Doctor Dolittle - 2 books and stories free download online pdf in Gujarati

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 2

ડૉક્ટર પક્ષીઓની ભાષા વિષે જાણી રહ્યા ત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યા હતા. બપોરની ચાનો સમય થઈ ગયો હતો અને ‘જિપ’(કૂતરો) અંદર આવ્યો. પોપટે ડૉક્ટરને કહ્યું, “જુઓ, પેલો તમને કંઈક કહી રહ્યો છે.”

“તે મારી સામે જુએ છે અને પોતાના કાન પણ ઊંચા કરે છે.” ડૉક્ટરે કહ્યું.

“પ્રાણીઓ કાયમ બોલીને જ વાત કરે એ જરૂરી નથી.” પોપટે પોતાના નેણ નચાવતા મોટેથી કહ્યું. “તે પોતાના કાનથી, પગથી, પૂંછડીથી એ બધાથી પણ વાત કરતા હોય છે. કેટલીક વાર તેમને અવાજ કરવો ગમતો નથી. તેણે પોતાનું નાક એકબાજુએ ખેંચ્યું એ તમે જોયું?”

“તેનો મતલબ શું થાય ?”

“એનો મતલબ : ‘તમે જોતા નથી, વરસાદ બંધ થઈ ગયો છે ?’” પોલેનેશિયાએ જવાબ આપ્યો. “તે તમને પ્રશ્ન પૂછી રહ્યો છે. સામાન્ય રીતે પ્રશ્ન પૂછવા કૂતરાંઓ નાકનો ઉપયોગ કરે છે.”

થોડી જ વારમાં, ડૉક્ટર પ્રાણીઓની ભાષા પણ શીખી ગયા. પોતે જાતે તે ભાષામાં બોલી શકે અને પ્રાણીઓ કંઈ બોલે તો સમજી શકે એટલી સરસ રીતે. પછી, તેમણે માણસોના ડૉક્ટર તરીકેની પ્રૅક્ટિસ સાવ બંધ કરી દીધી.

પ્રાણીઓનો આહાર વેચતા માણસે જેવું બધા લોકોને જણાવ્યું કે ડૉ. ડૂલિટલ પ્રાણીઓના ડૉક્ટર બની ગયા છે કે ઘરડી સ્ત્રીઓ પોતાના ટૂંકા નાકવાળા અને રુવાંટીવાળા તમામ પાલતું કૂતરાંઓને કે જે વધારે પડતી કેક ખાઈને બીમાર પડી જતા હતા, તેમની પાસે લઈ આવવા લાગી. ખેડૂતો પણ ઘણા માઈલ દૂરથી પોતાના બીમાર ઘેટાં અને ગાયો લઈ તેમની પાસે આવવા લાગ્યા.

એક દિવસ ખેતરમાં ખેડ કરવા વપરાતો ઘોડો તેમની પાસે આવ્યો ; તે બિચારો, ઘોડાની ભાષામાં વાત કરી શકતા માણસને મળી ખુશ થઈ ગયો.

“ડૉક્ટર, તમને ખબર છે ?” ઘોડાએ કહ્યું, “ટેકરી પર રહેતા પેલા પ્રાણીઓના ડૉક્ટરને કંઈ આવડતું જ નથી. તે છેલ્લા છ અઠવાડિયાથી મારા ગોઠણની સારવાર કરી રહ્યો છે અને મારે ખરેખર ચશ્માંની જરૂર છે. મને એક આંખે ઓછું દેખાવા લાગ્યું છે. મને એ કહો કે માણસો ચશ્માં પહેરે તો ઘોડા કેમ ન પહેરી શકે ? પણ, ટેકરી પર રહેતા તે મૂર્ખ માણસે એક પણ વાર મારી આંખ તપાસી નથી. તે મને મોટી મોટી ગોળીઓ પીવડાવતો રહ્યો છે. મેં તેને કહેવાનો પ્રયત્ન કર્યો પણ તે ઘોડાની ભાષાનો એક પણ શબ્દ સમજતો નથી. ખરેખર તો મારે ચશ્માંની જ જરૂર છે.”

“અવશ્ય... અવશ્ય...” ડૉક્ટરે કહ્યું, “હું તારા માટે ચશ્માંની એક જોડ મંગાવી દઈશ.”

“તમે પહેરો છો એવા જ ચશ્માં મંગાવજો.” ઘોડાએ કહ્યું. “પણ, લીલાં કાચવાળા, જેથી હું ખેતર ખેડતો હોઉં તો સૂર્યનો તડકો સીધો આંખમાં વાગે નહીં.”

“ચોક્કસ.” ડૉક્ટરે કહ્યું. “તને લીલાં ચશ્માં જ મળશે.”

ઘોડો બહાર જઈ શકે એ માટે ડૉક્ટરે આગળનો દરવાજો ખોલ્યો કે ઘોડાએ કહ્યું, “ખરેખર તકલીફ શું છે એ તમે જાણો છો ? સાલું, બધાને એવું લાગે છે કે તે પ્રાણીઓની સારવાર કરી શકશે. પ્રાણીઓ કોઈ ફરિયાદ કરતા નથી એનો મતલબ એ નથી કે ગમે તે માણસ અમારી પર અખતરા કરવા લાગે. વાસ્તવિકતા તો એ છે કે માણસોના ડૉક્ટર બનવા જેટલી હોશિયારીની જરૂર પડે તેના કરતા અનેકગણી વધુ હોશિયારી પ્રાણીઓના સાચા ડૉક્ટર બનવા જોઈતી હોય છે. મારા માલિકના દીકરાને લાગે છે કે તેને ઘોડાઓ વિશે બધી જ ખબર છે. તેને આંખો નથી અને તેનો ચહેરો તેના શરીરની જેમ જાડો છે – કાશ તમે તેને જોઈ શકત... તેનામાં છાણના કીડા જેટલી ય અક્ક્લ નથી. તેણે ગયા અઠવાડિયે મારા પર સરસવનો લેપ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.”

“તેણે તે લેપ ક્યાં લગાવ્યો હતો ?” ડૉક્ટરે પૂછ્યું.

“અરે, તે તે લેપ ક્યાંય લગાવી જ ન શક્યો.” ઘોડાએ કહ્યું. “ફક્ત તેણે તેમ કરવાનો પ્રયાસ કર્યો અને મેં તેને લાત મારીને પાણી ભરેલા ખાબોચિયામાં ધકેલી દીધો.”

“ઓહ !” ડૉક્ટરે કહ્યું.

“આમ તો હું બહુ શાંત પ્રાણી છું ; લોકો સાથે શાંતિથી રહેનારું – કોઈ પણ જાતની ગરબડ નહીં કરનારું. પણ, પેલા પ્રાણીઓના ડૉક્ટરે મને ખોટી દવાઓ પીવડાવ્યા કરી એ ઓછું હોય એમ તે લાલ ચહેરાવાળા મહામૂરખે મારી સાથે વાંદરાવેડા કર્યા. પછી તો મારી સહનશક્તિની હદ આવે કે નહીં !”

“શું તે છોકરાને તેં કોઈ ગંભીર ઈજા પહોંચાડી છે ?” ડૉક્ટરે પૂછ્યું.

“ના ના.” ઘોડાએ કહ્યું. “મેં તેને સમજી વિચારીને યોગ્ય જગ્યાએ લાત મારી હતી. પેલો પ્રાણીઓનો ડૉક્ટર અત્યારે તેની સારવાર કરી રહ્યો છે ! વારુ, મને મારા ચશ્માં ક્યારે મળશે ?”

“બનતા સુધીમાં આવતા અઠવાડિયે મળી જશે. આવતા મંગળવારે ફરી આવજે – ગુડ બાય.”

ત્યાર પછી જ્હોન ડૂલિટલે લીલા ચશ્માંની સુંદર જોડ બનાવડાવી અને ખેડવાળો ઘોડો એક આંખે આંધળો થતા બચી ગયો. તેને બધું સરસ દેખાવા લાગ્યું.

પછી તો ફડલબીની આસપાસના પ્રદેશોમાં, ચશ્માં પહેરીને ફરતાં પ્રાણીઓ દેખાવા સામાન્ય થઈ ગયા. ઘોડો આંધળો હોય એ વાત જ દંતકથા બની ગઈ.

જોકે, જે પ્રાણીઓને ડૉક્ટર પાસે લાવવામાં આવતા તેમને ઘોડા જેવો જ અનુભવ થતો. જેવી તેમને ખબર પડતી કે ડૉક્ટર તેમની ભાષામાં વાત કરી શકે છે એટલે તેઓ પોતાને ક્યાં દુખે છે, કેવું દુખે છે એ તમામ વાતો જણાવી દેતા અને ડૉક્ટર માટે તેમનો ઈલાજ કરવાનું સહેલું થઈ જતું.

આ પ્રાણીઓ જયારે પાછા જતા ત્યારે પોતાના કુટુંબીજનો અને મિત્રોને કહેતા કે શહેરના છેડે આવેલા મોટા બગીચા અને નાના મકાનવાળી જગ્યામાં એક ડૉક્ટર રહે છે જે ખરા અર્થમાં ડૉક્ટર છે. અને જયારે પણ કોઈ જીવ બીમાર પડતો – ફક્ત કૂતરાં, ગાય અને ઘોડા જ નહીં, પરંતુ બધા પ્રકારના નાના જીવો પણ - જેવા કે ખેતરના ઉંદર, પાણીના ઉંદર, બેજર (ટૂંકા પગવાળું ઉભયજીવી પ્રાણી), ચામાચીડિયા - એ કોઈ પણ બીમાર પડતા કે તરત ડૉક્ટરના ઘરે પહોંચી જતા. આથી, ડૉક્ટરનો બગીચો તેને મળવા કે બીમારીના ઈલાજ માટે આવેલા જીવોથી ખીચોખીચ ભરાયેલો રહેતો.

ધીમે ધીમે તે એટલી મોટી સંખ્યામાં આવવા લાગ્યા કે ડૉક્ટરે અલગ અલગ પ્રાણીઓ માટે અલગ અલગ દરવાજા બનાવડાવવા પડ્યા. તેમણે મુખ્ય દરવાજા પર ‘ઘોડાઓ માટે’, બાજુના દરવાજા પર ‘ગાય માટે’ અને રસોડાના દરવાજા પર ‘ઘેટાંઓ માટે’ની તકતી લગાવી. દરેક પ્રકારના પ્રાણી માટે અલગ દરવાજો રહેતો. અરે, ઉંદર માટે પણ નાનું બોગદું બનાવવામાં આવ્યું હતું જે તેમને ભોંયરામાં દોરી જતું. ત્યાં તેઓ પોતાનો વારો આવવાની અને ડૉક્ટર તેમને તપાસવા આવે તેની રાહ જોતા બેસી રહેતા.

આમ, થોડાં જ વર્ષોમાં, અત્ર-તત્ર-સર્વત્ર, હજારો માઈલ દૂર રહેતા દરેક જીવો જ્હોન ડૂલિટલ - એમ.ડી.ને ઓળખવા લાગ્યા. શિયાળામાં બીજા દેશથી ઊડીને આવતા પક્ષીઓ પોતાના વતન પાછા ફરતાં ત્યારે, ત્યાંના પ્રાણીઓને, માર્શ પ્રદેશના ફડલબીમાં રહેતા, પ્રાણીઓની ભાષા સમજી શકતા અદ્ભુત ડૉક્ટર વિશે જણાવતા. આમ, તેઓ દુનિયાભરના પ્રાણીઓમાં પશ્ચિમી પ્રજા કરતા પણ વધારે પ્રસિદ્ધ થઈ ગયા. હવે, ડૉક્ટર પોતાના જીવનથી ખૂબ ખુશ હતા અને જીવનની દરેક પળને ઉલ્લાસથી માણતા જીવી રહ્યા હતા.

એક બપોરે ડૉક્ટર પોતાનું પુસ્તક લખવામાં વ્યસ્ત હતા, પોલેનેશિયા જ્યાં કાયમ બેસતો ત્યાં બારી પાસે બેસી પવનના કારણે લહેરાતા બગીચાના ઝાડ-પાન જોઈ રહ્યો હતો. અચાનક તે જોરથી હસ્યો.

“પોલેનેશિયા, તું કેમ હસે છે ?” ડૉક્ટરે લખવાનું બંધ કરી પોલેનેશિયા સામે જોયું.

પોપટે લહેરાતી હરિયાળી પરથી નજર હટાવ્યા વિના કહ્યું, “હું ખાલી વિચારતો હતો.”

“શું વિચારતો હતો ?”

“હું માણસો વિશે વિચારતો હતો.” પેલેનેશિયાએ કહ્યું. “માણસજાતને લાગે છે કે તે અદ્ભુત છે, પણ દુનિયા હજારો વર્ષોથી ચાલતી આવી છે અને આટલા લાંબા સમયમાં માણસો પ્રાણીઓની ભાષા વિશે એટલું જ શીખી શક્યા છે કે કૂતરું પૂંછડી હલાવે તો તેનો અર્થ તે ખુશ થયું છે એવો થાય છે. આ નવાઈ પમાડે એવું નથી ? તમે એવા પહેલાં માણસ છો જે અમારી ભાષામાં વાત કરી શકો છો. અરે, ઘણીવાર તો માણસોથી મને ભયંકર ત્રાસ ઉપજે છે – તેઓ એવી અફવા ફેલાવે છે કે પ્રાણીઓ મૂંગા હોય છે ; ‘મૂંગા!’ – હૂહ ! હું એક એવા મકાઉ(પોપટની એક જાત)ને ઓળખતો હતો જે સાત અલગ અલગ ભાષામાં ‘ગુડ મોર્નિંગ’ કહી શકતો હતો. તેને ગ્રીક પણ આવડતી હતી. ભૂરી દાઢીવાળા ઘરડા પ્રોફેસર તેને લઈ આવ્યા હતા, પણ તે રોકાયો નહીં. તે કહેતો હતો કે ઘરડો માણસ સાચી ગ્રીક બોલતો નથી અને તે ખોટી ભાષામાં વાત કરતા માણસ પાસેથી ભાષા શીખવા તૈયાર નથી. મને કાયમ તેની ચિંતા થાય છે. તેનું શું થયું હશે? માણસો આખી જિંદગીમાં જાણી શકે તેના કરતા અનેકગણી ભૌગોલિક જાણકારી તેની પાસે હતી.”

“તું ઘરડું અને સમજદાર પક્ષી છે.” ડૉક્ટરે કહ્યું. “તારી સાચી ઉંમર શું છે ? હું જાણું છું કે પોપટ અને હાથી ઘણી વખત ખૂબ લાંબુ જીવતા હોય છે.”

“હું મારી ઉંમર વિશે ચોક્કસ કહી શકું એમ નથી.” પોલેનેશિયાએ કહ્યું. “હું કદાચ એકસો ત્યાંસી કે એકસો બ્યાંસી વર્ષનો હોઈશ. પણ, મને યાદ છે કે હું આફ્રિકાથી પ્રથમ વખત અહીં આવ્યો ત્યારે રાજા ચાર્લ્સને મૃત્યુનો ભય હતો. તે ઓકના ઝાડમાં સંતાઈ રહ્યો હતો અને હું તેને જોઈ ગયો હતો.”

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED