રેડલાઇટ બંગલો ૪૩ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રેડલાઇટ બંગલો ૪૩

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૩

અર્પિતા રેડલાઇટ બંગલો પર પહોંચી ત્યારે રચના તેની રાહ જોઇને બેઠી હતી. રચનાએ તેને પોતાના રૂમમાં બોલાવી તેના કાકાના અવસાન બદલ દિલસોજી પાઠવી આરામ કરવા કહ્યું. અર્પિતા મનોમન બોલી:"હવે આરામ હરામ છે. રાજીબહેનના આ ધંધાને રામરામ કરી દેવા છે." પછી પોતાનું કામ થયું કે નહીં એ પૂછ્યું. રચનાએ તેને પોતાના મોબાઇલમાં રાજીબહેનની એ ખાસ તારીખ બતાવી દીધી. અર્પિતાએ એ તારીખ પોતાના મગજમાં નોંધી લીધી.

અર્પિતા તેના રૂમમાં ગઇ. આજે તેને થાક લાગ્યો હતો. પણ હવે ઓછા સમયમાં રાજીબહેનના સામ્રાજ્યનો અંત લાવવાની યોજના બનાવવાની હતી. રચનાનો જરૂર જેટલો સહયોગ લેવાનો હતો. અને મીનાને પણ સાવધાન કરવાની હતી. રાજીબહેનના બીજા રેડલાઇટ જેવા બિલ્ડિંગમાં રહેતી મીનાને તેણે ફોન કર્યો અને કેટલીક સૂચનાઓ આપી દીધી. મીના છેલ્લા ઘણા દિવસોથી અર્પિતાના સંદેશાની રાહ જોતી હતી. હવે તે આ ચક્કરમાંથી છૂટશે એનો આનંદ તેના અવાજમાં અર્પિતાને વર્તાયો. અર્પિતાને થયું કે જો બધું બરાબર પાર પડે તો રાજીબહેનના લોહીના વેપારના ધંધાનું શટર પડી જશે અને આ બંગલા પરથી રેડલાઇટનું સિગ્નલ હટી જશે.

અર્પિતા રાજીબહેનને મોટી શિકસ્ત આપવાનું ગોઠવી રહી હતી ત્યારે રાજીબહેનના મનમાં તેના માટે ભારે ગડમથલ ચાલી રહી હતી. રાજીબહેન અર્પિતા પાછી ફરે તેની રાહ જોતા હતા. ગઇકાલે તેમણે અર્પિતા પર ઘણો વિચાર કર્યો હતો.....

અર્પિતા ગામડાની ભોળી છોકરી જરૂર હશે પણ સમય અને સંજોગોએ તેને હોંશિયાર બનાવી દીધી લાગે છે. તેની દરેક હરકત શરૂઆતથી જ શંકાસ્પદ લાગી છે. તેનો બાથરૂમમાં નહાતો વિડિયો ઉતારી બ્લેકમેલ કરી અહીં ફસાવી દેવાનું બહુ મુશ્કેલ બન્યું નથી. પણ એ વાતને તેણે રચના કે બીજી છોકરીઓની જેમ સહજ રીતે સ્વીકારી હોય એમ લાગતું નથી. એટલે જ મારે નાછૂટકે તેના અને રચનાના રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવા પડ્યા છે. બાકી ધંધાનો નિયમ હું પાળતી રહી છું. બાજુના બંગલામાં જ્યાં ધંધો ચાલે છે ત્યાં કોઇ દિવસ કેમેરા લગાવ્યા નથી. નહીંતર શહેરના જાણીતા લોકોના સ્ખલનના વિડિયોથી જ હું સારું કમાઇ શકી હોત. અર્પિતાએ મને તેની જાસૂસી કરવા મજબૂર કરી છે. ભલે કેમેરામાં હજુ તેની કોઇ હરકત દેખાઇ નથી પણ ઘણી વખત પાવર ગયો ન હોવા છતાં કેમેરા બંધ દેખાયા એના પરથી એ શંકા વધારી રહી છે. એ કોઇ મોટી ચાલ ચાલી ના જાય એ માટે મારે સતર્ક રહેવું પડશે. અને એવી શક્યતાઓ ઘટાડવા કેટલાક પગલાં લેવા પડશે. એ ભાગી જાય તો પરવડે નહીં. તેના જેવી રૂપવતી અને પુરુષોની આંખમાં વસી જાય એવી છોકરી શોધવી અને અહીં લાવવી સરળ કામ નથી. તે માથું ના ઊંચકે એવો પ્રબંધ કરવો પડશે. નહીંતર કોલેજના પ્રિંસિપલ રવિકુમારના મારા માથા પર ચાર હાથ છે એ નહીં રહે. રવિકુમારને અત્યાર સુધી પૈસામાં જ રસ રહ્યો છે. એ તેમના હરવા ફરવાના અને વસ્તુઓ ખરીદવાના શોખ મારા ધંધા માટે કોલેજની છોકરીઓ પૂરી પાડીને પૂરા કરતા રહ્યા છે. એમના સહકારથી જ અર્પિતાને પ્રવેશ આપીને અહીં લાવી શકાઇ છે. અર્પિતા આવ્યા પછી મારી આવક વધી છે. તેના રૂપ અને ફિગરના દિવાનાઓ મોંમાગી કિંમત આપી જાય છે. તેને ગુમાવવાનું પાલવે એમ નથી. હજુ સુધી સ્પષ્ટ રીતે તેનો કોઇ ઇરાદો ખુલ્લો થયો નથી. પણ એ ક્યારેક નડી શકે છે. વધારે વિશ્વાસ મૂકવામાં જોખમ છે. તે વર્જીન હોવાની મેં ખાતરી કરાવી હતી પણ તે ગામ જઇને આવ્યા પછી વર્જીન રહી ન હતી. એની પાછળનું તેણે આપેલું કારણ હજુ સુધી ગળે ઉતર્યું નથી. અને મારી બિલ્ડિંગની બાજુના રેસ્ટહાઉસમાં પોલીસની રેડ પાડવા માટે કોણે ફોન કર્યો હતો એ પાકું જાણી શકાયું નથી. પણ છેલ્લે જે રીપોર્ટ મળ્યો એ અર્પિતા હોય શકે એવો ઇશારો કરી ગયો હતો. તેને આ ધંધો કરવો નથી એટલે જ તે કોલેજક્વીન સ્પર્ધા વખતે ઇજા પામી હતી કે નાટક કર્યું હતું. અને સામાજિક કારણોસર હવે વારંવાર ગામ ભાગી રહી છે. તેના પગનાં ઝાંઝરનો રણકાર મારા માટે રૂપિયાનો ઢગલો કરી આપે એવો છે. ભટકતી અર્પિતા ક્યાંક ભાગી ના જાય એટલે તેના પગમાં હવે સાંકળ નાખવી જ પડશે.

ગઇકાલના વિચારોને ફરી ઘૂંટીને રાજીબહેને ઘડિયાળમાં જોયું. અર્પિતા આવી ગઇ હશે એમ ધારી વીણાને બોલાવી. વીણાએ સમાચાર આપ્યા કે અર્પિતા આવી ગઇ છે, એટલે તેને બોલાવી લાવવા કહ્યું.

વીણા રાજીબહેનનો સંદેશ લઇને પહોંચી ત્યારે અર્પિતા આડી પડી હતી.

"દીદી, આવી ગયાં?"

"હા, આવ વીણા, તું કેમ છે?"

"હું તો મજામાં જ છું. તમારે શોક છે એ જાણું છું. આરામ થઇ ગયો હોય તો ચાલો, રાજીબહેન બોલાવે છે..."

"હું આવું છું પાંચ મિનિટમાં..." કહી વીણાને મોકલ્યા પછી અર્પિતા વિચાર કરવા લાગી. અર્પિતાને થયું કે તેના કાકાના અવસાન માટે શોક વ્યક્ત કરવો હશે. પણ તેને ખબર ન હતી કે રાજીબહેન તેને એ સાથે એક શોક-આંચકો આપવાના છે.

અર્પિતા રાજીબહેન પાસે પહોંચી ત્યારે તે સોફા પર મોબાઇલમાં વ્યસ્ત હતા. તેમણે અર્પિતાને ઇશારાથી બેસવા કહ્યું.

પોતાનું કામ પતાવી રાજીબહેન ઠાવકાઇથી બોલ્યા:" અર્પિતા, તારા કાકાના અવસાન વિશે જાણી દુ:ખ થયું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. શું થયું હતું એમને? અચાનક ગુજરી ગયા?"

"મેમ, એમને હ્રદયરોગનો હુમલો આવ્યો હોય એવું લાગે છે. સાંજે જમીને તે અચાનક ઢળી પડયા..."

"ઓહ! તારી મા એકલી પડી ગઇ હશે. તેમને અહીં શહેરમાં બોલાવી લે ને..."

"ના, હમણાં એ ત્યાં જ બરાબર છે. પછી જોઇશું..."

"હવે તું ક્યારથી શરૂ કરે છે?"

"હું કાલથી જ કોલેજ શરૂ કરી દઇશ..."

"હું તો તારી એપોઇન્ટમેન્ટ આપવા માટે પૂછું છું...."

અર્પિતા રાજીબહેનનો ઇશારો સમજી ગઇ. તે ગ્રાહકને ક્યારથી તારીખ આપવાનું શરૂ કરીશ એ પૂછવા માગતા હતા.

"જી, હજુ એક સપ્તાહ તો શોક રહેશે. એ પછી ગોઠવજો. મારે આમ પણ કોલેજમાં ઘણી રજા પડી છે એટલે બધું કવર કરવું પડશે..."

"પણ હવે તારે કોલેજ કરવાની જ નથી એટલે વાંચવા-લખવાની જરૂર જ રહેશે નહીં..."

"મતલબ?" અર્પિતાએ ચોંકીને પૂછ્યું. અર્પિતા માટે આ મોટો આંચકો હતો. તે કોલેજમાં જઇને અને બહાર રહીને પોતાની યોજનાને અંજામ આપવાની હતી. અને આ તો કોલેજ જ બંધ કરાવવા માગે છે.

"મતલબ સાફ છે. હું હવે તને કોલેજ મોકલવા માગતી નથી. તારે હવે ભણવાની જરૂર નથી. તને અહીં લાવવા માટે કોલેજ એક માર્ગ હતો. તારે હવે તારા કામ પર જ ધ્યાન આપવાનું છે. તારા માટે વધારે એપોઇન્ટમેન્ટ લેવામાં આવશે..."

અર્પિતાએ જાતને સંભાળી. રાજીબહેનની વાતનો તરત વિરોધ કરવામાં જોખમ હતું. તેમની મરજી વિરુધ્ધનું તે સાંખી લેતા ન હતા. તેમનો નિર્ણય માથા ઉપર ચઢાવવો જ પડે. નહીંતર તે પરલોક પણ પહોંચાડી દે એવી વાત રચનાએ તેને એક વખત કરી હતી. એક છોકરીએ તેમનો વિરોધ કર્યો એ પછી તે આ દુનિયામાં રહી ન હતી. તેણે તો રાજીબહેનને હરાવવાના છે. નાનકડી ભૂલ આશાના દરવાજા કાયમ માટે બંધ કરી દે એવું બની શકે.

અર્પિતાએ વિનંતીના સૂરમાં કહ્યું:"મેમ, આવું શું કરો છો? હું તમારો દરેક હુકમ માનીશ. મને ભણવાની તક આપો. મારી બુધ્ધિનો વિકાસ થતો રહે...."

"મારે તારી બુધ્ધિનો હવે વધારે વિકાસ કરવો નથી. એ મને ભારે પડી શકે એમ છે. અત્યારે જ તું મને વધારે બુધ્ધિમાન લાગે છે..." એમ મનોમન બબડી રાજીબહેન મોટા અવાજે બોલ્યા:"ભણીને કંઇ મળવાનું નથી. હું તારી ફી વધારી દઇશ....અઠવાડિયું રૂમ પર આરામ કર પછી તારી ડ્યુટી ચાલુ થઇ જશે. હવે તું જઇ શકે છે..."

"કાલથી જ કોલેજ જવાનું બંધ?"

"હા."

"પણ મારે કાલે તો જવું જ પડશે. કેટલીક છોકરીઓની બુક્સ મારી પાસે છે. લાઇબ્રેરીની બુક્સ જમા કરાવવાની છે. મારે ઘણી જગ્યાએ સહી કરવાની છે..."

અર્પિતાએ કાલનો દિવસ કોલેજ જવાની અનુમતિ માટે ઘણાં કારણ ગણાવ્યા. એટલે રાજીબહેને કોઇને કંઇ પણ વાત ન કરવાની સૂચના સાથે એક દિવસ માટે કોલેજ જવાની રજા આપી અને તેની સાથે એક છોકરી ચોકીદારીમાં રહેશે એવી માહિતી પણ આપી.

અર્પિતાને મુશ્કેલીથી એક દિવસ કોલેજ જવાની રજા મળી. પણ તે બહાર કોઇને મળી શકવાની ન હતી. અર્પિતાને થયું કે તેની યોજના હવે કેવી રીતે સાકાર થશે? તે બધું એક દિવસમાં કેવી રીતે ગોઠવી શકશે? રાજીબહેને તેનો બધો જ પ્લાન ચોપટ કરી દીધો છે. અર્પિતાની ચિંતા વધી ગઇ. તે રૂમમાં નિરાશ થઇને વિચારી રહી હતી. નક્કી રાજીબહેનને મારા પર શંકા વધી ગઇ છે. ભલે હું ક્યારેય પકડાઇ નથી પણ તેમને અંદેશો તો આવી જ ગયો હશે કે હું તેમની ઇચ્છા મુજબ ચાલી રહી નથી. આ કારણથી જ કેમેરા ગોઠવ્યા છે. જો હું રાજીબહેનના સામ્રાજ્યનો અંત લાવી નહીં શકું તો બીજી કોઇ છોકરી લાવશે નહીં. બીજી કોઇ છોકરીમાં હિંમત તો નથી જ ઉલ્ટાની રાજીબહેનથી ડરે છે. મારે કોઇપણ સંજોગોમાં રાજીબહેનના આ ધંધાનો અંત લાવવો જ છે. કોઇ વાંધો નહીં. ભલે એક સપ્તાહ મળ્યું નથી. મારી પાસે બહાર જવા માટે પૂરો એક દિવસ છે. અને એનો હું પૂરો ઉપયોગ કરી લઇશ. અર્પિતા પોતાનો નિર્ણય વધુ દ્રઢ કરીને મનોમન હસવા લાગી.

*

વર્ષાબેન અડધી રાત્રે દરવાજો ખોલતા પહેલાં હેમંતભાઇ આવ્યા હશે એમ વિચારી મલકાતાં હતાં પણ દરવાજો સહેજ ખોલ્યો ત્યારે સામે લાલજીને ઊભેલો જોઇ ચમકી ગયા. :"તું? લાલજી, આટલી રાત્રે આ શેના ધખારા છે?"

"મને પહેલાં અંદર આવવા દે પછી બધી વાત કરું.."

"આટલી રાત્રે અંદર ઘૂસવાની વાત કરે છે તો શરમ નથી આવતી. તારી ઇચ્છાઓ ફુંફાડા મારતી હોય એટલે સીધું મારે ત્યાં આવી જવાનું? મેં ના પાડી હતી ને કે હવે પછી મને હેરાન ના કરતો...."

"અરે! તને કેમ સમજાવું..."

"હું એટલી ભોળી નથી કે અડધી રાત્રે ધોતિયું પહેરીને દોડેલા કામી પુરુષને ઓળખી ના શકું."

"એ વાત નથી. મારે તારી સાથે કેટલીક વાત કરવી છે. તું દરવાજો ખોલ. તને હાથ પણ લગાવીશ નહીં. આ લાલજીનું વચન છે..."

વર્ષાબેનને હવે લાલજી પર વિશ્વાસ બેઠો. તેમણે કમનથી દરવાજો ખોલ્યો.

લાલજી તેની સામે બેઠો. તેનું મોઢું કોઇ કારણથી નીચું હતું. વર્ષાબેન તેને જોઇ રહ્યા. આજે લાલજી કંઇ અલગ જ લાગતો હતો. વટમાં અને ઉત્સાહમાં દેખાતા લાલજીનો ચહેરો કરમાયેલો હતો.

"હવે જે હોય તે કહી નાંખ. આ રાત મારા બાપની નથી. હમણાં કોઇ જોઇ જશે તો મારી રહી સહી ઇજ્જત ચાલી જશે. તારે તો શરમ જેવું ક્યાં કશું છે....."

"વર્ષા, હું તને એક ખાનગી વાત કહેવા આવ્યો છું...."

"તારી વળી શું ખાનગી વાત છે?"

"વાત એમ છે કે મારી તબિયત સારી ન હતી એટલે મેં દવાખાને મેડીકલ ચેકઅપ કરાવ્યું. એમાં મોટો રોગ પકડાયો છે. મને એઇડસ લાગુ પડ્યો છે. ખબર નથી કોની સંગતનું પરિણામ છે. પણ હવે મારું જીવન કેટલું છે એ હું કહી શકું એમ નથી..."

"ઓહ! તું ધંધા જ એવા કરતો હોય તો આવા રોગ લાગુ પડે જ ને! પણ હવે સારવાર કરાવને. મને શું કહેવા આવ્યો છે."

વર્ષાબેનને લાલજીના રોગ વિશે જાણીને આઘાત લાગ્યો હતો અને સાથે ગભરાટ થઇ રહ્યો હતો. એટલે ગુસ્સામાં બોલી રહ્યા હતા. પણ લાલજીએ હજુ પોતાની મૂળ વાત કરી ન હતી. વાત કેવી રીતે કરવી એ તેને સમજાતું ન હતું.

"મારે એક વાત તને કરવી છે એટલે આટલી રાત્રે આવ્યો છું...."

"અરે, મોણ નાખ્યા વગર હવે જે કહેવું હોય એ કહી દે ને..."

"હું.....હું મારી બધી સંપત્તિ તારા નામે કરવા માગું છું...અને હું તારી સાથે લગ્ન કરવા માગું છું...."

"લાલજી, તને આમ કહેતા શરમ પણ નથી આવતી. તું એઇડસનો રોગ લઇને ફરે છે અને મારી સાથે લગ્ન કરવાના સપનાં જુએ છે? હું પૈસાની એટલી તો ભૂખી નથી....તું નીકળ અહીંથી..."

"પણ મારી આખી વાત તો સાંભળ..."

"હવે બાકી શું રહ્યું છે?"

"તો સાંભળ..." કહી જ્યારે લાલજીએ બીજી એક વાત કરી ત્યારે વર્ષાબેન ચક્કર ખાઇને પડી ગયા.

*

અર્પિતાને એક દિવસ માટે કોલેજ જવા મળ્યું એ તકનો ઉપયોગ કરી શકશે? શું અર્પિતા રાજીબહેનની કેદમાંથી છૂટી નહીં શકે? લાલજીએ વર્ષાબેનને એવી કઇ વાત કરી કે ચક્કર ખાઇ ગયા? હેમંતભાઇને છંછેડવાની ગુસ્તાખી અર્પિતાને ભારે પડશે? આ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર અને એક પછી એક રહસ્ય ખોલતાં પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.

***

વાચકમિત્રો,

અંત તરફ ધસમસતી જઇ રહેલી "રેડલાઇટ બંગલો" નવલકથાને આપના દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, મારી ૯૮ બુકસને ૧૩૬૦૦૦ થી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે અને ૯૦૦૦૦ થી વધુ ડાઉનલોડ થઇ ચૂકી છે. આંકડા જ બતાવે છે કે આ નવલકથાને આપ ભરપૂર માણી રહ્યા છો. નવેમ્બર-૨૦૧૮ ના ડાઉનલોડ: ૨૧૦૮૫ સાથે માતૃભારતીના માસિક ટોપ ઓથર્સમાં મને ત્રીજું સ્થાન મળ્યું એ બદલ આપનો અને માતૃભારતીનો દિલથી આભારી છું. નવા વાચક બિરાદરોને ખાસ વિનંતી કે દરેકે દરેક પ્રકરણ વાંચશો તો વધુ આનંદ આવશે. અને કશું ચૂકી જશો નહીં. મિત્રો, આપનું રેટીંગ દરેક પ્રકરણ માટે જરૂર જરૂરથી આપશો. એ મને વધુ સારું લખવાનું પ્રેરણાબળ અને ઉત્સાહ આપે છે.

રેટ કરો અને રિવ્યુ આપો

Chetan Madhvani

Chetan Madhvani 3 માસ પહેલા

Bhart .K

Bhart .K 5 માસ પહેલા

Hims

Hims 10 માસ પહેલા

girish ahir

girish ahir 1 વર્ષ પહેલા

niyati

niyati 1 વર્ષ પહેલા