5. રોમાંચક મુસાફરી
હવે પૂરા છ અઠવાડિયા સુધી, આફ્રિકાનો રસ્તો બતાવતા અને વહાણની આગળ ઊડતા જતા યાયાવર પક્ષી પાછળ, વહાણ તરતું રહેવાનું હતું. રાત્રે તે યાયાવર નાનકડું ફાનસ લઈને ઊડતું જેથી અંધારામાં વહાણ આડુંઅવળું ન ફંટાઈ જાય. ફાનસ લઈને ઊડી રહેલા યાયાવર પક્ષીને દૂરથી જોઈ અન્ય જહાજના લોકોને એવું લાગતું કે તેઓ કોઈ ખરતો તારો જોઈ રહ્યા છે.
તેઓ દક્ષિણ દિશામાં આગળ વધતા ગયા તેમ ગરમી વધતી ગઈ. પોલેનેશિયા, ચી-ચી અને મગર તો સૂર્યની ગરમીને માણવા લાગ્યા. તેઓ ખુશ થઈને જહાજ પર આમતેમ દોડ્યા કરતા અને દૂર સુધી નજર માંડતા, જાણે હમણાં જ આફ્રિકા ન દેખાઈ જવાનો હોય.
પણ, ભૂંડ, કૂતરો અને ઘુવડ આવા વાતાવરણમાં કંઈ ન કરી શકતા. તેઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. જહાજ પર પડતા સીધા તડકાથી બચવા તેઓ જહાજના છેડે ગોઠવાયેલા બેરલના પડછાયામાં જીભ કાઢીને બેસતા અને લીંબુપાણી પીતા રહેતા.
બતક ‘ડબ-ડબ’ તો ઠંડક મેળવવા વારેઘડીએ દરિયામાં ડૂબકી લગાવતું અને જહાજની પાછળ તરવા લાગતું. વળી, એટલાથી તેને ઠંડક ન થતી હોય તેમ ઘણીવાર જહાજની નીચે સરકી જઈ બીજી બાજુએથી બહાર નીકળતું. જોકે, આમ કરીને તે હેરિંગ નામની દરિયાઈ માછલી પણ પકડી લાવતું જે દર મંગળવાર તથા શુક્રવારે રાંધવામાં આવતી જેથી સાથે લેવામાં આવેલું માંસ લાંબો સમય સુધી ટકી શકે.
જયારે તેઓ વિષુવવૃતની નજીક પહોંચ્યા તો તેમણે ઊડતી માછલીઓને તેમની તરફ આવતા જોઈ. માછલીઓએ નજીક આવીને પોપટને પૂછ્યું, “શું આ ડૉ. ડૂલિટલનું જહાજ છે ?” પોપટે ‘હા’ કહી તો તેમણે કહ્યું, “અમને તે જાણીને ખૂબ આનંદ થયો છે કારણ કે આફ્રિકામાં રહેતા વાંદરાઓ ચિંતિત હતા કે ડૉ. ડૂલિટલ આવશે કે નહીં.” પોલેનેશિયાએ તેમને પૂછ્યું કે હજી તેમને કેટલું અંતર કાપવાનું છે ત્યારે ઊડતી માછલીઓએ જવાબ આપ્યો, “આફ્રિકાનો કિનારો હવે ફક્ત પંચાવન માઇલ દૂર છે.”
પછી નાના દાંતવાળી વ્હેલનું ટોળું મોજા સાથે હિલોળા લેતું તેમની પાસે આવી પહોંચ્યું. તેમણે પણ પોલેનેશિયાને પૂછ્યું, “આ જહાજ પેલા પ્રખ્યાત ડૉક્ટરનું જ છે ને ?” જયારે તેમને ખબર પડી કે જહાજ ડૉક્ટર ડૂલિટલનું છે ત્યારે તેમણે પોપટને કહ્યું, “ડૉક્ટરને પૂછો તો, મુસાફરી માટે કોઈ સામાન જોઈએ છે ?”
“હા, જહાજ પર ડુંગળી ખૂટી ગઈ છે.” પોલેનેશિયાએ જ કહી દીધું.
“અહીં નજીકમાં એક ટાપુ છે જ્યાં મોટી જંગલી ડુંગળીઓ ઊગે છે. તમે આગળ વધતા રહો, અમે ત્યાંથી ડુંગળી લઈ આવીએ છીએ.” આટલું કહી નાની વ્હેલનું ટોળું દરિયાના પાણીમાં દોડવા લાગ્યું. થોડી જ વારમાં પોપટે તેને ફરીવાર જોયું. તેઓ સમુદ્રીઘાસમાંથી બનેલા માળાઓમાં ડુંગળીઓ ભરી તેને ખેંચી લાવતા હતા.
બીજી સાંજે જયારે સૂર્ય આથમી રહ્યો હતો ત્યારે ડૉક્ટરે ચી-ચીને કહ્યું, “મને ટેલિસ્કોપ આપ. આપણી મુસાફરી પૂરી થવામાં છે. થોડી જ વારમાં આફ્રિકાનો કિનારો દેખાવો જોઈએ.”
તેમને ખાતરી હતી કે અડધી કલાક પછી તેમને જમીન જેવું દેખાશે પરંતુ અંધારું થવા લાગ્યું હોવાથી તેઓ કંઈ જોઈ શક્યા નહીં. પછી, કડાકા-ભડાકા સાથે ભયંકર તોફાન શરૂ થયું. પવન ગર્જના કરવા લાગ્યો ; ધોધમાર વરસાદ વરસવા લાગ્યો ; મોજા એટલા ઊંચા ઊછળવા લાગ્યા કે તે જહાજના સૌથી ઉપરી ભાગ સાથે અથડાવા લાગ્યા. પછી, મોટો ધડાકો થયો અને વહાણ ઝાટકો ખાઈને એક બાજુએ ફંગોળાયું.
“શું થયું ?” ડૉક્ટરે તૂતક પર આવીને પૂછ્યું.
“મને ખબર નથી.” પોપટે કહ્યું. “પણ, લાગે છે કે જહાજ ખરાબે ચડી ગયું છે. બતકને કહો બહાર જઈને તપાસ કરે.”
માટે, ડબ-ડબ ઊછળતા મોજામાં છલાંગ લગાવી પાણીની અંદર ગયું. થોડી વારે પાણીની બહાર આવી તેણે જણાવ્યું કે ‘વહાણ એક ખડક સાથે જોરથી ટકરાયું છે ; જહાજના તળિયે મોટું ગાબડું પડી ગયું છે અને પાણી ત્યાંથી અંદર ઘૂસી રહ્યું છે. જહાજ ઝડપથી ડૂબી જશે.’
“હે ભગવાન,” ડૉક્ટર બોલી ઊઠ્યા, “આપણે ગમે તેમ કરી આફ્રિકા પહોંચવાનું છે. હવે, તરીને જમીન સુધી પહોંચ્યા સિવાય છૂટકો નથી.”
પણ, ચી-ચી અને ગબ-ગબને તરતા ન્હોતું આવડતું.
“દોરડું પકડો.” પોલેનેશિયાએ જોરથી કહ્યું. “મેં તમને કહ્યું હતું ને કે દોરડું કામ આવશે. બતક ક્યાં છે ? ડબ-ડબ, અહીં આવ. દોરડાનો છેડો પકડ અને ઊડીને દરિયા કિનારે જઈ તેને તાડીના થડ સાથે બાંધી દે ; અમે બીજો છેડો અહીં જહાજમાં પકડી રાખીશું. જેમને તરતા નથી આવડતું તે દોરડા પર સરકીને જમીન સુધી પહોંચી જાય. આને જ ‘લાઈફ-લાઈન’ કહેવાય, સમજ્યા !”
આમ, કેટલાક તરીને, કેટલાક ઊડીને તો કેટલાક દોરડાં પર લટકીને, જમીન પર પહોંચી ગયા. ડૉક્ટરની પેટી અને બગલ થેલો પણ જેમ તેમ કરી કિનારે પહોંચાડવામાં આવ્યા.
તળિયે પડેલાં કાણાં સાથેનું જહાજ હવે સાવ ભાંગી ગયું હતું. પથ્થરના ખડક સાથે અથડાઈને તેના ફુરચા બોલી ગયા હતા અને છૂટા પડેલા લાકડાના ટુકડા અહીં તહીં તરી રહ્યા હતા.
પછી, તે તમામે તોફાન શાંત થતા સુધી ભેખડની ટોચ પર આવેલી સલામત ગુફામાં આશરો લીધો.
બીજી સવારે જયારે સૂરજે દેખા દીધી તો સૌ નીચે ઊતર્યા અને સમુદ્રના રેતાળ કિનારે લટાર મારવા નીકળ્યા.
“પ્રિય આફ્રિકા,” પોલેનેશિયાએ ઊંડો શ્વાસ લઈ કહ્યું, “અહીં પાછા આવીને ખૂબ સારું લાગે છે. ‘દુનિયાનો છેડો તે ઘર’ એમ જ નથી કહેવાયું. હું છેલ્લે અહીં હતો તે વાતને આજે એકસો ઓગણસિત્તેર વર્ષ થશે. જોકે, આટલા વર્ષો પછી પણ તારામાં રતીભારનો ય ફરક પડ્યો નથી. તું હજુ એવો ને એવો જ છે ; એ જ જૂની તાડીઓ, એ જ લાલ માટી, એ જ કાળી કીડીઓ.”
તેની આંખમાં આંસુ આવ્યા, પોતાના વતનને જોઈ તે ભાવુક થઈ ગયો હતો.
ત્યારે ડૉક્ટરને યાદ આવ્યું કે તેમના માથે ટોપી નથી ; કદાચ સમુદ્રી તોફાનમાં ઊડી ગઈ હશે. આથી, ડબ-ડબ તે શોધવા દૂર સુધી ગયું. અચાનક તેણે તે જોઈ. તે ખાસ્સી દૂર હતી અને રમકડાની હોડીની જેમ પાણીમાં હાલક-ડોલક તરી રહી હતી.
ડબ-ડબ તેને ઊંચકવા નીચે ગયું તો તેણે જોયું કે એક ગભરાયેલો સફેદ ઉંદર તેની અંદર બેઠો છે.
“તું અહીં શું કરે છે ?” બતકે પૂછ્યું. “તને ફડલબીમાં રહેવાનું ન્હોતું કહ્યું ?”
“હું ન્હોતો ઇચ્છતો કે તમે લોકો મને છોડીને ચાલ્યા જાવ.” ઉંદરે કહ્યું. “અને મારે ય આફ્રિકા જોવું હોય ને ! આફ્રિકામાં મારા સંબંધીઓ પણ રહે છે. માટે, હું સામાનમાં સંતાઈ ગયો હતો. આજ સુધી સૂકા રોટલા ખાઈને ટકી રહ્યો પણ... જહાજ ડૂબવા લાગ્યું એટલે મને મોત દેખાઈ ગયું. હું દૂર સુધી તરી શકતો નથી. જેટલું તરી શકાયું એટલું તર્યો પણ પછી થાકી ગયો એટલે લાગ્યું કે હવે સ્વર્ગે સિધાવવાનો સમય થઈ ગયો છે. અને ત્યારે, એ જ ક્ષણે, ડૉક્ટરની ટોપી તરતી તરતી મારી પાસેથી પસાર થઈ અને હું તેમાં કૂદકો મારીને બેસી ગયો.”
પછી બતકે, અંદર રહેલા ઉંદર સાથે જ ટોપી ઊંચકી લીધી અને તે ડૉક્ટર પાસે પહોંચ્યું. કિનારે રહેલા બધા જ જીવો ટોળે વળી ટોપીની અંદર જોવા લાગ્યા.
“આ તો ‘છૂપો રુસ્તમ’ નીકળ્યો.” પોપટે કહ્યું.
હવે તેઓ ડૉક્ટરની પેટીમાં જગ્યા શોધવા લાગ્યા જેથી ઉંદર તેમાં બેસી આરામદાયક મુસાફરી કરી શકે. પણ, અચાનક ચી-ચીએ કહ્યું, “સ્સ્સ્સ, મને કોઈના પગલાંનો અવાજ સંભળાય છે.”
આથી, બધા વાતો કરવાનું બંધ કરી તે અવાજ સાંભળવા લાગ્યા. થોડી જ વારમાં એક હબસીએ લાકડા પાછળથી દેખા દીધી. તે કાળા માણસે તેમને પૂછ્યું, “તમે લોકો અહીં શું કરો છો ?”
“મારું નામ જ્હોન ડૂલિટલ – એમ.ડી. છે.” ડૉક્ટરે કહ્યું. “હું આફ્રિકામાં માંદા પડેલા વાંદરાઓની સારવાર કરવા આવ્યો છું.”
“તો તમારે પહેલાં રાજા સમક્ષ હાજર થવું પડશે.” કાળા માણસે કહ્યું.
“શું, રાજા સમક્ષ ?” ડૉક્ટર અણગમાથી બોલ્યા. તેઓ વાંદરાઓના ઈલાજમાં એક મિનિટ પણ બગાડવા માંગતા ન હતા.
“જોલિગિન્કીના રાજા.” માણસે કહ્યું. “આ આખો વિસ્તાર તેમના તાબા હેઠળ છે. અને દરેક અજાણ્યા માણસને પ્રથમ તેમની સમક્ષ હાજર કરવામાં આવે છે. મારી પાછળ પાછળ ચાલ્યા આવો.”
આથી, બધાએ પોતપોતાનો સામાન ઊંચક્યો અને પેલા માણસને અનુસરતા ત્યાંથી ચાલી નીકળ્યા.
ક્રમશ :