Matruhraday books and stories free download online pdf in Gujarati

માતૃહૃદય

"તુને ઑરો કે ગમ કહા દેખે હે અભી
હર બાર અપની તકદીરપે કયું રો પડતા હે?
હજારો એસે ભી હે યહા દોસ્ત
જીનહે હજારો ઠોકર ખાકે જીના પડતા હે"

હું છેક જ મોજીલો માણસ. કપડાં, હેરસ્ટાઇલ, વરુમમમમમમમ બાઇક, એય ને ભાઈબંધો સાથે ફરવાનું, જવાની...... મદમસ્ત જવાની...... કોઈ ભાન વગરનો..... બેજવાબદાર છોકરો..... બાપનો એકનો એક દીકરો....
"જલસાની જિંદગી આપડી તો..... દુઃખ કેવા હોય?"..... બસ આજ મારું વાક્ય હોતું. કોલેજના બે વર્ષ તો ક્યાં ઉડી ગયા ખબર જ ન પડી.
એ સમયે હું કોલેજના છેલ્લા વર્ષમાં હતો. હું મારું એજ સુંદર સુખી જીવન જીવતો હતો અને અચાનક પપ્પાની તબિયત લથડી ગઈ. હોસ્પિટલમાં ભરતી રાખવા પડ્યા..... પંદર દિવસની ટ્રીટમેન્ટ પછી પણ ડોકટરે કહ્યું કે હવે તમારે આરામ જ કરવો પડશે.....
મારી ઉપર એકાએક જવાબદારી આવી પડી. કોલેજનું છેલ્લું વર્ષ ચાલતું હતું. પપ્પાની સેવામાં કોઈ મહેનત ન થઈ. જેમ તેમ પેપર આપી ને ટી.વાય. પૃરું કર્યું..... એક મહિનાથી દુકાન બંધ હતી હવે તો ઘરે પૈસાની પણ અછત ચાલવા લાગી. આખરે મારે દુકાન સંભાળવાની જવાબદારી ઉઠાવી લેવી પડી.
સવારે ઉઠી પપ્પાને દવા ગોળી આપી નાસ્તો કરીને સીધો દુકાને તે બસ રાત્રે આંઠ વાગે ઘરે પાછા આવવાનું. પાર્લર , બગીચાની બેઠક, ભાઈબંધ બધું બંધ થઈ ગયું. હું દુઃખી દુઃખી થઈ ગયો.
કેટલું સુંદર જીવન હતું.....! હું બર્થડે ઉપર કેટ કેટલી દુકાનો માં કપડાં નો ઢગલો કરાવી દેતો.....! રાત સુધી એક એક દુકાન ફરી વળતો પણ કપડાં મને મનગમતા જ લેતો.... મમ્મી ઘણી વાર બોલતી " આ આપણે ઘરની દુકાન છે તો બીજેથી કેમ કપડાં લેતો હશે બેટા ?"
" મમ્મી " હું ચીડાઈ જતો " પપ્પા લોઇ પી જાય છે મારું ફોર્મલ ફોર્મલ..... કરીને....."
મને ચિડાયેલો જોઈ મમ્મી હસીને કહેતી " જવાદે એ બધું તારું ભણવાનું કેમ છે કે ?"
" એય ને ફર્સ્ટ કલાસ મમ્મી..... આપડો કલાસમાં ફર્સ્ટ રેન્ક હોય એટલે બસ યુનિવર્સીટી ફર્સ્ટ થવાની મને કોઈ લાલચ નથી...."
હું ખડખડાટ હસ્તો.... " પેલું કોઈ મહાન માણસે કહ્યું છે ને લાલચ નાસનું મૂળ છે....."
" નાલાયક.....તું નહિ જ સુધરે " મમ્મી પણ હસી પડતી....
મમ્મીને ત્યારે ક્યાં ખબર હતી કે હું આટલો સુધરી જઈશ......!
હું સવારે દુકાને જતો અને સાંજે પાછો આવતો. પપ્પાની પ્રામાણિકતાને લીધે ગ્રાહકો બંધાયેલા જ હતા. આમ અમારું જીવન ચાલતું હતું. પણ ત્યારે મને રહી રહીને કોલેજ, મિત્રો , પાર્લરની બેઠક યાદ આવ્યાં કરતી. અને હું આખો દિવસ દુઃખી દુઃખી જીવ્યા કરતો..... મારી સાથે જ કેમ આવું થયું ? એ સવાલ મને રાત દિવસ થયા કરતો. હજુ મારી અંદર સમજ નહોતી આવી હું નાદાન જ હતો..... હું ઘરે અતડો રહેતો. પપ્પા સાથે તો પેલેથી જ ન બોલતો પણ પછી તો મમ્મી સાથે પણ બોલવા ચાલવાનું સાવ ઓછું કરી દીધું હતું.
હજુ એ દિવસો તો મારા માટે મુશ્કેલ હતા ત્યાં અચાનક જ મારા ઉપર આકાશ ફાટી પડ્યું..... પપ્પાની તબિયત ફરી લથડી ગઈ અને બે દિવસનો એ તાવ જીવલેણ નીકળ્યો......
મેં ક્યારેય કોઈ દુઃખ નહોતા જોયા..... અને અચાનક જ આમ પપ્પા ગુજરી ગયા એ અસહ્ય થઈ પડ્યું. મમ્મી છેક જ ભાંગી પડી હતી.....
ફરી વીસેક દિવસ હું ઘરની બહાર ન નીકળ્યો. મને થયું મારી જિંદગી હવે બેકાર છે. હું કેટલાય દિવસો સુધી રૂમ માં ભરાઈને પડ્યો રહ્યો.
એ દિવસે મન જરાક સ્વસ્થ થયું એટલે હું દુકાને જવા નીકળ્યો. અને અચાનક મારી નજર કૃષ્ણની મૂર્તિ આગળ સફેદ વસ્ત્રોમાં બેઠી મારી મમ્મી ઉપર ગઈ...... આ શું ? મમ્મી એકાએક વૃદ્ધ...... મમ્મીના ચહેરા ઉપર એકાએક વૃદ્ધત્વ છલકાઈ ગયું. એકાએક કરચલીઓ ઉપસી આવી..... આંખો સુસ્ક થઈ ગઈ.... ચહેરો સાવ નિસ્તેજ ને ફિક્કો..... મારી આંખોમાં જળજલિયા આવી ગયા. કૃષ્ણની મૂર્તિ ઉપર નજર ગઈ એક આછું સ્મિત હતું એ મૂર્તિ ઉપર.....
" બેટા પ્રસાદ લઈને જા" મમ્મીએ મને જતો જોઈને કહ્યું.
મેં એક નજર પાછળ કરી અને કાઈ પણ બોલ્યા વગર દરવાજો પછાડી ને ચાલ્યો ગયો. દુકાનમાં પણ મારુ મન બેસતું નહોતું. પપ્પાની યાદ મમ્મીનો દુઃખદ ચહેરો ..... મને થતું હતું ભગવાને મને આમ આ ઉંમરે કેમ એટલું દુઃખ આપ્યું. અને એ મૂર્તિ કેમ મારી ઉપર હસતી હતી ? હું વિચારોની ખીણમાં પછડાતો હતો..... મારા જ શબ્દો એ ખીણમાં અથડાઈ ને મને વાગતા હતા..... નથી જીવવું એવું જીવન.....
મારાથી ન રહેવાયું. મને થયું હું ગૂંગળાઈને મરી જઈશ. મેં સટર વાસી દીધું. લોક મારી હું નીકળ્યો..... બાઇકમાં કી ભરાવી ત્યાં જ મારી નજર મારી દુકાનની પાવડી ઉપર ગઈ..... એક વૃદ્ધ લાગતી માંગણ બાઈ એના બાળકને સ્તનપાન કરાવતી ઉદાસ બેઠી હતી. અચાનક અવાજ સંભળાયો
" પેલે તિવારીએ બિચારીને દુકાનમાંથી ધક્કા મારીને નીકાળી છે......" મેં અવાજ તરફ ન જોયું બસ શબ્દો સાંભળ્યા અને અનાયાસે મારાથી કી બાઈકમાંથી કાઢી લેવાઈ. હું એની નજીક સર્યો.
એજ વૃદ્ધ દેખાતો ચહેરો..... એજ કરચલી પડેલી ત્વચા.... એજ પળીયાવાળા અમુક અમુક સફેદ વાળ..... એજ ચહેરો..... એજ સૂકી રણ જેવી આંખો ને છતાંય એમાંથી વહેતો, હજારો રણને ભીંજવીદે એવો અનંત પ્રેમ..... માત્ર પ્રેમ...... માં નું ચિત્ર શબ્દોમાં તો કેમ કહી શકાય ?
એની ઉંમર પચાસેક વર્ષની લાગતી હતી પણ એના ખોળામાં એ નાનું બાળક જોઈ મને સમજાયું કે એ તો માત્ર દુઃખની અસર હતી તો એની ઉંમર માંડ ત્રીસેક ની હશે.
હું વધારે નજીક સર્યો..... એનું ધ્યાન એના બાળક ઉપર જ હતું. બાળક દૂધ માટે વળખા કરતું હતું પણ એ સુકાઈ ગયેલી છાતી માં દૂધ હોવાની શક્યતા મને ન લાગી..... હતા તો માત્ર એ માં ની આંખમાંથી સરતા આંસુઓ .....
અચાનક એ માં ની નજર મારી ઉપર પડી. એના ચહેરાના ભાવ બદલાઈ ગયા કદાચ એને થયું હશે કે મારી નજરમાં ક્યાંક ગંદકી છે..... હું શરમથી નીચું જોઈ ગયો..... ના મારા મનમાં તો બાળક અને એ માં માટે લાગણીઓ હતી પણ એક નજરે જેમ હું એ જોતો હતો એ જોઈ કોઈને પણ મારા ઉપર ગંદો શક થાય એમાં કાઈ ખોટું નહોતું..... એના ચહેરાના ભાવ જાણે કહેતા હતા કે " અમારા દુઃખ ઉપર કોઈની નજર નથી જતી..... પણ....."
હું તરત સામેના તિવારી ના પાર્લરથી દૂધ, બિસ્કિટ અને ગ્લાસ લઇ આવ્યો. મેં જઈને એ દૂધ અને બિસ્કિટ એને આપ્યા. એના ચહેરાના ભાવ અચાનક બદલાઈ ગયા. કદાચ એને પણ હવે હું શું જોતો હતો એ સમજાઈ ગયું હતું.
હું સામેની પાવડી ઉપર બેઠો એ માં ને બાળકને જોઈ રહ્યો..... કેટલા સ્નેહથી એ બાળકને દૂધમાં પલાળીને બિસ્કિટના નાના નાના ટુકડા ખવડાવતી હતી..... મારા મનનું બધું જ દુઃખ ઓસરી ગયું..... એકાએક મન રૂના ઠગલા જેવું ખાલી થઈ ગયું.
બાળક હવે ખિલખિલાટ કરવા લાગ્યું હતું..... અને એ સ્ત્રી ના ચહેરા ઉપરની ઉદાસી ક્યાંય ખોવાઈ ગઈ.... ઉદાસીની જગ્યા ક્યારે એક હળવા સ્મિત થી ભરાઈ ગઈ એ કદાચ એને જ ખ્યાલ નહોતો રહ્યો..... હા એવું જ સ્મિત જે પેલી કૃષ્ણની મૂર્તિના મુખ ઉપર હતું.....
હું ક્યાંય સુધી એ દ્રશ્ય જોઈ રહ્યો..... મને થયું મારુ દુઃખ કાઈ છે જ નહીં..... તિવારી જેવા કેટલાય ના ધક્કા ખાઈને આ સ્ત્રી અને એના જેવી કેટલીયે માં માત્ર બાળક માટે જીવતી હશે.....
મેં મારા ખિસ્સા જોયા ત્રણ સો રૂપિયા નીકળ્યા મેં એ માં ને ત્રણસો રૂપિયા આપી દીધા. કાઈ પણ બોલ્યા વગર એણે હસીને લઈ લીધા. બે હાથ જોડીને એ હરખાતી હરખાતી ચાલી ગઈ.....
મારુ મન તો સાવ હળવું થઈ ગયું હતું. ક્યાંય કોઈ દુઃખ નહોતું રહ્યું... ન કોઈ વિચાર.... પણ હું સીધો જ ઘરે ગયો. મમ્મી ગીતાના અધ્યયાય વાંચતી હતી. હું જઈને એના ખોળામાં માથું મૂકી સુઈ ગયો..... મમ્મીએ વાંચવાનું ચાલુ જ રાખ્યું.... બસ એક સ્મિત એના ચહેરા ઉપર ફરી વળ્યું.... હા એવું જ સ્મિત જે પેલી ગરીબ માં ના ચહેરા ઉપર હતું.... કૃષ્ણની એ મૂર્તિ ઉપર હતું.....

વિકી ત્રિવેદી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED