14. ઉંદરોની ચેતવણી...
દરિયાના પાણી પર જહાજ ખેંચવું એ કંઈ જેવું તેમ કામ નથી, તેમાં બહુ થાક લાગે. પેલા વાદળી પાંખવાળા પક્ષીઓએ બેથી ત્રણ કલાક સુધી આ પરિશ્રમ કર્યો હતો. આ જ કારણે તેમને થાક લાગવા લાગ્યો અને ઊડવામાં હાંફ ચડવા લાગી. તેમણે ડૉક્ટરને કહેવડાવ્યું કે તેમને આરામની જરૂર છે. આથી, તેઓ વહાણને નજીક રહેલા અન્ય એક ટાપુ પર હંકારી ગયા. તેમણે વહાણને ઊંડી ખાડીમાં ઊભું કરી દીધું. વહાણ ખાડીમાં એવી રીતે ઊભું કરાયું હતું કે તે ખુલ્લા દરિયા પરથી જોઈ ન શકાય. આગળની સલામત મુસાફરી માટે, પક્ષીઓ આરામ કરી ફ્રેશ થઈ જાય એ માટે, તે જરૂરી હતું.
અત્યારે તેઓ જે ટાપુની ખાડીમાં ઊભા હતા તે ટાપુ વિશે ડૉક્ટરે ઘણું સાંભળ્યું હતું. ટાપુની મધ્યમાં ઊંચા, સુંદર પર્વતો હતા.
વહાણ ઊભું રહેતા જ ડૉક્ટર બોલ્યા, “પીવાનું પાણી ખૂટી ગયું છે, હું તેની શોધ કરવા જાઉં છું.” અને પ્રાણીઓ સામે જોઈને ઉમેર્યું, “તમે બહાર જઈને થોડી કૂદાકૂદ કરો એટલે પગ છૂટા થઈ જાય.”
પછી, જેવા તે સૌ વહાણ પરથી નીચે ઊતરવા લાગ્યા કે ડૉક્ટરે કંઈક નોંધ્યું. ઘણાં બધા ઉંદરો વહાણના ભંડકિયામાંથી બહાર આવી ટાપુ તરફ ભાગી રહ્યા હતા. તે સૌ વહાણ છોડીને જઈ રહ્યા હતા. જિપે પણ તેમને જોયા અને તે તેમની પાછળ દોડ્યો. ઉંદરની પાછળ દોડી તેને પકડવાનું કામ જિપને ખૂબ ગમતું, પણ ડૉક્ટરે તેને વાર્યો.
એવામાં એક મોટા કાળા ઉંદરે ડૉક્ટર સામે જોયું. તે તેમને કંઈક કહેવા ઇચ્છતો હતો. જોકે, જિપના કારણે તે સાવધાન બન્યો અને ડરતા ડરતા આગળ આવ્યો. તે ભલે ડૉક્ટર તરફ ખસતો હતો પણ તેની આંખો કૂતરાં પર જ હતી. તેને સ્વસ્થ થતા બે-ચાર પળ વીતી. પછી, તેણે પોતાનું મોં લૂછી, મૂછોના થોભિયાં સાફ કર્યા અને ડૉક્ટરને કહ્યું, “તમને ખબર જ હશે કે કોઈ પણ વહાણમાં ખાવા-પીવાની વસ્તુઓ પડી રહેતી હોય એટલે ઉંદર પણ રહેતા જ હોય.”
“હા, મને ખબર છે.” ડૉક્ટરે જવાબ આપ્યો.
“અને જયારે વહાણ ડૂબવાનું થાય ત્યારે વહાણમાં રહેતા તમામ ઉંદરો તે વહાણ છોડી દે છે...”
“એ પણ સાંભળ્યું છે.”
“આમ તો લોકો કહેતા હોય છે કે જેના પર આખું જીવન વિતાવ્યું હોય તેને તરછોડીને ભાગી જવું એ શરમજનક વાત છે. પણ, આ બાબતમાં તમે અમને વગોવી ન શકો. જો કોઈને બચવાની તક મળતી હોય તો ડૂબતા જહાજ પર રહી મરવાનું કોણ પસંદ કરે ?” ઉંદરે પોતાનો પક્ષ રજૂ કર્યો.
“સાચી વાત છે ; એકદમ સ્વાભાવિક અને વહેવારુ વાત. હું બરાબર સમજી શકું છું. તારે બીજું કંઈ કહેવું છે ?”
“હા.” ઉંદરે કહ્યું. “હું તમને કહેવા આવ્યો છું કે અમે આ વહાણ છોડીને જઈ રહ્યા છીએ. પણ, જતાં પહેલાં તમને ચેતવણી આપવા આવ્યા છીએ. આ વહાણ સાવ નબળું છે અને તેના પર મુસાફરી કરવામાં જોખમ છે. વહાણના બધા પાટિયાં સડી ગયા છે અને તેનું તળિયું પણ નબળું છે. તે બહુ જલદી દરિયાના તળિયે બેસી જશે.”
“પણ, તમને કેવી રીતે ખબર ?” ડૉક્ટરે પૂછ્યું.
“અમને ખબર પડી જાય.” ઉંદરે કહ્યું. “તમારા પગ નીચેથી જમીન સરકવા માંડે તો તમને ખબર પડી જાય ને, એવું ! વહાણ ડૂબવાનું થાય ત્યારે અમારી પૂંછડીમાં કશુંક ભોંકાતું હોય એવી ફીલિંગ થવા લાગે છે. આજે સવારે છ વાગે હું નાસ્તો કરતો હતો ત્યારે મને, પૂંછડીમાં કશુંક ભોંકાતું હોય એવી લાગણી થઈ. પહેલાં તો મને લાગ્યું કે મને સંધિવા થવાની તૈયારી છે, પણ પછી મેં મારા આંટીને પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમને પણ એવું જ ફીલ થાય છે. મારા આંટીને તમે ઓળખો છો. તેઓ લાંબા, સૂકલકડી અને કાબરચીતરાં છે, ગઈ વસંતમાં તમારી પાસે કમળાનો ઈલાજ કરાવવા આવ્યા હતા. તેમણે ચોખવટ કરી કે ખાલી તેમને અને મને જ નહીં પણ વહાણના બધા ઉંદરોને એવું ફીલ થાય છે. પછી, અમે સમજી ગયા કે વધીને બે દિવસમાં આ જહાજ ડૂબી જશે. આથી, સર્વસમંતિએ નક્કી થયું કે વહાણ કોઈ જમીન પાસે ઊભું રહે તો વહાણ છોડીને ભાગી જવું. ડૉક્ટર, આ વહાણ સડી ગયું છે. હવે તેમાં મુસાફરી કરશો તો ચોક્કસ ડૂબી જશો. એટલે અમે તો આ ટાપુ પર સારી જગ્યા શોધી ત્યાં જ ઘર વસાવવાના છીએ, આવજો.”
“આવજો.” ડૉક્ટરે કહ્યું. “અને હા, અમને ચેતવણી આપવા બદલ આભાર. તમે બીજાનો વિચાર કરો છો એ જાણીને ખૂબ આનંદ થયો. તારા આંટીને મારી યાદ આપજે. તેમને કહેજે કે મને તેમનો ચહેરો યાદ છે. જિપ, તે ઉંદરને જવા દે. તેનો પીછો છોડી મારી પાસે આવી જા.”
માટે પછી, ડૉક્ટર અને તેના બધા પ્રાણીઓ વહાણ પરથી ઉતરી ગયા. તે સૌએ પીવાનું પાણી ભરવા, હાથમાં ડોલ અને તપેલીઓ લઈ લીધી હતી. તેઓ ટાપુ પર પાણી શોધવા લાગ્યા અને વાદળી પાંખોવાળા પક્ષીઓ આરામ કરવા લાગ્યા.
“આ જગ્યા કેટલી અદ્ભુત અને ખુશનુમા છે, નહીં ! અહીં ઘણા બધા પક્ષીઓ છે. મેં આ ટાપુ વિશે ઘણું સાંભળ્યું છે, પણ તેનું નામ યાદ નથી આવતું. શું નામ હતું તેનું, શું નામ હતું...” ડૉક્ટર યાદ કરવાનો પ્રયાસ કરતા બબડ્યા.
“અરે, આ કનેરી ટાપુ છે.” ડબ-ડબે યાદ અપાવ્યું. “જુઓને, કેટલા બધા કનેરી ગાઈ રહ્યા છે.” (કનેરી – પીળા પીંછાવાળું ગાનારું પક્ષી)
ડબ-ડબની વાત સાંભળી ડૉક્ટર અટક્યા અને કનેરીઓનો કલરવ સાંભળવા લાગ્યા.
“હા, બરાબર. હવે, યાદ આવી ગયું. હું ય કેટલો મૂરખ છું, ચાલને એમને જ પૂછી લઈએ કે પીવાનું પાણી ક્યાં મળશે ?”
આ બાજુ જેવી કનેરીઓને ખબર પડી કે ડૉક્ટર ડૂલિટલ પીવાનું પાણી શોધી રહ્યા છે કે તે બધા આકાશમાંથી નીચે ઉતરી ડૉક્ટર પાસે આવ્યા અને તેમને ઠંડા-મીઠા પાણીના ઝરા પાસે લઈ ગયા. કનેરીઓ દરરોજ તે જ ઝરણામાં સ્નાન કરતા હતા. પછી, તેમણે ડૉક્ટરને જોવાલાયક સ્થળો બતાવ્યા અને તેમના બચ્ચાં જે ઘાસના મેદાનમાં ઉછરતા હતા તે જગ્યા પણ બતાવી.
પુશ્મી-પુલુંને તો આ ટાપુ પર મજા જ પડી ગઈ કારણ કે તેને ફળ કરતા લીલું ઘાસ વધારે ભાવતું અને વહાણ પર તેને સૂકવેલા સફરજન જ ખાવા પડતા હતા. તો બીજી બાજુ, ખીણમાં શેરડીની વાડ જોઈ ગબ-ગબ પણ ઉત્સાહમાં આવી ગયું, તેણે જોરથી સીટી વગાડી.
થોડા જ સમયમાં બધાએ ખાવા-પીવાનો ઘણો સામાન ભેગો કરી લીધો. તેમણે તેને પીઠ પર લાદ્યો અને કનેરીઓ તેમના માટે ગીત લલકારવા લાગ્યા. એ જ સમયે વાદળી પાંખવાળા બે પક્ષીઓ ઊડીને ડૉક્ટર પાસે આવ્યા. ઘાંય-ઘાંયમાં આવેલા તે બંને પક્ષીઓ ગભરાયેલા હતા.
“ડૉક્ટર,” તેમણે હાંફતા શ્વાસે કહ્યું, “ચાંચિયાઓ ખાડીમાં આવી તમારા વહાણ પર ચડી ગયા છે. તે બધા તમારી વસ્તુઓ તફડાવવા વહાણના ભંડકિયામાં ગયા છે. તેમના જહાજ પર અત્યારે કોઈ નથી. જો તમે અત્યારે કિનારે પહોંચી શકો તો તેમના જહાજ પર કબજો કરી શકાશે. વળી, તેમનું જહાજ ઝડપથી દોડે છે એટલે તેમાં બેસીને આરામથી ભાગી શકાશે. પણ, તમારે ઉતાવળ કરવી પડશે.”
“આ ઉપાય સારો, નહીં જોરદાર છે.” ડૉક્ટરે કહ્યું.
તેમણે બધા પ્રાણીઓને એક જ ઝાટકે મામલો સમજાવી દીધો, કનેરીઓને બાય-બાય કર્યું અને સૌ કિનારા તરફ દોડવા લાગ્યા.
જેવા તેઓ કિનારે પહોંચ્યા કે તેમણે લાલ સઢવાળું ચાંચિયાઓનું જહાજ જોયું. તે ખાડીમાં ઊભું હતું. પેલા બંને પક્ષીઓએ કહ્યું હતું તેમ, તેમના જહાજ પર અત્યારે કોઈ ન હતું. બધા ચાંચિયાઓ ડૉક્ટરના વહાણના ભંડકિયામાં હતા.
માટે, જ્હોન ડૂલિટલ અને તેમના પ્રાણીઓ ચુપકીદીથી પગ માંડતા ચાંચિયાઓના જહાજ પર ચડી ગયા.
ક્રમશ :