસોડામાં આવી.ચા, નાસ્તો ને દૂધ બનાવી મનસ્વી હોલમાં આવી. સાગર ઉઠી ગયો હતો મનસ્વીને જોતાં જ પ્રેમ અને તોફાન આંખમાં લાવી એણે કહ્યું, 'બ્યુટીફૂલ…... મોર્નિંગ મનસ્વી”
'' હેન્ડસમ….મોર્નિંગ સાગર, ઊંઘ બરાબર આવી..? '' મનસ્વીએ પણ રોમાન્ટિક થતાં કહ્યું.
''એકદમ સરસ.. તું સાથે હોય તો ઊંઘ પણ સરસ જ આવે..''
સાગર ફ્રેશ થઈ આવ્યો, સાથે મળીને ખૂબ વાતો કરી ને નાસ્તો કર્યો, જાણે ત્રણેને એક સંપૂર્ણ ખુશહાલ કુટુંબ મળ્યું, મનસ્વી બોલી, ''સાગર! આજે આપણે પિકનિકમાં જઈએ તો?''
''ગુડ આઈડિયા ! આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ તો કેવું?” સ્તુતિ તો સાંભળીને હરખાઈ જ ગઈ કેમકે એણે ફ્રેંડ્ઝ પાસેથી સાંભળ્યુ હતું લોંગ ડ્રાઈવ વિષે પણ અનુભવ નહોતો કર્યો.
''અંકલ! ધેટ્સ અ ગ્રેટ આઈડિયા. લેટ્સ ગો…...''
''ગાંધીનગરમાં ‘ફન એન્ડ ફિસ્ટ’ થીમ પાર્ક છે, ત્યાં જઈએ . સ્તુતિને ત્યાં ખૂબ મજા પડશે.'' મનસ્વી બોલી ઉઠી.''જો હુકમ મેરે આકા”.
બધા નીકળી પડ્યા. સાગર મનસ્વીના ખુશહાલ મનને જરાપણ ઠેસ પહોંચે એવું નહોતો ઈચ્છતો. ગાડી આગળ દોડી રહી હતી. ત્રણે ય શાંતિથી બેઠા હતા. પોતપોતાના વિચારોમાં ગુલતાન. કારમાં પેનડ્રાઈવ ફિલ્મી ગીતોની મ્યુઝિક ટ્રેક વગાડી રહી હતી. સાગરને કૈંક કહેવું હતું. પણ એ ન બોલ્યો. કદાચ આજે હજી વહેલું હતું. સ્તુતિ વિચારતી હતી, ‘સાગર અંકલ કેવા સારા છે અને પેલા મારા ખરા પપ્પા છે તો ય એમને મોમની અને મારી કંઈ જ પડી નથી.’ જ્યારથી અંકુશે ઘરે આવીને સાગર સાથે ઝગડો કર્યો ત્યારથી અંકુશ પ્રત્યે સ્તુતિની નફરત થઈ ગઈ હતી. આજે એણે મનોમન નક્કી કરી લીધું કે સાગરને જ પપ્પા કહેશે…
પાર્કમાં સ્તુતિએ ખૂબ મસ્તી કરી. રાઈડ્સ અને વોટર સ્પોર્ટ્સમાં તો એણે ખૂબ જ ધમાચકડી મચાવી. ભેળ, પાણીપુરી, ચટણીપુરી એવું બધું આચરકુચર ખાવાની સ્તુતિને મજા પડી ગઈ. મનસ્વીએ પણ આજે કોઈ જ રોકટોક વગર સ્તુતિને બધું જ કરવા દીધું. આ પ્રકારનો આનંદ મા-દીકરી પહેલીવાર ઉઠાવી રહ્યા હતાં. સાગર પોતાના દેખાવથી નહીં પણ એના કામથી અને બુદ્ધિથી આકર્ષિત થયો છે, એમ સમજતી મનસ્વી સાગર પ્રત્યે વધુને વધુ ખેંચાવા લાગી હતી.
“ ઓય.. મા..!” રેઝર વાગી જતાં જોરથી ચીસ પડાઈ ગઈ, હમણાં મનસ્વી દોડતી આવશે અને દાઢી કરતા નીકળેલું લોહી એના દુપટ્ટાથી લુછશે, એવું વિચારતો અંકુશ મનસ્વીની જિંદગી સાથે ચેડા કરીને આજે એ પોતે એકલો ઘરબાર વગરનો હવાતિયાં મારતો થઈ ગયો. રેખાના ખરાબ વર્તનથી પસ્તાઈ મનસ્વીનો પ્રેમ યાદ કરીને અફસોસ કરવા લાગ્યો પરંતું હવે અફસોસ કરવાથી કંઈ પાછું વળવાનું નથી તે વાત પણ સમજી ચૂક્યો હતો.આજે પણ તે રીતસર મનસ્વી અને સાગર સાથે ઝગડવાના મૂડમાં જ હતો, માંડ માંડ પોતાની જાત પર કંટ્રોલ કર્યો, આકાશ પાતાળ એક કરી સ્તુતિને પોતાની કસ્ટડીમાં કંઈ રીતે લેવી અને સાગરને મનસ્વીથી કંઈ રીતે દૂર કરવી એના પ્લાન કરવામાં લાગી ગયો.
એલાર્મ વાગતાં મનસ્વી સફાળી બેઠી થઈ ગઈ. કાલ તો ખૂબ મીઠી અને રાહતભરી ઊંઘ આવી હતી. સાગર હજુ સૂતો હતો એટલે બિલ્લી પગલે ઊઠી. ઘરના થોડા ઘણા કામ પતાવી શાવર લેવા ગઈ. બહાર નીકળી ત્યાં સુધીમાં સાગર પણ ઊઠી ગયો. મનસ્વીને બાથરુમની બહાર આવતાં એકીટસે જોતો રહી ગયો, મનસ્વી માથે વિંટાળેલો બેબી પીન્ક ટોવેલ અને સ્કિન ટાઈટ બ્લેક પંજાબી સલવાર કમીજમાં મનમોહિની લાગતી હતી, સાગરને એને ભીંસી લેવાનું મન થઈ ગયું પરંતુ મનને કાબૂમાં રાખી નજર આડીઅવળી ફેરવી કંઈ જ ન બોલ્યો..
મનસ્વી પણ મનમાં ઈચ્છતી હતી સાગર એની નજીક આવે. એની આંખો જાણે ઈચ્છતી હતી સાગર એની આંખોમાં આવે, પણ સ્ત્રીસહજ સંકોચ આડો આવ્યો. એણે કહ્યું, ''અરે સાગર ! ચાલ હું ચા મૂકું ? થોડી ગપસપ કરીએ...''
''હા.''
વાતો વાતોમાં સમય ક્યાં વીતી ગયો ખબર જ ન પડી. આજે તો સ્તુતિને સ્કૂલે જવાનું ફરી શરૂ કરવાનું હતું. સ્તુતિનો ઉઠવાનો સમય થઈ ગયો.
''ચલો સ્તુતિ દિકુ! સ્કૂલ જવાનું લેટ થશે.'
''ના મમ્મા ! આજે સૂવા દે ને, બહું થાકેલી છું.”
સ્તુતિએ ફન પાર્કમાં એટલી ધમાલ મસ્તી કરી હતી કે એનો થાક ઉતર્યો નહોતો, પણ અચાનક કાંઈક યાદ આવી ગયું.''અરે મમ્મા ! આજે તો સ્કૂલમાં પ્રોજેક્ટનું મારે પ્રેઝન્ટેશન આપવાનું છે. હમણાં રજા પર હતી તે બાકી છે ને?” ને સ્તુતિ ખરેખર ઝડપથી તૈયાર થઈ બહાર આવી. સાગર પણ તૈયાર થઈ બહાર આવ્યો, સાગરને જોઈ સ્તુતિ એકદમ વળગી પડી. બધાએ સાથે નાસ્તો કર્યો.
“ચાલ, ઓફિસ જતાં તને હું ડ્રોપ કરી દઉં.'', સાગરે સ્તુતિને કહ્યું.
'તમે મને મૂકવા આવશો? સાચ્ચે ડેડી? ''
અનાયાસે જ સ્તુતિના મોઢેથી નીકળેલા ડેડી શબ્દથી મનસ્વી અને સાગર ચોંકી ગયા. સ્તુતિને પણ પોતાની ભૂલ સમજાઈ. એણે ભૂલ સુધારીને કહ્યું, '' હું તમને ડેડી કહીને બોલાવી શકું?”
''હા મારી દીકરી !” સાગરની આંખ છલકાઈ ગઈ. આ ભાવભીના દ્રશ્યએ મનસ્વીના મનને હર્ષથી ભરી દીધું, બધા ખુશખુશાલ પોતપોતાના કામે નીકળ્યા.
આમને આમ જ થોડા દિવસ વિત્યા. રોજનું જીવન ગોઠવાતું જતું હતું. સાગર મનસ્વીનું નિરીક્ષણ કરતો હતો. એની રીતભાત, આદતો, કામ કરવાની અને લોકો સાથે વાત કરવાની રીતો જોઈને એ ઘણો પ્રભાવિત થયો હતો. એક સાંજે એણે થોડું ખચકાતા સ્વરે કહ્યું મનસ્વીને કહ્યું, ''મનસ્વી તું મારી સાથે જ ઓફિસમાં કામ કરે તો કેવું રહેશે? જો તને તકલીફ ન હોય તો..... એ બહાને આપણે સાથે રહી શકીશું, ને તારા સમયે તું આવી જઈ શકીશ, સ્તુતિનું પણ બરાબર ધ્યાન રાખી શકાશે, હમણાં એની તબિયત પણ સારી રહેતી નથી. આ ઓફર તું પોતાના કામ પ્રત્યે ખૂબ વધારે વફાદાર છે અને જવાબદારીઓ પ્રત્યે વધુ ગંભીર છે, મેનેજમેન્ટની દ્રષ્ટિએ તારો આઈક્યુ લેવલ પણ ઘણો ઊંચો છે માટે આપું છું. તારે તારો નિર્ણય પોતે જ લેવાનો છે, હું તારા પર કશું થોપી બેસાડવા નથી માગતો. તારું મન કહે એમ કરજે.''
મનસ્વી પોતાના સંબંધમાં ઉપકાર કે પરાણે બંધન લાવવા ઈચ્છતી નહોતી. એણે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું, ''સાગર ! મારા કામથી મને ખૂબ સંતોષ છે. મને આ કામ ખૂબ જ ગમે છે. છતાં હું તને એક બે દિવસમાં જણાવું, ''. બીજા બે ત્રણ દિવસ નીકળી ગયા, સવારે સાગર અને સ્તુતિ નીકળે, મનસ્વી એના કામમાં લાગી જાય. જરૂર પડે બહાર જાય. એક દિવસ મનસ્વીએ સાગરને કહ્યું કે આવતી પહેલી તારીખથી એ જોબ છોડે છે અને સાગર સાથે કામ કરશે. સાગરે વિચાર્યું એણે કરેલી ડિઝાઇન આકાર લઈ રહી હતી પણ બહુ સ્વાભાવિક સ્વરમાં એ બોલ્યો, ‘ધેટ્સ ફાઇન.’ એટલામાં મનસ્વીના મોબાઈલમાં રીંગ વાગી, મનસ્વીએ ફોન ઉઠાવ્યો. સામે મેઘનાભાભી હતાં.''હાય મનસ્વીબેન ! કેમ છો, સ્તુતિની તબિયત તો સારી છે ને?''
''હા ભાભી! હું મજામાં છું. હા, સ્તુતિની તબિયત પણ ઘણી સારી છે, ''
''બહુ વખતથી દેખાયા નથી. શું નવાજૂની?’ ભાભીએ સહજ સ્વરે પૂછ્યું.
‘ના ના આમ તો કંઈ નહીં પણ...’ મનસ્વી સહેજ અટકી.
‘સાગર સાથે કેમ ચાલે છે?’ભાભીએ પૂછ્યું.
મનસ્વી સતર્ક થઈ ગઈ. ‘તમને..તમને ક્યાથી ખબર?’
‘કશ્તીએ કહ્યું. મનસ્વીબેન વી ટ્રસ્ટ યોર ડીસીશન. ડોન્ટ વરી. વી આર વિથ યુ.''
‘હા ભાભી ! મેં તમને વાત કરેલીને કોઈ ખાસ મિત્ર વિશે તે આ જ.’
''ઓ.. હો...બેનબા અમને ઓળખાણ તો કરાવો. એમ કરો, કાલે શનિવાર છે. તમે ત્રણે સાંજે આવો. સાથે જમીશું હું એમને ય વાત કરીશ. તો કાલે મળીએ.” ભાભીએ ફોન મૂકી દીધો. મનસ્વીને ભાભીની વાતોથી સહારો મળ્યો. એણે સાગરને વાત કરી અને બીજે દિવસે જમવા જવાનું નક્કી કરી લીધું. બીજે દિવસે સાંજે મનસ્વી, સ્તુતિ અને સાગર ભાઈભાભીને મળવા પહોંચ્યાં.
મેઘનાભાભીએ સાગરનું ઉમળકાભેર સ્વાગત કર્યું. સાગર ઘરમાં પ્રવેશતાં જ મનસ્વીના મોચાભાઈ નિકુંજ અને મેઘનાને પગે લાગ્યો. એ જોતાં જ એમને લાગ્યું કે સાગર કેટલો સંસ્કારી છે. એ મનસ્વીને અને સ્તુતિને સાચવી લેશે. મનસ્વીએ સાગરની ઓળખાણ કરાવી.
‘નિકુંજભાઈ, મેઘનાભાભી, આ સાગર. સાગર સચાનિયા.’
‘ઓહ, નાઇસ મિટિંગ યુ. આવો.’નિકુંજ ભાઈ બોલ્યા. ‘નામ સાંભળેલું લાગે છે.’
‘હા, સાગર ગ્રુપ ઑફ કંપનીઝના ઑનરને કોણ ન જાણતું હોય?’ મનસ્વી ખુશ હતી.
‘એમ જ હશે.’ નિકુંજભાઈએ કહ્યું. પણ એમને લાગતું હતું કે આ નામ એમણે બીજી કોઈ રીતે ય સાંભળેલું હતું. એમણે વાત બદલી નાખી. બધાં સાથે જમ્યા. મનસ્વીએ જવાનું કહ્યું. મેઘનાભાભીએ કહ્યું, “એમ કરો મનસ્વીબેન, સ્તુતિને અહીં જ રહેવા દો. બહુ દિવસે આવી છે. હમણાં બે દિવસ અહીં ભલે રહેતી.. શનિ રવિ પણ છે.. બબલુને પણ ગમશે દીદી સાથે. મલય અને મનસ્વીની ઉંમરમાં તફાવત હતો. નિકુંજભાઈ લગભગ પાંચેક વર્ષ મોટા હતા. મેઘના ને મનસ્વી એક ઉંમરનાં. ભાઇનો દીકરો બબલુ સ્તુતિથી બેત્રણ વર્ષ નાનો હતો.
''હા મમ્મા !મને પણ બબલુ સાથે રમવું છે. હું અહીં રહી જાઉં?'' સ્તુતિએ લાડથી પૂછ્યું.''હા દિકુ ! પણ તને સ્ટ્રેસ પહોંચે એવી કોઈ જ ધમાલ મસ્તી ન કરતી ને જો મામીને જરા પણ હેરાન ન કરતી..''
''હા મમ્મા.''
મનસ્વી અને સાગર નિકુંજભાઈ અને મેઘના ભાભીને આવજો કહીને સ્તુતિને ચૂમી ઘરે જવા નીકળ્યા.
રસ્તામાં ગાડીમાં રોમેન્ટીક સોંગ વાગતું હતું.
''હમકો હમીંસે ચુરા લો દિલમેં કહીં તુમ છૂપા લો,
હમ અકેલે હો ન જાયે દૂર તુમસે હો ન જાયે,
પાસ આઓ ગલે સે લગા લો''
સાગરે મનસ્વી સામે જોયું. એ નજરને જોઈ મનસ્વીના ધબકારા વધી ગયા. સાગરે બાજુમાં બેઠેલી મનસ્વીનો હાથ પકડયો. મનસ્વી એકદમ શરમાઈ ગઈ. એક મીઠું મૌન ને બસ ગીત વાગતું રહ્યું અને એ જ લયમાં હ્રદયના ધબકારા વધતા ગયા. એક પછી એક ગીતો વાગતાં હતાં. અચાનક બ્રેક લાગીને ગાડી ઊભી રહી. મનસ્વીને ખબર પણ ન રહી ને એણે જોરથી સાગરનો હાથ પકડી લીધો.
''મનસ્વી.. ઘર આવી ગયું. ઘરે જવું છે કે લોંગ ડ્રાઈવમાં ઉપડી જવું છે..?''
મનસ્વી એકદમ ઝબકી. હાથ છોડી શરમાઈને ગાડીનો દરવાજો ખોલી ઉતરી ગઈ.
સાગર અને મનસ્વી ફ્લેટનો દરવાજો ખોલી અંદર આવ્યા. બંને તરફ સરખા આવેગ ઉછાળા મારી રહ્યા હતા અને ઘરનું એકાંત. સાગરે મનસ્વીને વળગીને પોતાના આશ્લેષમાં સમાવી લીધી. બંને ક્યાંય સુધી એકબીજાને વીંટળાયેલા રહયા. એકબીજામાં ગૂંથાઇને ઓતપ્રોત. બે આતુર પ્રેમીઓ એકબીજામાં સમાઈ જવા તત્પર થયા ને એક થઈ ગયાં. દેહ સાથે દેહ મળ્યા, શ્વાસ સાથે શ્વાસ અને મન સાથે મન. ને બસ આમ જ રાત વીતી ગઈ.
સવારે જ્યારે મનસ્વીની આંખો ખૂલી ત્યારે હજુ પણ સાગર એને જકડાયેલો સૂતો હતો. એક તૃપ્તિનો ઉચ્છવાસ અને એ હળવેકથી સાગરના માથે હાથ ફેરવીને એ ફરી મીઠી નીંદરમાં ખોવાઈ ગઈ. થોડીવાર પછી સાગરની આંખ ખૂલી પરંતુ મનસ્વી ઊઠી ન જાય એટલે હાલ્યા વગર પડ્યો રહ્યો. મનસ્વી જાગી ત્યારે સાગર એની સામે એકીટશે જોઈ રહ્યો હતો. મનસ્વીએ મીઠું શરમાઈ, પાંપણ ઢાળી દીધી. સાગરે એણે કાનમાં કહ્યું, ” આઈ લવ યુ. મારી મન્ની, મનમોહિની, આઇ લવ યુ” ને એને ગળે એક ચુંબન કર્યું. મનસ્વી બોલી, ‘મી ટૂ’. ને ફરી એક ગાઢ આશ્લેષ. આમ જ એકબીજામાં ગૂંથાઈ બેઉ જણ ક્યાંય સુધી પડ્યા રહ્યા. બસ એ જ નિરવ શાંતિ.
સમયને પાંખો આવી હતી એ જાણે ઊડતો હતો. પ્રેમ અને વિશ્વાસના આકાશમાં. આમ જ એક વર્ષ વીતી ગયું ને ઉપર બે મહિના પણ.
ને પછી એક સવારે
''બાર બાર દિન યે આયે બાર બાર દિલ યે ગાયે તુમ જીઓ હજારો સાલ યે મેરી હૈ આરજુ…
હેપી બર્થડે ટુ યુ હેપી બર્થ ડે ટુ યુ
હેપી હેપી બર્થ ડે ડીયર પરી બેટા..''
સ્તુતિની આંખ ખૂલી અને સામે મનસ્વી અને સાગરને જોઈ ને બે ય હાથ પહોળા કરી એકસાથે બંનેને વળગી પડી,
''થેંકયુ.. લવ યુ મમ્મા.. લવ યુ ડેડ...! ''
“યસ માય ડાર્લિંગ.. ફટાફટ નાહી ધોઈ ને ફ્રેશ થઈ જા.. તારા માટે એક સરપ્રાઈઝ પણ છે..''
આજે સ્તુતિ બાર વર્ષ પૂરા કરી તેર વર્ષની થઈ. આજે એની વર્ષગાંઠ હતી.મનસ્વી અને સાગરે રજીસ્ટર્ડ લગ્નનું નક્કી તો કર્યું હતું પરંતુ સ્તુતિને એ બાબતે જણાવશે કોણ એની રકઝક ચાલતી હતી. સ્તુતિ વિચારતી હતી, મોમ અને ડેડને કહું કે એ લગ્ન કરી લે એ જ મારી બર્થડે ગિફ્ટ. પણ એ બોલતાં ખચકાતી હતી. હવે એ ટીનેજર થઈ હતી. થોડું થોડું સમજવા માંડી હતી કે શું બોલાય શું નહીં. સાંજે હોટલમાં ડીનર લેવા જવાનું નક્કી કરી ત્યાં જ સ્તુતિને જણાવવાનું નક્કી કરી સાગર ઓફિસ બેગ લઈ નીકળવા જતો હતો. મનસ્વી થોડી મોડી જવાની હતી. અચાનક એને કંઈક યાદ આવ્યું હોય એમ એ બોલ્યો, 'મનસ્વી, મારા કબાટમાં ઓફિસ ફાઈલ પડી છે આપીશ પ્લીઝ.. '
‘હા’, કહીને મનસ્વી ફાઈલ લેવા ગઈ. ફાઈલ તો મળી ગઈ પરંતુ એની નજર સાથે જ પડેલી એક બીજી ફાઈલ પર પડી જેના ઉપર સ્તુતિનું નામ હતું. કોઈ ડોક્ટરની ફાઇલ જેવું લાગ્યું. મનસ્વીએ ફાઈલ ખોલીને જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ..“આ તો સ્તુતિના મેડિકલ રિપોર્ટ્સ. એ તો એની પાસે હતા. સાગરના કબાટમાં ક્યાંથી..?!! એણે રિપોર્ટ્સ ધ્યાનથી જોયા. આ રિપોર્ટ્સ એની પાસે જે ઓરિજીનલ રિપોર્ટ્સ હતા એના કરતાં તદ્દન જુદા જ હતા. એમાં ડો.સંદિપ બોડીવાલાને પણ મળવાનું રેફર કરેલું છે. સંદીપ એનો એક સમયનો ખાસ મિત્ર. આ તો કોઈ અજાણ્યું નામ હતું. સાગરે પોતાનાથી આ રિપોર્ટ્સ છૂપાવ્યા હશે..? મનસ્વીના મનમાં પ્રશ્નોનું તોફાન મચી ગયું.
-આરતી સોની.
***