4. આફ્રિકાથી સંદેશ આવ્યો
કાતિલ કહી શકાય તેવા શિયાળામાં, ડિસેમ્બર મહિનાની એક રાત્રે, તમામ પ્રાણીઓ રસોડાની સગડી પેટાવીને તેની આસપાસ ગરમીની હૂંફ લેતા બેઠા હતા. ડૉક્ટર પ્રાણીઓની ભાષામાં પોતે જ લખેલા પુસ્તકમાંથી એક પ્રકરણ વાંચી રહ્યા હતા. ત્યારે ઘુવડ ‘ટૂ-ટૂ’એ અચાનક કહ્યું, “સ્સ્સ્સ.. બહાર પેલો અવાજ શાનો થાય છે ?”
બધાએ અવાજ સાંભળવા કાન સરવા કર્યા અને કોઈ દોડતું હોય એવો અવાજ સંભળાયો. બીજી જ પળે દરવાજો ખુલ્યો અને વાંદરો ચી-ચી ભયંકર રીતે હાંફતો અંદર ઘૂસી આવ્યો.
“ડૉક્ટર!” તે ચીસ પાડી ઊઠ્યો. “આફ્રિકામાં રહેતા મારા પિતરાઈ તરફથી હમણાં જ સંદેશો મળ્યો છે. ત્યાં વાંદરાઓમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે. એક પછી એક વાંદરાઓ તેમાં સપડાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં મરી પણ રહ્યા છે. તેમણે તમારા વિશે સાંભળ્યું હતું અને તમને આફ્રિકા જઈ એ બીમારી રોકવા આજીજીપૂર્વકની વિનંતી કરી છે.”
“પણ, તને આ સંદેશો આપ્યો કોણે ?” પોતાના ચશ્માં ઉતારી, પુસ્તક નીચે મૂકતા ડૉક્ટરે પૂછ્યું.
“એક યાયાવાર પક્ષીએ.” ચી-ચીએ કહ્યું. “તે બહાર પાણીના પીપ પર બેઠું છે.”
“તેને અહીં તાપણા પાસે લઈ આવ. તે આજથી છ અઠવાડિયા પહેલાં નીકળ્યું હશે અને અત્યાર સુધીમાં તો ઠંડીથી અધમૂઉં થઈ ગયું હશે.” ડૉક્ટરને ચિંતા થઈ.
યાયાવર પક્ષીને અંદર લાવવામાં આવ્યું ; ધ્રૂજી રહેલા બધા પ્રાણીઓ એકબીજાની સોડમાં લપાઈ ગયા હતા. જાત જાતના પ્રાણીઓ પક્ષીઓ જોઈને પહેલાં તો યાયાવર ગભરાયું, પરંતુ પછી સ્વસ્થ થઈ સળગતી ભઠ્ઠીની છાજલી પર જઈને બેસી ગયું અને વાત કહેવા લાગ્યું.
જેવી તેણે વાત પૂરી કરી કે ડૉક્ટરે કહ્યું, “હું હોંશે હોંશે આફ્રિકા આવત – આવા કપરા અને જરૂરિયાતના સમયમાં તો ખાસ. પણ, મને ડર છે કે અમારી પાસે ટિકિટ ખરીદવાના પૈસા નથી. ચી-ચી, પૈસાની પેટી લઈ આવ તો...”
વાંદરો કબાટની છાજલી પર ચડી ત્યાંથી પૈસાની પેટી ઉતારી આવ્યો.
ડૉક્ટરે પેટી જોઈ, તેમાં કંઈ જ ન હતું – કાણી કોડી ય નહીં.
“મને ખાતરી છે કે તેમાં બે પેન્સ હતા.” ડૉક્ટર બોલી ઊઠ્યા.
“હા, હતા.” ઘુવડે કહ્યું. “પણ, બેજરના બચ્ચાંને દાંત આવવા શરૂ થયા ત્યારે તમે તેને ખણખણિયું ખરીદી આપ્યું હતું જેમાં તે ખર્ચાઈ ગયા હતા.”
“મેં ખર્ચ્યા ?” ડૉક્ટર યાદ કરવાનો પ્રયાસ કરતા બોલ્યા. “અરે હા, સાચે જ, પૈસા બહુ મોટી બલા છે. વારુ, ચિંતા કરવાની જરૂર નથી. કદાચ હું દરિયા કિનારે જઈશ તો એકાદ હોડી ઉછીની મળી જશે જેમાં આપણે આફ્રિકા જઈ શકીશું. હું એક ખારવાને ઓળખું છું. તેના દીકરાને ઓરી થયા હતા ત્યારે તે તેને મારી પાસે લઈ આવ્યો હતો અને મારી દવાથી છોકરો સાજો ય થઈ ગયો હતો. કદાચ, તે ખારવો આપણને હોડી આપશે.”
બીજા દિવસે વહેલી સવારે ડૉક્ટર દરિયાકાંઠે ગયા અને ત્યાંથી પાછા ફરીને પ્રાણીઓને કહ્યું, “બધું ગોઠવાઈ ગયું છે. ખલાસી આપણને હોડી આપવા તૈયાર છે.”
આ સાંભળી મગર, વાંદરો અને પોપટ ખૂબ જ ખુશ થઈ ગયા. તેઓ ગીતો ગાવા લાગ્યા. આફ્રિકા તેમનું વતન હતું અને તેઓ ત્યાં પાછા જવાના હતા. પોતાની વાત આગળ ધપાવતા ડૉક્ટરે કહ્યું, “હું તમારા ત્રણ સિવાય – કૂતરાં જિપને, બતક ‘ડબ-ડબ’ને, ભૂંડ ‘ગબ-ગબ’ને અને ઘુવડ ‘ટૂ-ટૂ’ને સાથે લઈ જઈ શકીશ. બાકીના બધા પ્રાણીઓ અમે પાછા આવીએ ત્યાં સુધી અહીં જ રહેશે અને ડોર્માઈસ (દિવસનો મોટો ભાગ ઊંઘી રહેતા ઉંદર જેવા પ્રાણીઓ), પાણીના ઉંદર તથા ચામાચીડિયા તેમના જન્મસ્થળ એવા ખેતરોમાં ચાલ્યા જશે. આમેય, આખો શિયાળો તેઓ સૂઈ રહે છે માટે તે ચિંતાનો વિષય નથી. વધુમાં, આફ્રિકા આવવું તેમના માટે હિતકારી પણ નથી.”
હવે, પોપટ કે જેણે પહેલાં લાંબી દરિયાઈ સફર ખેડેલી હતી, તે જહાજ પર શું શું લઈ જવું પડશે એ વિશે માહિતી આપવા લાગ્યો, “આપણે ઘણી બધી પાઈલોટ બ્રેડ (સામાન્ય રીતે દરિયાઈ મુસાફરીમાં લઈ જવામાં આવતા એક પ્રકારના બિસ્કિટ) લઈ જવી પડશે. એ ઉપરાંત ‘સૂકા રોટલા’, ધાતુના પીપમાં માંસ તથા આપણું પોતાનું લંગર.”
“મને લાગે છે કે જહાજનું અલાયદું લંગર હશે જ.” ડૉક્ટરે કહ્યું.
“ભલે, પણ ખાતરી કરી લેજો. કારણ કે તે ખૂબ જરૂરી વસ્તુ છે. જો આપણી પાસે લંગર ન હોય તો આપણે ક્યાંય ઊભા ન રહી શકીએ. અને એક ઘંટડી પણ જોઈશે.”
“ઘંટડીની શી જરૂર છે ?” ડૉક્ટરે પૂછ્યું.
“સમય જાણવા. આપણે તેને દર અડધી કલાકે વગાડીશું જેથી ગમે ત્યારે કેટલા વાગ્યા છે તેની જાણકારી રહે. અને જથ્થાબંધ દોરડું પણ જોઈશે. દોરડું મુસાફરીમાં હંમેશા કામ આવતું હોય છે.”
પછી તે સૌને ફિકર થવા લાગી કે આ બધી ચીજ-વસ્તુઓ ખરીદવા પૈસા ક્યાંથી આવશે.
“પૈસા, માથાનો દુખાવો !” ડૉક્ટરે મોટેથી કહ્યું. “હે ભગવાન, મને આફ્રિકા પહોંચીને ઘણો આનંદ થશે જ્યાં અમારે પૈસાની કોઈ જરૂર નહીં રહે. હું જઈને કરિયાણાવાળાને પૂછી આવું છું કે આપણે પાછા આવીને તેને પૈસા ચૂકવીશું તો ચાલશે કે કેમ. ના, હું ખલાસીને જ તેની પાસે મોકલું છું.”
પછી ખલાસી કરિયાણાવાળા પાસે ગયો અને તેમને જોઈતી બધી વસ્તુઓ લઈ આવ્યો.
પ્રાણીઓએ બધો સામાન બાંધ્યો, ઘરની પાઇપોનું પાણી (ભારે ઠંડીના કારણે) થીજીને બરફ ન થઈ જાય એ માટે આવતા પાણીનો વાલ્વ બંધ કર્યો, ઘરના તમામ નળ ખોલીને લાઇનો ખાલી કરી નાખી, શટર પાડ્યા, આખું ઘર બંધ કર્યું અને ઘરની ચાવીઓ તબેલામાં રહેતા ઘરડા ઘોડાને સોંપી. જયારે તેમને ખાતરી થઈ ગઈ કે તબેલાની ઓરડીમાં ઘોડાને આખો શિયાળો ચાલે એટલું ઘાસ છે તો સૌ પોતપોતાનો સામાન ઊંચકી દરિયા કિનારે પહોંચ્યા અને હોડીમાં ગોઠવાયા.
પ્રાણીઓનો આહાર વેચતો માણસ તેમને વિદાય આપવા આવ્યો હતો. ડૉક્ટરને ભેટ આપવા તે ખૂબ મોટા પ્રમાણમાં ચરબી અને માંસથી બનેલી વાનગી લઈ આવ્યો હતો. તેણે કહ્યું, “મેં સાંભળ્યું છે કે વિદેશની ભૂમિ પર આ વાનગી મળતી નથી.”
બાદમાં જેવા તે સૌ જહાજ પર ચડ્યા કે ‘ગબ-ગબે’ પૂછ્યું, “સૂવાની પથારી ક્યાં છે ?” ત્યારે બપોરના ચાર વાગ્યા હતા અને તેને એક ઝોકું મારવાની ઇચ્છા હતી. તેથી પોલેનેશિયા તેને જહાજમાં નીચે લઈ ગયો અને દિવાલમાં લાગેલા એક બીજા પર ગોઠવાયેલા સૂવાના પાટિયાં બતાવ્યા.
“આ પથારી નથી,” ગબ-ગબ બોલી ઉઠ્યો, “આ તો કબાટ છે !”
“જહાજમાં હંમેશા આવી જ પથારી હોય છે.” પોપટે કહ્યું. “તે કબાટ નથી. તેમાંથી કોઈ એકમાં લંબાવીને સૂઈ જા. તે ‘બંક’ તરીકે ઓળખાય છે. આ તારી પહેલી મુસાફરી છે એટલે તને બધું વિચિત્ર લાગશે, પણ થોડા સમય પછી ફાવી જશે.”
“આમ તો... મને લાગે છે કે અત્યારમાં ઊંઘ નહીં આવે.” ગબ-ગબે કહ્યું. “હું ખૂબ ઉત્સાહિત છું. મારે ફરી ઉપર જઈ જહાજ ચાલુ થતા જોવું છે.”
“તો ચાલ.” પોલેનેશિયાએ કહ્યું અને તે નીચેનું ગીત ગણગણતા જહાજના પગથિયાં ચડવા લાગ્યો,
કાળો હોય કે રાતો, સમંદરની સરખી ચાલ,
વિટ નામના ટાપુ પર, હું ગયો હતો એક સાલ,
પીળી હતી નદી, જે હતી બેનમૂન,
કેસરી દેખાતી રાતે, હું થઈ જતો સૂનમૂન,
લીલી છમ ભૂમિ હવે પાછળ છૂટી જાશે,
સમંદરને પાર કરતા ભીનો પવન વા’સે,
ઘણા બધા રંગો જોઈ હું પાકી ગયો છું,
ઉંમર થઈ છે મારી, હું થાકી ગયો છું.
તેઓ તેમની મુસાફરી શરૂ કરવાના જ હતા કે ડૉક્ટરે કહ્યું, “ખલાસી પાસે જઈ આફ્રિકાના રસ્તા વિશે પૂછવું પડશે.”
પણ, યાયાવર પક્ષીએ કહ્યું કે તે આફ્રિકા દેશમાં ઘણીવાર ગયું છે અને તે જ તેમને ત્યાં લઈ જશે. આથી, ડૉક્ટરે ચી-ચીને લંગર ઉઠાવવા કહ્યું.
ક્રમશ :